Rahashymay Murti books and stories free download online pdf in Gujarati

રહસ્યમય મૂર્તિ

રહસ્યમય મૂર્તિ

( ભાવિક એસ. રાદડિયા )

અમે પુરાતત્વ વિજ્ઞાનનો અભ્યાસ પૂર્ણ કર્યો એના તો દસ વર્ષ પૂર્ણ થઈ ગયાં છે. છતાં હજીયે અમે બધાં આ ક્ષેત્રમાં વિદ્યાર્થી જ છીએ. દરરોજ નવાં કોયડાઓ સોલ્વ કરવાનાં અને એ પછી નેકસ્ટ ટાસ્કની રાહ જોવાની...

જોકે અમારે ક્યારેય ‘રાહ’ જોવાની નોબત આવી જ નથી! આફ્રિકન સરકાર અમારા માટે ઘણી મહેનત કરે છે....! ઓછામાં ઓછાં પાંચ દસ વર્ષનું સંશોધન કેલેન્ડર થોપી દે' અમારા ઉપર. અલબત અમને ક્યારેય પણ કામ કરવાનો કંટોળો નથી આવ્યો. ગમતાં કામને પ્રોફેશન તરીકે અપનાવવાના સૌથી મોટા ફાયદાઓ માંનો એક ફાયદો એટલે - "કામ કરવાથી ક્યારેય થાક ના લાગે અને કામ કરવાનો ક્યારેય કંટાળો ના આવે." હું અને પીટર હંમેશા તૈયાર જ હોઈએ નવું કામ કરવા માટે. મને ગર્વ છે કે મારા દેશની આટલી મોટી જવાબદારી મને સોંપવામાં આવી છે.

***

"પીટર, આપણા નવાં પ્રોજેક્ટની ફાઈલ મેં તારી ઓફીસમાં ટેબલ પર મૂકી છે. તું ધ્યાનથી ડેટા ટેબલ બનાવી લેજે. હું કૉન્ફરન્સ રુમમાં ડૉ. બ્રાઉન સાથે જરુરી વાતચીત કરવા માટે જાઉં છું. ઓકે, બાય...!" મારો સાથી રસ્કિન, એકીશ્વાસે ફોન પર બોલી ગયો.

રસ્કિન એટલે મારા જીવનની એક એવી વ્યક્તિ કે જેની સાથે હું વાત ન કરું ત્યાં સુધી મારી સવાર ના થાય! એ ઘણો જ હોંશિયાર અને પ્રતિભાશાળી વ્યક્તિ છે. મારી જિંદગીનાં સૌથી શ્રેષ્ઠ દિવસો મેં તેમની સાથે વિતાવ્યા છે. - અમેરિકન યુનિવર્સિટીમાં જ્યારે અભ્યાસ કરતાં હતા ત્યારે રજાઓના દિવસોમાં અમે 'સ્ટેગર્ડ હીલ' જતાં. ટોચ પર પહોંચીને અમે વર્લ્ડ ચેમ્પિયન હોઇએ એમ બૂમો પાડતાં. એકવાર પીટરને તેની ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો અને તેઓનો સંબંધ હંમેશ માટે સુકાઈ ગયો. ખીલેલા બગીચા જેવો પીટર કરમાઈ ગયો! તેને એ આઘાત માંથી બહાર લાવવા મેં જેટલી મહેનત કરી હતી એટલી મહેનત તો હું મારી ગર્લફ્રેન્ડને મનાવવા માટે પણ નથી કરતો. એ છીવાય અમે બીજા વિશ્વ યુદ્ધ પછી આફ્રિકાનો દરિયામાં ડૂબી ગયેલો ખજાનો અમે સાથે મળીને શોધેલો, ભારતમાં આવેલી બૌદ્ધ સમયની ગુફાઓના અવશેષો અમે જ એકત્રિત કરેલાં, મેમથ હાથીઓના હાડપિંજર પણ અમે જ ઉત્ખનનથી શોધી કાઢેલા. રસ્કિનની લાઈફમાં કશુંજ સીધું સાદું હોતું જ નથી, દરરોજ કંઈક નવું એડવેન્ચર, નવો પડકાર હોય છે. આજે એ જે પ્રોજેક્ટ લાવ્યો છે એ પણ કંઈક નવો જ હશે!

અમારે પુરાતત્વ કાળની એક સોનાની મૂર્તિ શોધવાની હતી. મેં તેનો ડેટા તૈયાર કર્યો જે આ મુજબ હતો:

સોનાની મૂર્તિ આફ્રિકાનાં રાજા ક્રેટરની છે. રાજ ખજાના તરીકે જાણીતી મૂર્તિની ચોરી કરીને તેને જંગલમાં છુપાવવામાં આવી છે તેવું માનવામાં આવે છે. મૂર્તિ સાથે ઘણીબધી લોક વાયકાઓ જોડાયેલી છે.

એવું કહેવાય છે કે આફ્રિકાના રાજાને અપમાનીત કરવા માટે ઈજીપ્તની સામ્રાજ્ઞી ક્લિઓપેટ્રાએ એ મૂર્તિની ચોરી એક બદનામ જાદુગર પાસે કરાવી હતી. મૂર્તિની ચોરી કર્યા બાદ જાદુગરની નિયત બગડતા તેણે મૂર્તિને ઈજીપ્ત લઇ જવાને બદલે તેને જંગલમાં છુપાવી દીધી. રાણી ક્લિઓપેટ્રાને આ વાતની જાણ થતા જ તેણે મોકા નો ફાયદો ઉઠાવ્યો અને આફ્રિકાને આ વાતની જાણ કરી દીધી. આફ્રિકા અને ઈજીપ્તની સૈન્ય શક્તિ સામે જાદુગર વામણો સાબિત થયો. તેણે પોતાનો જીવ બચાવવા માટે ખતરનાક કાળી જાદુઈ શક્તિનો પ્રયોગ કર્યો. જાદુગરની એ કાળી શક્તિના પ્રભાવથી બંને દેશના સૈનિકો ત્યાંજ મૃત્યુ પામ્યા અને જંગલ સ્મશાન બની ગયું. એ કાળી શક્તિના પ્રકોપથી બચવા માટે જાદુગર સોનાની મૂર્તિમાં સમાય ગયો. આ પછી એ જંગલમાં કોઈ ગયું નથી. ત્યાં જીવસૃષ્ટિ સદંતર નાશ પામી છે. કેટલાક લોકોનું માનવું છે કે એ જાદુગર વર્ષો પછી આજે પણ એ મૂર્તિમાં જીવંત બેઠો છે. મૂર્તિની લાલચમાં એ જંગલમાં જવાની હિંમત કરનાર દરેકને એ જાદુગર મૂર્તિના બદલે મૃત્યુ આપે છે.

એક બીજી માન્યતા એવી પણ છે કે, એ મૂર્તિ આફ્રિકાના રાજા ક્રેટરની નહીં પણ ઈજીપ્તની રાણી ક્લિઓપેટ્રાના પ્રેમી હુમાયુની છે. હુમાયુ આફ્રિકાનો પ્રિન્સ હતો. પરંતુ બંને દેશોના તંગ સંબંધોના લીધે તેઓ વચ્ચે ક્યારેય પ્રણયનું ઝરણું સ્થિર રહી શક્યું નહિ. આખરે હુમાયુ કંટાળી ગયો. તેણે પોતાના જ રાજ્યને ધ્વસ્ત કરવાનું નક્કી કરી નાખ્યું. ક્લિઓપેટ્રાના સોન્દર્યમાં મોહાંધ બનેલા હુમાયુએ પોતાનો રાજ્ય ખજાનો છુપી રીતે ઈજીપ્ત પહોચાડ્યો. ઈજીપ્ત જેવા મહાન સામ્રાજ્યનો શહેનશાહ બનવાના સપના સેવતા હુમાયુ માટે ક્લિઓપેટ્રાએ તેની વિશાળ મૂર્તિ બનાવડાવી. આફ્રિકાની રણનીતિ જાણી લઈને બીજા જ દિવસ રાણી ક્લિઓપેટ્રાએ અચાનક જ આફ્રિકા પર તેના પૂર્વ પ્રેમી સાથે મળીને ઘાતકી હુમલો કર્યો અને આફ્રિકાની દુશ્મનીને હંમેશ માટે રગદોળી નાખી. ક્લિઓપેટ્રાએ યુદ્ધના અંતે હુમાયુને પણ હોમી દીધો! તેણે આવું શા માટે કર્યું હતું એ રહસ્ય હજુ પણ અકબંધ છે. હુમાયુની લાશને ઠેકાણે પાડવા તેને સોનાની મૂર્તિ સાથે જડવામાં આવ્યો અને જંગલમાં છુપાવી દીધો. બધુંજ શાંત થઇ જતા ક્લિઓપેટ્રાએ તેના પૂર્વ પ્રેમી સાથે લગ્ન કર્યા અને હુમાયુની મૂર્તિ પાછી લાવવા માટે તે જંગલમાં ગઈ. ઘણાં લોકોનું માનવું છે કે જંગલમાં હુમાયુ પ્રેત તરીકે જીવતો હતો, તેણે દગાખોર ક્લિઓપેટ્રાને મોતને ઘાટ ઉતારી. તો અમુક લોકોનું માનવું એવું પણ છે કે ક્લિઓપેટ્રા એક હવસખોર રાણી હતી. તે હુમાયુના મૃત્યુ પછી પણ તેની પાસે ફક્ત શારીરિક સુખ મેળવવા માટે જંગલમાં દરરોજ જતી હતી. જયારે એક પક્ષ એવો પણ હતો જે રાણી ક્લિઓપેટ્રાને પવિત્ર અને નિષ્ઠાવાન વીરાંગના માને છે. પોતાના રાજ્યને કોઈપણ ભોગે બચાવવા માટે કટિબદ્ધ અને વચનબદ્ધ એવી કુશળ રાણી ક્લિઓપેટ્રાના વખાણ કરતા તેઓ થાકતા નથી. રહસ્યમય રાણી ક્લિઓપેટ્રાની સચ્ચાઈ કોઈ જાણતું નથી કે તેના કોઈ પુરાવાઓ પણ પ્રાપ્ય નથી.

પુરાતત્વ વિજ્ઞાન પુરાવાઓ માંગે છે, લોક વાયકાઓ નહિ! અમારે આ મૂર્તિની સચ્ચાઈ લોકો સામે લાવવાની હતી. વર્ષોથી દબાયેલા ઈતિહાસને બેનકાબ કરવાનો હતો.

***

અમારું ઝનુન જ અમને અહિં ખેંચી લાવ્યું હતું. છતાં હવે મારી ધીરજ ખુટી રહી હતી. ચારેતરફ ફક્ત જંગલ જ હતું. હું ચાલી ચાલીને લોથપોથ થઇ ગયો હતો.

"પિટર હજું કેટલું ચાલવાનું છે યાર?!" મેં અકળાઈને પૂછ્યું.

"આપણે સોનુ શોધવા નીકળ્યા છીએ... સોનમ કપૂર નહીં. એટલે ધીરજ રાખ." એ નદી પાર કરતાં જ બોલ્યો.

પણ આ શું ?! નદીની બીજીબાજુ તો કંઈક અલગ જ દુનિયા હતી. જેટલું સાંભળ્યું હતું, તેનાથી પણ વધારે ડરામણું. કોહવાયેલી લાશો, વિખરાયેલા અંગોપાંગ, શ્રેણીબદ્ધ વૃક્ષો પર લટકતી ખોપરીઓ, માથું ફાટી જાય એટલી દુર્ગંધ. અને ત્યાં આ બધાથી પણ ભયાનક હતી અમારી હયાતી. અમારી બુદ્ધી બહેર મારી ગઈ હતી. કંઈ સમજાતું જ નહોતું કે શું કરીએ....

અચાનક વાતાવરણ પલટાયું. શેતાન આળસ મરડીને બેઠો થાય એ હદે. ડરના માર્યા અમે ભાગ્યા. પણ પિટરે મારી વિરુદ્ધ દિશામાં દોડ મુકી. હું હવે પાછો ફરી શકું એમ નહોતો.

આખરે મારી જ દિશાએ મને મંઝિલ સુધી પહોંચાડ્યો. જે મૂર્તિને ફક્ત કલ્પનાઓમાં જોઈ હતી, એ સો ટચના સોનાની વિશાળ મૂર્તિ મારી નજર સામે હતી. એ મૂર્તિ નહોતી આફ્રિકાના રાજા ક્રેટરની કે નહોતી ક્લિઓપેટ્રાના પ્રેમી હુમાયુની! એ ચહેરો અજાણ્યો હતો. મેં હાથ લગાવી ખાતરી કરી, ક્યાંક હું સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને?!

અરે! મૂર્તિ જીવંત માનવ બની ગઈ!! તેણે મારી સામે રહસ્યમય સ્મિત કર્યું. ને' તે જ ક્ષણે હું પોતે મૂર્તિ બની ગયો. એ અજાણ્યો માનવ હવે પિટરની દિશામાં આગળ વધ્યો. અને હું ત્યાંજ મૂર્તિ બની ખોડાઈ ગયો. હું તરસી નજરે રાહ જોવા લાગ્યો કોઈં માનવની, જે મને સ્પર્શીને ફરીથી જીવંત કરે!!

લેખક: ભાવિક એસ. રાદડિયા "પ્રિયભ"