Ek Chaal Tari Ek chaal mari - 14 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 14

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 14 )

‘સલોની... આવો. દીકરા... આ સુનું ઘર તમારી રાહ જુએ છે...’

બ્લુ બર્ડ મેન્શનના તોતિંગ મેઇન ગેટમાંથી અંદર પ્રવેશી ઊભી રહી ને ત્યાં જ નજરે ચઢ્યા પોર્ચમાં રાહ જોઇ રહેલા ગુરુનામ વિરવાની. દીકરાની વહુને વધાવવાના ઓરતાં હોય એવો હરખ આંખમાં લઇ ઊભા હતા.

‘બદરી... વહુ પહેલી વાર ઘરમાં પગલું માંડે છે... ખ્યાલ છે ને ?’ ગુરુનામે સાથે ઊભેલા પોતાના વિશ્વાસુ બદરીનાથને કહ્યું.

‘જી, માલીક... તમામ તૈયારી થઇ ચૂકી છે.’ બદરીએ ઇશારો કર્યો અને ગુજરાતી ઢબે ગુલાબી જરીવાળી સાડી પહેરેલી પ્રૌઢા હાથમાં થાળી લઇને આગળ આવી.

‘બિટિયા... ત્યાં જ ઊભી રહેજે..’ સસ્મિત ચહેરે જાણે કહી રહી હોય એવા ઇશારાથી સમજાવ્યું. સાડીને પાલવ માથે ઓઢ્યો હોવા છતાં ફરી ખેંચી સરખો કરી એણે કંઇક મંત્ર બોલવા શરૂ કર્યાં. પછી વારો આવ્યો સલોનીનો. લલાટે કંકુંનુ તિલક કરી, ચોખા અને ગુલાબની પાંખડીથી વધાવી. એનું ધ્યાન સલોનીએ હાથમાં તેડેલી ખભે માથું ઢાળી ઉંઘતી પરી પર ગયું. ઊંઘ ન બગડે એવી સભાનતાથી એણે પરીના કપાળે શુકનની નાનકડી બિંદી કરી ઓવારણાં લીધાં.

‘આ ઘરને એની રોશની મળી ગઇ..’

પોંખવાની, ઓવારવાની વિધિઓ ચાલુ હતી ત્યારે જ સલોની પાસે આવીને ગુરુનામ વિરવાની હળવેકથી બોલ્યા હતા. એમનો જમણો હાથ સલોનીને આશીર્વાદ આપી રહ્યો હોય એમ માથાને સ્પર્શ્યો.

સલોનીની આંખો ભીની થઇ આવી. પોતે એક આદર્શ પૂત્રવધૂની જેમ ચરણસ્પર્શ-પ્રણામ કરવાનું ચૂકી ગઇ એ વિચાર સાથે જ સલોની ઝૂકી ગુરુનામ વિરવાની આશીર્વાદ માટે ને એને વારી રહ્યા હોય એમ ગુરુનામ વિરવાનીએ ખભે વાત્સલ્યભર્યા સ્પર્શ કરી,ગળે લગાવી માથું ચૂમી લીધું. એમની આંખોમાં ઊમટેલી આંસુની ભરતી આનંદની હતી કે રંજની એ કળવું સૌ માટે મુશ્કેલ હતું.

બ્લુ બર્ડ મેન્શનના મેઇન ગેટથી પોર્ચ સુધી એકએક ખુણો. પિલર બાકી નહોતા,જ્યાં શણગાર ન પહોંચ્યો હોય. નાના ગુલાબી ચાઇનીઝ રોઝ અને સુંદરતામાં એની સ્પર્ધામાં ઊતરેલાં પિંક ટાઇગર લીલી. બે પ્રકારના ફુલની સજાવટનો વૈભવ આંખ આંજી નાખવા પૂરતો ન હોય એમ સુગંધનું સામ્રાજ્ય જમાવવાની જવાબદારી હતી જુહીની સેરો પર.

આલ્હાદક રંગવૈભવ અને પમરાટ વચ્ચે ક્યાંક ક્યાંક સજાવવામાં આવેલા રૂપેરી રંગે રંગાયેલા પામના કદાવર પાન.

પોતે ખરેખર ‘બ્લુ બર્ડ’માં છે ? સલોની હજી પોતાના ભાગ્ય પર વિશ્વાસ કરી શકતી નહોતી.

‘સલોની... અવો,બેટા... સુખી થજો... અને સુખી કરો...’ ગુરુનામ વિરવાનીના ચહેરા પર હર્ષમિશ્રિત આવકાર લીંપાયેલો હતો.

‘એવું લાગે છે, મારો ગૌતમ ઘરે આવ્યો છે આ પરીના રૂપે...’

ગુરુનામ જરા ધીમા અવાજે બોલ્યા. એમના અવાજમાં કંપ કદાચ પાત્ર પોતાને જ સંભળાયો એવું સલોની અનુભવી રહી. ગૌતમના નામ સાથે ઊંડી વિષાદની રેખા ખંચાઇ એ પણ એનાથી અજાણ ન રહ્યું.

પોતે આટલી નસીબદાર ?

કદી સપનેય વિચાર્યું નહોતું એવ વૈભવ,ઐશ્વર્ય, દબદબો ! આ નામના ને વિરાસતના માલિક થવાની લકીર પોતાના હાથમાં ક્યારે અંકાઇ ગઇ એનો અંદેશ સુદ્ધાં એને ક્યારેય નહોતો આવ્યો....

કુહુ... હુ.... કુ... હુ.... કુહુ...

કોયલના ટહુકાવાળા ઍલાર્મે સલોનીની નિદ્રા તોડી.

‘ઓહ... !’ સલોનીએ ઊભા થવાના પ્રયત્ન સાથે જ માથામાં એક સબાકો અનુભવ્યો.

સાડા આઠ... સાઇડ ટેબલ પર પડેલી ઍલાર્મ ક્લૉક પોતાની બજાવી ચૂકી હતી.

સલોનીનું ચાલત તો એક જ ક્ષણમાં બ્લેન્કેટ ફગાવી ઊભી થઇ જાત,પરંતુ મસ્તકમાં ઊઠી રહેલા લબકારાએ એનેન પથારીમાં બેસી રહેવા માટે મજબૂર કરી દીધી.

આજે થયો શનિવાર. એ દિવસ ઊગ્યો હતો, જેની રાહ ન જાણે કેટલાં વર્ષોથી જોઇ રહી હતી ને ત્યારે આ માથામાં ઊઠી રહેલા સણકાં.... સલોનીને તાજું થઇ આવ્યું સપનું, જે એલાર્મની કુહુએ તોડી નાખ્યું હતું. એ સપનું સાચું પડવાની ઘડીઓ ગણાઇ રહી હતી... સાંજે જ મળવાનું હતું ગુરુનામ વિરવાનીને, જેમાં થવાનો હતો પોતાના ભાગ્યનો ફેસલો.

ફેંસલો... પોતે જ વિચારેલો આ શબ્દ ખટક્યો સલોનીને

સવારના પહોરનુ સપનું જ શુભ વરતારો આપી દેવા પૂરતું નહોતું ? બસ, કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હતું....

* * *

સાંજના પોણા ચાર વાગ્યે સલોનીને કાર બ્લુ બર્ડ મૅન્શનના ગેટ પર આવીને ઊભી રહી એ સાથે જ ડ્યુટી પર હાજર હાજ્ર ગાર્ડ દોડતો આવ્યો.

‘મૅડમની મિટિંગ ફિક્સ છે...’ સલોનીના બદલે ડ્રાઇવરે જ વાત કરી. ડ્રાઇવર બહાદૂર કંપનીનો જ પગારદાર હતો, પણ મૅન્શન પર ડ્યુટી નહોતો કરતો એટલે એણે પોતાનું આઇડી કાર્ડ બતાવવું પડ્યું. ગાર્ડના ચહેરા પરથી એટલું તો જરૂર કળી શકાયું કે એને આવનાગ મહેમાનની કોઇ ખાસ ખાતર-બરદાશ્ત કરી અંદર લઇ અવવાની સૂચના મળી નહોતી એટલુ નક્કી હતું. સલોનીના દિલમાં ફાંસ ચૂભાઈ હોય એવી હળવી ટીસ ઊઠી. આવો ઉષ્માવિહીન આવકાર તો પોતે કલ્પ્યો નહોતો. રોજ બદાલાતાં રહેતા સિક્યોરીટીગાર્ડનું અજ્ઞાન શું ધ્યાનમાં લેવું ? સલોનીએ મન મનાવી લીધું હોય એમ તર્ક કરી લીધો.

ગણતરીની મિનિટમાં સલોની લિવિંગરૂમમાં હતી. વિશાળ, સંપૂર્ણપણે બ્લેક એન્ડ વ્હાઇટ થીમમાં સજાવવામાં આવેલા હૉલમાં કાન ફાડી નાખે એવી સ્તબ્ધતા છવાયેલી હતી.

અહીં જો કોઇ જીવંતતા હોય તો એ હતી સેન્ટર ટેબલ પર શોભી રહેલી ફ્લાવર અરેન્જમેન્ટ રૂપે સજાવેલાં વ્હાઇટ રોઝ અને યલો લીલીની.

‘આપ, બેસો... સર આવી રહ્યા છે...’

ઘરમાં રિસેપ્શનિસ્ટ જેવા લાગતા યુનિફોર્મમાં સજ્જ યુવકે સલોની સાથે વિવેક કરતા કહ્યું. સારું થયું પોતે પરીને લીધા વિના આવી પરીને નહીં જોઇને પરીક્ષા થવાની લાગણી ગુરુનામ વિરવાનીની લાગણીની.... સલોનીએ વિચાર્યું અને ત્યાં જ લિવિંગરૂમની ઉત્તર દિશાથી ગુરુનામ વિરવાની પ્રવેશી રહ્યા હતાં. સલોનીની નજર ગુરુનામ વિરવાની પર પડી અને એક થડકાર અનુભવાયો.

ગૌતમની વિદાય વખતે મળેલા ગુરુનામ વિરવાની આ જ વ્યક્તિ હતી ?

સલોનીનું મન અજાણે જ ઉભરી આવેલી તસવીરની સરખામણી વિના કોઇ કારણે કરી રહ્યું હતું.

એ દિવસે ગાર્ડનમાં બેઠેલા ગુરુનામ... જુવાનજોધ દીકરાને ગુમાવીને જિંદગી હારી બેઠેલા પિતા, થોડી વધી ગયેલી દાઢી, ઊંડી ઊતરી ગયેલી આંખો, કૃશ ચહેરો, જે કદાચ ઉદાસી અને હતાશાના રંગે રંગાઇ વધુ શ્યામવર્ણો લાગી રહ્યો હતો અને એ જ ગુરુનામ વિરવાની અત્યારે સામે હતા.... જાણે કોઇક જૂદી જ વ્યક્તિ, બિઝનેસમેન ને ન્યૂઝ પેપરમાં છપાતી એમની તસવીર જેવા જ તરોતાજાં, ચુસ્ત, તંદૂરસ્ત. એમનો સ્લીનશેવ્ડ ચહેરો ઉંમરનાં પંદર વર્ષ ઘટાડી દેતો હોય એવો યુવાન લાગી રહ્યો હતો. લીનનનું હાફ સ્લીવ્ઝનું સ્કાય બ્લુ શર્ટ અને બેજ કલરનું ટ્રાઉઝર પેન્ટ. એમનો ચહેરા પરની ગુલાબી આભા એ વાતની ચાડી ખતી હતી કે દીકરાનાં મૃત્યુનો શોક પેસમેકર પર ધબકાતા હ્રદયે જીરવી લીધો છે ખરો !

‘હૅલો.... સૉરી, હું પાંચેક મિનિટ મોડો પડ્યો...’

ગુરુનામે આવતાવેંત જે રીતે વાતચીત શરૂ કરી એનાથી સલોનીના મનમાં ગભરાહટની માત્રા વધવા લાગી ગઇ હતી.

‘મુંબઇમાં સમયસર શબ્દ જ નકામો છે...’ કૃત્રિમ સ્મિત કરતાં સલોનીએ વાતચીતનો દોર હળવો બનાવવાની નાકામ કોશિશ કરી જોઇ.

‘ના... ના. જરાય નહીં... જેને જિંદગીના લક્ષ્યાંક ખબર છે એ આવી વાહિયાત વાત ન કરે...’ ગુરુનામ થોડાં રૂક્ષ સ્વરે બોલ્યા. સલોનીને ખબર નહીં,પણ કેમ એ શબ્દો વાગતા રહ્યાં.

‘મને આવી બે-ચાર વાત સામે ભયંકર વાંધો છે... અને હા, મને માત્ર સમયની કિંમત ન કરી શકે એ લોકો સામે જ નહીં,પણ જુઠ્ઠા લોકો પર પણ ભારે નફરત છે...’ ગુરુનામ વિરવાની બોલી તો રહ્યા હતા એકદમ સહજતાથી,પણ શરૂઆત જ સાવ ખોટી થઇ હોય એવું લાગી રહ્યું હતું સલોનીને.

‘અરે ! આવ... આવ... ચોપરા....’ અચાનક જ ગુરુનામે હૉલમાં પ્રવેશી રહેલી વ્યક્તિને ઉમળકાભેર આવકારી.

વધુ એક અશુભ એંધાણ.... સલોનીએ નોંધ્યું.

‘આ છે મારા મિત્ર અનુપમ ચોપરા...,આ ગૌતમની મિત્ર સલોની....’

સલોનીએ બે હાથ જોડી નમસ્તે કરવુ વધુ ઉચિત માન્યું.

ગૌતમની મિત્ર... ગુરુનામ વિરવાની દ્વારા ચોપરાને આપવામાં આવી ઓળખાણ સલોનીના મનમાં આર ભોંકતી રહી.

અચાનક જ સીસાની પાટ જેવું મૌન ત્રણ વ્યક્તિ વચ્ચે આવી પડ્યું હોય એમ લાગ્યું.

‘અરે ! આ ઇજા કેવી ?’ સાહજિકતાથી વાતનો દોર વહેતો રહે એવા કોઇ ઉદ્દેશથી ગુરુનામ વિરવાની બોલ્યા. એમનો ઇશારો સલોનીના કપાળે થયેલા નાના ડ્રેસિંગ સામે હતો.

‘ગઇ કાલે રાત્રે જ હું એક મોટા અકસ્માતમાંથી અજબ રીતે ઊગરી ગઇ.... ચમત્કાર જ સમજો....’ સલોનીને બરફ ભાંગવાની શરૂઆત થઇ રહી હોય એવું વાતાવરણ બનતું લાગ્યું :

‘ગઇ તો હતી આઇ-બાબાને મળવા...’ સલોની જેની રાહ જોઇ રહી હતી એ તક હવે સામે આવીને ઊભી હતી એ સમજી વાતની શરૂઆત કરી.

ગુરુનામ વિરવાનીના હ્રદયમાં પોતાને માટે પૂત્રવધૂ તરીકે પ્રેમ ને ફરજ જાગે એટલે બસ !

સલોનીએ બાબાના કાર્ડિયાક પ્રોબ્લેમની બારીકી સાથે વાત કર્યા પછી હળવેકથી ઉમેર્યું. :

‘આજે તમને મળવા માટે મુંબઇ આવવું પણ એટલું જ જરૂરી હતું ને !’

‘અરે, તમારા ફાધરની તબિયત બરાબર ન હોય તો ત્યાં રોકાઇ જવું જોઇએ ને ! આ મુલાકાત કંઇ એવી અગત્યની નહોતી...’ ગુરુનામ વિરવાની વાત ખંખેરી નાખતા હોય એવી સહજતાથી બોલ્યા.

ઓહ ! જે મિટિંગ પોતાને માટે જિંદગી ને મોત વચ્ચેનો ફેંસલો લાગે છે એ આ માણસને મન એક હાઇ-ટી પર થતી મુલાકાત હતી ?

ફરી એક વાર થોડી ક્ષણ માટે ભારેખમ મૈન છવાઇ રહ્યું. વાતાવરણને બોઝિલ થતું અટકાવવા કે પછી વાત ફેરવવી જરૂરી લાગી ચોપરાને :

‘પછી ત્યાં અસુવિધા નહોતી થઇ ને ? ‘

ચોપરાએ વાતચીતનો દોર પોતાના હાથમાં લેતાં કહ્યું. કદાચ એ કાળજી લઇ રહ્યા હતા કે સલોની વધુ પડતી સાવધ ન થઇ જાય કે કોઇ કોચલામાં ન ઘૂસી જાય... એમનો ઇશારો સ્વિત્ઝરલેન્ડના રોકાણ તરફ હતો.

‘જી... ના... બધું પરફેક્ટ હતું, પણ’ સલોનીએ વાક્ય હાથે કરીને પૂરૂં ન કરતા અધુરું મૂક્યું.

સલોનીની અપેક્ષા પ્રમાણે જ હવે ગુરુનામ વિરવાની આંખોમાં પ્રશ્નાર્થ સાથે પોતાનો ચહેરો તાકી રહ્યા હતાં.

સલોનીએ મન મનાવી રાખ્યું હતું. ગુરુનામ વિરવાનીને ચીફ સંબોધન કરવાનું અને જો એ ન થાય તો ડૅડી. પણ છેલ્લી ઘડીએ બંનેમાંથી એકેય સંબોધન જીભ પર આવવાની હિંમત જ ન કરી શક્યા.

‘સર,એ માટે તો હું તમારી આભારી છું જ... પણ હવે ઇન્ડિયા આવીને અહીં આમ કંપની ગેસ્ટહાઉસમાં...’ સલોનીને લાગ્યું શબ્દો સાથ નથી આપી રહ્યાં.

‘મારો કહેવાનો મતલબ એ હતો કે ક્યાં સુધી હું ત્યાં રહું... ? એટલે રહી શકું... આઇ મીન...’ સલોનીના લાખ ચાહવા પર હૈયાની વાત હોઠે ન આવી શકી. ખરેખર તો ગુરુનામ વિરવાનીને પૂછી જ લેવું હતું કે ક્યાં સુધી મારે કંપની ગેસ્ટહાઉસમાં પડ્યા રહેવાનુ છે ?

‘મિસ દેશમુખ... એવો બધો ભાર મન પર લેવો નહીં... ‘ચોપરા ચહેરેમહોરે લાગતા હતા ભારે ગંભીર,પણ એમના અવાજમાં થોડી હુંફ વર્તાઇ સલોનીને :

‘જ્યાં સુધી મન ચાહે ત્યાં સુધી રહો.’

છેલ્લાં શબ્દો સાંભળતા એ હુંફ ઓગળી ગઇ હતી. જાણે આ આખો સીન એ બે મિત્રએ પોતાના આગમન પહેલા રિહર્સલ કરી લીધો હતો એવું લાગી રહ્યું હતું. સલોનીના ચહેરા પર વ્યગ્રતાનો હળવો ઘસરકો થઇ ચૂક્યો હતો.

‘સલોની... કદાચ તને લાગશે કે બેબીને વિરવાની ફેમિલીનું નામ આપવામાં શાની ઢીલ થઇ રહી છે, રાઇટ... ?’ ચોપરાએ જાણે સલોનીના મનના પ્રશ્ર્નનો ઉત્તર આપવો હોય એમ કમાન હાથમાં દીધી.

‘જી...’ સલોની એક શબ્દથી વધુ બોલી ન શકી. કહેવું તો હતું કે હા, એ જ તો પૂછવું હતું

‘જો, આ આખો મામલો મિડીયામાં ગાજ્યો પણ ઘણો છે... અને બદનક્ષી પણ ઘણી થઇ છે. એવા સંજોગોમાં આ આખા પ્રકરણ પર થોડાં સમય માટે પણ રહસ્યનો પડદો રહે એ આપણાં સૌનાં હિતમાં છે.’ ચોપરાએ વાત કરતી વખતે ગુરુનામના ચહેરાના હાવભાવ વાંચી લીધા હતા એ પણ સલોનીની નજર બહાર નહોતું. આ આખા મામલે પોતે અલિપ્ત જ રહેવા માગતા હોય એમ ગુરુનામ વિરવાની એક શબ્દ ન બોલ્યા એ સલોનીને ભારે વસમું લાગ્યું.

ફરી એક વાર વાતાવરણમાં મૌન ભારે થતું રહ્યું અને એ જ વખતે ચાની ટ્રૉલી લઇ બદરી પ્રવેશ્યો.

સમય ગ્રીન ટી અને ગપસપ હોય એમ સલોનીની હાજરીમાં આખા વિશ્વની ચર્ચા થતી રહી. જાણે વાતમાં એક શબ્દ પ્રતિબંધિત હતો : ગૌતમ

હવે અહીં વધુ વાર બેઠા રહેવું નિરર્થક હતું... સાવ નિરર્થક.

‘તો હું રજા લઉં ?’ સલોનીએ ચાનો ખાલી કપ ટેબલ પર મૂક્તાં કહ્યું.

‘અરે ! બસ ? જવું છે ?’ ગુરુનામ વિરવાનીનો મોળો પ્રત્યાઘાત હવે આશ્ર્વર્યકારક ન લાગ્યો. પોતાને અહીં બોલાવવામાં આવી હતી એક જ ઉદૅશ સાથે કે એની હેસિયત અને હદ બતાવી દેવા...

વિરવાનીઝનું બ્લુ બર્ડ એમ્પાયર સર કરવા તો હજી કેટલી લાંબી મજલ કાપવાની હતી એનો ખ્યાલ હવે સલોનીને સુપેરે આવી ગયો હતો.

* * *

ૐ ઘૌ શાંતિરન્તરિક્ષ : શાંતિ : પૃથ્વી શાંતિરાપ : શાંતિ : રોષધય : શાંતિ :

વનસ્પતય : શાંતિર્વિશ્વે દેવા :

શાંતિબ્રહ્મા શાંતિ : સર્વ : શાંતિ :

શાંતિરેવ શાંતિ : સા મા શાંતિરેવિ

ૐ શાંતિ : શાંતિ : શાંતિ : ૐ

શાંતિપાઠ સહિત થઇ રહેલા હવનનો સુગંધીમય તાપ આખા ઘરને પવિત્ર કરી રહ્યો હતો. ચાર ફુટ બાત ચાર ફુટના હવનમાં હોમાઇ રહેલી સામગ્રીનો કારભાર ફક્ત બે-ચાર માણસના હાથમાં હતો.

છેલ્લાં આઠ કલાકથી ચાલી રહેલા હવને હવે સૌને થકવ્યા હોય એવી પ્રતીતિ સૌના ચહેરા કરાવી રહ્યા હતા. જો કોઇ ન થાક્યું હોય તો એ હતો સુદેશ સિંહ પોતે.

સવારના આઠ વાગ્યાથી હવનમાં બેઠેલા સુદેશને ન તો ભૂખ હતી - ન તરસ. આગલી રાતનો ઉજાગરો પણ તાજો હતો, પરંતુ કશું જ સ્પર્શતું નહોતું. હંમેશા ખાખી યુનિફોર્મમાં કે પછી વ્હાઇટ કે સ્કાય બ્લુ શર્ટ્ને વરદી માનનારા સુદેશ સિંહના દીદાર આજે પોલીસ ઑફિસર જેવાં નહીં,બલકે યજમાન જેવા હતા.

પંડિતો પહેરે એવી લાલ કિનારીવાળી સફેદ ધોતી અને ખેસ, ગળામાં ગુરુએ આપેલી રૂદ્રાક્ષની માળા અને કપાળ પર શોભી રહેલું લાંબુ લાલ તિલક. સુદેશના ચહેરા પર હવનની ગરમીને કારણે પ્રસ્વેદનાં બિન્દુ જામી ગયાં હતાં. એમનો તાંબા જેવો વર્ણ વધુ તપ્યો હોય એમ હવનમાંથી ઊઠતી જ્વાળામાં વધુ ચમકી રહ્યો હતો.

આ એક માત્ર દિવસ હતો, જ્યારે ઍડિશનલ સીપી-ક્રાઇમ સુદેશ સિંહ કાયદેસર રીતે રજા લઇ કામકાજમાંથી છૂટ્ટી કરી લેતા. પત્ની પૂર્વીની પુણ્યતિથી.

‘યજમાન... હવે જળ ગ્રહણ કરો.... ‘

સવારથી જીભ પર પાણીનું ટીપું ન મૂકીનારા સુદેશ સિંહેના આકરા વ્રતથી પંડિત પણ જ્ઞાત હોય એમ હવન સંપન્ન થતાંવેંત એમણે કહ્યું. સવારના આઠ વાગ્યાથી મંડાયેલા હવનની દસ કલાક પછી પૂર્ણાહૂતિ થઇ હતી, પણ સુદેશના દિલમાં પ્રજવળી રહેલા હવનનો અગ્નિ તો બે દિવસ પછી પણ એવો જ ભડભડતો હતો, જે દિવસે પૂર્વીનાં અંતિમ સ્ંસ્કાર વખતે હતો....

* * *

‘મૅમ, આ કોઇ યુવતી આવી રહી છે. કહે છે કે એને બેબી માટે નોકરીએ રાખવામાં આવી છે...’

સલોનીએ હજી તો ઘરમાં પગ મૂક્યો હતો ને અનીતા રડમસ ચહેરે બોલી.

‘મેં કોઇ કચાશ વર્તી બેબીનું ધ્યાન રાખવામાં... ? ‘અનીતાનું જાણે સ્વાભિમાન ઘવાઇ ગયું હતું.

‘અનીતા.... તું શું વાત કરે છે ? બેબી માટે મેં ક્યાં કોઇને અહીં રાખવાની વાત કરી ?’ સલોનીનું દિલ ગુરુનામ વિરવાનીનાં વર્તનથી સખતરીતે ઘવાયું હતું. એની કળ વળે એ પહેલા આ નવી ઉપાધિ...

‘એય.. અહીં આવ,’ અનીતાએ કીચનમાં ઊભી રહેલી યુવતીને હાંક મારી બોલાવી.

સસ્તા, સિન્થેટિક સલવાર સૂટમાં સજ્જ યુવતી કીચનની બહાર આવી. સલોની બેઠી હતી ત્યાં સામે આવીને ઊભી રહીં.

જો પેલી યુવતી કલરફુલ સિન્થેટિક સલવાર – કુરતામાં ન હોત તો એ પહેલી નજરે બેબી માટે રાખી હોય એવી આયા તો હરગીજ ન લાગે એ વાત સલોનીના મગજે તરત નોંધી.

‘જી... મને બેબી માટે અપોઇન્ટ કરવામાં આવી છે...’ ખૂબી જ નમ્ર સ્વરે એ બોલી :

‘મારું નામ વૃંદા...’

‘હં.... વૃંદા...’ સલોનીને આ યુવતીનાં દેખાવ,વાણી, વર્તન સમજાઇ નહોતા રહ્યાં.

‘પણ વૃંદા... મેં તો ન આ વિશે કોઇ ઍડ આપી છે... બેબી માટે અનીતાબાઇ હોય એ પુરતું છે.... ને તું કહે છે કે તને અપોઇન્ટ કરી છે... હું તો તને જાણતી સુદ્ધાં નથી...’ સલોનીના ચહેરા પર હજી વિસ્મયનું જાળું અકબંધ જ હતું.

‘જી.... મૅમ, તમે સાચું કહ્યું, તમે મને નથી જાણતાં. પણ મારી અપોઇન્ટમેન્ટ વિરવાનીઝ ગ્રુપ ઓફ કંપનીમાંથી જ થઇ છે. મે નર્સિંગનો કોર્સ કર્યો છે સાથે બેબીસીટિંગ અને પ્રાઇમરી ક્મ્પાઉન્ડરી ને ફર્સ્ટ એઇડ માટેના ક્લાસીસ પણ કર્યા છે. ડિપ્લોમા છે મારી પાસે....’

‘અરે ! વિરવાનીની કંપનીમાંથી તારી નિમણુંક ? પણ મને તો આ વિશે ખયાલ જ નથી...’ સલોની બોલી તો ખરી. પણ બોલ્યા પછી ખયાલ આવ્યો કે આવું કહી પોતે જ પોતાની અજ્ઞાનતા અને સર્વોપરી ન હોવાની વાત અજાણતાં જ જાહેર કરી નાખી હતી. વાત વાળી લેવાના હેતુથી નાછૂટકે સલોની પરાણે જરાજેટલું સ્મિત ફરકાવવુ પડ્યું :

‘ચલો, સારું... આ બધું ક્વોલિફિકેશન હોવા સારી વાત છે, પણ આપણે તો એ જ ઇચ્છીએ કે એની જરૂર ક્યારેય ન પડે...’

‘જી, મૅમ...’ વૃંદાની આંખમાં ચમકારો આવી ગયો :

‘આ પહેલા હું બે મોટાં નામી ફેમિલી સાથે કામ કરી ચૂકી છું... જો કદાચ તમને રેફરન્સ જોઇએ તો આપી શકું... હવે બાળકો સ્ફૂલ જતાં થઇ ગયા એટલે ત્યાં મારી જરૂર ન રહી...’

વૃંદા જે સાહજિકતાથી બોલી એ પરથી તો શક કરવાનું કોઇ કારણ રહેતું નહોતું. શક થાય કે ન થાય પોતાના હાથની વાત નહોતી આ નવી થયેલી નિમણુંકને નામંજૂર કરવાની. જે રહસ્ય આ નવી છોકરી સામે છતું ન થઇ જાય એ વાત મહત્વની હતી.

‘વૃંદા, અનીતા તને તારો સામાન ક્યાં મૂકીવો બતાવી દેશે... ઠીક છે ?’ સલોનીને થયું વૃંદા હવે અહીંથી જાય તો સારું. વૃંદા ત્યાંથી ગઇ, પણ અનીતા હજી ત્યાંથી ખસી નહોતી. એના ચહેરા પર પોતાની ઉપેક્ષાથી થયેલા વિષાદની રેખા સ્પષ્ટ દેખાઇ રહી હતી.

‘અનીતા, એને મેં નથી રાખી એ તો તેં જાણ્યું ને ! એ ભલે રહેતી, પણ એની પર નજર રાખજે તું...’

મને એનું આગમન કારણ વિના થયું હોય તે વાત પચતી નથી... છેલ્લુ વાક્ય એણે અનીતાને કહ્યું હતુ નહીં, પણ સમજદાર અનીતાને એ વાત ક્યાં સમજાયા વિના રહેવાની હતી ?

* * *

સાંજનો ઉજાસ પહેલીવાર આટલો ઉદાસ લાગ્યો સલોનીને.

રાત સાથે જાણ ગમગીનીના ઓળા પણ ઊતરી રહ્યાં હતા પોતાના વાતાવરણમાં.

સલોનીએ ટેરેસમાં કાળજીથી બનાવવામાં આવેલી લૉન પર ઉઘાડે પગે થોડાં પગલાં માડ્યાં. ઘાસની ભીની ભીની મુલાયમતા પગની પાનીથી પ્રવેશી મન-મગજની ભારે શાંતિ આપી રહી હતી. સલોની વારંવાર બપોરવાળી મુલાકાત વાગોળતી રહી. પોતે સાથે પરીને લઇ નહોતી ગઇ. મનમાં તો થયું હતું કે ગુરુનામ વિરવાની પહેલો પ્રશ્ન કરશે : અરે, મારી પરી ક્યાં ?

એને બદલે ગુરુનામ વિરવાની બાળકોનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યોં. આ એ જ ગુરુનામ વિરવાની હતા જેમણે દીકરાની વિદાય વખતે એના છેલ્લાં અંશને અપનાવી લેવાની ઉદારતા જતાવેલી. એ પછી સ્વિત્ઝરલેન્ડમાં ડિલિવરી. ત્યાં પોતાનો પડ્યો બોલ ઝિલાય એવું વાતાવરણ, અચાનક ઇન્ડિયામાં પ્રવેશતાંની સાથે આ બધું પલટાઇ કેમ ગયું ?

સલોનીએ ઘણી કડીઓ તપાસી જોઇ, પણ રહીને રહી શંકાની સોય ફરી ફરીને એક જ સ્થાને સ્થિર થતી હતી. એ માટે જો કોઇ જવાબદાર હોય તો એ વિક્રમ સિવાય કોઇ ન હોય શકે....

વિક્રમ જરૂર કોઇ ચાલ રમ્યો છે. ગુરુનામ વિરવાનીના કાનમાં વિક્રમે જરૂર કોઇક ફૂંક મારી દીધી હોવી જોઇએ... અન્યથા બાજી આમ સાવ ફરી જાય ખરી ?

સલોનીનું મન વિના કારણે વ્યગ્ર થતું રહ્યું. જોકે દિલ પર આવા વિચારના કાચ પેપર ઘસવાથી બગડેલી વાત બની પણ જવાની નહોતી.

આશુતોષ....

સલોનીના મનમાં અચાનક જ ઝબકારો થયો. પોતે મુંબઇ આવ્યા પછી આશુતોષને એક ફોન સુદ્ધાં નહોતો કર્યો. હવે આજે ગુરુનામ વિરવાનીની વર્તણૂંક જોયા પછી એક વાત નક્કી હતી કે પોતે ભલે વિરવાની નામની મંઝિલ પર પહોંચવા તમામ દરવાજા બંધ કરી દેવામાં શાણપણ માનતી હોય, પરંતુ એ શાણપણ નહીં, આત્મઘાતી ગાંડપણ પણ હોઇ શકે ને !

સલોનીએ વધુ વિચાર્યા વિના જ આશુતોષને ફોન લગાવ્યો –

‘હલો... આશુતોષ....’ સલોનીએ હજી વાક્ય પૂરૂં નહોતું કર્યું ત્યાં તો સામેથી આશુતોષનો ઉત્સાહથી ભરેલો હૂંફાળો પ્રતિસાદ સાંભળવા મળ્યો :

‘હે સલોની... ક્યાં છે તું ? એક વાર કૉલ કરીને ફરી ગૂમ જ થઇ ગઇ ને !’

‘ઓહ, આશુતોષ... એવું તો ચાલ્યા કરે...’ સલોની હજી આગળ બોલે એ પૂર્વે જ આશુતોષે એની વાત આંતરી :

‘સલોની.... કેટલી ટ્રાય કરી તને કોન્ટેક્ટ કરવાની... અરે, મારાં મૅરેજ માટે આમંત્રણ આપવું હતું...’

આશુતોષના અવાજમાં મિત્રતાનો રણકો હતો. આ વાક્યની સાથે નિરાશ થઇ ગયેલી સલોની માટે પેલી સહચર્યની ક્ષણો જાણે સંપૂર્ણપણે નાબૂદ થઇ ગઈ હતી- રેડિયેશન પછી નાશ પામતા કેન્સરના કોષની જેમ...

સલોનીને થયું કે એ વાત હવે ક્યારેય મનની સપાટી પર ન આવતાં હ્રદયના જ ખૂણે ધરબાઇ રહે એ જ બહેતર હતું ને બંને પક્ષે....

‘હા, પણ આ માટે હું એમ તો ન કહી શકું ને કે બીજી વખત તો જરૂર આવીશ...’

સલોનીની નિર્દોષ મસ્તીભરી વાત પર બંને મિત્ર દિલ ખોલીને હસી રહ્યાં એ જ તો નિશાની હતી તૂટેલા પુલનું સમારકામ થઇ ચૂક્યાની.

‘આશુતોષ... હવે હું ઇન્ડિયામાં છું, મુંબઇમાં... તો....’

એક મોટા બૅનરની ફિલ્મ આશુતોષે સાઇન કરી છે. એ વાત સલોનીએ સવારે જ વાંચી હતી... પોતે ફરી શા માટે આ દરવાજો બંધ કરી દેવો ?

‘અરે ! સલોની... આપણી વચ્ચે કોઇ કોમ્યુનિકેશન જ નહીં એટલે તને જણાવી ન શક્યો.. મને થોડાં દિવસ પહેલાં જ ખૂબી નામી બૅનર મળ્યું છે. ડિરેકટર તરીકે સુપર્બ બ્રેક.... હા, બેનર જાયન્ટ છે, પણ ફિલ્મ લોં બજેટ્ની છે અને છ મહિનામાં પૂરી પણ કરવાની છે એટલે જ અત્યારે બનારસમાં છું, શુટિંગ માટે...’ આશુતોષ એવી રીતે બોલી રહ્યો હતો જાણે કોઇ સફાઇ આપી રહ્યો હોય.

‘આશુતોષ... તારે એ બધી સ્પષ્ટતા કરવાની જરૂર નથી...’ સલોની બોલી, પણ જે વાત કહેવી હતી એ જબાન પર જ નહોતી આવી રહી :

ફિલ્મમાં મારા લાયક એકાદ કેરેક્ટર તો હશે જ ને... ને નહીં હોય તો તને ડેવલપ કરતાં ક્યાં નહીં ફાવે ?

‘ના, સલોની... વાત એમ નથી...’ આશુતોષ ફરી ખુલાસો કરતો હોય એમ બોલ્યો :

‘યાદ છે, તેં મને પૂછ્યું હતું કે જિંદગીમાં ચૅલેન્જ લેવા તૈયાર છું કે નહીં... ને તું નહીં માને. પણ ખરેખર એ માટે પૂરતી મનસિક તૈયારી પણ આદરી લીધી હતી. પરંતુ હવે વચ્ચે આ ફિલ્મ... પ્લીઝ. ખોટું ન લગાડીશ, આ ફિલ્મ પતી જવા દે... પ્રશ્ન માત્ર છ મહિનાનો છે...’ આશુતોષ પોતાના હાથમાં રહેલી તક સરકી ન જાય એની કાળજી લેતાં બોલી રહ્યો હતો.

‘ઓહ !’ સલોનીના મગજમાં પ્રકાશ પડ્યો. આશુતોષ સમજતો હતો સલોની અત્યારે એને ફોન કરી રહી છે, પોતાના ઘડાઇ રહેલા પ્રોજેક્ટમાં જોડાવા માટે ને વાસ્તવિકતા કંઇક બીજી જ હતી...

જિંદગીમાં પહેલી વાર સલોનીને ચેક-મેટ શબ્દની વ્યાખ્યા સમજાઇ ગઇ...

સામે છેડેથી આશુતોષે ફોન મૂકી દીધો તે છતાં સલોની પોતાનો હૅન્ડસેટ પકડીને એમ જ બેઠી રહી. અચાનક જ આખી દુનિયા ધરમૂળથી ઉપર-તળે થઇ ગઇ હોય એમ એવું એને લાગ્યું.

આ બધા માટે જવાબદાર કોણ હતું ?

સઘળું પોતાની ઇચ્છા કે ધારણા પ્રમાણે ન થાય એ તો સ્વીકારી શકાય, પણ કોઇ બેરહમીથી પોતાની જિંદગીના ફેંસલા કરી રહ્યું હતું એવા નસીબને શું કહેવુ ?

મનમા ફરી ડર અને અસલામતી ઘર કરવા માંડી હતી. સલોની ધ્રુજી ઊઠી...

* * *

એક તરફ, સલોની પોતાના તકદીરને કોસી રહી હતી ત્યારે કીનાબાલુમાં બેઠેલો વિક્રમ પોતાના પ્લાનને...

સલોની આમ સ્વીત્ઝરલૅન્ડ થી રાતોરાત પલાયન થઇ ઇન્ડિયા ભેગી થઇ જવાની છે એ વાતનો અણસાર સુદ્ધાં કેમ ન આવ્યો પોતાને ? એને ગાફેલિયત ગણવી કે ઓવર કૉન્ફિડન્સની સાઇડ ઇફેક્ટ ?

આ ગોરિયાઓ તદ્દ્ન નકામા.... સલોની પર નજર રાખવા રોકેલા કાર્લ પર વિક્રમને ચીડ ચઢી આવી. કામ કંઇ મફતમાં નહોતો કરતો આ વર્ણસંકર ગોરિયો. આવેલો તો વર્ષો પૂર્વે હિન્દી ફિલ્મમાં હિરો બનવા, પણ વાત કંઇ જામી નહીં એટલે સાનમાં સમજીને વહેલી તકે પોતાના દેશભેગો થઇ ગયેલો. પણ વિક્રમ સાથે ક્યારેક ક્યારેક સંપર્કમાં રહેવાનું એ ન ચૂક્યો. આખરે વિક્રમે કરેલી થોડીઘણી મદદ એમ ભૂલી જાય એટલો સ્વાર્થી પણ નહોતો. બાકી હતું એમ સલોની પર ફક્ત નજર રાખવાની કામગીરી વિક્રમે એને સોંપી હતી ને એણે શરૂઆતમાં વ્યવસ્થિત રીતે નિભાવેલી પણ ખરી.

વિક્રમે ફોન ઉપાડી કાર્લનો નંબર લગાવ્યો :

‘કાર્લ, તેં મને જણાવ્યું તો ખરું કે સલોની ઇન્ડિયા જઇ રહી છે,પણ તદ્દન છેવટની ઘડીએ... એ કંઇ ચાલે ? એ તો સારું થયું કે મારો સંપર્ક થઇ શક્યો....’

વિક્રમ હજુ બોલવાનું પૂરૂં કરે એ પહેલાં સામેથી કાર્લ તાડૂક્યો :

‘હેય, વિક... એ તારી થનારી વાઇફ છે, એની પર આવો અવિશ્વાસ ? એવું હોય તો પડતી મૂક આ બધી લગ્નની ઝંઝટ ને સીધું ને ગુડબાય જ કહી દે ને...’

કાર્લને કંઇક જૂદી જ ઇમોશનલ સ્ટોરી પકડાવી હતી વિક્રમે એટલે જ તો એ તૈયાર થયો હતો સલોનીની જાસૂસી કરવા. પણ થોડાં જ સમયમાં વાત કંઇક અલગ છે એવો ખયાલ કાર્લ ને આવવા માંડ્યો હતો. કદાચ એટલે પણ કાર્લનુ મન આ કામ કરતા પાછું પડવા માંડ્યું હતું.

‘કાર્લ, એ બધું તું ન સમજે, અમે ઇન્ડિયન કુવામાં કુદતાં પહેલાં સો ગરણે પાણી ગાળીયે... ; વિક્રમે વાત ઘૂમાવવાના હેતુથી ભારતીય સ્ંસ્કૃતિની વાત કરી ને કાર્લ ખડખડાટ હસી પડ્યો :

‘ઓહ વિક્રમજી, તમને કદાચ ખબર ન હોય તો જાણી લો કે મારે ફાધર સ્વીસ ખરાં, પણ મારી મા ઇન્ડિયન છે અને તમને કદાચ જાણીને નવાઇ લાગશે કે મને હિન્દી બરાબર સમજાય છે એટલે આ મામલો મને સમજાય છે... પણ વેલ, આ તમારો અંગત મામલો છે.’

સન્ન રહી ગયો વિક્રમ. પોતે એકએક ચાલ વિચારી વિચારીને ચાલી રહ્યો હતો અને જો કાર્લ જેવો એક આઉટસાઇડર પોતાની ચાલ સમજી શક્યો હોય તો સલોની નક્કી બે ડગલાં આગળ વિચારીને જ ચાલતી હશે ને ?!

***