Ek Chaal Tari Ek chaal mari - 15 books and stories free download online pdf in Gujarati

એક ચાલ તારી એક ચાલ મારી - ભાગ - 15

એક ચાલ તારી

એક ચાલ મારી

- લેખક -

પિન્કી દલાલ

( 15 )

ચસોચસ બંધ ફ્રેંચ વિન્ડોમાંથી નજરે ચઢતો હતો દરિયો.

મધરાત થઇ ચૂકી હતી, છતાં એ તો પોતાની મસ્તીમાં ચૂર હોય એમ વધુ ઉન્માદથી ગાઇ રહ્યો હતો. એ નાદ સલોનીના કાન સુધી પડઘાતો હતો.

ક્યારેય ન જોયેલી, અનુભવેલી ઉપેક્ષાની ખારી લાગણી વારે વારે આંખમાં આવી વહી જતી રહી.

ગુરુનામ વિરવાની આટલા નિષ્ઠુર બની શકે એવી તો પોતે સપનેય કલ્પના કરી નહોતી અને આશુતોષ... ? હવે એ દરવાજો તો ગણવો જ નકામો. એ તો હવે વન-વે સ્ટ્રીટ હતી !

બાબાની નાજુક હાલત... પરીનું આગમન...

સલોનીનું મન વધુ ને વધુ ભારે થતું ચાલ્યું. પોતે જ તમામ બારણાં એવા જડબેસલાક વાસી દીધા હતાં કે હવે એ ખોલવા કઈ રીતે ?

સલોની હજુ કંઇ વિચારે એ પહેલા મોબાઇલ ફોનની રિંગ સંભળાઇ.

ઓહ નો નૉટ અગેઇન...

સલોનીનો ડર સાચો પડી રહ્યો હતો. ફોન વિક્રમનો જ હતો. છેલ્લાં થોડાં સમયમાં એટલી બધી ઘટનાઓ એકસાથે બનતી રહી કે વિક્રમનું જાણે અસ્તિત્વ જ વિસરાઇ ગયેલું !

‘હા, વિક્રમ....’ સલોનીએ પહેલી વાત ભયનો સામનો બહાદૂરીથી કરવો હોય એમ કંઇક વિચારીને કહ્યું.

‘અચ્છા, તો તું મારા કોલ અવોઇડ પણ કરી રહી છે, એમ ? વિક્રમ ઉશ્કેરાટથી બોલતો હતો. એનો અર્થ કે એ ભયંકર છેડાયો હતો.

‘વિક્રમ, તને તો તારા સ્વાર્થ વિના કંઇ જ ન દેખાતું હોય એ સ્વાભાવિક છે, પણ હું તને જણાવી દઉં કે હું મોટા અકસ્માતમાંથી માંડ માંડ બચી શકી છું, પણ હજી સંપૂર્ણપણે સજ્જ નથી કે તારા વ્યંગનો બોમ્બમારો ઝીલી શકું.’

સલોનીને પોતાને અચરજ થયું. ક્યારેક ખાનગી વાતનો હરફ ન કાઢનારી પોતે આ અકસ્માત વિશે વિક્રમને ગાઇ વગાડીને કહેવાની શું જરૂર ? જાણે એને કોઇ સહાનુભૂતિ ઉભરાઇ આવવાની હતી ?!

‘સલોની, ઠીક છે, આજે તને અકસ્માત થયો.. હવે કાલે તને તાવ આવશે.... પરમ દિવસે બેબીને દાંત આવશે... તું શું મને મૂર્ખ સમજે છે ?’

વિક્રમનો આક્રોશ ઠંડો નહોતો પડ્યો, ઘૂંટાઈને બહાર આવ્યો. વિક્રમના આક્રોશમાં વધુ ઘી હોમાયું હોય એમ ભડક્યો હતો :

‘સલોની,તું કાલે સુહાના સફર પર કોઈક જોડે હતી એ મને ખબર છે અને તારી એ હિંમત કે મારો ફોન તારો પેલો એ રિસીવ કરે ?મને ટાળવાનો તારો અંદાજ લાજવાબ.. પણ યાદ રાખજે...’

વિક્રમ વધુ બોલે એ પહેલાં જ સલોનીએ એની વાત કાપી :

‘એય વિક્રમ, આ તારી લુખ્ખી દાદાગીરી તારાથી જે ડરતું હોય તેના પર કરજે, સમજ્યો... તું શું કરી લેશે ? જા, કરી લે... તારે ગુરુનામ વિરવાનીને કહેવું છે ? વિરવાનીનો પ્રાઇવેટ નંબર છે કે આપું ?’

સલોની વાઘણની જેમ ગર્જી. સામે છેડે વિક્રમ જાણે ઠંડો પડ્યો. એક જ રાતમાં હવે આને વળી ક્યો જાદુઇ ચિરાગ મળી ગયો કે નવી બાજી માંડી રહી છે ? કે પછી ક્યાંક વિરવાનીને ત્યાં બધું સેટ થઇ ગયું હશે એટલે ગરમી દેખાડે છે ?

‘જો વિક્રમ... હું વધુ કંઇ નથી કહેતી. હું ફક્ત માગી રહી છું થોડી મહેતલ...’સલોનીના સ્વરમાં સમજાવટનો સૂર ભળ્યો હતો..

સલોનીને ક્યાં ખયાલ હતો કે આ સમજાવટના સૂરે વિક્રમના બુઝાતાં જતાં અરમાનના દીવડામાં ફરી પ્રાણ પૂર્યો હતો ! ઓહ, હજી ડરે તો છે જ... ફક્ત ટેન્શનમાં છેડાઇ પડી...

વિક્રમે જવાબ આપ્યાં વગર ફોન ડિસ્કનેક્ટ કર્યો.

આ શિકાર સાથે થોડી કુનેહથી કામ લેવું પડશે !

* * *

‘હલો... મરે મિસ્ટર વિરવાની સાથે વાત કરવી છે. અર્જન્ટ....’

સવારના પહોરમાં આ વાક્યથી લઇ પૈસા માગણી કઇ રીતે, કેવા શબ્દોમાં કરવી એનું રિહર્સલ સલોની છેલ્લાં થોડાં અઠવાડિયાથી લગભગ રોજ પચાસેક વાર કરતી રહી હતી. હવે સમય હતો એની ભજવણીનો.

ગુરુનામ વિરવાનીને ઘરે ફોન કરી તેમને આ તમામ વાતોથી પરેશાન કરવા ઠીક નહીં. સલોનીએ વિચાર્યું. સવારે પૂજાપાઠનો સમય છે અને એમને પોતાની પૂજામાં કંઇ અવરોધ આવે એ સહેજે પસંદ નથી એવું પોતે વારંવાર ગૌતમ પાસે સાંભળ્યુ પણ હતું.

મિસ્ટર વિરવાની, પ્લીઝ... ‘અગિયારનો ટકોરો થયો અને સલોનીએ બ્લુ બર્ડ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં ફોન લગાવ્યો. રાબેતા મુજબ ઑપરેટર પછી લાઇન પર આવી મિસ્ટર વિરવાની સેક્રેટરી.

‘સર ઇઝ બિઝી, બૅક ટુ બૅક મિટિંગ છે... કંઇ અર્જન્ટ હોય તો મૅસેજ આપી દો...’ સેક્રેટરીએ કહ્યું તો ખરું, ખરેખર અર્થમાં પણ પોતે મૅસેજમાં કારણ શું આપવું ?

‘વેલ, એઝ સચ નો મૅસેજ... મારે ડાયરેક્ટ વાત કરવી જરૂરી છે.’

‘તો પછી બે કલાક પછી ટ્રાય કરો...’ સેક્રેટરીએ સૂચવ્યું. એ બે કલાક કેવા વીત્યા એ તો સલોનીનું મન જ જાણતું હતું.

બે કલાકની રાહ જોયા પછી ફોન કર્યો ત્યારે પણ એ જ નિરાશા હાથે લાગી.

‘તમે માત્ર મારો મૅસેજ તો પહોંચાડો..’ ગુરુનામ વિરવાનીને મળવા માટે સલોનીએ આવા કાલાવાલા કરવા પડે ? સલોનીના રૂંવે રૂંવે ઝાળ વ્યાપી રહી.

‘તમે કહો છો એ બરાબર છે, મૅમ... પણ તમે મેસેજ આપવા તૈયાર નથી તો પછી... ‘સેક્રેટરીએ વાત અધૂરી છોડી :

‘સરની સૂચના છે, તમે મૅસેજ આપો પછી એ વાત કરી લેશે...’ થોડી ક્ષણ બાદ એણે ઉમેર્યું.

સલોનીના મનમાં ઘમસાણ ચાલતું હતું.

‘મને થોડી કૅશ ઓન હૅન્ડ જોઇતી હતી.. જો તમે આ મૅસેજ આપી શકો તો...’ સલોની પાસે હવે આ વાત કહ્યા વિના કોઇ વિકલ્પ બાકી રહ્યો નહોતો.

‘ઓકે, તમારો મૅસેજ હું પહોંચાડી દઉં છું ‘સેક્રેટરી સ્વાભાવિકતાથી બોલી, જે ખરેખાર તો સલોનીને ધરપત કરાવતી રહી.

ખરેખર તો આ જ સારું રહ્યું.

ગુરુનામ વિરવાની સીધા લાઇન પર આવી જાત તો પોતે નાણાંની માગણી કરતે કેવી રીતે ?

સેક્રેટરીએ સલોનીનો મૅસેજ આપતાં ગુરુનામને વકીલમિત્ર અનુપમ ચોપરા સાથે વાત કરી લેવી જરૂરી લાગે :

‘ચોપરા... એ જ થયું,જેની ધારણા આપણે રાખી હતી...’

‘હં...’ ચોપરાએ થોડીવાર વિચાર કર્યો.

‘ગુરુનામ, ડાયરેકટ થવાને બદલે હવે બધું ઇનડાયરેક્ટ થઇ કરવું પડશે...’ કંઇક વિચારીને ચોપરા બોલ્યો.. દસ મિનિટની ટેલિફોનિક વાતચીત પછી એમની રણનીતિ તૈયાર હતી.

એકાદ દિવસ એમ જ વીતી ગયો. જાણે વિરવાનીને કોઇ જ મૅસેજ ન મળ્યો હોય..

‘ગુડ ઇવનિંગ, મૅમ... આશિષ બારૂ ફ્રોમ બ્લુ બર્ડઝ... ‘વિચારવિહીન અવસ્થામાં શૂન્ય દ્રષ્ટિએ દરિયાને તાકી રહેલી સલોનીને આ વાક્ય ચમકાવી ગયું.

‘આપે મિસ્ટર વિરવાની માટે મૅસેજ મૂક્યો હતો એટલે અમારા ચીફ એકાઉન્ટિંગ ઑફિસર મિસ્ટર ચતુર્વેદીએ મને ડેપ્યુટ કર્યો છે...’

સલોનીને પોતાના કાન પર વિશ્વાસ નહોતો બેસી રહ્યો કે પોતે શું સાંભળી રહી છે.

‘ઓહ, થેન્ક યુ...’ સલોની એટલા ભાવથી બોલી કે જાણે એના અવાજ સાથે હોઠ પર ફરકી ગયેલું સ્મિત પણ સામે છેડે પહોંચવાનુ હોય..

‘તમે તો કોઇ રકમનો ઉલ્લેખ નહોતો કર્યો એટલે સીઓઓ સરનું કહેવું હતું કે જો તમે એ જણાવી શકો તો બહેતર...’

‘લગભગ પચ્ચીસ લાખની જરૂર છે. જોકે વીસેક થશે તો પણ ચાલશે..’ સલોનીને બોલી દીધા પછી ખયાલ આવ્યો પોતાની અપરિપક્વતાનો. આ જ વાત એ થોડી સ્માર્ટલી-સિફતથી કરી શકી હોત !

‘ઓકે...’ સામેથી આશિષ બોલ્યો :

‘તમારો આ ફિગર તો હું ચતુર્વેદી સરને હમણાં જ જણાવી દઉં છું, પણ એ પહેલા એક નાની વિગત તમારી પાસે લેવાની હતી એવી સૂચના મને ચતુર્વેદી સરે આપી હતી...’

‘હા... જી, બોલો ! ‘સલોનીના મન-મગજમાં ફરી આત્મવિશ્વાસ પ્રાણવાયુની જેમ સીંચાયો હોય એમ એના અવાજમાં રણકો આવ્યો.

‘મિસ દેશમુખ... મિસ્ટર ચતુર્વેદીએ કહ્યું છે કે તમે સ્વિત્ઝરલેન્ડ હતાં ત્યારે પણ લગભગ આટલી રકમ મંગાવેલી હતી, જે તમને જિનિવા ઑફિસથી મિસ્ટર શર્માએ પહોંચાડી હતી, રાઇટ... ?!’

‘હમ્મ... હા જી... રાઇટ...’ સલોનીની જીભ જરા થોથવાઇ રહી. સ્વિત્ઝરલેન્ડમાં હતી ત્યારેપોતે જે નાણાં મગાવ્યાં હશે એની પાઇએપાઇનો હિસાબ આ અબજોપતિ માણસે રાખ્યો હશે ? એવી તો પોતે કલ્પના જ નહોતી કરી !

‘તો તમે એ માટેના બિલના બ્રેક-અપ્સ આપશો ?’

આશિષ બોલતો હતો વિનમ્રતાથી, પણ ખબર નહીં, સલોનીને લાગ્યું કે જાણે એ પોતે કોઇ ચોર છે ને કંપનીનો પેલો અદનો કર્મચારી પોલીસ.

‘પણ એ બધું અત્યારે...’

સલોનીએ મોઢામાં બાઝી રહેલાં થુંકને ગળે ઉતારતાં મનોમન કહ્યું : આ વળી નવી ઉપાધિ...

‘કશો વાંધો નહીં... આ તો કંપનીના ઑડિટર્સને હિસાબ આપવો પડે ને ! તમે આ નાણાં ખર્ચ્યાં એના બિલ તો લીધા હશે ને.. એ જોઇ લેજો. હું તમારા ઘરે માણસને મોકલી કલેક્ટ કરાવી લઇશ.’ આશિષની વિનમ્રતામાં લેશમાત્ર ફરક નહોતો પડ્યો.

‘પણ મેં કહ્યું ને... એ મારી પાસે નથી હવે...’ સલોનીને લાગ્યું જાણે પોતાની ચૅર નીચે જ કોઇએ તાપણું જલાવી દીધું છે.

‘મેં કહ્યું મૅમ, કોઇ જ વાંધો નહીં.. બિલ ન હોય તોપણ ઠીક છે.. બ્રેક –અપ્સ આપી દેજો.. !’ આશિષ સામેથી એકની એક જ વાત દોહરાવી રહ્યો હતો. જે સાંભળીને સલોનીના પેટનું પાણી વલોવાઇ ગયું હતું.

આશિષના ફોનથી જે આશા જાગી હતી એથી વધુ તો એ સલોનીને વધુ વ્યગ્રતામાં ડૂબાડતો ગયો.

બાબાને તબિયત, વિરવાનીની નિસ્પૃ્હતા, આશુતોષની નવી મંઝિલ, પરીની જવાબદારી અને સામે કાળની જેમ મંડરાતો વિક્રમ... સલોની.. તેં કેવા દોઝખમાં નાખી દીધી પોતાની જાતને ?

સલોનીને રહી રહીને એક જ પ્રશ્ન થતો હતો. પળવાર માટે સામે ઘૂઘવાતા દરિયામાં જઇ જળસમાધિ લઇ લેવાનો વિચાર પણ આવી ગયો. ક્યારેક ન આવેલા આવા નબળાં વિચાર હવે જ કેમ આવતા હતા ? પોતાને ખુશી કે પીડા આપવાનો અધિકાર ક્યારથી બીજાને સોંપ્યો ?

સલોનીએ પોતાની જાતને જ આ પ્રશ્ન ચાર-પાંચ વાર કર્યો. મનને ઠમઠોરવાથી એ જરા સાબૂત થયું હોય એમ હવે મગજ કામ કરતું થવા લાગ્યું

સ્વિત્ઝરલેન્ડમાં શર્માએ આપેલી રકમ પહોંચતી કરેલી એની ના નહીં, પણ પછી તાત્કાલિક મુંબઇ આવવાનો પ્લાન બની ગયો હતો એટલે વિક્રમ પાસે મળનાર એના બેન્કની વિગતની રાહ જોયા વિના ઇન્ટરલાકેન બ્રાન્ચમાં પોતાના નામે એકાઉન્ટ ખોલીને જમા કરાવી દીધા હતી ! આ રકમ વિરવાની જેવા બિઝનેસ મેગ્નેટ માટે શિંગચણા જેવી ભલે હોય, પણ કામ તો ઝીણા મરી જેવું કરી ગઇ. આટલી નાની અમથી વાત વિરવાનીના મનમાં શંકાનો કીડો મૂકી ગઇ. પોતે જન્માવેલો વિશ્વાસ એક ક્ષણમાં હવા થઇ ઊડી ગયો હોવો જોઇએ. એટલે કે વિરવાનીના બદલાયેલા વલણનું કારણ વિક્રમ નહીં બલકે પોતાની લાપરવાહીથી થઇ ગયેલી ભૂલ હતી.

એકવાર આખું ચિત્ર જિગ્સો પઝલની જેમ બંધબેઠું કે સલોનીને મન પરનો ભાર ઉતરી ગયો હોય એવું લાગ્યું. એકવાર સમસ્યા સમજાય તો સમાધાન શોધતાં વાર કેટલી ?

* * *

રાતભર મટકું સુદ્ધાં નહોતું માર્યું છતાં સલોનીની સવાર રોજ કરતા બે કલાક વહેલી પડી. એક વાર સમસ્યાની ગૂંચનો એક તંત મળે એટલી જ વાર પછી એ ઉકેલતાં વાર કેટલી ? સમસ્યાનું સમાધાન પણ રાત્રે જ મળી ગયેલું. હવે વાત હતી એને અમલમાં મૂકવાની.

‘અનીતા... મરે એક અર્જન્ટ કામથી બહાર જવું પડશે...’ સલોનીએ તૈયાર થઇ ઘર છોડતા પૂર્વે રાબેતા મુજબની સૂચના અનીતાને આપતા કહ્યું :

‘પણ ધ્યાન રહે.. એક તો કોઇ ફોન કોલ્સ રિસીવ ન કરતી અને એથી મહત્વની વાત બેબીને વૃંદાના ભરોસે ન છોડતી.’

‘મૅમ,.... હજી સુધીએ એવું કંઇ થયું છે ?’ અનીતાએ સામો પ્રશ્ન કર્યો વૃંદાના આગમનથી એનો ઇગો જરા ઘવાયો હોય એવુ લાગતુ હતું.

‘અનીતા મને ખ્યાલ છે, પણ જરા સાચવી લે...’ સલોનીના બોલવા પાછળનો ભાવ અનીતા સમજી ન શકે એવી અબુધ નહોતી.

‘તમે ચિંતા ન કરો, હું બધું સંભાળી લઇશ...’ અનીતાએ ચાર શબ્દમાં જ સલોનીને ચિંતામૂકી્ત કરી નાખી.

બે કલાક ની ડ્રાઇવ પછી સલોની પહોંચી વિરારની એક સંસ્થામાં. એસબીએસ નારીનિકેતન... એવું કોઈક રંગ ઊડેલું પાટિયું દિશાનિર્દેશ કરતું હતું. સાંકડા રસ્તા ને ઊભરાતી ભીડમાંથી રસ્તો કરીને સંસ્થા સુધી પહોંચતા વધુ અડધો કલાક નીકળી ગયો.

સંસ્થાના કમ્પાઉન્ડમાં કાર પાર્ક થઇ ને સલોની ઊતરી એ દૅશ્ય મકાનના પહેલે માળે આવેલી ઑફિસમા બેઠેલા મૅનેજરે વિનય સરાટેથી અજાણ્યું ન રહ્યું.

આજે તો કોઇ વિઝિટર નહોતું આવવાનું તો આ ? સરાટેના મનમાં પ્રશ્ન ઊઠ્યો.

સલોની ચારેબાજુ નજર ફેરવી રહી. પ્રમાણમાં ઠીકઠીક કહી શકાય એવા મોટા એક પ્લોટ પર ચાર માળનું બિલ્ડિંગ ન જાણે કેટલીય અનાથ કન્યાઓનું પિયર હતું.

સલોની હજુ સંસ્થાની ઑફિસ શોધે એ પૂર્વે જ સરાટેએ મોકલેલી એક નાનકડી છોકરી સામે આવી. બ્લુ રંગનો યુનિફોર્મ અને તેલ નાખીને વાળેલી બે ચોટલી,પરાણે વહાલી લાગે એવી નિર્દોષ.

‘નમસ્તે દીદી, ઑફિસ ઉપર છે. પહેલે માળે...’

સલોનીને એને જોઇને જ વહાલ ઊભરાઇ આવ્યું અને પછી દયા. કઈ રીતે જન્મ આપનારાં મા-બાપ આટલા ક્રુર થઇ શકતાં હશે ?

‘આવો, મૅડમ... આપનું સ્વાગત છે...’ પહેલે માળે દાદર ચઢીને જતાં જ સરાટે ઑફિસની બહાર આવકારવા આવીને ઊભો હોય એમ સામે મળ્યો, માનપૂર્વક સલોનીને પોતાની ઑફિસમાં દોરી લઇ જતાં પેલી નાની છોકરીને કહ્યું :

જા... તાઇ ને કહે મહેમાન છે... ચા મોકલાવે.’

‘તમે તો આ દીકરીઓ માટે ખૂબ ઉત્તમ કામ કરો છો...’

સલોનીએ સરાટેના ડેસ્ક્ની સામે પડેલી વિઝિટર્સ ચૅર પર બેઠક લેતાં કહ્યું. આખા વાતાવરણનો અભ્યાસ કરી રહી હોય એમ એની નજર થોડી ક્ષણોમાં ખૂણે ખૂણે ફરી વળી હતી.

‘આ સ્ંસ્થાને નારીનિકેતન કહો કે અશ્રમ, પણ એનું નામ ખાસ જાણીતું નથી.... છતાં પ્રભુની કૃપા છે કોઇ દિવસ સામેથી હાથ લાંબો કરવા જવું પડતું નથી.’ સરાટેએ વિના માગ્યે પોતાની અપીલ કરી દીધી.

‘સાવ એવું તો નહીં, મેં સાંભળ્યું હતું મારા એક સ્નેહી પાસેથી... આજે અહીં આવવાનો અવસર બન્યો... ‘સલોની નમ્રતાથી બોલી.

‘હા, સાચી વાત... આમ તો સંસ્થા ઘણી જૂની છે. લગભગ પચાસેક વર્ષથી ચાલે છે, પણ હવે છેલ્લાં દસ-બાર વર્ષમાં કાર્યક્ષેત્ર વિસ્તાર્યું છે અમે.. હું છેલ્લાં ત્રીસ વર્ષથી છું આ સંસ્થા સાથે... આ જ આશ્રમમાં બાળપણ વીત્યું અને હવે મૅનેજર થઇ અહીંના બાળકોને સંભાળું છું. મારું નામ વિનય સરાટે...’ સરાટે થોડાં લાગણીવશ થઇ જતો લાગ્યો.

‘હા, એ મને ખયાલ છે, તરછોડાયેલા બાળકોનું માવતર બની રહેતી સંસ્થા વિશે મેં સાંબળ્યું છે...’ સલોની ધ્યાન રાખીને બોલી, ક્યાંક વાતમાં કોઇક કડી ન જોડાઇ જાય....

‘એ તો ઘણી ઉત્તમ વાત છે. એ માટે જ તો આ ભેખ લઇને બેઠા છીએ, બહેન... હા, તો બોલો શું રકમ લખું ?’

સરાટેએ પોતાની ખુરશી પર ગોઠવાઇ ટેબલના ખાનામાંથી રસીદ બુક બહાર કાઢતાં પૂછ્યું.

‘મિસ્ટર સરાટે, તમે મારી વાત સાંભળ્યા વિના જ કાપી નાખી...’ સલોની જરા ઠંડા સ્વરે બોલી. જે સાંભળતા સરાટેનો ચહેરો જરા ઝંખવાયો.

‘મારો અનુરોધ એવો હતો કે હું અત્યારે જે દાન આપવા માંગું છું એની રકમ પણ અત્યારે જ આપી દઇશ, પણ તમે રસીદ આપશો એની પર તારીખ આજની નહીં, હું કહું એ દિવસની હોવી જોઇએ..’ સલોની હજી આગળ બોલે એ પહેલા સરાટેએ ફારી એની વાત કાપી.

‘એવું તો મૅડમ, કંઇ રીતે બને ?’

‘મિસ્ટર સરાટે...’

સલોની જરા અટકી, ધારદાર સ્વરે જ સામે પ્રશ્ન કર્યો :

‘એવું કેમ ન બની શકે ?’

સરાટે પણ સલોનીના આ સીધા પ્રશ્નથી મુંઝાઇ ગયો હોય એમ થોથવાઇ ગયો.

‘મિસ્ટર સરાટે, એ કઇ રીતે કરવું તમારો પ્રશ્ન છે.’ સરાટેને ગુંચવાયેલો જોઇ સલોનીએ તીર છોડ્યું.

‘મારે અગિયાર લાખ રૂપિયા આપવા છે...’

આ છેલ્લું વિધાન સરાટેની બોલતી બંધ કરવા પૂરતું હતું એ સલોની જાણતી હોય એમ નાનકડું સ્મિત ફરકાવી બોલી :

‘અને હા, વધુ એક મહત્વની વાત...’

‘જી..’ સરાટે ભારે મૂંઝાયો હતો, પણ હંમેશા આર્થિક ટેકાની જરૂર હોય ત્યાં આવાં થોડાં નાના-મોટા સમાધાનની એને નવાઇ પણ નહોતી.

‘એવું બનશે જ નહીં, પણ ધારો કે ભવિષ્યમાં તમને આ વિષે ઝાઝી પૂછપરછ કરવામાં આવે તો તમે માહિતી જરૂર આપજો-સાચી માહિતી આપજો, પણ સાચી માહિતી એટલે આ રસીદ પર લખાયેલુ નામ, દાન આપ્યાની તારીખ, જે હું તમને જણાવી રહી છું તે તારીખ... અને હસ્તક તરીકે ભલે મારું નામ જણાવો, એમાં મને લગીરે વાંધો નથી.’

સરાટે થોડી ક્ષણ સુધી દિગ્મુઢ થઇને બેસી રહ્યો. સલોનીએ મૂકેલી માગણી પર ફરી એક વાર વિચાર કરી લીધો. એમાં કશુંય અઘટિત કે ગેરકાનુની હતું જ નહીં.

-તો પછી આ માનુની આમ ભેદી રીતે વાત શા માટે કરતી હશે ?

સરાટેના મનમાં ચાલી રહેલા વિચારો સલોની સ્પષ્ટપણે વાંચી રહી હોય એમ થોડું હસીને બોલી :

‘મિસ્ટર સરાટે, તમે તો વર્ષોથી આ ક્ષેત્રે છો, ખરુ ને ?’

સરાટેએ ઉત્તરમાં માથું ધુણાવ્યું.

‘તો તમે ગુપ્તદાનની વાત જાણતા જ હશો ને ! દાન તો એવું હોવું જોઇએ, જે જમણો હાથ આપે તો ડાબા હાથને ખબર ન પડે !’સલોનીએ સિફતથી વાત વાળી લીધી.

આ સાંભળતા જ સરાટેના ચહેરો સલોનીના અહોભાવમાં ખીલી ગયો :

‘વાહ, શું ઉમદા વાત કહી... આજકાલ તો દાનની વાત માત્ર ફોટોગ્રાફ્સ પડાવવા માટે જ થાય છે...’

સરાટે માની રહ્યો કે દુનિયા ભલે રસતાળ જાય,પણ આવાં નેક- દાનવીર લોકો હોય ત્યાં સુધી ટકશે !

‘તો શું નામ લખું, મૅડમ ?’ સરાટેએ ચશ્માં ચઢાવી પેન હાથમાં લેતાં પૂછ્યું.

‘એક જ મિનિટ, હું તારીખ તમને જણાવું..’ સલોનીએ પોતાની હૅન્ડબેગમાંથી મોબાઇલ ફોનમાં કૅલેન્ડર ખોલી મહિના ને તારીખ જોવા માંડ્યાં.

‘હા, તો લખો તારીખ...’ સલોનીએ લખાવી દીધી એ તારીખ, જિનિવા ઑફિસથી નાણાં મળ્યાની બરાબર ત્રીજા દિવસની....

‘નામ ? નામ તો તમે જણાવ્યું જ નહીં ? !’

અહીં અનાથઆશ્રમમાં આવતા પહેલાં બૅન્કમાંથી પોતાના એકાઉન્ટ માથી ઉપાડેલી કૅશમાં બંડલ ચેક કરી રહેલી સલોની સામે જોઇને સરાટે એ કહ્યું.

‘પહેલાં આ રકમ ગણી લો... ‘સલોનીએ એક પછી એક લાખ એક લાખનાં બંડલ સરાટેના ટેબલ પર ગોઠવી દીધાં.

‘તમે ગણ્યાં એ પૂરતું છે...’

સરાટેએ સામો વિવેક કર્યો :

‘પણ તમે જણાવ્યું નહીં, નામ શું લખું ?’

* * *

‘સરાટે... ભાઇ, ફોન તો ઊઠા લિયા કરો..’

સલોની અને સરાટે વચ્ચે થૈ રહેલી વાતચીતમાં ખલેલ પડી.

‘અરે.... સર, આવો... આવો...’ સરાટે તો સલોનીની હાજરી જ વિસરી ગયો હોય એમ ઊભો થઇ ઑફિસમાં અંદર પ્રવેશતી વ્યક્તિને આવકારવા દોડ્યો.

‘સર, આજે આમ અચાનક... મને જાણ કરી હોત તો ?’

‘એ બધું ઠીક છે, આજે આ બાજુથી પસાર થતો હતો તો થયું મળતો જાઉં...’

આટલું સાંભળતા સલોનીએ પાછળ ફરીને પ્રવેશી રહેલા આગંતુક તરફ જોયું :

‘અરે... આપ ?’

સલોની સ્તબ્ધ રહી ગઇ. ઑફિસના મેઇન ડોરથી સુદેશ સિંહ અંદર આવી રહ્યો હતો...

‘ઓહ, તમે અહીં ?’ સલોની પર નજર પડતાંવેંત અચંબામાં તો સુદેશ સિંહ પણ પડ્યો.

સ્સલોનીના શરીરમાંથી એક ઠંડી ધ્રૂજારી પસાર થઇ ગઇ : ક્યાંક આ સંસ્થા સાથે જોડાયેલો હશે કે પછી અહીં શા માટે આવી એની ખણખોદ કરશે તો ?

‘અરે, આપ એકબીજાને જાણો છો ? ‘આશ્ર્વર્યચકિત થવાનો વારો સરાટેનો પણ હતો. જોકે પછી પોતાના જ પ્રશ્નનો ઉત્તર પોતે આપી રહ્યો હોય એમ બોલ્યો પણ ખરો :

‘હા, પણ સાહેબને કોણ ન ઓળખે ? સુદેશ સિંહ એસીપી, ક્રાઇમ, મુંબઇ પોલીસ...’

સલોનીની સામે જોતા સરાટે બોલ્યો.

‘ઓહ, એડિશનલ પોલીસ કમિશ્નર ? જાણે સલોનીને વધુ એક આંચકો મળવો બાકી હતો.

અવઢવમાં પડી ગઇ સલોની... કેવી પરિસ્થિતિમાં મૂકાઇ ગઇ હતી પોતે ? થોડી ક્ષણો એમ જ વીતી પછી સલોનીને લાગ્યું કે હવે પોતે અહીંથી ઊઠી જવું જોઇએ :

‘મિસ્ટર સરાટે, થેન્ક યુ ફૉર એવરીથિંગ. મારું કામ આમ પણ પતી જ ગયું છે.’ સલોનીએ બોલતાં બોલતાં સુદેશ સિંહ તરફ સ્મિત ફરકાવી એ સડસડાટ બહાર નીકળી ગઇ.

બહાર નીકળ્યા પછી એક અજબ હળવાશ અનુભવતી રહી. આ હ્ળવાશનું કારણ શું હતું ? સલોની એનું કારણ પામવાનો પ્રયત્ન કરતી રહી. અચાનક જ લાગી રહ્યું હતું કે વિક્રમ નામનું ગ્રહણ લાગે એ પહેલાં જ છૂટી રહ્યું છે ને એ માટેનું કારણ શું ?

વિક્રમનો વિચાર પણ હળવેકથી હાંસિયામાં ધકેલાઇ રહેલો લાગ્યો સલોનીને અને ન ચાહવા છતાં પણ એક ચહેરો વારંવાર આંખ સામે તાદ્રશ થતો રહ્યો.

સુદેશ સિંહ, એડિશનલ કમિશ્નર, ક્રાઇમ આ સંસ્થામાં ? નાનાં બાળકો અને સ્ત્રી માટેની સંસ્થામાં ? કોઇ તાળો બેસી નહોતો રહ્યો.

બે-અઢી કલાકની ડ્રાઇવ પછી એકાદ કલાક સરાટે સાથે ને પાછળ ફરતાં બીજા બે-અઢી કલાક... ઘરે પહોંચી જવા હવે સલોની ઉતાવળી થઇ રહી હતી.

સલોનીએ વિન્ડો બહાર નજર કરી. ટ્રાફિક ખરાબ રીતે જામ થઇ ચૂક્યો હતો. ઊબડખાબડ રસ્તા અને એની પર દોડી રહેલા ન જાણે કેટકેટલાંયવાહનો, લોકો.... ‘બહાદૂર, કેટલી વાર લાગશે હજુ ?’

ખુદ ટ્રાફિક જોઇ રહી હતી એ છતાં સલોનીએ બહાદૂરને પૂછ્યું જાણે કે એનો જવાબ કંઇક જૂદો હોવાનો. કીડીના પગલે ચાલી રહેલી કારના ફૂલ બ્લાસ્ટ એરકન્ડીશનમાં અકારણે જ સલોનીને અકળામણ થઇ રહી હતી.

‘મૅમ, આગળ ટ્રાફિક જામ છે...’ ભાગ્યે જ બોલતો બહાદૂર પોતે કદાચ આ જામથી અકળાયો હતો,પણ એ સહન કર્યે છૂટકોય ક્યાં હતો ?

સલોનીને વિચાર આવી ગયો ઘરે ફોન કરવાનો : બધું બરાબર તો છે ને ?

ના, અનીતા પોતાના ઓર્ડરનું પાલન કરશે ને ધરાર ફોન નહીં જ ઉપાડે એની પણ ખાતરી હતી સલોનીને.

સલોની હજી આ વિચારી રહી હતી ને એના ફોનની રિંગ રણકી. ફોન ઘરેથી હતો.

‘મૅમ, પરી ઘરમાં નથી... બધે જોયું, બધે શોધી.’ અનીતાના ગભરાટભર્યા સ્વરે સલોનીને સન્ન કરી નાખી.

‘અનીતા... શું બોલે છે ? જરા નીચે જઇને જો, બહાર ગાર્ડનમાં જોયું ? બાથરૂમમાં જો, કદાચ વૃંદાએ એને ટબમાં બેસાડી હશે એને બહુ ગમે છે ને !

સલોનીએ જાત પર કાબૂ કસતી હોય એમ સ્વસ્થતા સંભાળવાનો પ્રાયસ કર્યો, પણ મુખ્ય ઝટકો તો હજી વિઝાવાનો બાકી હોય એમ અનીતા બોલી ઊઠી :

‘મૅમ, વૃંદા પણ ગાયબ છે !’

***