Smruti books and stories free download online pdf in Gujarati

સ્મૃતિ

સ્મૃતિ

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,

અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;

ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,

વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

– ‘શૂન્ય’ પાલનપુરી

આજ પુરા અગિયાર વર્ષ પછી ફરી પાછો આ શહેરમાં આવ્યો હતો. અગિયાર વર્ષમાં કેટલું બધું બદલી ગયું હતું. રાજકોટ મારુ વતન હતું અને મારી જન્મભૂમિ પણ રાજકોટ હતી. અગિયાર વર્ષમાં રાજકોટનો આખો નકશો બદલી ગયો હતો. આ શહેર છોડીને ગયો ત્યારે હું અને મારા માતા - પિતા ત્રણ વ્યક્તિ હતા. ઘણી બધી સ્મૃતિઓ જોડાયેલી હતી આ શહેર સાથે મારી. ફરી આજ આ શહેરમાં આવવાનું થયું એનું એક માત્ર કારણ અમારું અહીંયા ખાલી પડેલું જૂનું ઘર હતું. મારા પપ્પાના એક જુના મિત્રની અહીંયા રાજકોટમાં બદલી થઈ, તો રહેવા માટે આપવાનું હતું. આજ ફરી રાજકોટ શહેરમાં આવ્યો છું. આજ ફરી અમે ત્રણ વ્યક્તિ જ છીએ. મારા સિવાય ના બે પાત્રો બદલી ગયા છે. હું, મારી પત્ની રોમા, અને મારી પાંચ વર્ષની દીકરી અભિધેયા આજ સાથે છે. એક ફરવાનું બહાના સાથે એક જવાબદારીનું કામ પૂર્ણ કરવાનું હતું.

અમે અમારા જુના ઘર પર પહોંચ્યા. હરસુખકાકા અમારી પહેલા આવી ગયા હતા અને અમારો વેઇટ કરતા હતા. પેલા કરતા આજ રોડ રસ્તાની હાલત સારી હતી. અમે ઘરની આજુબાજુમાં ઘણા બધા વૃક્ષો વાવ્યા હતા, પરંતુ આજ ત્યાં એક પણ વૃક્ષ દેખાતું ન હતું. અમે રાજકોટ છોડી ને ગયા ત્યારે કૈક અલગ વાતાવરણ હતું, આજ પણ અલગ વાતાવરણ હતું. આજુ બાજુમાં ઉંચી ઉંચી ઈમારતો ઉભી કરી દીધી હતી. પહેલા સવારમાં સૂરજના સીધા કિરણો મકાન પર આવતા, પરંતુ આગળ ઉભી કરેલી ઈમારતોને લીધે હવે એ આવતા બંધ થઈ ગયા હતા. મેં તાળું ખોલવાની કોશિશ કરી પરંતુ તાળા ઉપર કાટ લાગી ગયો હતો. પપ્પા રાજકોટ આવતા ત્યારે અવશ્ય મકાને આવતા. માંડ કરીને તાળું ખુલ્યું. ચારે કોર ધૂળના થર બાજી ગયા હતા. અમે મેઈન ડોર નું લોક ખોલીને અંદર ગયા. રોમા અહીંયા બીજી વાર આવી હતી. એક વાર એ રાજકોટ આવી હતી, ત્યારે મમ્મી સાથે આવી હતી. મેં હરસુખકાકા સાથે થોડી ઔપચારિક વાતો કરી અને કાકાને મકાન ઘણા સમયથી બંધ હતું તો સાફ સફાઈ કરાવી લેવા કહ્યું અને અંદર ઘર બતાવી અને કાકાને ચાવી સોંપી દીધી.

રોમા અને હું રાજકોટ શહેરમાં પહેલી વખત સાથે આવ્યા હતા. રાજકોટ શહેર છોડીને બરોડા જવાનું કારણ મારી નોકરી હતી. નોકરીમાં મારુ પ્રમોશન થતા રાજકોટથી મારી ટ્રાન્સફર બરોડા થઈ હતી એટલે પપ્પા અને મમ્મી સાથે અમે બરોડા શિફ્ટ થઈ ગયા હતા. બરોડા શિફ્ટ થયા પછી 1 વર્ષમાં જ મારા લગ્ન બરોડામાં રહેતી રોમા સાથે થયા હતા. રોમા આજ બહુ જ ખુશ હતી. સાંજ શરૂ થવાનો સમય થવા આવ્યો હતો. મેં ઘડિયાળમાં જોયું તો ટાઈમ હજુ 5:07 મિનીટ થઈ હતી. અમારી બસ રાતમાં 11 વાગ્યાની હતી બરોડા જવા માટેની. રોમા એ રાજકોટ જોવાની ઈચ્છા વ્યક્ત કરી, અને અમે નીકળી પડ્યા ફરવા.

શહેરમાં ફરવાની દરેક જગ્યા જોઈ નાખી. અભિધેયા બહુ જ ખુશ હતી, જરાક પણ થાક એ માં, દીકરીના એના ચહેરા પર દેખાતો ન હતો. હું થોડો થાકી ગયો હતો. રોમાને કપડાની ખરીદી કરવી હતી. અને અમે નીકળી પડ્યા બજારમાં. મેં ઘડિયાળમાં જોયું તો ટાઈમ 7:32 નો થયો હતો. 11 વર્ષમાં બજાર કેટલી બધી વિસ્તરી ગઈ હતી. આટલા વાગ્યા છતા બજારનો ટ્રાફિક ભરપૂર હતો. ચાલવાની જગ્યા પણ સરખી ન્હોતી મળતી. રોમા એક પછી એક દુકાનમાં જઇ રહી હતી. મને થાક લાગતો હતો. હું દુકાનની બાર ઉભો રહ્યો અને રોમા ફરી એક લેડીઝ કપડાની શોપમાં એન્ટર થઈ. થોડી વારમાં રોમા ઝડપથી દોડતી બાર આવી અને મને અંદર હાથ પકડીને લઈ ગયી.

અમે બંને દુકાનમાં પ્રવેશ કર્યો. અભિધેયા ત્યાં અંદર બેઠી હતી. મેં રોમાને પૂછ્યું કે 'શું થયું...?' રોમાએ શોપની દીવાલ પર આંગળી કરતા બોલી. 'આ તસવીર તમારી છે કે શું..?'

મેં રોમાએ ચીંધેલી આંગળી તરફ નજર કરી. હું આશ્ચર્યચકિત થઈ ગયો. એ આબેહૂબ મારા જેવી જ આકૃતિ હતી...! કે મારી જ હતી..! રોમા અને હું બેય આશ્ચર્યમાં હતા. મેં શોપની ચારેકોર નજર કરી. દુકાન એક નાના શો રૂમ બરાબર હતી. ચાર પાંચ લોકો કાઉન્ટર સંભાળી રહ્યા હતા. ફૂલ ફર્નીસડ શોપ હતી. મેં ફરી ફરીને પાંચ સાત વાર એ તસ્વીર પર નજર નાખી. મને યાદ આવ્યું, જે મારી પાસે એક સમયે શર્ટ હતો એ જ શર્ટ માં પાડેલ એ ફોટો હતો. મને સમજાયું નહીં કે ત્યાં દીવાલ મારી તસવીર શુ કામ રાખી હશે..? મેં દીવાલ પર નજર કરી તો થોડે દુર ઉર્દુમાં કંઈક લખેલું હતું. મને અનુમાન થયું કે શોપ કોઈ મુસ્લિમની છે. મેં કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિ પર નજર નાખીને જોયું તો કોઈ જાણીતો ચહેરો ન હતો. કાઉન્ટર પરનું ટ્રાફિક હળવું થતા હું કાઉન્ટર પર ઉભેલા એક છોકરા પાસે ગયો.

'બોલો સાહેબ, શુ બતાવું...?' હું હજુ કઈ બોલું એ પહેલાં કાઉન્ટર પર ઉભેલ છોકરાએ પૂછી નાખ્યું.

હું દીવાલ પરની ફોટોફ્રેમ તરફ આંગળી ચીંધતા બોલ્યો. 'આ ફોટા દીવાલ પર લાગ્યો એ કોનો છે..?

એને આશ્ચર્યવશ થઈને લગાવેલ તસવીર તરફ નજર કરી અને મારી સામે જોતો રહ્યો. એ થોડી ક્ષણ ચૂપ રહ્યો. તે તસવીર મારી 11 વર્ષથી પણ વધારે જૂની હતી. હું આ 11 વર્ષમાં ઘણો બધો ચેન્જ થઈ ગયો હતો. મારા ચહેરા પર ઉંમરની આછી પાતળી રેખાઓ ઉપસવાની તૈયારી કરી રહી હતી. મારી આંખોમાં ચશ્માં આવી ગયા હતા. એ વ્યક્તિ એ ફરી ફરીને મારી અને તસવીર સામે જોય લીધું.

'સાહેબ, એ તસવીર કોની છે એ તો ખ્યાલ નથી પણ મારા શેઠ એ લગાવેલી હશે. હું તો અહીંયા ચાર મહિના થયા નોકરી કરું છું.' એ મારી સામે આશ્ચર્યજનક રીતે જોતા બોલ્યો. 'પણ, સાહેબ એ ફોટો આપનો હોઈ એમ લાગે છે.' હું એની સામે આછું હસ્યો.

'તાહેરભાઈ, આ સાહેબ પેલી તસવીર વિશે પૂછે છે..! એ કોની છે..?' એ છોકરો આગળ કાઉન્ટર ઉભેલ એક પીઢ વ્યક્તિ તરફ અવાજ કરતા બોલ્યો. એ પીઢ માણસ મારી સામે જોયું અને કાઉન્ટરની આ બાજુ આવ્યો. એને મારી તસવીર તરફ જોયું પછી મારી સામે નીરખીને જોયું. હું કશું સમજી નહોતો શકતો. રોમાએ મારી સામે જોયું...અને મને આંખોથી પૂછતી હતી કે શું છે આ બધું..!?

એ માણસે મને આસન ગ્રહણ કરવા વિનંતી કરી. અમે રાખેલી ચેર પર બેઠા. એને બીજા એક માણસને કહી અમને પાણી આપવાનું કહયુ. એને ખિસ્સામાંથી ફોન બાર કાઢીને કોઈક સાથે વાત કરી અને જલ્દી આવવા કહ્યું. હું હજુ દુવિધામાં હતો કે આ બધું શુ થાય છે. કાઉન્ટર પરનો એક છોકરો પાણી લઈને આવ્યો. મને તરસ લાગી હોવાથી મેં પાણીનો ગ્લાસ લઈ લીધો. રોમાએ પાણીની ના પાડી અને મને કોણી મારતા મારી સામે ગુસ્સાથી જોયું. હું પાણીનો ગ્લાસ સડસડાટ પી ગયો. એ પીઢ માણસ મારી પાસે આવ્યા કે હમણાં માલિક આવે જ છે, એને આપને બેસાડી રાખવા કહ્યું છે. મારી ધીરજ ખૂટી ગઈ હતી.

'માલીક કોણ છે આ શોપના..? શુ નામ છે એમનું...' મેં જિજ્ઞાસાવશ પૂછ્યું.

'સાહિલભાઇ...'

'સાહિલભાઈ...!!' નામ સાંભળતાની સાથે જ મારું મન ઉડા વિચારમાં ડૂબી ગયું, અને હું ઊંડા વિચારોના ભુતકાળમાં સરી પડ્યો.

***

'સાહેબ, લારીમાં નાના બાળકોના કપડાં વેચુ છું. સાહેબ થોડી લોનની સહાય મળે તો અલગ અલગ ફેશનના કપડાં રાખી શકુ.. સાહેબ બહુ મહેરબાની થશે, બધી બેંકમાં તપાસ કરી લીધી છે, સાહેબ, કોઈ નાના માણસને લૉન આપવા તૈયાર નથી. ના તો સાહેબ કોઈને નાની લૉન પાસ કરવામાં રસ છે. તમારી પાસે ઉમ્મીદ લઈને આવ્યો છું સાહેબ..' 18-20 વર્ષનો લાગતો એ મુસ્લિમ યુવાન એકી શ્વાસે કઈ પણ પૂછ્યા વગર બોલી ગયો. એના ચહેરા પર એક આશા હતી. માથામાં મુસ્લિમ પહેરે એવી ટોપી પહેરી હતી. એના ચહેરા પર પ્રસ્વેદ બિંદુઓ બાઝી ગયા હતા. મેં એને બેસવાનું કીધું ખુરશી પર. મારે એના વિશે પૂરતું જાણવું જરૂરી હતું. મેં એને બેન્કના નિયમ મુજબ પૂછતાછ કરી. એને બહુ સહજતાથી જવાબો આપ્યા મારા દરેક પ્રશ્નના. મેં ત્યાર પછી એને લૉન કરી આપવા માટે મંજૂરી આપી. એને બીજા જ દિવસે બધા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી આપી ગયો.

એ સમયે હું રાજકોટની બ્રાન્ચમાં ફાઇનાન્સિયલ મેનેજર હતો. મારી પાસે ઘણા બધા લૉન માટેના કેશ આવતા. એજ મારી નોકરી હતી. રોજ બેન્ક લાખો રૂપિયાની લૉન આપતી હતી. મેં ઘણી બધી લૉન પાસ કરી હતી. એ વાત સત્ય હતી કે નાની લૉનમાં મહેનત વધારે હતી અને બેંકને ફાયદો ઓછો થતો.

હું ઓફીસ ટાઇમમાંથી સમય કાઢીને એ છોકરો જ્યાં કપડાં વેચતો ત્યાં રૂબરૂ મુલાકાત લેવા ગયો. એનું નામ સાહિલ કીધું. મને ઉપરથી પરમિશન ન હોવા છતાં મેં ઉપરના અધિકારી સાથે વાત કરીને એ સાહિલની લૉન પાસ કરી દીધી. એ બહુ જ ખુશ હતો.

બીજે દિવસે સાહિલ મારી ઓફીસ ખુલતા પહેલા મારી ઓફીસની બાર આવીને બેસી ગયો હતો.

એને મારી સામે પેંડાનું બોક્સ ધરતા બોલ્યો. 'સાહેબ, તમારો આભાર કેમ માનું..? મને ખબર છે સાહેબ બે લાખ રૂપિયાની લૉન તમારે માટે બહુ નાની હશે પરંતુ મારા માટે એ લૉન બહુ મોટી છે સાહેબ..'

મેં પેંડાના બોક્સમાંથી એક પેંડો લઈ બોક્સ પાછું આપતા બોલ્યો. 'સાહિલ, મેં મારી નોકરીનું કર્મ કર્યું છે..લૉન આપવી એ મારું કર્મ છે મારી નોકરી છે.' એને મને બોક્સ આખું રાખી લેવા કીધું. મેં એનું આદર કરતા બોક્સ રાખી લીધું. સાહિલની આંખમાં હર્ષના આંસુ હતા. ત્યાર પછી એ જ્યારે પણ લોનના હપ્તા ભરવા આવતો મને ચોક્કસ મળીને જ જતો. જ્યારે મને મળતો ત્યારે દરેક વખતે મારો આભાર વ્યક્ત કરતો. હું દર વખતે એને ટોકતો.

સાહિલની લૉન કર્યા પછી થોડા ટાઈમમાં જ મારું પ્રમોશન થઈ ગયું. હું લીડ બેન્કમાં મેનેજર થઈ ગયો. મારે રાજકોટ છોડીને જવાનું થયું.

***

'સાહેબ...,' આટલું બોલતાની સાથે જ સાહિલ શોપમાં અંદર આવતાની સાથે મારી સામે બે હાથ જોડીને ઉભો રહી ગયો. એના ચહેરા પર હર્ષોલ્લાસની લાગણી હતી. એ મારા પગને સ્પર્શ કરવા જતો હતો. મેં એને રોક્યો અને ગળે લગાડી લીધો. એ એકદમ હઠોકઠો લાગતો હતો. એના ચહેરા પર હવે એક પૌરુષના ભાવ હતા. રોમા મારી સામે જોતી રહી. આખી શોપનું વાતાવરણ બદલી ગયું. સાહિલ એ મને પોતાની ખુરશી પર બેસવા કહ્યું. મેં એને રોક્યો.

મેં થોડીવાર વાતો પછી એને મારી દીવાલ પર રાખેલી તસવીર વિશે પૂછ્યું. એ ગળગળો થઈ ગયો. 'સાહેબ, તમે જ મારા પરવરદિગાર છો... અને આજ મારી આખી દુકાન તમને આભારી છે. આજ હું જે કંઈ છું એ આપની મહેરબાની છે સાહેબ..' સાહિલ એટલું બોલતાની સાથે એની આંખોમાં આંસુ આવી ગયા. મેં એને શાંત પડ્યો, અને એને સમજાવ્યુ કે એ આજ જે કઈ છે એ પોતાની મહેનત અને લગનને લીધે છે. મેં મારી તસવીર ઉતારી લેવા માટે કહ્યું. એને મારી વાત માની લીધી અને મારો ફોટો મને આપ્યો. મેં એ મારો જૂનો ફોટો રોમાને ગિફ્ટ કરી દીધો. ત્યાર પછી સાહિલ એ મારા માટે જમવાની વ્યવસ્થા હોટેલમાં કરાવી મેં એને ના પાડી પણ એને મને એની સોંગધ આપી દીધા. હું લાગણીવશ કશું જ ના બોલ્યો. સાહિલએ રોમા માટે અને અભિધેયાને પાંચ જોડી કપડાં ગિફ્ટ કર્યા. મેં પૈસા આપવાની કોશિશ કરી પણ સાહિલે એક રૂપિયો ન લીધો એને મને કસમ યાદ કરાવી. હું જોતો રહ્યો. રોમાની આંખોમાં પણ જળજળીયા આવી ગયા. હિન્દૂ મુસ્લિમ વચ્ચે આટલી લાગણી, પ્રેમ અને એકબીજા માટે આટલી સંવેદના રોમાએ પહેલી વાર જોઈ હતી.

- દિપેશ ખેરડીયા