Guttu books and stories free download online pdf in Gujarati

ગુટ્ટુ

ગુટ્ટુ

‘નવ્યાદર્શ’

ગુટ્ટુ આમતો કોઈ નથી, કારણ કે, તે તો તેનું નામ જ નથી. પણ શું કરીએ અમે બધા મોટા અને તે નાનું. અમારા બધાના એક પછી એક નામ પડી ગયા’તા, તો તેના ભાગે આજ નામ આવ્યું – ‘ગુટ્ટુ’

એ બીજું કોઈ નહિ, મારું નાનું ભયલું હો, એને અમે પ્રેમથી ગુટ્ટુ જ કહી બોલાવીએ. એના આવવાથી ઘરમાં કેટલીય ખૂશી આવી. અને મેં તો થાળીઓ વગાડી વગાડીને બધાના માથા દુખવ્યા’તા. ત્યારથી એને હું ઉમ્મરમાં ભેદ હોવા છતાં મેં પણ એની સાથે બાળપણ શરૂ કર્યું.

એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ચંદ્રની માફક ખીલતો ગયો અને પક્ષીઓની જેમ કલરવ કરતો રહ્યો.

મારો ભાઈ એને શું ગમે અને શું ન ગમે મને બધી જ ખબર.

મમ્મી અને પપ્પા બંને પાસેથી અમે ખીચ્ચાખર્ચ લેતા, ગલ્લામાં ભેગા કરતા અને અઠવાડિયામાં તો અમે એ ગલ્લાની કંઈ વલે કરતાં. કે ગલ્લો જ બિચારો ગરીબ બની જતો અને ઉકરડામાં ઠીકરા બની રવળતો.

અમે દોડીને ગલ્લે જતાં અને બંને આઈસ્ક્રીમ કોન લેતા.

ક્યારેક મમ્મી મારા પૈસા પણ ગુટ્ટુને આપી દેતા. મારી પાસે ત્યારે કૈં જ ન હોય, પણ તે તો મોજમાં ગામમાં જઈ આવે અને મન ફાવે તે લઈ લે, ચોકલેટ. કોન, વેફર જે ભાવે તે લઈ આવતો. પોતાના અને મારા પણ પૈસા વાપરી નાખતો. ક્યારેક વધુ થાય તો પૂછી પણ લઉં કે, ‘તું કંઈ નવી નવાઈનો છે તે મારા પણ પૈસા વાપરી નાખે ? આવવા દે પપ્પાને, પછી જો.’

ત્યારે એનું ભોળું મો વધુ ઉદાસ થઇ જતું, જાણે ઘડીમાં જ કરમાઈ ગયું હોય તેવું. ત્યારે હું ધીરેથી તેને કહેતી,

‘ગુટ્ટુ ! મારે પણ ન વાપરવા હોય ? હું પણ હજું નાની જ છું હો.’

એ પ્રેમથી પાસે આવી અને મુઠ્ઠી ખોલી મને હાથમાં ગણીને ચોકલેટ આપતો. અને કહેતો,

‘પણ હું તો, જો તારા માટે પણ લાય્વો છું.’

હું અને એ બંને ફૂલો માફક ખીલી ઉઠતા. અમારી દોસ્તી એટલે દોસ્તી હો.

એને મારા ખભે હાથ રાખવાની ટેવ, એટલે એ દોસ્તાર બની જાય, હું તો એના ખભે હાથ રાખી લઉં પણ એ તો નાનો પડે ને, તો કેમ હાથ રાખે ?

આખરે મારે જૂકવું પડે, ગોથણીએ પડીને હું એની હારોહાર થાઉં ત્યારે એ ખુશ થઇ જાય. એના એ એક સ્મિત ખાતર મારા ગોઠણ ઘસાય જતા અને રાત્રે જ્યારે દુખે ત્યારે મમ્મી વઢતા. પણ બીજે જ દિવસ ફરી ગુટ્ટુનું એ મોહક સ્મિત જોવા માટે હું ઘૂંટણ પણ છોલવા દેતી. તે હસતો હસતો આખા ઘરમાં ફરી વળતો. મારું ભયલું ગુટ્ટુ.

એક દિવસ અમે ધોમધખતા તાપમાં દોડતા દોડતા દુકાને ગયાં, અમે બે આઈસ્ક્રીમ કોન લીધા. રસ્તામાં વાતો કરતાં જતાં હતાં, ત્યાં તેનો કોન પરની આઈસ્ક્રીમ નીચે પડી ગઈ. તેણે પહેલાં તો જોયું પછી મારી આઈસ્ક્રીમ કોણ તરફ જોયું. એનું મો નાનું, એમાં પણ આઈસ્ક્રીમ પડી જવાથી બહું નાનું થઇ ગયું. રાગડો તાણે એ પહેલાં મેં એને મારી આઈસ્ક્રીમ કોન આપી દીધો. ખુશ થતો થતો ખાવા લાગ્યો. હું પણ કંઈ એટલી મોટી તો હતી નહી, થોડી વારની ખૂશી મારી ઈર્ષ્યામાં પલટાઈ, મેં ગુસ્સામાં એની સામે જોયું. એણે મારી સામે, હસતા હસતા એણે મારી સામે આઈસ્ક્રીમ કોન ધર્યો, મેં ખાવા મો આગળ ધાર્યું કે એણે પોતાના મોમાં આઈસ્ક્રીમ કોન લઇ લીધો. મને પણ ગુસ્સો આવ્યો અને તેનો હાથ પકડી કોન ખાવા લાગી.

તે ગુસ્સામાં પણ હસતો હતો, કે,

‘હું તો ભૂલી જ ગ્યોતો, કે તે પણ કોન નથી ખાધો લે....’

અને સૂરજમુખીની જેમ ખીલી ઉઠ્યો, મારો ભઈલું, ગુટ્ટુ.

રીસાવાની એની રીત જ અલગ. જયારે મમ્મી-પપ્પા વઢે એટલે એક ખૂણામાં બેસીને કાગળ, પેન્સિલ, રંગો, સ્કેચપેન જે હાથમાં આવે તે લઈને લીટોળિયા કરવા લાગે. હું જયારે એની પાસે જાઉં તો કહે,

‘ઓયે, આઘી રે’જે, હું કામ કરું છું.’

એનો ગુસ્સો અને એનું લાલચોળ મો જોઇને હસવું કે રળવું ? અને એના ચિત્રોતો ! ભારતના નકશાને પણ ભુલાવે એવા.

પણ એ તો એની મસ્તીમાં જ હો.

ગુટ્ટુને મારા વગરચાલે. એક દિવસ હું બહારગામ ગઈ’તી. સવારમાં ઉઠીને મને શોધવા લાગ્યો ગુટ્ટુ. પણ હું ક્યાંય મળું નહિ. મો ફૂલાવતો બધાને ફરિયાદ કરવા લાગ્યો,

‘મને મુકીને ગઈ ને ! જો જો હવે હું એને બોલાવું તો !’

મમ્મીએ માંડ માંડ નાસ્તો કરાવ્યો. ઘરમાં ગુટ્ટુએ બધુંવેરવિખેર કરી નાખ્યું. મમ્મીએ પપ્પાને ફરિયાદ કરી અને પપ્પા ગુટ્ટુ પર ગુસ્સે થયા. ગુટ્ટુ શું કરે ? એનાથી તો સમય જ પસાર નોતો થતો એટલે મન ફાવે તે ઉથલાવી નાખતો. ગુટ્ટુ પણ ગુસ્સામાં હતો. ‘જાવ બધાં, હું તોહાલ્યો.’ કહી એ ઘરથી ચાલ્યો ગયો.

એ એકલો હતો એટલે નવા રસ્તાઓ પર જઈ ને ડરી ફરી પાછો વળી જતો. પણ ઘર પર તો એને જવું જ નહોતું.

હું સાંજે પાછી ગામમાં આવી. ત્યારે એ ઝાડવાં પર ચઢીને નીતનવા ખેલ કરતો હતો. ક્યારેક ટીંગાતો, તો ક્યારેક છેલ્લી ડાળ પર જવાનાં પ્રયત્ન કરતો, ક્યારેક ખાલી પક્ષીનાં માળાને જોવા જતો, તો ક્યારેક મન પાલે તો રાગડા તાણતો. મને જોઇને એ ગાવા લાગ્યો. નીચે ઉતારી પહેલાં તો મલકાયો અને પછી મોઢું ફૂલાવી જોઈ રહ્યો. એની આંખોમાં ભારોભાર આજે ગુસ્સો અને નફરત હતી. મેં એને જોઇને જ એને ભેટી પડી. દૂર જઈ ઊભો.

‘મને મૂકીને ક્યાં ગઈતી ?’

હું એને શું કહું ? મેં એક-બે ચોકલેટ હાથમાં લીધી અને સામે ધરી,

‘હું ક્યા જાઉં ભાઈ, તને છોડીને ?’

અને એ દોડીને પોતે એક ચોકલેટ લીધી અને બીજી મને પોતાના હાથે ખવડાવી.

‘મને બધા વગર ચાલે દી, પણ તારા વગર નઈ હો.’

અને મને ભેટી પડે છે. અમે બંને હસતાં, વાતો કરતાં ઘરે આવ્યાં ત્યારે બધાંના શ્વાસ હેઠા ઊતર્યાં.

એ દિવસ ગામમાં મોટા ઉપાડે ચુંટણી આવી. અમારા માટે તો ગામમાં કઈ નવું આવે એટલે ઉત્સવ. સાથે સાથે ચુંટણીની રજા, અમને પડી મજ્જા.

ગુટ્ટુ કહે, ‘રોજ ચૂંટલી આવવી જોઈએ, રજા તો પલે.’

એના ભોળા પ્રશ્નોથી હું પણ ખુશ થઇ ગઈ, મેં પણ સૂર પુરાવ્યો

‘હા હો, ગુટ્ટુ આપણે કોઈ કે નઈ કે, લેશન કર, વાંચ, આમ કર તેમ કર. હવે તો મોજ. હાલ આઈસ્ક્રીમ કોન ખાઈ આવીએ.’

અને અમે બંને અમારા ખિસ્સા ખાલી કરવા નીકળી પડીએ.

એ દિવસે ચુંટણી માટેનો મતદાન દિવસ હતો. બધા લોકો માટે એ દિવસ રજા હતી. ખેતરમાં કામ કરનારા લોકો પણ આ દિવસે સવાર સવારમાં લાંબી લાઈનોમાં આવી ઊભી ગયા હતા.

અમે બાળકો પણ આજના દિવસે સ્કૂલે ભણવા નહિ પણ મોજ મસ્તી કરવા અને ઝાડવાઓ પર ચડી રમવા માટે આવી ગયા હતા.

ગુટ્ટુને પોલીસ અને મિલેટ્રીને જોવાનો શોખ જાગ્યો.

પપ્પા પાસે જઈને એણે વેન કર્યું કે, હું તો આવીશ જ તમારી સાથે. પપ્પા પણ તેના રાગડાથી તો ડરતા જ હતા, એણે એને ઊંચકી લીધો અને લઇ ગયા અંદર.

પાછા વળતા કંઈ નવું જોઇને આવ્યો હોય તેમ ચાલવા લાગ્યો. હસવા લાગ્યો ને ફરી મારી સાથે રમવા લાગ્યો.

પાંચ વાગી ગયા હતાં, બધા ઘરે જવા લાગ્યા, અમે પણ ગુટ્ટુટોળી ઘર તરફ જવા નીકળ્યા. ગુટ્ટુ કહે,

‘ઓ નથી ચાલાતું, મને ઊચકી લે.’

મેં જોયું તો એણે ચપ્પલ નહોતા પેર્યાં, પણ સવારે તો પેરેલાં હતાં !

માંડ માંડ તેને સમજાવીને સ્કૂલ પાસે બેસાડીને પૂછ્યું ત્યારે

‘મને શું ખબર, પણ પપ્પાને ખબર’

મને સમજાયું કે ગુટ્ટુ સ્કૂલમાં ચપ્પલ ભૂલી ગયો.

હું સ્કૂલ પર ગઈ, ખાખીવાળાએ મને રોકી.

મેં કહ્યું – ‘જૂઓ ભાઈ મારો નાનો ભાઈ ચપ્પલ વગર કેમ ચાલે ? એ આ સ્કૂલમાં જ ભૂલી ગયો.’

પેલા હસતા હસતા મને અંદર જવાની રજા આપી.

જલ્દી જલ્દી મેં એના ચપ્પલ શોધી બહાર નીકળી ત્યારે હાશ થઇ.

પેલા ખાખીવાળા કહેતાં હતાં

‘ગજબની છોકરી હો, કેવું પડે.’

બંને અમને જોઇને હસતાં હતાં,

મેં ગુટ્ટુને ચપ્પલ પેરાવ્યા, એ ખુશ થઇ ગયો, મને કહે -

‘એ તો હું કોઈ દિવસ ન કઉં કે મને તેડી લે, જો હવે હું મોટો થઇ ગયો.’

અને અમે બંને હસતા હસતા દોડવા લાગ્યા ઘરની વાટે.

***