Sambandh books and stories free download online pdf in Gujarati

સંબંધ -

સંબંધ

અહીં ગુજરાતી અંગ્રેજીનું ટાઇપકામ કરી આપવામાં આવે છે.

એ પાટિયું પહેલી વખત મારી નજરે ચડ્યું હતું ત્યારે થોડીવાર માટે હું ઊભો રહી ગયો હતો. મેં પાટિયા પરનું લખાણ ફરીથી વાંચ્યું હતું અને 'ગુજરાતી' શબ્દ પર મારી નજર સ્થિર કરી હતી. હું હરખાયો હતો. એક નિર્ણય મારા મનમાં આકાર લઈ ચૂક્યો હતો.

મેં પહેલી વખત એ ઘરનો બેલ વગાડ્યો હતો ત્યારે એક હસમુખી છોકરીએ બારણું ઉઘાડ્યું હતું. મેં થોડા કાગળો એના હાથમાં મૂકીને કહ્યું હતું કે, ‘મારે આ નાટક ટાઇપ કરાવવું છે.’

કાગળો પર નજર નાંખતાં એણે પૂછ્યું હતું કે, ‘બધું ગુજરાતી જ છે ને?’

‘હા, ગુજરાતી નાટક છે.’ મેં કહ્યું હતું.

‘અહીં બેસોને. હું મારા પપ્પાને મોકલું છું.’

એવું કહીને એણે મને આગળના ઓરડામાં બેસાડ્યો હતો અને પોતે બીજા ઓરડામાં ગઈ હતી.

થોડી જ વારમાં એના પપ્પા આવ્યા હતા. એમણે મને હસીને આવકાર્યો હતો.

‘કેટલી નકલો કાઢવી છે?’ ટાઇપરાઇટર સામે ગોઠવાઈને એમણે મને પૂછ્યું હતું.

મેં એમને બે નકલો કાઢવાનું કહ્યું હતું.

નાટક ટાઇપ થતું હતું એ દરમ્યાન હું ઘરમાં ચારે તરફ મારી નજર ફેરવતો રહ્યો હતો. મને એ ઘર સુખી અને સંસ્કારી પરિવારનું લાગ્યું હતું. હું ટાઇપ કરી રહેલા વડીલને પણ ધ્યાનથી જોઈ લેતો હતો. એમની ઉમરની અસર એમના ઉત્સાહ પર જરા પણ અસર દેખાતી નહોતી.

મારા અક્ષરો સારા હતા અને મારું લખાણ વ્યવસ્થિત હતું, તેથી ટાઇપ કરતી વખતે એમને કોઈ જાતની મુશ્કેલી પડતી નહોતી. જો કે ટાઇપ કરતી વખતે એમના ચહેરાના હાવભાવ બદલાતા હોય એવું મને લાગ્યું હતું. મારા નાટકની એમના પર અસર થતી હતી એ જોઈને હું મનોમન રાજી થતો હતો.

દરમ્યાન પેલી છોકરી મને પાણી આપી ગઈ હતી. છોકરીનાં મમ્મી પણ એક વખત ઓરડામાં આવ્યાં હતાં અને એક નજર મારા પર નાંખીને અને છાપું લઈને બીજા ઓરડામાં જતાં રહ્યાં હતાં. એ નજરમાં પણ મને ઘરના વાતાવરણનું જ પ્રતિબિંબ દેખાયું હતું. એ વાતાવરણ કે જેમાં ટાઇપરાઇટર એક યંત્ર નહિ, એક વાજિંત્ર હતું.

‘અન્કલ, તમે સર્વિસ પણ કરતા હશો?’ ટાઇપરાઇટર શાંત થયા પછી મેં પૂછ્યું હતું.

‘સર્વિસ કરતો હતો ભઈલા, છ મહિનાથી રિટાયર થયો છું. હું કોર્પોરેશનમાં ટાઇપિસ્ટ હતો.’ એમણે જવાબ આપ્યો હતો.

‘આટલામાં ક્યાંય ગુજરાતી ટાઇપનું કામ થયું નહોતું. મારે છેક શહેરમાં જવું પડતું હતું.’ મેં કહ્યું હતું.

‘આમ તો ગુજરાતીનું કામ ઓછું આવે છે, છતાંય ચાલું રાખ્યું છે. એ બહાને મને કામ મળે છે અને તમારા જેવા કોઈકનું કામ થાય છે.’

‘ચોક્કસ’ મેં કહયું હતું. ને પછી મારાથી પુછાઈ ગયું હતું કે, ‘તમારી બીજી આવક પણ હશેને?’

‘ખરીને, તેમણે હસીને જવાબ આપ્યો હતો. ‘મારા બંને પુત્રો સારા હોદ્દા પર છે. મારી દીકરી ભણે છે અને થોડાઘણાં ટ્યૂશન પણ આપે છે. આ ટાઈપનું કામ તો હું નવરાશને દૂર રાખવા જ કરું છું. મને ગુજરાતી અને અંગ્રેજી બંનેનું કામ આવડે છે, પછી નવરો બેસીને શું કરું? પ્રવૃત્તિ પણ થાય છે ને થોડીઘણી આવક પણ થાય છે. ‘

‘સાચી વાત છે. આમ તો હું નોકરી કરું છું, પણ નવરાશમાં વાર્તાઓ કે નાટકો લખું છું. એમાં આવક બહુ થતી નથી, પણ એક મનગમતી પ્રવૃત્તિ થાય છે. એ જ મોટો લાભ છે.’ મેં કહ્યું હતું.

‘તમે આવતા રહેજો. હું તમારી પાસેથી વધારે પૈસા નહીં લઉં’ એમણે કહ્યું હતું.

એમણે ખરેખર મારી પાસેથી ઓછા પૈસા લીધા હતા.

ત્યારપછી તો હું મહિને બેમહિને ત્યાં જતો. મારે મોટાભાગે ગુજરાતી નાટકો ટાઇપ કરાવવાનાં રહેતાં. મને જોઈને પેલી હસમુખી છોકરી વગર કહ્યે જ એના પપ્પાને બૂમ પાડતી કે: ‘પપ્પા આવોને.’

અને એ વડીલ મને આવકારો આપતાં આપતાં ટાઇપરાઇટર સામે ગોઠવાતા.

કોઈ વખત હું જાઉં ત્યારે એ ઓસરીમાં હીંચકા ખાતા હોય. કોઈ વખત કામમાં હોય તો મને બેસવા માટે વિવેકથી કહેતા. એમનો ચા પીવાનો સમય હોય તો મને પણ આગ્રહ કરીને પીવડાવતા.

આમ જુઓ તો હું એમનો એક ગ્રાહક જ હતો. હું કામ સિવાય એમને ત્યાં જતો નહોતો. કામ લઈને જાઉં ત્યારે પણ કામ પૂરું થયા પછી ક્યારેય વધારે રોકાતો નહોતો. અમારી વચ્ચે વધારે વાતો થતી નહોતી. છતાંય અમારી વચ્ચેના સંબંધમાં માત્ર સ્વાર્થ નહોતો. એમાં લાગણી પણ ભળી ગઈ હતી.

***

પરંતુ આજે મેં એ ઘરનો બેલ દબાવ્યો ને પેલી હસમુખી છોકરીએ જ્યારે બારણું ખોલીને મને ‘આવો’ એમ કહ્યું ત્યારે જ મને એ વાતનો અણસાર આવી ગયો હતો કે ભલે એણે મને ‘આવો’ કહ્યું હોય પણ એની આંખોમાં જાકારો ડોકિયાં કરે છે.

‘આજે ઘણું કામ લાવ્યો છું. બહુ દિવસે આવ્યો છું ને?’ મેં કહ્યું.

તોય એણે એના પપ્પાને બૂમ પાડી નહીં. એણે મને ઓરડામાં બેસવા માટે કહ્યું નહીં. મારા પગ અંદર જવા માટે તલપાપડ હતા પ્ણ એણે તો મને પ્રશ્ન કર્યોં કે, ‘તમારે તો ગુજરાતી ટાઇપ કરાવવાનું હોય છે ને?’

મને એ પ્રશ્નથી નવાઈ લાગી. મેં હા પાડી અને પૂછ્યું: ‘કેમ આવું પૂછો છો? ભૂલી ગયાં મને?’

‘ના એવું તો નથી. પણ અમારે ગુજરાતી ટાઇપ બંધ કરવું પડ્યું છે.’ એણે જવાબ આપ્યો. એ આગળ બોલે એ પહેલાં જ મારાથી પુછાઈ ગયું : ‘કેમ? કામ નથી મળતું કે પછી તમારા પપ્પા બહારગામ ગયા છે?’

‘પપ્પા તો...’ એણે થોડું અટકીને કહ્યું, ‘એક્સપાયરડ થઈ ગયા.’

‘ક્યારે?’ મેં આઘાત સાથે પૂછ્યું.

‘વીસ દિવસ થઈ ગયા. અમે પેપરમાં પણ આપ્યું હતું’ એણે કહ્યું.

‘મારું તો ધ્યાન જ નથી ગયું. એમને કશી બીમારી તો નહોતી.’

‘હાર્ટઍટેક આવી ગયો.’

‘એમને હાર્ટઍટેક?’ મને નવાઈ લાગી.

‘હા. આમ તો એમને બ્લ્ડપ્રેસરની તકલીફ તો હતી જ.’

‘મને તો ખ્યાલ જ નહોતો.’ મેં કહ્યું.

એ કશું બોલી નહીં. થોડી ક્ષણો એ રીતે જ પસાર થઈ ગઈ. મને એ આગ્રહ ના કરે ત્યાં સુધી અંદર જઈને બેસવાનું ઠીક ના લાગ્યું. લાગણી વ્યક્ત કરવા બેસી શકાય ખરું, પણ કયા સંબંધે? એ ઘર સાથેનો મારો સંબધ તો ગુજરાતી ટાઇપરાઇટરની જેમ મૂંગો થઈ ગયો હતો. મને ત્યાં વધારે સમય ઊભા રહેવું ઠીક ન લાગ્યું. મેં થોડી દિલગીરી દર્શાવીને એની પાસેથી રજા લીધી.

‘આવજો’ એણે કહ્યું. ‘મને ગુજરાતી ટાઇપ તો આવડતું નથી. અંગ્રેજી આવડે છે. અંગ્રેજીનું કામ હોય તો આવજો.’

‘ભલે’ કહીને હું ત્યાંથી નીકળ્યો. એણે બારણું બંધ કર્યું. ઘરનો ઝાંપો અટકાવતી વખતે મારી નજર એ ઘરની દીવાલ પરના પાટિયા પર પડી ને હું થોડી વાર માટે ઊભો રહી ગયો. મેં પાટિયા પરનું લખાણ ફરીથી વાંચ્યું અને એક જગ્યાએ મારી નજર સ્થિર થઈ ગઈ.

થોડાં વર્ષો પહેલાં એક વખત એ જ જગ્યાએ મારી નજર સ્થિર થઈ ગઈ હતી.

મને લાગ્યું કે આજે મારે એ ઘરનો બેલ દબાવતાં પહેલાં એ પાટિયા પર નજર નાંખવી જોઈતી હતી. પાટિયું એ જ હતું. લખાણ એ જ હતું, સિવાય કે 'ગુજરાતી' શબ્દ સફેદ રંગ ઓઢીને પોઢી ગયો હતો.

***