Agyatni Khoj - Ek aloukik yatra books and stories free download online pdf in Gujarati

અજ્ઞાતની ખોજ... એક અલૌકિક યાત્રા - અંદર પ્રવેશવાનો માર્ગ (ભાગ-1)

આધ્યાત્મ, ધર્મ, બ્રહ્મ પર અનેક જીજ્ઞાસુ લોકો નિરંતર ચર્ચા કરતા રહે છે. ઘણા તંત્ર પર ચર્ચા કરે છે, લક્ષ્મી કેવી રીતે આવશે? કયા યંત્રની પૂજા કરૂ? કયા મંત્રો પ્રખર છે? આ દરેક પ્રશ્નો મનની અશાંતી માંથી ઉદ્ભવ પામી સમાજના જુદા જુદા માનસ માં વ્યાપ્ત થાય છે. એના જુદા જુદા અર્થઘટનો માનવ સમાજ ને અધ:પતન પણ કરાવી શકે છે. છતા મનુષ્યની અંદર રહેલા ઇશ્વરીય બીજના કારણે એ સતત ધર્મ કર્મ વગેરેથી પરમાત્મા સુધી પહોંચવાના જાણે અજાણે પ્રયત્નો કરતો રહે છે. પરંતુ વાસ્તવમાં તેને કોઇ પણ માર્ગની પુર્ણ સમજ ન હોઇ તે નિમ્ન સાધનાઓ કરી પોતાની પરમની દિશામાંની ગતીને ધીમી કરી દે છે.

માનવ ભલે ખુબ ભોગ વિલાસ, માન-પાન, આરામ ને ભોગવનારો હોય, પણ તેના મન નાં એક ખુણાને ખબર જ છે. કે તેને દુ:ખ સીવાય કશુ હાથ નથી લાગ્યું, કે હજુ કંઇક એવું છે જેને તે પામી નથી શક્યો. અતી વૈભવી માણસમાં જો જરા પણ આંતર જાગૃતિ (consciousness) અને સાચુ માર્ગદર્શન મળે તો તેનામાં નાની સરખી વાતથી પણ આત્મસુખ ની ભુખ પેદા થાય છે..આમ, આ ભુખ તેનામાં જન્મોથી દબાઇ રહેલી જ છે. આથી જ એવી અનેકો ઘટનાઓ, જેમાં ચક્રવર્તી સમ્રાટોએ પોતાના કહેવાતા સુખી જીવનને ઠોકર મારી સત્યની શોધ કરી છે. જેમાં બુધ્ધ અગ્રગણ્ય છે. આવી ઘટના રાજાઓ સાથે જ થાય એવું નથી, ક્યારેક દુ:ખમાં અતીશય ગરકાવ થયેલ માનસ ને તેનામાં જન્મોથી દબાયેલી મુક્તિની યાદ આવી જાય છે અને આંખ ઉઘડી જાય છે.. તો કયારેક મરતા મરતા બચેલ વ્યક્તિને પણ એ પરમ સત્યની યાદ આવી જાય છે. પણ આવી સુખદ દુર્ઘટનાઓ ત્યારે જ ઘટે જ્યારે વ્યક્તિએ જાગવાની તૈયારી કરી હોય.. નહીંતો દુ:ખી વ્યક્તિ માયાવશ નજીવા કારણોસર દુ:ખના સ્ત્રોતને પકડી રાખે છે. અને અંત સુધી પીડાય છે. પણ છોડી શકતો નથી.

"સુખી થવાનો રસ્તો શું છે?", "હું તો પાપી છું..હું પરમાત્માનો માર્ગ સાધુઓનો.. મારો નહી.." "સત્ય એટલે શુ?" "જેની વેદો,ઉપનીષદો સ્તુતી કરે છે એવું કંઇ છે ખરુ?", "શું વાસ્તવમાં પરમાત્મા જેવું કંઇ છે?" "આ બાવાઓ ખરા તડકાના ઉઘાડા પગે ફરે છે એ શું જોઇ ગયા હશે?" "મારે તો એ.સી. માં રહેવા જોઇએ અને આ માર્ગતો ત્યાગનો છે.. મારું કામ નહીં", "સંસારીઓ માટે આ બધુ નકામું", જેવા અનેક વિચારોથી ઘેરાયેલ બીચારો મનુષ્ય પોતાનામાં દબાએલ મુક્તિની કામના વશ વિચાર કરે કે, છતાય મારે મુક્તિ માટે (કોઇ કહે ભગવાન માટે, કોઇ કહે ધરમ માટે) કંઇક તો કરવુંજ જોઇએ આથી તે પ્રામાણિકતા, કોઇની નીંદા ના કરવી, કોઇને કનડગત ન થવું, અહિંસા જેવા ગુણો ધારણ કરવા પ્રયત્ન કરવા લાગે છે,.. ફરી ફરી એમાં પોતાના સ્વભાવ વશ બાંધછોડ કરતો જાય અને જ્યારે જીવનમાં દુ:ખ આવે ત્યારે છેવટે હાર માની ફરી પોતાની કાંટાળી મન: પ્રવૃત્તિમાં રાચવા લાગે છે.આમ માનવ પ્રકૃતિને વશ પ્રાણી છે. તેને દિવ્યાત્મા થવા માટે યોગીને ફરી ફરી સંસાર તરફ ધકેલતી પ્રકૃતિના બંધનોને સાહસ પૂર્વક તોડવા પડે છે. આ માટેની ક્રિયાઓને ન જાણતો વ્યક્તિ કળયુગના કેટલાક દંભીઓના શરણે ચાલ્યો જાય અને વગર મહેનતનો ગોરખ ધંધો ખોલીને બેઠેલાંની દુકાનોમાં અઢળક ધન ઠલવાય છે. અંતે ક્યાંક જો એને સમજાય કે તે જેના પર શ્રધ્ધા કરતો હતો એ તો દંભી છે, ત્યાર પછી એની સર્વ ભાવનાઓ વિખંડીત થઈ જાય છે. દુ:ખ ઘેરી વળે છે. ધર્મનો હ્રાસ થઈ જાય છે. અને અનેક જન્મો માટે ફરી સુષુપ્ત થઈ જાય છે. આ ક્રમ ચાલ્યા જ કરે છે. દરેક વ્યક્તિ કોઇ ના કોઇ રીતે આ સંજોગો માંથી પસાર થયેલા જ હોય છે. આમ વ્યક્તિ ક્યારેક આ માર્ગે જાગે તો ક્યારેક સુઇ જાય છે. જ્યાં સુધી તેની આંખો સંપુર્ણ ઉઘડે નહીં ત્યાં સુધી તે સત્યને જાણી શકે નહીં.

1. સત્ય એટલે શુ?

"બ્રહ્મ સત્ય અને જગત માયા" આવા અનેક વિધાનો સાંભળ્યા હોવા છતા પણ વ્યક્તિ કે છે કે, આ વાત ગળે નથી ઉતરતી. અને જેને ગળે ના ઉતરે એ જ થોડો જાગૃત થવા મથામણ કરી રહ્યો છે એમ કહેવાય. કારણકે જેણે સુર્ય જોયો છે એને ખબર છે અંધારુ કોને કહેવાય. જે જન્મથી જ અંધ છે એને અંધારુ શું એ સમજાવવું પણ અઘરું પડી જાય.આમ જે વ્યક્તિ સ્વિકારે છે કે તે નથી સમજી શકતો તે સત્યની નજીક છે. બસ આજ દિવાલ છે. સંસારી અને બ્રહ્મસ્થિત વ્યક્તિઓમાં (અહીં હું સંન્યાસી શબ્દ એટલે નહીં વાપરું કારણકે સંન્યાસી હોવાનો અર્થ એ નથી કે તેણે બ્રહ્મને જાણી લીધો છે)

સત્ય જાણાનારાઓ ક્યારેય સત્યને સંપુર્ણ રીતે કહી નથી શક્યા માત્ર ત્યાં પહોંચવાના ઇશારા, માર્ગો બતાવી ગયા છે. તેઓનું કહેવું છે. સત્ય એટલે જે મન અને બુધ્ધિથી પરે છે તે, આથી તેને કોઇ સાથે સરખાવી શકાય તેમ નથી. આ વાત ભાર પુર્વક સમજીએ તો.. જે માણસે ગળપણ ચાખ્યુ જ ન હોય તેને ગળ્યુ એટલે શું તે સમજાવવા શબ્દોમાં વ્યાખ્યાયિત કરવું હોય તો કેમ કરી શકાય? "જે કડવું ન હોય પણ બહું સરસ હોય, ખાઇએ એટલે ખુબ સારુ લાગે" વગેરે રીતે સમજાવીએ છતાં પુરતી સમજ તો ન જ મળે. આ વાત સાંભળનાર વ્યક્તિ ત્યારબાદ પોતાને મરચું ભાવતું હોય તો તે કલ્પના કરે.. કે "ખાઇએ એટલે ખુબ સારુ લાગે" એ મુજબ મરચા જેવું જ હશે. બસ આ થઈ રહ્યું છે. બ્રહ્મજ્ઞાતાઓ ની વાણી સાંભળ્યા પછી સામાન્ય વ્યક્તિને.

બ્રહ્મજ્ઞાતા કહે કે તે અનંત છે. ત્યારે મનુષ્ય કલ્પના કરે છે. કે તેણે એવી કઈ વસ્તુ જોઇ છે જે ખુબ મોટી અનંત છે? તરત એનું મન ક્ષિતિજ વાળો મહાસાગર (આમ તેને પણ ક્ષિતિજતો હોવાનો જ), આકાશ વગેરે કલ્પનાઓ સામે લાવી મુકે છે.પરંતુ આ તમામ તેના અંશ માત્ર જેટલી પણ સમજ નથી આપી શકતી.આમ મનુષ્યએ આ દુનિયામાં જ્યારથી આંખ ખોલી ત્યારથી જે જે વસ્તુઓ તેણે જોઇ તેની સ્મૃતિઓ, આકારો, વગેરે તેના મનમાં વિચારો, કલ્પનાઓ રુપે છે. જે ખુબ સુક્ષ્મ છે. વ્યક્તિ માત્ર તે વસ્તુઓને જ પોતાની કલ્પનામાં લઈ શકે છે. બ્રહ્મજ્ઞાતા કહે છે, સત્ય મન થી પરે છે તેને અનુભવ કરતા વાણી વિરામ પામી જાય છે." કેવી રીતે?

આપણે હિમાલય જેવા અતિ વિરાટ પર્વત પાસે ઉભા રહીએ કે પહેલી વાર મોટા સમુદ્રને જોઇએ ત્યારે આપણે કંઇ બોલતા નથી..માત્ર ઉદ્ગારાત્મક વાણી નીકળી પડે છે.. ઓહોહો... અહા.. બ્રહ્મને જાણનાર વ્યક્તિને બસ. કંઇક આવુજ થાય છે પણ તરત જ એને બીજા વ્યક્તિઓ જે બ્રહ્મને નથી જાણતા તેમના તરફ કરુણા પેદા થાય છે. કારણકે તે તેઓને મન રચિત દુ:ખની આગમાં સતત સળગતા જુએ છે. આથી તે જે ભાષા આવડે તેમાં સમજાવવા જેટલું કહી શકાય તેટલું કહી નાંખવા શબ્દોનો સહારો લે છે. કારણકે શબ્દો વિના દુનિયા મુંગી છે. બ્રહ્મજ્ઞાની એ પણ જાણે છે કે બ્રહ્મને શબ્દોથી વર્ણવી શકાય તેમ જ નથી. છતાં તે શબ્દોનો સહારો લે છે. જેથી દુનિયામાં આ દિશામાં ખોજતા, અનંત શાંતિ, અનંત સુખ, અનંત આનંદ ની ઘેલછા વાળા અનેક વ્યક્તિઓ સુધી કંઇક ક્લુ આપી શકાય. શબ્દો બહુ થોડા છે બાળક જન્મે ત્યારે પ્રકૃતિએ આપેલ કોરા મન પર ધીરે ધીરે પોતાના જન્મના પ્રદેશ મુજબની ભાષાના શબ્દો છપાતા જાય છે. જે વસ્તુ તે જુએ છે, તેને ફરી કોઇને કહેવી હોય તો શું કહેવું? આમ તે વસ્તુઓના તે વસ્તીએ રાખેલ નામોને જાણે છે. વ્યક્તિ એ પણ નથી જાણતો કે પોતે કોણ છે? પરંતુ એનામાં આ વિવેક ઉત્પન્ન થાય તે પહેલા તેના શરીરનું બાળપણમાં જ નામકરણ થઈ જાય છે. તેની સાથે તેના માતા પિતાના નામ જોડાઇ જાય છે, તેના ધર્મના, વસ્તીના નામોની માયાજાળમાં જન્મથી જ ગુંથાયેલો વ્યક્તિ આ કાલ્પનિક દુનિયાને જ સત્ય માની બેસે છે.

આજ કારણસર એક નાનું બાળક ચંદ્રમા સામે કુતુહલથી, આનંદથી જુએ છે. પણ અત્યારનું કાચુ શબ્દોનું જ્ઞાન તેને શીખવાડે છે કે, આને ચંદ્ર કહેવાય, તે પૃથ્વીનો ઉપગ્રહ છે, તેનો વ્યાસ ૩૪૭૪.૮ કી.મી. છે, તેનાં પર આ રીતે સુર્ય કિરણો પડે છે. આમ આ શાબ્દિક ઉપલા સ્તરનું જ્ઞાન તેના કુતુહલને સમાપ્ત કરી દે છે. ત્યારબાદ ધીરે ધીરે તે ચંદ્ર સામે પણ ક્યારેક અનાયાસ નજર પડે ત્યારે જ જોવે છે અને જોવાનો આનંદ કયાંક ચાલ્યો જાય છે. આવું જ તેના પોતાની સાથે પણ થયું છે. તેને સમજાવાઇ દીધું છે કે તેનું નામ આ છે. તે આ જાતીનો, આ ધર્મનો વ્યક્તિ છે. આમ તેનું પોતાના પ્રત્યેનું કુતુહલ પણ સમાપ્ત થઈ જાય છે. તે વાસ્તવિક દ્રષ્ટિએ કોણ છે?. એના તરફથી તેનું લક્ષ્ય હટી જાય છે. ત્યાર બાદ તેને નવી કલ્પનાઓની જાળો, જેની પાછળ આખુ જગત સતત ભાગતું રહે છે તેવા પ્રલોભનોમાં પોતાની જાતને ભાગાવવા લાગે છે.

બ્રહ્મજ્ઞાની કહે છે, કે સંસારમાં દુ:ખો કષ્ટો સહન કરીને રહેનાર ખરા ત્યાગી છે. જેમણે સંસારની વ્યર્થ મથામણો માટે પોતાના સુખનો, પોતાના આનંદનો, શાંતીનો ત્યાગ કર્યો છે. આમ, બ્રહ્મજ્ઞાનીઓ સાચા અર્થોમાં મહા ભોગીઓ છે. જેઓએ અનંત સુખ નો માર્ગ શોધી લીધો છે. તેઓના મતે સંસારી વ્યક્તિ માટે સુખ અને દુ:ખ આ પ્રમાણે છે: જો વ્યક્તિના હાથની આંગળીઓ કોઇ વજનદાર વસ્તુ નીચે દબાવી દેવામાં આવે, ત્યારે તે ખુબ પીડાય છે. ચીસ પુકાર લગાવે છે.-આ દુ:ખ છે અને જ્યારે ભાર થોડો ઓછો કરવામાં આવે ત્યારે તે કહેશે હાશ...‌‌ ‌‌-આ સંસારીના માટે સુખ છે. આમ થોડા સમય માટે દુ:ખોથી રાહતને સંસારી સુખ માની લે છે. વાસ્તવમાં ખરુ સુખ તે જાણતો ન હોવાથી તે દરેક પરિસ્થિતિમાં બ્રહ્મજ્ઞાની માટે કરુણાને પાત્ર છે, બાપડો બીચારો જ છે. (અહીં સંસારીનો અર્થ એ જરા પણ ના કરવો કે જેને પત્ની છે, બાળકો છે તે સંસારી છે. જેને પત્ની કે બાળકો નથી તે ચંદ્ર પર જઈને તો રહેવાના નથી! તે પણ આ સંસારના જ છે. સંસારીનો મતલબ છે. "સંસારમાં આસક્ત" આ મુદ્દાને પણ વિસ્તાર પુર્વક ગૃહસ્થ સમજીલે તો એ એક આદર્શ ગૃહસ્થ થઈ શકે છે.જેની આગળ ચર્ચા કરીશુ)

બ્રહ્મજ્ઞાતા કહે છે, કે સત્ય બુધ્ધિથી પણ પરે છે. -બુધ્ધિ જે મનુષ્યને બતાવે છે,કે આ સારું છે આ ખરાબ છે. બુધ્ધિના પણ નામકરણ થયેલા છે. સાત્વિક બુધ્ધિ, રાજસી બુધ્ધિ, તામસી બુધ્ધિ. અને આ બુધ્ધિના ત્રણ ગુણોને ત્રિગુણી માયા કહી છે. માયા એટલેકે જે બ્રહ્મસુધી પહોંચતા રોકે તે. છતા પણ સાત્વિક બુધ્ધિને બ્રહ્મ સુધી પહોંચવા સહાયક કહી છે. તમે હાલ આ લેખ વાંચી રહ્યા છો એ વાંચવાની પ્રેરણા આપનાર તત્વ તમારી સાત્વિક બુધ્ધિ છે. જે બ્રહ્મ ચિંતન તરફ વાળે છે. છતા પણ બ્રહ્મ સુધી પહોંચવા આ બુધ્ધિની પણ પરે જવાનું છે. તેમ બ્રહ્મજ્ઞાનીઓ કહે છે. કારણકે બુધ્ધિ હંમેશા અહંકાર આપે છે.

2. અહંકાર નું મુળ અને તેનો નાશ:

અભિમાન ને કેટલાક લોકો અહંકાર કહે છે. હા અભિમાન એ અહંકારનું વિકસીત રૂપ છે જ. પણ જે માણસ એમ કહેતો હોય કે તેનામાં જરા પણ અહંકાર નથી. તે વ્યક્તિમાં પણ અહંકાર છે. એ કેવી રીતે?

વાસ્તવમાં મેં જેમ પહેલા પણ કહ્યું તેમ, દરેક વસ્તુને ઓળખવા નામો અપાયા છે. તેમ અહંકાર એ બહુ જુનુ નામ છે. જેનુ અર્થઘટન યોગિઓ જુદુ કરે છે. સંસારી જુદુ કરે છે. અહંકાર એટલે પોતાનું વ્યક્તિત્વ. જ્યાથી વ્યક્તિ બીજા વ્યક્તિથી પોતાને અલગ ઓળખાવે છે, તે અહંકાર છે. અને તેને આ ભેદ આપનાર બુધ્ધિ હોવાથી અહંકાર બુધ્ધિના તાબા હેઠળ છે. કારણકે બુધ્ધિ જ તેને બતાવે છે, કે તેનું શરીર જુદુ છે અન્યનું જુદું આમ વ્યક્તિની બુધ્ધિ અન્ય વસ્તુઓની માફક પોતાના સ્થુળ શરીરને વસ્તુ માની અન્ય થી અલગ ગણે છે. અને મૃત વ્યક્તિને જોઇ એ જાણે છે, કે એનામાંથી ચેતન તત્વ નીકળી ગયું છતાં પોતાનામાં એ ચૈતન્ય ક્યાં છે એની તપાસ કરવા કરતા ફરી બધુ ભુલીને હું અને તું માં લાગી જાય છે. અને આ અહંકારથી જ વ્યક્તિનું વ્યક્તિત્વ છે. એ જ તેના યોગમાં કહેલ સુક્ષ્મ શરીરનો આધાર છે.અહંકાર એવું મનાવડાવે છે કે વ્યક્તિ પોતે સાચો છે. આમ આજ કારણસર યોગીઓએ કહેલી અલૌકિક વાતો તેના માનવામાં આવતી નથી. આમ, અહંકારને સત પુસ્તકો વાંચવાથી પરાજીત ન કરી શકાય. પણ જ્યારે વ્યક્તિ ચોક્કસ યૌગીક ક્રિયાઓ દ્વારા બુધ્ધિને પરે જાય છે ત્યારે એ દિવ્ય ઝબકારામાં બુધ્ધિ હતપ્રભ બની જાય છે. અને ત્યારે તે અહંકારને મુક્ત કરી એ પરમ સત્તાના વશમાં આવે છે. અહીંથી જ વ્યક્તિ મહાન બને છે. અહીંથી જ તેના અહંકાર વશ થતા પતનનો અંત આવે છે. અને ત્યારે વ્યક્તિ પોતાનો જ નહીં, પણ અન્યની બુધ્ધિને પણ વશ કરી શકે છે. આ જ કારણસર કેટલાક યોગીઓ પાસે સિંહ જેવા હિંસક પશુઓ પણ આરામ થી બેસે છે. તેમની હિંસા વૃત્તિ પર યોગીની યોગ બુધ્ધિની અસર થયા વગર રહેતી નથી. આમ અહંકારનો નાશ મુક્તિ અને સિધ્ધિનો માર્ગ છે.

વ્યક્તિ દરેક વસ્તુ ત્યાગીને પણ અંતે પોતાના અસ્તિત્વને ત્યાગી નથી શકતો ત્યાં સુધી તેનામાં અહંકાર છે. "પોતે છે." -એ અહંકાર છે. "હું કંઇક છું" -એ અભિમાન છે. પણ "હું છું" -એ અહંકાર છે. અહંકાર શબ્દનું અર્થઘટન કરીએ તો, જેમ ઓમકાર એટલે "ઓમ" એવો નાદ એમ અહંકાર એટલે "અહમ"(આ એક સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ થાય છે- હું) એવો નાદ. માનવને સતત સ્મરણ રહેતો સુર કે આ હું છું.

વ્યક્તિ પોતાનું શરીર ઘર પર હોય ત્યારે કહે છે કે "હું ઘરે છું" વાસ્તવમાં મનથી તે પોતાના ધંધાના સ્થળે કે મિત્રો સાથે કે જ્યાં જવાનું છે ત્યાં હોય છે. આમ તે સુક્ષ્મ શરીરથી પોતાની કાબુ બહાર અન્યત્ર હોય છે છતા સ્થુળ શરીરની હાજરીને જ પોતાનું અસ્તિત્વ ગણે છે. જ્યારે યોગીઓ આ સાદા વિજ્ઞાનને હસ્તગત કરીલે છે. અને ત્યારે તેઓ ગમે તે સ્થળે ગમે ત્યારે પ્રગટ કે અપ્રગટ થઈ શકે છે. આને સંસારી ચમત્કાર ગણી નમસ્કાર કરી લે છે. પરંતુ પોતે પણ આ કરવા સક્ષમ છે તે જાણી નથી શકતો.

તો વ્યક્તિ આ અહંકારનો નાશ કેમ કરે? એનો જવાબ છે. અહંકારનો નાશ વ્યક્તિ વિચારથી કયારેય ન કરી શકે. સોહમ કે શિવોહમ ના નાદ તો સત્યને જાણ્યા પછી જ ઉઠે છે. પણ તે પહેલા ક્યારે પણ અહંકારનો નાશ આ શબ્દોનાં ઉચ્ચારણ માત્રથી ના થઈ શકે.

બ્રહ્મજ્ઞાની કહે કે "હું જ છું" ત્યારે તે અભીમાનમાંથી નહીં પણ આત્મબોધ માંથી આવે છે. આમ અહીંજ શબ્દોની લાચારીનો ખ્યાલ આવી જાય છે, કે શબ્દોનું મહત્વ નથી તેના અર્થોનું મહત્વ છે. બ્રહ્મજ્ઞાની નું આવું કહેવા પાછળનું કારણ એ છે કે, તે જાણે છે, કે તેના સિવાય આ જગતમાં કંઇ જ નથી ત્યારે તે કહે છે "શિવોહમ", "સોહમ"

અહંકારનો નાશ બંને બાજુથી થાય છે.

જેમાંની એક બાજુ છે.: કે વ્યક્તિ સમર્પણ કરે (આના માટે યોગની અનેક વિધિઓ છે જેની ચર્ચા કરીએ)

બીજી બાજુ છે: વ્યક્તિને આ સમર્પણ દ્વારા બોધ થતો જાય કે વાસ્તવમાં તે જે માની ને જીવતો હતો તે ભુલ ભરેલું હતું.

આમ સત્યની ઝલક મળતી જાય તેમ સમર્પણ થતું જાય અને સમર્પણ થતું જાય તેમ બોધ વધતો જાય અંતે એ સમય આવી જાય છે, જ્યારે અહંકારની દિવાલ પત્તાના મહેલની જેમ તુટતા જ તેની પાછળ ઝગારા મારતો મહા અનંત શીતળ સુર્યરૂપ પરમાત્મા દેખાવા લાગે છે. અહીં તમારુ મન એ કેવો અનુભવ હશે એની કલ્પનામાં સુર્યની કલ્પના કરતું હશે. પણ ફરી કહેવુ યોગ્ય રહેશેકે શબ્દો સિમિત હોવાથી વાપરવા પડે છે. વાસ્તવમાં કોઇ દ્રશ્ય જેવુ નહીં પરંતુ અનુભવ જેવું છે.

જો વ્યક્તિ સમર્પણ કરે અને તેને સત્યનો થોડો સરખો પણ બોધ ના મળે તો તરત જ મન (ઇશ્વરનું બનાવેલ અદભુત યંત્ર) મનુષ્યને બતાવી દે, કે ભાઇ આ બધુ બંધ કર! કશું સાચુ નથી. આમ અહીં મનની ચાલબાજીઓ વિશે ચર્ચા પણ અત્યંત જરૂરી છે.

અહંકારની દિવાલ તુટવાનો અર્થ એ છે કે તેના અસ્તિત્વનો નાશ થયો, તેના સુક્ષ્મ શરીરની માલીકીનો નાશ થયો, આમ આ એક પ્રકારના મૃત્યુ અને મૃત્યુ બાદના જન્મ જેવું હોવાથી બ્રહ્મમાં જાગેલા વ્યક્તિને દ્વિજ કહે છે. અથવા બ્રાહ્મણ કહે છે "જે બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ" આમ બ્રાહ્મણ કોઈ જાતી નથી પણ એવા વ્યક્તિઓનો સમુહ છે જે બ્રહ્મને જાણે છે. આ સાંકેતિક મૃત્યુને કારણે જ યોગીઓ મરો...મરો...મરો.. એવા ઘોષ થાય છે.

જે વ્યક્તિ સાંસારીક પીડાથી ત્રાસીને આત્મહત્યા કરે છે. એ મહા મુર્ખ છે. કારણકે તે પહેલા સ્થુળ શરીરમાં રહેતો હતો હવે તેની બહાર આવી ગયો.હવે તેની પીડાનો નાશ કરવાનો કોઇ ઉપાય નથી. સ્થુળ શરીરમાં રહીને વ્યક્તિ પોતાના સુક્ષ્મ શરીર પર કાબુ મેળવી શકે છે. પણ આત્મહત્યા કરી તે વ્યક્તિને પહેલા પણ પોતાના સુક્ષ્મ શરીર પર કાબુ ન હતો હવે તે ભટકતો થઈ જશે. અને પસ્તાવો કરતો રહેશે. તેની પીડાનો અંત ના થતા તે પ્રેત યોનીઓમાં અન્ય વ્યક્તિઓને પણ પજવવા લાગે છે. અથવા અસહ્ય વેદના વેઠે છે.

ભગવાન બુધ્ધે કહ્યું છે. વ્યક્તિના સ્થુળ શરીરમાં જન્મવા પાછળનો ધ્યેય એ છે કે તે પોતાના જીવનના ધ્યેય ને પહેલા શોધે ત્યારબાદ પોતાના પુર્ણ અસ્તિત્વની શક્તિઓથી તેની પાછળ લાગી જાય. આનું એ અર્થઘટન ના કરવું કે ડોક્ટર કે એન્જિનિયર બનવાનું ધ્યેય. બુધ્ધ કહે છે. સ્થુળ શરીરમાં આત્માના જન્મનું ધ્યેય એ છે કે તે તેના સ્વરૂપને ઓળખે. આમ શબ્દોના અનેક અર્થો થવાના કારણે કોઇ પણ મહાપુરુષના શબ્દોને સમાજે પોત પોતાના સ્વાર્થ અનુસાર ઢાળી દીધા. આથી જ ભગવદ ગીતા પર અનેક પુસ્તકો છે. દરેક શબ્દને લોકોએ જુદી જુદી રીતે પકડ્યા છે. જુદી જુદી રીતે સમજાવ્યા છે. પણ ભગવદગીતાની ખાસીયત જ એ છે કે તે દરેક ક્ષેત્ર માટે શ્રેષ્ઠ સહાયક છે.તેમાં દર્શાવેલા માર્ગો શ્રેષ્ઠ છે.

મારુ માનવું એ છે કે શબ્દો માં વધુ પડવા જેવું નથી. સત્યને શોધવાના માર્ગની હું અહીં મારી સિમિત બુધ્ધિ મુજબ જે પણ ચર્ચા કરું તે એવી છે, જે મેં વાંચેલી અનેક પુસ્તકોનો આપણા સીધા સાદા શબ્દોમાં લખેલો સાર છે. આમ અનેક માર્ગો પૈકી પોતાનો માર્ગ કેવીરીતે પસંદ કરવો તે લક્ષ્ય મળી જાય ત્યારબાદ જો તે માર્ગ પર સાધના શરૂ થઈ જાય, તો ભગવદ ગીતા, ઉપનિષદો વગેરેમાં લિખિત બાબતો શબ્દો ના રહી જતા પોતાનો અનુભવ બની જશે. અને એ વાંચવાનો અનેરો આનંદ આવશે.

અહંકારના નાશ અને પરમાત્માના સાક્ષાત્કાર અર્થે કયા પ્રકારે ધ્યાન કરવુ? :

દરેક વ્યક્તિ માટે જુદુ જુદુ ધ્યાન હોય છે. જેમ વ્યક્તિ સ્વભાવે સ્વભાવે અલગ હોય છે. તેમ તેના સ્વરૂપમાં ઉતરવાના માર્ગોની ચાવીઓ પણ અલગ અલગ છે. અહીં શક્ય એટલા માર્ગોનું વિવરણ કરું છું આ વાંચતા વાંચતા જ તમને જે યોગ્ય લાગે અંતર આત્માથી જે માર્ગે મહોર લાગે એજ સાચુ. કારણકે વાસ્તવિક ગુરૂ અંદર બેઠેલો છે. એને ખબર છે. તમે કઇ સ્થિતિએ છો. આમાં ગાડરિયો પ્રવાહ ના હોય. કારણકે કોઇ રામ રામ શબ્દ રૂપી રસ પીવે તો કોઇને એમાં બગાસાં પણ આવે. આમ પોતાનો માર્ગ જાતે જ શોધવો. કોઇનું અનુકરણ કરનાર જલ્દી મરી નહીં શકે (સુક્ષ્મ શરીરથી ચિંતા ના કરો) હું અહીં એમ લખું કે જલ્દી પરમાત્મા પ્રાપ્ત નહીં કરી શકે તો મન બીજી વસ્તુઓની જેમ એને પણ પ્રાપ્ત કરવા મચી પડશે. અહીં મરવાનો અર્થ એ છે. કે ધીરે ધીરે નકામું બધુ જ છુટી જવું. તો આવો યોગીઓ મરીએ...

વિચાર: અહંકાર કહો કે મન કહો કે સુખ, દુ:ખ બધુ જ એક જ તરંગ થી ઉત્પન્ન થાય છે. અને એ છે. વિચાર

તમે જે ભાષા શિખ્યા હોય એટલેકે તમારી જે માતૃભાષા હોય, એમાં જ તમને વિચારો આવશે. કોઇ અમેરીકનને હિંદી ભાષામાં વિચારો ના આવે. તો શું નાના બાળકો જે બોલતા શીખ્યા તેમને વિચારો નહીં આવતા હોય? વિચારો ખાલી ભાષાગત શબ્દો જ નહીં પણ જોયેલા દ્રશ્યો રૂપે પણ આવે છે. ક્યારેક તે અનુભવોના આભાસી સ્વપ્ન રૂપે પણ છવાઇ જાય છે. આ બધુ તમે તમારા વિચારોના નિરીક્ષણ થી અનુભવ કરી શકો છો.

ક્યારેક તમને કોઇ જખમ વાગ્યો હોય એની પીડાને તમે યાદ કરો તો એ આભાસી પીડા ફરી એક વાર એક તરંગ રૂપે મનમાં આવી જાય છે. તેને કોઇ શબ્દ નથી. પણ તે અનુભવ ગત વિચાર છે. આમ મન આવા કરોડો તરંગોથી એક સાથે વારંવાર આંદોલીત હોય છે. અને આવાજ આંદોલનોમાં આત્માનો પ્રકાશ જોઇ શકાતો નથી. આ બધાજ તરંગોને સામુહિક રીતે મન કહેવાય છે. જે વ્યક્તિમાં આ તરંગને કાબુ કરવાની આવડત આવી જાય, તે વિશ્વ વિજેતા જ નહીં બ્રહ્માંડ વિજેતા છે. આમ દુનિયામાં લોકો જુદી જુદી વસ્તુઓ પામવા મથે છે. તે બધા જ ગુલામ છે. આમ એક રાજા પણ ગુલામ છે. એવરેસ્ટ પર્વત કોઇ વ્યક્તિ સર કરી શકે છે. પણ પોતાના મન ને સર કરવું એ જ ખરો વિજય છે.

આથી વ્યક્તિએ પહેલો પ્રયત્ન પોતાના મનને જીતવા કરવો જોઇએ. ક્યારેક ક્રોધ કર્યા બાદ કહે છે, મારે ક્રોધ નહોંતો કરવો જોઇતો એ થઈ ગયો. આ જ તો તેની ગુલામીના દર્શન છે. સવારે વહેલા ઉઠવાનું વિચારીને સુતા વ્યક્તિ પર મનનું ખરુ આક્રમણ સવારે ઉઠવાની વેળાએ થાય અને તે મોડો જ ઉઠે છે. આમ આ બધી ક્રિયાઓથી સૌ પરિચિત હશે. અને જો માણસ એવા ન્યુન તરંગોને પણ પાર ના કરી શકે, તો સંપૂર્ણ મન ને વશ કેમ કરી શકે? એનો પણ રસ્તો છે.: થોડા મનન ચિંતન અને ધ્યાન વગેરે ક્રિયાઓથી મનની આ વૃત્તિઓ નિર્બળ બનશે ત્યારે તેના પર બળજબરીથી બેસવાનો પ્રયત્ન કરશો તો એ ફરી ગાંડા ઘોડાની જેમ ભડકશે. આ ક્રિયાઓથી ધીરે ધીરે મનને વાળવું પડે છે. તે છંછેડાઇ ના જાય તે રીતે. આથી ખુબ લાંબા સમયની ધીરજ અને ખંત આ ગુણો તો પહેલા જ વિકસાવવા પડશે. કારણકે તમારે મનને મનથી જ વશ કરવાનું છે. પછી એના પર બુધ્ધીની લગામ નાંખવાની છે. ધીરે ધીરે વિશ્વાસમાં લઇ એ ઘોડા પર સવાર થશો ત્યારે એ ઘોડો વફાદારીથી તમારો ગુલામ થઈ જશે. આ માટે આ મનનાં વિજ્ઞાનને ગહન રીતે સમજવું જરૂરી છે.

વ્યક્તિ સુઇ જાય ત્યારે પણ તેનું મન બીજી દુનીયાનું નિર્માણ કરે છે. અને સ્વપ્નમાં પણ તે સુખ દુખ ભોગવવા લાગે છે. અહીં એક વાત ખુબ સુંદર છે. કે સ્વપ્ન માનવજાત માટે એક વરદાન છે. જો તેનો વ્યવસ્થિત અભ્યાસ થાય તો તે પણ એક મુક્ત થવાની ચાવી બની શકે છે. સ્વપ્નમાં કોઇ વ્યક્તિ એક બીજી દુનિયા બનાવે છે. જેમાં તે ક્યારેક દોડે છે, કયારેક પાણીમાં તરે છે, ક્યારેક હસે છે, ક્યારેક રડે છે. આમ, સ્વપ્નમાં જો કોઇ વ્યક્તિ તરતો હોય, તો એ પાણી જેમાં એ તરે છે એ પણ પોતે જ ઉત્પન્ન કરેલું છે. એમાં તરવા વાળો પણ એ પોતે છે, એ પાણીમાં જો તે માછલીઓ જુએ તો તે માછલીઓ પણ તે પોતે છે. એ તળાવ, નદી, સરોવર, સમુદ્ર જે પણ જુએ છે અને એમાં વિચરે છે. એ બધુ પોતે જ ઉત્પન્ન કરેલું છે. અને જયારે જાગે છે. ત્યારે એક બોધાત્મક અસર થાય છે. જો થોડી વિવેક બુધ્ધિ હોય તો તેને પકડી શકાય છે. કે જે નદી, સરોવર, સમુદ્ર વગેરે પોતાનાથી જ ઉત્પન્ન થયા હતા તે સ્વપ્ન તુટતા પોતાનામાં જ વિલિન થઈ ગયા. તેમ સંસાર પણ એક થ્રી ડયમેન્શનલ સ્વપ્ન છે અને તે મન થી પેદા થયેલ છે. જેમ સિનેમા ગૃહ માં લોકો પડદા પર ચાલતા ધુપ છાંવના ખેલ જોએ રાખે છે. પણ વાસ્તવમાં સાચો ખેલ તે લોકોની પાછળ મુકેલા પ્રોજેક્ટરમાં છે.પણ ત્યાં કોઇનું ધ્યાન નથી આમ અહી મન એ પ્રોજેક્ટર છે. જે આંખ ખુલતા જ નવા નવા તરંગો સાથે જીવનનું નિર્માણ કરતું જાય છે. અને વ્યક્તિ ધુપ છાંવના ખેલમાં રાચે રાખે છે. અને સુખ દુખ ભોગવે છે. તે ભુલી જાય છે કે આ ધુપ છાંવ નો ખેલ માત્ર પડદા પર છે અને એ પણ પ્રોજેક્ટરમાંથી આવે છે. તે પોતે તો શાંતી પુર્વક ફિલ્મ જુએ છે. આમ જ્યારે પ્રોજેક્ટર વિશે જ્ઞાન થાય ત્યારે સિનેમાના પડદા પર ચાલતા દ્રશ્યનું જ્ઞાન થાય અને તે જ્ઞાન થતા જ પોતે કોણ છે. એનું જ્ઞાન થઈ જાય. આમ, આપણે મનને જ પહેલું સમજવું રહ્યુ.

વાસ્તવમાં વ્યક્તિ સ્વપ્નમાં તે જે કાંઇ પણ જુએ છે, અનુભવે છે તે તેના શરીરની ઇદ્ન્રિયો દ્વારા અનુભવાયેલ તરંગો ના જ પ્રતિબિંબ છે. હવે તેની આંખ ખુલી ગઈ અને ઇંન્દ્રિયો દ્વારા ફરી બાહરી દુનિયા દ્વારા નીત નવા અનુભવો અને દ્રષ્યો શરૂ. આમ માનવ દેહ જ મુક્તિનું દ્વાર એટલા માટે છે. કે તે આ તરંગોને સમજવા અને ગ્રહણ કરવા માટેના એન્ટેના ની જેમ ઇંદ્રિયો ધરાવે છે. શરીર વગર આ યાત્રા અટકી જાય છે. અને મનુષ્ય દેહ વિના બીજા કોઇ દેહ માં આ જ્ઞાન સમજી શકાય તેમ નથી. શરીર પણ મન સાથે જોડાયેલુ છે. આથી જ ક્રોધ કરતા બ્લડ પ્રેશર વધવા લાગે છે. ક્રોધ તો વૈચારીક છે તેને શરીર સાથે શું સંબંધ? આમ અહીં મન અને શરીરના સંબંધનો ખ્યાલ આવે છે. જો વ્યક્તિ આવા સુક્ષ્મ નિરિક્ષણોથી પોતાની જાતથી જ બોધ લેવા લાગે તો પણ જે કાંઇ પણ જીવનમાં ઘટીત થાય છે તે જ તેના મુક્તિનો દ્વાર બની જાય છે. આમ ઇદ્ન્રિય નિગ્રહ દ્વારા મનને નવા તરંગો આપવાના બંધ કરીને પહેલા પ્રવેશી ગયેલા તરંગોને ધીરે ધીરે નિરપેક્ષ ભાવે જોઇ રહેતા મુક્તિના માર્ગ ખુલી જાય છે. જેનો પ્રયોગ આ રીતે કરી શકાય:

ઇંદ્રિય નિગ્રહ: મનનાં તરંગો સ્પર્શ, આંખ (દ્રશ્ય), કાન (શ્રવણ) વગેરે થી પ્રવેશે છે. આમ મનને મૌન કરવા માટે આ તમામ ઇંદ્રિયોને પહેલા મૌન કરવી પડે આંખો પર પટ્ટી બાંધી દઈએ, કાનમાં રૂ નાંખી દઈએ અને કોઇને પણ સ્પર્શ કે જોવાની ઇચ્છા કર્યા સીવાય બેસી જઇએ.

દૈહિક ક્રિયાઓ માટે પટ્ટીને અડધી ઉંચી કરી અર્ધ ખુલ્લી આંખોથી રસ્તો જોઇએ તે રીતે જરૂર પુરતી ક્રિયાઓ કરી ફરી બેસી જઈએ અથવા આરામ દાયક સ્થિતિમાં આડા પડીએ. અને અંદર ચાલતી મનની ક્રિયાઓને જોઇ રહીએ. જ્યારે ઇંદ્રિયોના દ્વારો પર બંધન આવે ત્યારે મનને ફટકો પડે છે. તે તરતજ ઉછાળા મારવાનું શરૂ કરશે. ગભરામણ પેદા કરશે. બસ એને પણ જોઇ રહો એ ગભરામણ તમારામાં નથી એ મન છે. તમે અલગ છો એ જ્ઞાન બુધ્ધી જવા ના દેશો. ક્યારેક ચીસ પાડવાનું મન થાય, કયારેક થુકવાનું મન થાય આ બધો જ ખેલ મન નો છે. તમે શરૂઆતમાં જે કરવાનું મન કહે કરો પણ તમે તે નથી એ વિવેક ના છોડશો. ચીસ પાડવાનું કહે, તો ચીસ પાડો, કુદવાનું કહે,તો કુદો.. પરંતુ જાગૃત રહો તમે એ નથી કરી રહ્યા તેમ સાક્ષી થઈને જોઇ રહો.એનાથી એ ધીરે ધીરે વશમાં આવતું જશે. આ બધી મનની મેલ નિવૃત્તિ છે. જેમ આપણે સ્નાન કરીએ તેમ આ ક્રિયાઓથી મન ધીરે ધીરે થાકશે. ૧૫ મિનિટ, અડધો કલાક બાદ એ શાંત થઈ જાય અથવા આપણે એ નિર્બળ બનેલા મનને હવે કંઇ પણ ધાર્યુ કરવાની ના પાડી દેવી પડશે. ત્યારથી હવે આપણે એ જે ક્રિયાઓ કરે તે શરીર પર નથી લાવવાની એને જોઇ રહેવાનું છે. છે. ધીરે ધીરે તે શાંત થઈ જશે. અને મૌન પેદા થશે.

તમને ફાવે તેવા શુદ્ધ સ્વચ્છ સ્થાને બેસી જાઓ સ્વચ્છતા એટલે જરૂરી છે કે તે મન અને બુધ્ધિના સાત્વિક ગુણોને વધારે છે. બેસવું એવું જેથી કંઇ કનડગત ના થાય. જ્યાં શરીરને એક હદે આરામમાં મુકીને અંદર જઈ શકાય. એવી જગ્યાએ બેસો જ્યાં તમને કોઇ ભય ના હોય, (ગૃહસ્થે એક રૂમમાં શાંતી પુર્વક બેસી જવું. બની શકે તો એક એવો રૂમ હોય જ્યાં તમે સાધના માટે જ જાઓ. ત્યાં હંમેશા પવિત્ર વાતાવરણ રહે અને ત્યાં અન્ય કોઇ વિકૃત માનસના વ્યક્તિને ના જવાદો તો ધીરે ધીરે તે જગ્યા માં તમારી તરંગો એવી રીતે ગુંજાયમાન થશે કે જ્યારે સાધક પોતે કોઇ માનસિક ચિંતામાં ઘેરાશે ત્યારે તે ઓરડામાં જતાં જ એને તથા આવનાર અન્યને શાંતી અને દિવ્ય વિચારો આવશે. )

ઘણા લોકો સાધના અર્થે જંગલોમાં જતા રહે છે. ત્યાં કોઇ જંગલી પ્રાણીના ભયથી તમે અંદર નહીં ઉતરી શકો. વળી કિડિ, મંકોડા, મચ્છરોના ત્રાસથી તમારી સાધના ક્રોધથી ભરાઇ જઈ સમાપ્ત થશે. ઉર્ધ્વ ચૈતન્યમાં સ્થિત થનાર લોકોને આવો કોઇ ભય નથી હોતો આથી તેઓ જંગલમાં જઈ શકે છે. પણ આ પહેલા સાધના એક ઓરડામાં જ શરૂ કરવાની વધુ યોગ્ય છે.

જ્ઞાન યોગ: જેમાં મન ને તર્ક થી જીતવાનું હોય છે આ માટે આ જ્ઞાન સમજવું જરૂરી છે.ભૈરવ વિજ્ઞાનમાં મા પાર્વતીએ પુછેલા પ્રશ્નો પર ભગવાન શીવે મધ્યમાં સ્થીત થઈ અદ્વૈત ને પ્રાપ્ત કરવા કહ્યું એનો અર્થ એ છે. કે બે વિરોધી તત્વો જેમ કે, સુખ-દુખ, પીડા-સુખ વગેરે દ્વૈત માંથી કોઇ એક તરફ ઢળતી મનની ક્રિયાઓ ની વચમાં સ્થીત થવું. આ બધા પ્રયત્ન વ્યવહાર માં કરવા. પણ ધ્યાન સમયે આવતા અને જતા શ્વાસ ની વચ્ચે આવતા ખાલીપામાં સ્થિત થવું. હાલ super consciousness ની જે વાત થાય છે-તે એટલે અતી સંવેદનશીલ થવું. જાગૃત થવું. આ માટે નાક નાં બે છીદ્રોમાંથી ટટ્ટાર બેસીને અંદર આવતા શ્વાસમાં પ્રવેશતા હવાના કણો પ્રત્યે સજગ થાઓ શ્વાસ તમે ના લેશો પ્રાકૃતિક રીતે થવા દો. અંદર ગયેલો શ્વાસ બહાર ના આવે એ પહેલા જે સમય માટે અટકે છે, તે સમય માં સ્થિર થવું. આ જ પ્રમાણે બહાર આવેલો શ્વાસ અંદર ના આવે તે પહેલા જ્યાં અટકે છે તે ખાલીપામાં જાગૃતિથી જોઇ રહેવું. માત્ર શું થઈ રહ્યુ છે. તે જ જોવાનું છે. કંઇ વિચારવાનું નથી. અને વિચાર આવે તો તે તરફ પણ જાગૃત રહી તેનો કોઇ પણ જવાબ કે પ્રતિસાદ આપ્યા વીના તેને અવગણી, ફરી શ્વાસ તરફ જોવાનું છે.

ઘણા લોકો ને શ્વાસ તરફ જોવું અઘરું લાગી શકે છે. જે કર્મઠ વ્યક્તિ છે, જેને કંઇ કર્યા વીના ચાલતું નથી તેને આ માર્ગ પકડવો. પણ કેટલાક લોકો તાર્કિક હોય છે. તેમના માટે મન ને વશ કરવાનો માર્ગ છે, નેતિ નેતિ...

નેતિ: ન ઇતિ (આ નહીં)

મનમાં આંખો બંધ થયા બાદ શરીર શિથીલ થયા બાદ અનેક વિચારો નું પુર નજરમાં આવે છે. તે વિચારો ને પહેલા જોઇ રહો, એટલે ૫૦% ઓછા થઈ જશે. ત્યાર બાદ મન ને ખબર પડશે કે કોઇ નજર રાખી રહ્યુ છે. ત્યાર બાદ એ તમને કંઇક કહેવાનું અથવા બતાવવાનું શરૂ કરશે. જે તમારી દુખતી રગ હશે. તમે કોઇ સામાજિક પરેશાની માંથી પસાર થઈ રહ્યા હોવ તો તે તમને તેનાં વિશે પ્રબળ તર્ક પેદા કરી પુછશે. અથવા તમે એ બધા માટે જેને જવાબદાર ગણો છો તે દેખાડશે. બસ ત્યાંતો તમે તમારો મત પ્રગટ કરવા લાગશો "હા..આને આમ નહોંતુ કરવાનું તેમ નહોંતુ કરવાનું" અને તમે પાછા એની ચાલ માં આવી ગયા. તમારે એ જે પણ કહે તે તરફ કોઇ મત પ્રગટ કરવાનો નથી. એ જેનું દ્રશ્ય દેખાડે બસ જોઇ રહેવાનું છે. એમ જ જેમ નદી કિનારે બેઠેલો વ્યક્તિ નદીના વહેણ ને જોઇ રહે..

તમે જેવા આમાં સફળ થયા તેમ મન વધુ જોર પકડશે.. હવે તેને ખબર છે કે આ માને તેમ નથી.. ત્યારે તે કોઇ ના કોઇ રીતે તો તમને ફાંસવા પ્રયત્ન કરશે. એક સાચા સાધક તરીકે તમારે બસ સ્મરણ માં રાખવાનું છે કે તમે એની કોઇ ચાલ સફળ નહી થવાદો..

આમ મનની ચાલો હવે પ્રબળ થશે.. તે હવે તમારું હમદર્દ થશે.. અને કહેશે.. આ સાધના ખુબ સારી છે. જો વિચારો ઓછા થઈ ગયા. હવે તમે એ દિશામાં જ છો એટલે એ વાત થી ખુશ થશો.. ત્યાં તમે ગયા આમ સ્થિતપ્રજ્ઞ જે ગીતામાં કહ્યુ છે. તે તેવી વ્યક્તિ જે આ બંને દ્વંદ્વોમાં ફસાય નહી.

તમે બીજી કોઇ લાલચ માં નહીં ફસાઓ તો મન હવે સિધ્ધિઓની લાલચ આપશે. આ બધા મનનાં પ્રયત્નો છે તમને સાધના થી બહાર લાવવાના. સાચા યોગીએ સિધ્ધિઓની પણ કામના મનમાં ના રાખવી જોઇએ જ્યાં સુધી આ છે ત્યાં સુધી આ યોગ સિધ્ધ નહીં થાય. ત્યાં સુધી સિધ્ધિઓ બહુ દુર છે. આથી ગીતામાં ભગવાને નિષ્કામ કર્મ પર વધુ ભાર આપ્યું છે. આ નિષ્કામ કર્મ થી મન ને સ્થિર કરવામાં ખુબ મદદ મળે છે. આમ મન તમને હવે પ્રકાશ, પર્વતો, નદીઓ, જંગલો, તારા, ચંદ્ર, સુર્ય બતાવવાનું શરૂ કરશે, ત્યારે પણ તમારે ભ્રમિત નથી થવાનું કે વિચારવાનું નથી કે તમને કોઇ સિધ્ધિ મળી રહી છે અથવા દેવ દર્શન થઈ રહ્યા છે. ક્યારેક મન તમને શિવજી, ક્રિષ્ન ભગવાન પણ બતાવી શકે છે. તમારે તેમને પણ કોઇ આદરથી નમન કરવાની જરૂર નથી બસ નીરપેક્ષ ભાવથી જોઇ રહો કારણકે આ મનની એવી ચાલ છે જે ૯૯% નિષ્ફળ નથી જતી. દરેકને પોતાના ઇષ્ટ દેવ, ભગવાન તરફ વિશેષ ભાવ હોય છે. આથી તેઓ સામે આવતા જ તમે ક્યાંકતો "હે પ્રભુ! આપને મારા વંદન" વગેરે કહેશો, અથવા પ્રાર્થના કરવા લાગશો, અથવા ભાવ પ્રગટ કરવા લાગશો. તમે તમારા ભગવાનને ભજો પણ જ્યારે આ યોગ ના કરી રહ્યા હોવ ત્યારે! અત્યારે તો મન તમને ફાંસવા બેઠુ છે. તેને સમજો કારણકે જ્યાં સુધી સામે કોઇ દ્રષ્ય, અવાજ કે વિચાર છે ત્યાં સુધી તમે સિધ્ધ નથી થયા આમ,

વિચાર સ્થીર થવા લાગતા તમારો શ્વાસ પણ ધીમો ચાલવા લાગશે જો કે ત્યાં કોઇ વિચાર ના કરવા લાગતા! ધીરે ધીરે શ્વાસ જાણે પેટ તરફ નાભીના ભાગે સ્થિરતાથી વહેતો અનુભવાઇ શકે, જે તમને અસિમ શાંતી આપશે. કદાચ એનાથી પણ ક્યારેક નીચે ઉતરે અને તમારું ગુદા માર્ગ સંકોચાય એવી ક્રિયાઓ આપમેળે થતી હોય ત્યાં સુધી વાંધો નથી આ વાંચ્યા બાદ તમારું મન કાલ્પનીક ઢંગ થી તમને એ કરાવડાવે તો ના કરતા અહીં આ બધા માટે તમારે કંઇ કરવાનું જ નથી. આ તો આપ મેળે થાય તો તમે ડરો નહીં તે અર્થે કહેવું પડે છે. આ સિવાય પણ બીજી વસ્તુઓ જો કહેવામાં આવે તો મન તમને ફાંસવા વધુ પ્રબળ બને આમ માત્ર એટલું જ સ્મરણ રાખવું કે જ્યાં સુધી દ્વૈત છે, એટલેકે તમારી સામે અવાજ, વિચાર, દ્રશ્ય જે કંઇ પણ છે ત્યાં સુધી તમારે તેને સ્વિકાર્યા વગર સ્થિર જ રહેવાનું છે.

ક્રમશ: