Vandana books and stories free download online pdf in Gujarati

વંદના

‘વંદના,વંદના… ક્યાં છે તું?’ શિયાળાની કડકડતી ઠંડીની એ સવારમાં લગભગ સાડા પાંચ વાગ્યે વિનીત તૈયાર થઈને વંદનાને શોધતો હતો. થોડીવારે વંદના રસોડામાંથી ચા લઈને આવી. સામે ઉભેલા વિનીતને જોગીંગના કપડામાં જોઇને થોડું હસી. ‘હસી લે… હસી લે… પણ મને ફરક નહીં પડે હો…’ વિનીતે ખુરશી પર બેસતાં કહ્યું. ‘આ લો ચા, તમે મંગાવેલા નવા કપમાં.’ વંદનાએ ચા આપી. ‘હા…હા…’ વિનીત ચા ને બદલે નવાં કપ જોઇને વધારે ખુશ થયો. ‘તો તું’ ચા ની ચૂસકી લેતાં વિનીત બોલ્યો, ‘આવે છે ને વોક માટે?’ વંદનાએ આના-કાની કરી, પણ સફળ થઇ નહીં.

ઘરથી થોડે અંતરે આવેલા જોગર્સ પાર્કમાં બંને વોક લેવા માટે ઝડપી ચાલે નીકળ્યાં. ‘આ અંતર શબ્દ કેટલો આભાસી છે નહીં?’ વંદનાએ રસ્તામાં વિનીત સાથે એ મુદ્દો ઉખાડવાની કોશિશ કરી. ‘હા, આભાસી તો છે જ’ વિનીતે પોતાનું નવું જેકેટ ઠીક કરતાં કહ્યું, ‘ જો ને, જયારે લાગણીઓનું અંતર વધી જાય ત્યારે ભૌગોલિક અંતરની કોઈ કિંમત નથી રહેતી.’ વંદનાની કોશિશો રંગ નહોતી લાવી રહી, પણ તેથી તેણે હાર પણ ક્યાં માની હતી?

રોજની જેમ વિનીતે હાંફતા-હાંફતા ત્રણ રાઉન્ડ માર્યા, પછી બંને શાંતિથી એક બાંકડે બેસીને પોતાની આજુ-બાજુની પ્રવૃત્તિ-કેન્દ્રી દુનિયાને નિહાળતાં રહ્યાં. સાત વર્ષના માસૂમ બાળકથી માંડીને સિત્તેર વર્ષના વિવશ ઘરડાઓ સુધી તમામ ઉંમરના લોકો, અહીં કુદરતનો ખજાનો લુંટતા હતાં, ખરા અર્થમાં કોસ્મો-પોલિટન. વિનીત પોતાની આજુ-બાજુ વેરાયલા જિંદગીના રંગોને પોતાની આંખોમાં આંબી લેવા માંગતો હતો, તો વંદના એ રંગમાં સંબંધોની ભાત શોધતી હતી. ક્યાંય કોઈ ઓળખીતું મી જાય તો બે ઘડી વાતો થઇ જાય. ‘વંદના’ વિનીતે વંદનનો હાથ પકડીને કહ્યું, ‘જિંદગી એક છે,આપણે સમાધાન કેમ કરીએ?’ વંદનાએ શરમાઈને હાથ પાછો ખેંચી લીધો. ‘અરે’ વિનીતે પાછો હાથ પકડીને કહ્યું, ‘આપણે પતિ-પત્ની છીએ, અને માત્ર હાથ પકડ્યાં છે, એમાં શું શરમાવવાનું?’

આમ, વાતચીત અને દલીલો થતી હતી ત્યારે જ ગજરાની મહેકે વિનીતનું ધ્યાન આકર્ષિત કર્યું. ‘એય…’ વિનીતે તેને બૂમ પડી બોલાવ્યો અને પછી વંદનાને કહ્યું, ‘તને યાદ છે ને? તને ગજરો બહુ પ્રિય છે ને?’ વંદના કંઈ જવાબ આપે તે પહેલા વિનીતે ગજરો માંગ્યો. ગજરાવાળો બે ઘડી તેમને જોઈ રહ્યો. પછી વિનીતની બૂમથી અચાનક ભાનમાં આવ્યો હોય તેમ ગજરો આપીને ચાલતો થયો. કોઈનીય પરવા કર્યા વગર વિનીત, વંદનાને એ જ સ્નેહથી ગજરો લગાવવા લાગ્યો. વંદના ત્યારે શરમ અને પ્રેમની લાગણી અનુભવી રહી હતી.

બંનેનું જીવન સીધું-સાદું જ હતું. આર્થિક રીતે કોઈ મુશ્કેલી હતી નહીં. ફરક માત્ર એટલો હતો કે વિનીતને કોઈ પણ બંધનથી પરે ખુશમિજાજ જિંદગી જીવવી હતી, આંખો બંધ થતાં પહેલા બંધ આંખોએ જોયેલાં તમામ સ્વપ્નોને જીવવા હતાં, દુનિયાથી બેપરવા રહી દરેક ખુશીમાં હિસ્સેદાર બનવું હતું. જયારે વંદના… વંદનાને લાગણીઓના પ્રવાહમાં જિંદગી જીવવી હતી, આંખો બંધ થતાં પહેલાં બંધ આંખોએ જોયેલું એકમાત્ર સ્વપ્ન જીવવું હતું અને દુનિયાથી બેપરવા રહી, ખુશીમાં દરેકને હિસ્સેદાર બનાવવાં હતાં. એ એક અણધાર્યા પ્રસંગે વિનીત અને વંદનાની જિંદગી સંપૂર્ણપણે બદલી નાંખી પણ તેનાથી બંનેની જિંદગીને જોવાની નજર બદલાઈ ગઈ.

દિવસો આમ જ આશા અને નિરાશાનાં વમળો વચ્ચે વહેતાં હતાં. ‘વંદના…વંદના… ક્યાં છે તું?’ વિનીતની આમ દરેક નાની-મોટી વાતે વંદનાને બોલાવવાની ટેવ ગઈ જ નહીં. ‘હા, બોલો અહીં જ છું…’ વંદના અંદરથી અડધુ કામ પડતું મુકીને આવી. વંદનાને જમવા માટેની તૈયારી કરતી જોઇને વિનીત આતંકિત થઇ ગયો, ‘ વંદનાઆઆ…આ શું કરે છે તું?’. વંદના પણ ચોંકી ગઈ, વિનીતે વાત ચાલુ રાખતાં કહ્યું, ‘તો તું આજની તારીખ ભૂલી ગઈ એમ ને?’ વંદના કંઇક યાદ કરવા માટે મગજ કસવા લાગી, ‘આજે… ત્રીજી… ડીસેમ્બર’ અટકી-અટકીને બોલતી વંદનાને અટકાવી વિનીતે કહ્યું, ‘ આરે, આજે ત્રીજી ડીસેમ્બર, આપણે આજનાં દિવસે જ તો પ્રથમ વખત મળ્યાં હતાં. આજનો દિવસ તો ખુબ ખાસ છે… આજે તો બહાર જમીશું, ફરીશું.’ ‘ઓહ…’ વંદનાએ લમણે હાથ દઈને કહ્યું, ‘પણ… ખાવાનું તો બની ગયું છે, આજે હવે કેવી રીતે… કાલે રાખીએ તો?’ વિનીતે સાફ ના પાડી દીધી. તેણે વંદનાને બેસાડીને કહ્યું, ‘આ ખાવાનાં ખર્ચ કરતાં- તેના બગાડની ચિંતા કરતા- આજનો દિવસ ક્યાંય અધિક મહત્વનો છે.’ પછી થોડીવાર શાંતિ રહી. બંને કંઈ વિચારવા લાગ્યાં. જાણે, કંઇક એ યાદ કરવા લાગ્યાં જેને વિનીત હંમેશા ભૂલવા માંગતો હતો.

અડધા કલાક પછી વંદના તૈયાર થઈને બહાર તો આવી, પણ તેનાં મોં પર ઉદાસી હતી. તેની આ ઉદાસીનું કારણ વિનીતને ખુબ ખબર હતું. તેણે વંદનાને બગીચામાંથી હમણાં જ તોડીને લાવેલું લાલ ગુલાબ આપને કહ્યું, ‘તું ઉદાસ છે, હું જાણું છું. પણ એ ઉદાસીનું હવે આપણા જીવનમાં શું સ્થાન છે?’ ‘પણ… આમ…’ વંદનાએ ફૂલ લઈને કહ્યું, ‘ ખુશી મનાવવી જરૂરી છે? એ થયું એ…’વંદનાને અધવચ્ચેથી રોકીને વિનીત બોલ્યો, ‘એ ઘટનાને મારા જીવનમાં કોઈ સ્થાન નથી. અને એ એક ઘટનાને કારણે હું ત્યાંનો ત્યાં રોકાઈ શકું નહીં. લાગણી, સંબંધો તેની જગ્યાએ છે અને જિંદગી તેની જગ્યા એ.’ ‘સારું…’ વંદના હંમેશની જેમ ફરી હારી ગઈ, ‘ચાલો હવે, આપને જઈએ. અને મારા લીધે તમારો મૂડ બગડ્યો હોય તો… માફી માંગું છું.’ વાતચીત દરમિયાન વંદનાએ બાજુ પર મૂકી દીધેલું એ ગુલાબ તેને પાછું આપીને વિનીતે ‘કંઈ નહીં’ કહીને ઘરને લોક કર્યું.

‘સૌથી પહેલા’ વિનીતે કારનું ગીઅર બદલીને કહ્યું, ‘અહીંથી આપણે શોપિંગ કરવા જઈશું, ત્યારબાદ લંચ કરીશું, ફરીશું અને સાંજે કેન્ડલ લાઈટ ડીનર લઈને જ પાછા આવીશું.’ પછી તો એક દુકાનથી બીજી અને બીજી દુકાનથી ત્રીજી દુકાનમાં, કલાકો સુધી શોપિંગ ચાલ્યું. શોપિંગના દરેક બીલ સાથે તેઓ પ્યાર ‘રીડિમ’ કરતાં હતાં.

બપોરનાં ભોજન સાથે, પ્યારથી તૃપ્ત થઈને આખું શહેર ફરતાં બંને હમણાં જ બગીચે પહોંચ્યા ત્યારે સુરજ પણ ઢળવાની તૈયારી કરી રહ્યો હતો. બગીચાની બહાર પાર્કડ કારમાં તેમનો સામાન સુરક્ષિત હતો. તેમાં વિનીતના પસંદની કેટલાક પુસ્તકો પણ હતાં. વાંચવું, જાણવું, પોતાનાં જ્ઞાનની સીમાઓ વિસ્તારવી અને એમ મનભરીને જીવવું એ જાણે વિનીતનો નિત્યક્રમ થઇ ગયો હતો.

શહેર સાથે દોડીને હાંફી જતાં લોકો માટે બગીચો એક વરદાન હતો. અહીં બેસીને રાહતની શ્વાસ લેતાં લોકોને જોઇને, બગીચાને ખુદને રાહત થતી. બગીચો, માત્ર ત્યાં કલરવ કરતાં પક્ષીઓનું ઘર ન હતો, પણ ઘર વિનાનાં લોકો માટે પણ ઘર હતો. વિનીત અને વંદના એ હરિયાળી વચ્ચે જીવનના ખાટા-મીઠાં પ્રસંગો સ્મરણ કરી રહ્યાં હતાં. બગીચાને અડકીને આવેલા ઘોંઘાટીયા રસ્તા કરતાં અહીં કેટલી શાંતિ હતી! છતાંય વંદનાનું મન વારંવાર એ રસ્તાની સામે પાર આવેલા મકાનોની હારમાળા પાછળ આવેલા રસ્તાની ધારે આવેલાં કોમ્પલેક્ષ તરફ ખેંચાઈ જતું હતું. તેના માટે એ ખેંચાણ અસમાન ધ્રુવ જેવું મજબુત હતું તો વિનીત માટે સમાન ધ્રુવ જેવું મજબુત હતું. વિનીતે તેમનાં ખુબ ફોટા પાડ્યાં તો વળી કોઈને તેમનાં ફોટા પાડવા રીક્વેસ્ટ પણ કરી. આ ફોટાઓ જ તેમનાં બાકીનાં જીવનની ‘લાકડી’ હતાં.

ત્યારે વંદનાની નજર, સામેથી આવતાં એક માણસ પર પડી. વંદના જાણે કે એકદમ જીવંત થઇ ગઈ. વિનીતની નજર હજી તે આગંતુક પર પડી ન હતી. વંદના અને તે માણસની આંખો મળી. કંઇક ઋણાનુબંધ સ્પસ્ટપણે ચહેરા પર ઉતરી આવ્યો, બંનેના. અને, ત્યારબાદ એ બે નજરો પણ મળી. પણ તે નજરોને જોઇને વિનીત વિચલિત થયો નહીં. વિનીતની આંખો સામે ઘટેલી એ ઘટનાઓ હવે તેબે સહેજ પણ જીવવી ન હતી. આ બેરુખીને કયાં ચશ્મે જોવી? તે નક્કી કરવાનો અધિકાર આપણને કોઈનેય નથી.

‘વંદના…ચાલ’ વિનીતે ઉભા થઈને કહ્યું. વંદના જાણે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ફસાઈ ગઈ હતી, થીજી ગઈ હતી. ‘વંદના’ વિનીતે કડકાઈથી કહ્યું, ‘એ રસ્તો સિવાય દુઃખ તને કંઈ જ નહીં આપે. એ રસ્તો તને બહુ પાછળ લઇ જશે. ચાલ… તારા પર સૌથી પહેલા મારો હક છે…’ વંદનાએ આંસુઓને રોક્યાં અને પગ ઉપાડ્યાં.

આ ઘટના દોવાસો સુધી ક્યાં ભૂલાવવાની હતી? એક નવી સવારે વિનીત અને વંદનાને જગાડ્યાં. વિનીત હમણાં જ વોક લઈને આવ્યો હતો. આજે ગુરૂવાર હતો, વિનીત કોફી પીવાનો હતો. તે આવ્યો અને કોફી તૈયાર હતી. વંદનાએ વિનીતને કોફી આપી ત્યાં તેનો ફોન આવ્યો, તે લેવા દોડી ગઈ.

વંદના દોડતી આવી…તેનાં ચહેરા પર અસંખ્ય ભાવો વિનીત જોઈ રહ્યો હતો. વંદનાને કંઇક કહેવું હતું પણ લાગણીઓએ શબ્દોને જાણે કેદ કરી લીધા હતાં. અંતે, વંદનાએ પોતાની લાગણીઓ પર કાબુ રાખી ને જે કહ્યું તે સાંભળીને વિનીતના હાથમાંથી કપ છૂટી ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયાં. કદાચ તેણે ના જીવાયેલા તે સ્વપ્નો જોયા હશે કે તેની આંખોમાં આજે ઉંમર દેખાતી હતી. તેનાં શરીરમાં આજે થાક દેખાતો હતો, આટલાં વર્ષો સંઘરી રાખેલાં સ્વપ્નોનો થાક… તે તરત ઉભો થયો, ‘વંદના…વંદના… ચલ આપણે જઈએ છીએ. અને, ખાલી હાથે નહીં ઢગલો ભેટ લઈને…’ કહીને વિનીતે ગાડી કાઢી. વંદના આજે વિશેષ ખુશ હતી, કારણ કે તેણે બંધ આંખે જોયેલું એકમાત્ર સ્વપ્ન પૂરું થવા જઈ રહ્યું હતું. રસ્તામાં વિનીતને ક્યાંય સુધી વંદનાના એ શબ્દો સંભળાતા રહ્યા – ‘હવે તો માની જાવ! તમે એક પરીના દાદા બની ગયા છો—’

સંકેત શાહ