Ye dil dhundhata hai inkaar ke bahane books and stories free download online pdf in Gujarati

યે દિલ તો ઢૂંઢતા હૈ ઈન્કાર કે બહાને !



    છેલ્લા બે કલાકથી વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં ચારે તરફ ઠંડક પ્રસરી ગઈ હતી. સૂમસામ રસ્તાના રોડ પર પાર્ક કરેલી ગાડીની અંદરનું વાતાવરણ વધારે તંગ હતું. થોડીવાર પહેલા એકબીજાના આત્માને તૃપ્ત કરીને સંપૂર્ણ શરીર સુખ માણી ચૂકેલા પ્રણય અને શુભી બારીની બહાર વરસી રહેલા વરસાદને જોઈને પોતપોતાની રીતે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રણયે શુભીના હાથ પર હાથ રાખીને એના ગુસ્સાને શાંત થવાનો સમય આપ્યો હતો. તેઓના પાંચ વર્ષના સંબંધમાં ગુસ્સો થવાનું પ્રણયને ભાગે જ આવતું હતું. સાત વર્ષમાં પ્રણયે ભાગ્યે જ શુભીને ગુસ્સે થતાં જોઈ હશે કયારેક પ્રણય એને પુછી પણ લેતો તને કયારેય ગુસ્સો નથી આવતો! તુ કયારેય કંટાળતી નથી મારાથી! ત્યારે શુભી પ્રણયને એટલો જ સપષ્ટ જવાબ આપતી ના, કયારેય  કંટાળતી નથી હું તારાથી કારણકે હું તારા જેવી મુરખ નથી! છેલ્લા પાંચ વર્ષોથી આ જવાબ સાંભળીને પ્રણય કયારેક અકળાઈ જતો હતો.

     શુભી સાચે એટલી જ સમજદાર,સુલઝેલી,પ્રેક્ટિકલ,હોંશીયાર અને જીંદગીથી ભરપૂર છોકરી હતી. માર્કેટિંગમાં એમ.બી.એ કરેલી શુભી પાસે પોતાના જવાબો અને પોતાના વિચારો હતા. વાણી પરના એના પ્રભુત્વ સામે ભલભલા અંજાઈ જતા હતા. પ્રમાણમાં પ્રેક્ટિકલ શુભીએ એના જીવનમાં એક જ નિર્ણય દિલથી કર્યો હતો અને એ હતો પ્રણયના પ્રેમનો સ્વીકાર કદાચ એ વાતનો શુભીને ક્યારેય અફસોસ કે ફરિયાદ નહોતાં. સામે પ્રણવ એટલો જ ઉલઝેલો, લાગણીશીલ, અભિમાની અને સતત અભાવમાં જીવનારો છોકરો હતો. કયારેક આ બંનેને વિચાર આવતો કે વિરુદ્ધ સ્વભાવ અને તદ્દન અલગ પ્રકૃતિ ધરાવનાર બે વ્યક્તિ સાથે રહી કઈ રીતે શકે! આ બંનેને જોડનારી લાગણી હતી પ્રેમ એકબીજા પ્રત્યેની ઘેલછા અને એકબીજાની દોસ્તી. પ્રણયની આંખોમાં આજે સાચે જ આંસુ હતા. પ્રણય માટે પરિસ્થિતિ વધારે તંગ બની ગઈ હતી. શુભી સ્પીક સમથિંગ! તુ કંઈ બોલીશ પ્લીઝ તને ખબર છે ને કે તારું આ મૌન હું સહન નથી કરી શકતો! તુ જ કહે છે કે વાત કરવાથી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જાય છે. એન્ડ યુ નો વેરી વેલ કે આ કોઈ પ્રોબ્લેમ જ નથી. તુ જે ચાહતી હતી એ જ થાય છે. ઈન્ફેક્ટ તુ 24 કલાકમાં મને 2400 વાર કહેતી હતી કે સેટલ થઈ જા! અને હું જ્યારે સાચે જ સેટલ થવાનું વિચારી રહ્યો છું ત્યારે તું ગુસ્સો કરીને બેઠી છે! પ્રણય મને ઘરે મુકી જા પ્લીઝ! પ્રણયની આટલી બધી દલીલો પછી પણ શુભીના આ જવાબથી પ્રણયના ગુસ્સાએ માઝા મુકી દીધી અને આટલા વરસાદમાં પણ પ્રણયે સુરતના રોડ પર પોતાની ગાડી સ્પીડથી હંકારી દીધી. થોડાક સમયમાં જ ગાડી શુભીના ફ્લેટ આગળ આવીને ઉભી રહી પોતાનું મોબાઈલ અને પર્સ લઈને શુભી ગાડીમાંથી ઉતરીને નીકળી ગઈ. શુભીના આ વર્તને પ્રણયના ગુસ્સાને લગભગ ચિંગારી આપવાનું કામ કર્યું. 
        પારેખ હાઉસના પાર્કિંગમાં આવીને પ્રણયની ગાડી ઉભી રહી. પ્રણયના ચહેરાના તેવર જોઈને હિંચકા પર બેઠેલા માણેકબાએ પૌત્રના સ્વભાવ પ્રમાણે વર્તીને પરિસ્થિતિને સંભાળવાનું વિચાર્યું. પ્રણય અહીંયા આવ બેટા! દાદીનો અવાજ સાંભળીને પ્રણય ચીડાઈ ગયો પણ દાદી પ્રત્યેના પોતાના માનને ખાતર પ્રણય દાદી પાસે જઈને બેઠો. સફેદ ખાદીની કડક સાડી વયવસ્થિત રીતે પહેરલે હતી,ગળામાં તુલસીની માળા અને મોટા કપાળમાં ચંદનનો નાનો ચાંદલો અને એક સમજદાર વ્યક્તિત્વ એટલે માણેકબા પ્રણય કદાચ શુભી પછી કોઈની નજીક હતો તો એ વ્યક્તિ માણેકબા છે. દાદીના ખોળામાં માથું રાખીને પ્રણય નીચે બાસી ગયો. હાથમાં રહેલા પુસ્તકને બાજુમાં મુકીને માણેકબાએ પ્રણયના માથે હાથ ફેરવ્યો. શુભી સાથે ઝઘડો થયો! હા, બા હું એને સામેથી ગુડ ન્યૂઝ આપવા ગયો હતો અને એ કારણ વગર મારા પર ગુસ્સે થઈ ગઈ આવશે દર વખતની જેમ આ વખતે પણ સામેથી. પ્રણય હું શુભીને સારી રીતે ઓળખું છું બેટા અને હું હંમેશા તને કહું છું કે શુભીની જગ્યાએ કોઈ બીજી છોકરી હોત તો તને છોડીને જતી રહી હોત! એ છોકરીએ ક્યારેય તને કોઈ ફરિયાદ નથી કરી કે કારણ વગર તારી સાથે ઝઘડો નથી કર્યો. આજે એ ગુસ્સામાં છે તો તારે એને સમજાવવી પડશે એને સમય આપવો પડશે. તું તારો નિર્ણય એની પર થોપીને આવી ગયો છે પણ તારે એની પણ લાગણીને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. સતત આપણી તરફ પગલાં માંડતુ વ્યક્તિ પણ ક્યારેક આશા રાખે કે આપણે એની તરફ એક પગલું તો માંડીએ. અને હંમેશાની જેમ આજે પણ માણેકબાની વાત પ્રણયના ગુસ્સાને શાંત કરવાનું કામ કરી ગઈ. તમે જ કહો બા શું કરું હું! બેટા સમય આપ એને અત્યારે એને લડી લેવા દે એના વિચારો સાથે એને કરવા દે એનો નિર્ણય અને પછી જ્યારે એ શાંત થાય ત્યારે એની સામે તારી વાત રાખજે. શુભી તારા કરતા વધારે સમજદાર છે એ આ પરિસ્થિતિને પણ સંભાળી લેશે બસ થોડોક સમય આપ. આઈ લવ યુ બા આટલું કહીને પ્રણય પોતાના રુમમાં જતો રહ્યો. બેડરૂમમાં આડા પડેલા પ્રણયને પણ ખરેખર શુભીના વર્તન પછી પોતાના નિર્ણય પર વિચાર કરવા જેવું લાગ્યું. 

        સુરતના બિઝનેસ ટાયકુન પરિમલ પારેખ અને રત્ના પારેખનું ત્રીજું સંતાન એટલે પ્રણય પારેખ. ઉછેર અને સંસ્કારોની અસરનો હંમેશા રહેલો અભાવ અને પ્રણયના બેફિકર અને બેજવાબદાર સ્વભાવના કારણે પિતા અને પુત્રના સંબંધો કયારેય સુમેળભર્યા નહોતા રહ્યા છેલ્લા કેટલાક સમયથી પ્રણય પિતાની જેટલો નજીક હતો એ પાછળ પણ શુભી જવાબદાર હતી. સામે પરિમલ પારેખે પુત્રની પસંદગીને ક્યારેય સ્વીકારી નહોતી. પરિમલ પારેખને શુભી સાથે કોઈ જ પૂર્વગ્રહ નહોતો છતાંય તેઓનો શુભી પ્રત્યેનો અણગમો કોઈથી છાનો નહોતો. આ વાત શુભી પણ જાણતી હતી અને પ્રણયને પણ પિતા સામે હંમેશા આ ફરિયાદ રહેતી હતી. એ ક્યારેક એની અઃ ફરિયાદ શુભી સામે પણ કરી દેતો! મને સાચે જ નથી ખબર કે હિટલરને(પ્રણય પિતાને શુભી સામે હિટલર કહેતો હતો) તારાથી પ્રોબ્લેમ શું છે! આઈ મીન બ્યૂટી વીથ બ્રેઈન મળે ક્યાંથી! બેંક બેલેન્સ બેબી! શુભી એટલી જ સચ્ચાઈથી જવાબ આપતી. ડોબા તારા બાપને મારા બેંક બેલેન્સથી પ્રોબ્લેમ છે મારાથી નહીં! તારા બાપને એમ છે કે તું કોઈ બિઝનેસમેનની છોકરી સાથે પરણે તો તારી બૈરી એમની આ પારેખની પ્રતિષ્ઠામાં અને એમના આ બિઝનેસમાં ચાર ચાંદ લગાવી દેશે બેબી પણ હા હિટલરને એ નથી ખબર કે કોઈ પણ છોકરી તારી સાથે 45 મિનીટથી વધારે ના રહી શકે! આટલું કહીને શુભી એ મોઢું ફેરવી લીધું. ક્યારેક તને નથી લાગતું શુભી કે તારી આ સમજદારીનો ઉપયોગ તું વધારે પડતો જ કરે છે! હા કારણકે તું જરાય નથી કરતો એટલે આપણા બંનેના ભાગનો હું કરું છું આજે પણ રુમમાં સુતેલા પ્રણયને અત્યારે પણ આ વાત પર હસવું આવી ગયું. અત્યાર સુધી થયેલા ઝઘડાઓમાં શુભી જ પ્રણયને ફોન કરતી હતી પણ દાદીએ કહ્યું એમ શુભીને સમય આપવા સિવાય પ્રણય પાસે બીજો કોઈ રસ્તો નહોતો.
(ક્રમશઃ)

ખ્યાતી ઠક્કર
સફરનામા