Bhartiy avkash karykramna bhishm pitamah books and stories free download online pdf in Gujarati

ભારતીય અવકાશ કાર્યક્રમના ભિષ્મ પિતામહ - ડો.વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈ

"ભારતની શાન વધારનાર એવા રત્નોની સત્ય કથાઓ" #GreatIndianStories લેખન સ્પર્ધા અંતર્ગત,

ભારતીય અવકાશ કાર્યક્રમના ભિષ્મ પિતામહ એવા મહાન સપુત "ડો.વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈ" ની કહાની

આપણાં ભારત દેશનો ઈતિહાસ અને સર્વકાલિન સંસ્કૃતિ તરફ નઝર ફેરવીએ તો માલુમ પડશે કે, આ દેશની પવિત્ર ભુમિએ વિશ્વમાં અજોડ કહી શકાય એવી અનેક વિભુતિઓને જન્મ આપ્યો છે. આજે જ્યારે સાંપ્રત સમાજ અને સમયમાં ભુતકાળને વાગોડીએ તો જણાશે કે, માનવ-જીવન ના હરેક તબક્કામાં ઉપયોગી હોય તેવી બધી જ બાબતો માટે આપણા દેશે અમુલ્ય રત્નો આપ્યા છે, તે પછી ભલે ગણિત-વિજ્ઞાનના “આર્યભટ્ટ” કે જેમણે શુન્યનું મહત્વ સમજાવ્યુ, કે પછી રાજકારણ ક્ષેત્રે “ચાણકય નિતિ” ના સર્જક “કૌટિલ્ય” કેમ ન હોય, કે પછી સર્વ કાલિન ઈતિહાસના મહાન સમ્રાટો પૈકી “અશોક” કે “ચંદ્રગુપ્ત” કેમ ન હોય. આપણો ઈતિહાસ મહાન છે અને આપણાં ઈતિહાસ કારોએ સાચવ્યો છે એ આપણી સદનસીબી છે.

સુવર્ણ ઈતિહાસની પૃષ્ઠ ભુમિમાં આજે અર્વાચીન કાળમાં પણ ઘણાં ભારત રત્નો થયાં છે જે પૈકી ઘણાંએ ખુબજ નામના મેળવેલ છે અને કોઈ-કોઈ એ તો નાનું એવું સ્વરુપ ધારણ કરેલ છે. આજે જ્યારે “ભારતની શાન વધારનાર એવા રત્નોની સત્ય કથાઓ” ની લેખન સ્પર્ધા અંતર્ગત લખવાનો સોનેરો અવસર પ્રાપ્ત થયેલ છે ત્યારે ભારતના જ નહિં પરંતુ વિશ્વમાં પણ પ્રખ્યાત એવા અને જેને આપણે સૌ ગૌરવ પુર્વક ભારતીય અવકાશ કાર્યક્રમના ભિષ્મ પિતામહ કહીએ છીએ તેવા ગુજરાતના સપુત એવા ડો. વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈના જીવન વિશેની જાણકારી લોકો સમક્ષ પ્રસ્તુત કરવાનો આ નમ્ર પ્રયાસ છે.

તા.૧૨-૮-૧૯૧૯ નો એ દિવસ હતો જ્યારે ભારતમાં ભાઈ-બહેન ના પવિત્ર એવા રક્ષા બંધનની ઉજવણી લોકો હર્ષોલ્લાસથી કરી રહ્યા હતા તે સમયે અમદાવાદ ખાતે ભારતના ખુબજ ધનાઢ્ય ઔદ્યોગિક પરિવારના અંબાલાલ અને સરલાદેવીના ઘરે વિક્રમ સારાભાઈનો જન્મ થયો હતો. અંબાલાલ ભાઈના આઠ સંતાનોમાંના તેઓ એક હતા. વિશેષ બાબત એ છે કે, અંબાલાલ ભાઈના પિતાજીનું નામ “સારાભાઈ” હતું અને પછી તો એ તેઓના કુટુંબની અટક જ બની ગઈ. પિતા અંબાલાલ સારાભાઈ મોટા ઉદ્યોગપતિ હતા. શિક્ષણમાં એમને ખૂબ રસ. માતાજી સરલાબહેન પણ શિક્ષણ, સેવા અને સંસ્કારનાં આગ્રહી. આમ શ્રીમંત, સંસ્કારી અને સેવાભાવી કુટુંબમાં વિક્રમભાઈનું ઘડતર થયું. વિક્રમભાઈ કોઈ નિશાળમાં જઈને ભણ્યા ન હતા. એમના પિતા શેઠ અંબાલાલ સારાભાઈએ પોતાના બંગલામાં જ ઉત્તમ શિક્ષકોને બોલાવી વિક્રમભાઈને શિક્ષણ અપાવ્યું હતું. આમ પંદર-સોળ વર્ષની વય સુધી વિક્રમભાઈ ઘરમાં રહીને જ ભણ્યા. એમના એ ઘરમાં પંડિત જવાહરલાલ નહેરુ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, દીનબંધુ એન્ડ્રુઝ અને બીજા ઘણા મહાપુરુષો આવતા. બાળક વિક્રમભાઈને એ સહુને જોવાનો, મળવાનો, એમની વાતો સાંભળવાનો બહુ મોટો લાભ મળ્યો. વિક્રમભાઈના ઘડતરમાં આ હકીકતે મહત્વનો ભાગ ભજવ્યો.

ડો.વિક્ર્મ ભાઈ વિશે વિસ્તારથી જાણીએ એ પહેલા તેઓ બાળપણમાં પણ કેટલા વિલક્ષણ હતા તેની સાબિતી રુપેનો એક પ્રસંગ જોઈએ.

“દર વર્ષે ઉનાળાની ગરમીથી બચવા એના માતા-પિતા અમદાવાદથી દૂર દરિયાકિનારે કે પર્વત પરના કોઈ હિલ-સ્ટેશને જઈને રહેતા. આજ ક્રમ મુજબ એક વર્ષે સહુ સિમલા ગયા હતા. ધંધાના કામકાજ પણ ત્યાંથી ચાલવાનું હોવાથી લગભગ દરરોજ બહારગામથી પિતાના નામની બધી ટપાલ સિમલામાં આવતી. માતા પણ સમાજસેવાનું કામ કરતાં હતાં. એટલે એમનાં નામની ટપાલ પણ આવતી. કુટુંબના બીજા સભ્યોના નામની ટપાલ પણ આવ્યા કરતી. આપણી આ કથાનો નાનકડો નાયક દરરોજ આ બધું જોયા કરતો. એ સમયનો બાળક વિક્ર્મ આ બધું જોયા કરે પણ વાંચતા-લખતાં પૂરેપૂરું આવડે એટલે પત્રો માતા-પિતા કે કાકા વાંચતા હોય ત્યારે એને થતું-મારા નામની ટપાલ આવે તો? તો હું પણ વટથી કવર ખોલી આ બધાની જેમ વાંચી શકું ને?

આમ વિચાર કરી આપણા નાયકે એક યુક્તિ કરી. પિતાજીના સેક્રેટરી પાસેથી થોડાં કવર લીધાં. એ બધાં પર પોતાનું નામ અને સિમલાનું સરનામું ટાઈપ કરાવ્યું. અને પછી આપણા નાયકે પોતાના પર પત્ર લખ્યો, અને પત્રને પરબીડિયામાં બીડી બહાર જઈ ટપાલની પેટીમાં નાખી આવ્યો. બીજે દિવસે ટપાલમાં બાળકના નામનું કવર ટપાલી આપી ગયો અને પોતે બીજાની જેમ કવર ખોલી વટથી પત્ર વાંચવા માંડયો. આ લગભગ નિત્યક્રમ બન્યુ. માતા-પિતાને નવાઈ લાગી. આ છોકરા પર દરરોજ કોના પત્રો આવતા હશે? એક દિવસ પિતાજીએ પૂછ્યું ‘બેટા, હમણાં-હમણાં દરરોજ તારા નામની ટપાલ આવે છે, તને રોજ રોજ કોણ પત્ર લખે છે?’ પિતાના આ પ્રશ્નના ઉત્તરમાં બાળક વિક્રમ હસી પડ્યો ને બોલ્યો ‘પપ્પાજી, હું જ લખું છું.’ હવે હસવાનો વારો પિતાજીનો આવ્યો. હસતાં હસતાં એમણે પૂછ્યું-‘તું જ પત્ર લખે છે -તું જ તને પત્ર લખે છે ? કેમ બેટા ?’ દીકરાએ પછી આખી વાત નિખાલસથી કહી. દીકરાની આખી વાત સાંભળી પરિવારના બધા સભ્યો ખુશ થયા. એ બાળક એટલે આપણો નાયક-મહાન સપૂત એટલે ડૉ. વિક્રમભાઈ અંબાલાલ સારાભાઈ.

ડો.વિક્ર્મભાઈએ મેટ્રિકની પરીક્ષા માટે અમદાવાદની એક જાણીતી શાળા-આર.સી. હાઈસ્કૂલ-દ્વારા ફોર્મ ભર્યુ અને મેટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પછી બે વર્ષ અમદાવાદની ગુજરાત કૉલેજમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી તેઓ ઈંગલૅન્ડ ગયા. ત્યાંથી 1939માં વીસ વર્ષની વયે સેંટ – જોહ્ન્સ કોલેજ માંથી -કેમ્બ્રિજ યુનિવર્સિટી-માંથી સ્થાતક થયા અને ત્યાં જ ભૌતિકશાસ્ત્રના વિષયમાં આગળ અભ્યાસ કરવા લાગ્યા. એટલામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને વિક્રમભાઈને અભ્યાસ અધૂરો મૂકી ભારત પાછા ફરવું પડ્યું. સ્વદેશ આવી તેઓ બૅંગલોરની સંશોધન સંસ્થા-“ ઈંડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ” માં જોડાયા અને ભૌતિક વિજ્ઞાનમાં અને ખાસ કરીને “ કોસ્મીક રે” અંગે સંશોધન કરવા લાગ્યા. એ સંસ્થામાં એમને સર સી.વી. રામન જેવા મહાન વિજ્ઞાની માર્ગદર્શક તરીકે મળ્યા. ડૉ. હોમી ભાભાનો પણ ત્યાં પરિચય થયો. વિક્રમભાઈએ તેનો પૂરતો લાભ લઈને ત્યાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી.

ડો.વિક્ર્મભાઈ સારાભાઈના લગ્ન ૧૯૪૨ ની સાલમાં પ્રખ્યાત ક્લાસીકલ નૃત્યાંગ ના મૃણાલીનીબેન સાથે મદ્રાસ ખાતે થયાં હતા. આ શુભ પ્રસંગે તેઓના પરિવારમાંથી કોઈ પણ સભ્ય ઉપસ્થિત રહી શકેલ નહીં કારણ કે, તે સમયે મહાત્મા ગાંધીજી દ્વારા શરુ થયેલ અને મહાન ક્રાંતિકારી એવું અહિંસક “ભારત છોડો” આંદોલન ચરમ સિમાએ હતું. ડો.વિક્ર્મભાઈ અને મૃણાલીનીબેન ને ત્યાં બે બાળકોનો જન્મ થયેલ જેમાં પુત્ર કાર્તિકેય અને પુત્રી મલ્લિકા સારાભાઈ નો સમાવેશ થાય છે. જેઓ આગળ જતાં માતા-પિતાની જેમ જગ વિખ્યાત બનેલ છે.

આ સમયગાળા દરમ્યાન બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે વિક્રમભાઈ ફરી કેમ્ર્બિજ ગયા અને ત્યાંથી ભૌતિકશાસ્ત્રમાં “Cosmic Rays Investigation in Tropical Latitudes” વિષય પર પી.એચ.ડી ની ડિગ્રી મેળવી. પોતાની ઈચ્છા પ્રમાણે વિદેશમાં શિક્ષણ મેળવી ડૉ. વિક્રમભાઈ ભારત પાછા આવ્યા. અહીં આવી એમણે ભૌતિક વિજ્ઞાનના વિકાસ અર્થે એક પ્રયોગશાળા-“ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા” કે જેને આપણે હવે ‘ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી’ ઓળખીએ છીએ તેની સ્થાપના અમદાવાદ મુકામે તા.૧૧-૧૧-૧૯૪૭ ના રોજ કરી. આપણને જાણીને નવાઈ લાગશે કે, આની સ્થાપના જે તે સમયે અમદાવાદ ખાતેની એમ.જી. સાયન્સ ઈન્સટીયુટ કે જે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ હતી તેના થોડાક રુમમાં થયેલ અને આગળ જતાં P.R.L. તરીકે વિખ્યાત થયેલ. આ સમયે તેઓની ઉમર માત્ર ૨૮ વર્ષની હતી.

આ સંસ્થા અંતરિક્ષ વિજ્ઞાનના અભ્યાસ અને સંશોધનમાં બહુ મૂલ્યવાન કામ કરે છે. આ સંસ્થાને CSIR - Council of Scientific and Industrial Research અને Department of Atomic Energy દ્વારા અનુદાન મળે છે. આ સંસ્થામાં તેઓએ ૧૯૬૬ થી ૧૯૭૧ પોતાના જ્ઞાન અને સેવાનો લાભ આપ્યો હતો. ત્યાર બાદ ડો.વિક્ર્મ ભાઈએ કાશ્મીરમાં તેમજ દક્ષિણ ભારતમાં તિરુઅનંત પુરમ ખાતે કોડાઈમાં પણ આવી પ્રયોગશાળાઓ શરૂ કરાવી.

એમના પ્રયાસથી અમદાવાદમાં ATIRA - Ahmedabad Textile Industries’ Research Association નામની કાપડ ઉદ્યોગ માટેની સંશોધન સંસ્થાની સ્થાપના થયેલ તથા તેઓના જ અથાગ પ્રયાસોથી IIM-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ જેવી રાષ્ટ્રિય કક્ષાની સંસ્થાનો જન્મ થયો. આ સંસ્થામાં તેઓ ૧૯૬૫ સુધી માનદ-નિયામક તરીકે રહ્યા હતા. અમદાવાદ ની મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ IIM-A આજે ભારતભરની આવા પ્રકારની શ્રેષ્ઠ સંસ્થા મનાય છે. ડૉ. વિક્રમભાઈએ આવી તો 30 થી વધુ સંસ્થાઓની સ્થાપના કરી ઉદ્યોગ અને વિજ્ઞાન-જગતની બહુ મોટી સેવા કરી છે. અને ભારતીય ઈતિહાસને એક અલગ જ ઉજળા માર્ગ પર લઈ જવામાં એ રીતે જોઈએ તો ખુબજ મહત્વનું યોગદાન આપીને ભારતમાતા ની અનેરી સેવા કરી ગણાય. વૈજ્ઞાનીક ક્ષેત્રમાં તેમના કાર્ય સાથે તેમણે તેમના કાપડ અને દવાના કૌટુંબીક ધંધા પ્રત્યે પણ પુરતું ધ્યાન આપ્યું.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા-(ઇસરો) ની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. રશિયાના સ્પુટનીક લોંચ પછી, ભારત જેવા વિકાશશીલ દેશ માટે અવકાશ કાર્યક્રમની જરૂરિયાત તેમણે સરકારને સફળતાપૂર્વક સમજાવી. તેઓના જ શબ્દોમાં આ વિશે જાણવું ખુબજ રસ પ્રદ બનશે:- “There are some who question the relevance of space activities in a developing nation. To us, there is no ambiguity of purpose. We do not have the fantasy of competing with the economically advanced nations in the exploration of the moon or the planets or manned space-flight. But we are convinced that if we are to play a meaningful role nationally, and in the community of nations, we must be second to none in the application of advanced technologies to the real problems of man and society.”

ડૉ. વિક્રમભાઈની આવી સેવાની કદર કરી ભારત સરકારે ઈ.સ. 1962માં દેશના અંતરિક્ષ (અથવા અવકાશ) સંશોધન કાર્યની સઘળી જવાબદારી એમને સોંપી. ISRO - ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન-તરીકે ઓળખાતી આ સંસ્થાએ અંતરિક્ષ સંશોધનમાં ઉત્તમ કામગીરી કરી છે. ડો.હોમી ભાભાના પ્લેન દુર્ઘટનામાં થયેલ અચનાક અવસાન પછી, ડૉ. સારાભાઈએ ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન (ઍટોમીક એનર્જી કમીશન ઓફ ઇન્ડીયા)માં તેમનું કાર્ય ચાલુ રાખ્યુ. અને તેઓના કાર્યકાળ દરમ્યાન ભારતે ખુબજ પ્રગતિ કરેલ, એમ કહીએ તો અતિશ્યોકિત નહિં ગણાય. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે કહ્યુ કે તેમના માટે ડૉ. સારાભાઈ સાથે કામ કરવું એક સદનસીબની વાત હતી.

ભારતના પ્રથમ રોકેટ લોંચીંગ કેન્દ્રની સ્થાપના માટે ડૉ. ભાભાએ ડૉ. સારાભાઈને સહકાર આપ્યો. આ કેન્દ્ર માટે કેરાલાના અરબી સમુદ્રના કિનારે થીરુવનંતપુરમ શહેર પાસે “થુમ્બા” - Thumba Equatorial Rocket Launching Station (TERLS) ગામની વરણી કરવામાં આવી. તેને પસંદ કરવાનુ મુખ્ય કારણ તે વિષુવવૃતથી નજીક હોવાનું છે. તેમની ખૂબજ જહેમત બાદ નવેમ્બર ૨૧, ૧૯૬૩ ના રોજ ભારતનું પ્રથમ રોકેટ સોડીયમ વેપર પેલોડ લઇને ઊડાવવામાં આવ્યું. અમેરિકાની અવકાશ સંસ્થા નાસા-NASA-સાથેના સંવાદોના પરિણામે, જુલાઇ ૧૯૭૫-૧૯૭૬ દરમિયાન ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગીક ધોરણે શરૂઆત થઇ, ડૉ.સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્ય ભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો. પરંતુ અફસોસ એ હતો કે, તે સમયની આ બંને સિધ્ધિ જોવા માટે ડો.વિક્ર્મભાઈ હાજર ન હતા.

ડો.વિક્ર્મ ભાઈની સેવાકીય પ્રવૃતિઓની વાત આગળ વધારીએ તો પોતાના વ્યાપારી મિત્ર એવા કસ્તુરભાઈ લાલભાઈ સાથે મળીને તેઓએ ૧૯૬૧ ના વર્ષમાં શિક્ષા ક્ષેત્રે પણ વિકાસના ઘણા કામો શરુ કર્યા હતા. સને ૧૯૬૨ માં અમદાવાદ ખાતે CEPT (Centre for Environmental Planning & Technology) University ની સ્થાપના કરવામાં પણ મહત્વનું યોગદાન આપેલ. ત્યાર બાદ ૧૯૬૫માં નહેરુ વિકાસ સંસ્થાની સ્થાપના કરેલ. વિક્ર્મ એ.સારાભાઈ કોમ્યુનીટી સાયન્સ સેન્ટરની સ્થાપના લોકોમાં વિજ્ઞાન પ્રત્યે લોકોની જાણકારી વધે તે હેતુસર કરવામાં આવી.

ડો.વિક્ર્મભાઈ સારાભાઈ દ્વારા સ્થાપિત અને સ્થાપના કરવામાં આપેલ યોગદાન હેઠળ ખુબજ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારની સંસ્થાઓનો સમાવેશ થાય છે, જે પૈકી અમુક મહતવની સંસ્થાઓના નામ જાણવા રસપ્રદ બનશે.

(૧) કોમ્યુનીટી સાયન્સ સેન્ટર - અમદાવાદ

(૨) નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલોપમેન્ટ - અમદાવાદ

(૩) ઓપરેશન્સ રીસર્ચ ગ્રુપ - વડોદરા

(૪) થુમ્બા ઈકવોટોરીયલ રોકેટ લોંચિંગ સ્ટેશન - ત્રિવેન્દ્રમ

(૫) સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટર - ત્રિવેન્દ્રમ

(૬) શ્રી હરીકોટા રોકેટ રેન્જ - શ્રી હરીકોટા

(૭) એક્સ્પેરીમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનીકેશન અર્થ સ્ટેશન - અમદાવાદ

(૮) સેટેલાઈટ કોમ્યુનીકેશન સીસ્ટમ ડીવીઝન - અમદાવાદ

(૯) વેરીયબલ એર્નજી સાયક્લોટ્રોન પ્રોજેકટ - કલકતા

(૧૦) અરવી ફાસ્ટ બ્રીડર રીએકટર - કલ્પાકમ

આ ઉપરાંત ડો. વિક્ર્મ ભાઈએ અનેક નવી ઓધોગીક સંસ્થાઓની પણ શરુઆત કરેલ અને અમુકની સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવેલ, જે પૈકી-સારાભાઈ ગ્લાસ, સિમ્બાયોટીકસ લી., સારાભાઈ મર્કસ લી.,સારાભાઈ એન્જીનરીંગ ગ્રુપ વિગેરે મુખ્ય ગણી શકાય. આ ઉપરાંત તેઓ દ્વારા સારાભાઈ ફાર્માસ્યુટીકલ્સ લી.ની શરુઆત પણ થયેલ હતી જે તે સમયે પેનેસીલીનનું ઉત્પાદન કરવામાં અગ્રેસર હતી. આમ અહિં આપણને ડો.વિક્ર્મ ભાઈની વિશિષ્ટ પ્રતિભાઓનું પણ દર્શન થાય છે.

બહુમુખી પ્રતિભાના માલિક એવા ડો. વિક્ર્મભાઈ ભારતીય સંસ્કૃતિમાં-અને ખાસ કરીને જેને આપણે -ફાઈન આર્ટસ-તરીકે ઓળખીએ છીએ તેમાં પણ એટલો જ રસ ધરાવતાં હતા અને મશહુર નૃત્યાંગના અને પોતાની પત્નિ મૃણાલીની બહેન સાથે મળીને “દર્પણ” નામની એક અલગ જ પ્રકારની સંસ્થાની સ્થાપના-લગ્ન ના થૉડાક જ વર્ષ પછી એટલે કે, ૧૯૪૮ માં કરેલ અને એ રીતે ભારતીય પંર પરાઓને જીવંત રાખવામાં મહત્વનું યોગદાન આપેલ.

ડૉ. વિક્રમભાઈએ અંતરિક્ષ વિજ્ઞાનમાં સંશોધનનો ખૂબ વિકાસ કર્યો. આને પરિણામે આપણો દેશ અંતરિક્ષમાં ઉપગ્રહો મોકલવામાં સફળ થયો છે. આવા ઉપગ્રહો- સેટેલાઈટની મદદથી આપણે ટેલિવિઝન પર જુદી જુદી ચેનલો દ્વારા દુનિયાભરમાં બનતાં બનાવો તત્કાલ નજરોનજર ઘેરબેઠાં જોઈ શકીએ છીએ. પરદેશમાં દૂર દૂર વસતાં આપણા મિત્રો સ્વજનો સાથે વાતો કરી શકીએ છીએ. ભારતના ગામડાંઓમાં અને ખાસ કરીને દુર્ગમ સ્થળે પણ શિક્ષણ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી તેઓ સેટેલાઈટ મારફતે શિક્ષણ આપવાની કાર્યવાહીની શરુઆત કરેલ અને તે મુજબ પછીથી આ કાર્યક્રમ - "Satellite Instructional Television Experiment" - ખુબજ પ્રખ્યાત થયેલ.

ડો.વિક્ર્મ ભાઈએ ઈન્ડીયન સાયન્સ કોંગ્રેસ (૧૯૬૨) માં ભૌતિક શાસ્ત્ર વિભાગની કાર્યશૈલી માટેનું પ્રમુખ પદ સંભાળેલ. આ ઉપરાંત I.A.E.A., Verína ખાતે ૧૯૭૦ ની સાલમાં યોજાયેલ સેમીનારમાં પ્રમુખ પદ સંભાળેલ. “યુનાઈટેડ નેશન્સ” ની "Peaceful uses of Atomic Energy" (1971) ની ચોથી સભામાં ઉપપ્રમુખ પદ સંભાળેલ. ડો.વિક્ર્મ ભાઈ ના સન્માનમાં ઘણી બધી સંસ્થાઓ-યોજનાઓને ને હવે તેઓના નામ સાથે જોડવામાં આવેલ છે, જે બાબત ભારત માટે ગૌરવ સમાન બાબત છે. જેમાં વિક્ર્મભાઈ સારાભાઈ સ્પેસ સેન્ટર–થીરુઅનંત પુરમ-કેરાલા નો સમાવેશ થાય છે અને આ ઉપરાંત, ૧૯૭૪ ની સાલ માં “The International Astronomical Union at Sydney” એ એવો નિર્ણય કરેલ કે “Moon Crater BESSEL in the Sea of Serenity will be known as the Dr. Sarabhai Crater.”

અવકાશ વિજ્ઞાનમાં આવી જાદુઈ લાગે એવી સિદ્ધિઓ ભારતે હાંસલ કરી પણ ડૉ. વિક્રમભાઈ પોતે એમના જીવનકાળ દરમ્યાન એ જોઈ ન શક્યા. 1971માં માત્ર બાવન વર્ષની નાની વયે નિંદ્રા અવસ્થામાં જ તેઓનું અચાનક એમનું અવસાન થયું. જીવનની છેલ્લી ક્ષણ સુધી અવકાશી સંશોધનમાં વ્યસ્ત રહી ડૉ. વિક્રમભાઈએ આમ વિજ્ઞાન-જગતની ઉત્તમ સેવા કરી.

ભારતના આ મહાન સપુતને મળેલા માન સન્માન ની ખુબજ મોટી યાદી બને તેમ છે, પરંતુ આજે જ્યારે તેઓની ૧૦૦ મી જયંતીની ઉજવણી (૧૯૧૯-૨૦૧૯) આપણે સૌ ભારત વાસીઓ કેવી રીતે કરી શકીએ અને ભારતના મહાન સપુત ને શ્રધ્ધા સુમન અર્પીએ તે બાબતે વિચાર વિમર્શ કરવાનો આ સોનેરો અવસર મળેલ છે ત્યારે ગુજરાત ના એક મહાન સપુતને તેઓની ૧૦૦ મી જન્મ જયંતિ પ્રસંગે ભારત સરકારશ્રી તરફથી જો “ભારત રત્ન” આપવાનું આયોજન થાય તો સૌથી વધું આનંદ કદાચ અનેક ગુજરાતીઓની જેમ મને પણ થશે એવી આશા અને અપેક્ષા સાથે. તેઓને મળેલા ખુબજ અગત્યના અને વિશિષ્ટ એવા સન્માનોની વાત સાથે તેઓને મારા શ્રધ્ધા સુમન અર્પણ કરું છું. (૧) શાંતિ સ્વરુપ ભટ્ટનાગર એવોર્ડ-૧૯૬૨, (૨)પદમ-ભુષણ-૧૯૬૬, (૩) પદમ વિભુષણ-૧૯૭૨,(મૃત્યુ બાદ).

_________________________________________________________

લેખન અને રજુઆત: કિરીટ બી.ત્રિવેદી - “નિમિત”

તા. ૧૬-૮-૨୦૧૮, ગાંધીનગર

મો. ૯૯૯૮૮-૭૯૬૧૯, ઈ-મેલ: kbtrivedi27@gmail.com