Smashaan books and stories free download online pdf in Gujarati

સ્મશાન...

POINT OF THE TALK... (18)

"સ્મશાન..."

"નાનકડું એક વિચાર બીજ, વટવૃક્ષ બની જાય છે.
 ત્યારબાદ એની સુખદ છાયા, સૌને ગમી જાય છે.
 એકલ વીર બનીને કદી,ચાલી નિકળ મંજિલ ભણી,
 એક એક જોડાતા જશે, અને અનેક બની જાય છે..."
                                  - અલ્કેશ ચાવડા 'અનુરાગ'


...અને ત્રણ માસની લાંબી માંદગી બાદ એ યુવાનના પિતા નું મૃત્યુ થયું. પરિવારના ખુબજ જવાબદાર અને માનવંતા વડીલ તરીકે એના પિતાનું મૃત્યુ એ પરિવાર માટે જાણે વજ્રઘાત સમાન હતું. પરિવારમાં આવતી દરેક સારી કે ખરાબ ઘટનાઓ કે પ્રસંગો ને પોતાની કાબેલિયતથી સુપેરે પાર પાડનાર એ વ્યક્તિનું મોત એટલે જાણે કોઈ ભક્ત પરથી ભગવાનનો હાથ જ ઉઠી ગયો હોય એટલી હદનો ખાલીપો એ પરિવાર અનુભવી રહ્યો હતો. પરિવારમાં કોઈ પ્રસંગ આવવાનો હોય તો કોઈ સભ્યને કઈ પણ ચિંતા જ ન રહેતી કારણ બધાને પરિવારના એ મોભી પર ખૂબ વિશ્વાસ કે એ છે ને બધું ખૂબ સારી રીતે પાર પડી જશે. આજે આખો પરિવાર એ વ્યક્તિનો ખાલીપો અનુભવી રહ્યો હતો. અને ગામલોકો ને પણ થતું હતું કે હવે આ પરિવાર વેરણ સેરણ થઈ જશે. મૃતક મોભીએ પોતાના કર્મો થી, પોતાના સ્વભાવ થી પરિવારની જે પ્રતિષ્ઠા ઉભી કરી છે એ હવે નષ્ટ થઈ જશે. પાંચ માં અને આખા પંથકમાં પુછાનાર આ પરિવાર હવે મૂલ્યહીન બનીને રહી જશે...

પોતાના પિતાના સવારે અગ્નિસંસ્કાર કરી ઘરે આવેલ પુત્ર પિતાની દરેક સારી સારી બાબતો યાદ કરી ખૂબ રડી રહ્યો હતો. બધી બાબતો યાદ કરતા કરતા એના પિતાની એક વાત કે પિતાજી ને વૃક્ષો પ્રત્યે અપાર લાગણી હતી. એ યુવાનને પોતે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો ત્યારે એના પિતાજીએ કહેલી એક વાત યાદ આવી ગઈ... 
એ જ્યારે પાંચમું ભણતો હતો ત્યારે પિતાજી સાથે પોતાના ખેતર ગયેલો. એ દિવસે એ યુવાનનો દસમો જન્મદિવસ હતો. એના પિતાજીએ ખેતરના શેઢા પર થોડા થોડા અંતરે દસ છોડવા રોપ્યા હતા. એ છોડવા આજે વિસ વર્ષે ઘટાઘોમ ઝાડવા બની માત્ર ખેતરની શોભા જ વધારી રહ્યા હતા એટલુંજ નહિ પણ જ્યારે જ્યારે એ ઝાડવા નજરે પડતા ત્યારે ત્યારે અંતરમાં એક સદકાર્યની અનોખી અનુભૂતિ પણ કરાવી જતા. એ યુવાનને પોતાના પિતા તરફથી વારંવાર કહેવાયેલી એ વાત પણ આજે યાદ આવી જતી હતી કે...
"બેટા... આ ઝાડવા તો સ્વયં ઋષિ સમાન છે. જગતમાં આ ઝાડવા જેટલું ઉપકારી અને સેવક બીજું કોઈ નથી. આ ઝાડવા માનવજાતની આટલી બધી સેવા કરે છે અને એ પણ મૌન બનીને અને આ મૌન જ એમની સૌથી મોટી મહાનતા છે..." 
પિતાજીની આવી પરોપકારની વાતો યાદ કરતા કરતા મનમાં શુભસંકલ્પ કરી યુવાન પથારીમાં પડ્યો...

બીજા દિવસે સવારે વહેલા ઉઠી સિમેન્ટની એક ખાલી થેલી લઈ એ ચાલી નીકળ્યો પોતાના ગામની એ પાવન ભૂમિ તરફ કે જ્યાં એના પિતા સદા માટે રાખ થઈ ને સુતા હતા. સ્મશાનમાં પહોંચી એ યુવાને ગઈ કોલેજ અગ્નિસંસ્કાર થયેલ પોતાના પિતાના રાખના ઢગલા માંથી સિમેન્ટની ખાલી થેલી પીતાના દેહની રાખથી ભરી. ઉજ્જડ અને ભેંકાર ભાસતા એ સ્મશાનમાં વચ્ચો વચ એક હાથનો ખાડો કરી પાંચ મુઠ્ઠી રાખ ખાડામાં પધરાવી અને એક લીમડો રોપ્યો અને મનોમન પોતાના મૃત પિતાનું સ્મરણ કરતા બોલ્યો...
"પિતાજી તમારી શ્રદ્ધાંજલિ ના રૂપમાં બીજું તો તમને હું શું આપી શકું...!!! આજે તમારી યાદગીરી રૂપે આ એક વૃક્ષ રોપી આ ભેંકાર અને ડરામણી સ્મશાન ભૂમિને નંદનવન બનાવવાનો સંકલ્પ કરું છું. હવે પછી રોપાતા દરેક વૃક્ષમાં તમારી રાખ ને પણ અર્પણ કરી તમારી હાજરી છોડવામાંથી બનતા દરેક વૃક્ષમાં અદ્રશ્ય રૂપે સદા રહેશે...

પિતાના મૃત્યુના બીજાજ દિવસે સ્મશાન ભૂમિમાં લીમડો રોપી યુવાન ઘેર આવ્યો. અને વીતતા દરેક દિવસો સાથે એ લીમડાનું પાલન પોષણ ખૂબ પ્રેમથી કરવા લાગ્યો. લીમડાનો છોડવો પણ ધીમે ધીમે ઉછરવા લાગ્યો. સાવ નિર્જન લાગતી એ સ્મશાણભૂમિ માં પણ એ લીમડાનો છોડવો અનોખી આભા સર્જી રહ્યો હતો. 

એ પછીતો જાણે એ ડરામણી સ્મશાન ભૂમિ ને નંદનવન બનાવવી એજ એ યુવાનનું પોતાના પિતાની યાદગીરી નું સ્વપ્ન અને લક્ષ્ય બની ગયું હતું. પોતાના જવાબદારીના તમામ કામો વચ્ચે દરરોજ એ યુવાન સવારે અને સાંજે સ્મશાને જવા માટે સમય કાઢીજ લેતો. એને મનોમન એક સંકલ્પ કરેલો હતો કે પોતાના પિતાનું મૃત્યુ જે તારીખે થયું હતું એ તારીખે સ્મશાનમાં જઇ એક વૃક્ષ રોપી દેવું અને એને ઉછેરવું. તો પોતાના સંકલ્પ મુજબ એ દર મહિને સ્મશાને જાય ખાડો ખોદે અને પોતાના પિતાના દેહની રાખની પાંચ મુઠ્ઠી એમાં અર્પણ કરી અને એક વૃક્ષ રોપે. એનું લાલનપાલન જેમ માતાપિતા પોતાના ખોટના અને વહાલસોયા સંતાનનું કરે એમ કરે. અને રોપેલાં છોડવાઓ પણ જાણે પ્રેમના ભૂખ્યા હોય એમ સોળે કળાએ ખૂબ સુંદર રીતે ઉછરતા જતા હતા. 

એમ કરતાં કરતાં પાંચ વર્ષ વીતી ચુક્યા હતા. એ યુવાને રોપેલાં છોડવાઓ હવે યુવાન થઈ ચૂક્યા હતા. ખાસ વાતતો એ હતી કે એને રોપેલ એક પણ છોડવો મુરઝાયો ન હતો કારણ એ દરેકના મૂળમાં ,દરેકના પાયામાં એ યુવાનના હૃદયનો પ્રેમ અને પિતાની રાખના રૂપમાં અદ્રશ્ય આશીર્વાદ પડેલા હતા. 

એ યુવાનનું આ સુંદર કાર્ય જોઈ ગામના બીજા યુવાનો અને વૃધ્ધોના મનમાં પણ વૃક્ષના રૂપે પ્રેમનું બીજ એ નિર્જન અને ડરામણી ભૂમિમાં રોપવાની ઈચ્છા થઈ આવી. ગામલોકોએ પણ ઘણા વૃક્ષો ત્યાં વાવ્યા. અને ખૂબ પ્રેમથી એનું જતન કરવા લાગ્યા. 

સમય વીતતો ચાલ્યો અને વર્ષો પછી પોતાના પિતાની યાદમાં અને વૃક્ષના રૂપે એમને સદા માટે જીવિત રાખવાના યુવાનના નાનકડા વિચાર બીજે એ ગામની સ્મશાન ભૂમિ કે જ્યાં લોકો દિવસે પણ આવતા ડરતા હતા ત્યાં આજે નંદનવન જેવું વાતાવરણ પેદા થઈ ગયું. ના છૂટકે કોઈની સ્મશાન યાત્રામાં જ ત્યાં જતા લોકો ને આજે પોતાની સુંદર સાંજ એ ભૂમિમાં જઈને ગાળવાની ઈચ્છા થઈ આવે છે. 

આજે પણ જ્યારે જ્યારે એ યુવાન એ સ્મશાન ભૂમિમાં જાય છે ત્યારે પિતાની રાખથી સીંચિત થયેલા મોટા થઈ ગયેલા અને પવન સાથે લહેરાતા વૃક્ષોને એ યુવાન જુવે છે ત્યારે દરેકના થડને ખૂબ પ્રેમથી ભેટી પડે છે. અને એને એવો અહેસાસ થઈ આવે છે કે જાણે એના પિતાજીને જ એ ભેટી રહ્યો છે. અને એ સાથે પવનમાં નીચે નમી એના માથા પર સ્પર્શ કરતા વૃક્ષના પાંદડા જાણે એના પિતાનાજ હાથ એને આશીર્વાદ આપી રહ્યા હોય એટલો આત્મસંતોષ એ યુવાનને થાય છે...

● POINT:-

જીવનમાં આવી પડેલા અણધાર્યા દુઃખ સાથે આત્માથી થતો નાનકડો શુભસંકલ્પ ભવિષ્યમાં કેવો સમાજ ઉપયોગી અને હજારો લોકો માટે ઉદાહરણરૂપ બની જાય છે...!!!  
પોતાના દુઃખને સૌના સુખની કડી રૂપ બનાવી દેતો માનવ ખરેખર પરોપકારી પરમેશ્વરથી સહેજ પણ કમ ન આંકી શકાય...

લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'   (શંખેશ્વર) 
            Mo. 9638816440