12am to 12am books and stories free download online pdf in Gujarati

12am to 12am

સ્થળ - અમદાવાદ, બોય્સ હોસ્ટેલ.

સમય - 12 am

વાત છે મી. અમનની જે છેક રાજકોટથી શ્રેષ્ઠ અભ્યાસ માટે અમદાવાદ આવ્યો છે. પરિવારથી દૂર અડધી પડધી સમજણ સાથે એ અમદાવાદની થર્ડ ક્લાસ બોયઝ હોસ્ટેલમાં રહે છે.

સમય 12 am

ચાલ ઓય ઘુઘા આજે બહાર આંટો મારવા જઈએ....અમન પોતાના રૂમ પાર્ટનર ઘૂઘાને ( ઉર્ફે ધર્મેશ )ને કહી રહ્યો હતો.

ના બે તારું દરરોજનું છે આ, હું હોસ્ટેલનો ગેટ કૂદીને ક્યાંય નથી જવાનો....ધર્મેશે કહ્યું.

અરે તને ખબર તો છે અલા, મારે રાત્રે એકાદી સિગારેટ તો ફૂંકવી જ પડે છે. ચાલને ટોપા તારી ફાટે છે ?....અમન બોલ્યો.

ના મારી કંઈ ફાટતી નથી, પણ ગેટ કૂદીને બહાર જતા જો પકડાયા તો મારી પેનલ્ટી તારે ભરવાની બરાબર ?....ચાલ જલ્દી જઈ આવીએ....ધર્મેશ પોતાના બેડ પરથી ઉભા થતા બોલ્યો.

હા ભાઈ ભરી દઈશ તારી પેનલ્ટી, ખુશ ? ચાલ હવે ભાવ ખાતો....અમને કહ્યું

રૂમ માંથી બહાર નીકળી બંન્ને હોસ્ટેલ ગેટ તરફ આગળ વધ્યા, સંતાઈને ઉતાવળા ગેટ કુદી તેઓ અમદાવાદના રસ્તા પર આવી ગયા. શેરીઓ શાંત છે, રાત્રીના બાર વાગ્યા એટલે ચોક્કસ અંધકાર છવાઈ ગયો છે, આખો દિવસ ટ્રાફિકથી ધસમસતું અમદાવાદ લગભગ શાંત થઈ ચૂક્યું છે. નાસ્તાની લારીઓ આગળ રાત્રીના શોખીનો ભીડ જમાવીને બેઠા છે. રસ્તાઓ પર નાઈટ રાઈડર્સ બાઇકની રેલીઓ કરી ચીસાચીસ કરી રહ્યા છે. હોસ્ટેલના બીજા વિધાર્થીઓ પણ રાત્રીને માણવા ચોરી છુપીથી દરવાજાઓ-દીવાલો કુદી રહ્યા છે.

રસ્તા પર ફેલાયેલ સ્ટ્રીટ લાઈટના આછા અજવાળે બંને ડિલક્ષ પાનના ગલ્લા તરફ ચાલી નીકળ્યા.

ત્યાં પહોંચીને બે સિગરેટ લઈ બંન્ને સામેના નાનકડા બાંકડા પર ગોઠવાયા. ત્યાં બેઠા બેઠા તેઓ અમદાવાદ ના રસ્તાઓ અને રસ્તાઓ પર પસાર થઈ રહેલા લોકોને જોઈ રહ્યા હતા. આખા દિવસમાં બનેલી બધી વાહિયાત વાતો સિગરેટની જોડે જોડે ફૂંકી રહ્યા હતા.

આ જો નવું મુવી આવ્યું, આ કેટરીના નો ડાન્સ જો, આ જો તારી ભાભી, પેલા કાકા જો દર વખતે ત્યાંજ પીપી કરે છે, પેલા મેચ હારી ગયા...વગેરે વગેરે વાહિયાત વાતો.

સિગારેટ ખતમ કરી બંને ફરી હોસ્ટેલ જવા રવાના થયા.... આસપાસ લાઈટોથી ઝગમગતા બ્રાન્ડેડ શૉ રૂમસ અને ફોર વહીલરમાં ફરતા હાઈ ફાઈ લોકોને જોઈને, એવીજ પોતાની જિંદગીની કલ્પના કરતા કરતા બંને ફરી હોસ્ટેલ પહોંચ્યા.

સમય 1 am

ઓય એકાદું મુવી નાખને યાર, આજે જોઇજ નાખવું છે ....અમન પોતાના બીજા રૂમ પાર્ટનર તીર્થને કહી રહ્યો હતો.

અબે સુઈજાને છાનીમાની રાતના એક વાગ્યા, કાલે કોલેજ નથી જવાનું ? પછી ક્યારેક જોઈ લેજેને મુવી.... પોતાના ઇયેરફોન ઠીક કરતા કરતા તીર્થ બોલ્યો.

અબે માઇ ગઈ કોલેજ, કાલે ક્યાંય નથી જવાનું....તું મુવી શેર કરને ટોપા.... અમને એની આંખો પહોળી કરતા કહ્યું.

હા આલે પેનડ્રાઈવ bc જોઇલે....તીર્થ બોલ્યો.

પેનડ્રાઈવને પોતાના ફોનમાં લગાવી અમને મુવી જોવાનું શરૂ કર્યું, મોડી રાત્રીના લીધે ક્યારેક એની આંખો ઘેરાઈ આવતી તો અમનનું મુવી અઘરું રહી જતું, અને જો કોઈક રસપ્રદ મુવી આવી જાય તો એ આખું પૂરું કરીનેજ સૂતો. ઘરથી દૂર પોતે અહીં હોસ્ટેલમાં અભ્યાસ કરવા આવ્યો છે, પણ પોતે એક બોઘસ હોસ્ટેલ લાઈફમાં ટેવાઈ ગયો છે. ક્યારેક અમન પથારીમાં પડ્યો પડ્યો પોતે જીવનમાં શુ કરવા માંગે છે એ વિશે મનોમન વિચારો કરતો, ક્યારેક પોતાના એજયુકેશન વિશે વિચારતો તો ક્યારેક પોતાના પરિવાર અને આવતી કાલ વિશે વિચાર્યા કરતો. આખા દિવસ દરમિયાન બનેલી વાહિયાત ઘટનાઓને વાગોળીને એ આવતીકાલને સુધારવાના સપનાઓ જોતા જોતા આંખો મીંચી દેતો.

સમય 10am

હોસ્ટેલમાં સવાર પડવાનો સમય દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય. કોઈક વહેલા જાગીને કોલેજ કે લાઈબ્રેરી જતું તો કોઈક અમન જેવા ઊંધા ફરીને બપોર સુધી પથારીમાં પડ્યા રહેતા. અમનના નસીબમાં બપોરનો લંચ એજ નાસ્તો હતો. આમજ અમન આખો દિવસ હોસ્ટેલમાં પડ્યો રહેતો, પોતાની ઊંઘમાં ને ઊંઘમાં સવારના લેક્ચરો બંક માર્યાં કરતો.

સવારના 10 વાગ્યા, અમન ના ફોનમાં રિંગ વાગી..

અમન હજી પથારી પર ઊંધો પડ્યો સુઈ રહ્યો હતો.

એ લગભગ અત્યાર સુધીમાં 10 એલાર્મ બંધ કરી ચુક્યો હતો.... અને અત્યારે આવેલો ફોન પણ કટ કરવાનું ઇચ્છતો હતો,

પણ મોબાઇલની સ્ક્રીન પર જોયું તો મમ્મી નો કોલ હતો, એટલે પથારી માંથી ઉભા થઇ-સ્વસ્થ થઈ એણે કોલ ઉપાડ્યો..

એક માં પોતાના દિકરાથી દૂર રહીને ફોન દ્વારાજ પોતાની ફરજો અદા કરી રહી હતી, દીકરો શુ કરે છે ? એની તબિયત કેવી છે ? ભણવાનું કેવું ચાલે ? જમવાનું બરાબર છેને ? વગેરે સવાલો કરી રહી હતી...

સવાલોના જવાબમાં માંનુ મન રાખવા દીકરો જૂઠનો સહારો લઇ લેતો. અહીં બધું ઠીક છે મમ્મી, હું ભણવામાં કાળજી રાખું જ છું વગેરે વગેરે...

સમય 11am

અરે યાર આજે હું ફરીથી લેટ, બે લેક્ચર ઓલરેડી મીસ થઈ ગયા છે વિચારીને અમન જાગી ગયો. તૈયાર થઈ એ કોલેજ જવા નીકળ્યો. કોલેજ પહોંચી સ્કોલર પાસેથી એ નોટ્સ, અસાઈમેન્ટ અને બીજી ક્લાસની માહિતી જાણી લેતો, કોલેજના બે લેક્ચર તો એ માંડ પુરા કરતો, અને ફરી પાછો મિત્રો સાથે છેલ્લા બે લેક્ચર બંક કરતો, બંક કરી કોલેજના મિત્રો સાથે ફરવા નીકળી જતા, તેઓ ફરવા માટે રિવરફ્રન્ટ, કાંકરિયા, મોલ્સ જઇ આવતા તો ક્યારેક એકાદ મુવી જોઈ આવતા. કોઈક ફેમસ રેસ્ટરોરન્ટમાં ક્યારેક પાર્ટીજ કરી આવતા.

સમય 5pm

કોલેજ ના મિત્રો સાથે મજામસ્તી કરી એ થાકેલા મગજ સાથે હોસ્ટેલ જવા નીકળી જતો. હોસ્ટેલ જઈ એ મિત્રો સાથે ડાયરા કરતો, નજીવા ટોપિક પર ચર્ચાઓ થતી, દરેક એકબીજાની સામે પોતાની હોંશિયારી જાડવા મથ્યા કરતા.

લગભગ સાંજના 5:30 થવા આવ્યા હશે અને ત્યાંજ અમન નો ફોન ફરી રણકી ઉઠ્યો,

પપ્પા નો ફોન છે એ જોઈ અમન ફોન લઈને રૂમની બહાર જતો રહ્યો, ગાળાગાળી વાળા રૂમના વાતવરણથી દુર એ એના પપ્પા ને સાંભળી રહ્યો હતો...

બેટા પૈસા જોઈએ છે ? તો મોકલું. ભણવાનું કેવું ચાલે છે ?

કંઈપણ જરૂર હોય તો કહેજે, મુંજાતો નહીં...વગેરે વગેરે કહી એક બાપ પોતાની જવાબદારી નિભાવી રહ્યો હતો.

બદલામાં એક દીકરા તરીકે અમનને પોતાની જવાબદારીઓ નિભાવવામાં ઓછપ રહી ગઈ હોય એવું લાગ્યું. પપ્પા ની આર્થીક પરિસ્થિતિ થી વાકેફ અમન, પોતાનાથી ખોટા વાપરેલા પૈસાનો મનોમન હિસાબ લગાવી રહ્યો હતો. પોતે કેટલો લાજવાબદર છે, અહીં સારા ભણતર માટે તે આવ્યો હતો, પણ પોતે કંઈ ખાસ ઉખાડી રહ્યો નહોતો. એ પોતાની જાતને મનોમન નફરત કરી રહ્યો હતો. પોતાને ધિક્કારતા ધિક્કારતા એની આંખોએ ભીનાશ પકડી. આ શું થઈ રહ્યું છે એના જીવનમાં એ વિશે એ વિચારી રહ્યો હતો. પોતે કેમ સાવ આવો થઈ ગયો છે ? ખુદને એવા સવાલો કરતા કરતા એ હતાશ મને વિચારોમાં ખોવાઈ ગયો

ઓય અમન, ચાલ હવે જમવાનો ટાઈમ થઈ ગયો....પાછળથી તીર્થ બુમ પાડી રહ્યો હતો.

અમન તીર્થનો અવાજ સાંભળીને ઝબકી ગયો.

હા, આવ્યો.... વિચારો માંથી વર્તમાનમાં આવતા આવતા અમન બોલ્યો.

અમન અને તીર્થ જમવા માટે પહોંચ્યા, જમવાનુ હંમેશની જેમ બહુ કાંઈ ખાસ નહોતું એટલે તેઓ થોડો નાસ્તો બહાર કરી આવશે એવું વિચારી જલ્દી જમીને રૂમ પર આવી ગયા.

સમય 8pm

જમીને અમન રૂમ પર બેઠો બેઠો પોતાના અસાઈમેન્ટ પુરા કરવામાં લાગી ગયો, આખો દિવસ ધૂળ ખાતી સ્કૂલ બેગને લઈને એ બેડ પર ગોઠવાઈ ગયો. અસાઈમેન્ટ લખતા લખતા અમન વચ્ચે ક્યારેક ક્યારેક મોબાઈલ મચેડી લેતો, તો ક્યારેક ગીતો સાંભળતો. આખા દિવસમાં બસ ખાલી આ ત્રણ કલાક હશે જે એ ભણતર ના કાર્યમાં વાપરતો. લગભગ રાત્રીના 11 વાગવા આવ્યા, અમન અસાઈમેન્ટ લખી લખીને થાકી ગયો હતો, એનું મગજ સુન થઈ રહ્યું હોય એવું એને લાગી રહ્યું હતું. કોઈક અજીબ બેચેની અનુભવી રહ્યો હતો, એને સિગરેટ યાદ આવી, હા અમનનું આ કાયમનું રૂટિન હતું, જેની એને લત લાગી ગઈ હતી. આખો દિવસમાં બે ઘડી કરેલા સારા વિચારો પર પાણી ફેરવી દેવા માટે આ પૂરતું હતું.

અમન છોડને યાર લખવાનું, ચાલ બહાર જઈએ ....ધર્મેશ બોલી રહ્યો હતો.

અમન પણ પોતાની અંદર બેચેની અનુભવી રહ્યો હતો, એને ફરી સિગરેટ પીવી હતી.

હા ચાલ માઇ ગયું બધું....કહીને બંન્ને હોસ્ટેલના મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યા..

જોત જોતામાં એ બંન્ને ગેટ કૂદીને એજ અમદાવાદની અંધારી શેરીઓ પર આવી ગયા.

બંન્ને ના પગલાં એ સુની શેરીઓમાં ડિલક્ષ પાન ના ગલ્લા તરફ આગળ વધી રહયા હતા.

લગભગ રાત્રીના બાર 12am વાગી ગયા હતા..

સિગરેટ ખરીદી નજીકના બાંકડા પર બેઠા બેઠા તેઓ આસપાસના લોકોની જિંદગી નિહાળી રહ્યા હતા. અને પોતાની જિંદગી સિગરેટ ની સાથે સાથેજ ફૂંકી રહ્યા હતા...

બે ઘુઘા શું ઉખાડી લીધું તેં આજના દિવસમાં....જિંદગીથી હારી ગયેલો અમન ફરી પોતાની જાતને કહી રહ્યો હતો.

ફરી એક મરેલો દિવસ વીતી ગયો...

માણવા જેવી હતી એ પળો,

મરી પરવાળી..જે મહેશુસ થઈ નહીં..

સળગતી હતી આગ હૃદયમાં,

બુઝાઇ ગઈ..પુરુસાર્થ પામી નહીં..

ચાહત હતી કંઈક પામવાની,

અધૂરી રહી..હજી વિચાર પામી નહીં..

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

'હોસ્ટેલ લાઈફ' યુવાનીના સમયમાં જીવતી જિંદગીની અમૂલ્ય પળો. પોતાના પરિવારથી દુર એકલા રહી પોતાનું ભવિષ્ય અને સારી જિંદગી બનાવવા ના વિચાર તરફ આગળ વધી રહેલા યુવાનોનું આસપાસનું વાતાવરણ એટલે હોસ્ટેલ. યુવાનોનો એક સમૂહ જે જિંદગી માણવામાં મૂલ્યવાન સાબિત થઈ શકે અને જિંદગીને ડુબાડવા માટે પણ.

હું પણ એક વિદ્યાર્થીજ છું એટલે સમયના આ દોર માંથી હું પણ પસાર થયો છું, જયારે થોડો અટકીને જીવન વિચારું છું તો મને આ કડવી વાસ્તવિકતા દેખાય છે, મેં મારી આસપાસ આવા કેટલાય અમન જોયા છે જે પોતાની જીવતિ જિંદગીને નિર્જીવ નિરુત્સાહી બનાવી રહ્યાં છે. એક નિર્જીવ વાતાવરણમાં એ એવા તો ઢળી ગયા છે કે પોતાના અસ્તિત્વનું ભાન પણ ભૂલી ગયા છે. અને મને ખાતરી છેકે તમે પણ તમારી આસપાસ આવા કેટલાય અમન જોયા હશે.

આ પરિસ્થિતિમાં સપડાયેલા વ્યક્તિને વાસ્તવિકતાથી પરિચય કરાવી આપવા માટે જ મેં આ એકદિવસીય દિનચર્યા લખી છે.

અહીંયા મેં ફક્ત યુવાનોની અને એમની હોસ્ટેલ લાઈફની વાત કરી છે. 14 વર્ષ થી ઓછી ઉંમર ના બાળકો પાસે કામ કરાવવું એટલે બાળમજૂરી જે એક ગંભીર ગુનો છે બસ એમજ 14 વર્ષથી નીચેના બાળકોને કોઈ ખાસ કારણો વગરજ હોસ્ટેલમાં અભ્યાસ માટે મુકવા એને પણ એક ગંભીર ગૂનો ગણવો જોઈએ, મારુ તો માનવું છે. આને વાલીઓને પોતાની જવાબદારી માંથી છટકવાનું સરળ બહાનું ગણી શકાય. ક્યાં ગયા બધા હ્યુમન રાઇટ્સ વાળા ?? વૃદ્ધાશ્રમની સામે વિરોધ ઉઠાવવા વાળા તમામે આ બાબત પર પણ વિચારણા કરવી જોઈએ. આજ તો સાચો સમય હોય છે બાળકોની યોગ્ય પરવરીશનો, આપણાં બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવું એ આપણીજ જવાબદારી છે, જેને નિભાવીએ..

અને હવે મારી જેવા યુવા વિદ્યાર્થીઓ માટે વાત કરું તો હોસ્ટેલ લાઈફમાં આપણે સ્વતંત્ર છીએ, આપણને સાચા ખોટાની સલાહ આપવા વાળું કોઈજ હોતું નથી, દરેક નિર્ણયો પરિવારથી દુર જાતે લેવા પડે છે, દરેક પરિસ્થિતિનો સામનો એકલાજ કરવાનો છે. કેમ નહીં, આપણે આ હોસ્ટેલના વાતાવરણ ને ઉપયોગી બનાવીએ, મિત્રો સાથે મળીને કંઈક નવું જાણવા શીખવા અને એકબીજાની સહાય અને વિચારોની આપલે સાથે કંઈક અલગ ઉન્નતિ તરફ આગળ વધીએ..ટેવાઈ ગયેલી નિર્જીવ જિંદગીથી બહાર આવીને જીવનને કંઈક રસપ્રદ બનાવીએ. ચાલો મિત્રો સાથે મળીને જિંદગીનું એક નવું સ્ટાર્ટઅપ કરીએ..

12am to 12am બહેતરીન બેહિસાબ બિન્દાસ બેફામ બેસ્ટ આતુરતા પૂવર્ક જીવીએ..

જિંદગી રૂપી પાઠશાળા માંથી આટલો બોધ જરૂરથી લઈએ..

●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

જિંદગી મને શા માટે મળી છે ? આ સવાલનો કોઈ ઉત્તમ જવાબ મારી પાસે નથી. બસ જિંદગીને હું એક અજાણી સફર માની ને નીકળ્યો છું. અને એજ "મારી સફરે" મેં કંઈક જાણેલું, માણેલું, સાંભળેલું, વિચારેલું, અનુભવેલું, સમજેલું, અને કંઈક કલ્પેલું આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. મારી સફરે શ્રેણીમાં હું જે કંઈ લખી રહ્યો છું એ મને ખુદને પ્રેરણા આપે છે, અને હળવી પળોમાં આવેલા સારા વિચારોને અનુચરવા મને ફરજ પાડે છે. મારી સાથે વધુ વાતો કરવા જોડાઈ જાવ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર..

id @nitin_sutariya

કંઈક અંશે હજી લખવાની શરૂઆત કરી છે, માટે ભૂલચૂક માફ કરશો. મને લેખનમાં મદદ કરી શકે એવી ટિપ્પણી તથા આપના પ્રતિભાવો ચોક્કસથી મોકલી આપશો.

જિંદગી એક સફર છે.

અને અમે એ મુસાફરો છીએ,

જે જિંદગીના મતલબો શોધવાથી ડરતા નથી..

મળી જાય છે કંઈક હસીન પળો,

જેને માણવાથી ડરતા નથી..

અરે પૂરો રોમાંચ છે આ સફરનો,

જેના કોઈજ સરનામાં નથી..

~નિતીન સુતરિયા