Ajanya pradeshma books and stories free download online pdf in Gujarati

અજાણ્યા પ્રદેશમાં

અજાણ્યા પ્રદેશમાં

અમી અને મારી ફ્રેન્ડ, મિત્ર, હમદર્દ, સહેલી, સખી જે કહો તે.

જ્યારે મળે એટલે અમે, રસ્તા વચ્ચે બેસતા પણ શરમાતા નહિ અને પાગલની જેમ આળોટતા. લોકો અમને પાગલ જ સમજતા પણ અમે તો અમારી મસ્તીમાં ગળાડૂબ થઈ જતાં.

હોસ્ટેલની એ જિંદગી જ્યારે યાદ આવે છે ત્યારે અમી આપોઆપ મારા ચહેરા પર સ્મિત બનીને ઝૂલી રહે છે.

એનામાં શું હતું? બસ નિખાલસતા. એ મને માનતી હતી, મારી સાથે હું જેમ કહું એમ કરતી હતી અને મને જાણે સહિયારીથી થોડું ઊંચું સ્થાન આપતી હતી. વાતો તો ખૂટતી જ નહીં અમારી, નહીં મારી. એ તો સાંભળતી જ હતી માત્ર. પણ ઘણીવાર એ બોલવાનું ચાલું કરે અને મને સંભાળવું ન ગમે એટલે હું

‘હમમ હમમમ હમમમ ....’ કર્યે જતી. એ સમજી જતી અને મારી પર ચડી બેસતી.

કહેતી

‘ક્યારેક અમને પણ સાંભળી લેવાય.’

પણ હું શું કરું? બોલવાની ટેવ તો મને જ ને, એ સંભાળે, ક્યારેક બોલે તો હું સાંભળી સાંભળીને થાકી જાઉં.

જેમ કે, અમે ત્રણ સહેલી, સખી. પણ અત્યારે અમે બે જ છીએ. એક અમારાથી જ નહીં બધાથી દૂર ચાલી ગઈ છે.

અમારી એ મિત્ર એટલે રિદ્ધિ જેને ક્યારેય સિદ્ધિ મળી જ નહીં. એમને એક મિત્ર અને સમય જતાં એ મિત્રને રિદ્ધિ પાગલની જેમ ચાહવા લાગી. જેમ જેમ તે તેના પ્રેમમાં ડૂબતી ગઈ તેમ તેમ અમારાથી પણ બહુ દૂર ચાલી ગઈ.

પણ તેનો મિત્ર બહુ ચાલાક હતો, તેની નજર રિદ્ધિના દેહ પર હતી, લાગણીઓ તો તેના દેહ સુધી જવાનું માધ્યમ હતી.

એ જ્યારે મળતો ત્યારે તેને પાગલ કરી જતો.

તે અમને કહેતી,

‘વિકાસ તો વિકાસ છે, બસ મારો જ છે તે. જો આજે તે મારા માટે શું લાવ્યો?’

હસતી હસતી તે પોતાની ગીફ્ટ અમને બતાવતી હતી. પર્સ, કપડાં, ચોકલેટ, ચૂડીઓ, ઘડિયાળ, ફૂલો વગરે…. અમે પણ ક્યાં દુનિયા જોઈ હતી જે ખબર પડે કે ગીફ્ટ પણ માધ્યમ હોય દેહ સુધી જવા માટે.

એક દિવસ રિદ્ધિ અમીને અને મને મળીને ઢીંગલી માફક તૈયાર થઈને હસતી હસતી ચાલી ગઈ હતી. વિકાસ અને તે બંને આજે ખાસ મળવાના હતાં. એ કહેતી હતી કે વિકાસનો આજે બર્થડે છે.

બાગ-બગીચા ખુંદતા તેઓ જઈ ચડ્યા દૂર રસ્તાઓ પર. એક વિરાન જગ્યા પર બંને એકબીજાની બાહોમાં બાહો નાખી બેઠા હતાં, આંખોનું તારામૈત્રક રચાયું હતું. વિકાસનો હાથ ધીરે ધીરે રિદ્ધિના શરીર પર આગળ વધવા લાગ્યો. રિદ્ધિને થોડું અજીબ અને અજુગતું લાગ્યું. તેણે તેનો હાથ પકડી, તેને ચૂમી અને કહ્યું,

‘બસ આટલું? એથી વધુની જરૂર છે?’

વિકાસ સૂન્ન બની જોઈ જ રહ્યો. એણે આગળ વધવાની ઘણી કોશિશ કરી પણ તે આજે સફળ ન થયો. આખરે તેણે છેલ્લું હથિયાર પણ અજમાવી લીધું.

‘આજે મારો બર્થડે છે તો આજે મારું જ ચાલે ને? બસ હું જે માંગુ તે આપી દે.’

રિદ્ધિ વિચારમાં પડી, તેણે કહ્યું,

‘બધું જ તો તારું છે, આજે નહીં તો કાલે, તો આજ જ શા માટે?’

અને તે ઊભી થઈને ચાલતી થઈ ગઈ. આખરે વિકાસને પણ ઊભું થવું પડ્યું.

આ પછી રિદ્ધિ અને તેમની વચ્ચે જગડાઓ ચાલું થઈ ગયા હતાં. રિદ્ધિની આંખો જ્યારે સાંજ ઢળતા ભીની થઈ જતી. એને ક્યા ખબર હતી કે પ્રેમ પણ દેહ દ્વારા વેચાય છે.

એક દિવસ તે ખુબ જ સુંદર રીતે તૈયાર થઈ, સુંદર પણ લાગતી હતી, જાણે પરી ન હોય. પણ તેના ચહેરા પર ચમક ન હતી. તેના ચહેરા પર આજે જે સ્મિત હતું તે જાણે અમને કંઈ કહેવાં પુરતું જ હતું.

એ દિવસે જ્યારે તે સાંજે આવી ત્યારે તેના પરીઓવાળા કપડાં વીંખાઈ ગયેલાં હતાં. તેનું તેજ સાંજ પછીના અંધકાર જેવું હતું.

થોડા દિવસો પછી અમે બહાર ફરવા નીકળ્યા, એ દિવસે અમે બાગ બગીચાઓમાં ગયા અને પાર્ટી કરી. તેણે પણ ખુબ સહકાર આપ્યો. અમને હતું કે અમારી રિદ્ધિ અમારી પાસે પાછી ફરી.

અમીએ પોતાની વાત કરતાં કહ્યું,

‘તને ખબર છે, અમારી ભેંસ ખોવાઈ ગઈ હતી.’

જયારે અમીની ભેંસ ખોવાઈ હતી ત્યારે વાટ્સએપ પર સ્ટેટ્સ મુકીને કહ્યું હતું,

‘અમારી ભેંસ ખીવાઈ છે, કોઈને મળે તો કહેજો.’

કોઈએ કહ્યું તો નહીં. પણ થોડા સમય પછી ભેંસ પાછી ઘરે આવી ગઈ હતી.

એ ભેંસને એવી ટેવ હતી કે, મન થાય એટલે નીકળી પડે, નદી-નાળામાં નાહીને ખેતરોમાં ફરીને બે-પાંચ દિવસમાં પાછી ઘરે આવી જાય.

અમીની ભેંસ તો અમીની ભેંસ. અમે બધા હસવા લાગ્યાં, રિદ્ધિ પણ.

હું જેમ કે કોઈ કવયિત્રી તો હતી નહીં પણ જેવું લાગે એવું લખી જાણું. આમ પણ મિત્રોમાં એવું ન હતું કે તેમને ગમે એવું જ લખવું.

મેં કહ્યું, ‘મેં પણ કશુક લખ્યું છે.’ અમી અને રિદ્ધિ તો સાંભળવા તૈયાર જ હોય. એટલે મેં ફરી કહ્યું, ‘સાંભળો....

“સમય સમયની વાત છે

જયારે મારો સમય હતો ત્યારે તેનો સમય નહોતો

આમ છતાં મેં તેને મારો સમય આપી દીધો.

દુનિયા સામે લાયક બનાવ્યો

પણ તેને લાયક બનાવતા બનાવતા

ક્યાં ખબર હતી કે,

તે મને જ એક દિવસ લાયક નહીં ગણે!

તેમના પ્રેમનો સ્વીકાર એ જ મારી ભૂલ બની ગયો

એને તો એક પછી એક મળતી રહી

હું બસ તેની પ્રતીક્ષામાં રાધા બનતી રહી.

જ્યારે તપાસ્યો તેને નખશીખ

ત્યારે ખબર પડી તે દુનિયા માટે તો લાયક બની ગયો

મારા માટે પથ્થર બની ગયો.

પથ્થરને હૃદય નથી હોતા એટલે

એમને નહીં સમજાય મારી વેદના

પત્ર લખ્યો એક દિવસે મેં એને

ખબર હતી એ સરનામું ભૂલી જશે.

આ તો સમય સમયની વાત છે.”

બધા થોડીવાર મૌન થઈ ગયા, રિદ્ધિ પણ. તે મને ભેટી પડી તેની આંખોમાં આંસુ હતાં. અમીએ કહ્યું, ‘ચાલો, હવે અહીંથી નહીં તો મારી ભેંસ પાછી ચાલી જશે.’

અને અમે હસતાં હસતાં એકબીજાના હાથ થામી ચાલવા લાગ્યાં. રિદ્ધિની આંખોમાં ભાવનાઓના વાદળ હજુ ઘેરાયેલા હતાં, તેમનો હાથ મારા હાથમાં હતો પણ તેનું મન કોઈ અજાણ્યા પ્રદેશમાં એકલું અટૂલું આંટા મારતું હતું. અમી પોતાની મસ્તીમાં ગાતી હતી, હું બંને વચ્ચે મૌન તેમને દોરી જતી હતી.

એક દિવસ અમીનો ફોન આવ્યો.

‘તને ખબર છે?’

‘શું?’

‘સાચે જ તને કંઈ ખબર નથી?’

‘શું છે કે’ને?’

‘રિદ્ધિ એ આત્મહત્યા કરી છે. તને ખબર ન પડી?’

મારા શબ્દો મારા ગાળામાં જ અટકી ગયા હતાં.

વિકાસનો કોઈ પત્તો નહોતો એવું નહોતું. તે સલામત હતો, તેની સગાઈ થઈ ગઈ હતી. તેણે રિદ્ધિને કહ્યું હતું, ‘તારી જેવી તો કેટલીય છે, તો શું બધીને ઘરમાં રાખું?’

રિદ્ધિ ભાંગી પડી હતી. તેણે અમીને ફોન કર્યો હતો પણ અંત સમયે તે બધું જ ભૂલી ગઈ હતી. માત્ર તેને વિકાસ જ યાદ હતો. વિકાસને કશું જ યાદ નહોતું. રિદ્ધિ નામનું પાનું એણે પોતાની જિંદગીમાંથી એવી રીતે ફાડ્યું કે, રિદ્ધિનું કોઈ અસ્તિત્વ જ ન રહ્યું.

એમ જરૂર થયું, કદાચ રિદ્ધિએ મારી સાથે વાત કરી લીધી હોત તો કદાચ તે બચી જાત. અમારી નાદાનીમાં અમે શું સમજીએ? આજે પણ અમે સમજી ન શક્યા. બસ રિદ્ધિ નથી એની ખોટ ચાલે છે.

રિદ્ધિ અમારી વચ્ચે પરીની માફક આવીને ચાલી ગઈ હતી, પોતાને દેશ, પણ અમારે માટે અજાણ્યા પ્રદેશમાં.

‘નવ્યાદર્શ’
Email : navyadarsh67@gmail.com