Mini Bank books and stories free download online pdf in Gujarati

મીની બેંક

જયારે જયારે પણ કોઈ બાળપણની વાત નીકળે કે દિવાળી આવે ત્યારે મારા પપ્પા આ વાત અચૂક કહે, આ વાત તે સમયની થોડીક દીવાળી ઓની છે જયારે હું સાતેક  વર્ષની હોઈશ. 
સંત્રાંત પરિક્ષાનું રીઝલ્ટ આવવાની સાથે જ મારી દિવાળી શરુ થઈ જતી, (તે સમયે સરકારી પ્રાથમિક શાળાઓમાં બે ફરજીયાત પરિક્ષા લેવામાં આવતી, દિવાળી વેકેશન પહેલા સત્રના અંતે લેવાતી સંત્રાંત અને વર્ષના અંતે વાર્ષિક) કારણકે હું હંમેશા પ્રથમ નંબરે જ પાસ થતી અલબત એ સમયે ભણવું એ મારી એકમાત્ર મને અત્યંત પ્રિય એવી હોબી હતી. 
મારો ભાઈ ફટાકડા ફોડવાનો અત્યંત શોખીન, અને મારો પહેલેથી જ અત્યંત બીકણ સ્વભાવ. છતાં પણ પપ્પા જ્યારે ફટાકડા ખરીદવા જાય ત્યારે મને પણ સાથે લઇ જાય અને મને ગમતા ફૂલઝર અને અન્ય ફટાકડા અલગ રાખવાનું કહે. પણ તે વર્ષે મેં તો ભાઈએ જે ખરીદ્યું  તે બધું જ મેં પણ લીધું, અને તેટલી જ ક્વોન્ટીટીમાં. અંતે ભાઈના કોથળો ભરાય એટલા ફટાકડાનો હિસાબ થઈને બીલ બન્યું  તે રકમ મેં  બરાબર યાદ રાખી. જયારે પપ્પાએ  મારા ફટાકડાનું બીલ બનાવવાનું કહયુ  ત્યારે હું વચ્ચે જ બોલી કે મારી પાસે ભાઈ જેટલા જ ફટાકડા છે તેટલા જ પૈસા મને આપો. પપ્પા કોઈ જ આનાકાની વગર મને પૈસા આપીને તે પૈસા દુકાનદારને આપવાનું કહ્યું. અને જવાબમાં હું બોલી કે મારે તો આ ફટાકડા ખરીદવા જ નથી.  અલબત મેં તે સમયે દુકાનદારને પૂછ્યું  કે હું આ ફટાકડા ના ખરીદું તો  ચાલશે? બદલામાં દુકાનદાર સકારાત્મક વલણ બાદ હું તેને ફરી પૂછી ઉઠી  કે આ મારા ભાગના ફટાકડા તમારે વેચાય તો જશે ને? જો ના વેચાય તો મને કહેજો હો, હું છેલ્લા દિવસે આવીને લઇ જઈશ,.
પપ્પાએ મારું આવું કરવાનું કારણ પૂછ્યું તો મેં સ્પષ્ટ કર્યું કે ફટાકડા તો ફૂટી જાય અને આ પૈસામાંથી કેટલા બધા આઈસગોલા આવી જાય, હવેથી હું આવું જ કરીશ. અને તે સમયના હજાર બારસો જેટલા એ રૂપિયા મારી નાનકડી બચતબોક્ષ એવા પિગી બેન્કમાં એક સાથે નાખેલી ઊંચામાં ઉંચી રકમ હતી.
ત્યારબાદ ત્રણેક દિવસ સુધી મેં બધાજ સગા-વ્હાલાઓને વ્યક્તિગત પૂછેલું કે તમારે પૈસાની જરૂર હોય તો મને કહેજો હો, મારી પાસે હજાર રૂપિયાથી પણ વધુ છે. અંતે મારા પપ્પાને પણ મેં આ પૂછ્યું અને પપ્પાએ અત્યંત ઉમળકાથી મને કહેલું કે, તું તો મારી મીની બેંક છો, નાનકડો ખજાનો છો. 
ત્યારબાદના અમુક  વર્ષો સુધી પપ્પા ભાઈના ફટાકડાની રકમના પૈસા મને પહેલેથી જ આપી દેતા. અને હું તેને મારી નાનકડી પિગી બેંકમાં સાચવતી. ક્યારેક તેમાંથી મારા માટે કંઇક ખરીદતી અને મોટે ભાગે જયારે એકસામટા પૈસા ભેગા થાય ત્યારે પપ્પાને જ પાછા આપી દેતી.  
તે સમયે હું અન્ય છોકરીઓની સરખામણીમાં ઘરકામ અને રસોઈ જેવી બાબતમાં નિપુણ ન હતી, મારા મમ્મીને મારી આ  ચિંતા સતત રહેતી, ઘણી વખત મારા પપ્પા અને મમ્મી વચ્ચે આ બાબતમાં ઘણી ઉગ્ર ચર્ચા પણ થઈ જતી. પપ્પા એક જ વાત કહેતા કે અત્યારે મારી ઢીંગલીના ભણવાના દિવસો છે, સમય જતા તેમાં પણ તે અવ્વલ આવશે,
આજે જાણે મારા પપ્પાની ભવિષ્યવાણી સાચી પડી હોય એમ હું દરેક રોજબરોજના કામ અને રસોઈમાં નિપુણ થઈ ગઈ છું ઉપરાંત હું હવે જયારે જયારે પણ હું કોઈ તહેવાર કે પ્રસંગોપાત યુ ટ્યુબમાં જોઇને શીખીને કોઈ નવી વાનગી કે મીઠાઈ બનાવું છું અને તેના ફોટા પપ્પાને મોકલું તો તે મમ્મીને અચૂક બતાવે અને સાથે કહેવાનું ન ચુકે કે જો હું કે તો તો ને મારી ઢીંગલી ક્યાય પાછી પડે એવી છે જ નહિ..
આ હતા મારા દિવાળીના શૈશવના સંસ્મરણો.. અલબત કોઈપણ પ્રૌઢ માં-બાપ લક્ષ્મી સ્વરૂપા એવી દીકરી પાસેથી જન્મોજન્મના ઋણી બનવાના ડરે પૈસાની ઈચ્છા તો ન જ રાખે, પણ દરેક દીકરી તેના માતાપિતાની ખુશીઓની  મીની નહિ પણ મોટી  બેંક(સ્ત્રોત) બની રહે તેવી શુભકામના,એક એવો અખૂટ સ્ત્રોત જેમાંથી ગમે ત્યારે હુંફ સ્નેહ મેળવી શકે, જિંદગીરૂપી કપરા ચઢાણમાં જરૂર પડ્યે હામ મેળવી શકે, સાંત્વનારૂપી શીતળ છાયડામાં ઘડી બે ઘડી વિસામો ખાય શકે. 
કંકુના થાપા મારીને બધો જ હક-સંપતી છોડીને જતી નિસ્પૃહ  એવી તેના પોતાના પરિવારમાં કુમકુમ પગલા પાડતાની સાથે જ લક્ષ્મીસ્વરૂપ બનતી, પારકા પરિવારને પોતાનો ગણી તેણે ઉજાસ આપતી તે સ્વયંપ્રકાશિત કુળદીવડી અખંડ પ્રજ્વ્વલિત રહે અને તે પોતે પોતાનું અજવાળું બનતી રહે, સ્નેહ સિંચનરૂપી ઇંધણ પામતી રહે, પૂર્ણતાના પંથે પ્રગતી કરતી રહે.. તેવી દીપજયોતિને નમન..દરરોજ દિવાળી ઘરમાં લાવે તેવી સ્ત્રીશક્તિને વંદન..