Tamacho - 6 books and stories free download online pdf in Gujarati

તમાચો - 6

(પ્રકરણ – ૬)

આનંદ કસ્વાલ છાપાનાં દરેક પેજ ખુબજ ધ્યાનથી જોઈ વાંચી રહ્યાં હતાં. છાપામાં છપાયેલ ફોટાં અને એની વિગતને વાંચીને નોંધી રહ્યાં હતાં. ક્યારેક કોઈ ફોટાઓને તેઓ સ્કેન પણ કરી લેતાં. એક વકીલ આજે ડીટેકટીવની ભૂમિકા ભજવી રહ્યો હતો. કલાકોની મહેનત બાદ એમની નજર એક મોટરસાયકલ અકસ્માતના ફોટાં ઉપર પડી મોટરસાયકલની બાજુમાં એક લાશ પડી હતી. મોટરસાયકલની નંબર પ્લેટ ઉપર ગાડીના નંબરની ઉપર સુંદર રીતે લખેલ ‘ઇગલ’ નામ સ્પષ્ટ રીતે વાંચી શકાતું હતું. એકદમ એમનાં મગજમાં ઝબકારો થયો અને આજે છાપામાં છપાયેલ શ્રદ્ધાંજલિનો ફોટો અને મૃતના નામની પાછળ લખેલ ઉર્ફે ‘ઇગલ’ શબ્દ ઉપર એમનું ધ્યાન કેન્દ્રિત થયું. એમની શંકા સાચી પડી. મનમાં ઘર કરી ગયેલ ઇગલ શબ્દ કંઇક સંકેત આપતો હોય એવો લાગ્યો. પ્રિય મિત્ર તરીકે શ્રધ્ધાંજલિ આપનાર વ્યક્તિઓમાં બે નામ લખેલ હતાં અને એમનાં મોબાઇલ નંબર પણ હતાં. દરેકનાં નામ પછી કૌંસમાં ‘નીક નેઈમ’ છાપેલ હતાં – પ્રિન્સ અને ટોની.

એડવોકેટ આનંદે પહેલાં નંબર ઉપર ફોન કર્યો, તે બંધ હતો. પછી બીજાં નંબર ઉપર ફોન કર્યો પરંતું તે પણ બંધ હતો. હવે એની નજર એમનાં નામ ઉપર કેન્દ્રિત થઇ અને આજના છાપામાં છપાયેલ અકસ્માતના સમાચારની વિગતો અને નામ ધ્યાનમાં આવ્યાં. પ્રિન્સ... ઓહ... શહેરની મોટી હસ્તી ડી. કે. એટલે કે દોલત કેસરીનો પુત્ર. વગદાર કુટુંબના રાજકારણી પિતાનો પુત્ર. ટોની એની સાથે કાયમ રહેતો અને લગભગ પ્રિન્સની ગાડી એ જ ચલાવતો. આનંદને ખ્યાલ આવ્યો કે કદાચ સમાચાર પત્રમાં શ્રદ્ધાંજલિની જાહેરાત આગલે દિવસે અપાઈ હશે અને રાત્રે આ એમની અકસ્માતની ઘટના થઇ હશે. પ્રિન્સ અને ટોની સાથે વાત કરવી અશક્ય હતું કારણ બંને જણા હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં હતાં. આનંદે હવે બીજાં છાપાંઓ પલટાવવાની કસરત ચાલું રાખી. એનાં મગજમાં ઘણી શંકાઓ ઉભી થઇ રહી હતી. શંકાનું નિરાકરણ જ સમાધાન આપશે એ ચોક્કસ હતું !

થોડાંક છાપાંઓ પલટાવતા ઘરોની દિવલો ઉપર પડેલ અનિષ્ટ પંજાની છાપના સમાચારો હતાં અને અમુક વાયરલ વિડીઓના સમાચાર પણ હતાં. બીજાં એક સમાચાર પત્રમાં કિલ્લામાં અગાઉ પણ યુવતીઓ ગાયબ થયાની વાત મોઘમમાં લખી હતી. કિલ્લા શબ્દ વાંચતાની સાથે જ આનંદના ચહેરાં ઉપર શોક પ્રસર્યો. આંખ બંધ કરી એ વિચાર કરતો રહ્યો. પિતાનું હૈયું રુદન કરી રહ્યું હતું. થોડીકવારમાં મોનિકાના માતાજી પણ આનંદ પાસે આવીને બેસી ગયાં. આનંદના આંખોની આંસુઓની સેર ગાલ ઉપરથી નીસરી નીચે મુકેલ સમાચારપત્રોને ભીંજવી રહી હતી. હજારો લોકોના ન્યાય અન્યાય ના કેસ લડનાર આજે હતપ્રત હતો. સમાચારોની માહીતી હતી પરંતું નિરાકરણ કરવા શક્ય નહોતાં ! પતિ આનંદની દશા જોઈ મોનિકાની માતા શુભાંગીના સુકાઈ ગયેલ આંખોમાં આંસુઓ ડોકાવવાની કોશિશ કરી રહ્યાં હતાં. આંખની નીચે જામેલ ચિંતાના કાળાં કુંડાળા દિકરીના વિરહમાં ઘેરાં થતાં જતાં હતાં. એકની એક લાડકવાઈ દીકરાના પગરવ હવે ઘરમાં સંભળાતા નહોતાં. ઘરમાં દાખલ થતાં ઓટલા ઉપરથી મારેલ ‘મા’ ની હાંક હવે ઘરમાં ગુંજતી નહોતી. બંને પતિ-પત્ની એક બીજાં સામે બેસી અંદર ચાલી રહેલ હૈયા વલોપાતને મુક થઇ અનુભવી રહ્યાં હતાં.

બીજાં દિવસે છાપામાં શહેરનાં ઘરોનાં દિવાલો ઉપર પડેલ એ અનિષ્ટ પંજાની છાપ અને એ ઘરની વિગતો છપાઇ હતી સાથે સાથે ઘટનાક્રમને જોડતાં એવું ફલિત થતું હતું કે એ ઘરનાં યુવાનનું મૃત્યુ થયું હતું અથવા આજ સુધી એ ગુમશુદા હતાં. એમનાં ફોટાઓ પણ સાથે છપાયેલ હતાં. ફક્ત એક ઘરના દીવાલ ઉપર પંજાની છાપ હતી પરંતું ત્યાં કોઈ વ્યકિત ગુમશુદા નહોતી કે મૃત્યુ પામેલ નહોતી પરંતું એ યુવાન વ્યક્તિની માનસિક હાલત દયાજનક હતી. એનું નામ હતું અમુલ. ટોટલ નવ ફોટાઓ ઉપરાંત બે ફોટાઓ તાજેતરની ઘટનાનાં હતાં એટલે કે પ્રિન્સ અને ટોનીના. ફોટાઓ અલગથી છપાયેલ હતાં. છાપાના રિપોર્ટરે ખૂબ મહેનત કરી આ માહીતી ભેગી કરી છાપી હતી. શહેર આખામાં ચકચાર હતી. હવે સત્યને જાણવું એ મહત્વનું હતું. એની પાછળના કારણો જાણવા જરૂરી હતાં. લોકોએ પોતાનાં શેખચલ્લીના ગણિત માંડવા માંડ્યા હતાં. પોલીસ પાછી હરકતમાં આવી હતી અને સમાચારોના આધારે કંઇક શોધવાની કોશિશ કરી રહી હતી કારણ એમાં એક રાજકારણીના પુત્રનો પણ સમાવેશ હતો.

તાજેતરમાં છપાયેલ સમાચારથી આનંદને ઘણી બધી માહીતી રેડીમેડ મળી ગયી. ટોટલ અગિયાર અનિષ્ટ પંજાના ફોટાં. પોતે ભેગી કરેલ દરેક માહીતી અને ફોટાઓનો સો ટકા મેળ હતો. આનંદની ઘરનાં પાછળ જ અમૂલનું ઘર હતું એટલે એણે અમૂલની મુલાકાત લેવાનું નક્કી કર્યું કારણ જીવંત વ્યકિત એ જ હતી.

દરેકનાં ઘરની દિવાલો પર પડેલ એ અનિષ્ટ પંજાની છાપ એક સરખી અને એક જ રંગની હતી એટલે કોઈકનો હાથ આ પ્રવૃત્તિમાં છે એ ચોક્કસ હતું. કોઈ સીરીયલ કિલર હોય શકે ? શક્યતા ચકાસવાની હતી. ટોટલ નવ વ્યક્તિઓના ભૂતકાળ કે વર્તમાન એમાં સંડોવાયા હતાં. દરેક ઘરની વ્યકિત છપાયેલ બીજાં ફોટાઓના યુવાનોની માહીતી આપી શકતી નહોતી. એમનો એક જ જવાબ હતો કે ઘરની બહાર તેઓ એકબીજા સાથે સંકળાયેલા હતાં કે નહી એની જાણ નહોતી. શું તેઓ મિત્રો હતાં ? તો એમનો જવાબ એક જ હતો – ખબર નહી.

રમત હવે પેલાં રંગ બેરંગી ક્યુબ ગેમ જેવી હતી. જુદા જુઆ રંગો માંથી એક રંગના ક્યુબ્સ ને સાથે ભેગાં કરવાના હતાં. રમત મગજની, ઘટનાઓને એક ક્રમમાં લાવવાની, ચાલાકીની અને ગોઠવીને જોડવાની હતી.

‘*****

એડવોકેટ આનંદ કસ્વાલના ઓફીસના ફોનની ઘંટડી રણકી..ટ્રીન..ટ્રીન..

‘હેલો .... હમ દોલત.... દોલત કેસરી... ડી.કે.

આનંદ – “ હા.... સર.. બોલો...”

ડી.કે. – “વકીલ ભૈયા... એક કેસ ફાઈલ કરના હૈ, પ્રિન્સ કે એક્સીડેન્ટ કે બારેમે. હકીકત શાયદ આપકો પતા હોગી. આદમીકો ભેજ રહા હું આપ હી કે પાસ. ઠીક સે સમજ લેના.”

આનંદ – “ઓ કે જી...”

આનંદ સમજી ગયો હતો કે હવે કંઇક નવું તૂત હશે.

‘******

પ્રિન્સ અને જીપ એક્સીડેન્ટના વિડીઓ કોલિંગ દ્રશ્યો સંજુના મગજ ઉપર સખત અંકિત થઇ ગયાં હતાં. તે હવે ઘબરાયો હતો. તુટક તુટક દ્રશ્યો એ મગજમાં ગોઠવી શક્યો હતો. સામે ઉભેલ એ યુવતીનું ચિત્ર એનાં મગજ ઉપર ટકોરા મારી રહ્યું હતું. ડર, બીક, ગભરાટની જાળમાં એ લપેટાયો હતો. એક સાથે પાંચ મિત્રો એની સાથે નહોતાં. પ્રિન્સ અને ટોની ભલે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં પણ એમની જીવવાની શક્યતા શું ? ડોક્ટર પોતાનાં પ્રયત્નો કરી રહ્યાં હતાં.

તે રાત્રે શું બન્યું હતું ? એ માહીતી સંજુ પાસે હતી પરંતું જાહેર કરી શકાય એમ નહોતી. બીજો મિત્ર સલ્લુ એ દિવસે નશામાં ધૂત થઇ એનાં બંગલામાં જ પડ્યો હતો. એકસીડન્ટની વાત એણે સલ્લુ ને કરવાની કોશિશ કરી પણ તે હોશમાં જ નહોતો. બીજાં દિવસે જયારે ખબર પડી ત્યારે એનાં હાલ ખરાબ હતાં.

એક પછી એક છાપાઓમાં છપાયેલ ફોટાઓ કંઇક સંકેત આપી રહ્યાં હતાં. કોઈની જુબાન ખુલી શકે એમ નહોતી. જબાન ખુલી તો ગઈ ભેંસ પાનીમે !

‘*****

રાત્રે હોસ્પિટલમાં ખૂબ જ સન્નાટો લાગતો હતો. બહાર હવાઓમાં તોફાન હતું. જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. ઝાડપાન વૃક્ષો હવાના જોરથી ઝુકી રહ્યાં હતાં. વીજળીના થાંભલાઓ અને એનાં તાર ઝોલા ખાઈ રહ્યાં હતાં અને અચાનક વિજળી ગયી. હોસ્પિટલમાં દોડધામ વધી ગયી કારણ જનરેટર પણ કામ કરતું નહોતું જે દર્દીઓ માટે ઘાતક હતું. રાતકીડાઓ કિર્ર...કિર્ર કર્કશ અવાજ કરી મસ્તી કરી રહ્યાં હતાં.

(ક્રમશઃ)