Sambhavami Yuge Yuge - 10 books and stories free download online pdf in Gujarati

સંભવામિ યુગે યુગે ભાગ ૧૦

ભાગ ૧૦

  બીજે દિવસે કોલેજ પૂરી થયા પછી પાયલ અને સોમ કોફી હાઉસમાં કોફી પીવા ગયા. કોફી પીધા પછી સોમે કહ્યું, “ઘણા દિવસ થયા હું સીટી લાયબ્રેરીમાં નથી ગયો તો ત્યાં જાઉં છું, આપણે કાલે મળીશું.”પાયલ બોલી, “થોડીવાર હજી બેસને મને હજી વિશ્વાસ નથી થતો કે તું મને પ્રેમ કરે છે. થોડીવાર પછી જજે અથવા કાલે જજે, લાઈબ્રેરી તો ત્યાંજ રહેશે પણ આ એકાંતના ક્ષણ મને ક્યારે મળશે?” સોમે કહ્યું, “પાયલ, હું તો અહીજ રહેવાનો છું આપણે કાલે મળીશુ.” પાયલ બોલી, “પ્લીઝ, સોમ મારુ દિલ નહિ તોડ આજે ન જા કાલે તને લાયબ્રેરી જતો નહિ રોકુ.” સોમે લાયબ્રેરી જવાનો પોતાનો ઈરાદો છોડી દીધો અને પાયલનો હાથ પકડીને તેની આંખોમાં જોઈ રહ્યો.

પછીના દિવસે સોમ લાયબ્રેરીના પગથિયાં ચડીને લાયબ્રેરીમાં દાખલ થયો ત્યારે જાણે તેની લોટરી લાગી, જૂનો લાયબ્રેરીયન તેની જગ્યા પર બેસેલો જોવા મળ્યો. સોમ તેની પાસે ગયો અને તેની પૃચ્છા કરી કે તેઓ કેમ છે? અને તેમની તબિયત હવે કેવી છે? લાયબ્રેરીયને કહ્યું, “તબિયત નું તો શું કહેવું ઉંમર છે, થોડું ઘણું ઉપર નીચે થયા કરે.” સોમે પોતાનું મનપસંદ પુસ્તક શેલ્ફમાંથી કાઢ્યું અને કહ્યું, “આ પુસ્તક થોડીવાર અહીં બેસીને વાંચું છું અને પછી ઘરે લઇ જઈશ.” લાયબ્રેરીના બંધ થવાના સમય સુધી તે ત્યાં બેસી રહ્યો, બધા ગયા પછી તેણે લાયબ્રેરીયનને સંમોહનમાં લીધો અને પોતાને જે પુસ્તક ગુપ્તખંડમાંથી જોઈતું હતું તે માંગી લીધું.

 લાયબ્રેરીયને ને થોડીવારમાં લાવીને આપી દીધું અને પછી કઈ બન્યું ન હોય, તેમ સોમ ત્યાંથી રવાના થયો. પાછલા ત્રણ ચાર દિવસમાં તેની કિસ્મતે પલટો ખાધો હતો, તેને ગુપ્ત સ્થળના સંકેત મળી ગયા હતા અને તે પુસ્તક મળી ગયું જેના દ્વારા તે અનંતકના પુસ્તકને મેળવવાનો હતો. રૂમમાં પહોંચ્યા પછી તેણે દરવાજો બંધ કર્યો અને પુસ્તક ઉપરના ખાખી કાગળને હટાવ્યો. અંદર પુસ્તકને બદલે હસ્તલિખિત તામ્રપત્ર હતા, જેમાં સંસ્કૃતમાં લખાણ હતું. આગલા પાંચ છ દિવસ સુધી તે તેનું અધ્યયન કરતો રહ્યો , સોમે તેમાં લખેલી વિધિની તૈયારી કરી લીધી હતી હવે તેને ઇંતેજાર હતો અમાસનો. તે વિધિ અમાસના દિવસે સ્મશાનમાં કરવાની હતી.

            અમાસના દિવસ તેણે આખો દિવસ કોલેજમાં પાયલ સાથે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર વિતાવ્યો. આવું પહેલી વાર થયું હતું કે વિધિ કરવાની હોવા છતાં કોઈ પણ જાતની ચિંતા ન થઇ હોય. તેને મન પાયલ તેના માટે ભાગ્યશાળી હતી. રાત્રે ૧૧:૩૦ વાગે તે એક થેલી લઈને હોસ્ટેલમાંથી લપાતો છપાતો બહાર નીકળ્યો અને નજીકના સ્મશાને પહોંચી ગયો, ત્યાંના ચોકીદારને સંમોહનમાં લઈને તે અંદર પહોંચી ગયો. ત્યાં તેણે બે કુંડાળા દોર્યા અને એક કુંડાળામાં બેસીને પોતાની ફરતે સુરક્ષા કવચ બનાવી લીધું અને પછી સામેના કુંડાળામાં અબીલ અને ગુલાલ નાખીને મંત્ર બોલીને એક મરઘાનો બળી આપ્યો. જેવું તેમાં રક્ત પડ્યું તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. થોડીવાર સુધી તે મંત્ર બોલતો રહ્યો અને ધુણતો રહ્યો. પછી તે કુંડાળામાંથી અવાજ આવ્યો, “કોણે મને જાગૃત કર્યો?” સોમે કહ્યું, “હું મહાગુરુ છું.”

 કુંડાળામાંથી અવાજ આવ્યો, “હું કૃતકથી નીચેના પદની વ્યક્તિ સાથે વાત નથી કરતો અને પાછલા ૧૦૦૦ વર્ષમાં ત્યાં સુધી કોઈ નથી પહોંચ્યું.” સોમે જવાબ આપ્યો, “હું પહોંચીશ અને ફક્ત કૃતક નહિ રાવણના પદ સુધી પહોંચીશ અને તને અહીં સુધી બોલાવવામાં સફળ થયો એટલે તું સમજ કે મારામાં ક્ષમતા છે.” અંદરથી ફરી અવાજ આવ્યો, “બકવાસ ઓછો કર રાવણ અને મેઘનાદને છોડીને આ પદ સુધી કોઈ પહોંચી શક્યું નથી.” સોમને આ જવાબની અપેક્ષા હતી તેથી તેણે એક ચપટી મિશ્રણ તૈયાર રાખ્યું હતું, જે સ્મશાનની રાખ અને લોહીમાંથી બન્યું હતું. તેણે ચપટી મિશ્રણ લઈને એક મંત્ર બોલીને કુંડાળામાં છાંટ્યું. અંદરથી ચિત્કારનો અવાજ આવ્યો અને અવાજે કહ્યું, “તારી આ હિંમત કે તું મારા પર વાર કરે!”

 સોમે કહ્યું, “ જો આગળ નહિ વધી શક્યો તો તને ખતમ કરી નાખીશ.” તેના કુંડાળાની આજુબાજુ આગ પ્રગટી પણ સોમ કુંડાળામાં હોવાથી તેને કોઈ જાતનું નુકસાન ન થયું. થોડીવાર પછી વાવાઝોડું ફૂંકાયું પણ સોમ અડીખમ બેસી રહ્યો અને મંત્ર બોલી બોલીને થોડું થોડું મિશ્રણ સામેના કુંડાળામાં છાંટતો રહ્યો. છેલ્લે તે અવાજે સમર્પણ કર્યું અને કહ્યું, “ખુબ બહાદુર છે તું અને તારાથી હું પ્રસન્ન છું, માગ તારે શું જોઈએ છે? સોમે કહ્યું, “મને અનંતકની વિધિનું પુસ્તક જોઈએ છે જે એક મંત્ર સુરક્ષામાં છે.” સામેના કુંડાળામાંથી અવાજ આવ્યો, “ હમમમ, આટલી નાની વાત? એક કાચ તને આપું છું, જેમાં તું જોઇશ એટલે પુસ્તક ક્યાં છે તે તને દેખાશે. પણ હા, કાચનો ઉપયોગ ફક્ત એકવાર કરી શકીશ, અને બીજી વાર મારા ઉપર વાર નહિ કરતો નહિ તો હું તને જીવતો નહિ છોડું, હું કાળ છું.”

 સોમે કુંડાળા સામે જોઈને હાથ જોડ્યા અને કહ્યું, “બાળક સમજીને મને માફ કરો મારી પાસે બીજો કોઈ માર્ગ નહોતો.” સામેના કુંડાળામાંથી અવાજ આવતો બંધ થયો અને એક કાચ ઉછળીને તેના કુંડાળા પાસે પડ્યો. સોમે તે ઉપાડવાની ઉતાવળ ન કરી તે થોડીવાર સુધી ધ્યાનમાં બેસી રહ્યો. જયારે તેને વિશ્વાસ બેઠો કે આ કોઈ છેતરપિંડી નથી એટલે તે ઉભો થયો અને કાચ ઉંચકીને પોતાના ખિસ્સામા મુક્યો અને ધીરે ધીરે સ્મશાનમાંથી બહાર નીકળ્યો. સવારના પાંચ વાગી ગયા હતા.

                    તેના ગયા પછી એક જટાધારી સાધુ ત્યાંથી બહાર નીકળ્યો અને સ્મશાનના દરવાજા સુધી આવીને અદ્રશ્ય થઇ ગયો.

ક્રમશ: