Mazdhare dubi duniya books and stories free download online pdf in Gujarati

મઝધારે ડૂબી દુનિયા

“લખમણભાઈ, લીજો. આતાને કાં’ક થઈ ગયુંશ.”

દરિયાના સીના ઉપર લાચાર બની તણાતા આઠ ખલાસીમાંથી એકની તીણી રાડ આવી. લખમણ સહેજે ચમક્યો. થાકીને લોથ વળી ગયેલા ખલાસીના મોઢામાંથી સરકેલો ભારેખમ નિશ્વાસ સાગરમાં સમાઈ ગયો.

ગભરાયેલો લખમણ એકાએક આવેશભર્યો એ તરફ ફર્યો. જોયું તો, ડુબાડુબ થઈ રહેલા પિતાના દેહને એક ખલાસી બાથમાં જકડવા મથી રહ્યો હતો. ક્ષણભરમાં તેના અંગે અંગમાં આછી ઝણઝણાટી દોડી ગઈ. બેબાકળા બની તેણે પિતાના શબ તરફ ઉતાવરી છલંગ મારી.

એટલીવારમાં તો આઘાતના આંચકા સાથે હૈયામાંથી ચિત્કાર ઊઠ્યો.

“બાપા...! બાપા...!”

લખમણના ગૂંગળાયેલા શબ્દો હવામાં જ થીજી ગયા. ગળામાં અટવાતો તેનો ઠંડો, થીજેલો, ભીનો શ્વાસ બે ઘડી શ્વાસનળીમાં જ રૂંધાઈ ગયો. હૃદય થડકારો ચૂકતું હોય એમ ધબકારા અસ્તવ્યસ્ત થઈ ઊઠ્યાં. બે હાથના ગાઢ આલિંગન સાથે તેણે પિતાના દેહને હળવેકથી હલબલાવ્યો. લચી પડેલા અવયવો નિસ્તેજ બની ગયેલા. ત્યાં પવનનો એક ફૂંકારો વીંઝાયો, ઠંડા પડી ગયેલા ડીલમાં થોડો સળવાળાટ થયો ખરો, પણ બીજા જ ફૂંકારા એ તો બધું મૌન. નિષ્કંપ નેત્રો ખુલ્લાં રહી ગયાં ને ધબકારા શાંત. ફરીવાર લખમણે દરિયાના દિલ ઉપર પોઢી ગયેલા પિતાના શરીરને હચમચાવ્યું. પણ ખલાસ... !! કાયામાં જરા સરખો પણ સંચાર ન થયો. દરિયાની ભીતર તરવા તરફળિયાં મારતા તેના થાકેલા પગ જાણે ક્ષણેક સ્થિર થઈ ગયા. છાતીમાં એક ઊંડો ચીરો પડ્યો: 'મારો બાપ...!' અને નેહ નીંગળતી આંખોમાં પીડા, વેદના, ગ્લાનિ મિશ્રિત ઊભરો બહાર ધસી આવવા મથામણ કરી રહ્યો. સગી આંખો પર ભરોસો નહોતો બેસતો. એટલીવારમાં તો કાળને પણ કંપારી છૂટી. અને તે સાથે જ...

મુઠ્ઠી જીવ હાથમાં લઈ ડૂબવાની અણી પર આવેલા સઘળા ખલાસી એકદમ સ્તબ્ધ ! માથેથી ધમપછાડા કરી વહેતાં પડછંદ મોજાં એકદમ સ્તબ્ધ ! ઉત્તર-દખ્ખણથી વીંજાતા વાયરાના સુસવાટા એકદમ સ્તબ્ધ ! અને દર્દીલું મૌન ધરીને ખામોશ બની ગયેલો મગરુબી મહેરામણ પણ એકદમ સ્તબ્ધ !

“આતાને, આધાત લાગી ગીયો, ભાઈ !” એક ખલાસીના સૂકાયેલા ગળામાંથી ઊંડો નિસાસો સર્યો.

દરેક ખલાસીની ટળવળતી આંખો અત્યારે લખમણ તરફ મંડાઈ. તેના વ્યથિત મોંની પીડાકારી રેખાઓ જ તેનું સઘળું દર્દ સમજાવવા સમર્થ હતી. આજ પહેલીવાર લખમણને લમણે વ્યથા દેખાઈ. ખારવાના દીકરાની આ ગમગીન, લાચાર અને વલોવાતી મનઃસ્થિત જોઈ ખલાસીના લબડી પડેલા પગમાંથી બચેલી શક્તિ પણ જાણે એક ઝટકે નીચવાઈ ગઈ. કોઈ ખલાસીની આગળ કશું બોલવાની હિંમત સુધ્ધાં ન ચાલી. બસ ! મૃત પિતા અને મૃત્યુની રાહ જોતા પુત્રના અંતિમ મિલન સમા દૃશ્યના તેઓ મૂક સાક્ષી બની રહ્યા. તેમના ગળામાં ભરાયેલો શ્વાસ વલોવાઈને ડૂમો બની ગયો. એ કેદ થઈ ગયેલો શ્વાસ માંડ માંડ ગળામાંથી થોડોક સર્યો... જાણે આંખ સામે ભજવાતાં એ કારમા દૃશ્યને તેમનું હૈયું કોઈ કાળે કબૂલ કરવા તૈયાર નહોતું. શું થઈ રહ્યું છે એનું ભાન ભૂલાઈ ગયું. બસ ! ફાટેલી બાર આંખો લખમણને તાકી રહી. શૂન્યમનસ્ક. અપલક. આજે પોતાના સશક્ત સુકાની લખમણ અને આ લખમણમાં જમીન આસમાનનો ફેર દરેકને લાગ્યો. કાંડામાં વધેલી થોડીઘણી હિમત પણ હવે રહી રહીને તૂટી રહી. સૌના ભાંગેલા ગૂડા સાવ ભાંગી પડ્યા. બધાને મનમાં થયું: 'નક્કી. હવે ગ્યાં. નહિ બચીએ હવે !'
અને...! ત્યાં ચીમળાઈ ઊઠેલો દીર્ઘ શ્વાસ ગળામાં મૂંઝાયો. અને છયે ખલાસીના સુકાયેલા કંઠે ખારો શોષ બાઝી ગયો. ખાલીપો જાણે ખૂણે ખૂણે ફરી વળ્યો.

દૃશ્ય જ કાંઈ એવું સર્જાયું.. મોત તો દરેકની માથે મંડરાતું હતું. ભયનો ઓછાયો તો દરેકને હંફાવતો હતો.. દરેકની જીંદગી પર અત્યારે જલધિનાં જોરાવર જળ ફરી વળેલાં. મરવું તો લગભગ સૌનું નક્કી. તે છતાં પરાયા મોત પર આંસુ નીકળી જતાં હતાં. 'શા માટે રુદન કરવા હૈયું તડપતું હશે !' કોઈને ન સમજાયું. કદાચ એક પિતાતુલ્ય વડીલનું મોત હતું એટલે ? એ પણ મધદરિયે દીકરાની હયાતીમાં ! લાચાર બની ગયેલા દીકરાની સામે. નહીં... નહીં.. કદાચ જિંદગી આખી જેણે દરિયાને દેવ માની એના ચરણે કાઢી, એ જ રત્નાકરને પોતાનો છેલ્લો શ્વાસ પણ સોંપી દીધો એ માટે. પિતાના લબડી પડેલા અંગો દરિયાના ખારા પાણી સાથે આમતેમ ફંગોળાઈ જતાં હતાં. લખમણે ફરીવાર પિતાના ધબકારા સાંભળવા હાથ છાતી પર મૂક્યો. પણ.. અફસોસ ! ધબકારા સાચે જ મૌન બની ગયેલા. પ્રાણ પંખેરું મહેરામણની માછલી બની ઊંડા પાણીમાં સરકી ગયું હતું. ફરી ભારે નિસાસો અનાયાસે સરી પડ્યો. .

"આ તો આપણા ભાગ્યની ભૂંડી કરામત શે, દીકરા ! ઈ તો હવે ભોગવે જ છૂટકો." બીજા એક વડીલ જેવા ખલાસીએ નજીક આવી, લખમણને સાંત્વના આપી.

અંદરથી પગ ખેંચતો હોય એમ દરિયો શબને ઊંડે ખેંચી જવા મથ્યો. લખમણે પિતાના શબને જેમતેમ બાથમાં જકડ્યું. પણ, પિતાનો અચેતન દેહ જાણે દરિયામાં જ દફન થઈ જવા માંગતો હોય એમ હાથમાંથી સરકી જવા લાગ્યો. ભીતર વલોવાતું ઊર્મિવલોણું તેનું હૈયું હચમચાવી ગયું. સાથી ખલાસીઓની તાકી રહેલી અસહાય નજર પણ તેને યાદ ન રહી. ક્ષણભર બધું વિસરાય ગયું. દરિયો... ખલાસી... વહાણ... મોજાં... પવન... ભૂખ... તરસ.. બધું જ. બસ ! પોતાનું આખેઆખું અસ્તિત્વ અત્યારે દરિયાનાં ડહોળા પાણીમાં ઓગળી રહ્યું ન હોય ! પિતા સાથે જ ! એનું ખાલીખમ હૃદય શૂન્યમાં સરી પડ્યું. પોતે કરેલી ભૂલ કહો કે જીદ. હઠ કહો કે આત્મવિશ્વાસનો અતિરેક. પણ બધું જ ખતમ ! દિલમાં જાણે હજારો શૂળ એકસાથે ભોંકાયાં. ગમે તેમ પણ તેને ઉપડેલી પીડા અસહ્ય હતી. દર્દનાક હતી.

"બાપા... ! બાપા... !" ફરી વેદનાને વાચા ફૂટી. શબ્દો લખમણના મોંમાંથી ઘૂંટાતા... ઘૂંટાતા... સર્યા.

ત્યાં, મૌન બેસેલા ઈર્ષાળુ દરિયાએ માથું ઊંચક્યું. એકાએક દરિયો દાનવ થઈ દયાહીન બન્યો. બીજી જ ક્ષણે ઝનૂન સાથે માથે પટકાયો. ઘડીભર સાતેય ખલાસીનો શ્વાસ નસકોરાં વચ્ચે અટવાઈ ગયો. સીનામાં પડેલા ચીરા પર આ પડછંદ મોજાં જાણે મીઠું ભભરાવી રહ્યા હોય એમ લખમણને કાતિલ વેદના ઊપડી આવી. થર્મોકોલના સહારે ડૂબકાં લેતા ખલાસીએ ઊછળેલાં મોજાં સાથે હાથની પકડ મજબૂત કરી લીધી. લખમણે એકદમ પિતાના દેહને આગોશમાં જકડી રાખ્યો. દૂર આકાશને આંબવાં દોડતાં હોય એમ પહાડી મોજાં ખલાસીનાં માથેથી ઠેકીને જતાં રહ્યાં. તેનું સળગતું દિલ દ્રવી ઊઠ્યું. જાણે એ દરિયાને બૂમ પાડીને કહેવા જતો હતો:'લે, તું પન હવે પારખું કરી લે.. ! બાપને તો ભરખી ગયો, અમીને પણ....' જોકે મોં સુધી આવી ગયેલાં શબ્દોને તે હોઠ વચ્ચે જ ગળી ગયો. હજી વધારે કંઈક સૂઝબૂઝ આવે એ પહેલા તો એક ભયાનક સવાલ લમણે ઝીંકાયો: ' પણ હવે ? હવે શું કરવું ?'

પાણીમાં સરકી જતાં પિતાના મૃતદેહને ઊહકારા સાથે છાતી સરસો ચાંપી રાખ્યો, ત્યાં તો પોતાની છાતીમાંથી ફાટ ફાટ થતા ધબકારા જાણે બોલી ઊઠ્યાં: 'પન.. બાપના દેહને રખડતો થોડો મેલી દેવાઈ !’

તે આવેગમાં આંખો મીંચી ગયો. બીજી જ પળે એક વેધક નજર ધીંગા દરિયા પર નાખી. તેની સૂજેલી આંખોમાં દર્દ ઘૂંટાતું હોય એમ ઝીણી કીકીમાં બળતરા ઊઠી.

નિરાધાર તણાતાં અન્ય ખલાસીઓને પણ આ ભૂંડા દરિયા પર દાઝ ચઢી. 'આખરે સૌનો અંજામ એવો જ થવાનો ?' આ વિચાર તેમના અંગે અંગને ફરી એકવાર તડપાવી ગયો. લખમણે આવેશમાં પોતાને મનોમન ધિક્કાર્યો. તેનું તૂટેલું હૈયું ખળભળી ઊઠ્યું :'બિચારા આ બધી પન મારા કારણે જ મોતના મોઢામાં ફસાણા !'

દરિયાના પેટાળમાં તરવા તરફડિયાં મારતા તેના પગ હવે તદ્દન લબડી પડ્યાં. નસે નસમાં દોડતું ગરમ લોહી ઠરીને હિમ બની ગયું. તે લાચાર વેદના સાથે સતત તૂટી રહ્યો.

લખમણ જ્યારથી સમજતો થયો ત્યારથી પિતાએ દરિયાને સોંપી દીધેલો. ત્યારે પિતાની એક આંખમાં દરિયો સમાતો, તો બીજી આંખમાં લખમણ. આમેય એનો બાપ બંદર આખામાં એક અલગ જ જાતનો ખારવો હતો. એ ક્યાં તો કિનારે ઊભેલા એના ઘરમાં મળે, ક્યાં તો એના વહાણમાં. એ જ એનું સાચું સરનામું. દરિયાલાલની દુનિયામાં એણે દાયકા કાઢી નાખેલા. સઢથી ચાલતા નાનકડા મછવાથી લઈને છેક મશીનથી ચાલતા આધુનિક વહાણો સુધીનો સમય એણે જોઈ નાખેલો. જિંદગી આખી દરિયો ડહોળવામાં જ કાઢેલી. ન કોઈથી મતલબ, ન કોઈ સાથે જીભાજોડી. બસ ! મસ્ત ફકીર જેવો માછીમાર. બચપણમાં નામ તો માબાપે નથો રાખેલું. પણ બંદર આખું 'નથોભૂત' જ કહેતું. દેખાવે લાગતો પણ એવો જ. અસલ દરિયામાં ભટકતા ખારા પાણીના ખવીસ જેવો. ધંધા સિવાય જાણે કાંઈ દેખાતું જ નહીં. દરિયો ભલો અને પોતાનું વહાણ ભલું. વધી ગયેલી દાઢીનું પણ કોઈ ભાન કરાવે ત્યારે માંડ અસ્તરો ફેરવે. મોટું કપાળ, જાડા વિખરાયેલા વાળ, ભોળપણ પાછું ચહેરામાં વણેલું લાગે, પણ ચાલવાની અદામાં લાપરવાહી ટપકે. આમ તો ખૂબ ઓછાબોલો પણ જ્યારે બોલે ત્યારે શબ્દોમાં ખુમારી રણકે.

જેમ પોતે દરિયાનો દિવાનો, એમ પાછો દીકરા પાછળ પણ પાગલ. દરિયાલાલનો કસબ દીકરાની નસે નસમાં ભરી દેવાની એને જાણે ઉતાવળ રહેતી. લખમણ પંદરેક વર્ષનો હતો ત્યારથી જ તેને પોતાની સાથે વહાણમાં લઈ લીધેલો. તેના કુમળા હાથમાં જાણીજોઈને મજબૂત રાંઢવા પકડાવી દેતો. જોકે નથો, નાનકડા લખમણને દરિયામાં લઈ જતો ત્યારે બંદર આખું તેને ધિક્કારતું. સામે સૌ ઠપકાભરી નજર જોતા. સગાસંબંધી તો કહેતા પણ ખરા:
"નથા, લખમણ હજી નાનો શે. ઈને હુંકરવા બા'ર લઈ જાઈશ ! કાલ હવારે દરિયામાં કીક હારું હાંહતું થયું તો ?"

નથો રહસ્યમય હાસ્ય ફરકાવી નીકળી જતો. કાંઈ પણ જવાબ આપ્યા વગર. ભીતર જરા ચુભન થઈ આવતી. જાણે સમુદ્રમંથનમાંથી નીકળેલા પેલા હળાહળ ઝેરના ઘૂંટડા પોતે ગળે ઉતારતો હોય એવી સહનશીલતા તેના વદન પર ક્ષણિક દેખાતી. મનોમન પાછો મૂછમાં હસી લેતો. જાણે કહેવા માંગતો હોય :'નાનો શે પન નાગનું બચ્ચું શે હો !' થોડીવારમાં જ પાછો વાતને ગણકાર્યા વગર પોતની મસ્તીમાં ડૂબી જાય.

એકવાર તો ખુદ એની પત્નીનાં મોઢે શબ્દો આવીને અટકેલાં.

"અમણાં બા'ર વાવડો-મોજો વધારે શે તી મારા લખમણને આ ફિસિંગ રે'વા દિયોની !"

"અરે ! મારા જેમ ઈ પન આ ખારાં દરિયાની પેદાશ શે, આ આખરના દરિયાની હું તાકાત કે મારા લખમણને ડરાવી હકે ! " ફૂલાવેલી છાતીએ શ્વાસ લેતાં, તેણે પત્નીની આંખમાં આંખ પરોવી.

"પન, મારા દીકરાને થોડોક મોટો તો થાવા દિયો." પત્નીનો અવાજ થોડો ઢીલો પડતો. જ્યારે નથાને ઉલટાનો જોશ ચઢતો.

"ઈ ખારવાનો દીકરો શે તો વે'લા મોડો ધંધો તો હિખવો જ પડીએ ને ? ને હું હયાત શે તાં લાગીમાં ઈને દરિયાના પાઠ ભણાવી દઉને." તેણે ઉત્સાહભેર બોલતા બીડી સળગાવી. એક બે ઊંડા કશ ખેંચ્યા પછી દૃઢતાથી ઉમેર્યુ:

"મારા પશી આ વા'ણ, ઈને જ હમભારવાનું શે ને !"

"હાં, ઈ તો શે, પન.... !" પત્નીનાં મુખે મુંઝવણ ડોકાઈ.

"અરે ! ઈ તારા જેવી ખારી ખારવણનો દીકરો શે, પછી હું બીવાનું હોય !" નથાના જોશીલા સ્વરમાં જાણે સાગરના સૂસવાટા ફૂંકાતા.

"તમીને કોઈ રીતે નઈ પુગાઈ ! " છણકો કરતાં પત્ની ચાલી જતી. પાછી જતાં જતાં નાનકડાં લખમણ તરફ ફરીને ઠાવકાઈથી ઠપકો દઈ દેતી.

"લખમણ તું પન જો'જે ! કાં'ક તારા બાપ જીવો થાતો."

નાનકડો લખમણ માતાપિતા સામે ધીમું ધીમું મલકાતો.

"દીકરો તો બાપ જીવો જ થાયને ! જોતી નથી, જાવા હાટું મારી પે'લા તિયાર થઈ ગ્યોશ." નથાએ મોં પર હાસ્ય રેલાવતાં પત્નીને વટથી સંભળાવ્યું. બેક્ષણ મીઠું મલકાતાં લખમણ તરફ ફર્યો. દીકરા સામે હસ્યો. અને મીઠી રિસામણ સાથે ચાલી જતી પત્નીની પીઠ જોતો રહ્યો. પછી સ્વગત બબડતો હોય એમ ધીમેથી ગણગણ્યો.

"આ ધીંગા દરિયાનો કબસ દીકરાને નીં હિખાડું તો હું ખારવો શેનો ? હું નઈ હોય તવાર પન વા'ણ તો ઓયેને ! " કહેતા નથો સોનેરી સપનામાં સરી પડેલો.

પછી વહાણ તરફ જતાં નાનકડા લખમણના માથે ગર્વભેર હાથ ફેરવતો. નાનકડો લખમણ બાપના ચીંધ્યા ચીલે ચાલી નીકળતો. બાપ-દીકરા બન્નેને વહાણે આવતાં જોઈ દરિયો મનમાં હરખાતો. જાણે ઉમંગમાં બોલી પડતો:'આવો મારા લાડકા દીકરા, આવો !' વહાણે પહોંચતા સુધી, પિતાનો હાથ લખમણના ખભે રહેતો. ફરતો.. વ્હાલભર્યો.

લખમણને આંતરિક શક્તિ બક્ષતો એ ખરબચરો, હૂંફાળો, પ્રેમાળ હાથ જાણે હમણાં જ માથે ફર્યો હોય એમ તેની છાતીમાં ઊભરો ચઢી આવ્યો. અંતર ફરી ચિરાયું. દરિયાની કિનારી પર મૃત પિતાના વાળ, મરક મરક રેલાતાં હતા. પિતાએ કદી તેને મનમુતાબિક ઓળવ્યા નહોતા. આમેય લોકો 'ભૂત' જ કહેતા, એ પણ દરિયાનો ! આજે એ 'ભૂત' ભૂતકાળ બની ખોવાઈ ગયો. એ જ દરિયામાં ! 'કોના વાંકે ?' પાછો એ જ પ્રચંડ પ્રહાર જેવો પ્રશ્ન કાળજે ડંખ્યો. અને.. અને, પીડા પાછી જોર કરી ઊઠી. તેને અત્યારે ખુલ્લા મને રડી લેવાનું મન થયું. બધાં સામે. ખુલ્લા મને. આંસુ આંખની કિનારી સુધી પણ ધસી આવ્યા, પરંતુ બહાર નહીં.. જણે અંદર કોઈ રોકી રાખતું હતું.

બાપે દરિયાની ગલી ગલીમાં ફેરવીને તેને બાહોશ સુકાની બનાવેલો. દરિયાવાટના નકશા તેની આંખોમાં છાપી દીધેલા. પિતાની ખુલ્લી રહી ગયેલી વૃદ્ધ આંખોને તેણે હળવેકથી બંધ કરી. અચેતન શરીરને ધ્રુજતા હાથે પંપાળ્યું. અને ઘડીના છઠ્ઠા ભાગમાં તેણે મક્કમ મનોબળ સાથે પિતાની લાશને પોતાની કમ્મરે બાંધી દીધી. હાથ ધ્રૂજયા, ત્યાં શબ પાણીમાં સરકી ગયું. એટલીવારમાં તો હૃદયમાં ઊમટી આવેલી સંવેદનાઓ મન ઉપર હાવી થઈ ગઈ. મહામહેનતે બાંધી રાખેલા બંધ જાણે તૂટી જ ગયા. એક ચિનગારી હૈયામાં સળગી. અને જોતજોતામાં એ તણખો દાવાનલ બની ગયો. એ આગથી ભીતર વધારે દાઝયું. ભૃકુટી તંગ બની ખેંચાઈ. અને ગઈ સવારની એ ગોઝારી ઘટના મનમાં ઊછળી આવી. સગી આંખે જોયેલા એ ભયાનક દૃશ્યથી આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યા. મન:ચક્ષુ સમક્ષ પ્રસંગ આખો સજીવ થયો. અને, સળગતો લખમણ અતીતની અંધારી ગલીમાં ગુમ થઈ ગયો.

પિતાનું એકનું એક માનીતું વહાણ, તેની નજર સામે દરિયામાં ઓગળી ગયું.... આ દૃશ્ય ફરી માનસપટ પર હાવી થઈ જતા તેનું હાંફી ગયેલું હૈયું કકળી ઊઠ્યું. ભીતર ભયાનક તોફાન ઊઠ્યું હોય એમ અંતર હાથમાંથી છટકીને દરિયાનાં પાણીમાં સમાઈ જવાં લાગ્યું. તેણે આવેશમાં ફરીવાર આંખો બંધ કરી લીધી. કાનમાં ઘૂઘવાટા બોલ્યા. ત્યાં તો આજ વહેલી સવારના પિતાના પેલા શબ્દો જાણે ફરી કાનમાં અફળાયા:

“લખમણ, વા’ણ ધીમું રાખ. હામે ઈસ્ટીમર જાઈશ !” સ્વરમાં અનુભવનો રણકો ભળ્યો હતો.

“પન, આપણે ઈની પે’લા નીકળી જાયું બાપા !"તે આત્મવિશ્વાસના અતિરેક સાથે મક્ક્મ રહેલો.

"નહીં નીકરાઈ. પાછો રાખ જલ્દી." પિતાની રાડ લખમણે કાન નીચેથી કાઢી નાખી.

"તમી જોવ તો ખરી, બાપા ! નીકળી જાયું... હજી ઘણી છેટી છે." જાણે રીતસરની જીદ પકડી હોય એમ ગુમાનભેર બોલેલો.
"એમ ખાલી લાગે આપણે. આઘરે આવી જાય પડખે." સૂર લખમણના કાને પડ્યો, પણ તેણે સ્વીકાર્યો નહિ.

સ્ટીમરની પહેલાં ઉતાવળે નીકળી જવાં તેણે વહાણની ગતિ વધારેલી. વહાણ દરિયાની છાતી ચીરીને દોડ્યું... અંધકારમાં ઝબુકીયા ડુંગર જેવી સ્ટીમર પૂરપાટ ચાલી આવતી હતી. અભિમાનભરી એના રસ્તે. વહાણને એનાથી હવે માંડ થોડું છેટું. વહાણે પણ આંધળી દોડ મૂકી. જાણે હઠે ચડ્યું ન હોય ! લખમણ જેમ. અંધકાર હજી દેખતો નહોતો થયો. સૂર્ય તો હજી સૂતો હતો. આંચકાભેર લખમણે સુકાન એક તરફ મરડયું. હાંજા ગગડી જવા લાગ્યા. સૌની નજર પેલા કાળ પર ચોંટી. તે મરણિયો બન્યો, ને છેલ્લું બળ અજમાવી જોયું. ત્યાં, આંખના પલકારામાં એ અંધારિયો ગઢ સાવ સમીપ ધસી આવ્યો. વહાણનો મોરો તો સ્ટીમરની હદ વટાવી ગયો. પણ.. !! જીવ તાળવે ચોંટી રહ્યો. શ્વાસ અને સમય થંભી ગયા. જોરદાર જીદ સાથે સ્ટીમર ટકરાઈ. એક પ્રચંડ ગર્જના ! હૈયાફાટ ચિત્કાર ! અને તે સાથે પળના પલકારામાં બધું ખતમ. વહાણ સાગરના પેટમાં.. હાંફતા હાંફતા..

જે હાથ આવ્યું તે પકડી ખલાસીઓ બચવા માટે વલખાં મારતા રહ્યા. આંચકા સાથે તેનો બાપ દૂર ફંગોળાઈ ગયેલો. ધીરે ધીરે વર્ષોના સંભારણાં સંકેલીને ગરક થતા પોતાના વહાણને પિતાની વૃદ્ધ નજર તાકી રહી હતી. લખમણથી દૃશ્ય ન જોવાયું. તેની આંખો સંકોચના ભારથી લચી પડી.

એકાએક દરિયાની ભયાનક ડણકથી તે ઝબક્યો. કમ્મરે બાંધેલી બાપની લાશને સ્પર્શ કરી, ખાતરી કરી લીધી. ત્યાં સામે એક સાથી ખલાસી ડૂબકા લેતો દેખાયો. તેના ભરોસે ટકી રહેલા બીજા છ ખલાસીના વિચારથી તે ચેતી ગયો. તેણે કમજોર થતાં કાળજા પર પથ્થર રાખી દીધો. મનોમન હિંમત એકઠી કરી. ચહેરા પર ઊપસી આવેલા ગમગીન ભાવને દરિયાના ખારાદવ પાણીથી ધોઈ નાખ્યા. જાણે કંઈ થયું જ ન હોય એમ તેણે ચહેરા પરના ભાવ બદલી નાખ્યા. બીજી જ ક્ષણે ખલાસીને કાને લખમણનો પહાડી અવાજ પડઘાયો. જાણે એક બાહોશ સુકાની દરિયાને પડકારતો ન હોય !

"ડરતા નીં હજી પન કોઈ ! હિંમત રાખજો. જોવ, મારો હગો બાપ મરી ગયો તોય મેં એક રૂંગુ નથી પાડ્યું." મક્કમતાથી તે તાડૂક્યો. વળી ઊંડો શ્વાસ લેતા ઉમેર્યું.

" ભૂલતા નીં આપણે જાતના ખારવા શે ખારવા. મરે પન હારે નીં." ચોમેર ફેલાયેલા અસંખ્ય મોજાંઓ અત્યારે નિરાધાર તણાતાં માનવીની જબાન પર હસી પડ્યાં.

“એ... ના, કો’કનું વા’ણ દેખાઈશ. જો ઝાંખા ટપકાં જીવું દેખાઈ !" ઉત્સાહમાં ઊઠેલી એક રાડ હવામાં ગુંજી ઊઠી.

દરેકની સ્તબ્ધ નજર દૂર ક્ષિતિજ પર ચોંટી ગઈ. હા, સાચે જ એક ટપકું ધીરે ધીરે મોટું થતું હતું. કદાચ કોઈક અજાણ્યું વહાણ હશે. બધા ખલાસીએ ટાળવળતા ચહેરે હાથ હલાવી ઇશારા કર્યા. "બચાવો.. બચાવો.." સર્વત્ર બુમરાણ મચી. લખમણે હાથ પગની મથામણ વધારે જોશથી આદરી. હૈયામાં ક્ષણિક આશા જન્મી. તે અજાણ્યું વહાણ સતત નજીક સરકતું આવ્યું. ઉતાવળે રાંઢવાનો ઘા થયો.એ વહાણનાં અજાણ્યા ચહેરા પેરસા પર ટોળે વળ્યાં. ઉત્સુકતા વધી. અધીરાઈથી સૌના હૈયા થડકારો ચુક્યા.

“પે’લા, આ સેરો ખેંચો.” કહેતા લખમણે, જિંદગીની સોગાત લઈને આવેલા, વહાણના ખલાસીને ગળગળા થતા હાથ લંબાવ્યો.

જોયું તો, પેલા વહાણનાં ખલાસીની આંખો ફાટી રહી ગઈ. કમ્મરમાં બાંધેલ દોરડા સહિત એક લાશ બહાર તરી આવી. ફૂગરાઈ ગયેલી ચામડીવાળી સફેદ કાયા વહાણના સથા પર સુુુવાડી દેવામાં આવી. અનિમેષ નજરે દરિયો જોતો રહ્યો, ખલાસી જોતા રહ્યા અને લખમણ જોતો રહ્યો. બાપને... તેની દુનિયાને... પોતે બચી ગયો, ને આખો મહાસાગર જાણે મરી ગયો. લખમણ માટે. હવે આંસુ રોકવા કઠિન હતા. લખમણ, પળમાં સુકાની મટી દીકરો બની ગયો. અને...
અત્યાર સુધી રોકી રાખેલો ખારો દરિયો આંખોમાંથી બહાર ધસી આવ્યો.

આંતરડી કકળી ઊઠી : "બાપા....! એ બાપા !! "

અને, ઊઠેલો એ આર્તનાદ મહેરામણનું કાળજું વીંધી ગયો.

-વિષ્ણુ ભાલિયા 'ખારવા' (જાફરાબાદ)