PAPAD KHAVANI PAN MAZA CHHE books and stories free download online pdf in Gujarati

પાપડ ખાવાની પણ મઝા છે...!

પાપડ ખાવાની પણ મઝા છે...!

સો માંથી પોણા-સો ટકા એવાં હશે કે, જેને ખબર જ નથી, કે થાળી ભરાયને ખાધ પડી હોવા છતાં, લોકો પાપડ શું કામ ભચેળતા હશે..? પાપડ સંપૂર્ણ ખોરાક નથી, વધારાનો ચટાકો છે. એવું સમજતા હોવા છતાં, અમુક તો ખોરાકની જેમ પાપડ ખાય, ને પાપડની જેમ ખોરાક ખાય..! પછી ઘરવાળી એમ જ કહે ને કે, અમારે ત્યાં તો એના પપ્પા સાવ પાપડ જેવાં છે, શેકો તો જ સ્વાદિષ્ટ લાગે. આપણે તો સમજીએ કે, પાપડ-અથાણા-ચટણી ને મુરબ્બા એ ગુજરાતીને મળેલું વરદાન છે. ગુજરાતીનો પીછો એ નહિ છોડે. છતાં કોઈપણ વાતની હદ હોય યાર..? ટ્રેનમાં મુસાફરી કરતી વેળા ટીકીટ લેવાનું ભૂલે, પણ પાપડ-પાપડી ને થેપલાં નહિ ભૂલે,..!

પાપડ જાણે ગુજરાતીનું બુદ્ધિવર્ધક ચૂરણ હોય એમ, વિશ્વમાં બૂઊઊઊમ તો પડાવી દીધી ..! મોદી સ્ટાઈલના ઝભ્ભા ચઢાવીને લોકો ટહેલતાં થઇ ગયાં. આવનાર બે-ચાર દાયકામાં એવું બને તો નવાઈ નહિ કે, વિશ્વના ધોળિયાઓ પણ ધીતીયું-બંડી ને કફની ચઢાવીને માતાજીના ગરબા ગાતા થઇ જાય કે, “મોમ..પોવા ટે ઘૂરતી ઉટરિયા મા ઓમ્બે મા..!” લાગે છે તો એવું જ કે, ધોળિયાઓ ભારતમાં આવીને છકડા ચલાવતા નહિ થઇ જાય તો સારું..! મને તો પેલી લોકવાયકા પણ દમવાળી લાગવા માંડી કે, “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.’ ગુજરાતના બબ્બે વડા પ્રધાને દેશ-વિદેશમાં ડંકા વગાડી દીધાં દાદૂ...!

યે સબ પાપડકી કમાલ હૈ. ‘ જ્યાં જ્યાં પહોંચ્યા પાપડ, ત્યાં ત્યાં ચમરબંધી થયાં ચોપડ..!” અંગ્રેજોને પણ કઢી-ખીચડી-પાપડ-અથાણા ને થેપલા એવાં જચી ગયેલાં કે, ભારત છોડવાનું નામ નહોતા લેતાં. પણ બાપુ તો વાણીયા ખરા ને..? એ પામી ગયાં કે, સાલા “ઘરના છોકરાં ઘંટી ચાટે, ને અંગ્રેજો અહિ જમાવટ કરીને, અથાણા-પાપડ-ખીચડી-કઢીની જિયાફત ઉડાવે છે..!’ કદાચ એમાંથી જ આઝાદીનું રણશિંગું ફુંકાયું, ને ‘કવીટ ઇન્ડીયા’નું બ્યુગલ પણ ફુંકાયું...! આઝાદીની લડત વખતે, આપણે તો હતાં નહિ, પણ આ તો એક અનુમાન..!

પાપડ એ ગુજરાતની શાન છે મામૂ..! ગુજરાતી ભાયડાની માફક આપણો પાપડ પણ વિશ્વમાં ‘મહાન છે. વિદેશમાં જેટલાં ગુજરાતી નથી પહોંચ્યા, એના કરતાં અનેક ઘણા આપણા પાપડ પહોંચ્યા..! અમેરિકાના પેલા ‘નાશુ’ ( આઈ મીન ‘નાશા’ ) એ ભલે મંગળ સુધી રોકેટ મોકલ્યા હોય, પણ પણ આપણા જેવાં પાપડ બાનાવીને દેશ-વિદેશમાં મોકલે તો માનુ કે, ટ્રમ્પમાં જમ્પ મારવાની તાકાત બેમિસાલ છે..! એને તો ખબર પણ નહિ હોય કે, આપણા ગુજરાતીએ કંઈ કેટલાં તમારા ધોળિયાઓને પાપડ-પાપડી-અથાણા-મુરબ્બા-થેપલા ને છુંદાના રવાડે ચઢાવી દીધાં..! મસમોટાં કેમેરા લઈને ભારતમાં ભમતા ધોળિયાઓને જોઇને બહુ હરખાવાનું નહિ કે, એ લોકો કુતુબ મીનાર કે તાજમહાલ જોવા જ આવે છે. કે ગુજરાતમાં ‘યુનિટી ઓફ સ્ટેચ્યુ’ જોવા આવે છે..! એ માટે નથી આવતાં, પણ આપણે જેમ કેરીગાળો કરવા બહારગામ જઈએ, એમ એ લોકો પાપડ-ગાળો કરવા જ ગુજરાતમાં આવે..! આપણો ગુજરાતી પાછો નરસિંહ મહેતાના પ્રભાતિયા જેવો...! ‘પીડ પરાઈ જાણે રે’ ની માફક પાડોશમાં કોઈ આફ્રિકન ભાભો રહેતો હોય, તો એને પણ પાપડનો નશો કરાવી આવે. પાપડનો નશો ચઢ્યા પછી, ભાભો પણ બોલતો થઇ જાય કે, “ઓમ્બો માકુ જેએએએ..! પાપડથી ધરાયો ના હોય તો, ઊંઘમાં પણ ‘પોપડ..પોપડ..પોપડ...!’ બોલતો થઇ જાય..!

આપણો ગુજરાતી એટલે ગુજરાતી. એ ભલે ફીક્ષ ડીપોઝીટની માફક ડોહા-ડોહીને દેશમાં ચાર દીવાલ વચ્ચે છોડીને ગયો હોય, એને ડોહા-ડોહી વગર ચાલે, પણ દેશના તડકે સૂકવેલા પાપડ વગર નહિ ચાલે. ડોહા-ડોહી તો કદાચ ઓછાં યાદ આવતાં હશે, પણ પાપડ ને થેપલાં તો એને રોજ જ યાદ આવે. લંડનની ટેમ્સ નદીની ચોપાટી પણ પાપડ ને થેપલા વગર ગામની ખાડી જેવી લાગે. એટલે તો, ડોહા-ડોહીને પરદેશ નહિ બોલાવે, પણ પાપડ-પાપડી-ને અથાણાના પાર્સલ અચૂક મંગાવે..! ગુજરાતીની આ ખાસિયત , એ દેશ છોડી શકે, પણ ચટાકા નહિ છોડી શકે. ડોલર-ને પાઉન્ડ ભલે ત્યાંના વિદેશના ખાતો હોય, પણ પાપડ તો એ ગુજરાતનો જ ખાવાનો...!

આ બધાં ચટાકાના મામલા છે મામૂ..! ગુજરાતી હોટલમાં જમવા જાવ ને, થાળી જો પાપડ વગર આવી તો, એ થાળી પણ એને વિધવા બાઈ જેવી લાગે. તાજ વગરનો રાજા ચલાવી લે, પણ પાપડ વગરની થાળી નહિ ચલાવે. ભલે ને થાળીમાં ઊંચા કુળનું મિષ્ટાન કેમ ના પીરસાયું હોય..? પણ પાપડ નહિ હોય તો વગર પાણીએ ટેબ્લેટ ગળતો હોય એવું વંકાયુ મોઢું કરે. આપણને એમ જ લાગે કે, વડીલને મોંઢે લકવાની અસર આવી કે શું..? થાળીમાં પાપડ-પાપડી-અથાણું-કચુંબર ને તળેલા લીલા મરચાં પડયા હોય તો જ, થાળી એને અખંડ સૌભાગ્યવતી લાગે..! પાપડ-પાપડીવાળી થાળીનો આખો રૂઆબ જ જુદો. થાળીમાં પડ્યાં હોય ત્યારે એવાં સુંદર લાગે કે, જાણે આ નવયુગલ આપણા આર્શીવાદ લેવા આવ્યું કે શું..? આસન જમાવવાનો એમનો મિજાજ જ કોઈ અલગ. મુકેશ અંબાણીના પરિવારમાંથી કોઈ યુગલ પગે લાગવા આવ્યું હોય એમ, થાળીનો ભભકો વધારી દે. ૭૦ની થાળી ફાઈવ સ્ટાર હોટલની ૭૦૦ ની થાળી જેવી લાગે. ગુજરાતીનો તો ભપકો જ નોહો. પછી તો જેવું જેનું વોશરૂમ, એવી એની ખાધ..! કોઈનો હાથ ‘પાપડી’ ઉપર વધારે પડતો હોય તો, એવું અનુમાન નહિ કરવાનું કે, ભાઈનામાં સ્ત્રી જાતિ માટે ભારોભાર પ્રસન્નતા છે, એટલે પાપડને બદલે પાપડીમાં હાથ વધારે મારે છે. ને પાપડ જ જો વધારે ઉલેળતો હોય તો એવી શંકા પણ નહિ કરવાની કે, ભાઈ પુરુષ પ્રધાની છે. આમ તો અથાણું નાન્યતર જાતિમાં આવે ને ભઈલા..? જેવી જેની મૌજ..! તુંડે તુંડે મતિર ટેસ્ટા..!

પહેલવહેલી કઈ ભેજાંબાજ સ્ત્રી હશે કે, જેણે એની સર્જન શકિતને કામે લગાવીને પાપડ ઉપર પહેલું વેલણ ફેરવ્યું હશે..? સમુદ્રમંથનના સમયે તો આ પાપડ નથી જ નીકળ્યો, એની સો ટકા ખાતરી. એવું હોત તો તો, શબરીજીએ શ્રીરામજીને માત્ર એંઠા બોર થોડાં ખવડાવ્યા હોત..? બોર સાથે પાપડનો ચૂરો પણ શ્રી રામને ચખાડ્યો હોત...! પણ જેને જીરું અને વરિયાળી ઓળખવામાં ફાંફા પડતાં હોય, એવાં પુરુષનું નામ તો પાપડના શોધક તરીકે લઇ જ ના શકાય..! એક તો ‘મુન્ની બદનામ હુઈ’ ની માફક, પુરુષના માથે મહેણું તો છે જ કે, ‘ એનાંથી શેકેલો પાપડ પણ નહિ ભાંગી શકે..!’ એ વળી પાપડ બનાવે..? એની તાકાત શું કે, વેલણના કાર્યક્ષેત્રમાં એ જઈ શકે..? સમજદારીની વાત છે ને દાદૂ..!

તો પછી પૃથ્વી ઉપર આ પાપડને લાવ્યું કોણ..? સાચ્ચું કહું, એ ટેન્શનમાં ને ટેન્શનમાં હું કંઈ કેટલાં લુખ્ખા પાપડ ઉલાળી ગયો હશે..! છતાં ઉકેલ નથી મળ્યો. કોઈએ કહ્યું કે, શૌચાલય (વિચારાલય) માં જઈને વિચારો. કદાચ ત્યાં તમને એનો ઉકેલ મળી જાય. તમે માનશો નહિ, લોકો હોલીડે કરવા હિલ સ્ટેશન ઉપર જાય, એમ હું કામધંધા વગર, એક અઠવાડિયું શૌચાલયમાં પડી રહ્યો. થયું એવું કે, ગૂંચ ઉકલવાને બદલે, નવી ગૂંચ વધી..! કે આ પાપડી પાપડની શું સગી થતી હશે..? વર-કન્યાના જોડાંની જેમ આ બંને સાથે ને સાથે કેમ..? એના કપાળમાં કાંદા ફોડું, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનો ઈતિહાસ સમજાયો, પણ આ પાપડ-પાપડીનો ઈતિહાસ મારા હાથમાં હજી સુધી આવ્યો નથી..! એના કપાળમાં કાંદા ફોડું, હજી ફાંફા મારું છું...!

હાસ્યકુ :

પતિપાપડ

ને પાપડી છે ભાર્યા

અમર રહો

-------------------------------------------------------------------------------------------