MANGAL - 18 in Gujarati Adventure Stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 18

મંગલ - 18

મંગલ

Chapter 18 -- પિતા પર સંકટ

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ અઢારમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલ પોતાનાં બાળપણ અને તરુણાવસ્થાનાં સ્મરણોમાં સરી પડે છે અને તેને ધાની અને પોતાનું બાળપણ યાદ આવે છે. કાનજી વાઘેર નામનાં તેનાં પિતાનાં મિત્ર સાથેની દરિયાઈ સફર યાદ આવે છે. આગળ શું થયેલ તે જાણવા માટે વાંચો...

દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું અઢારમું પ્રકરણ

મંગલ Chapter 18 -- પિતા પર સંકટ

Chapter 18 – પિતા પર સંકટ ગતાંકથી ચાલું...

કાનજી મંગલની મૂંઝવણ પામી ગયો. તેણે હસીને મંગલના ખભા પર હળવેથી હાથ મૂકીને કહ્યું, “મંગલ, એમાં ગભરાવાનું કે શરમાવાનું કંઈ જ નથી. આ ઉંમરે તો આવું બધું થતું જ હોય છે. આ બધું તો સામાન્ય છે.”

કાનજીનાં શબ્દોએ મંગલને થોડી રાહત અપાવી. મંગલ સમજી શકતો ન હતો કે આ ધાની પ્રત્યે તેનો પ્રેમ છે કે આકર્ષણ ? મનનાં વિચારોએ તેને ચકડોળે ચડાવ્યો. ખૂબ વિચાર કરીને આખરે તેણે પોતાનાં મનની વાત કહી,“કાકા, ધાની અને હું તો નાના હતા ત્યારથી સાથે રહ્યા છીએ, ભણ્યા છીએ અને રમ્યા છીએ. અમે તો મોટા પણ તમારી સામે થયા છીએ. મને ખબર નથી કે...”

“કે ધાની તને ગમે છે કે નહિ એમ ?” કાનજીએ અધવચ્ચે જ પૂછી નાખ્યું.

મંગલ કાનજીકાકાનો પ્રશ્ન સાંભળી ફરી ચૂપ થઈ ગયો. જાણે તેનાં મનની વાત કાનજીકાકા પામી ગયા.

“જો મંગલ, આ ઉંમરે આ બધું સામાન્ય છે. એમાં તારો કોઈ વાંક નથી તો બીવાની શી જરૂર છે ? પ્રેમ તો બહુ પવિત્ર વસ્તુ છે. એ કોઈ ગુનો નથી.” કાનજીએ પોતાનાં વિચારો વ્યક્ત કર્યા. મંગલ હજુ થોડી અવઢવમાં હતો.

“મંગલ, આ ઉંમર જ એવી છે કે પ્રેમ પણ થાય ને આકર્ષણ પણ થાય. આપણા ગામ કે સમાજમાં આ બધી વસ્તુથી લોકો આભડછેટ રાખતા હોય છે પણ મેં ક્યારેય આવી આભડછેટ નથી રાખી. પોતાની જ્ઞાતિને બદલે બીજી જ્ઞાતિની છોકરી સાથે મેં પ્રેમ કર્યો અને લગ્ન પણ કર્યા. નાત વાળાઓએ આ ક્યારેય માન્ય કર્યું નહિ. મારા માટે તારા કાકીની જ્ઞાતિ મહત્વની ન હતી, તે કઈ નાતમાંથી આવે છે કે તે ઊંચી જ્ઞાતિની છે કે નીચી જ્ઞાતિની એની પણ મને પરવા ન હતી. મને બસ, એ જ ગમતી હતી. મેં મારા દિલનું કહ્યું માન્યું. પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો. મેં તારી કાકીને દિલ ફાડીને પ્રેમ કર્યો હતો અને આખી જિંદગી એની પાછળ પાગલ બનીને કાઢી નાખી. લોકો મને ગાંડો ગણે છે કારણ કે હું એનાં જેવો મતલબી નથી. તને હું આ બધું એટલા માટે કહું છું કારણ કે મને લાગે છે કે તારું દિલ ચોખ્ખું છે. તું મારા મનને સમજી શકીશ. એક સમયે જે સ્થિતિમાં હું હતો, આજે તે સ્થિતિમાં તું ઊભો છો. તારામાં હું મને પોતાને જોવું છું. જો ધાની તને ગમતી હોય તો એમાં કશું ખોટું નથી. પણ એનાં માટે તારે ધાનીને લાયક બનવું પડશે.”

મહાભારતમાં જેમ અર્જુન પોતાની મનોવ્યથા ઠાલવી રહ્યો હતો અને કૃષ્ણે તેનું નિરાકરણ કર્યું તેમ મધદરિયે હોડીમાં એકાંતમાં કાનજીએ મંગલની મનોવ્યથાનું નિરાકરણ કર્યું. કાનજીની વાતથી મંગલનાં મનમાં ચાલતું વંટોળ શાંત થયું. કાનજીકાકાને તે ઘણા સમયથી ઓળખતો હતો પણ સમજી આજે શક્યો. માછીમારી કરીને બંને સાંજ પડતા પહેલા કિનારે પાછા ફર્યા.

સાંજે પથારીમાં સૂતા સૂતા તેને ઘડીક ધાનીનો ચહેરો યાદ આવતો તો બીજી ક્ષણે કાનજીકાકાનાં શબ્દો કાને પડતા. આ બધા વચ્ચે તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેની જ ખબર ના રહી. બીજે દિવસે સવારે તેની આંખ ઉઘડી તો તેણે જોયું કે તેનાં બાપુ દરિયામાં જવાની તૈયારી કરતા હતા. મંગલે ઉઠીને પૂછ્યું, “બાપુ, દરિયામાં જાઓ છો ?”

“હા મંગલ. આ વખતે અઠવાડિયા જેવું લાગશે.” બાપુએ કહ્યું.

“બાપુ, હું આવું સાથે ?”

“ના ના. અત્યારે નહિ. પછી આવજે.”

મંગલ થોડો નિરાશ થયો. પણ તેણે મન મનાવી લીધું. તેની માડીએ તેમને જરૂરી વસ્તુઓ આપી. મંગલ કિનારે લાંગરેલી તેનાં વહાણ ‘મંગલમ’ સૂધી તેનાં પિતા સાથે આવ્યો. મંગલને કંઈક વિચિત્ર અનુભૂતિ થઈ રહી હતી. તેનાં મનને કંઈક ખરાબ થવાનું છે એવા સંકેત મળી રહ્યા હતા. આમ તો તે પોતાનાં બાપુની સાથે કિનારા સૂધી ઘણી વાર મૂકવા માટે આવ્યો હતો પણ આ વખતે તેનું મન તેનાં બાપુને જવા દેવા માંગતું ન હતું. તે કશું સમજી શકતો ન હતો. તેનાં પિતાએ મંગલ સામે જોયું. મંગલનાં માથે હાથ મૂકી તેનાં બાપુ વહાણ માથે સવાર થઈ આગળ વધ્યા. તેની સાથે બીજા દસેક જેટલા લોકો પણ સવાર થયા. તેનાં બાપુ વાલજી એક ટંડેલ હતા. તે વહાણનાં મુખ્ય સુકાની હતા. આમ તો દરિયાની ઘણી સફરો તેમણે કાપી હતી. તેમનું વહાણ દરિયામાં આગળ વધ્યું. મંગલ ક્યાંય સૂધી તેની દિશામાં જોઈ રહ્યો. આખરે વહાણ દેખાવાનું બંધ થયું. મંગલ પોતાનાં ઘરે પાછો ફર્યો.

વહાણ પોતાની મંથર ગતિએ આગળ વધી રહ્યું હતું. ધીમે ધીમે પવન ફૂંકાઈ રહ્યો હતો. વહાણ પરનાં માણસોને વાલજી ટંડેલે કામે લગાડી દીધા હતા. તેઓ કિનારેથી ઘણા દૂર નીકળી ચૂક્યા હતા. પોરબંદરથી દૂર મધદરિયે પુષ્કળ પ્રમાણમાં માછલાઓ મળી શકશે એવી લાલચે તેઓ થોડા આગળ વધ્યા. દરિયામાં કોઈ સીમા કે સરહદની નિશાનીઓ તો હોતી નથી. માછીમારો પોતાનું પેટ ભરવા ક્યારેક બે દેશોએ નક્કી કરેલી જળસીમાઓ ઓળંગી જતા હોય છે. ક્યારેક એવું ન પણ બને તો પણ આવા અચાનક આવી પડતા સંકટોમાંથી બચવું મુશ્કેલ થઈ પડે છે. દરિયામાં સુરક્ષા માટે જે તે દેશોનું નૌકાદળ સક્રિય હોય છે જે દરિયામાં આતંક મચાવતા અને પોતાનાં નાપાક ઈરાદાઓ પાર પાડતા ચાંચિયાઓ કે ઘૂસણખોરોને કાબુમાં લઈ સીમાને સુરક્ષિત રાખે છે.

‘મંગલમ’ પવનની સાથે સાથે તાલ મિલાવતું આગળ જઈ રહ્યુ હતું. બધા માછીમારો પોતપોતાનાં કામમાં મશગૂલ હતા. કોઈને આવનારી આફત વિષે સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો. વાલજી ટંડેલ વહાણનું સુકાન સંભાળી રહ્યા હતા. અચાનક તેમની નજરે દૂર પોતાની સામે આવતા બે વહાણો પર પડી. વહાણ પર પાડોશી દેશ પાકિસ્તાનનો ઝંડો નજરે પડ્યો. બંને વહાણ ખૂબ જ ઝડપથી તેમની પાસે આવી પહોંચ્યા અને વહાણને આંતરવામાં આવ્યું. વહાણમાંથી થોડા સિપાહીઓ માછીમારો અને વાલજી ટંડેલ સામે રાઈફલ સામે ધરી હાથ ઉપર લેવાનું કહ્યું. વહાણ ‘મંગલમ’ નો કબજો પાકિસ્તાની વહાણનાં બે ત્રણ સિપાહીઓએ લઈ લીધો. બધાને ચૂપચાપ હાથ ઉપર કરી પોતાનાં વહાણમાં બેસવાનું કહેવામાં આવ્યું. વાલજીને સમજતા વાર ના લાગી કે તેઓ પાકિસ્તાન મરીન એજન્સીનાં હાથે ઝડપાઈ ચૂક્યા છે. હવે માત્ર બે જ રસ્તા બાકી છે. કાં તો તેઓને પેલા સિપાહીઓ અહીં જ મોતને ઘાટ ઉતારી દેશે અને કાં તો તેઓ અનિશ્ચિત સમય સૂધી પાકિસ્તાનની કોઈ જેલમાં સબડશે. વાલજી ટંડેલે અને બીજા માછીમારોએ રામદેવપીરને યાદ કરી બધી ચિંતાઓ તેમને હવાલે કરી પ્રાર્થના કરી, “હે રામદેવપીર, તેઓનાં પરિવાર હવે તેમનાં જ આશરે છે. તેમનું ધ્યાન રાખજે.” આંસુભરી નજરે વાલજી પોતાનાં વતનથી વિખુટો પડી ગયો. હવે પછી ક્યારેય જિંદગી બાકી હશે અને નસીબમાં લખ્યું હશે તો પોતાનાં મા- બાપને કે ભાઈ ભાંડુઓને, પોતાનાં દીકરા દીકરી અને ઘરવાળીને મળી શકીશું. બાકી તો હવે કોઈ આશા પણ બચી ન હતી. પેલું કાળમુખું વહાણ તેમને પાકિસ્તાનની ધરતી તરફ હંકારી ગયું.

***

બે દિવસ પછી સવારનાં સમયે પાડોશનાં ગોવિંદ નામનો એક માછીમારીનો ધંધો કરતો ખારવો દોડતો દોડતો મંગલનાં ઘરે આવ્યો અને હાંફળા ફાંફળા અવાજે કહ્યું, “ગજબ થઈ ગયો ભાભી, ગજબ થઈ ગયો.”

ગોવિંદનાં અવાજમાં ગભરામણ હતી. લાખીબહેન ફળિયામાંથી બહાર આવીને કહ્યું, “થયું છે શું એ તો માંડીને વાત કરો. સવાર સવારમાં ક્યા સમાચાર લઈ આવ્યા ? બધું બરાબર તો છે ને ?”

“કંઈ જ બરાબર નથી ભાભી, કંઈ જ બરાબર નથી. વાલજીભાઈ છે ને ! એને...” ગોવિંદ બોલતા અટકી ગયો.

ગોવિંદની વાત સાંભળી લાખીબહેનનાં મનમાં ચિંતા પેઠી. તે બોલી ઉઠ્યા, “હા હા બોલો, શું થયું મંગલનાં બાપુને ?”

“વાલજીભાઈ અને તેનાં વહાણને પાકિસ્તાનનાં લશ્કરે પકડી પાડ્યા અને પોતાની સાથે લઈ ગયા પોતાનાં મુલકમાં.” ગોવિંદે પોતાની વાત કરી.

લાખીબહેન આ સાંભળતા જ હેબતાઈ ગયા. તેઓનાં મોઢામાંથી એક જ અવાજ નીકળી પડ્યો, “હે...રામ !”

એટલામાં મંગલ પણ ત્યાં આવી પહોંચ્યો. ગોવિંદને અચાનક આવેલા જોઈ તેમણે પૂછ્યું, “અરે ! તમે અહીં ! સવાર સવારમાં ? બધું બરાબર તો છે ને ?”

મંગલનાં હાથમાં છાપું મૂકતા ગોવિંદ બોલી ઉઠ્યો, “કંઈ જ બરાબર નથી, મંગલ. તારા બાપુ અને બીજા માછીમારોને પાકિસ્તાની લશ્કરે દરિયામાંથી પકડી પાડ્યા છે. આજનાં છાપામાં આવ્યું છે જો.

મંગલને પણ અચાનક આવા ખબર સાંભળી આઘાત લાગ્યો. તેમણે ધ્રૂજતા હાથે છાપાની ઘડીઓ ખોલી. છાપામાં સમાચાર વાંચ્યા, “ભારતનાં માછીમારો પાકિસ્તાનની જળસીમામાં ઘૂસણખોરી કરતાં પાકિસ્તાનની કેદમાં...” આગળનાં સમાચાર વાંચતા જ તે જમીન પર ફસડાઈ પડ્યો. એક બાજુ આવી અણધારી ખબર અને સામે ચોધાર આંસુએ રડતી પોતાની મા. અત્યારે પોતાનાં બાપુ પર શું વીતતી હશે ? કેમ કરીને તેને છોડાવવા ? શું કરવું ? મંગલનું મગજ બહેર મારી ગયું. તે છાપું પકડી રડવા લાગ્યો. આવી દુ:ખની ઘડીમાં પોતાનાં પરિવારને કેમ સંભાળવો એ જ તેમને સમજાતું ન હતું.

To be continued…

Wait for next part…

Rate & Review

Goon Patel

Goon Patel 1 year ago

Yogesh Raval

Yogesh Raval 1 year ago

Parash Dhulia

Parash Dhulia 3 years ago

Hims

Hims 2 years ago

Dharmesh Ravaliya