MANGAL - 17 books and stories free download online pdf in Gujarati

મંગલ - 17

મંગલ

Chapter 17 -- કાનજી વાઘેર

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com

ravisitapara.blogspot.com

M. 7567892860

-: પ્રસ્તાવના :-

નમસ્કાર

Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં આ સતરમાં ભાગમાં આપનું સ્વાગત છે. અજાણ્યા ટાપુ પર અનાયાસે આવી ચડેલા મંગલે આખા ટાપુની સફર કરી અને ઘણી બધી માહિતીઓ મેળવી. બહાર નીકળવા માટે હોડી મળવા છતાં થોડા સમયમાં જ તે ફરીથી ટાપુ પર પરત આવ્યો. કિનારે બેસતા તે ભૂતકાળની યાદમાં સરી પડ્યો. શું હશે તેનો ભૂતકાળ ? જાણવા માટે વાંચો...

દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું સતરમું પ્રકરણ

મંગલ Chapter 17 -- કાનજી વાઘેર

Chapter 17 --કાનજી વાઘેર ગતાંકથી ચાલું...

મંગલ ધાનીની યાદમાં એકદમ વિહવળ થઈ ગયો. તેની નજર સામેથી ધાનીનો ચહેરો થોડી વાર માટે પણ ખસતો ન હતો. ફરી એ જૂની યાદો તેની નજર સમક્ષ તરવરવા લાગી.

ધાની અને મંગલ લગભગ રોજ નિશાળે સાથે જ જતા, સાથે જ રમતા અને સાથે જ મોટા થયેલા. બંનેનાં ઘરનાં સભ્યોને અરસપરસ આવવા જવાનું સામાન્ય રહેતું. બંને ઘણી વાર દરિયાકિનારે ‘ઘર ઘર’ની રમત રમતા અને જાણે સાચા પતિ-પત્ની હોય તેમ વર્તતા. પણ સમય બદલાતો ચાલ્યો. હવે બંનેએ ધીમે ધીમે તરુણાવસ્થામાં ડગ માંડ્યા. તરુણાવસ્થામાં આવતા ધાની અને મંગલનાં વર્તનમાં શરમ સંકોચ સ્વાભાવિક રીતે આવવા લાગ્યા. એ નિર્દોષ મૈત્રી જેમાં પતિ-પત્નીની રમતો રમાઈ જતી, તેનાં આડે મર્યાદાઓ આવવા લાગી છતાં બંને વચ્ચે છૂપું આકર્ષણ અકબંધ હતું. મંગલ હવે પહેલા જેટલી છૂટછાટ લઈ ધાનીને મળી ન શકતો. ધાની તેનાં ઘરે આવતી તો મંગલ કોઈ ખૂણે ચૂપચાપ તેને જોયા કરતો. તેનો ઘઉંવર્ણો ચહેરો, નમણું નાક અને માથેથી લટકતી વાળની એક લટ - બસ, આ જોવા માટે મંગલ તલસતો રહેતો. ધાની પણ મંગલને એક ખૂણામાં જોઈ શરમાઈ નીચું મોઢું કરી જતી.

એક દિવસ સવારનાં સમયે મંગલ દરિયાકિનારે દોસ્તો સાથે રમતો હતો, ત્યાં જ તેનાં વિસ્તારનાં ખારવા કાનજી વાઘેર સાથે તેનો ભેટો થઈ ગયો. કાનજી વાઘેર નોખી માટીનાં જીવ હતા. પોતાનાં બાપુ વાલજી ટંડેલનાં ખાસ દોસ્ત પણ ઉંમરમાં થોડા નાના. સ્વભાવથી કાનજી વાઘેર એકદમ ધૂની મગજનાં હતા. દુનિયાદારીથી હંમેશા અલિપ્ત જ રહ્યા. યુવાનીમાં ઘરસંસાર માંડેલો પણ લગ્નજીવન બહુ ઝાઝું ટક્યું નહિ. પત્ની ક્ષયની બીમારીમાં લગ્નનાં ત્રણેક વર્ષમાં જ સાથ છોડી ગઈ. યુવાનીમાં પત્ની પાછળ ગાંડો બની જેને ચાહેલ એ પત્ની બસ સાવ આમ અચાનક જ સાથ છોડી ગઈ !

જે પત્ની પાછળ ગાંડો બનીને જડ, ખોટી મર્યાદામાં બંધાઈને સંસ્કારની વ્યાખ્યાઓ કરતા રહેતા સમાજ દ્વારા વહુઘેલો માની લેવામાં આવ્યો એ હમસફરે જ જીવનની સફરમાં સાથ છોડી દીધો. કાનજી ખૂબ રડ્યો, ખૂબ વિલાપ કર્યો. પત્ની ના રહેતા સામાન્ય રીતે પુરૂષો બીજા લગ્ન કરી ફરીથી નવું ઘર વસાવી લે છે પણ કાનજીએ એવું ન કર્યું. એ કોઈ શાહજહાં ન હતો જે પોતાની પત્નીની યાદમાં તાજમહાલ બનાવી દે. એ તો બસ પોતાનાં ઘરનાં ઓરડામાં પત્નીની યાદમાં તડપતો રહ્યો. સમય પસાર થવા લાગ્યો. કાનજી દુ:ખમાંથી બહાર આવ્યો. આમ પણ લગ્ન પહેલા તે સ્વભાવે અતરંગી મિજાજનો હતો જ અને ઉપરથી પત્નીનાં મૃત્યુ પછી તે એકદમ ધૂની થઈ ગયો. તે પોતાની ધૂનમાં જ રહેવા લાગ્યો. દરિયાનું એકાંત તેમને ખૂબ જ પસંદ હતું. દિવસમાં બહુ ઓછા લોકોને તે મળતો પણ દરિયા સાથે જાણે ભવોભવનો નાતો હોય તેમ તેનાં ખોળે જ દિવસો કાઢી નાખતો.

કોઈ ખાસ ઉદ્દેશ્ય વગરની જિંદગી તે જીવી રહ્યો હતો. વર્ષો વીતતા ગયા. દરિયામાં તે ગુજરાન ચલાવવા માછીમારી કરતો અને મુક્ત મને ગીતો ગાતો. તેનાં ગીતને, તેની કળાને જાણનાર કોઈ ન હતું. જે તેને સમજતું તે તો ઘણા સમય પહેલા જ તેનો સાથ છોડી ગઈ હતી. અફાટ દરિયો જ પોતાનાં ઘૂઘવતા અવાજનાં સંગીતને કાનજીનાં અવાજમાં ભેળવી નવા સૂર બનાવી લેતા. મધદરિયે એકાંતમાં તે પોતાની સાથે વાતો કરે, ખુલ્લા પવનની સાથે ગીતોનાં સૂર રેલાવે. આવા તરંગી મિજાજનાં કાનજીને સૌ કોઈ એ ગાંડા, પાગલ માણસમાં ખપાવી દીધો હતો. જો કે મંગલનાં બાપુ વાલજી ટંડેલનાં એ મિત્ર હતા. એ નાતે મંગલ તેને ‘કાકા’ કહી બોલાવતો.

“ઓ કાકા, ક્યાં હાલ્યા અત્યારે ?”

“બસ, અત્યારે એમ જ રખડવા.” કાનજીએ કહ્યું.

“કાકા, એક વાત પૂછું ?”

“પૂછ પૂછ. એમાં શું મૂંઝાવાનું હોય ?”

“કાકા, તમે ક્યારે દરિયામાં જવાનાં છો ?”

“મંગલ ? કેમ આજે આવો સવાલ કર્યો ? મારું આમ જુઓ તો કંઈ નક્કી નહિ. દરિયામાં કાલે જવાનું વિચારું છું.”

“તમને વાંધો ના હોય તો હું આવું સાથે ?”

મંગલનાં એ સવાલથી કાનજીને થોડો ખચકાટ થયો. ‘આ છોકરાને મારી સાથે આવવામાં શું મળવાનું હશે ? પણ ભલે ને આવતો. છોકરો સારો છે અને છે પણ વાલજીનો એટલે બહુ ચિંતા નહિ.’ કાનજી મનમાં ને મનમાં વિચારવા લાગ્યો.

“કાકા, કાકા !” મંગલે કાનજીને ઢંઢોળતાં કહ્યું.

“હં...”

“ક્યાં ખોવાઈ ગયા ? મેં પૂછ્યું કે હું તમારી સાથે કાલે દરિયામાં આવું તો તમને વાંધો તો નથી ને ?”

“અરે દીકરા ! મને શું વાંધો હોય ? એક તારું જ ખોરડું છે જે મને સમજે છે. તારે આવવું હોય તો જરૂર આવજે, પણ તારા માડી અને બાપુને પૂછીને આવજે.”

મંગલ ખુશ થઈ ગયો. “ભલે કાકા.” એમ કહી દોડતો તે ઘર તરફ ગયો. કાનજીએ પોતાની વાટ પકડી.

મંગલ ઘરે પહોંચીને તરત જ માડીને જાણ કરી, “માડી, એક વાત પૂછું ?”

“હા, પૂછ.” ફળિયામાં બેસી ઘઉંમાંથી કાંકરા વીણતા લાખીબહેને કહ્યું.

“મા, હું દરિયામાં જઉં ?”

મંગલનો સવાલ સાંભળી લાખીબહેને કામ અટકાવ્યું. “ફરી દરિયો ? ગાંડો થઈ ગયો છે આ દરિયાની પાછળ. મોટો થઈ જા પછી જજે તારા બાપુ સાથે.”

લાખીબહેનને એક નો એક દીકરો હોવાથી તેનો જીવ દરિયામાં મોકલતા ન ચાલતો પણ મંગલને તો બસ એક ધૂન લાગી નીકળી હતી. ક્યારેક ક્યારેક તે નાની સફર કરી લેતો પણ બહુ દૂર હજુ ગયો ન હતો.

“માડી, બાપુ સાથે નહિ, મારે તો...” મંગલ અટક્યો.

“તારે તો...? તારે તો શું, મંગલ ?”

“મા, મારે.... પેલા કાનજી કાકા નહિ બાપુનાં દોસ્તાર ? એની ભેળા જવું છે.”

“શું ? એ પેલા ગાંડા કાનજી વાઘેર સાથે ? એનું પોતાનું કંઈ ઠેકાણું નથી એ તને શું સાચવશે ? ના, ના. હું નહિ જવા દઉં તને એની સાથે.” લાખીબહેન બોલ્યા.

“માડી, બસ એક વાર. જવા દે ને ?”

“ક્યાં જવું છે ?” ફળિયામાં પગ મૂકતા વાલજી ટંડેલે પૂછ્યું.

“બાપુ, મારે દરિયામાં જવું છે.” મંગલ એકીશ્વાસે બોલી ઊઠ્યો.

મંગલનાં જવાબથી વાલજી એક વાર માટે ચોંકી ગયા. “દરિયામાં ?”

“કોના ભેગા જવું છે એ પણ કહી દે.” લાખીબહેન વચ્ચે બોલી ઊઠ્યા.

“હા હા ! કોની ભેગું જવું છે તારે ?” વાલજીએ પૂછ્યું.

“બાપુ, તમારા દોસ્ત છે ને ? પેલા કાનજીકાકા ? એની સાથે.”

“કાનજી સાથે ? પણ તને શું ગાંડપણ સૂઝ્યું કે એની સાથે જવું છે ?”

“બસ એમ જ. હવે એમ ના કહેતા કે હું નાનો છું. પંદર વર્ષનો થવા આવ્યો છું.”

વાલજી હસી પડ્યો, “ઠીક છે, જજે.”

મંગલ ખુશ થતો ઘરની બહાર નીકળી ગયો.

“તમે ય શું ગાંડા થઈ ગયા ? મંગલને એ ગાંડા કાનજી સાથે મોકલવામાં તમારો જીવ કેમ હાલ્યો ?”

“અરે એને જવું છે તો ભલે ને જતો અને એ નાનો નથી. દરિયો ખારવા માટે કે ખારવો દરિયા માટે અજાણ્યો ના જ હોય. મને ખાતરી છે કે કાનજી સાથે તે જરૂર પાછો આવશે. મને મારા દોસ્ત પર પૂરો ભરોસો છે.”

“તમે ને તમારો એ દોસ્ત ! હું કહું છું કે મંગલને કંઈ થવું ના જોઈએ.” લાખીબહેન ચિંતાતુર અવાજે બોલ્યા.

“હા, બાપા, કંઈ નહિ થાય તારા મંગલને. ક્યાં એને બીજા દેશમાં જવું છે ?” વાલજીભાઈએ પત્નીને ધરપત આપતાં કહ્યું.

બીજા દિવસે સવારનાં સમયે મંગલ દોડતો કાનજી વાઘેરને ત્યાં ગયો. બંને સાથે હોડીમાં બેસી દરિયાની સફરે નીકળી પડ્યા. ચારે બાજુ ઘૂઘવતો અને ઘેરો નાદ કરતો દરિયો અને વાતો ઠંડો પવન મંગલને કંઈક અલગ અનુભૂતિ આપી રહ્યો હતો. કાનજી પોતાની મસ્તીમાં ગીતો ગાવાનું શરૂ કર્યું.

“એ... અમે તો દરિયાનાં છોરું...

સઘળા તારા ઉપકાર ને જળ છે તારું ખારું...

તું જ તારે ને તું જ મારે...

તારા સિવાય ના કોઈ આશરો મારે...

કાનજી કોઈ કવિ ન હતો કે કોઈ ગીતકાર ન હતો પણ અંતરની મસ્તીમાંથી તે ગાતો હતો. તેની કડીઓમાં કોઈ લય ન હતો પણ કાનજી જાતે પોતાને ઠીક લાગે એવો રાગ આલાપતો હતો. દુનિયાની તેને કોઈ પરવાહ ન હતી. પોતાને જાણે આ દરિયાને હવાલે કરી દીધો હોય તેમ લાગતું હતું. મંગલે ખુશ થઈ તેમાં સૂર પરોવવાનું ચાલુ કર્યું. બંને અફાટ દરિયાની મોજ માણી રહ્યા હતા. મંગલ કાનજી વિષે વધારે જાણવા માંગતો હતો. શા માટે લોકો તેને ગાંડો ગણે છે ? દિલનો તો તે સાફ છે તો પછી બીજા લોકો તેની સાથે કેમ આવું વર્તન કરતાં હશે ? આ બધા પ્રશ્નોને કારણે મોકો મળતા જ મંગલે કાનજીને તેની સાથે હોડીમાં જવાનું નક્કી કર્યું.

“કાકા, એક વાત પૂછું ?”

“પૂછ પૂછ. તારે પ્રશ્નો પૂછવા માટે મૂંઝાવાનું ના હોય.”

“કાકા, આ બધા લોકો તમને કેમ ગાંડા ગણે છે ? તમે એવા તો નથી.”

મંગલની વાત સાંભળી કાનજી હસી પડ્યો. તેણે કહ્યું, “પણ અલગ તો છું ને ! મને દુનિયાદારીની લપછપમાં પડવું ગમતું નથી. લોકો તો જેને પસંદ કરે તેમાં પણ સ્વાર્થ જોતા હોય છે. હું એનાં જેવો નથી એટલે તેમનાં માટે હું ગાંડો લાગુ છું.”

“પણ એનાંથી તમને ગુસ્સો નથી ચડતો ?”

“ગુસ્સો ! ના રે ! મને એવી વાતોથી કોઈ ફેર નથી પડતો. મારા મતે હું શું વિચારું છું એ જ મહત્વનું છે.” કાનજીએ મુક્ત મને પોતાની વાત કહી. ઘણા દિવસો પછી પોતાની અંદરનાં વિચારો તે બીજા સામે કહી રહ્યો હતો, જાણે પોતાનો ભાર હળવો કરી રહ્યો હતો.

“કાકા, તમને દરિયાની બીક નથી લાગતી ?”

“બીક ? બીક શાની ?”

“આ તોફાનની બીક ?”

“અરે એવી બીક રાખવાની ના હોય. એક વાત યાદ રાખ મંગલ. એક સાચો ખારવો તોફાનની સામે ક્યારેય નમે નહિ. બસ, લડ્યા જ કરે, લડ્યા જ કરે. મરે પણ હારે નહી.”

મંગલને કાનજીને જાણવાની, સમજવાની ઈચ્છા જાગી. કાનજીએ મન ભરીને પોતાની વાતો કહી. પોતાની અને પત્નીનાં પ્રેમની વાત તેણે મુક્તમને મંગલ સમક્ષ વાત કહી. મંગલ ધાનીની યાદમાં ખોવાઈ ગયો. કાનજીએ તેને ઢંઢોળતાં કહ્યું, “મંગલ, કોની યાદમાં ખોવાઈ ગયો ?”

“કોઈની નહિ.” મંગલે કહ્યું.

“એમ ? મને ખબર છે કે તું કોની યાદમાં ખોવાઈ ગયો છે.”

“કોની ?”

“ધાની. બરાબર ને ?”

મંગલ છોભીલો પડી ગયો. તેને પોતાની ચોરી પકડાઈ ગઈ હોય તેમ તેને ગભરામણ થવા લાગી. ‘કદાચ કાનજીકાકા બધાને કહી દેશે તો ? પોતાનું કે ધાનીનું શું થશે ?

કાનજીએ મંગલનાં ખભા પર હાથ મૂકી હળવેથી હસ્યો. મંગલ કશું સમજ્યો નહિ. તેને ધાની પ્રત્યે આકર્ષણ હતું કે પ્રેમ એ જ સમજી શકતો ન હતો.

“ધાની તને બહુ ગમે છે ને ?” કાનજીએ સવાલ કર્યો.

મંગલ આ સવાલ સાંભળી ચોંકી ગયો. તેને કાકા પાસેથી આ સવાલની અપેક્ષા ન હતી. કોઈ ગુનો કર્યો હોય તેમ તે નીચું જોઈ ગયો.

To be continued…

Wait for next part…