Vruddhashram books and stories free download online pdf in Gujarati

વૃદ્ધાશ્રમ-સન્યાસાશ્રમ

ઝવેરબા વૃદ્ધાશ્રમ- બોર્ડ જોયા કરતી હું ખબર નહીં કેમ એ ઝવેર બા ઉપર મનમાં ને મનમાં ખીજ ઉતરતી પગથિયાં ચઢવા લાગી. બીજો કોઈ આશરો પણ નહોતો. દીકરાની નોકરીમાં બંગલુરું ટ્રાન્સફર થઇ હતી અને ત્યાં મોટું ઘર લેવું પરવડે એવું નહોતું. અહીં પણ ભાડે જ રહેતા હતા. પોતાનું ઘર તો વતન ના ગામ માં હતું પણ હવે ત્યાં કોઈ મારી સંભાળ રાખી શકે એવું નહોતું. એમ તો હાથપગ ચાલે છે પણ શરીર છે માંદુ સાજું તો થાય તો કોણ કરે એ ચિંતા માં દીકરાએ આ રસ્તો અપનાવ્યો. પણ મારુ મન ખાટુ થઈ ગયું. નાનપણથી લઈ ને આજ સુધી એને કેન્દ્ર માં રાખીને જીવી. સતત એની માટે બધી કુરબાની આપતી રહી એ શું આ દિવસ જોવા માટે. એ મને સમજાવી રહ્યો હતો કદાચ પોતાની લાગણી વિશે કે પછી આ આશ્રમ વિશે પણ મારા કાન માં એક પણ શબ્દ જતો નહોતો બસ મૂઢની જેમ હું એની આંખ માં જોઈ રહી હતી. એ ગયો મને મૂકીને ગયો રડવું હતું પણ ના રડી ત્યાં કોઈનો હાથ ખભે મુકાયો. ઊંચું જોયું તો મારી જ ઉંમર ની એક વૃદ્ધા…ના ખબર નહીં કેમ એને વૃદ્ધા કહેવાનું મન ન થયું. વ્યવસ્થિત ઓળેલા વાળ, કોટન નો સાદો પણ એકદમ સુઘડ ડ્રેસ, હાથ માં બે બંગડીઓ અને કાન માં નાની બુટ્ટી, ભાલ પર નાની એવી બિંદી, રિમલેસ ચશ્મા અને ચશ્મા પાછળ સૌમ્ય અને અનેરા તેજ થઈ ભરપૂર આંખો. “જય શ્રી કૃષ્ણ, બેન” અવાજમાં રહેલી નિર્મળતા કોઈનાં પણ હૃદય સુધી પહોંચવા સક્ષમ હતી. “હું શાલિની, અહીં 26 નંબર માં રહું છું. તમે?” “જી? હું? હા, મને 25 નંબર માં રહેવાનું છે.” હાથમાંની રસીદ જોઈને મેં કહ્યું જાણે હોશમાં આવી. “ચાલો, સારો પડોશ મળ્યો, કાઈ કામ હોય તો કહો. સામાન ગોઠવવામાં મદદ કરું?” “અરે!ના, ના. એ તો હું કરી લઈશ એમ પણ સમય જ કેમ પસાર કરવો એ જ મોટી સમસ્યા છે.” મારાથી ચિડાઈ જવાયું. જાણે મારી મનઃસ્થિતિ જાણી ગયા હોય તેમ ખભો દબાવી જતા રહયા. 

ત્રણ-ચાર દિવસ તો એ આશ્રમથી પરિચિત થતા થયાં. ઘણો મોટો વિસ્તાર હતો. લગભગ પચાસ જેટલા બબ્બે રૂમના કોટેજ વચ્ચે મોટું ગાર્ડન, એક બાજુ ડાઈનીંગ હૉલ, એક બાજુ સભાગૃહ જ્યાં દરરોજ સવારે સાંજ પ્રાર્થના થાય, યોગા, ભજન અને બીજી પ્રવૃત્તિઓ પણ ખરીજ. ધીમે ધીમે શાલીનીબેનની મદદ થી બધામાં હાજરી પુરાવવા લાગી. ના જાઉં તો પણ એ ખેંચી જાય. દીકરા વહુ પરની ખીજ તો ઓછી નહોતી થઈ પણ એ સિવાયનું વિચારવાનું શરૂ કરી દીધું.

એક વખત સાંજે ગાર્ડનમાં બેઠા બેઠા મારી જિજ્ઞાસા હાથ ના રહી અને શાલિની બેન ને અંગત સવાલ પુછાય ગયો કે તમે તો આટલા શાલીન અને સૌમ્ય છો તો પણ અહીં ? કે પછી સૌમ્ય છો એટલે જ અહીં?? પૂછ્યા પછી લાગ્યું કે ના પૂછવું જોઈએ પણ એ તો જોરથી હસી પડયા. મને સામો સવાલ કર્યો કે તમને શું લાગે છે? હું તો મૂંઝાઈ ગઈ અને એ વધુ નિખાલસતાથી સ્મિત આપી મારો હાથ હાથમાં લઈ ને પોતાની વાત કહેવા લાગ્યા. 

“અમે બે બહેનો અને એક ભાઈ. હું નાની પણ બહુ તોફાની. મને છોકરાઓ જેવું જ બધુ ગમે. ઘર ઘર ના રમુ. પતંગ ચગાવું, ગિલ્લી ડન્ડો, આંબલી પીપળી એ બધી મારી ગમતી રમતો. નાની હતી ત્યાં સુધી કોઈએ ટોકી નહીં પણ જેમ જેમ મોટી થતી ગયી છોકરા-છોકરી ના ઉછેર નો ભેદ સમજવા લાગી. પણ ક્યારેય માં-બાપ સામે ના બોલાય એ સંસ્કારે સવાલો ના કર્યા. લગ્ન પછી પણ નોકરી કરતી તો પણ ઘરનું બધું કામ સંભાળ્યું. સીમંત પછી આવનાર બાળક માટે થઈને નોકરી છોડી. સાસુ- સસરા બધા સાથે રહેતા. સાસુને દીકરાનો બહુ મોહ. પણ એમને પણ પહેલી ચાર તો દિકરીજ હતી પછી શુભમ- મારા પતિનો જન્મ થયો. એટલે બીજી કોઈતો બીક નહોતી. પ્રથમ ખોળે પરી આવી. એકદમ પરી જ હતી એ. લાલ ચટ્ટાક હોઠ, માખણ જેવા ગાલ. કદાચ બધી માં ને એવું જ લાગતું હશે એની દીકરી માટે.” કહી હસી પડ્યા ફરીથી. 


બધાનું વ્હાલ એના પર ઢોળાતું હતું. એ ત્રણ વરસની થઈ ને હું ફરીથી પ્રગનેન્ટ થઈ. સાસુના વિચારો જાણતી હતી એટલે માત્ર એટલું કહ્યું કે મહેરબાની કરી કોઈ બાધા આખડી ના કરતા દીકરો આવે એ માટે. નહીતો ભગવાન ના દર્શન કરવામાં પણ મને પાપ કરતી હોઉં એવું લાગશે. બીજા ખોળે દીકરો આવ્યો અને મારા સાસુના માટે પરિવાર પૂરો થયો પણ મારા માટે સંઘર્ષ શરૂ થયો. મેં નક્કી કર્યું હતું કે હું બંનેમાં કોઈ જ ભેદભાવ રાખીશ નહીં. મેં મારા દીકરાને રસોઈથી માંડી ને ઝાડુ પોતા પણ શીખવ્યા અને દીકરીને કરાટે પણ શીખવ્યું. દરેક વખતે મારે મારા પોતાનાઓ સાથે બોલાચાલી થઈ ખાસ કરીને મારા દીકરા સોહમ ને ઘરના કામ કરાવતી વખતે. પણ હું મક્કમ રહી. ધીમેધીમે મને દીકરીનું પીઠબળ મળવા લાગ્યું. એક વખત એ સોસાયટી માં લડીને આવી મેં કારણ પૂછ્યું તો કહે એ છોકરો એના દોસ્ત ને ખીજવતો હતો કે શું છોકરીની જેમ રુએછે. તો શું છોકરીઓ કઇ રડયા કરે છે કે એ ગમે એમ બોલે? મનમાં ત્યારે કઈંક શાંતિ નો અનુભવ થયો કે હાશ હું એના મનમાંથી અત્યાર સુધી આ ભેદ કાઢવામાં સફળ રહી. 

દિવસો વીતતા ગયા, બંને બાળકો મોટા થયા. બંને માટે સરખા જ નિયમો લાગુ હતા. કોલેજ સિવાય ક્યાંય પણ જાય મારી સંમતિ લઈને જવું. અલબત્ત હું હા જ પાડું પણ મને ખબર હોવી જોઈએ કે બંને ક્યાં છે. એ સિવાય પણ ગમે તે થાય મારાથી કદી ઝૂઠ નહીં બોલવું. બસ બહુ ઓછા નિયમો હતા પણ જે હતા કડક હતા. અને હું પણ એમને એમની ઉંમર પ્રમાણે બધી છૂટ આપતી. દીકરી ના લગ્ન પછી શુભમ બહુ ઓછા સમયમાં સાથ છોડી ગયા. સોહમેં મને સંભાળી લીધી. એની જ ઓફિસ માં કામ કરતી કવની એને ગમતી એ હું જાણતી હતી. કેમકે એની સૌથી નજીકની મિત્ર હું જ હતી. કવની ના માં બાપને સમજાવવામાં મેં જ મદદ કરી અને ધામધૂમથી લગ્ન કરાવ્યા. છ મહિના સાથે રહ્યા પછી મે મારા જન્મદિવસે બધા નજીકના સગા સંબંધીઓને બોલાવ્યા. ખાણીપીણી પછી બધા સાથે બેઠા ત્યારે જ મેં જાહેરાત કરીકે મેં ઝવેરબા વૃદ્ધાશ્રમ માં નામ લખાવ્યું છે અને આ રવિવારે હું ત્યાં રહેવા જવાની છું. બધા સોહમ અને કવની તરફ પ્રશ્નસુચક નજરે જોવા લાગ્યા અને એ બંને હતપ્રભ થઈને મારી તરફ. પણ મેં મારો ખુલાસો કર્યો કે આ બાબતમા એ બંને અજાણ અને નિર્દોષ છે. મેં મારી જવાબદારીઓ પુરી કરી છે. હવે હું મારી રીતે જીવવા માંગુ છું.”

હું આશ્ચર્યચકિત થઈને સાંભળતી હતી પણ જ્યારે ના રહેવાયું ત્યારે પૂછી લીધું. “તમે દીકરા માટે ઘણું સહન કર્યું હશેને? તો તેની સાથે રહેવાનું મન ના થયું?” એમને મને પૂછ્યું “તમારે પણ દીકરી છે ખરુંને? તમે કેમ માત્ર દીકરા પાસેથી આશા રાખો છો?” મેં કહ્યું “દીકરી તો પારકી થાપણ છે.” “ અને દીકરો ભવિષ્યની મૂડી ખરુંને?” એમણે વાક્ય પૂરું કર્યું. “આજ કારણ છે દીકરી અને દીકરાના ઘડતર પાછળ ના ભેદભાવનું. જો દીકરીના માબાપ કોઈજ આશા અપેક્ષા વગર એને સરસ શિક્ષણ, સંસ્કાર આપી શકે છે એ જ માં બાપ દીકરાના માં બાપ બનતા સ્વાર્થી કેમ બની જાય છે??” મેં તો માત્ર એક જ લક્ષ્ય રાખ્યું હતું કે હું એક માં તરીકે બંનેને નિસ્વાર્થ ભાવે ઉછેરીશ. સાજી માંદી થઈશ ત્યારે બંને એ મારી એક સરખી જવાબદારી લેવી એ પણ સમજાવીને આવી છું.” 

ખરેખર એક સમાજ ની નવરચના એક માં જ કરી શકે એ સમજાયું અને હું ક્યાં ખોટી હતી એ પણ સમજાયું. દીકરા પ્રત્યેની બધી ખીજ ક્ષણમાત્ર માં રાખ થઈ ગઈ. ઝવેરબા વૃદ્ધાશ્રમ ની જગ્યાએ હોવી જાણે એ ઝવેરબા સન્યાસાશ્રમ વંચાવા લાગ્યું.