vajan books and stories free download online pdf in Gujarati

વજન.

“વજન.”

======

કબીરને ઊંઘ આવતી હતી. પણ રશ્મિએ જોરથી એની પીઠ ઉપર ધબ્બો મારીને ઉઠાડ્યો.

“ઉઠ, ઉઠને... પછી મોડું થઇ જશે.. હમણાં રીક્ષા આવી જશે.”
આંખો ચોળતો ચોળતો તે ઉભો થઇ બાથરૂમ તરફ ગયો. ઉતાવળે એણે હાથ અને મોં ઉપર પાણી છાંટયું. પેશાબ કરવા ઉભો રહ્યો..

“કેટલી વાર લાગશે કબીર? રીક્ષા આવી જશે હમણાં.”

બાથરૂમની બહારથી અચાનક રશ્મિનો અવાજ આવતા થોડીવાર માટે એનું પેશાબ રોકાઈ ગયું. ઉતાવળે એ બાથરૂમમાંથી બહાર નીકળ્યો કે તરત રશ્મિએ હાથમાં ટુથપેસ્ટ લગાવેલ બ્રશ પકડાવી દીધું..

“કબીર! બ્રશ કરીને ઉતાવળે આવ.. નાસ્તો તૈયાર છે.. બુક્સ ટાઈમ ટેબલ મુજબ બેગમાં ગોઠવી છે ને? હોમ વર્ક?”

કબીરના મોંમાં બ્રશ હોવાથી એણે હળવેથી માથું ધુણાવી હા કહ્યું..
“થેંક ગોડ. ચાલ જલ્દી ચાલ.” કહેતા રશ્મિ રસોડા તરફ ચાલી ગઈ. લંચ બોક્સ ઉઠાવી તેમાં પૌવા નાખી બોક્સ પેક કરીને ઉતાવળે વોટર બેગ ભરવા લાગી.

નાસ્તો કરતી વખતે કબીરને ઝોંકુ આવી ગયું...

“કબીઈઈઈઇર! મોડું થઇ જશે.”

કબીર ઝબકી ગયો અને નાસ્તો કરવા લાગ્યો... નાસ્તો કરી મોં લુછતો લુછતો બાથરૂમ તરફ ગયો, એણે વ્યવસ્થિત હાથ,પગ ધોયા, બાથરૂમમાંથી બહાર નિકળી એ અરીસા સામે આવીને ઉભો રહ્યો કે તરત રશ્મિએ એના માથામાં તેલ લગાવ્યું, માથું ઓળી દીધું.. ઉતાવળે યુનિફોર્મ પહેરાવ્યો. હજુ પણ એની આંખોમાં ઊંઘ ડોકયાં કરતી હતી પણ રશ્મિનું કચકચ એના કાનમાં હથોડા મારી રહ્યું હતું. બેગમાં લંચ-બોક્સ રાખતી વખતે રશ્મિએ કંપાસ બોક્સ ચેક કર્યું. રબ્બર, પેન્સિલ, સ્કેલ, ટાઈમ ટેબલ મુજબ બુક્સ.. ઉતાવળે ઉતાવળે આખી બેગ સ્કેન કરી લંચ બોક્સ બેગમાં મુક્યું..

કબીરની આછડતી નજર બેડ ઉપર સુતેલા એના પપ્પા ઉપર પડી..

“મમ્મી પપ્પા ક્યારે ઉઠશે?”

“પપ્પા નવ વાગ્યે ....”
રશ્મિ હજુ એટલું જ બોલી હતી અને બહાર રીક્ષાનું હોર્ન વાગ્યું.

“મમ્મી સૂઝ”

“અરે! હા. વેઇટ.”

કહેતા રશ્મિએ ઉતાવળે કબીરને બુટ મોજા પહેરાવી, બેગ લટકાવી દીધું અને બોટલ ગળે લટકાવી. કબીર દોડતો દોડતો રીક્ષામાં બેઠો. રશ્મિને કશું યાદ આવ્યું હોય એમ રીક્ષાવાળા તરફ જોઈ કહ્યું..

“ઓહ! વેઇટ,, આઈ.કાર્ડ?”

“આઈ.કાર્ડ વગર સો રૂપિયાનો દંડ......” બબડતી ઉતાવળે ઘરમાંથી આઇકાર્ડ લાવી કબીરના ગળે લટકાવ્યું...

“રીક્ષા અંકલ બેગ!”

કબીરના હાથમાંથી બેગ લઇ રીક્ષાવાળાએ રીક્ષા ઉપર લાગેલ સ્ટેન્ડ ઉપર પટકી.. એક જ રીક્ષામાં તેર બાળકો ભરાયા હતા, જો કે કબીર એક મહિનામાં ટેવાઈ ગયો હતો. પાછળની સીટ ઉપર તેને બેસવા જેટલી જગ્યા કરવામાં એને કોઈ તકલીફ નહોતી પડતી. રીક્ષા શાળાના ગેટ સુધી પહોંચતી ત્યાં સુધીમાં કબીરના પગમાં ખાલી ચડી જતી. રોજની આદત મુજબ કબીર રીક્ષામાંથી ઉતરીને પાંચ મિનીટ બેસી રહેતો. શાળામાં પ્રાર્થનાનો સમય સાડા સાત વાગ્યાનો હોય એટલે કબીર રોજ પંદરથી વીસ મિનીટ વહેલો પહોંચી જતો.. એ પંદરથી વીસ મિનીટ કબીર શાળાના બગીચામાં હિંચકા ઉપર બેસતો, એના મિત્રો સાથે દોડાદોડી કરતો અને રમતો.. બરાબર રમત જામી હોય કે તરત જ પ્રાર્થના સભાની ઘંટડી કબીરના દિમાગમાં હથોડાની જેમ વાગતી. પ્રાર્થના પૂરી થતાં જ કબીર દોડીને એના વર્ગખંડમાં પહોંચી ગયો..
બેગ ખોલતા જ એ વિચારવા લાગ્યો.. મેથ્શ! ડન, જી.કે.? ડન, કોમ્પ્યુટર! ડન. ઓહ! અંગ્રેજીનું હોમવર્ક નથી થયું? ભૂલી ગયો! હવે શું કરીશ! કબીરે કંપાસ બોક્સમાંથી પેન્સિલ કાઢી, મોમાં નાખી. વિચારોમાં ને વિચારોમાં એ પેન્સિલનો પાછળનો ભાગ ચાવવા લાગ્યો. આજુ બાજુ અન્ય છોકરાઓનો અવાજ એના કાન ખાઈ રહ્યો હતો. પહેલો જ પિરીયડ અંગ્રેજીનો છે! હવે કેમ હોમવર્ક થશે? અંતમાં હોત તો થોડુંક રીસેસમાં થઇ જતું! મારી જ ભૂલ છે. મમ્મીએ પૂછ્યું ત્યારે મેં રમવાની લાલચમાં ખોટે ખોટે જ કહી દીધું કે મારું બધું હોમવર્ક થઇ ગયું છે. મમ્મીને ખબર પડશે તો? એ પપ્પાને કહી દેશે! ટીચર ડાયરીમાં નોંધ કરશે?
એ પ્રશ્ન થતાં જ કબીર ત્રણ મહિના પહેલાના વિચારોમાં ખોવાયો.

“બીજા ધોરણમાં મને સીતેર ટકા આવ્યા હતા. તો મમ્મી અને પપ્પા વચ્ચે કેવો ઝગડો થયો હતો? એ તાદ્સ દ્રશ્ય એની સામે આવી ગયું..

“તારી જ ભૂલ છે! ચડાવી ને રાખ્યો છે, એક બાળક તારાથી મેનેજ નથી થતું? અને હું કશું કહું તો મને બોલવા પણ નથી દેતી.”

“હશે! હજુ તો એ બાળક છે, ટ્યુશન જાય છે, હોમવર્ક કરાવું છું.. એનાથી વિશેષ હું શું કરી શકું? ઓછા માર્ક્સ આવ્યા તો આવ્યા, એનાથી કંઈ હારી થોડું જવાય છે? આ તો બીજા ધોરણનું પરિણામ છે. એસ.એસ.સી. કે એચ.એસ.સી નું થોડું છે?”

“ઓહ! તો અત્યારથી એ માટે ધ્યાન નહી આપવાનું? પેલા રાહુલને નેવું ટકા આવ્યા!”

“હશે! તો શું થઇ ગયું? અને હું જેટલો સમય આપું છું એનો અડધો સમય તો તું આપ! તારા ફેસબુકને અડધો કલાક ઓછો સમય આપીશ તો કશો ફરક નહી પડે.”

“ સટાક.......” રશ્મિના ગાલ ઉપર એક તમતમતો તમાચો પડ્યો હતો, એ વિચાર આવતા જ કબીર ઝબકી ગયો. મોંમાં ચવાયેલી પેન્સિલનો કચરો ગાળામાં ઉતરતા તેને ઉધરસ આવવા લાગી. બરાબર આ સમયે અંગ્રેજીના ટીચર વર્ગખંડમાં પ્રવેશ્યા, કબીરની ઉધરસ ગળાથી નીચે ઉતરીને ઓગળી ગઈ. તે ચુપચાપ બેસી ગયો, વર્ગખંડમાં શાંતિ છવાઈ ગઈ. કબીરની આસપાસ પણ શાંતિ!

હોમવર્ક બતાવવાનો વારો આવ્યો ત્યારે કબીર નીચું જોઇને બેંચ ઉપર ઉભો થઇ ગયો. શિક્ષિકાએ કબીર તરફ જોઇને કહ્યું..

“વ્હાય યુ ડીડન્ટ કમ્પ્લીટ યોર હોમવર્ક?”

“મેમ મેમ..બ...મમ.. મમ્મીને કહ્યું હતું.....”

“શટ-અપ! એન્ડ ફોલો ધ રૂલ્સ ઓફ પ્રિમાઈસીસ, સ્પીક ઇન ઈંગ્લીસ ઓન્લી.”

“સોરી મેમ.”

“ગીવ યોર ડાયરી એન્ડ સીટ ડાઉન.”

કબીરે બેગમાંથી ડાયરી કાઢી ટીચરને આપી. બેચાર ટીપા આંખમાંથી સરક્યા એ એણે બાવડું ઊંચું કરી સાફ કર્યા અને પોતાની જગ્યાએ બેસી ગયો.

રીસેસમાં કબીર એનો લંચ-બોક્સ ખોલીને વિચારોમાં ખોવાયો હતો.. એક ચમચી પૌવા એણે મોંમાં નાખ્યા કે રીસેસ પૂરો થયાની ઘંટડી વાગી ગઈ. ઉતાવળે એણે લંચ-બોક્સ બંધ કર્યું અને વર્ગખંડમાં જતો રહ્યો.

બપોરે દોઢ વાગ્યે શાળા છુટ્યાની ઘંટડી વાગી. કબીર શાળાના ગેટ પાસે આવીને ઉભો રહી ગયો..

“રીક્ષા અંકલ હજુ નથી આવ્યા?” એ સવાલ એને મનમાં થયો. ત્યાં જ એક યુવકે એને બોલાવ્યો..

“ચાલો બેટા... આ રીક્ષામાં બેસી જાવ. તારા રીક્ષા અંકલની રીક્ષા ખરાબ થઇ ગઈ છે. આજે તને મુકવા હું આવીશ.”
કબીર બેગ ઉઠાવી રીક્ષામાં ગોઠવાઈ ગયો. રિક્ષાવાળા યુવકે કબીરને આગળની સીટ ઉપર બેસાડ્યો.
અત્યારે કબીર ગણતરી કરી રહ્યો હતો..
“અંકલ! સિક્સટીન?. ઇસ ટુ મચ!”
“અંગ્રેજની ઔલાદ! અંગ્રેજી ફાડે છે. જો અંગ્રેજી આવડતું હોત તો રીક્ષા થોડો ચલાવતો હોત!”
રીક્ષાવાળો ધીમેથી બોલ્યો અને રીક્ષા ચાલુ કરી.
રીક્ષા હજુ થોડી આગળ ચાલી હશે કે રીક્ષાવાળાએ રીક્ષા ઉભી રાખી નીચે ઉતર્યો. પાછળના ટાયર ઉપર નજર કરી. ટાયરને એક લાત મારી ચેક કર્યું.
ઓહ! વજન વધારે થઇ ગયું લાગે છે.. ધીરે ધીરે ચલાવવી પડશે. એમ વિચારી એ ફરી રીક્ષામાં બેસી ગયો,,
“વોટ હેપ્પ્ન અંકલ?” કબીરે પૂછ્યું...
“કંઈ નહીં ચાર છોકરાઓ વધારે બેઠા એટલે વજન વધી ગયું.”
“ઓહ! ઇટ્સ ઓકે! ધીરે ધીરે ચલાવો.”
***
બે વાગ્યે કબીર ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ એણે બેગ ઠેકાણે મૂકી, યુનિફોર્મ ઉતાર્યો. બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો. અઢી વાગ્યે જમવા બેસી ગયો.. જમવા બેઠા બેઠા એના મગજમાં ડાયરીમાં લખેલી નોંધ ભમી રહી હતી પણ સાડા ત્રણ વાગ્યાનું મેથ્સનું ટ્યુશન એના વિચારોમાં વમળો સર્જી રહ્યું હતું..
જમીને ઉભા થતા થતા કબીરે રશ્મિને કહ્યું..
“મમ્મી હું ટ્યુશનનું હોમવર્ક કરી લઉં, થોડું બાકી રહી ગયું છે.”
“ઓકે! બેટા.. ગુડ બોય..”
સાડા ચાર વાગ્યે મેથ્સનું ટ્યુશન પૂરું થયું, કબીર રીક્ષામાં પાંચ વાગ્યે ઘરે આવી ગયો. સાડા પાંચ વાગ્યે કબીર એના ઘરની બાજુમાં જ અંગ્રેજી ટયુશનમાં જતો.. ત્યાંથી એ સાડા છ વાગ્યે પાછો આવી ગયો..
સાંજે સાત વાગ્યે એ ટીવી જોવા બેઠો ત્યારે એને બહાર રમવા જવાનો વિચાર આવ્યો. પણ સ્કુલનું હોમવર્ક એના વિચારોને’ય બહાર જવા રોકી રહ્યું હતું. સાંજે સાડા સાતથી આઠની વચ્ચે રશ્મિ પોતાના કામમાંથી કલાકનો સમય કાઢીને કબીરનું બધું હોમવર્ક કરાવતી, સાથે સાથે રસોઈનું કામ પણ કરતી..
હોમવર્ક પૂરું થયું. કબીરને બહાર રમવા જવાની ઈચ્છા હતી પણ બહાર કોઈ હતું નહી અને અંધારું થવા આવ્યું હતુ. કબીર ટીવી જોવા બેસી ગયો.. એકાદ કલાક એણે કાર્ટુન જોયું, આઠ વાગ્યે એના પપ્પા ઘરે આવ્યા, કબીરના હાથમાંથી રીમોટ લઇ ન્યુજ જોવા બેસી ગયા...
“કબીર, બેટા જમી લે અને સુઈ જા.. પછી સવારે ઉઠવામાં તકલીફ કરાવે છે.”
“જી મમ્મા.”
કહેતા કબીર જમવા બેસી ગયો...
જમી લીધા પછી કબીરને રશ્મિ બેડ પાસે લઇ ગઈ, એના માથા ઉપર હાથ ફેરવતા ક્બીરને સુવડાવ્યો.
કબીર ધાબળો ઓઢીને સુઈ જવા કોશિષ કરી રહ્યો હતો. એના પગમાં દુ:ખાવો થતો હતો. એનું માથું અકળાતું હતું. ટીવીમાં આવતા ન્યુજનો અવાજ એને અકળાવી રહ્યો હતો.
પાંચેક મિનીટ આંખો બંધ કરીને સુવાની કોશિષ કરી.
પણ એને ઊંઘ નહોતી આવતી. અચાનક એના પપ્પાનો અવાજ એના કાને અથડાયો..
“કબીર... બેટા ગુડ ન્યુજ ફોર યુ. રશ્મિ! લિસન. લિસન ધીસ ન્યુજ”
“શું થયું?” રશ્મિ રસોડામાંથી હોલમાં આવી ગઈ. કબીરે એનું મો ધાબળામાંથી બહાર કાઢ્યું.”
“સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે જે આપણા કબીરને લાગુ પડે છે.”
“પણ શું છે?” રશ્મિએ ઉત્સુકતાવસ ટીવી તરફ જોતા પૂછ્યું..
“જોઈ લે.. ત્રીજા ધોરણમાં ભણતા બાળકની બેગનો વજન ત્રણ કિલોથી વધારે ન હોવો જોઈએ.”
“વાવ!” રશ્મિએ ખુશ થતાં કહ્યું.

કબીર ધાબળામાં પોઢી સુઈ જવા કોશિષ કરી રહ્યો....

******

નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com