Sharu to kar books and stories free download online pdf in Gujarati

શરૂ તો કર

                     શરૂ તો કર!
તે બગીચામાં માથે હાથ દઈ બેઠો હતો. ઘેર સહુને કહીને કે તે કોઈ કામે ગયો છે.
તેને  ફર્સ્ટ કલાસ પાસ થયે દોઢ વર્ષ થયેલું પણ નસીબે યારી આપેલી નહીં.  કેટલીયે ઓફિસનાં પગથિયાં ઘસી આવેલો. પણ તે હજુ સુધી બેકાર હતો. આજે પણ તે કોઈ ઇન્ટરવ્યૂ આપીને આવેલો અને પસંદ ન થયેલો. પસંદ કોઈ ખાસ થયેલું.
તેણે શૂન્યમનસ્કે ઉપર જોયા કર્યું. કાશ કોઈ સફરજન ટપકે અને તેને કોઈ અફલાતૂન આઈડિયા આવે!  સાંજનો સુરજ ઢળવા લાગ્યો. વધુ એક દિવસ વ્યર્થ. નિરાશભર્યા વદને તે ખાલી ટિફિન ઉપાડી ચાલ્યો.
"શું કરું ધંધો કે નોકરી? મારી ગર્લફ્રેન્ડ પણ રાહ જુએ છે. તેણે બહુ ધીરજ ધરી."
દૂર આરતીનો ઘંટારવ થયો.


"હે ભગવાન,  માર્ગ બતાવ. બધા અનુભવ માંગે છે. પણ નોકરી મળ્યા વિના અનુભવ લેવા ક્યાં જાઉં?"
ત્યાં તેણે અવાજ સાંભળ્યો. "શરૂ તો કર?" તેણે એ તરફ જોયું. એક મા   પુત્રને નિસરણી પર સામે છેડે જવા કહેતી હતી. પુત્ર હાથથી દાંડો પકડી લટકી રહેલો.
"શરૂ કર એટલે આપોઆપ આગળ જવાશે." મા કહી રહી હતી.
તેણે મનમાં વિચાર્યું કે શરૂ તો કરું. પણ શું?
તેણે  ક્યારામાં એક અંકુર ફુટેલો જોયો. ધરતી ફાડી બીજમાંથી તે નીકળ્યું હશે ત્યારે તેને કેટલો શ્રમ પડ્યો હશે?
તેણે વિચાર્યું, નસીબ આડું આવરણ આ માટી છે  અને પોતે અંકુર.
તેણે સામે  જોયું. એક કાકાને બીજા કાકા    પૂછી રહ્યા હતા "તમે આ અંગ્રેજી છાપું ક્યાંથી લાવ્યા? દૂર દૂર સુધી છાપાની દુકાન નથી. સવારે ફૂટપાથ પર તો  ગુજરાતી, એ પણ અમુક જ છાપા મળે છે.
"ઓહ! તો છાપું વેંચુ. ચાલો, મારી ખાધાખોરાકી તો નીકળશે!.."
તેના મગજમાં ઝબકારો થયો. તે  ભાડે સાઇકલ લઈ છાપાંની ઓફિસે પહોંચ્યો.  પૈસા ખિસ્સામાં હતા તેમાંથી એક થપ્પી ખરીદવા બુકિંગ કર્યું.
તે સવારે 4 વાગ્યે  ઉઠ્યો. થપ્પી લઈ ગાર્ડન પાસે વેંચવા બેઠો. પેલા  કાકા એને જોઈ ખુશ થઈ ગયા અને છાપું ખરીદી તેમના મિત્રોને કહ્યું. તે સહુ ચપોચપ આ અંગ્રેજી છાપું લઈ ગયા. તેની પહેલી કમાણી. કમિશન ઓછું હતું પણ ન મામા કરતાં કહેણો મામો સારો.
આમ ને આમ તે બીજાં છાપાં અને સામયિક વેંચતો થયો. કિશોરોએ  સફારી મગાવ્યું. પેલી માએ એના બાળક માટે વાર્તાની ચોપડી મંગાવી. બાગ માં ફરવા આવતા લોકો તેના મિત્રો અને કાયમી ગ્રાહકો બની ગયા. હવે તેણે એક સ્ટોલ નાખ્યો અને બની ગયો દુકાનવાળો.
એક દિવસ  તેણે છાપાં  લેવા જતાં પ્રેસની બહાર રિપોર્ટર માટે જાહેરાત જોઈ. અચકાતો અચકાતો તે અંદર ગયો.
"મને કોણ લેશે?  મેં ક્યાં પત્રકારનો કોર્સ કર્યો છે?" તેણે વિચાર્યું પણ ફરી પેલી  અંકુર ફૂટવાની વાત સાથે પેલી મા નો "શરૂ તો કર" સાદ મનોમન સંભળાયો.
તેને ટેસ્ટ માટે યુવાનો માટે મોટીવેશનલ લેખ લખવાનું કહેવાયું.
તેણે થોડું વિચારી લખવું  શરૂ કર્યું -

"શરૂ તો કરો!  મોટો રસ્તો નાના ડગલાં ભરવાથી જ  કપાય છે. વિચારો, નીલ આર્મસ્ટ્રોંગએ ચંદ્ર પર જવા પહેલાં ઘરમાંથી કાર તો કાઢી હશે ને?

તમારી મમ્મીએ જમવાનું બનાવતા પહેલાં ગેસ તો પેટાવ્યો હશે ને?

વાસ્કો  ડ ગામાં એ હિન્દ પહોંચવા માટે નૌકા દરિયામાં ઝુકાવી પહેલું હલ્લેસું માર્યું હશે ને!

સમજીને  શરૂ કરો. પછી હીંમતે મર્દા તો મદદે ખુદા.

ડગલું ભર્યું કે ના હટવું.."
લેખ તંત્રીમંડળને ખૂબ ગમ્યો. તેને અનેક પત્રકારીત્વ ભણેલા ઉમેદવારો મૂકી પસંદ કરવામાં આવ્યો.
તેને પુછાયું કે તેણે શહેરને લગતી રેગ્યુલર કોલમ લખવાની છે તો તે શું પસંદ કરશે. તેણે તુરત શહેરના વિવિધ પ્રવાસયોગ્ય સ્થળોની કોલમ પસંદ કરી. દોઢ વર્ષ તે ખૂણે ખાંચરે રખડયો હતો.
રંગીન ફોટાઓ સાથે તેની કોલમ "શરૂ તો કરો.. પ્રવાસ" પ્રસિદ્ધ થઈ.
કામ પૂરું કરી મળસ્કે  ખાલી ટિફિન, પાણીની બોટલ લઈ નીચે ઉતર્યો  ત્યાં..
તેની ગર્લફ્રેન્ડ મીઠાઈની છાબડી લઈ તેને અભિનંદન આપવા ઉભી હતી.

તેણીએ ઉત્સાહમાં કૂદતાં  મીઠાઈનો ટુકડો તેના મોંમાં સરકાવ્યો. તેણીના હાથનો સુવાળો સ્પર્શ તેના હોઠોને થયો. તેણે હળવેથી એ હાથ ચુમ્યા.

અહીં પણ તેણે મનોમન કહ્યું “ શરૂ તો કર! એક ડગલું તો ભર!”

તેણે ત્યાં જ પ્રપોઝ કર્યું અને કહ્યું કે મંઝિલ લાંબી ,કદાચ મુશ્કેલ તો છે પણ સાથે મળી પહેલું ડગલું ભરીએ.

તેની જિંદગીની  એક નવી સવાર ઊગી.
અને.. 25 વર્ષ પછી  તે એ ગર્લફ્રેન્ડ, હવે પત્ની સાથે એ ગાર્ડન પાસેથી પસાર થયો અને .. પેલો અંકુર ફુટેલો તે જગ્યાએ એક ઘેઘુર વૃક્ષ જોઈ રહ્યો.

-સુનીલ અંજારીયા..