vadalo books and stories free download online pdf in Gujarati

વડલો

"પન્ના દીદી..! પ્લીઝ હેલ્પ મી..! હું અને અનિકેત એક બીજાને ખૂબ ચાહીએ છીએ.. હું એનાં વિના નહીં જીવી શકું.. પણ પપ્પા ક્યારેય નહીં માને.. હું મરી જઈશ પણ પેલા બાયલા જોડે લગ્ન નહીં જ કરૂં.. દીદી! તમારા વિશે ઘણું સાંભળ્યું છે.. ખૂબ આશા રાખીને આવી છું તમારી પાસે..! ઇન ફેક્ટ.. તમે જ મારી છેલ્લી આશા છો.. અનિકેત તમને ખૂબ માને છે.. તેણે જ મને તમારી પાસે આવવાનું સજેસ્ટ કર્યું હતું. તે પણ સાથે આવવાનો હતો પણ તેને કામ આવી ગયુ. દીદી..! અમારી હેલ્પ કરશો ને..?"

પન્નાએ મોટી ફ્રેમનાં ચશ્મામાંથી ઉંચે જોયું. હજુ તો સવારનો જ સમય હતો. આશ્રમની પ્રાથમિક હિલચાલ શરૂ થઇ હતી. પન્ના નાસ્તો કરીને હજુ ઓફિસમાં બેઠી જ હતી ત્યાં એક સુંદર, જુવાન છોકરી તેને મળવા પ્હોંચી ગઈ હતી. રોજિંદી આદત મુજબ પન્નાએ પોતાનું અવલોકન શરૂ કર્યું.

"આશરે 19-20 વર્ષની ઉંમર, પાંચ ફૂટ-ચાર ઇંચ હાઈટ, ભરાવદાર શરીર, ગોરો વાન, એક એક અંગ જાણે ઈશ્વરે માપીને બનાવ્યું હોય એટલું સપ્રમાણ.. નાકની દાંડી સ્હેજ લાંબી પણ સુંદર હતી. ચુસ્ત વસ્ત્રોમાં એનાં શરીરનાં સુંદર વળાંકો છતાં થતાં હતાં. વસ્ત્રો તેમ જ ભાષામાં આધુનિકતા અને પૈસો બન્ને દેખાતાં હતાં.. ફેશનની સમજ પણ સારી હોવી જોઈએ આ છોકરીને.."

"દીકરી.. શાંતિથી બેસ.. તારો પરિચય આપ.. શું થયુ છે એ આખી વાત કર. પાણી પીશ? " પન્નાએ કોલ બેલ દબાવી નિર્મલાને બોલાવી.. "નિર્મલા..! બેન માટે પાણી મોકલાવ.. અને થોડો ચા નાસ્તો પણ લઇ આવજે.."

"થેન્ક યુ દીદી.. આખી વાત કરૂં તો મારૂં નામ સંજના.. સંજના શર્મા... મારા પિતા શશીકાંત શર્મા. પંચવટી હોટેલનાં ઓનર અને શહેરનાં જાણીતા બિઝનેસમેન.. હું અને અનિકેત એક બીજાનાં ગળાડૂબ પ્રેમમાં છીએ અને લગ્ન કરવા માંગીએ છીએ. પરંતુ અનિકેત એક સાધારણ પરિવારમાંથી આવે છે.. મારા પપ્પાને એમનાં સ્ટેટસ સાથે મેચ થાય એવો જ જમાઈ જોઈએ છે. અને એક છોકરો એમણે શોધી પણ રાખ્યો છે પણ મને એ પસંદ નથી. મારે તો અનિકેત સાથે જ લગ્ન કરવા છે અને એ નહીં થાય તો હું મરી જઈશ.. મારા પપ્પા આ લગ્ન માટે કોઈ રીતે તૈયાર થાય એમ નથી.. અનિકેત અને હું પુખ્ત વયનાં છીએ.. હું ભાગી જવા પણ તૈયાર છું.. પરંતુ હજુ હું કે અનિકેત કોઈ આર્થિક રીતે સક્ષમ નથી.. અમને આમાં કોઈ રસ્તો બતાવો દીદી.." નિર્મલા ચા નાસ્તો લઇને આવી ગઇ હતી.. પન્નાએ એને ચા નાસ્તા માટે આગ્રહ કર્યો..

"મને તારી વાત થોડી સમજાઈ તો છે પણ આમાં હું તને કઇ રીતે મદદરૂપ થઈ શકું..? કાયદાકીય કંઇ મદદ જોઇતી હોય તો હું કરી શકું.. પરંતુ લગ્ન કરાવવા તો તમારે કોઈ પુરોહિતની જ મદદ લેવી પડે.." પન્નાએ રમૂજ દ્રારા વાતાવરણને હળવું કરવાનો પ્રયત્ન કર્યો.

"દીદી.. જયાં સુધી હું અને અનિકેત આર્થિક રીતે સક્ષમ ના થઇ શકીએ અને અનિકેતનો અને મારો પરિવાર અમારો સંબંધ સ્વીકારી ના લે ત્યાં સુધી મારે તમારા આશ્રમમાં આશરો જોઈએ છે.. બે ફાયદા થશે. અમને આર્થિક ટેકો મળી રહેશે ને હું ઘર છોડીને જઇશ એટલે મારા પપ્પા ગમે તે રીતે મને પાછી લાવવા પ્રયત્ન કરશે. તમારા આશ્રમમાં હોઈશ તો કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે..." છોકરી સુંદર હોવાની સાથે સાથે સ્માર્ટ પણ છે. પન્ના મનોમન વિચારી રહી..

"ઓકે.. લેટ મી થિંક એબાઉટ યોર કેસ.. મારે તને અને અનિકેતને સાથે મળવું પડશે એ માટે.. પછી વિચાર કરીને તને જવાબ આપીશ.. આઇ નીડ સમ ટાઈમ ફોર ઇટ.. તમે એક કામ કરો. કાલે સાંજે પાંચ વાગ્યે બન્ને એક સાથે આ જ જગ્યાએ મને મળો. પછી તમારા કેસમાં હું ક્યાં તમને મદદરૂપ થઇ શકું એ વિચારીએ.."

"ઓકે દીદી.. થેન્ક યુ વન્સ અગેઇન.. થેન્ક યુ વેરી મચ.. વી વીલ સરટનલિ કમ ટુમોરો.." સંજના જવા માટે ઉભી થઇ. પન્ના એની પીઠને તાકી રહી. એનો ભૂતકાળ એને જતો લાગ્યો..

"સટાક્...સટાક્...સટાક્.." ત્રણ તમાચાનાં અવાજ અને ધમકી...19 વર્ષ પહેલાની ઘટના જાણે કાલે જ બની હોય એમ પન્નાની નજર સમક્ષ ભજવાઇ ગઇ. 

"સા....".. "તું અમારી આબરૂને ધૂળ ધાણી કરવા માંગે છે..! આવું કહેતાં પહેલા તું ડૂબીને મરી ગઇ હોત તો મને અફસોસ ના થાત.. આજ પછી એ બદમાશનું નામ પણ લીધું છે કે મળવા ગઇ છે તો ટાંટિયો ભાંગી નાખીશ યાદ રાખજે.. મમ્મી પપ્પાએ તને આટલી છૂટ આપી રાખી છે એટલે જ આટલી બગડી ગઇ છે.. મારા હાથમાં તારી દોર આપી હોત તો આ સમય ના જોવો પડ્યો હોત.." 

"ઘૂ... ઘૂ... ઘૂ..."કબૂતરો નાં અવાજથી પન્ના ભૂતકાળમાં થી કૂદકો મારી ફરી વર્તમાન માં આવી ગઇ. સામે વડલાનાં ઝાડ પર ઘણાં કબૂતરો બેસીને મિજબાની કરી રહ્યાં હતાં.. વિશાળ કેમ્પસમાં બરાબર વચ્ચે વડલાનું ઝાડ આવેલ હતું. વિશાળ, ઘટાટોપ, ઘણી વડવાઈથી ઘેરાયેલ વડલાનું ઝાડ આશ્રમમાં સરસ છાંયડો કરતું હતું. થાકેલા પાકેલા સૌ એની વિશાળ ભુજાઓમાં આરામ કરતા. મોટી ઉંમરના વડીલ બહેનો ત્યાં કલાકો સુધી ભેગા બેસી સુખ દુઃખની વાતો કરતા. પક્ષીઓ ત્યાં આશ્રય મેળવતાં. 

આમ જોઈએ તો આ આશ્રમ જ કેટલી બધી, દુખીયારી બહેનો માટે આશ્રય હતો. અને પન્ના આ આશ્રમની કર્તા હર્તા.. બિલ્કુલ આ વટવૃક્ષની સમાન.. "Queen's court"..."રાણીનો દરબાર"... નામ પણ સરસ આપ્યું હતુ આશ્રમનું.... આખા શહેરમાં આ રાણીનાં દરબાર અને પન્નાનાં નામનો સિક્કો પડતો હતો.. લોકો ખૂબ આદરની દ્રષ્ટિથી જોતાં આ રાણીનાં દરબાર ને.. બહેન- દીકરીઓ સુરક્ષિત હતી હવે રાણીનાં દરબારનાં લીધે.. નિરાધાર બહેનો આશ્રમનાં આશ્રયે આવતી.. આશ્રમ એક નવી પદ્ધતિથી ચાલતો. આશ્રમમાં ડોનેશન સ્વીકાર્ય નહોતું.. પણ અહીં રહેવા આવનાર અશક્ત કે વયોવૃદ્ધ  સિવાયની દરેક મહિલાએ જાતે પગ ભર થવું પડતું.. પગ ભર થવાની તક પૂરી પાડવાનું કામ રાણીનો દરબાર કરતું.. ભરત-ગુંથણ, સીવણ, હેન્ડીક્રાફ્ટ જેવા અનેક સ્વરોજગારીનાં તાલીમ વર્ગો, અગરબત્તી બનાવટ, મધ ઉછેર અને આ તમામનાં વેંચાણ કેન્દ્રથી લઇને કોમ્પ્યુટર, શિક્ષણ, અને નોકરીની અનેક તકો દ્રારા સૌ એ અહીંનાં નિયમ મુજબ સ્વનિર્ભર બનીને આશ્રમનાં ખર્ચમાં નિશ્ચિત યોગદાન આપવું પડતું. અહીંની બહેનો ગરીબ, લાચાર કે અબળા નહોતી..સ્વ બચાવ માટે કરાટેનું શિક્ષણ પણ દરેક મહિલા માટે ફરજીયાત હતું. અહીં આવ્યા બાદ બહેનોની અંદર ગજબનો આત્મ વિશ્વાસ આવ્યો હતો..  અને પન્ના આ બધાની દીદી.. અહીંની દરેક બહેન માટે ઇશ્વર પછીનું બીજુ સ્થાન પન્ના દીદીનું જ હતું. પન્નાનાં એક ઈશારા પર આ બહેનો જીવ પણ આપી દે.. અને પન્ના પણ દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી કરવાની સાથે સાથે દરેક સાથે આત્મીયતાથી જોડાયેલ હતી. એકદમ નીતિમત્તાનાં ધોરણોથી નિષ્પક્ષ વહીવટ ચલાવતી. 

આશ્રમ ચલાવવાની સાથે સાથે પોતે એક બાહોશ વકીલ પણ હતી. કાયદાની આંટીઘૂંટીની પણ નિષ્ણાત હતી. આશ્રમમાં રહેતી અને દહેજ કે સાસરિયાનો ત્રાસ, બળાત્કાર, જેવા કેસમાં ફસાયેલી દરેક બહેનોનો કેસ પન્ના ખુદ લડતી. અને પન્નાનાં હાથમાં કેસ હોય એટલે કોઈની મજાલ છે કે કેસ જીતી શકે...! વકીલોની દુનિયામાં પણ પન્નાનો ડંકો વાગતો.. પન્ના કેસ હાથમાં લે એ સાથે જ જીત નિશ્ચિત બની જતી. પરંતુ એક પણ ખોટો કેસ એ ક્યારેય હાથમાં ન લેતી. હંમેશા અન્યાય સામે જ લડત આપતી.. ઘણાં લોકો તો 'ક્વીન'નાં નામથી તેને નવાજતાં. 

સુંદરતામાં પણ તે ક્યાં કોઈ રાણીથી ઓછી હતી...! પન્નાએ સામે રહેલા પૂર્ણ કદનાં અરીસામાં જોયું. કૉલેજમાં ભણતી ત્યારે દર વર્ષની બ્યુટી ક્વીનનો તાજ પન્નાનાં માથે જ હોય.. આજ ભલે ચાલીસીએ પ્હોંચી હોય, પણ તેનાંથી એની સુંદરતામાં સ્હેજ પણ ઓટ આવી નહોતી.. તેથી ઉલ્ટું.. યૌવનની મુગ્ધતા જાજરમાન બનતાં વધુ જ નિખાર આવ્યો હતો. એ આજે પણ જ્યારે બહાર નીકળતી ત્યારે અનેકની લાળ ટપકતી નજર જોઇ હતી એણે.. પણ એ બધા તો કૂતરા સમાન હતાં એનાં માટે..પૂંછડી પટપટાવાથી વિશેષ કશું ના કરી શકે. પન્ના તો સિંહણ હતી. સિંહણનો સ્વભાવ હોય છે.. એને પરેશાન ન કરો ત્યાં સુધી એ ક્યારેય કોઈને પરેશાન ના કરે..પણ એક વાર જો એની સળી કરી તો એ ક્યારેય તમને ના મૂકે.. એમાં પણ આ તો ઘવાયેલી સિંહણ.. હા.. આ સિંહણ પણ એક જમાનામાં એક સિંહ આગળ દિલ હારી બેઠી હતી.. વિરાજ...વિરાજ નામ હતું એનું.. ઉંચી, પડછંદ કાયા, સિક્સ પેકસ, અને બોલતો ત્યારે તો દરેક વ્યક્તિ એનો પડતો બોલ ઝીલવા તૈયાર હોય..  કોલેજનો જનરલ સેક્રેટરી હતો એ. સાધારણ ઘરનો હતો પણ વિચારો અને હિમ્મતમાં અસાધારણ.. એટલે જ તો મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી, સમાજ, બધા સાથે ઝઘડી, ઘરથી ભાગીને લગ્ન કર્યા હતા એની સાથે.. પણ એણે દગો આપ્યો...પન્નાને ખબર પડી કે એને બીજી પણ છોકરી સાથે અફેર છે એટલે એક પણ સેકન્ડની રાહ જોયા વિના ઘર છોડીને ચાલી ગઇ. છૂટા છેડાની નોટિસ પણ પાછળથી મોકલાવી દીધી. એ ઘણું કરગર્યો પણ પન્ના એક ની બે ના થઇ.

સૂરજ માથા પર ચડતો જતો હતો અને આશ્રમમાં હિલચાલ વધી રહી હતી.. સૂરજનો સ્વભાવ પણ કેવો છે.. કેટલો સરસ પ્રકાશ આપે.. માણસને નવ ચેતન આપે, નવી જીંદગી આપે.. પણ એની સામે તમે વધુ વાર જોઇ ના શકો.. એની નજીક ના જઇ શકો.. દઝાડી દે.. ચંદ્ર પર જઇ આવેલ માનવી હજુ સૂરજ પર જવાની હિમ્મત નથી કરી શક્યો. 

" ભાઈ.. હું વિરાજને અનહદ ચાહું છું.. અને એને પામવા માટે હું કોઈ પણ હદ સુધી જઇ શકું.. તમે લોકો સંમતિ આપો તો ઠીક છે.. ના આપો તો ભૂલતા નહીં કે હું અને વિરાજ પુખ્ત વયનાં છીએ.. અને અમને લગ્ન કરતાં આ દેશનો કોઈ કાયદો રોકી શકે એમ નથી." પન્નાનાં માથા પર ફરી ભૂતકાળ ભૂત બનીને સવાર થયો. અને ફરી એ તમાચાનાં અવાજ એનાં કાનમાં ગુંજી રહ્યાં.

" હવે તું અમને કાયદો દેખાડીશ? આ માટે જ વકીલ બનાવી હતી તને? ભાગીને લગ્ન કરીશ? કુટુંબની આબરૂ ને આ રીતે ભર બજારમાં ઉછાળવા માંગે છે તું..! નીકળી જા.. અત્યારે જ તું આ ઘરમાંથી નીકળી જા.. તારું આ ઘરમાં હવે કોઈ સ્થાન નથી.. આજથી તું અમારા માટે મરી ગઇ છો.. ના.. એમ નહીં.. તું અમારા માટે ક્યારેય હતી જ નહીં.. આ કુટુંબ સાથે તારો હવે સ્નાન સૂતકનો પણ સંબંધ નહીં રહે.. તું વકીલ છો ને...! તો આ કાર્યવાહી પણ હવે કાયદેસર થશે. તું તારો હક બનતો હોય એવી દરેક ચીજ આ ઘરમાંથી લઇને રવાના થઇ જા.. તારી એક પણ યાદી આ ઘરમાં રહેવી ના જોઈએ.. આ કુટુંબની આવનારી પેઢી તારા અસ્તિત્વ વિશે પણ જાણી નહીં શકે. અમે છાપામાં પણ જાહેર ખબર આપીને આ વાત જાહેર કરી દઈશું.. અને સગા સબંધીને પણ કહી દઈશું.." પન્નાએ એક નજર માતા પિતા તરફ જોયું.. મા નું હૃદય પીગળી ગયું.. એ રડવા લાગી.. ભાઈ ને સમજાવવા પણ દોડી.. પણ પપ્પાએ એનો હાથ પકડી લીધો.. ભાઈ જે કરતો હતો એ બરાબર જ કરતો હોય એમ એમણે મૂક સંમતિ આપી દીધી.. હવે પન્નાએ કશું વધુ વિચારવાનું ન હતું. એ પહેરેલ કપડે જ ઘર છોડી જવા તૈયાર થઇ ગઇ...
સંજનાને આજે મળીને પન્ના ભૂતકાળમાં સરી પડી હતી. એનાં પિતાની જેમ જ પન્નાનો ભાઈ પણ એનાં પ્રેમ ની વિરોધમાં હતો.

"કટ, કટ, કટ" બાજુનાં ઓરડામાંથી આવતાં સિલાઇ મશીનનાં અવાજે પન્નાનું ધ્યાન ભંગ કર્યું.. ઉપરનાં કલાસ રૂમમાંથી ટીચરનો અવાજ પણ આવી રહ્યો હતો. અહીં રહેવા માંગતી દરેક બહેનો માટે પ્રાથમિક શિક્ષણ ફરજીયાત હતું. રસોડામાં આવતી સુગંધ રસોઈ તૈયાર થઇ ગઇ હોવાની ચાડી ખાતી હતી..પવનનાં સુસવાટાઓ વધી રહ્યાં હતાં. હવામાન ખાતા વાળાએ આજે વાવાઝોડાની આગાહી કરી હતી. પન્નાએ પણ એ ધ્યાન માં રાખીને સાંજે બધાને વહેલા જ આશ્રમમાં આવી જવા કહ્યું હતું. પન્ના આશ્રમની તમામ બહેનોનું વડીલની માફક ધ્યાન રાખતી.. કોઈ માંદુ સાજુ હોય તો પણ પન્ના તેની પડખે ખડા પગે ઉભી રહેતી. અનાયાસ એનું ધ્યાન બારીમાંથી સામેનાં વડલા પર ગયું. એ પણ વડીલ સમાન સૌનું ધ્યાન રાખતો ઉભો હતો. પન્નાએ એક સંતોષનો શ્વાસ લીધો અને ઉભા થઇને સામેની બારી બંધ કરી. ત્યાં નિર્મલા જમવા માટે બોલાવવા આવી.. ઘડિયાળનો કાંટો એકનો સમય બતાવી રહ્યો હતો. સમય પાલનનો એનો આગ્રહ પણ આશ્રમમાં બરાબર જળવાતો હતો..
*                                   *                               *      
"આવ અનિકેત..! બેસ.." લંચ બ્રેક પછીનાં સમયમાં પન્ના ઓફિસમાં બેઠી હતી ત્યાં અનિકેત આવ્યો. તેણે અનિકેતને આવકાર્યો. 

"દીદી.. તમે કહ્યા મુજબનું બધું કામ બરાબર થઇ રહ્યું છે.. સંજના બરાબર મારી પ્રેમ જાળમાં ફસાઈ ગઇ છે. અને મારાં માટે ઘર છોડવા સુદ્ધા તૈયાર થઇ ગઇ છે.. હવે આગળ શું કરવાનું છે એ કહો.." 

" વાહ અનિકેત.. તેં બધું કામ બરાબર કર્યું છે.. સંજના આજે સવારે મળવા પણ આવી હતી.. ત્યારે એણે ઘર છોડવાની તૈયારી બતાવી હતી.. બધું પ્લાન મુજબ થઇ રહયું છે.. હું તારા કામથી ખુશ છું.. આ રહી તારા કામ ની ફીસ.." પન્ના એ ટેબલનાં ડ્રોઅરમાંથી નોટોનું એક બંડલ કાઢી અનિકેત સામે ધર્યું.

"અરે દીદી.. એ શું બોલ્યા.. આમ પૈસા આપીને મને પારકો કેમ કરો છો..! દીદી.. હું આ પૈસા લઇ શકું એમ નથી. અને આ એક તો શું.. જીંદગી આખી તમે જે કંઇ કામ કહેશો એ કરીશ.. તમારા માટે તો હું મારી ચામડી ઉતારીને એનાં જોડા બનાવીને પહેરાવી શકું દીદી.. તમે તો અમારા કુટુંબની આબરૂ બચાવી છે. મારી બહેનનાં ન્યૂડ ફોટોગ્રાફ્સ હતાં પેલા બદમાશ પાસે.. તમે જ મારી બહેનનો જીવ અને આબરૂ બચાવ્યા છે.. બાકી અમારાં જેવા ગરીબની સામે ક્યાં કોઈ જુએ છે.. મારી પાસે તો પૈસા પણ નહોતા તમને આપવા માટે તો પણ તમે...જીંદગી આખીનો કરજદાર કરી દીધો છે મને.. તમે જે કંઇ કહેશો એ કામ કરીશ.. એક પણ સવાલ નહીં પૂછું એનાં વિશે.. પણ પૈસા આપીને આમ અપમાન ના કરશો દીદી પ્લીઝ.." અનિકેત બે હાથ જોડીને પન્નાને કરગરી રહ્યો હતો..

"અરે.. અનિકેત..! તારે આટલું બધુ કરવાની જરૂર નથી. મેં તો મારી ફરજ નિભાવી હતી. છતાં એવું હોય તો તને પૈસા નથી આપતી બસ.. અને આગળ હવે શું કરવાનું છે એ સૂચના તને આપતી રહીશ." અનિકેત ખુશ થઈને પન્નાની રજા લઇને જતો રહ્યો. 

"સટાક્...સટાક્...સટાક્.." પન્નાનો હાથ ગાલ પર ફરી વળ્યો.. ત્રણ તમાચાની એ ગુંજ આજે પણ પન્નાને સૂવા દેતી નહોતી.. "મી. શશીકાંત શર્મા.. તમે મને ઘરથી અને કુટુંબથી બેદખલ કરી છે તો આજથી તમે પણ મારા ભાઈ નથી. હું મરી જઈશ તો પણ આ ઘરમાં ફરી પગ નહીં મૂકું. પણ તમે મારા સંસ્કાર પર આરોપો મૂકો છો તો યાદ રાખજો.. તમારા ઘરમાં પણ સંજના નામની એક નાનકડી દીકરી છે. ભલે આજે એ એક જ વર્ષ ની છે પણ કાલે એ પણ યુવાન થશે. પ્રેમ પવિત્ર વસ્તુ છે. એનાં પર કોઈનું જોર ચાલતું નથી.. કાલે સવારે એ કોઈનાં પ્રેમમાં પડશે ત્યારે તમે શું કરશો..આજે તમે મને ઘરમાંથી રદબાતલ કરી છે. સંજનાને કઇ રીતે કરો છો એ હું પણ જોઇશ.." આટલું કહીને પન્ના સડસડાટ ઘર છોડીને ચાલી ગઇ. ઘર તો છોડી દીધું પણ એ દિવસની યાદ હજુ નથી છૂટતી.

પવનનાં સુસવાટા વધી રહ્યાં હતાં.. સંધ્યાનો સમય થઇ ગયો હતો. દૂર દૂર મંદિરમાં થતી આરતીનો ઘંટારવ સંભળાઈ રહ્યો હતો. ત્યાં વાવાઝોડાની અગમચેતીનાં ભાગ રૂપે લાઈટ પણ જતી રહી.. પવનનો અવાજ વાતાવરણને બિહામણું બનાવી રહ્યો હતો. પન્નાએ ઉભા થઇ બારી ખોલી.. સામેનાં વડલા સામે જોયું. દિવસ આખો વડીલની માફક બધાને આશ્રય આપતો વડલો રાતનાં આ અંધકારમાં અને વાવાઝોડામાં આમ થી તેમ ડોલતો હતો ત્યારે ભૂતાવળથી પણ ભયાનક દૃશ્ય ભાસતું હતું.

ડો. આરતી રૂપાણી