Jabal sham parvat vadal thi vatu kare books and stories free download online pdf in Gujarati

જબાલ શામ પર્વત: વાદળથી વાતુ કરે

વાદળથી વાતુ કરી - જબલ શામ

અમે 19.4.19 ના જબલ શામ, ઓમાનના સહુથી ઊંચાં પર્વતીય સ્થળની મુલાકાત લીધી. આજગ્યા 3000 ફૂટ થી વધુ ઊંચી છે.

ઓમાનીમાં જબલ એટલે પર્વત.

જગ્યા આમતો એટલી ઊંચી જગ્યાએ અને રસ્તો એવો કે 4x4 ટ્રાન્સમિશન વાળી ઊંચી કાર જ જોઈએ. છતાં પુત્ર સાહસ ખેડી પોતાની સ્વ માલિકીની ટોયોટા કેમરી માં જ પોતે ડ્રાઇવિંગ કરી પર્વતાળ, 37 કીમી કાચા પથરીલા રસ્તા અને ઉબડખાબડ જગ્યાએ અતિ સીધા ઢાળ પર થઈ લઈ ગયો.

અમે ચાર અને બે વર્ષનો પૌત્ર મસ્કત ઘેરથી પોણા આઠે નીકળી નિઝવા શહેર અને ત્યાંથી થોડે દુર મોટું 5-6 મુખ્ય જગ્યાએ જતું જંકશન વટાવી તનુફ શહેર પાસે 10 વાગે પહોંચ્યાં. અહીંથી 37 કીમી નો રસ્તો છે જે ખૂબ જ સીધા ચડાણ સાથે વળાંકો પાર કરતાં ઉપર જાય છે. ગયા અઠવાડિયે વરસાદ થયો હોઈ ક્યાંક લેન્ડસ્લાઇડ થયેલી અને પથરા રસ્તા પર અને રસ્તાની ધારે હતા.

જેમ ઊંચા જતા ગયા તેમ નીચે ડુંગર કેરી ખીણમાં ગાંભું તો નહીં પણ અરેબિક નામોના ગામ આવતાં ગયાં. અમુક જગ્યાએ ખજૂરીના ખેતરોમાં ખજૂરીના આંબાના જેવા મહોરમાંથી નાનાં ફળ થયાં હોઈ તે નીચે ન પડી જાય એટલે કપડાં બાંધેલાં.

એક સરખાં સફેદ કે ક્રીમ રંગના બેઠા ઘાટના મકાનો ઊંચા કાળા, કથ્થાઈ, ક્યાંક પીળા, ખાખી અને ક્યાંક વળી લીલા ડુંગરોની પશ્ચાદ્દભૂમિમાં અદભુત લાગતાં હતાં.

રસ્તો એટલો પહોળો કે બે કાર અડોઅડ પસાર થઈ શકે. એટલે એક કાર ઉપરથી આવતી હોય ત્યારે બીજીએ સાઈડ દબાવવા સાથે સાઈડમાં અણીદાર પથ્થરો પર ચડી ન જાય તેનું ધ્યાન રાખવાનું અને ઉતરતી કારે ખીણમાં સરકી ન જવાય તેનું.

એક તબક્કે કાનનું પોલાણ પ્લેનના ટેઈક ઓફ વખતે થાય છે એમ મોટું થતું લાગ્યું. ઊંચાઈને લીધે.

સાવ સીધું ચડાણ અને સીધો ઉતારતો ઢાળ આવતા ગયા. રસ્તા આસફાલ્ટ કે ડામરના નહીં પણ કાચા હોવા છતાં વ્યવસ્થિત હતા. બે સાઈડે ખીણો દેખાતી ગઈ. ક્યાંક ઊંટ દોરેલું સાઈનબોર્ડ આવે ત્યાં કાર ધીમી. નજીક સમતલ જગ્યાએ રખડતાં ઊંટ અને પહાડી ઊંચા, વાળ વાળા બકરાઓ જોયા.

11 વાગ્યા આસપાસ બેઇઝ કેમ્પ કહો કે કેમ્પ સાઇટ , બે જગ્યા રિસોર્ટ સનરાઈઝ અને રિસોર્ટ જબાલ શામ આવી. નજીક ઓમાન સરકારે જ થોડે નીચે થાંભલીઓ પર સ્લેબ ભરી તેની ઉપર મોટા પથ્થરો ખડકેલા અને નજીકમાં થોડી સમથળ જગ્યામાં કારો પાર્ક થયેલી. અહીં આડેધડ પાર્કિંગ ન થાય. એક લાઈનમાં યોગ્ય જગ્યાએ જ. કાર પાર્ક કરી નજીક plateu જેવી જગ્યાએ ઉભી નીચે ખીણ જોઈ. અનેક ધોળીયા વિદેશીઓ પણ ફોટા લેતા હતા.

નીચે નિઝવામાં કે સમુદ્રથી દૂર રેતાળ ગામોમાં ઉષ્ણતામાન 40 જેવું હશે, ઉપર 20 સે. બતાવતું હતું! ડિસેમ્બરની સવારે દસેક વાગ્યે અમદાવાદમાં ફીલ થાય તેવું. એકદમ ચોખ્ખી અને ઠંડી હવા શ્વાસમાં ભરી.

નીચે ખીણ પાસે તારની વાડ કરેલી. તાર આપણા કાંટાળા નહીં પણ લીસા જે પકડી ઉભી શકાય. ખીણ ખૂબ ઊંડી હતી.

આ તો ટ્રેલર. ફિલ્મ હજુ બાકી. એટલે ત્યાં વેચાતી લાલ ભૂરા દોરાઓની માળાઓ, ચમકતા સફેદ પથ્થરની વસ્તુઓ ‘વાઉ’ કરી જોતી ધોળીઓની ગોઠણ સુધીની ચડ્ડી નીચે લિસ્સા પગો જોઈ મેં મનમાં ‘વાઉ’ કર્યું અને આગળના મુકામે ગયા. મૃત ઉંટ અને ઘેંટાંની ખોપરી અને શીંગડાં પણ વેચાતાં હતાં. ધોળી સ્ત્રીઓ ચોક્કસ તે દોરા ની લાલ ભૂરી માળાઓએને બાજુબંધ ખરીદતી હતી.

હજી ઉપર, કાંકરાઓ અને પથરાઓની બાજુમાંથી કાર લીધી. કલાકે 7 થી 10 ની ઝડપે. લડાખ જેવી જગ્યાએ ખારડુંગલા પાસ ની મુસાફરી કદાચ આવી જ હશે! બીજો કેમ્પ આવ્યો. આ જગ્યા પોઇન્ટ 3 કહેવાય છે. અહીં લોકો ટેન્ટ બાંધી આખી રાત રહે છે અને બીજે દિવસે તળેટીમાં ઊંડી ખીણમાં ઉગતો સૂર્ય જોઈ વિદાય થાય છે. ખીણ પૂર્વ તરફ હોઈ આ જગ્યાએથી સૂર્યોદય જોવાનું ખૂબ મહત્વ છે. આ કેમ્પ પાસે સ્થાનિક લોકોનાં પાકાં બાંધેલાં ઝૂંપડાં કહી શકો તેવાં ઘરો હતાં. અહીંથી વળી નીચે સર્પાકાર રસ્તો હોય તેવું લાગ્યું જે સુકાએલી નદી હતી. અહીં હવાએ બનાવેલ પગથિયાં જેવા સ્તરો વાળા ખડકો દેખાતા હતા. રણમાં જ જોવા મળે તેવી રૂપેરી વનસ્પતિ અને કથ્થાઈ પાનની કાંટાળી વનસ્પતિ હતી.

આમ એક કેમ્પ પર સમુદ્રના રાક્ષસી વમળ જેવી વલયો વાળી ખીણ જોઈ તો બીજે ખડકો. દુરનું દ્રશ્ય તો ખરું જ. પર્વતો વચ્ચેથી પસાર થતી હવાનો ઘુ.. અને ઝુ.. કરતો, ક્યારેક મોટી વ્હીસલ જેવો અવાજ પણ થોડી સેકંડ માટે સંભળાતો.

કાર અહીં થંભાવી. Highest peak ઉપર કાર લઈ ગયેલા. અન્ય બે ચાર કાર પણ હતી. થોડું ચાલી જેને બાલ્કની વૉક કહે છે તે વૉક્વે 6 પર પહોંચ્યા.

નેટ સર્ચ કરી આવેલા મારા પુત્રે કહ્યું કે વૉક્વે 3 અઘરો, 1 વધુ અઘરો. અને 6 એ રીતે સરળ પણ થોડો લાંબો. દિવસ આખો હોય તો બે ત્રણ કીમી જઈ અવાય. જે રિસોર્ટમાં ઉતરી કદાચ વામકુક્ષી પતાવી આવેલા વિદેશીઓ કરતા હતા. હજુ કેટલાક લોકો કાર લઇ જવાય તેટલી અંદર લઈ જતા હતા. એક સાંકડી કેડી જેવા દેખાતા રસ્તે કોઈને આવતો જોઈ અમે પણ કાર લીધી પણ ત્યાં રસ્તો સીધો નીચે ખીણ તરફ જતો અને કાદવ કે ઝાંખરાંવાળો, બંધ હોય તેમ લાગ્યું. તે ભટકીને પાછો આવતો હતો. અમને તો યુ ટર્નની પણ જગ્યા ન હતી. જેમ તેમ એ 4x4 ને બાજુમાંથી જવા દઈ આગળ પાછળ થઈ રિવર્સ મારી અમે એની પાછળ ગયાં અને બહાર પેલા ટેન્ટ બાંધેલા તે જગ્યાથી આગળ જઈ વૉક્વે 6 પાસે જેટલી નજીક થાય તેટલી નજીક કાર પાર્ક કરી. અહીં પણ આસપાસ નાનાં પાકાં ઘરો હતાં. સ્ત્રીઓ કાળા અબાયામાં નહીં પરંતુ આપણી સિંધી અને વણઝારા સ્ત્રીઓ પહેરે તેના મિશ્ર પોશાકમાં હતી.

આ વૉક્વે બાલ્કની વૉક કહેવાય છે કેમ કે એકદમ ઊંડી ખીણની ધારે ધારે છે. બે ચાર પગથીયાની જેમ મોટા પથ્થરો પર વચ્ચે વચ્ચે બેસીને ઉતરવાનું અને ફરી પેલી સાંકડી કેડી. સામે સતત ઊંડી ખીણ. એની સામે પાર પેલા ઊંડા, કાપેલી ધાર વાળા લાલ અને કથ્થાઈ કાળમીંઢ ખડકો. કોઈ વોલપેપર કે અંગ્રેજી ફિલ્મમાં જોવા મળે તેવું દ્રશ્ય. દૂર અનંત લાગે એવી ઊંડી ખીણનું મનભાવન દ્રશ્ય. બધું નાની કીડીઓ જેવું દેખાય. નીચે નાના રસ્તાઓ ભૂરી પટ્ટીઓ જેવા દેખાય. દૂર પર્વત શિખરો ભૂરાં દેખાય.

ઉપરથી એક સફેદ બાજ ઉડતું જોયું. સામે એક ખડક પર ઓમાનનું લશ્કરી નિરીક્ષણ સ્થળ અને તેનું સફેદ ચળકતું રડાર ટપકાં જેવું દેખાતું હતું.

એક નીચેથી સફેદ પાંખો વાળું કાળું બાજ પણ પસાર થયું.

વૉક્વે પર ચાલતાં સામેથી આવતા, અમને હાય કહેતા ધોળીયાઓ અને ખીણ સિવાય બીજું રસપાન થઈ જ જાય એવી ફિટ ધોળા ટીશર્ટ વાળી વિદેશી લલનાઓ મળી. એક જગ્યાએ અહીં ઓમાનમાં હોય છે એમ એક લાકડાની છત્રી અને તેમાં બેસવાના બાંકડા, નાનું ટેબલ નજરે પડ્યાં. સહેજ આગળ એક ધાર પાસે જઈ નીચેનો નઝારો જોઈ, પાછા ફરી છેક કારમાં જઈ, અમારો ખાવાનો સામાન લઈ આવ્યાં અને ફરી બાલ્કની વૉક કરી બપોરે એક વાગે ઠંડી લહેરો માણતાં પ્લેટ ભરી જમવાનું શરૂ કર્યું.

ત્યાં તો ક્યાંકથી એક લાંબા વાળવાળી પહાડી બકરી આવી ચડી અને બેં.. કર્યું. એને ફ્રૂટ, ખોરાકની ગંધ આવી હતી. એને સંતરા નાં છીલકા નાખ્યાં તો એણે ખુશ થઈ મોટેથી બેં.. કરી આ નવા અન્નક્ષેત્રની જાહેરાત કરી. બીજી સાત આઠ બકરીઓ જોતજોતામાં આવી પહોંચી. બે સાવ નાનાં બચ્ચાંઓ સાથે. એ બધાને બ્રેડના ટુકડા, કેળાની છાલ અને પછી સંતરાની ચીર નાખી વારાફરતી એક ચોકીદાર ઉભો અને બાકીનાં જમ્યા.

છાપરું વાંસનું અને થાંભલા માટીમાં પથરા ખોસી બનાવેલ હોઈ પૌત્રને ગોળ કેરી ભીતરડી.. ટોપરડે ઘર છાયા.. વાર્તા યાદ આપી. વાર્તાની બકરી અને બચ્ચાં સદેહે હાજર હતાં. એક બચ્ચાને તેડવા જતાં એની મા પહેલાં તો દોડતી આવેલી. હવે ખાઈને દોસ્તી થઈ ગઈ હોઈ બચ્ચાંને પૌત્ર પાસે પંપાળવા દીધું. મેં એકાદ મિનિટ ઊંચક્યું પણ ખરું. ‘70 ની ફિલ્મની હિરોઇનો યાદ આવી.રામ ઔર શ્યામ જેવી.

અમે પરત ફરતાં ખીણ સાથે સહુની એક સેલ્ફી લેવા વિચાર્યું. કેમેરા સામે પાંચ નાના મોટા ચહેરાઓ ગોઠવાયા, સેલ્ફી પતી ત્યાં.. ધ્યાન ગયું કે રસ્તા માટે વધેલા ફ્રુટની પ્લાસ્ટિકમાં પેક કરેલી થેલી પેલી બકરી ત્યાંથી દોડતી આવી મોંમાં લઈ દોડતી હતી. કેળાને

કોથળી સહિત દાંત વાગી ચૂકેલા. પુત્રએ કોથળી પહેલાં એના મોં માંથી છોડાવી એ ફ્રૂટ બહાર કાઢી એની સામે ફેંક્યું. કેળા અને સફરજન એ જે ટેસથી ખાતી હતી!

કોથળીમાં નેપકીન વગેરે પણ હતું તે બચેલું.

હા, અમે ખાતા હતા તે અને બકરીઓને ખવરાવતા હતા તે પેલા બાલ્કની વૉક માટે નીકળેલા વિદેશીઓને એવું નવું લાગ્યું કે ફટાફટ અમારા ફોટા, વીડિયો નીચે ઉભી લીધા.

કોઈના ફોટા લઈએ તો અહીં ગુનો ગણાય એમ કહે છે એટલે એ વિદેશીઓના ફોટા હું લઈ શક્યો નહીં પણ એમના ભાઈઓએ અમારા લીધા.

નીચે ફરી હળવે હળવે કાર ઉતારી. ખરી કસોટી ઉતરવામાં એટલે પાછા ફરવામાં હતી. ચડવાનું અને ઉતરવાનું ફરીથી બન્ને આવે. કેટલાક કેસમાં ચડવાનું, ઉપર આવતી વખતે ઉતરવાનું હતું એટલે આ વખતે વધુ અઘરું હતું. કારને પાવર મળી રહે એટલે એ સી બંધ કરી હવાના ઝુ.. અવાજો સાથે કાર ચડાવતા ઉતારતા કાંકરાઓ અને પથરાઓથી તારવતા નીચે ઉતર્યા.

અહીં એક ધ્યાનમાં રાખવાની વાત. વિદેશીઓને માટે પ્રમોટ થતાં વૈભવી ટુરિઝમ માટે આ રિસોર્ટસ છે. એ સિવાય પાણીની નાની બોટલ કે એક બિસ્કિટનું પાઉચ કે કશું ખાવા પીવાનું મળતું નથી. પાણી અહીં રહેતા પાકા ઝૂંપડાવાસીઓ માટે કોઈક રીતે નીચે એક જગ્યા સુધી ટેન્કર આવે છે. રિસોર્ટની બહાર ટોયલેટ પણ જોયું નહીં જે અહીં તો સાવ ખૂણે આવેલા મુગ્સેઇલ બીચ વ. પર પણ હતાં જ.

તનુફ ટાઉન પાસે એક મોલમાં સ્ત્રીઓ વૉશરૂમ જવા ગઈ અને પૌત્ર માટે સીરપ મિલ્ક લીધું. સામે એક પર્વત રીતસર સુતા માણસ જેવો લાગતો હતો તેનો ફોટો લઈ આગળ ચાલ્યા. ફરી એ ખુલ્લી ગટરો જેવી પથરાની બે પાળીઓ વચ્ચે જતાં પાણીની ફલાજ સિસ્ટીમ, ખજૂરી, તાડ અને બીજી વસ્તુઓના ખેતરો જોતાં નિઝવા શહેર સુધી આવી પહોંચ્યાં અને ત્યાંથી એક્સપ્રેસ હાઇવે પર ક્રુઝ કંટ્રોલમાં એકધારી 130 કીમી ની સ્પીડ સેટ કરી કલાકમાં મસ્કત સાંજે સાડાપાંચે. અહીં શહેરની અંદર પણ કેટલાક રસ્તાઓ 120 ની સ્પીડ માટે હોય છે. ત્યાં 110 થી ઓછી સ્પીડે પણ ટ્રાફિક રોકવા બદલ દંડ થાય. હાઇવે પર એ જ રીતે, 80,100 અને 120 ની સ્પીડ સુચવતા રસ્તાઓ હોય તેટલી જ સ્પીડ રાખવી પડે. અહીં ખાસ સંજોગો સિવાય હોર્ન વગાડવાની મનાઇ હોય છે.

જબાલ સામ ની ટુર એક પ્રેક્ષણિય જગ્યા ઉપરાંત રોજબરોજ વપરાતી કારમાં પર્વત ચડી વાદળ સાથે વાત કરી આવવા માટે અને બકરીઓ સાથે પર્વતની ટોચે લીધેલ ભોજન માટે કાયમ યાદ રહેશે.

-સુનીલ અંજારીયા ..