Dhartinu Run - 3 - 1 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 3 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

રેગિસ્તાનની યાતના

ભાગ - 1

ઘરરર...શાંત ભેંકાર વાતાવરણમાં બાઇકના એન્જિનનો ભયાનક અવાજ ગુંજતો હતો. આંધીની રફતારથી અનવર હુસેન ગાડી ચલાવી રહ્યો હતો. તેની પાછળ થેલો પકડીને ચોથો પાર્ટનર બેઠો હતો.

‘અબે ઓ સુવર...જરા ગાડી ધીમી ચલાવ.’

વાતાવરણ બરફ જેવું થીજી ગયું હતું. હાઇવે પર કાતિલ ઠંડીનો કહેર વર્તાતો હતો. મોટર સાયકલની પાછળ બેઠેલો ચોથો પાર્ટનર ઠંડીથી ધ્રૂજતો હતો. આ તે કેવો માણસ છે. આટલી કાતિલ ઠંડીમાં પણ આટલી ઝડપથી મોટર સાયકલ દોડાવી રહ્યો છે. તેને નવાઇ લાગતી હતી.

લગભગ અડધા કલાકમાં તો તેઓ ભુજોડી પહોંચ્યા. ત્યાં એક હોટલ જોઇ અનવર હુસેન બાઇક ધીમા પાડી પછી ઊભી રાખી. બંને નીચે ઊતર્યા.

‘યાર, તું કઇ માટીન બનેલ છે. આટલી કાતિલ ઠંડીમાં તું આ રીતે ગાડી ચલાવી રહ્યો છે, તારુ ચામડું સુંવરનું ચામડું લાગે છે.’ ગાડીની નીચે ઊતરતાં ચોથો પાર્ટનર બોલ્યો.

‘કેમ, તને ઘણી ઠંડી લાગે છે...?’ હસતાં હસતાં અનવર હુસેન બોલ્યો.

હા,યાર...આટલી ઠંડીથી હું ટેવાયેલો નથી.

‘ચાલ આપણે ચા પીએ અને એક એક સિગારેટ પીએ. જેથી તારી ઠંડી ઓછી થાય.’

બંને હોટલ પર આવ્યા. ચાનો ઓર્ડર આપી અનવર હુસેન ખિસ્સામાંથી સિગારેટનું પાકીડ કાઢ્યું. એક સિગારેટ તેણે ચોથા પાર્ટનરને આપી અને બીજી સિગારેટ પોતે સળગાવીને પીવા લાગ્યો. ચા પીને તેઓ ફરીથી આગળ વધ્યા.

તેઓ ભૂજ પહોંચ્યા ત્યારે આછો ઉજાસ ફેલાયેલો હતો. સવારના લગભગ પાંચ વાગ્યાનો ટાઇમ થયો હતો.

ભૂજમાં પણ અંજાર જેવી જ ધમાલ મચેલી હતી. તેઓ જ્યુબિલી ગ્રાઉન પાસે પહોંચ્યા. ભૂજની જે.કે. હોસ્પિટલ (જનરલ) પડી ગઇ હતી. કેટલીય બિલ્ડિંગ તૂટી પડી હતી. શહેર અત્યારે કાટમાળ બની ચૂકયું હતું. ચારે તરફ લાશો વિખરાયેલી પડી હતી.

એક લારીમાં ગાંઠિયા અને ચાનો નાસ્તો કર્યો પછી રેલવે સ્ટેશનનો રસ્તો પૂછી અનવર હુસેન ભૂજ રેલવેસ્ટેશન તરફ મોટર સાયકલ દોડાવી.

‘શું આપણે આગળ ટ્રેનમાં મુસાફરી કરવાની છે...’ ચોથા પાર્ટનરે પૂછ્યું.

‘ના...આપણે આખી રાતનો ઉજાગરો છે. એટલે રેલવે સ્ટેશનનાં બાંકડા પર લંબાવીને સૂઇ જઇશું અને બપોરે પછી આપણે આગળ વધીશું. આપણા માટે સૂઇ જવાનું સારું સ્થળ રેલવે સ્ટેશન રહેશે. સમજ્યો.’

થોડીવાર પછી બંને રેલવે સ્ટેશન પહોંચ્યા અને ત્યાં બાંકડા પર બેસી એક એક સિગારેટ પીધા બાદ ત્યાં જ બાંકડા પર લંબાવી દીધું. તે સોનું ભરેલ ચામડાનો થેલો અનવર હુસેન પોતાના માથા નીચે દબાવીને મૂકી દીધો. થોડી વારમાં જ બંને ઘસઘસાટ ઊંઘી ગયાં.

લગભગ સાંજના ચાર વાગ્યાના ટાઇમે ચોથા પાર્ટનરની આંખ ખૂલી. તેણે તરત અનવર હુસેનને જગાડ્યો. રેલવે સ્ટેશનમાં સ્ટેન્ડ પોસ્ટ પર મૂકેલ નળમાં હાથ-મોં ધોઇ ચામડાના થેલાને લઇને બંને રેલવે સ્ટેશનથી બહાર આવ્યા. સવારના થોડો નાસ્તો કર્યો હતો.બાકીના જમ્યા ન હતા. તેમને કકડીને ભૂખ લાગી હતી. રેલવે સ્ટેશનથી બહાર એક લોજમાં બંને જમ્યા. જમીને બંને લોજની બહાર આવ્યા.

ત્યાંથી ભીડના નાકે આવી મોટર સાયકલ થોભાવી. એક પાનની દુકાનોથી પાંચ ગોલ્ડ ફ્લેકની પાકીટ ખરીદી, સાથે એક નાની ટોર્ચ પણ ખરીધી. તેઓએ ત્યાં જ ઊભીને સિગારેટ પીધી. પછી ગાડી ચાલુ કરી. આગળ એરપોર્ટ રોડ તરફના રિંગ રોડથી ટર્ન લઇ આગળ વધી ગયા. ચોથા પાર્ટનરે પોતાનું એક સારું કામ કર્યું હતું. તેમણે રેલવે સ્ટેશન પરથી એક ભિખારીનો ધાબળો તફડાવી લીધો હતો. તેથી તેને રાત્રીના ઠંડીની ચિંતા ન હતી.

ભયાનક વેગ સાથે ધસમસથી મોટર સાયકલ ભૂજથી નખત્રાણા તરફ જઇ રહી હતી વચ્ચે આવતા સામત્ર ગામના રોડ પર સામત્રા ટી.વી. સ્ટેશનના ટાવર પાસે અનવર હુસેને ગાડી થોભાવી. પેશાબ પાણી કરી, એક એક સિગારેટ પીધી પછી કેમેરાથી અનવર હુસેને ટી.વી. ટાવરના બે-ત્રણ ફોટા ખેંચ્યા અને મોટર સાયકલ અંધાધૂંધ ગતિથી દોડાવી મૂકી. દેશલ પરથી થઇ નખત્રાણા આવ્યા. નખત્રાણાથી મથલ થઇ તેઓ હાજીપીર તરફના રસ્તા તરફ વળી ગયા. ત્યાંથી મરુ પહોંચી મરુથી લુણા ગામ પસાર કરી છ સાડા છ વાગ્યાના ટાઇમે તેઓ હાજીપીર તરફ રવાના થયા. સિંગલ પટ્ટી રોડ પર ગાડી દોડી રહી હતી. રોડની બંને તરફ રણની રેતી છવાયેલી હતી અને ભયાનક વેગ સાથે વહેતા પવનની સાથે રણની રેતીની ડમરીઓ ઊડતી હતી. વાતાવરણમાં ધૂળો છવાયેલી હતી. ચારે તરફ વાતાવરણ ધૂંધળું દેખાતું હતુ. થોડી થોડી વારે પવનના ઝાપટા સાથે રણની રેતી ઊડીને બંનેના મોં પર ઝાપટાતી હતી. મોં પર રેતીના કણ ડંખની જેમ વાગતા હતા. આંખોમાં, નાકમાં રેતી ઘૂસી જતી હતી. મોંમાં ઘૂસી જતી રેતી કચ્છની ધરતીનો સ્વાદ અપાવી જતી હતી. બે કિલોમીટરનો રણનો કઠિન રસ્તો કરી થોડીવારમાં તેઓ હાજીપીર પહોંચ્યા.

પવનના ઘુઘવાટના અવાજ સિવાય નીરવ શાંતિ છવાયેલી હતી. હવામાં ફર ફર કરતી હાજીપીરની ધજા પ્રેમ અને ભાઇચારાનો સંદેશ આપતી હતી. રણની કાંધી પર આવેલ હાજીપીરને કચ્છના બધી જ વર્ણના લોકો માનતા અને પૂજતા હતા. પછી તે હિન્દુ હોય કે મુસલમાન, પીર સૌના હતા. બધી કોમના લોકો હાજપીરને સલામ કરવા આવતા.

હાજીપીરની દરગાહથી થોડે દૂર કાંટાળા બાવળની ઝાડીને ઝુંડમાં મોટર સાયકલને છુપાવી. સોના ભરેલ ચામડાનો થેલો હાથમાં લઇ બંને પીરની દરગાહ તરફ ચાલ્યા.

એકદમ શાંત અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મુસ્લિમ ભાઇઓ નમાજ પઢી રહ્યા હતા. અને હિન્દુ ભાઇઓ બંને હાથ જોડીને પીરને નમન કરી રહ્યા હતા.

બાજુમાં બનેલ નાની હટડી પરથી પ્રસાદ લઇને બંને દરગાહ પર આવ્યા. પીરને પ્રસાદ ધરાવી, માથું ટેકવી, નમન કર્યા બાદ અનવર હુસેન એક તરફ બેસીને નમાજ પઢવા લાગ્યો. તેની બાજુમાં ચોથો પાર્ટનર પણ બેઠો અને નમાજ પઢવા લાગ્યો.

નમાજ પઢી આંખો ખોલીને અનવર હુસેન પીરને માથું ટેકવી પ્રણામ કર્યા. પછી તેની નજર બાજુમા નમાજ પઢતા ચોથા પાર્ટનર પર પડી. અનવર હુસેન તેને જોઇ રહ્યો.

નમાજ પઢી હાજીપીરને માથું ટેકવીને ઊભા થયેલ ચોથા પાર્ટનરને અનવર હુસેન તેને જોઇ રહ્યો.

નમાજ પઢી હાજીપીરની માથું ટેકવીને ઊભા થયેલ ચોથા પાર્ટનરને અનવર હુસેને પૂછ્યું.

‘દોસ્ત...તું પણ મુસલમાન છે...?’

‘કેમ...?’

‘તું નમાજ પઢતો હતો એટલે પૂજા કરી.’ અનવર હુસેન બોલ્યો.

‘દોસ્ત...હું મુસલમાન છું, હું હિન્દુ છું. હું શીખ છું. હું ઇસાઇ છું, મને અલ્લાહ ઇશ્વર, ઇશું ખ્રિસ્તી અને ગુરુનાનક સૌનામાં પૂરી શ્રદ્ધા છે,’ હસતાં હસતાં ચોથો પાર્ટનર બોલ્યો.

બંને પ્રસાદ ખાતા-ખાતા દરગાહના પ્રાંગણની બહાર આવ્યા. થોડે દૂર જઇ એક ઓટા પર બેસી સિગારેટ પીવા લાગ્યા.

‘અનવર...હવે આપણે શું પ્રોગ્રામ છે. આપણે અંજારથી ઘણા દૂર કચ્છની બોર્ડર પર પહોંચી આવ્યા છીએ. હવે ક્યાં જવું છે અને આ સોનાના ભાગ ક્યારે પાડીશુ ?’ સિગારેટનો દમ લેતાં ચોથા પાર્ટનરે પૂછ્યું.

‘દોસ્ત...આપણે હમણાં થોડું ભોજન કરીને આ અંધકારનો લાભ લઇને ભાગવાનું છે. તને તારા અડધો ભાગ ચોક્કસ કાલ સવારનો સૂર્ય ઊગે તે પહેલાં મળી જશે. પછી તું સ્વત્ર છે ! જો મારી સાથે ચાલવું હોય તો તારી મરજી, નહીંતર તને જ્યાં તારું દિલ લઇ જાય ત્યાં જવા માટે તું કાલ સવારના છુટ્ટો પણ આજની રાત મારી સાથે જ રહે અને હું તને ક્યાં લઇ જાઉં છું તે સવારના જોઇ લેજે.’ સિગારેટના ઠૂંઠાને બૂટ તળે કચડતાં અનવર હુસેન બોલ્યો.

હાજીપીર વલીની દરગાહ પાસે આવેલ એક હટડીમાં તેઓ જમ્યા. જમીને હટડી બહાર બેઠા બેઠા સિગારેટ પી રહ્યા હતા.

સૂર્ય આથમી ગયો હતો. સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. વાતાવરણમાં સન્નાટો અને ભેંકારતા છવાયેલી હતી. પીરની દરગાહ પર માથું ટેકવવા આવેલ સૌ ચાલ્યા ગયાં હતા.

હટડી ચલાવતાં માજી અને આજુ-બાજુમાં હટડી પર પ્રસાદ અને નાસ્તો વેચનારા પણ સૌ ચાલ્યાં ગયાં.

‘ચાલ દોસ્ત ઊભો થા... હવે આપણે આપણી મંજિલ તરફ રવાના થઇએ,’ ઊભા થતાં અનવર હુસેન બોલ્યો.

અને બંને એક નાની કેડી તરફ ચાલવા લાગ્યા.

કેડીની બંને તરફ ગીચ બાવળનાં ઝુંડો ઊગી નીકળેલા હતાં. તે કાંટાળી વનસ્પતિ વચ્ચેથી પસાર થતાં બંને ઝડપથી આગળને આગળ વધી રહ્યાં હતાં. અનવર હુસેન જાણે અહીંના રસ્તાનો ભોમિયો હોય તેમ ઝડપથી આગળ ચાલતો હતો.

તેઓ જે પગદંડી પરથી પસાર થતા હતા. તેની આજુબાજુ ચારે તરફ બાવળના જંગલો દેખાતાં હતાં. વચ્ચે વચ્ચે થોડા અંતરે જત કોમના નાના નાના ભુંગાઓ પણ આવતા હતા. ભુંગાઓમાં બળતા દીવાઓનો પ્રકાશ અને તેઓના નેસડાઓમાં બાંધેલ ભેંસના આગળ વાગતી ઘંટીનો ટન… ટન.. ટન...રણકાર ગુંજતો તેમના કાને પડતો હતો. જેમ જેમ રાત વધતી હતી. તેમ તેમ ધરતીના પડ પર ઘોર અંધકાર છવાતો જતો હતો. અને વાતાવરણ એકદમ ઠંડુ પડતું જતું હતું. બાવળની ઝાડીમાંથી પસાર થતા પવન ઘુઉઉઉનો ઘુઘવાટ વાતાવરણને ભયાનક બનાવતો હતો.

એકધારી ઝડપે તેઓએ ચાલતા ચાલતા પાંચથી સાત કિલોમીટરનું અંતર કાપી નાંખ્યું. હવે જતના ભુંગાઓ દૂર દૂર થતા જતા હતા અને તેમાં ચમકતો દીવાનો પ્રકાશ દૂરથી આછો દેખાતો હતો અને ટન...ટન...ટન...ભેંસોના ગળામાં લટકતી ઘંટીનો કર્ણપ્રિય અવાજ દૂર દૂર થતો જતો હતો. ચાલવામાં હવે રેતીના ઢુવા આવતા હતા. રેતીમાં પગ ખૂંપી જતા હતા. રેતીમાં ચાલવાથી તેમની ગતિ થોડી ધીમી થઇ હતી.

કાળા ડિબાંગ આભમાં ટમટમતા તારલીઓના ચમકનો પ્રકાશ વધુ પડતો હતો અને ચંદ્રમાની ચાંદનીનો શીતળ પ્રકાશ ખૂબ જ સુંદર રીતે તેજમય બની ધરતી પર પડતો હતો. એવું લાગતું હતું કે આસમાન જાણે નીચે ઊતરી આવ્યું હોય, ચંદ્રમાના પ્રકાશમાં તેઓ આગળ વધતા હતા. ધીરે ધીરે બાવળનાં ઝાડ ઓછાં થતાં જતાં હતાં અને રેતીને બદલે સપાટ જમીન આવતી જતી હતી. પરંતુ કલાકના તેઓ પાંચ થી છ કિલોમીટરની ઝડપે ચાલતા હતા.

ચારે તરફથી ખુલ્લો વિસ્તાર આવતો જતો હતો. ધરતીના પડ પર જાણે તે બે જ આદમી હોય તેવું લાગી રહ્યું હતું. ક્યાંય કોઇ જ ન હતું. ન માનવ, ન પશુ, ન વૃક્ષો...બસ ચારે તરફ ફેલાયેલ અફાટ વેરાન ધરતી જ દેખાતી હતી. ચારથી પાંચ કિલોમીટર તેઓએ મૌન રહીને એકદમ ઝડપથી કાપી નાખ્યા. વાતાવરણ એટલું શાંત હતું કે બંનેના શ્વાસો શ્વાસનો અવાજ એક બીજને સંભળાતો હતો.

જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ અંધકાર ઓછો થતો ગયો અને તેઓ જે તરફ આગળ વધી રહ્યા હતા તે તરફનો ભાગ ચંદ્રમાની ચાંદની જેમ ચમકી રહતો દૂરથી દેખાતો હતો. જાણે ચંદ્રમાનો એક ટુકડો પૃથ્વી પર પડ્યો હોય અને ચંદ્રની જેમ ચમકી રહ્યો હોય તેવો ભાસ થતો હતો.

જેમ-જેમ તેઓ નજદીક જતા ગયા તેમ તેમ આગળની ધરતીની રોશની ભરી ચમક દેખાતી રહી.

‘વાઉ...કેટલું સુંદર દેખાય છે, આ શું છે...?’ ચોથો પાર્ટનર આશ્ચર્ય ચકિત બનીને જોઇ રહ્યો.

‘કાંઇ નથી દોસ્ત, આ કુદરતનો કરિશ્મા છે. આને ‘વ્હાઇટ ડેઝર્ટ’ કહેવામાં આવે છે. આ કચ્છના રણની ખાસ વિશેષતા છે. આવું રણ તમને ક્યાંય જોવા ન મળે,’ અનવર હુસેન બોલ્યો.

‘ખરેખર...સુદર દેખાય છે.’

ધીરે ધીરે તેઓ તે સફેદ રણમાં આવી પહોંચ્યા. ચારે તરફ સફેદ ચમકતું રણ ચાંદનીના પ્રકાશમાં ખૂબ જ સુંદર દેખાઇ રહ્યું હતું. એન્ટાર્કટીડા ખંડમાં આવી ગયા હોઇએ તેવું ર્દશ્ય હતું. જાણે ચારે તરફ બરફ છવાયેલો હોય તેવું લાગી રહ્યું હતું. ચોથો પાર્ટનર તો અવાચક બનીને જોતો જ રહી ગયો.

બંને એક જગ્યાએ સખત જમીન પર બેસી ગયા અને આ સુંદર નજારાને ધરાઇ ધરાઇને નીરખી રહ્યાં.

અનવર હુસેન સિગારેટનું પાકીટ બહાર કાઢ્યું અને તેમાંથી એક સિગારેટ કાઢી અને સળગાવી પછી પાકીટ ચોથા પાર્ટનરને આપ્યું.

‘લ...આ પાકીટ તારી પાસે ખિસ્સામાં રાખજે. જરૂર પડતાં કામ લાગશે.’ સિગારેટની એક ઊંડો કશ ખેંચી નાકથી ધુમાડાના ગોટાને બહાર કાઢતાં અનવર હુસેન બોલ્યો.

ચોથા પાર્ટનરે પાકીટમાંથી એક સિગારેટ કાઢી અને સળગાવી પછી પાકીટને પેન્ટના ખિસ્સામાં નાખી જમીન પર કોણીના ટેકે લેટી ગયો અને સૂતાં-સૂતાં સિગારેટ પીવા લાગ્યો.

થોડી જ વારમાં બંને આગળ વધ્યા. લગભગ પાંચ કિલો મીટરનું અંતર કાપ્યા પછી વ્હાઇટ ડેઝર્ટ પૂરું થતું હતું.

‘અનવર હુસેન, હવે આપણે કેટલું ચાલવાનું છે ? આપણે રણમાં પર ઘણા જ ઊંડે સુધી ચાલી આવ્યા છીએ. જો આપણે સોનું જ છુપાવવું હોય તો સામે આ જો આખા વ્હાઇટ ડેઝર્ટમાં એક જ મોટું વૃક્ષ દેખાય છે. તેના થડ પાસે ખાડો ખોદીને દાડી દઇએ તો આપણને યાદ રહે અને કોઇને ખબર પણ ના પડે.

‘હા, યાર, ખરેખર તે સુંદર ગોળ આકારનું વૃક્ષ છે. આવા ઘાટના વૃક્ષ બહુ ઓછાં જોવા મળે. આપણ અહીં સોનું છુપાની દઇએ તો ચોક્ક્સ યાદ રહી જાય પણ આપણે હજી આગળ વધવાનું છે,’ અનવર હુસેન બોલ્યો.

વ્હાઇટ ડેઝર્ટ પૂરું થઇ ગયું. તેના સ્થાને હવે રણમાં કાદવ અને કીચડે સ્થાન લીધુ હતું. તેઓની આગળની મુસાફરી ખૂબ જ કઠિન અને કંટાળાજનક હતી. ચાલી ચાલીને એક તો તેઓ થાકી ગયા હતા. ઠંડી પણ ખૂબ જ પડતી હતી. વગર બોલ્યો તેઓ મૌન રહીને અંતર કાપતા જતા હતા. અનવર હુસેને ખિસ્સામાંથી ભુજથી ખરીદેલી ટોર્ચ બહાર કાઢીને સળગાવી અને તેના આછા પ્રકાશમાં તેઓ આગળ વધવા લાગ્યા. ચોથા પાર્ટનરે ભૂજના રેલવે સ્ટેશન પર ભિખારીની ચોરાવેલી ચાદર ખબ જ કામ આવી, અત્યારે કાતિલ ઠંડીમાં તે શરીર પર ચાદર વીંટાળીને ચાલતો હતો.

જેમ આગળ જતા ગયા તેમ કાદવ કીચડવાળી જમીન આવતી હતી. તેઓના બૂટ કીચડમાં ખૂંપી જતા હતા. બંને થોકીને લોથ-પોથ થઇ ગયા હતા. પાણી વગર ગળામાં શોષ પડતો હતો. મોં અને માથા પર ધૂળનો થર બાઝી ગયા હતા. કેટલું ચાલ્યા એની તેઓને ખબર ન હતી. લગભગ સતત બે કલાક ચાલ્યા બાદ કાદવ કીચડવાળો રણનો વિસ્તાર પૂરો થયો. આગળ હવે થોડી થોડી કાંટાળી વનસ્પતિ દેખાઇ રહી હતી. ચારે તરફ વેરાન સૂકી અને બંજર જમીન દેખાઇ રહી હતી. બાવળ જેવી કાંટાળી વનસ્પતિ સિવાય કશું જ ન હતું.

‘હવે તો ખૂબ જ થાક લાગ્યો છે, અનવર આપણે ક્યાંક બે કલાક આરામ લઇ લઇએ.’ ચોથો પાર્ટનર થાકેલા અવાજે બોલ્યો. તે એકદમ થાકી ગયો હતો. તેના પગ તૂટતા હતા. રાત્રે સાત વાગ્યાથી તેઓ સતત ઝડપથી ચાલતા હતા અને અત્યારે લગભગ બે વાગવા આવ્યા હતા.

‘દોસ્ત...બસ હવે થોડું જ ચાલીને પછી આપણે કોઇ જગ્યા શોધી આરામ કરશુ. હવે મંજિલ લગભગ નજદીક છે.’ અનવર હુસેન બોલ્યો. તેના ચહેરા પર પણ થાક જણાતો હતો. તે હાથનાં આંગળાં હલાવી કાંઇક ગણિત કરી રહ્યો હતો.

***