Premni anokhi dastan - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનોખી દાસ્તાન..- ભાગ - 3

( આગળના ભાગમાં આપણે જોયું કે અર્ણવ ભાગી છૂટે છે, એની ધારણા મુજબ એને વાસ્તવિક જોવા ન મળી હવે આગળ...)

કસબાની બહાર જઈ અર્ણવ બેસી ગયો. કઈ કેટલુંય વિચાર્યું. એક આંતરવિગ્રહ ચાલ્યો. દિલ કહેતું હતું કે તને પ્રેમ ગિરિકાના શબ્દો સાથે થયો હતો કે એના રૂપ સાથે, અને દિમાગ કહેતું હતું કે ગિરિકાને મેં જેવી ધારી હતી એવી એ નથી. કલાક સુધી અર્ણવ એમનમ બેસી રહ્યો. પછી થયું કે અહીં સુધી આવ્યો છે તો ચાલને મળતો જાઉં આ એક માત્ર સ્ત્રી હતી જેના શબ્દે શબ્દે હું જીવ્યો હતો. ઉંમર કે રૂપ સાથે મારે કોઈ સંબંધ ન હોવો જોઈએ. ને આ બધી ધારણા તો મારી હતી ગિરિકાએ થોડું ક્યારેય પોતાના વિસે આવું કઈ કહ્યું હતું. એણે તો મને પ્રેરણા જ આપી હતી દરેક સંજોગોમાં હવે હું આમ છટકું એ કેમ ચાલે. મારા માટે બાહ્ય દેખાવ ક્યારથી મહત્વનો થઈ ગયો.

ફરી દિમાગે જોર પકડ્યું. પણ આ વખતે અર્ણવનું કોમળ દિલ જીતી ગયું. એ ફરી એ કસબા તરફ ચાલ્યો. એ સાધારણ દેખાતા ઘર તરફ ડગલાં માંડ્યા. બહાર આવીને ઉભો રહ્યો. કઈ બોલ્યો નહિ, એ સ્ત્રી ફરી બહાર આવી ને બોલી...

' અરે! અર્ણવ ક્યાં જતો રહ્યો હતો, કઈ પણ બોલ્યા વગર. ખબર મેં તને કેટલો શોધ્યો ને કેટલીય બૂમ મારી. પણ તું તો બહાર નીકળી ગયો હતો. આવ આમ અંદર ને બેસ..'

હવે છેક અર્ણવનું ધ્યાન આજુબાજુની જગ્યા પર પડ્યું. સાધારણ ઢબના થોડા મકાનો હતા કસબામાં. આધુનિક કહી શકાય એવું જીવન બહુ જોવા મળતું ન હતું. આગળ જ ઘૂઘવતો દરિયો અવાજ કરતો હતો જે અર્ણવને હવે સંભળાયો. ઘરમાં આ સ્ત્રી સિવાય કોઈ હતું નહીં. ઘરવખરીમાં પણ એક પલંગ, જે ખખડધજ થઈ ગયો હતો. ઉપરનું પડ ઉખડી ગયેલી બે ખુરશીઓ, બે ઓરડીમાંથી એકને રસોડાનું બિરુદ બળજબરીપૂર્વક આપી શકો તો ઠીક બાકી આમ વ્યાખ્યામાં બંધબેસતું તો ન હતું જ. હા પણ જેટલી પણ વસ્તુઓ હતી, હતી ખૂબ જ સુઘડ. ગોઠવવાવાળાએ બહુ ચીવટથી બધું ગોઠવ્યું હતું. ભલે ભૌતિકતા ન હતી પણ કંઈક તો એવું હતું જે અર્ણવને ત્યાં બેસી રહેવા મજબુર કરી રહ્યું હતું.

પેલી સ્ત્રી એક સ્વચ્છ ગ્લાસમાં પાણી લઈ આવી. અર્ણવે કહ્યું કે, 'ના મારે કઈ પણ પીવું નથી.... ' ગિરિકા શબ્દ એના ગળામાં જ રહી ગયો. એ બોલી ન શક્યો.

એક નાનો સાતેક વર્ષનો છોકરો દોડતો દોડતો આવ્યો. રીતસરની રાડ જ પાડી કે ;

"ગીરુદીદી..."

એટલે એ સ્ત્રી ને અર્ણવ બંને એના તરફ જોવા લાગ્યા, એ બોલ્યો,

"ગિરુદીદી ! જલ્દી આવો તો બાપુને જુઓ તો શું થયું છે.... "

એ સ્ત્રી દોડતી દોડતી એ તરફ ગઈ, ને સાથે અર્ણવ પણ શું થયું એ જોવા એ તરફ દોરવાયો. ઘણા બધા માણસો ભેગા થયા હતા, એક પચાસેક વર્ષની ઉંમરનો પુરુષ નીચે સૂતો હતો ને વોમીટ કરતો હતો. બધા એને સહારો આપવા દોડ્યા ત્યાં એક અવાજ આવ્યો,

" ખબરદાર, કોઈ જતા નહિ પાસે.."

ને બધા દૂર ખસી ગયા. ને જાણે રણચંડી હોય એવી એક છોકરી ગુસ્સે થતી આવી. બંગાળી ઢબની સાડીમાં સજ્જ. શ્યામ વર્ણી પણ મનમોહક. અર્ણવ હજી તો એને જુએ એ પહેલાં તે પેલા પુરુષ પાસે ગઈ, ને બોલવા લાગી.

' તમને ના પાડી હતી ને પીવાની તોય કેમ પીધો. એય સિમુ ઉપાડ હવે આમને ને અંદર લઈ જા. ને હું દવા આપું છું એ પીવડાવી દેજે.. '

બોલાવવા આવેલો છોકરો સિમુ હશે કદાચ એ આગળ આવ્યો, ને બીજા પણ આગળ આવ્યા. એ પુરુષને ઉપાડી અંદર લઈ ગયા.

અર્ણવ તો બધું યંત્રવત જોતો હતો. ને બધાને આજ્ઞા આપનાર છોકરીની પીઠ એના તરફ હતી, ચહેરો તો બરાબર ન દેખાયો, પણ એનો પ્રભાવ અહીંના લોકો પર ખાસો હોય એવું અર્ણવને લાગ્યું.

ફરી સિમુ બહાર આવ્યો ને બોલ્યો,

"ગિરુદીદી બાબા દવા પીવાની ના પાડે છે. "

એ છોકરી એ તરફ ગઈ. બધા પાછળ હસતા હતા કે ગિરુ જાય તો દવા તો શું ઝેર પણ પી જાય બધા. અર્ણવના કાન ચમક્યા. ગિરુ એટલે ગિરિકા તો નહીં ને કાશ એમ જ હોય. એનું દિલ એક ધબકારો ચુકી ગયું. એને ફરી પેલી સ્ત્રીએ ઘર તરફ આવવાનો ઈશારો કર્યો એટલે એ એની પાછળ ગયો.

અર્ણવ ખુરશી પર ગોઠવાયો. એ સ્ત્રી બોલી, અર્ણવ તું કેમ જતો રહ્યો હતો ને ફરી કેમ આવ્યો.

અર્ણવ બોલ્યો,
"મને થોડીવાર તને, નહિ તમને જોઈ ખબર નહિ શુ થયું હતું. પણ હવે બધું બરાબર છે ગિરિકા..."

ત્યાંતો દરવાજાથી જ કોઈનો હસવાનો અવાજ આવ્યો. અર્ણવે જોયું ત્યાં તો પેલી જ છોકરી જે બહાર હતી. એ આવીને બોલી,

"એટલે તને આ મારી મા ગિરિકા લાગે છે એમ, તને લાગે છે એ આમ લખી શકતી હશે..."

ને અંદર આવી ફરી એ જ ખડખડાટ હાસ્ય. અર્ણવ તો છોભિલો પડી ગયો કે આ બધું થઈ શુ રહ્યું છે.

એ છોકરી પાસે આવીને બોલી એ મારી મા છે ને હું છું ગિરિકા, ના ઉદાસી, ના આજ્ઞા, જે ગણે તે..

અર્ણવ તો સફાળો ઉભો થઇ ગયો. ખરેખર ગિરિકા તો ગિરિકા હતી. ચમકદાર આંખો, નમણાં હોઠ, શ્યામ પણ નમણો ચહેરો, ઉપરથી સુંદર મજાની સાડી પહેરેલ નાજુક બદન.

અર્ણવને હવે છેક સમજાયું બધું. એ બસ ગિરિકાને જોતો જ રહ્યો. ક્યાં એના શહેરની એ આધુનિક માનુનીઓ ને ક્યાં આ નિખાલસ હાસ્ય વેરતી વેલ સમી ગિરિકા.

ગિરિકા ને એની મા બંને એકલા રહેતા, એના પિતા બાજુના કસબામાં બીજી સ્ત્રી સાથે રહેતા. ગિરિકા નાની હતી ત્યારે એ સ્ત્રી એમના જીવનમાં આવી, પછી ગિરિકાની માએ જ એને રાજીખુશીથી છુટા કરી દીધા. ગિરિકાએ પણ મોટી થઈને આ વાત સ્વીકારી લીધી. એ બાપ દીકરીના સંબંધો હજુ પણ એવા જ છે, પિતા આવે ત્યારે ગિરિકા એની સાથે સામાન્ય રીતે જ વર્તે છે.

પણ, કાદવમાં કમળ ઉગે એમ ગિરિકાની વિચારોની સમૃદ્ધિ બહુ વિશાળ હતી. કોઈ વાતાવરણ ન હોવા છતાં ગિરિકા બહુ ઉમદા વિચારો ધરાવતી હતી. ભણીને ગણીને એણે કસબાના છોકરાઓને ભણાવવાનો વિચાર કર્યો. ને એ કામે લાગી ગઈ. કસબામાં વ્યસનો, વ્યભિચાર, વિરોધ ઘણું હતું છતાં ગિરિકા અડીખમ રહી. ને આજે એની મહેનત રંગ પણ લાવી હતી. કસબાના મોટા ભાગના લોકો ગિરિકા કહે એ બધું માનતા હતા, કારણ કે કોઈના ઘરમાં ઝઘડા હોય કે બીમારી ગિરિકા ક્યારેક લવાદી બની જતી તો ક્યારેક ડોકટર. પોતે હેરાન થઈને પણ એ બધાને મદદ કરતી. એટલે જ એનો પડ્યો બોલ ઝીલાતો હતો. ને જીવંત પણ એટલી જ કે જયાં જાય ત્યાં બધે આનંદ જ વેરતી રહે.

આવી ગિરિકાને મળવા જ અર્ણવ આવ્યો હતો. ને અર્ણવે વિચાર્યું હતું એનાથી પણ કંઈક વિશેષ વ્યક્તિત્વ હતું ગિરિકાનું.

બધી દોડધામથી પરવારી ગિરિકા હવે કઈક નવરી પડી એટલે અર્ણવ પાસે બેઠી. એની મા ઘરમાં હતી નહિ. બંને એકલા એટલે અર્ણવ હવે નિઃસંકોચ હતો. એણે વાત કરવાનું ચાલુ કર્યું,

" ગિરિકા, મેં વાંચી હતી એનાથી પણ તું કઈક વધારે નીકળી. એકદમ લાઈવ. બધા પર ધાક જમાવનાર, મદદ પણ કરનાર. એક વાત કહી દઉં કે હું તો તારા પ્રેમમાં પડી ગયો છું તે પત્રો લખ્યા ત્યારથી જ પણ હવે તો તારો કાયલ થઈ ગયો છું. "

ગિરિકા હસી પડી ને બોલી, " અરે ! તું અહીં મારી સાથે રહે પછી કહેજે કે પ્રેમ છે કે શું છે. મારું અભાવપૂર્ણ જીવન જીવતા તો શીખ. ને અર્ણવ હું પૂર્વ છું ને તું પશ્ચિમ. આપણું મળવું અશક્ય છે એ વાત યાદ રાખી લેજે."

ગિરિકાએ પોતાની આખી વાત પોતાના પિતા વિસે, જીવન વિશે બધું અર્ણવને કહ્યું. ગિરિકાને પોતાનું જીવન કસબાના આ બાળકો વચ્ચે જ પસાર કરવું હતું. એ અર્ણવને એની વાત પરથી સ્પષ્ટ થઈ ગયું.

અર્ણવને ગિરિકાનો સાથ બહુ ગમ્યો, એનો અહેસાસ એને બસ મન ભરીને માણવો હતો. વધુ કઈ પણ વિચાર્યા વિના એ ત્યાં બે એક દિવસ રહેવા તૈયાર થયો.

વધુ વાત આગળના ભાગમાં...

©હિના દાસા