Ek Pitanu vhal books and stories free download online pdf in Gujarati

એક પિતાનું વહાલ

સુહાના ના લગ્ન નક્કી થયા,હ્રદયમાં અનેરો આનંદ અને પગમાં થનગનાટ હોય પણ સુહાના ઉદાસ હતી, સુહાનાના નસીબ તો ખબર નહીં વિધાતાએ કાળી સાહી થી લખ્યા હતા, જીવનમાં દુઃખ દૂર થવાનું નામ જ નહોતા લેતાં.
તેના જન્મ સમયે જ માં હેમાબેનનું નું મૃત્યુ થઇ ગયું તેના પિતા મનહર ભાઇ માને ખુબ પ્રેમ કરતાં પણ તેનાથી વધુ નફરત તે સુહાના ને કરતા માના મૃત્યુ માટે તે તેને જ જવાબદાર માનતા હતા,એટલે પિતાના વ્હાલથી તે વંચિત જ રહી,ફોઇ સુધા બેન સ્વભાવે ખૂબ સારા એટલે તેઓ એ સુહાના ને પોતાની સાથે રાખી અને તેની જવાબદારી માથે લીધી. એમ પણ ફોઇ ને બે દીકરાઓ મેઘ અને મલ્હાર જ હતા ,ફુવાજી પણ સ્વભાવ ના સારા એટલે તેને કોઇ તકલીફ ન પડી.
ફોઇ ખૂબ પ્રેમ થી રાખતા પણ માતા પિતા ના પ્રેમ માટે સુહાના હંમેશાં તરસતી,પિતાએ બંને વચ્ચે એવી અભેદ લકીર ખેંચી હતી કે તેને ક્યારેય તેને પાર ન કરી શકી , એમ પણ તેઓ આર્મી ઓફિસર હતા એટલે ઘરે બહુ ઓછા આવતા અને માના મૃત્યુ બાદ તો કંઈ કામ હોય ત્યારે જ આવતા, અને સુહાના સામે જોવાનું તો દૂર વાત પણ ન કરતાં,બધા જ તેમના ગુસ્સેલ સ્વભાવ થી વાકેફ એટલે તેમની આગળ કશું બોલતા નહીં.
ફોઇ એ જ સુહાના ને ભણાવી ગણાવીને મોટી કરી ,પરણવા જેટલી થઇ ત્યારે તેના પિતા એ તેને પરણાવાની જવાબદારી પણ ફોઇને જ સોંપી દીધી, ફોઇ એ જ સમાજમાં સારૂ નામ ધરાવતા આગેવાન ગોરધનભાઈ ના ડોક્ટર દીકરા એવા અભય સાથે સુહાનાના લગ્ન નક્કી કર્યાં.
લગ્ન માં સુધાબેનના અતિશય આગ્રહને વશ થઈને મનહરભાઇ એ એક મહિના ની રજા મૂકી, જીંદગી માં પહેલી વાર સુહાનાને પોતાના પિતા સાથે આટલું રહેવા મળ્યું હતું.
મનહર ભાઇ રજા લઈ ઘરે આવ્યા કે બીજા દિવસે સુહાના સવાર સવારમાં વહેલી ઉઠી તૈયાર થઇ ગઇ અને પિતા ને મનગમતો નાસ્તો ઢોકળાં અને થોડા વધારે આદુ વાળી ચા બનાવી.
તેની હિમંત નહોતી પિતા સામે જવાની એટલે ફોઇ એ જ મનહરભાઇને નાસ્તો કરાવ્યો, મનહરભાઇ એ નાસ્તાના વખાણ કરતા કહ્યું કેટલાં દિવસો પછી આવો સારી રીતે નાસ્તો કરવા મળ્યો, ફોઇને સુહાના એ ના પાડી હતી છતાં સુહાનાએ નાસ્તો બનાવ્યો છે તો સરસ જ હોય ને એમ કહી દીધું, મનહરભાઇ કંઇ જ બોલ્યા વગર ઉભા થઇ ગયા અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા.
સુહાના દરવાજા પાછળ થી તેમને નાસ્તો કરતા જોતી હતી, આમ ઉભા થઈ ચાલ્યા જવુ તેને ના ગમ્યું, તેની આંખમાં આંસુ આવી ગયા.
મનહરભાઇની પાછળ તે પણ રૂમ તરફ આગળ વધી પણ રૂમમાં ડોકિયું કરી જોયું તો પપ્પા તેની મા હેમાબેનના ફોટા આગળ ઉભા હતા, માતા પિતા ના મૂકસંવાદને તે જોઇ રહી અને પોતાના રૂમમાં ચાલી ગઇ.
પોતે ભલે પિતાનો પ્રેમ પામી ન શકી પણ એક મહિનાનો સાથ તો પામશે એમ વિચારીને ને મન મનાવ્યુ.
મનહરભાઇ તો નોકરી ને કારણે સમાજમાં કે સગાઓમાં બહુ ભળેલા નહીં પણ ફોઇ એ સાથે રહીને લગ્નની બધી તૈયારીઓ ચાલુ કરી. મેઘ અને મલ્હાર તો લાડકી બહેનના લગ્નને લઇ ને ખૂબ ઉત્સાહિત હતા અને પ્રસંગને યાદગાર બનાવવા માટે દીલથી બધી તૈયારી કરતા હતા.ફુવાજી એ પોતાની દીકરીના જ લગ્ન હોય એમ બધી જવાબદારી માથે લઈ લીધી હતી.
આ બધાં માં મનહરભાઇનુ અતડાપણુ સુહાનાને અકળાવતુ,મા ને યાદ કરીને તે રડી પડતી, ફોઇ તેની લાગણી ને સમજતા એટલે તેમણે ભાઇને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો કે 'નમાઇ છોકરી હવે પારકે ઘરે જતી રહેશે વહાલ નઇ કરે તો કઇ નહી પણ તેની સાથે બે શબ્દ ની વાતચીત તો કર'.પણ પથ્થર પર પાણી સુહાના સામે આવતા જ તે મોઢુ ફેરવી જતાં, સુહાના ફોઇને પૂછી પૂછીને રોજ તેમની ભાવતી વાનગીઓ બનાવતી અને તેમને ખાતા જોઇને ખુશ થઈ જતી.
લગ્ન ને હવે એક અઠવાડિયુ જ બાકી હતું ,એક દિવસ સવાર સવારમાં મેઘ અને મલ્હાર ફોટોગ્રાફર ને લઇ આવ્યા મંડપના ગેટ પાસે ગોઠવવા માટે ફેમિલી ફોટો શૂટ કરવાનો હતો, સુધાબેને મનહરભાઇને ખૂબ મનાવ્યા પણ તેઓ ફોટો પડાવવા તૈયાર ન થયા, સુહાના રડી પડી તેને ખૂબ દુઃખ થયું ફોઇ એ ખૂબ આગ્રહ કર્યો ત્યારે તે ફોટો પડાવવા તૈયાર થઇ.
સુધાબેને પાર્લર વાળીને બોલાવી હતી સુહાના ને તૈયાર કરવા,થોડીવારમાં જ સુહાના તૈયાર થઈ બહાર આવી મનહરભાઇ બહાર જ બેઠા હતા તેઓ સુહાનાને જોતાં જ રહી ગયા,સુહાના એ તેની માતાના લગ્નનુ ઘરચોળુ પહેર્યું હતું , લાંબો ચોટલો અને કપાળે ગોળ નાનો લાલચાંદલો કરેલી સુહાના હેમાબેનની પ્રતિકૃતિ સમાન લાગતી હતી.
અાજે પહેલી વાર તેઓ એ સુહનાને ધ્યાન થી જોઇ હેમાબેન જેવો જ માસુમ ચહેરો,ગોરો વાન અને કથ્થઈ આંખો,અને કદ કાઠીમા પિતા જેમ ઉંચી.
અનાયાસ મનહરભાઇ ઉભા થયા અને સુહાનાની પાસે આવ્યા,આજે પહેલી વાર પિતા સામે થી તેની પાસે આવ્યા હતા સુહાના પગે લાગવા વાકી વળી, બધાના આશ્ચર્ય વચ્ચે મનહરભાઇએ વહાલથી તેના માથે હાથ ફેરવી તેને ગળે લગાવી લીધી.
બંનેની આંખોમાં આંસુ ઉભરાયા આટલા વર્ષો ની નફરત ધોવાઈ ગઈ,પિતાના વ્હાલમા ભીંજાવુ હોય તેમ સુહાના નાના બાળકની જેમ પિતાના પડખામાં ભરાઇ ગઈ.અને મેઘ -મલ્હાર ખૂબ ખુશ થઈ ગયા કેમ કે હવે ફેમિલી ફોટો એકદમ કમ્પલિટ આવવાનો હતો.