Shraddha nu Shradh books and stories free download online pdf in Gujarati

શ્રધ્ધાનું શ્રાધ્ધ....




શ્રધ્ધાનું શ્રાધ્ધ............................................... દિનેશ પરમાર 'નજર'
હૈયે તો છું પણ હોઠેથી ભુલાઇ ગયેલો માણસ છું,
હું મારા ડાબા હાથે ક્યાંય મુકાય ગયેલો માણસ છું.

પાણીમાં પડેલા કાગળના અક્ષર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખું પાંખું હું ભૂંસાઇ ગયેલો માણસ છું .
રાજેશ વ્યાસ “મિસ્કીન”
----------------------------------------------------------------

"શુ મમ્મી તુ પણ..? તને ના કહું છું દર વર્ષે ...ને તુ ?, ખબર નહીં કેમ ?, જેના મરણની કોઇ એંધાણી નથી મળી કે નથી કોઇ પુરાવા તે મારા પપ્પાનુ શ્રાધ્ધ કરે છે?" પ્રકાશ બોલ્યો.
"બેટા તને નહીં સમજાય , પણ તેમની સાથે લગ્ન કર્યા બાદ ચૌદજ વર્ષ રહી છું , પણ તે વર્ષો માં તેમણે મને ઘણું બધુ આપ્યું છે.તેમને હું ભુલી શકતી જ નથી,તેમના સુખ ,આનંદ માટે અને જ્યાં પણ હોય તે ખુશ રહે તે માટે હું આ બધુ કરુ છું ,તુ મારી લાગણી સમજ ...મને ઠેસ ના પહોંચાડ .." બોલતા બોલતા શ્રધ્ધા ગળગળી થઇ ગઇ.
પ્રકાશ બોલ્યા વિના ચુપચાપ બીજા રુમમાં ચાલ્યો ગયો.

**********************


મૂળ સુરેન્દ્રનગરનો નિર્વાણ અંગ્રેજી વિષય સાથે એમ.એ. કરી ,અમદાવાદની પ્રખ્યાત કોલેજમાં પ્રોફેસર તરીકે લાગતા અમદાવાદ ખાતે સેટ થયો. તેની સાથે જ કોલેજમાં સાથે ભણતી શ્રધ્ધા સાથે પ્રેમમાં પડતા એકવીસ વર્ષે જ તેની સાથે કોર્ટમેરેજ કરી લીધા હતા.તેથી અમદાવાદ આવતાની સાથે જ યુનિવર્સિટી વિસ્તાર નજીક મેમનગર વિસ્તારમાં ગગનવિહાર એવન્યુમાં ફ્લેટ લઇને શ્રધ્ધાને લઇ આવ્યો.શ્રધ્ધાને પણ એક ખાનગી શાળામાં માધ્યમિક શિક્ષિકા તરીકે નોકરી મળી ગઇ.
તેને ફરવાનો ભારેશોખ ,મેળામાં,એક્ઝીબિશનમાં,કોઇ જંગલનાઅભ્યારણમાં,કે પહાડોની વચ્ચે તે ઉપડી જતો.
એકવાર તો શ્રધ્ધાને લઇ તરણેતરના મેળામાં ગયેલો,ત્યાં ભાતિગળ નૃત્યો,રાસ,રંગબેરંગી મોરના સુશોભનવાળી છત્રીઓ,બાવાઓના ઝુંડમાં , ગાંજાના ઉંડા કસથી ઉડતા ગાઢ ધૂમ્રવલયોના ગોટેગોટા...જુદી જુદી રાવટીઓમાં લહેરાતા ઔલાકિક ભજનસરિતાની સરવાણીઓ... શ્રધ્ધાતો આ જોઇને આભી થઇ ગયેલી. એક જગ્યાએ છુંદણા છુંદવા વાળો બેઠો હતો. શ્રધ્ધાને વળી શુ સુઝયુ કે ત્યાંજ બેસી ગઇ ને ,ડાબા હાથની હથેળીના અંગુઠા તરફ પંજાના પાછળના ભાગે પોતાનુ નામ છુંદાવા બેસી ગઇ.વળી નિર્વાણનો હાથ ખેંચીને હઠ કરીને તેના હાથે પણ તેજ રીતે નામ છુંદાવડાવ્યુંબંન્નેના સુખી દાંમ્પત્યજીવનના પરિપાકરુપે બે બાળક થયા .મોટો દિકરો પ્રકાશ ને નાની દિકરી સપના.બંન્નેનો સંસાર સુખરુપ ચાલતો હતો.
*****************************

મેમનગર વિસ્તારની દિવ્યપ્રકાશ સ્કુલમાં ભણતા પુત્ર પ્રકાશે પાંચમા ની ને પુત્રી સપનાએ બીજા ધોરણની પરિક્ષા આપી હતી . 2013 ના જુન મહિનામાં વેકેશનમાં નિર્વાણ ,શ્રધ્ધાને "હું થોડાદિવસ ગિરનાર જઇ આવુ છું" કહીને ગયો.,શ્રધ્ધાને પહેલા થયુ કે જંગલમાં કે પહાડમાં નેટવર્ક પકડાતુ નહી હોય પરંતુ દસ દિવસ સુધી કોઇ ફોન નહી,કે કોઇ વાવડ નહી આથી ચિંતા શરુ થઇ.તપાસ કરાવી પરંતુ કોઇ સમાચાર ન સાંપડ્યા. છેવટે પોલિસ સ્ટેશનમાં અરજી આપી.
આ અંગે લેટેસ્ટ માહિતી જાણવા દરઅઠવાડિયે શ્રધ્ધા પોલિસ સ્ટેશન જતી.પરંતુ તપાસ ચાલુ છે તેવો રુટીન જવાબ તેના આશાભર્યા ચહેરા પર અફળાયા કરતો.
આ સમયગાળા દરમ્યાન શ્રધ્ધા, પોતાની બહેન જે લગ્નબાદ વડોદરા રહેતી હતી તેને મળવા ગઇ ત્યારે , વડોદરા રેલ્વે સ્ટેશનપર એક ભાઇએ બુમ પાડી," કેમ છો શ્રધ્ધા ભાભી?"
પ્રશ્નાર્થ ચહેરે તે ભાઇને જોઇ રહી.
"ના ઓળખ્યો ?, અરે હા, કયાંથી ઓળખો ? આપણે એક જવાર સુરેન્દ્નગરમાં મળેલા. એચ્યુઅલી હું અને નિર્વાણ સ્કુલમાં સાથે ભણેલા,વર્ષો પછી એક વાર લગ્નબાદ તે મળ્યો ત્યારે અછડતી ઓળખાણ આપેલી.હું રાજેશ રુપેરા."
" અરે હા..યાદ . આવ્યુ..આપણે ટાવર પાસે મળેલા"
હસીને રાજેશ બોલ્યો," બરાબર , નિર્વાણ હાલ શું કરે છે?"
શ્રધ્ધાનો ચહેરો આ સાંભળતા ઉતરી ગયો. તેઓ રીફ્રેશમેન્ટના સ્ટોલની બાજુના ખાલી બાંકડા તરફ ગયા ને બેસી ને શ્રધ્ધાએ બધી વાત કરી.
રાજેશ વિચારમાં પડી ગયો.પછી યાદ આવતા તે બોલ્યો,"પણ ભાભી, તમે જે ગિરનારની વાત કરો છો તેના કરતા જુદી વાત છે કારણ ગમે તે હશે ?,હું ચાર મહિના પહેલા જ એટલે કે પંદર જુન 2013 ના રોજ કેદારનાથ ના દર્શન કરી પરત ફર્યો ત્યારે ગોમુખ પાસેજ મને નિર્વાણ મળેલો ?? તેણે કહ્યું પણ ખરુ તે ગિરનાર જવા નિકળ્યો હતો પણ કેદારનાથના દર્શન કરવાની પ્રબળઈચ્છા થતા આમ ફંટાયો છું.આટલી વાત પછી અમે છુટા પડેલા."
.. ... આ સમય દરમ્યાન કેદારનાથ,ઉપર પહાડ પરથીહિમ ઓગળતા,પ્રચંડ પુરના
પ્રલયમાં થયેલ ભારે તબાહીમાં અસંખ્ય ભક્તો તણાઇ ગરકાવ થઇ ગયેલા જેનો આજ દિન સુધી કોઇ પત્તો લાગ્યો નથી.તે વાતો યાદ આવતા જ શ્રધ્ધા ત્યાંજ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી.રાજેશ ક્યાંય સુધી આશ્વાસન આપતો રહ્યો.આ દરમ્યાન તેમને લેવા સ્ટેશન આવેલી તેમની બેન પુષ્પા ,શ્રધ્ધાને પંપાળીને ઘરે લઇ ગઇ.

***************************

પોલિસ સ્ટેશનના હતાશાજનક જવાબ અને કેદારનાથની તબાહીને લગભગ ત્રણ માસ જેટલો સમય થતા આશા ગુમાવી બેઠેલી શ્રધ્ધાએ , માનસિક રીતે વિધવાનું રુપ ધારણ કરી લીધુ હતુ.
તે મનોમન ,તેને નિર્વાણ દ્વારા મળેલા સ્નેહના સંભારણા રુપે તેના આત્માની શાંતિ માટે સારી તિથિએ શહેરના મંદિરોએ જતી અને બહાર હારબંધ બેઠેલા ભિક્ષુકોને ખવડાવતી ,ત્થા ભેટો આપતી .
શ્રાધ્ધના સોળે દિવસ તે સારી વાનગીઓ ખીર વિગેરે બનાવીને વાસ મુકતી ત્થા નિર્વાણ જ્યારે હતો ત્યારે તેને રજાના દિવસે ખાસ દર્શન કરવા લઇ જતો તે નદીના પૂ્ર્વ કાંઠે આવેલ મુકતેશ્વર મહાદેવના મંદિરે જતી અને જાતે દરેક ભિક્ષુકને ખાવાનું વહેંચતી.ત્થા નિર્વાણના મોક્ષ માટે અંતરથી પ્રાર્થના કરતી.
****************************

શ્રાધ્ધ મુકતા મુકતા પાંચ વર્ષ કયારે પુરા થયા?? ખબર જ ના પડી.આજે પણ દર વખતની જેમ પ્રકાશ તેની મમ્મી સાથેદલીલ કરી બેઠો ને પછી મમ્મીને રડમસ જોઇ બીજા રુમમાં ચાલ્યો ગયો.
દરવખતની જેમ શ્રધ્ધા વાસ મુકી ને ભિક્ષુકોનુ જમવાનુ લઇ મંદિર જવા લાગી.
વાતાવરણમાં જબ્બર ઉકળાટ હતો. ભાદરવા વદ અમાસની રાતે ગાજવિજ સાથે વરસાદ તુટી પડ્યો .આખી રાત વરસતો રહ્યો.સવારે છ વાગ્યાની આસપાસ ધીમો થઇને ધીરેધીરે બંધ થઇ ગયો.આજે છેલ્લું શ્રાધ્ધ હતુ .
શ્રધ્ધા વાસ મુકી ને ભિક્ષુકો માટે ખીર ત્થા પુરી શાક અને ફુલવડી લઇ રિક્ષામાં મંદિરે પહોંચી .રસ્તામાં ઠેરઠેર પાણી ભરાયા હતા.મુક્તેશ્વર મંદિરમાં દર્શન કરી બહાર આવી. મંદિરના પરિસરના બહારના ભાગે જયાં ભિક્ષુકો હારબંધ બેઠા હોય છે ત્યાં વરસાદના કારણે ખુબજ ઓછા જોવા મળ્યા.
દરેકને પેપરડીસમાં પિરસતા પિરસતા છેલ્લા ભિક્ષુક પાસે આવી તે પાણીથી લથબથ કંતાનનો કોથળો ઓઢીને પડ્યો હતો.કદાચ ગઇ રાત્રિએ તે અહીંજ સુતો હશે!!!
શ્રધ્ધાએ જોયું તો કંતાનના છેડે દબાવેલી એક ચિઠ્ઠી પવનમાં થરથરીને ઉડીને આગળ ગઇ."અગત્યની હશે તો! બિચારાને કામની હશે તો.! તે તો ઘસઘસાટ ઉંઘે છે.તેને તો ખબર પણ નથી કે તેની કોઇ ચિઠ્ઠી ઉડી રહી છે."
તે આગળ વધી,ઝુકી ને ચિઠ્ઠી ઉઠાવી લીધી.આમતો કોઇની ચિઠ્ઠી વંચાય થોડી?...પણ ઉકલી ગયેલી ચિઠ્ઠીના મથાળે સહજ ધ્યાન ગયુ.
પ્રિય શ્રધ્ધા,
"કોણ હશે આ શ્રધ્ધા ?" ના પ્રશ્નાર્થ સાથે કુતુહલવશ તે સામેના બાંકડે બેસી ચિઠ્ઠી વાંચવા લાગી.
" પ્રિય શ્રધ્ધા,
પ્રથમ તો હું તારો ગુનેગાર છું .માટે હું અપરાધ ભાવ સાથે તારી માફી માંગુ છું.
તને હું ગિરનારનુ કહીને કેદારનાથ ચાલ્યો ગયો હતો."
શ્રધ્ધા આખેઆખી ધ્રુજવા લાગી.સ્હેજ કળ વળતા આગળ વાંચવા લાગી.
" ત્યાં મારો મિત્ર રાજેશ મળેલો ,ગોમુખથી હાથપગ ધોઇને કેદારનાથ તરફ પ્રયાણ કર્યું .પરંતુ હું લગભગ એકાદ કિલોમિટર ચઢ્યો હોઇશ ને રસ્તામાં પડેલા કેળાની છાલ પર પગ આવી જતા હું લપસ્યો ને પગ મચકોડાતા આગળ જઇ જ શક્યો.
માંડ માંડ , પરત ફરતા એક ખાલી ઘોડાવાળાને વિનંતિ કરતા તે ગોમુખ સુધી લઇ આવ્યો.ત્યાંથી હવે ધરે પરત ફરવાનો વિચાર કરી રાત રોકાયો .
કુદરતને કરવું ઉપરથી સમાચાર આવતા ગયા કે કેદારનાથમાં પ્રચંડ પૂર આવ્યુ છે.આના કારણે બધા રસ્તા બંધ થઇ ગયા હતા ને હું પણ તેમા દિવસો સુધી ફસાયેલો રહ્યો.
માંડમાંડ હરિદ્વાર પહોંચ્યો ત્યાં લોકોની જબરજસ્ત ભીડ ,વાહનો ટ્રેનો ફુલ ભરેલી કેમ જવુ? કઇ રીયે
જવુ ? સુઝતુ નહતુ.
વળી ત્યાં બિમાર ને અશક્ત માણસોની હાલત જોઇ મને પણ સેવા કરવાનું યોગ્ય લાગતા તેમાં જોતરાય ગયો.હવે પગનો દુ:ખાવો મટી ગયો હતો.આમ કરતા ત્યાં લગભગ ચાર મહિના કયાં પસાર થઇ ગયા ખબર જ ના પડી.
હવે બરાબર તુ યાદ આવી હતી .તને જોવા મન તલપાપડ થઇ રહ્યું હતુ.અમદાવાદ આવ્યો ત્યારે વધેલા વાળ દાઢી ને મેલાઘેલા કપડામાં હું સાવ જ ગંદો ભિખારી જેવો થઇ ગયો હતો.
આ સ્થિતીમાં ઘરે આવવા પગ ઉપડતા નહતા .પણ તુ જરુર મુક્તેશ્વર મંદિરે આવીશ તે શ્રધ્ધા સાથે હું અહીં આવ્યો.
પરંતુ આ..શું??? તને અહીં સાવ સાદી સાડી,કાચની રણઝણતી બંગડીઓ વગરના ખાલી હાથ,મંગળસુત્ર વગરનું ગળુ,ને ચંદ્ર વગરના કોરા આકાશ જેવો ચાંલ્લા વિનાનો નિષ્પ્રાણ ઉદાસ ચહેરો. હું સમજી ગયો કે હવે હું ખરા અર્થમાં નિર્વાણ પામ્યો છું.
બસ પછી તો ઘરે આવવાની ઇચ્છા પણ મરી ગઇ છે.
દર સારી તિથીએ તારા દર્શન કરી અને દર વર્ષે શ્રાધ્ધમાં તારા હાથની ખીર પુરી ખાઇને ખરા અર્થમાં તારી શ્રાધ્ધ પ્રત્યેની તારી શ્રધ્ધાને ઉજાગર કરી રહ્યો છું.
આમ તો આ ચિઠ્ઠી લખવાની કોઇજ લાલસા નહતી પરંતુ મારે તારી માફી માંગવા માટે લખવી જરુરી લાગી છે.
છેલ્લે ..
કદાચ મારા મૃત્યુ પછી બિનવારસી લાશ લેવા મ્યુનિસિપલ તરફથી આવે તો મારો કોથળો ખંખેરતા આ ચિઠ્ઠી તારા સુધી પહોંચે એટલે એડ્રેશ લખ્યું છે.
તને અવિરત ચાહતો . ..
નિર્વાણ."
ચિઠ્ઠી પુરી થતા થતા તો આંખે અંધારા આવી ગયા.માંડમાંડ તે ઉભી થઇ ને તેની પાસે ગઇ.કંતાનના કોથળા નીચે એક ઢંકાયેલ શરીર સાવ નિષ્પ્રાણ પડ્યું હતુ.
શ્રધ્ધા ધીરે રહીને બોલી " નિ્ર્વાણ ? ઓ... મારા નિ્ર્વાણ ઉઠ!"
કોઇ સંચાર ના થતા તે ઝુકી, ને ધીરે રહીને કોથળો હટાવ્યો.
કોથળો હટાવતાની સાથે જ, ,, ,શ્રાધ્ધના છેલ્લા દિવસે શ્રધ્ધાના ચહેરાને જોવાની ઇચ્છામાં ,ગઇકાલે આખી રાત પલળીને ઠુંઠવાઇ ગયેલ નિર્વાણની ઠંડીગાર લાસ આંખો ફાડીને પડી હતી.
ધ્રુજતા હાથે શ્રધ્ધાએ તેનો ડાબો હાથ પક્ડયો ને હથેળીની પાછળ અંગુઠા પાસે ,પીળા પડી ગયેલા હાથ પરના "નિર્વાણ" ના છુંદણાને જોતાજ આકાસને ચિરતી કારમી ચીસ નાંખતા જ શ્રધ્ધા બેભાન થઇ નિર્વાણ પર ઢળી પડી.
___________________________________
દિનેશ પરમાર 'નજર'
લખ્યા તારીખ 05/09/2019