Das ni not books and stories free download online pdf in Gujarati

દસ ની નોટ

સવારના લગભગ દસેક વાગ્યા હશે. રાતના પડેલા વરસાદની ભીનાશ રસ્તા ઉપર હતી. હું બજારમાં જતો હતો. એટલામાં યાદ આવ્યું કે મોબાઈલમાં રીચાર્જ પૂરું થવા આવ્યું છે. હું મારા મોબાઈલની કોઈપણ સમસ્યા માટે મોટાભાગે એક જ દુકાને જાઉં છું. હું ત્યાં પહોંચી ગયો. મારું કામ પતાવ્યું. ઘડીક દુકાને બેસી આડીઅવળી વાતો કરી. દુકાનની સામે બદાણીયા નો અંગકસરત નો ખેલ હજુ હમણાં જ પૂરો થયો હોય તેવું લાગતું હતું. એક સ્ત્રી બેઠી છે, તેની આગળ ઢોલ પડ્યો છે. આગળ કોથળો પાથરેલ છે. આ લોકો બાળકો પાસે બાળમજૂરી કરાવે તે જોઈ થોડી ધ્રુણા થઇ. પરંતુ પેટનો ખાડો પુરવા કંઈનું કંઈ તો કરવું જ પડે છે. એ પણ હકીકત છે!!

આપણે જોઈએ છીએ કે આ લોકો અમુક ટાઈમે આવતા જ હોય છે. એક સ્ત્રી ઢોલનો સ્પેશિયલ તાલ વગાડે ને આગળ પાથરેલા કોથળા પર એક નાનકડી છોકરી પોતાનું શરીર જાણે રબ્બરનું હોય તેમ વાળીને કરતબ બતાવે. જુદા જુદા અંગ કસરતના દાવ કરે.નાનકડી લોખંડની રિંગમાંથી બંને ભાઈ-બહેન એક સાથે નીકળતા જોઇને તેને શાબાશી આપવાનું મન થાય તે સાથે સાથે તેમના દુઃખી મોઢા જોઈને દયા પણ આવે. શો પૂરો થયા પછી બંને બાળકો આજુબાજુની દુકાનમાંથી પૈસા ઉઘરાવવા જાય છે. કોઈ દયા વૃત્તિથી તો કોઈ દાન વૃત્તિથી તો કોઈ ધર્મ વૃત્તિથી કંઈનું કંઈ આપતા હોય છે.


અહીં સામે પણ ખેલ તો પૂરો થઈ ગયો હતો. જતા-આવતા રાહદારીઓએ ફેંકેલા સિક્કા કોથળા પર પડ્યા હતા. આજુ બાજુની દુકાનોમાં થી ઉઘરાણું પૂરું થઈ ગયું હતું. હું આ લઘર વઘર બાળકોને જોઇને વિચારમાં પડી ગયો હતો. મને તેની દયા આવતી. ઘણા કહેતા હોય છે કે, "ભિખારીને પૈસા ના અપાય. તેની વૃત્તિ બગડે."પરંતુ હું એવું માનું છું કે તેને નિરાશ ના કરાય. ને તેમાંય આ બાળકો તો ભીખ નહોતા માંગતા તેની મહેનતનું માંગતા હતા.
હું દુકાન ના પગથીયા ઉતર્યો. પેલી નાનકડી છોકરી મારી પાસે આવી. તેને ઘણા દિવસ પહેલા ગુથેલી ચોટલી મેલી ઘેલી થઈ ગઈ હતી. તેણે પહેરેલું મેલુડાટ ફ્રોક બટન ને બદલે સેફ્ટીપીનની મદદથી ટિંગાડેલું હતું. તે મારી સામે આવી હાથ લંબાવી ઉભી રહી. મારે તેને કંઈક આપવું તો હતું જ. અને આપવું પણ જોઈએ. મેં મારા ખિસ્સા ખોળ્યા પણ કંઈ છૂટા પૈસા ના નીકળ્યા. મારા પેન્ટ ના પાછળ ના ખીસ્સામાંથી વોલેટ કાઢ્યું. મને આશા હતી કે તેમાં એકાદી દસ રૂપિયાની નોટ પડી હશે. હું વોલેટ ફેંદવા લાગ્યો. પરંતુ બધી મોટી નોટો જ હતી. મેં તે છોકરી સામે જોયું તે આશા ભરી દ્રષ્ટિએ મારી સામે જોઈ રહી હતી.

હવે મે નિરાશ થઈ તે છોકરી સામે જોયું ! મારા વોલેટમાં એક પણ દસની કે વીસની નોટ ન હતી. અને સો રૂપિયાની નોટ આપી શકું એટલી મારી દાનત ન હતી.આજુબાજુ જોયું તો બધા દુકાન વાળા ની નજર મારા પર જ હતી. હું ઝંખવાળો પડી ગયો. પેલી છોકરી હજી ઘડીક મારા વોલેટ સામું તો ઘડીક મારી સામું ગરીબડી આખે જોઈ રહી હતી.

એવામાં ભગવાને મને મદદ કરી. મારી નજર પેલી મોબાઇલની દુકાન ના કાઉન્ટર ની બહાર પડેલી દસ રૂપિયાની નોટ પર પડી. મેં દુકાનદાર યુવાનને પૂછ્યું, "દસની નોટ તમારી છે?" તેણે માથું ધુણાવી ના કહી. તેણે કહ્યું, કોઈક કસ્ટમરની પડી ગઈ હશે." મેં પેલી છોકરીને કહ્યું, " પહેલી દસ ની નોટ તારા ભાગ્યની છે લઇ લે જા.."છોકરીએ દુકાનદાર તરફ જોયું. દુકાનદારે હકારમાં માથું હલાવ્યું. છોકરીએ નોટ લઈ લીધી.

દોડીને તેની મા ને આપી આવી. છોકરીએ પાછું ફરી મારી સામે જોઈ સ્મિત કર્યું. મને પણ આનંદ થયો. મેં આકાશ તરફ જોઈ ભગવાનનો આભાર માન્યો. સામે જોયું તો બધા જ દુકાનદારો મને જ તાકી રહ્યા હતા.

લેખક: અશોકસિંહ ટાંક
તા.27/9/19
(આજે મારી સાથેે બનેલી સત્યયઘટના પરથી)