Maru vhalu Junagadh books and stories free download online pdf in Gujarati

મારું વ્હાલું જૂનાગઢ

સોરઠ ધરા જગજુની....
હાલ...જોને ગરવો ઈ ગઢ ગિરનાર...
એ જેના હાવજ... હાવજડાં હૈંજળ પીયે....
હાલરે..ન્યાનાં નમણાં નર ને નાર.....

હા, એજ સોહામણી સોરઠ ધરાની વાત છે જ્યાં ગરવો ગઢ ગિરનાર આવેલ છે .

જૂનાગઢ નામ સાંભળતા જ આહા.... કંઈક અલગ જ ફીલિંગ આવી જાય. પોતાની જન્મભૂમિ કે વતન પ્રત્યે કોને પ્રેમ ન હોઈ ? આવો જ પ્રેમ મને મારા જૂનાગઢ સાથે....કંઈક અલગ જ નાતો બંધાય ગયો અને એટલો તો ગાઢ કે જાણે કોઈ સ્વજન . આમ તો જૂનાગઢની વાત કરવા બેસું તો કદાચ મારા મુખે તો પુરી જ ન થાય . ઘણું ઘણું મહત્વ મારે મન જૂનાગઢનું પણ જ્યારે જ્યારે તેનાથી દૂર જવાનું થયું ત્યારે ત્યારે તેનું મહત્વ વધતું જ જાય... આગળ સ્ટડી માટે , જોબ માટે કે કોઈ બીજા કારણસર મારે જ્યારે જ્યારે જૂનાગઢ મૂકવું પડ્યું ત્યારે ખૂબ આકરું લાગ્યું..ખબર નહીં સ્વજનને છોડી જતાં જે પરિસ્થિતિ મન અનુભવતું હોય તેવી જ પરિસ્થિતિ જૂનાગઢ છોડતા મારું મન અનુભવે .મારાં જેવા અઢળક હશે જૂનાગઢનાં ચાહક. આમ તો મારું જૂનાગઢ.... મારી કોઈ તેના પર સતા કે સિયાસત નથી પરંતુ લાગણીવશ એમ જ કહું તો અતિશયોક્તિ તો નથી ને??? ખેર.. આ તો થઈ મારી વાત.. હવે વ્હાલસોયા જૂનાગઢ વિશે....

પ્રકૃતિના ખોળે કુદરતી સૌંદર્યનો ખજાનો લઈને લગભગ આશરે ચાર લાખની વસ્તી ધરાવતું શહેર . ઇતિહાસને પોતાના ઉદરમાં સમાવી શોર્ય દાખવનાર અને આધિપત્ય જમાવનાર રજવાડાંઓની ઐતિહાસિક નગરી . જુદી જુદી રાજનૈતિકશક્તિ અને ધાર્મિકતાના સમન્વયે જૂનાગઢને બહુમૂલ્ય સંસ્કૃતિ અને અનોખી સ્થાપત્ય કલા પ્રદાન કરી છે . જેની ઝલક આજે પણ જોવા મળે છે.

શુભ શરૂઆત તો સ્વર્ગભૂમિ સમાન ગિરનારથી જ થાય ને...ગરવા ગિરનારની ગોદમાં રમતું ભમતું જૂનાગઢ જોવું હોય, તેનો અદ્દભૂત નજારો નિહાળવો હોય તો પદકમળને થોડી તસ્દી આપીને ગિરનારના શિખરે જવું પડે . જુનાગઢવાસી તો હસતા રમતા એ નવ હજાર નવસો નવ્વાણું પગથિયાં ચડી જાય . હર શિયાળામાં ત્યાંની ટ્રીપ તો જાણે નક્કી જ હોય .ગિરનારની પર્વતમાળામાં આવેલ ઊંચું શિખર ગોરખનાથ .જેની ઊંચાઈ લગભગ ત્રણહજાર છસો એકસઠ મીટર . દત્તાત્રેય ભગવાનની ત્રિમુખ પ્રતિમા જાણે જૂનાગઢની ત્રણેય બાજુ પર નજર રાખી પોતાના આશીર્વાદ આપી રહી હોય તેવી સોહામણી લાગે.

હર ..હર ...મહાદેવના ગુંજથી જાણીતા શિવરાત્રી મેળાથી કોઈ અજાણ હોઈ શકે ? માનવ મહેરામણથી ગુંજતો એ મેળાવડો માણવા ભારતભરમાંથી લોકો ખેંચાઈ આવે છે .સાધુઓના અખાડા અને તેનો મહિમા અનેરો છે .

ભવનાથ......ભવનાથ એટલે જુનાગઢનું હૃદય ....ધબકતું હૃદય....તળેટી વિસ્તારમાં આવેલ નયનરમ્ય સ્થળો બોરદેવી , લાલઢોળી , નારાયણધરો , સુદર્શનતળાવ , જટાશંકર અત્યંત રમણીય અને આહલાદક છે .આ સ્થળો અને ગિરનાર વર્ષાઋતુમાં તો સોળે કળાએ ખીલી ઊઠે છે. જોતા એવું લાગે કે જાણે માં ધરતીએ લીલી ચાદર ઓઢી છે . દોડભાગ વાળી જિંદગીથી થાક્યા પાક્યા જુનાગઢવાસી મન મગજને ટાઢક આપવા વિકએન્ડમાં ભવનાથ મહાદેવના શરણે ઉમટી પડે . વર્ષાઋતુમાં નવાં રૂપરંગ ધારણ કરનાર ભવનાથમાં નાની નદીઓ અને ખળ ખળ વહેતાં ઝરણાંનો મીઠો રણકાર અદ્દભુત સૌંદર્યના દર્શન કરાવે . નાના બાળકોથી માંડીને યુવાન , પ્રૌઢ અને વૃદ્ધ તમામની ફેવરીટ જગ્યા એટલે ભવનાથ .

તળેટી વિસ્તાર ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવતા માર્ગમાં દામોદરકુંડ , સોનાપુરી , ગાયત્રીમંદિર ,અશોકનો શિલાલેખ જે રાજા અશોકના 14 શિલાલેખમાંનો એક છે . વિલિન્ડન ડેમ આહા... એને ઓવરફ્લો થતો જોવાની એક અલગ જ મજા પ્રકૃતિપ્રેમી માણે . ત્યાંથી ગિરનારની પર્વતમાળામાંથી નીકળતા એ ધોધ જોતા જ રહી જાયે એવી પ્રકૃતિની કરામત તો સાક્ષાત મહાદેવ જ કરાવે . ઉપરકોટ જ્યાં ત્રણ તોપ છે જેમના નામ નીલમ , માણેક અને કડાનાલ છે .ખૂબ સરસ જોવાલાયક સ્થળ છે સહેલાણીઓ માટે અને વિશેષ તો હમણાં ચાલતો ટ્રેન્ડ પ્રિ વેડિંગ ફોટોશૂટ જેના માટે ઉત્તમ સ્થળ . આ ઉપરાંત, અડી કડી વાવ , નવઘણ કૂવો પણ જોવાલાયક પૌરાણિક સ્થળો છે .

ઇન્ડો ઇસ્લામિક શૈલીમાં લગભગ 1982 માં બનાવેલ મહાબત મકબરો મીની તાજમહલ તરીકે ઓળખાય છે. ઇતિહાસમાં રસ ધરાવનાર અને પ્રકૃતિ પ્રેમી માટે જૂનાગઢ જન્નતથી ઓછું નથી . આ ઉપરાંત ગુજરાતનું સૌથી જૂનું પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ જૂનાગઢમાં આવેલ છે . આવા તો અનેક જોવાલાયક સ્થળો જૂનાગઢ પાસે છે જેની મુલાકાત અનેકવાર લીધી હોવા છતાં ફરી ને ફરી ત્યાં જવા મન હિલોળે ચડે .મુલાકાત લેવા નીકળીએ તો દિવસ પૂરો થાય પણ રમણીય સ્થળો તો નહીં જ . એ સંધ્યા સમયે તળાવની પાળે બેસવાની તેને માણવાની મજા કંઈક અલગ જ છે . હમણાં થોડાં સમય પહેલાં ત્યાં એક નવું નજરાણું મુકાયું બોટીંગ..... જાણે આબુના નક્કી લેકમાં બોટીંગ કરી રહ્યા હોય... સાંજ પડતાં જ ઉમટી પડતાં એ પ્રેમી પંખીડા, વિધાર્થીઓ અને સિનિયર સીટીઝન મોતીબાગ અને પરીતળાવને હર્યું ભર્યું બનાવી દે છે . શનિ રવિમાં ફરવા નીકળવા માટેની બીજી પોપ્યુલર અને ફેવરીટ જગ્યા એટલે અક્ષરવાડી . જેનું શુદ્ધ અને ભક્તિમય વાતાવરણ જૂનાગઢવાસીઓને ખૂબ પ્રિય એમાં પણ પ્રેમવતીનો અલ્પાહાર તો અતિ પ્રિય...

જૂનાગઢના હાર્દ સમાન કાળવાચોકની વાત જ અનેરી. શહેર આખામાં ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન નડે પણ ત્યાં તો હોય જ .....હોવાનો પણ ....અને રેવાનો પણ ખરો...અરે એમ જ થોડું હાર્દ કહેવાય . ત્યાં પહોંચીએ તો ખાણીપીણી ગલી કેમ વિસરાય ...એક સમયે ધમધમતી ત્યાંની લિબર્ટી ટોકીઝ અને બીજી ગીતા ટોકીઝ જે હવે તો એ બંધ હાલતમાં છે , પણ બીજા સિનેમાઘરો જયશ્રી, પ્રદીપ,સુરજ મલ્ટીપ્લેક્ષ જુનાગઢવાસીઓને મનોરંજન પૂરું પાડે છે. નવ્વાણું બેહજાર ની સાલમાં થિયેટર નહિ ટોકીઝ શબ્દ જ સાંભળવા મળતો.

જુનાગઢની જનતા ખાણીપીણીની શોખીન જ્યાં જુઓ ત્યાં મસાલેદાર, ચટપટી વાનગીઓ આરોગતી જોવા મળે .એ પછી પાણીપુરીની લારી હોય કે પછી લાઈવ સ્ટીમ ઢોકળાં... વાત આવી જ છે તો રાજુભાઈનાં ઢોસા કેમ ભૂલાય... સુભાષની પાણીપુરી.. રોકડીયાના ભજીયાં..લક્કીનાં આલુ પરોઠા... અશોકના પફ.... અને એવું તો ઘણુંબધું... આરોગ્યની પ્રત્યે સભાન બનીએ તો આવું કશું આરોગાય નહિ પણ... કિન્તુ....પરંતુ...ખબર નહિ.. આ ચીજોનો લુત્ફ લેવામાં જુનાગઢવાસીઓને અનેરો જ સંતોષ પ્રાપ્ત થતો જોવા મળે . ખેર તેઓને રોકી તો ન શકાય પણ ઈશ્વર પાસે પ્રાર્થના કે જુનાગઢવાસીઓના પાચનતંત્રને સુરક્ષિત રાખે .

શોપિંગ.... લેડીસ માટે તો ફેવરીટ છે પણ અત્યારે તો પુરુષો પણ કંઈ ઓછી નહિ કરતાં... ખરીદી માટે તો માંગનાથરોડ બપોરે બે વાગે પણ માનવમેદની થી ભરપૂર જોવા મળે . એ સાંકડી ગલીઓ અને ખરીદીના મસમોટા વજન સાથે આરામથી હરીફરી શકે જૂનાગઢની પ્રજા . પંચ હાટડી , હવેલી ગલી , માલિવાડારોડ , આઝાદચોક અને એમ . જી . રોડ સતત જીવંત રહે છે . અરે ખરીદીની વાત નીકળી છે તો રવિવારી કેમ કરી ભુલાય ....અશક્ય...માનવમહેરામણ ઉમટી પડે . એ ઓછી કિંમતે સારી વસ્તુ મેળવીને ગઝબનો સંતોષ પ્રાપ્ત કરે .ત્યાંથી ખરીદતાં જુનાગઢવાસીને જોઈને મનમાં વિચાર આવે કે બધું આજ જ ખરીદી લેશે કે શું?? એ તો ભાઈ રંગીલી મોજીલી પ્રજા ...એને ગમે તેવું જ કરે...

નવા રંગ રૂપ ધારણ કરનાર જૂનાગઢના તમામ એરિયા ખૂબ ઝડપભેર કદમ ભરી આગળ વધી રહ્યા છે . બાયપાસ ઝાંઝરડા રોડ પર નિર્માણ પામી રહેલ ઇમારતો અને રેસ્ટોરન્ટ નવા જ બદલાવ સાથે અસ્તિત્વમાં આવ્યા છે , તો મધુરમ થી વાડલા ફાટક તરફ તો જાણે જૂનાગઢ દોટ મૂકી આગળ વધી રહ્યું હોય તેવું લાગે . કયારેક તો લાગે કે વંથલી સુધી પહોંચી જાય તો કાંઈ કહેવાય નહીં . સામેની બાજુ તો સારું છે ગિરનાર છે તો ત્યાં તો અટકી ગયા . પ્રગતિના પંથે પુરપાટ વેગે જૂનાગઢ વિકાસ સાધી વિકસિત બનવા પ્રયાસ કરી રહ્યું છે અને સાથોસાથ જુનાગઢવાસીઓ તેમાં ગૂંથાય રહ્યા છે .

ઉદ્યોગોનું પ્રમાણ ઓછું હોવાથી રોજગારીની તકો ઓછી માત્રામાં મળે . પણ કંઈ નહીં ઓછા ઉદ્યોગોનો એક ફાયદો પણ તો છે વાતાવરણ શુદ્ધ રહે ને . ગૃહ ઉદ્યોગો તો ખૂબ ચાલે . ખાખરા , અગરબત્તી ....વગેરે શિક્ષણસંસ્થાઓનો જૂનાગઢમાં વ્યાપ વધતા શિક્ષણની ગુણવત્તા વધતી નજરે જોવા મળે છે જે આવકારદાયક છે . પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે આજુબાજુના ગામડાઓમાંથી અહીં સ્થળાંતર કરનાર ઘણાં લોકો જોવા મળે .શિક્ષણ તો બાળકો મેળવી લે પરંતુ પાછું વતન જવાનું કોઈ નામ ન લે અહીં જ કોઈ રોજગારી શોધી સ્થાયી થઈ જાય .જૂનાગઢ છે જ એવું કે એકવાર આવ્યા બાદ તેને માણ્યા બાદ કોઈ તેને મૂકીને જવા હસતાં મુખે તૈયાર થાય એવું તો બને નહીં . એવી કોઈ પરિસ્થિતિ હોય તો જવું પણ પડે .

આધુનિક યુગમાં આધુનિક વિચારસરણી અને પૌરાણિક સંસ્કૃતિનો સમન્વય સાધી જૂનાગઢ તાલમેળ જાળવી રાખી તેનું ગૌરવ વધારી રહ્યું છે. જૂનાગઢ આવનાર તમામ લોકો આ સ્થળોની મુલાકાત લઈ તેની વિશેષતાઓ જાણે છે એ જોઈ ખૂબ આનંદ થાય છે .

હજુ તો ઘણું ...ઘણું બધું રહી ગયું જૂનાગઢ વિશે પણ આજ અહીં સુધી...

જૂનાગઢ મારું સોહામણું, લાગે મને નમણું.
છે રંગે ,રૂપે ,રૂડું એની વાત જ નિરાલી.
ગૌરવવંતી જન્મભૂમિ , સંસ્કૃતિ ને સત્કાર .
ગદ ગદ ફૂલે છાતી મારી નામ સાંભળું જૂનાગઢ .

- તતિક્ષા રાવલિયા