Fastest-birds-of-the-world books and stories free download online pdf in Gujarati

પક્ષીજગતની મેરેથોનમાં અવ્વલ આવતાં વિશ્વનાં સૌથી ઝડપી પક્ષીઓ

પક્ષીજગતની મેરેથોનમાં અવ્વલ આવતાં વિશ્વનાં સૌથી ઝડપી પક્ષીઓ

કુદરતના ખોળે જન્મતા મનુષ્યેત્તર સજીવોની ભરમાર અગણિત છે. એમાંય વળી પક્ષીજગતની વાત આવે એટલે ચિત્રવિચિત્ર પક્ષીઓનાં કંઈકેટલાંય વિલક્ષણ તથ્યો જાણીને નવાઈ પામી ઉઠીયે. અમુક પક્ષીનું વર્તન યા તમુક પક્ષીની જીવન નિર્વાહની રીતભાત વગેરે જાણીને પ્રકૃતિ તરફ માન થઈ આવે. સાથે જ આશ્ચર્ય એ વાતનું થાય કે દરેક જાતની પરિસ્થિતિને અનુકુળ રહેવાનું જાણે કુદરતે તેમને શીખવ્યું હોય એમ તેઓ એ દરેક વિષમ પરિસ્થિતિમાંથી પોતાનો યોગ્ય માર્ગ કાઢી લે છે.

અહીં પક્ષીજગતની જ વાત માંડી છે, પરંતુ વિષય તેમની વર્તણૂક કે જીવન નિર્વાહની રીતોને બદલે ‘ઝડપ/Speed’ નો છે. તો ચાલો, વિશ્વનાં પાંચ સૌથી ઝડપી પક્ષીઓ વિશે જાણવા જેવી ગોઠડી માંડીએ.

● Fastest Five તેમના ક્રમ પ્રમાણે :

(૧) પેરેગ્રિન ફાલ્કન :

‘ઉડને મેં તો હમ સબકે બાપ લગતે હૈ, નામ હૈ પેરેગ્રિન ફાલ્કન !’ એવો સહેજે ઉદ્દગાર નીકળી પડે એવું આ Peregrine Falcon/પરદેશી બાજ વિશ્વનું સૌથી ઝડપી પક્ષી હોવાનું પ્રમાણ મેળવી ચૂક્યું છે. ચાલો ત્યારે, અનુમાન લગાવો. પેરેગ્રિનની હવાઈ ઝડપ/Air Speed કેટલા કિલોમીટરની ધારો છો ? 70...? 100...? 150...? જી નહીં ! આંચકો અપાવે એવો અંક છે - 250 થી 350 કિ.મી. પ્રતિ કલાક ! ચીનના શાંઘાઈમાં 267 km/hour ની ધમધમાટ ઝડપે દોડતી વિશ્વની સૌથી ઝડપી ટ્રેન ‘શાંઘાઈ મેગ્લેવ’ કરતાં પણ વધુ ! National Geographic ચેનલના એક તાજાં ટી.વી. શોએ આપેલા પ્રમાણ મુજબ તેમણે લેટેસ્ટ આંકડા તરીકે પેરેગ્રિનની મહત્તમ ઝડપ 389 કિલોમીટર પ્રતિ કલાક આંકી છે. વિચારો કે આટલી જંગી ઝડપ ધરાવતા પેરેગ્રિન ફાલ્કનમાં કુદરતે કેવી કરામત ફીટ કરી હશે !

પેરેગ્રિન ફાલ્કન એટલે કે પરદેશી બાજ શિકારી પક્ષી છે. તેનો મહત્તમ ખોરાક તે શિકાર કરીને ઝડપે છે. અંગ્રેજી ભાષામાં તેના માટે એટલે જ Predator Bird શબ્દ વપરાય છે. Predator એટલે શિકારી. તે અન્ય પક્ષીઓ અને ચામાચીડિયાંને પોતાની મધ્યમ ઊંચાઈએ ઘેરો ઘાલીને ઝડપી લે છે.

તેની મુખ્ય પ્રજાતિનું નામ Falcon Peregrinus છે. Adult/પુખ્ત વયનાં ફાલ્કનની 3.5 ફીટનો વ્યાપ ધરાવતી પાંખો અને પીઠ ઘેરા ભૂખરા રંગનાં, ખોપરીનો ભાગ કાળાશ પડતા ભૂખરા રંગનો અને આગળનો ભાગ ફિક્કા સફેદ રંગનો હોય છે. (જુઓ ફોટોઝ) અંદરના સમગ્ર ફિક્કા સફેદ ભાગ પર કાળા ચટાપટા આવેલા છે જે પાંખોના સંપૂર્ણ ફેલાવાથી જ નજરે ચડે છે. સમગ્ર વિશ્વમાં તેની અનેક પેટા-જાતિઓ જોવા મળે છે.

એન્ટાર્કટિકા સિવાયના લગભગ દરેક ખંડમાં તેની હાજરી જોવા મળે છે. ચીલઝડપે શિકાર કરવાની તેની પદ્ધતિ અફલાતૂન હોય છે. ઊંચી સપાટી પર ઊડતું પેરેગ્રિન જેવું નીચલી સપાટીએ તેના શિકારને જુએ કે તરત ત્યાંથી લગભગ 200 માઇલ પ્રતિ કલાકની ઝડપે તીરની જેમ પડતું મૂકે, મધ્યાકાશે શિકારને ઝડપે અને ફરી પાછું પોતાની મુખ્ય સપાટીએ ચાલ્યું જાય. માળો બાંધવા મુખ્યત્વે તે ઊંચા બિલ્ડિંગમાં રહેલી છાજલીઓનો ઉપયોગ કરે છે. મેટિંગ સીઝન માર્ચના ઉત્તરાર્ધથી મે મહિના સુધીની હોય છે. માદા પેરેગ્રિન એક મહિના પછી 3 થી 4 ઈંડાં મૂકે છે. એક રસપ્રદ વાત એ છે કે પેરેગ્રિન પ્રજાતિમાં માદા પેરેગ્રિન નર પેરેગ્રિન કરતાં કદમાં મોટી હોય છે.

(૨) ગોલ્ડન ઇગલ :

Raptor/શિકારી પક્ષીઓમાં દબદબાપૂર્વક લેવાતું બીજું નામ ગોલ્ડન ઇગલ એટલે કે સોનેરી ગરુડનું છે. Northern Hemisphere/ઉત્તર ગોળાર્ધનાં શિકારી પક્ષીઓમાં ગોલ્ડન ઇગલ આગવું સ્થાન ધરાવે છે. જો કે ગરુડની આ પ્રજાતિ સૌથી વધુ ફેલાયેલી પ્રજાતિ છે. તેઓ લગભગ આખા ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે છે. ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા ઉત્તર ગોળાર્ધના પ્રદેશો સિવાય એશિયામાં પણ ગોલ્ડન ઇગલનો વસવાટ છે.

ગોલ્ડન ઇગલની મહત્તમ હવાઈ ઝડપ/Air Speed 300 કિલોમીટર પ્રતિ કલાકની છે. પેરેગ્રિન ફાલ્કનથી થોડી જ દૂરીએ રહેલું ઇગલ તે રીતે fastest birds ના લિસ્ટમાં બીજા નંબરે આવે એમાં કશી નવાઈ નથી. તેઓ Aquila chrysaetos જાતિનાં છે. પેરેગ્રિનની જેમ ગોલ્ડન ઇગલની જાતિઓમાં પણ માદા ગરુડ કદમાં મોટાં હોય છે. આ આકાશી શિકારીઓ નાનાં અને મધ્યમ કદનાં Mammals/સસ્તન વર્ગનાં પ્રાણીઓનો શિકાર કરે છે જેમાં સસલાં, જેક-સસલાં, પ્રેઇરી કૂતરા, ખિસકોલી જેવાં પ્રાણીઓ આવે છે. ઉપરાંત તેમના મેન્યુ કાર્ડમાં કેટલાંક પક્ષીઓ અને સરીસૃપ વર્ગનાં જીવ-જંતુઓ પણ છે.

ગોલ્ડન ઇગલ તેનો માળો ભેખડની કરાડોમાં કે જંગલપ્રદેશમાં ઊંચા વૃક્ષો પર તૈયાર કરે છે. ઊંચાઈ પર માળો તૈયાર કરવાનું સામાન્ય કારણ એ કે ઊંચાઈ પર કોઈ પણ જાતનો અવરોધ હોય નહીં એટલે તેની વસ્તીવાળા વિસ્તારમાં તેની નજર ચોતરફ રહી શકે. આજુ-બાજુ અવરોધદાયક એક પણ ચીજ હોય નહીં એટલે તેને એક રીતે શિકાર કરવા માટે મોકળી જગ્યા પણ મળી રહે. માળો બનાવવા તે સળેખડીઓનો ઉપયોગ કરે છે. સળેખડીને યોગ્ય આકારમાં વાળીને તે રકાબી આકારનો, સમતલ માળો બાંધે છે. માદા એક વર્ષે સરેરાશ બે ઈંડાં મૂકે છે. આ સંખ્યામાં નાની-મોટી વધઘટ પણ થતી રહે છે.

ગોલ્ડન ઇગલ તેના ‘ગોલ્ડન’ નામને ખરેખર સાર્થક કરી આપે છે. ફોટોમાં દેખાય છે તેમ માથાનો ઉપલો ભાગ સહેજ સોનેરી છે. પૂરું શરીર ભલે ઘેરા કથ્થઈ રંગનું, પણ જ્યારે પાંખો ફેલાવે ત્યારે સમગ્ર શરીર પર છૂટક છૂટક સંખ્યામાં આવેલાં અસંખ્ય સોનેરી પીછાં સૂર્યપ્રકાશમાં અદ્દલ સોના જેવા જ લાગે.

શિકાર કરવાની તેની સ્ટાઈલ મહદઅંશે પેરેગ્રિન ફાલ્કન/પરદેશી બાજને મળતી આવે છે. તેનાથી મધ્યમ કદની ઊંચાઈ પર રહેલાં પક્ષીઓ, પ્રાણીઓને કલાકની 150 માઈલ્સ કરતાં પણ વધુ ઝડપે આંતરે છે અને તેનાં તિક્ષ્ણ નહોર વડે તેમને દબોચીને વળી હવામાં ઊંચે ચડી જાય છે.

(૩) ગેઅર-ફાલ્કન :

Falcon/બાજની બધી જ પ્રજાતિઓમાં આ Gyrfalcon/ગેઅરબાજ મોટામાં મોટું બાજ ગણાય છે. શિકારી પ્રકારનું પક્ષી છે અને the fastest પેરેગ્રિન ફાલ્કનનું જાતબંધુ છે એટલે તેની શિકાર કરવાની રીતમાં પણ ખાસ કશું જ ‘નવું’ નથી. તેને ઘણી વાર તેના શરૂઆતના Abbriviation/ટૂંકા નામ ‘Gyr’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મહત્તમ હવાઈ ઝડપ/Air Speed 209 કિલોમીટર પ્રતિ કલાકની છે.

Gyrfalcon તેમની ઝડપી ડાઇવ અને લાંબી, અણીદાર પાંખો માટે જાણીતાં છે. દેખાવ મહદઅંશે તેમના જાતબંધુ પેરેગ્રિન જેવો જ છે, પણ મુખ્ય ફરક પીઠના રંગનો છે. પીઠ પર રાખોડી અને સફેદ રંગના ચટાપટા/ધાબાં લાગે એવી રીતે પીછાંની ગોઠવણ છે. આંખો ફરતે પીળાં કુંડાળાં અને ખોપરીનો ભાગ સફેદ રંગનો. દરેક શિકારી પક્ષીને હોય છે એવા ધારદાર, અણીદાર નહોર તો આપણા સૌનું આકર્ષણ ખરા જ. Falco rusticolus જાતનાં આ ફાલ્કનના મુખ્ય આવાસો આર્કટીક સાગરકિનારાના વિસ્તારો, ઉત્તર અમેરિકા, યુરોપના દેશો તથા એશિયાના દેશો છે. સંવર્ધનકાળ દરમિયાન જો કે તેમનું migration/સ્થળાંતર ખાસ્સી હદ સુધી વધી જતું હોય છે.

પરંપરાગત ઇમેજ મુજબ Gyrfalcon કાળા ગોળાકાર ધાબાં ધરાવતું સફેદ રંગનું પક્ષી છે, પરંતુ ઘણી પેટાપ્રજાતિમાં તે મૂળ સફેદ રંગને બદલે સફેદ, રાખોડી અને ઘેરા કથ્થઈ રંગના શેડ્સમાં જોવા મળે છે. દરેકમાં કાળા ધાબાં તો એકસરખાં જ. વળી તરુણ અવસ્થાનાં બાજની પીઠનો ભાગ કથ્થઈ રંગનો જોવા મળે છે જ્યારે પુખ્ત વયનાંની પીઠ ઉપર જણાવ્યા મુજબ સફેદના શેડ્સમાં હોય છે.

Gyr/ગેઅર શબ્દ જોઈને નવાઈ લાગતી હશે કે આવો અડધો શબ્દ શું કામ ? તો એનો ખુલાસો આમ છે. Gyr એ જૂનો જર્મન શબ્દ છે. Gyr એટલે Vulture/ગીધ. (જો કે ગેઅર ફાલ્કન એ બાજ પક્ષી છે. ગીધ અને બાજમાં ફરક હોય છે.) અને લેટિન શબ્દ falx એટલે અણીદાર વક્રાકાર દાંતાવાળું ખેતરનું ઓજાર. આ સાધનનો સંદર્ભ કદાચ falcon ના હુક જેવા અણીદાર નહોર સૂચવતું હોઈ શકે.

ગોલ્ડન ઇગલની જેમ જ ગેઅર ફાલ્કન પણ પોતાનો માળો બાંધવા માટે ભેખડ-કરાડવાળા વિસ્તારો પસંદ કરે છે. ઘણી વખત જંગલી કાગડા દ્વારા ત્યજી દેવાયેલા માળાનો પણ તેઓ ઉપયોગ કરી લે છે. એપ્રિલના અંતમાં માદા મહત્તમ પાંચ ઈંડાં મૂકે છે જેને નર-માદા બંને 35 દિવસ સુધી સેવે છે. 6 થી 8 અઠવાડિયા પછી યુવાન ફાલ્કન પોતાની રીતે દાણોપાણી મેળવવા માળો છોડી શકે છે.

(૪) વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ :

પક્ષીજગતની મેરેથોનમાં ‘વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ’નો ક્રમ ચોથો આવે છે. તેની જાત ઉપલાં ત્રણેય કરતાં જુદી છે. તે જંતુભક્ષી પક્ષી છે અને ગરુડ કે બાજની સરખામણીએ તદ્દન જુદું પક્ષી છે. તેની લાંબી, નાજૂક ને પાતળી પાંખ અને તેના Swallow/અબાબીલ પંખી સાથેના ઉપરછલ્લા મળતાવડાપણાને કારણે તે Swift Bird છે. આ પ્રકારનાં પક્ષીઓ હવાની સપાટી પર ઉડવામાં swift/ત્વરિત હોય છે અને એકદમ તણખલાંની જેમ તેઓ ઊડી શકતાં હોવાથી આ નામ પડ્યું છે. તે Niddle-Tailed Swift કે Spine-Tailed Swift તરીકે પણ ઓળખાય છે. ‘સ્વીફ્ટ’ની Hirundapus caudacutus જાતિનું તે મોટું સ્વીફ્ટ છે.

લાકડાનાં પીપ આકારનું ધડ ધરાવતાં નિડલટેઇલ 169 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ હવાઈ ઝડપ/Air Speed લઈ શકે છે. અગાઉ જોઈ ગયાં એ ત્રણેય પક્ષીઓ ભારતમાં વત્તા-ઓછા અંશે નજરે પડી જતાં હોય છે, પરંતુ નિડલટેઇલ તો એશિયા અને સાઈબિરીયાનું જ પક્ષી, એટલે વળી ભારતનું તો કાયમી મહેમાન. તે મોટાભાગે સ્થળાંતર કરતું પક્ષી છે. તેઓ સંવર્ધન અને ઉછેરકાળ મધ્ય એશિયાના પ્રદેશોમાં અને દક્ષિણ સાઈબિરીયામાં વિતાવે છે અને જેવો શિયાળો શરૂ થાય કે તરત આખો જુમલો વધુ દક્ષિણ ભણી સ્થળાંતર કરી જાય છે. શિયાળા દરમિયાન ઉત્તર તરફના સાઈબિરીયામાં ઠંડીનું પ્રમાણ ખાસ્સી હદ સુધી વધી જતાં તેઓ દક્ષિણ તરફ ગતિ કરતાં ભારત, ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝિલેન્ડ, જાપાન બાજુનો હંગામી વસવાટ આદરે છે.

તેની આજુ-બાજુની અને પૂંછની એમ ત્રણેય પાંખનાં પીછાંના છેડા Niddle/સોય જેવા અણીદાર હોવાથી જ તેનું નામ Niddletail પડ્યું છે. લાકડાનાં લંબગોળ પીપની બંને તરફ સઢ જેવી પાંખ અને છેડે સૂપડા જેવી પુંછડી એ તેની ઓળખ છે. દેખાવ થોડો ઘણી રીતે પેંગ્વિન સાથે પણ મળતો આવે છે. પેટનો ભાગ કાળાશ પડતા કથ્થાઈ રંગનો અને સફેદ રંગનો છે. બાકીનું શરીર આછા ભૂખરા-કાળા રંગનું. (જુઓ ફોટો) તે મોટા ભાગનો સમય હવામાં જ વિતાવે. તેના કારણો આ: પહેલું, તેના પગ અન્ય જાતિનાં પક્ષીઓની સરખામણીએ અને તેના શરીરના પ્રમાણમાં ઘણાં નાના હોય છે એટલે તે ઝાઝા વખત સુધી જમીન પર ઊભા રહેવું તેને ફાવે નહીં. આથી મોટા ભાગનો સમય તે હવામાં જ વિતાવે. બીજું કારણ એ, કે પગ નાના અને પાંખ લાંબી એટલે સંવર્ધનકાર્ય અથવા અન્ય કાર્ય વખતે ઉત્તરાણ બાદ ફરી આકાશમાં ચડવા માટે તેને તકલીફ પડે. એટલે જમીન પર બિનજરૂરી ઉત્તરાણ તે કરતાં નથી.

ભારતમાં નિડલટેઇલની H. C. Nudipes નામની પેટા-પ્રજાતિ હિમાલયની ટેકરીઓ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરાખંડમાં મોટે ભાગે જોવા મળે છે.

મોટાં જીવજંતુઓ તેનો ખોરાક છે. ખડમાકડી, તીડ, સીકેડા (એક જાતનું તીડ), ઉધઈ, ભમરા, વંદા જેવા સેંકડો જીવજંતુઓ તે આરોગે છે. પ્રજનનકાળ બાદ માદા વૃક્ષની બખોલમાં 2 થી 7 ની સંખ્યામાં ઈંડાં મૂકે છે.

- પરમ દેસાઈ (તંત્રી અને સંપાદક)

(આ લેખને કલરફૂલ પાનાંમાં સચિત્ર વાંચવા આજે જ મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)