GHAHERI CHOT in Gujarati Short Stories by Umakant books and stories PDF | ઘેરી ચોટ

ઘેરી ચોટ

ચોટ.

" દિલ કી લગી કો કયા કોઈ જાને......? "

વલસાડ જીલ્લાની સૂરત પલટાવનાર અને અતુલની જીવાદોરી, પાર નદી પાયખડ (મહારાષ્‍ટ) પાસેથી નીકળે છે. અને અરબી સમુદ્રમાં મળે છે. તેની કૂલ લંબાઇ ૫૧ કિ.મી. છે, અને સ્‍ત્રાવક્ષેત્ર ૯૦૭ ચો.કિ.મી. છે. આમ તો તે શાંત સલિલ સરિતા છે, પરન્તુ ઉનાળાની ઋતુમાં આંબા ઉપર મંજરીઓ મોહોરે, અને યુવા હૈયા ઉન્માદે ચઢે અને ઝાલ્યા ના રહે તેમ વર્ષાના નીર પાર નદીને ઉન્મત્ત બનાવે છે. તે સ્વૈર વિહારે નીકળી પડે છે. તેનું રૌદ્રરૂપ જોવા જેવું હોય છે. આ રૌદ્ર સ્વરૂપા પારનો પરચો ઘણાને થયો છે.

૧૯૫૬ નો જુલાઈ મહિનો. બાલિકાઓના અલૂણા વ્રતના દિવસો. સારો વર અને સારૂં ઘર મળે અને પ્રસન્ન દાંપત્યજીવનની અભિલાષા સાથે દરેક બાલિકાઓ આ વ્રત હોંશે હોંશે કરે. સામન્ય રીતે રસોઈમાં મીઠું ઓછું પડ્યું હોય તો રીસ કરી મ્હોંઢું ચઢાવી ઉભી થઈ જનાર બાલિકાઓ હોંશે હોંશે અને ઉલ્લાસથી આ વ્રત કરે. સાતે ય દિવસ સવારના વહેલા ઉઠી નાહી ધોઈને સૌ પ્રથમ ભોળા શંભુ, મહાદેવજીની પૂજા અને સારૂં ઘરઅને સારો વર મળે તે માંગણી. આ વ્રતના સાતેય દિવસો હસતા રમતા ક્યાંય પસાર થઈ જાય તે ખબરે ના પડે.

આપણે ભારત વર્ષમાં જુનની મધ્યથી સપ્ટેમ્બર મધ્યનો સમય એટલે વર્ષાઋતુનો સમય. નદીઓમાં પૂર આવે. સરકાર સાવચેતીનાં (ડિઝાસ્ટર) પગલાં લેવા માંડે. પાર નદી ઉપર પુલ, અને પુલની બંન્ને બાજુ લોખંડની બે ફુટની રેલીંગ. નદીમાં પુર આવે એટલે પુલ ઉપરથી પાણી વહેવા માંડે.પુલ પાણીમાં ગરકાવ થઈ જાય.અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવે. લોખંડની રેલીંગ પુરમાં ખેંચાઈ જાય નહિં એટલે સરકાર (PWD) જુન મહિનાથી રેલીંગ કાઢી સ્ટોરમાં મુકે. સરકારને તેમના માલની ફિકર-ચિંતા- લોકોના જાનની નહિં. લોકોના જાન જાય તો વાંધો નહી પણ સરકારી માલસામાનને નુકસાન થવું જોઈએ નહિં.

આ સમયે એસ.ટી બસોના ઠેકાણાં નહિ. તેથી બાલિકાઓ ચાલતી ચાલતી પુલ ઓળંગી ભગવાન શીવજીની પૂજા કરવા પારડી ગામ જાય. બાલિકાઓને તેમની માતાઓ તેમના અધુરા અરમાન પુરા કરવા જાતજાતના શણગાર કરાવે. ચણીયા ચોળી,ઓઢણી, લિપ્સ્ટીક,કપાળમાં સુંદર નાની શી ટીપકી જેવો ચાંલ્લો. હાથમાં પૂજાપાની થાળી. થઈ ઠુમક ઠુમક ચાલે સરખી સહિયરો સાથે જતી હસતી રમતી બાલિકાઓ મહાદેવજીની પૂજા માટે ચાલતી ચાલતી પારડી જાય અને પૂજા કરી હસતી રમતી અને ગાતી

"ગોરમાનો વર કેસરિયો, નદીએ ન્હાવા જય રે ગોરમા,

પહેરે પી'ળાં પીતાંબર 'ને માથે પાઘડી,

હાથમાં લાકડી લઈને ઠોકતો ઠોકતો જાય રે ગોરમા "

મજાક મશ્કરી કરતી પાછી ફરે.

આજથી ૬૦ વર્ષ પહેલાંનો આ પ્રસંગ છે. અતુલ ડેવલપીંગ સ્ટેજમાં હોવાથી, તે વખતે અતુલમાં મહાદેવજીનું મંદિર નહોતુ. છ સાત બાલિકાઓ મહાદેવજીની પૂજા કરી પાછી ફરતી હતી. પુલ ઉપરથી પડી જવાય નહિ એટલે એક બીજાનો હાથ પકડી ધીરેધીરે પુલ ઓળંગે.

વરસાદ થંભી ગયો હતો. વાદળ ઘેરાયેલા હતા. હવામાં વર્ષાઋતુનો બાફ હતો. વાતાવરણ બોઝીલ હતું.કૈં અમંગળના એંધાણ વર્તાતા હતા.

કાલીદાસ મિસ્ત્રીની પુત્રી ઢીંગલી શી નાજુક નમણી અને રૂપાળી સ્મિતા એક હાથમાં પૂજાપાની થાળી અને એક હાથે પવનમાં ઉડી જતી ઑઢણી પકડવા મથામણ કરતી સહિયરો સાથે પુલ ઉપરથી પસાર થતા હતા. તેમની પાછળથી એક બળદ ગાડુ અને સામેથી એસ.ટી. બસ. સામસામે આવી ગયા. બળદ ભડક્યા તેને તો ગાડાખેડુએ રાશ ખેંચી કંટ્રોલ કર્યા. પરન્તુ પવનને લીધે બાલિકાઓ ગભરાઈ અને બેબાકળી થઈ ગઈ. એકબીજાનો હાથ ઝાલીને જતી હતી તે હાથ છૂટી ગયા. છેવાડે રહેલી સ્મિતા પવનના એક ઝોકા સાથે પુલ ઉપરથી નદીમાં ખાબકી. બસ પસાર થઈ ગઈ, બળદગાડુ પણ પસાર થઈ ગયું બાલિકાઓ હેબતાઈ ગઈ અને ચીસાચીસ કરી મુકી. નદીના પાણીમાં તણાતી પોતાની સાહેલીને લાચાર આંખે જોઈ રહ્યા. દોડતા દોડતા કોલોનીમાં આવ્યા અને વાત કરી. લોક પોતાના કામકાજ છોડી નદી કિનારે દોડી ગયા. 'પાર ' તો તેને પેલેપાર ખેંચી ગઈ હતી. મરજીવા માછીમારો નદીમાં કુદી પડ્યા, ખાડીમાં ભરતીનો સમય હોવાથી લાશ સમુદ્રએ બહાર ફેંકી દીધી તે લઈ બહાર આવ્યા અને તેના મા-બાપને સુપ્રત કરી. અતુલ'માં હાહાકાર થઈ ગયો.પારનદીએ બાલિકાવ્રતના શુભ પર્વ ટાંકણે કુમારિકાનો ભોગ લીધો.

આ કરૂણ પ્રસંગ આજથી ૬૦ વર્ષ પહેલાંનો, જુલાઈ ૧૯૫૬ નો છે. અતુલમાં હાહાકાર થઈ રહ્યો.ચારેકોર ગમગીની છવાઈ રહી. કાલીદાસ મિસ્ત્રીને આ આઘાત જીવલેણ નીવડ્યો અને તેઓઅ પણ તેમની વ્હાલી દિકરી સ્મિતાને મળવા સ્વર્ગવાસી થયા.

આ પ્રસંગ પછી લોકો ઉપર તેની ઘેરી છાપ પડી

દામજીભાઈ અતુલના મોટા સીવીલ કોન્ટ્રાક્ટર, તેમણૅ શ્રી બી.કે. સાહેબને વાત કરી. સાહેબ, આ તો બહુ ખોટું થયું. કૈંક તો કરવું જોઈએ.

દામજીભાઈ, તમારી વાત તો સાચી છે, પણ કુદરતના પ્રકોપ સામે આપણે શું કરી શકીએ ? મરેલા માણસને તો પાછા લાવી ના શકીએ ને?

સાહેબ તમારી વાત તદ્દન સાચી છે,મરેલા માણસને પાછા લાવવાની વાત હું નથી કરતો, પરન્તુ આવા બનાવો ભવિષ્યમાં બનતા અટકાવી તો જરૂર શકીએ ને !

બરોબર છે. આપણે ગવર્નમેન્ટને નવો અને ઉંચો પુલ બાંધવા અરજ કે લોકમત દ્વારા દબાણ કરી શકીએ.

સાહેબ, તમારી વાત તો વ્યાજબી છે. આજનું મોત કાલ ઉપર ઠેલ્યા જેવું છે. પણ મારો વિચાર છે કે લોકો પૂજા કરવા પારડી જાય તેના કરતાં આપણે જ અહિં મંદિર બનાવી એ તો કેમ ? (મહમદ પર્વત ઉપર ના જાય તો પર્વત મહમદ પાસે આવે) શેઠ સાહેબને વાત કરવી જોઈએ.પણ મને ડર છે કે તેઓ જૈન ધર્મમાં માને છે તેથી હિન્દુ મંદિર માટે ના પાડશે.

દામજીભાઈ, અહિં તમારી મોટી ભૂલ થાય છે. જ્યાં સુધી મને શેઠનો પરિચય છે ત્યાં સુધી તેઓ આટલા સંકુચિત વિચાર ધરાવતા નથી. તેઓ સર્વ ધર્મ સમભાવમાં મનનારા અને ઉદારદિલના અને ધર્મપ્રેમી છે.છે. હા ! કદાચ તેઓ ના પાડે તો એટલા માટે કે અતુલ હજુ ડેવલપીંગ સ્ટેજમાં હોવાથી આર્થિક રીતે તે શક્ય નથી.

આર્થિક ભાર હું ઉપાડવા તૈયાર છું.

બરોબર, પણ તમે મંદિર કયા બાંધશો?

કેમ વળી, મંદિર તો નદીને કિનારે જ હોય ને?

દામજીભાઈ, સરકારે અતુલને જમીન ' ઈંન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ' માટે આપી છે તે કેમ ભૂલો છો?

'ઈંન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ' માનવ ડેવલપમેન્ટ વગર થોડી થવાની છે?

લોકોને રહેવા મકાનો બનાવો છો, તો લોકોને ઈશ્વર સ્મરણ,પ્રભુ દર્શન માટે મંદિર પણ એટલું જ જરૂરી છે.

શેઠ સાહેબ, જો પરવાનગી આપે તો હું મારા ખર્ચે મંદિર બાંધવા તૈયાર છું. શેઠ સાહેબ પાસેથી પરવાનગી લાવવાનું કામ હું તમને સોંપું છું.

સારું આવતો મહિને વાત.

કસ્તુરભાઇ શેઠ દર મહિને એક વખત અતુલ આવી કામકાજ કેમ ચાલે છે તે જોઈ જાય.

બીજે મહિને શેઠ સાહેબ આવ્યા, કામકાજથી પરવારી રીલેક્ષ મુડમાં હતા ત્યારે બી.કે.સાહેબે કાલીદાસ મિસ્ત્રીની વાત કાઢી.

કાલીદાસ મિસ્ત્રી અમદાવાદની અરવિંદ મીલનો જુનો કામદાર. શેઠ સાહેબ તેના નામથી અને કામથી પરિચિત.

બી.કે.એ ધીરેથી મંદિર અને દામજીભાઈ ની વાત કરી.શેઠે દામજીભાઈ ને બોલાવ્યા. તેમની અને લોક લાગણી જાણી પરવાનગી આપી.

મંદિરની જમીન નક્કી થઈ. દામજીભાઈએ પોતાની વાર્ષિક આર્થિક કમાણીમાંથી ૧% (રૂપિયે એક પૈસો ) બાજુએ મુકી મંદિરનું નિર્માણ કર્યું. 'અતુલ'ની શાન સમું આ મંદિર આજે અતુલમાં પાર નદી ઉપર ઉપસ્થિત છે. હવે કોઈ બાલિકાને અલૂણા વ્રત માટે મહાદેવજીની પૂજા કરવા પારડી કે અન્ય સ્થળે જવું પડતું નથી. પાર નદી ઉપર નવો મોટો પુલ પણ તૈયાર છે. અને લોકો ભય વગર આસાનીથી પાર નદીને આ પુલથી ઓળંગે છે.

સમાપ્ત.

લેખકઃ ઉમાકાન્ત વિ.મહેતા.

૨૦, મીડો ડ્રાઈવ.

ટૉટૉવા એન જે (૦૭૫૧૨)

ન્યુ જર્સી (યુ.એસ.એ.)

ફોનઃ-(૧) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨.

(૨) ૯૭૩ ૩૪૧ ૯૯૭૯.

(મો) ૯૭૩ ૬૫૨ ૦૯૮૭

e-mail >mehtaumakant@yahoo.com<

નોંધઃ- મંદિર અને પાર નદીના પુલનાં દૃશ્યો કેટલીક હિન્દી ફીલ્મોમાં લેવામાં આવ્યા છે.

જુના અને નવા પુલના દૃશ્યો કમલ અમરોહી ની ફીલ્મ ''શંકર હુસૈન'ના આ ગીતમાં દૃષ્ટિગોચર થાય છે.

0-0-0

નોંધઃ-કોઈ પણ કૃતિની રચના પાછળ તે રચનાકારની ઉંડી, ઘેરી ચોટ હોય છે. કોઈ કલાકાર તે શબ્દો દ્વારા, કોઈ તેને રંગ અને પીંછી દ્વારા તો વળી કોઈ તેને સંગીતની મધુર સુરાવલીઓ દ્વારા વ્ય્ક્ત કરે છે. આ ચોટ એ તેના દર્દે દિલની દાસ્તાન હોય છે. મિત્રો, તમને યાદ હોય કે ના હોય, તમને આજે એવી આપણા "અતુલેશ્વર મહાદેવ "ની "અજીબો ગરીબ વાત તમને મારે કહેવી છે.

આ પ્રસંગ જુલાઈ ૧૯૬૦નો છે..અને તેની ઘેરી ચોટ અતુલના સીવીલ કોન્ટ્રાક્ટર શ્રી દામજીભાઈને હૈયે લાગી અને તેમાંથી "અતુલેશ્વર મહાદેવનું નિર્માણ થયું. મિત્રો તમને યાદ આવે તો આ મૃતાત્માઓની યાદમાં વધુ તો કાંઈ નહી પણ બે અશુઓ તો વહાવજો

..

Rate & Review

bhavna

bhavna 1 year ago

Nitin Gosalia

Nitin Gosalia 1 year ago

Parul Doctr

Parul Doctr 1 year ago

Mital Shah

Mital Shah 3 years ago

Chetan Patel

Chetan Patel 3 years ago