Khukh - 9 books and stories free download online pdf in Gujarati

કૂખ - 9

કૂખ

લઘુ નવલકથા

રાઘવજી માધડ

પ્રકરણ : ૯

પહેલું સંતાન ઝંખતા દંપતી માફક અંજુ અને પ્રકાશ ભાવભીની ચેષ્ટાઓમાં ગરકાવ થઇ ગયાં હતાં. કશું બોલતાં ન્હોતાં પણ એકબીજામાં હાથ પરોવીને સાવ નજીક આવી રહ્યાં હતાં.

એક ચાલીના નાકે, જાહેર રસ્તા પર ઊભાં છે...સભાન થઇ ગયાં. તેમાં પ્રકાશ ઝડપથી દૂર ખસી ગયો પણ અંજુ તો એમ જ ઊભી રહી.તેની આંખોમાં પ્રેમાળ ગુસ્સો ઊભરાતો હતો.નાક-નકશો બદલાઇ ગયો હતો. લાગે કે અંજુ જ નથી. પણ એકાએક આવો બદલાવ કેમ આવી ગયો. પોતે પણ...બદલાઇ ગયો હતો અથવા છે. પ્રકાશને ખુદને સમજમાં આવતું નહોતું.

અંજુએ સામે નેણ નચાવ્યા..

‘આ તારું પરદેશ નથી, ગુજરાત છે...!’

‘મને ખબર છે...’ અંજુ ભવાં ચઢાવીને ચાલવા લાગી.

જ્યાં જાય ત્યાં...પ્રકાશ પણ પાછળ પાછળ ચાલવા લાગ્યો. આ શહેરે ઘણાં રૂપ-રંગ દેખાડ્યા છે તેમાં એક ઉમેરો, બીજું શું ? ઘણીવાર કોઈ સ્કુટર કે બાઈક પર પસાર થતાં યુગલને જોઈ થતું કે અહીં આમ જગ જાહેર એકમેકને વળગીને બેઠાં છે..વ્હાલની અવસ્થામાં છે–બેડરૂમમાં પણ આમ જ હશે ! પોતાને અનુભવ નથી તેથી માત્ર કલ્પના કરવાનું જ હતું. ક્યાંક કોઈ મંદિર દીવાલ પર જાહેર સૂચના વાંચવા મળતી : ‘અહીં સ્ત્રી-પુરુષે સભ્યતાથી બેસવું.’

પ્રકાશ અંજુ સામે આંખ મેળવી ન શક્યો. તેને ડર હતો કે અંજુ ક્યાંય મોં પર જ ચોપડી ન દે:‘અહીં માત્ર ધર્મ અને સંસ્કૃતિને બોલી બતાવો છો, અમે ત્યાં પરદેશમાં ભારતીય સંસ્કૃતિને જીવી બતાવીએ છીએ.’

‘અને એ પરિવેશની વચ્ચે...’

એક બસ સ્ટોપ પર અંજુ ઊભી રહી. પાછળ પ્રકાશ આવીને ઊભો રહ્યો. કાળા ઉનાળે વાતાવરણમાં એકાએક પલટો આવે ને ધૂળ ડમરીઓ ઊડે, આકાશમાં વાદળાઓ ઘેરાવા લાગે ને તાપની સાથે વરસાદના છાંટા પડવા લાગે..એવું જ બંને વચ્ચે થયું હતું.

સાંજ ઢળવા આવી હતી. સૂરજ ઊંચી ઈમારતો પાછળ ખોવાઇ ગયો હતો. રોડ ભરચક વહે જતો હતો. વાહનોનો કર્કશ અવાજ અને વાતાવરણમાં ઉમેરતો કાર્બન ગુંગળામણ કરાવતો હતો. શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. પરસેવોના લીધે કપડા શરીર પર ચોંટી ગયા હતા. મોં પર ચીકણી ભીનાશ પથરાઇ ગઇ હતી.

અંજુએ કૃત્રિમ ગુસ્સા પ્રગટ કરી પ્રશ્નાર્થભરી નજરે પ્રકાશ સામે જોયું.

-પોતાને પણ સાચો ગુસ્સો આવ્યો : મને શું કરવા પૂછે છે ? તારે નક્કી કરવાનું છે...

પણ પ્રકાશે બંને ખભા ઉલાળી, હાથ હવામાં વીંઝી, મોં ત્રાંસુ કરીને કહ્યું : ‘તું કહે તે...!’

અંજુએ વેધક નજરે પ્રકાશ સામે જોયું. પછી કહ્યું : ‘તને નથી લાગતું મારે એક ઘર હોવું જોઈએ !’

પ્રકાશને થયું કે કહે : ‘ના. મને એવું લાગતું નથી...’

ત્યાં અંજુ કહે : ‘સાંજ પડે કોઈને પૂછવું ન પડે ને હું મારા ઘરે જઇ શકું !’

અંજુનું કહેવું પ્રકાશને સ્પર્શી ગયું. તેણે સામે કહ્યું : ‘ધરતીનો છેડો ઘર...’

પ્રકાશને એકદમ યાદ આવી ગયું. તેણે કહ્યું : ‘તું તો ત્યાં ઘર અપાવવાનું જ કામ કરે છે ને !’

ત્યાં સામે જ અંજુ ભારપૂર્વક બોલી :‘મારું પણ એક અહીં ઘર હશે.’

નહોતું બોલવું છતાંય પ્રકાશથી પૂછાઇ ગયું : ‘કેવી રીતે ?’

અંજુ કશું બોલ્યા વગર મોઘમ હસી. પ્રકાશને સારું ન લાગ્યું. તેનું મોં બગડી ગયું.

બંને અબોલપણે આજુબાજુ જોતાં ચાલતાં રહ્યા. મનના મેદાન પર ઘણાબધા ખેલ ખેલાઈ રહ્યા હતા.

પછી શું સુઝ્યું તે પ્રકાશ અંજુ સામે ઊભો રહીને કહે : ‘પેલા ઘર ખરીદીશ કે વર ?’

પ્રકાશના સવાલે અંજુ સ્તબ્ધ થઇ ગઇ. સામે જોતી રહી. ગુસ્સો આવ્યો છે કે આવી બાલીશતા પર હસવું...ખુદ નક્કી કરી શકી નહી. આ વેળા પ્રકાશનું મોં પડી ગયું હતું. તેનાંથી આવું બોલતા બોલાઇ ગયું હતું...પણ ત્યાં કોઈ અલ્લડ મુગ્ધા જેવો છણકો કરીને અંજુ બોલી : ‘જાને હવે લુચ્ચા...’

કોઈ સ્ત્રીના મોંએથી ‘લુચ્ચા’ સાંભળવા મળે તેનો અર્થ પ્રકાશ ઓછા-વત્તા અંશે સમજતો હતો. તેથી રાજી થયો.પણ વિશેષ રાજીપો તો,અંજુને વર ખરીદવાની વાતે ખોટું નથી લાગ્યું...તેનો થયો.હળવોફૂલ થઇ

ગયો જાણે માથેથી હજારો મણનો ભાર ઉતરી ગયો.

‘એક કોયડો પૂછું સવાલ ?’ અંજુ સવાલે પ્રકાશ જવાબ આપવાના બદલે તેનાં સામે જોઈ મનોમન બોલ્યો : ‘કોયડા પૂછવાની તારી જૂની આદત હજુ ગઇ નથી લાગતી...અત્યારે તો તું ખુદ એક કોયડો છો !’

પણ અંજુએ સીધો જ કોયડો પૂછ્યો:‘જગતની બે મોટી કરુણતાઓ છે,સ્ત્રી વગરનું ઘર અને ઘર વગરની સ્ત્રી !’

‘ના, એટલું જ નહી..’ પ્રકાશ કહે : ‘વર વગરનું ઘર અને ઘર વગરનો વર...’

અંજુ હળવામૂડમાં હતી તે ગંભીર થઇ ગઇ. પ્રકાશ સામે એકીટશે જોઈ તેના વિખરાઇ રહેલા ચહેરાને તપાસવા લાગી. કશુંક હાથ લાગ્યું હોય તેને રજુ કરતા ગંભીર વદને બોલી :‘મેં મારી વાત કરી અને તેં તારી...બરાબરને !’

જવાબ શબ્દોમાં પ્રગટે તે જરૂરી નહોતું. નજરના નિસાસામાં વ્યથાની કબૂલાત સમાઇ જતી હતી.

થોડો સમય એમ જ પસાર થઇ ગયો. ભીડ,ઘોંઘાટ અને કાર્બનની ગુંગળામણ અંજુ માટે અસહ્ય હતી.તે થોડા કંટાળા સાથે બોલી:‘હવે શું કરવાનું છે, ક્યાં જવાનું છે ?’આ સવાલનો ખુદ અંજુ પણ જવાબ આપી શકે તેમ નહોતી. તેને પણ શું કરવું એ સૂઝતું નહોતું. કશું સારું લાગતું નહોતું...તે સઘળું પ્રકાશ પર ઠલવાઈ જતું હતું. તેનાં જવાબ એમ પણ મન વાળતી હતી કે, તેના સિવાય બીજું છે પણ કોણ ?

‘બીજું કાંઇ ન હોયતો હું નીકળું...’જવાબની રાહ જોયા વગર આગળ બોલી:‘બરોડાની બસ તો મળી જશે...’

પ્રકાશ કશું જ બોલ્યા વગર ઊભો રહ્યો. સવાલ પણ અંજુનો હતો ને જવાબ પણ...

અને આમ પણ પોતાને કરવાનું શું હતું?અંજુના કામ માટે,તેનાં કહેવા પ્રમાણે કરવાનું હતું.પોતે ક્યાંય નિર્ણાયક - ભૂમિકામાં છે જ નહી તેથી સવાલ-જવાબ અસ્થાને હતા.

‘હવે શું કરું, બરોડા જતી રહું ?’

પ્રકાશ પાસે અબોલ રહેવા સિવાય કોઈ જવાબ નહોતો.

પછી મનમાં જે પડ્યું હતું અથવા ઘુમરાતું હતું તે પ્રગટ કરતાં અંજુ આગળ બોલી : ‘અહીં રોકાઉ તો વળી ગેસ્ટહાઉસમાં જવું પડે...’

પ્રકાશ ચમકીને સતર્ક થઇ ગયો.અંજુનો સ્વર અને મિજાજ વારંવાર બદલાતો હતો. ખરેખર શું કરવા માંગે છે તે કળી શકાતું ન હતું. પેલાં દંપતીને મળ્યા પછી અંજુનો ભાવ બદલાઇ ગયો હતો. અહીં અત્યારે કોઈ સવાલ પૂછવાની જરૂર નથી. કામ પૂર્ણ થયે નીકળી જ જવાનું હોય...અને ક્યાં જવું એ પોતાને નક્કી કરવાનું છે. તેમાં પાછું અહીં ઘર લેવું છે...વિચાર જ વમળ મૂકી દે એવો રહ્યો છે.

-હતું તે દિ’ હવે શું છે...સાવ કારણ વગર પ્રકાશ બોલી ગયો.તે ક્ષણે અંજુએ પણ જૂગુપ્સાથી સામે જોયું.

‘હવે મોટા સીટીમાં બસ કે વાહનનો કોઈ પ્રશ્ન નથી.’ પ્રકાશે સહજતા દાખવતા કહ્યું : ‘જવું હોય તો મળી જાય.’

‘જવું હોય તો...’ પ્રકાશનું આમ કહેવું અંજુને અસર કરી ગયું પણ તેની પાછળનો ભાવ સમજાયો નહી. તે કહ્યાગરું બાળક બોલે તેમ બોલી :‘મારું એજ કહેવાનું છે ને, અત્યારે જવું ને પાછું સવારે આવવું...’

‘કાલે સવારે ક્યાં આવવાનું છે !’ પ્રકાશનો સ્વર થોડો તરડાઇ ગયો. ઉગ્રતા પ્રવેશી ગઇ.

પ્રકાશનું કહેવું સમજાયું. તેથી કહ્યું : ‘કાલે સવારનું નક્કી કરી એક જ બેઠકે પૂરું કરીએ તો...’

‘થાય...’પ્રકાશ બોલ્યો. પછી કહેવાનું મન થઇ આવ્યું કે, ત્યારે તો તું જ છટકી ને બહાર નીકળી ગઇ હતી. હવે પાછી મને કહે છે...

‘ફોન કરી કાલે મળવાનું નક્કી કરી લે ને.’

પ્રકાશે કહ્યું : ‘મને વાંધો નથી, તે લોકોય તૈયાર છે.. પણ..’

ત્વરાથી અંજુએ પૂછ્યું : ‘પણ...શું ?’

‘આપનાં મનમાં બીજું કંઈક સૂઝતું હતું ને...’ પ્રકાશનો વ્યંગ ઉઘાડો પડી ગયો.

અંજુ સાંભળીને ક્ષણભર અટકી.પ્રકાશ સામે તીવ્રતાથી જોયું.મનમાં ઉભરાયું તે બોલવા શ્વાસ ઘૂંટ્યો. પછી આવેગ સાથે બોલી :‘મને તો ઘણુંય સૂઝે છે પણ મારી એકલીનું થોડું ચાલે ?’

પ્રકાશ આગળનું સાંભળવા જાણે તત્પર થયો હોય એમ અંજુ સામે જોઈ રહ્યો.

‘સામાવાળાને પણ સૂઝવું જોઈએ ને !’

પ્રકાશના મોંએ આવી ગયું :‘તેં તું સુઝાડ ને !’પણ ભાવાર્થને પામી જતા તે સમસમીને ઊભો રહ્યો.

‘પ્લીઝ...મને કંઈક રસ્તો બતાવને !’અંજુ હઠીલા બાળકના જેમ પગ પછાડીને બોલી :‘તું કાંઇ નહી કહે તો હું ક્યાંય જવાની નથી.’ પછી હઠ સાથે બોલી : ‘તારા ઘરે જ રોકાવાની છું !’

પ્રકાશને થયું કે આ ક્યા પ્રકારની સ્ત્રી છે...ઘડીક આમ ને ઘડીક તેમ...નક્કી જ થતું નથી. પછી મનોમન માની લે...લાગણીના બધા ખેલ કે નખરા છે.

‘મારે ત્યાં જઈને શું કરવાનું ?’

‘ત્યાં જઇ કાંઇ કરવાનું નથી એટલે અહીં રોકાવું છે !?’

અંજુને પોતાની ભૂલ સમજાઇ પણ કહેવાનો ભાવ એવો નહોતો. તે પ્રકાશ સામે જોઈ રહી. તેની આંખોમાં અજબનું તેજ ને ઊંડાણ હતું. સામે પ્રકાશ પણ આજુબાજુનું ભૂલી તેમાં ખોવાઇ ગયો.

જાણે કોલેજકાળમાં રાજકોટના રેસકોર્ષ પર ઉબ ઉભેલી એ અલ્લડ યુવતી !

જ્યારથી સેરોગેટ મધર થવા તૈયાર થયેલી સ્ત્રીને જોઈ છે ત્યારથી અંજુના એકદમ બદલાવ આવી ગયો છે.તેનો વિચારશુદ્ધા બદલાઇ ગયો હોય એવું પ્રકાશને અનુભવાયું છે.કારણ કે જે કામ માટે આવ્યા હતા તેની અધૂરી વાત છોડીને નીકળી ગઇ હતી...પાછી કાળે મળવાનું કહે છે !

‘એ બહાને રાત રોકાવાનું બને...’

અને આવા વર્તનના મૂળમાં એ હકીકત જ હોય...કદાચ સ્ત્રી સહજ હોય..

વળી થયું કે આને લાગણી સાથે શું લેવાદેવા !

કોઈની લાગણીને ખરીદવાતો આવી છે....પ્રકાશનો ચહેરો એકદમ બુઝાઇ ગયો.

અંજુ સામે ઊભી પ્રકાશના મનોભાવ બારીકાઇથી જોઈ રહી હતી.તેથી તેણે કહ્યું :‘શું થયું,હું આવું એમ કોઈ તકલીફ...?’

‘તું ખુદ તકલીફ છો...’ પ્રકાશ હળવાશથી બોલ્યો.

એ સમયે સાથે રહેવાની તક શોધતા હતા ને આજે તક છે પણ...અંજુએ મનને વાળી લીધું. સમયનો તકાજો બીજું શું ?

‘તારે આવવું જ છે તો ચાલ..’પછી સ્વર દબાવીને બોલ્યો:‘તું ગાંડી થઇ છો...પેલી સ્ત્રી સાથે મને જોડીને..’

‘એ ગાંડી થઇ છે એમ તું પણ ક્યાં ડાહ્યો રહ્યો છો !’

પ્રકાશે ટોર્ચ વડે લાઈટનો લિસોટો માટે તેમ અંજુ સામે જોઈને પગ ઉપાડ્યા...પાછળ અંજુ પણ ચાલવા લાગી...મુકામ વગરના મારગ પર !

બસ સ્ટેન્ડ પાસે એક જીપ વાળો સાદ પાડતો હતો : ગાંધીનગર...ગાંધીનગર...તેની પાસે જઈને પૂછ્યું :‘ઘ રોડ જશે..?’ હા પાડી..ને કાંઇ જ આનાકાની વગર બંને જીપમાં ભરાઇ ગયાં.

-જેમ ખટારામાં સામાન કે બકરા ભરે એમ જીપમાં ઠાંસોઠાસ પેસેન્ઝર્સ ભર્યા હતા.શ્વાસ ન લઇ શકાય એવી અકળામણ થવા લાગી હતી.પોતે તો ટેવાયેલો છે પણ અંજુ માટે અઘરું હતું.જો કે આવી જીપમાં બેસવા તૈયાર થઇ તેમાં જ પ્રકાશને નવાઇ લાગતી હતી.ટેક્સી બંધાવી લેવાનું કહી શકી હોત..પણ કાંઇ જ એવું કહ્યું નહી અને પોતાને અનુસરી...ત્યાંથી અહીં પણ વિશ્વાસ મૂકીને જ આવી છે..કહે છે : તારા સિવાય બીજું છે પણ કોણ ? પ્રકાશના હ્રદયમાં અંજુ નામની મીઠા જળની સરવાણી ફૂટવા લાગી.

‘બુદ્ધુ છો..કાંઇ જ સમજતો નથી...’પ્રકાશ પોતાને ઠપકો આપવા લાગ્યો:‘સાથે અંજુ છે તો બસમાં ન બેસી શકાય ? થોડું વ્હેલામોડું..શું ઉતાવળ છે ઘેર જવાની ?’

પોતે બધું સમજે છે...એવું તત્કાલ સાબિત કરવું હોય એમ પ્રકાશ પડખે બેઠેલી અંજુ કહે:‘ચાલ ઉતરી જઈએ, બસ મળશે..’ પણ અંજુ હાથ પકડી બેસી રહેવા જ કહ્યું. પ્રકાશને સારું લાગ્યું. અંજુ જ બેસવા રાજી છે...તેથી પોતે ખોટો નથી એવું નક્કી કરી શક્યો. હાશ...નિરાંત થઇ.

જીપ આંચકા સાથે ઉપડી. ઓચિંતાના આંચકાના લીધે વસ્તુઓ ગોઠવાઈ જાય એમ અંદર બેઠેલા માણસો ગોઠવાઈ ગયાં.એકબીજા વચ્ચે તસુભાર પણ જગ્યા રહી નહી.અંજુ લગભગ પ્રકાશના ખોળામાં સમા ઈ ગઈ.પ્રકાશની છાતી અને અંજુના વાંસા વચ્ચે હવા પસાર થઇ શકે એટલી પણ જગ્યા રહી નહોતી. ડોક મરડી સહેજ પાછું જોવાનો પ્રયત્ન કર્યો ત્યાં એકમેકના શ્વાસ અથડાઈ ઉઠ્યાં.અંજુને ગુંગળામણ થતી હશે... આમ બેસવું યોગ્ય નથી.પણ પોતે સાથે છે,પરિચિત પુરુષ છે.જયારે અન્ય સ્ત્રીઓ અજાણ્યા પુરુષ સાથેની ભીંસ અનુભવતી હોવા છતાં મોં બગાડતી હોય એવું લાગ્યું નહી.અથવા તો સામાન્ય ગણી સહન કરી લેતી હતી.કોઈની નજર સહન ન કરનાર સ્ત્રી, શરીરને ગૌણ ગણીને બેઠી છે...પ્રકાશને થયું કે જગત બદલાઈ ગયું છે ને પોતે પાટનગરમાં રહેતો હોવા છતાં હજુ એ ખોટા ખ્યાલો કે જુનવાણી વિચારજગતમાંથી બહાર જ નીકળ્યો નથી.જગત ઝડપથી બદલાઈ રહ્યું છે...આ કૂખ ભાડે રાખવાનો કન્સેપ્ટ...પ્રકાશ ઘડીભર વિચારો માં ખોવાઈ ગયો.

‘ગાંધીનગર માટે વાહનની વ્યવસ્થા કહેવી પડે હો..!’ અંજુ વ્યંગમાં બોલી.

પ્રકાશને કહેવાનું મન થઇ આવ્યું :‘ત્યારે ગામડામાં શું વ્યવસ્થા હતી તે...’ પણ મનમાં જ રહ્યું. મનમાં અને તનમાં કશીક ઉથલપાથલ ચાલી રહી હતી.નસોમાં લોહીની ગતિ તેજ થવા લાગી હતી. શ્વાસની પ્રક્રિયા તેનો લય ભૂલી જુદી રીતે ચાલવા લાગી હતી. આમ કશોક નવો-નવતર અનુભવ થઇ રહ્યો હતો. અકળામણની વચ્ચે પણ એમ થતું હતું કે આ સ્થિતિ ભલે યથાવત રહે !

અંજુ મૌન પણ સૂચક હતું.

‘ઘરોડડ...’ જીપ ડ્રાઈવરે બૂમ પાડી.

અંજુ ડોક મરડી પ્રકાશ સામે જુએ, બોલે એ પહેલા જ પ્રકાશ બોલી ગયો : ‘ઘ રોડ આવ્યો...!’

આ ‘ચ’ ને ‘ઘ’ અંજુને સમજાતું નહોતું. પણ પછી ખ્યાલ આવ્યો હતો કે રોડના નામ છે.

જીપ આંચકા સાથે ઊભી રહી. વળી અથડાયા...

નીચે ઉતરી,ભાડું ચૂકવી બન્ને ઊભાં રહ્યાં. પ્રકાશ અવઢવમાં હતો. કારણ કે એક સ્ત્રી સાથે હતી અને પોતાના- સ્ત્રી વગરના ઘરે લઇ જવાની હતી.

‘કોઈ પુરુષ મિત્ર સાથે હોતતો આવો વિચાર આવત...’

એમ જ ઊભો રહી ગયો.

‘શું થયું...’અંજુએ પ્રકાશને આબાતપણે પકડી પડ્યો હતો.પણ તેની આ માનસિક મર્યાદા સ્વીકારી લીધી હતી.તેની અબોલ રહી.

કવાર્ટર નજીક હતું. ચાલતા પહોંચી શકાય તેમ હતું. ફૂટપાથ પર સાથે ચાલતાં રહ્યાં.

‘બાળક તો તું લઇ જઈશ..’પ્રકાશને એકાએક સૂઝી આવ્યું હોય તેમ આડે ઊભો રહીને બોલ્યો : ‘પણ તેને ઉછેરશે કોણ !?’

અંજુ આંખો પટપટાવતી પ્રકાશ સામે જોઈ રહી. પછી હળવેકથી બોલી : ‘હું ઉછેરીશ..!’

પ્રકાશને જાણે સવાલનો જવાબ ન મળ્યો હોય એમ જોતો રહ્યો.

‘બાળકને ઉછેરવા, તેનામાં ઓતપ્રોત થવા તો આ બધું કરી રહી છું.’

પ્રકાશની જીભના ટેરવે આવી ગયું : ‘તો પછી તું જ જણી નાખેને...!’

ત્યાં અંજુ બોલી : ‘પણ તને આવો સવાલ થયો કેમ ?’

‘મને સવાલ એટલા માટે થયો કે ઘણાં એનઆરઆઇ તેનાં બાળકોને ભણવા, ઉછેરવા અહીં હોસ્ટેલમાં મૂકી જાય છે !’

પ્રકાશના સવાલે અંજુને વિચારતી કરી દીધી.કારણ કે ત્યાં પરદેશમાં વિભક્ત કુટુંબ-પરિવારમાં બાળક માટેની આ એક મોટી સમસ્યા છે.જયારે અહીં ગુજરાત-ભારતમાં સયુંકત પરિવારમાં બાળક સચ વાઈ ને ક્યારે મોટું થઇ જાય તેનો ખ્યાલ જ રહે નહી.પણ એકલી સ્ત્રી કે પુરુષ માટે,સીંગલ પેરેન્ટ્સ માટે તો મુશ્કેલી જ છે. સ્ત્રી-પુરુષે કમાવા ઘર બહાર દૂર કે નજીકના સ્થળે જવું જ પડે.ચોવીશ કલાક ઘરે રહેવું શક્ય નથી.વૃદ્ધો ને બાળકો ભલે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાતા હોય,આર્થિક પ્રશ્ન ન હોય પણ આ ઉંમરે માણસની હૂંફ અને સધિયારો મળવો જોઈએ. જે માત્ર પૈસાથી ન આપી શકાય.

‘તું ત્યાં એકલી રહે છે. કમાવું ફરજિયાત છે...ઘર બહાર જવું પડે બરાબરને !’

અંજુએ માત્ર માથું હલાવ્યું. તેનાં મનમાં પણ ચક્ર ફરવા લાગ્યું હતું.

‘તે વિચારી રાખ્યું હશે ને ?’

‘ના..’અંજુ અકળાઈને એકદમ બોલી ગઈ.પછી અટકી,શ્વાસ ઘૂંટીને આગળ બોલી:‘મેં આવું કંઇ જ વિચારી રાખ્યું નથી.’ભાવ ઘેલી થતી,પ્રકાશ સામે મીટ માંડતી બોલી:‘મને તો એક જ લગની લાગી છે..મારે એક બાળક હોય...અને એમાં હું ખોવાઈ જાઉં !’

સેકટરના અંદરના રોડ પર બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો છત્રીના જેમ છવાયેલા હતા.રોડની સાઈડમાં, વૃક્ષના છાંયે બન્ને ઊભાં રહી ગયાં. કોઈ સ્વજનની નિશ્રામાં સાતા વળે એવું થયું. સારું લાગ્યું. કશું જ બોલ્યાં વગર એકમેક સામે જોતાં રહ્યાં. જાણે ખોવાઈ ગયેલું કશુંક શોધતા હોય...

ઘીમે ધીમે ચાલતાં બંને ક્વાર્ટર પર આવ્યા.

‘આ સરકાર તરફથી મળેલું મકાન છે !’ ક્વાર્ટરની અર્ધ જર્જરિત સ્થિતિ જોઈ, પ્રકાશે સહેજ મોં બગડતા કહ્યું. પછી પ્રતિભાવ માટે અંજુ સામે જોયું. અંજુએ સહજ પૂછ્યું : ‘તારું પોતાનું નથી...’

‘ના..’ પછી અસ્પષ્ટપણે એકદમ બોલી ગયો : ‘ઘરવાળી વગર ઘરને શું કરવાનું !?’

પણ પછી થયું કે કોઈ સ્ત્રી સાથે પોતે આવ્યો છે...એવો કોઈને ખ્યાલ ન આવે એ માટે ઝડપથી સીડી ચઢવા લાગ્યો. જો કે પડોશીઓ મોટાભાગના આઉટસ્ટેટના છે એટલે સામા મળે તો માત્ર સ્માઈલથી ચલાવી લે, બીજું કશું પૂછે હતી...પણ પ્રકાશના મનમાં ડર હતો એટલે...

ક્વાર્ટરની ડીઝાઇન, આગળ બગીચાની જગ્યા, વૃક્ષો....અને સામે જ મેઈન રોડ. અંજુએ ઝડપથી જોઈ લીધું હતું. તેથી કહ્યું : ‘સારું છે, રહેવાની મઝા આવે એવું છે....’

પ્રકાશે મૌન રહી તાળું ખોલ્યું, બારણું ઉઘડ્યું. અંદરની અવાવરું ગંધ શ્વાસેન્દ્રિયને ઘેરી વળી.

‘ઘર તો ખુલ્લું રહેવું જોઈએ.’

‘ઘર ખુલ્લું રહેવું જોઈએ. પણ બંધ છે એ હકીકત છે.’

‘સગાઈ તોડી નાખી હતી,નાત બહાર મુકાયા હતા...’ને પછી અંજુ લગોલગ સામે ફરીને બોલ્યો : ‘ને અત્યારે સાવ કોરોકટ તારા સામે ઊભો છું એ નર્યું ને નઘરોળ સત્ય છે.’ સાવ ઓછા શબ્દોમાં પોતાનું આખું મહાભારત કહી સંભળાવ્યું.

પણ શું કરવા,શું જરૂર આવું લાંબુ કહેવાની...ખુદને આ સવાલ ગોળીના જેમ સનનન..કરતો છાતીમાં ઘુસી ગયો. પીડા ઉમટી. પણ જવાબ જડ્યો નહી.

પ્રકાશના સ્વરમાં જે દર્દ ઘૂંટાતું હતું અથવાતો પીડા પ્રગટતી હતી તે અંજુથી અજાણ રહી નહોતી. તેણે આગળ પૂછવાનું માંડી વાળ્યું. જો કે સંવાદ ચાલુ રાખવા જ પૂછતી હતી. બીજો કોઈ ઈરાદો આમ પણ નહોતો. વરસોના અંતરાલમાં, જે તંતુઓ તૂટી કે છૂટી ગયા છે તેને જોડવા કંઈક તો બોલવું ને !

અને આમ પણ જરૂર પૂછવાનું જ ગમતું નહોતું. દરેકની પોતાની દુનિયા હોય...

ફ્રેશ થયા પછી પ્રકાશે કહ્યું : ‘હું ટિફિન લઇ આવું, સાથે જમી લઈશું !’

‘ના..’ અંજુએ ઘસીને ના પાડી. તો સામે પ્રકાશે કહ્યું : ‘તો બહાર જમવા જઈશું...’

‘ના...’ ફરી અંજુએ એટલા જ આવેગથી ના પાડી એટલે પ્રકાશ ડઘાઈને મૌન ઊભો રહ્યો. અંજુ કહે તેમ જ આગળ વધવાનું હતું.

‘ હું જાતે રાંધીશ...’

પ્રકાશને કાન પર,સાંભળવા પર વિશ્વાસ બેઠો ન હોય તેમ અંજુ સામે જોઈ રહ્યો.

અંજુ મર્માળુ હસી. પછી કહે :‘જે હશે તેમાંથી ચલાવી લઈશું...’

‘અંજુ..!’પ્રકાશથી આશ્ચર્ય અનુભવતા બોલાઈ ગયું:‘તું હજુ ખરેખર જીવે છે,તારામાં ઘણુંબધું જીવે છે...’

પ્રકાશના કહેવાનો ભાવાર્થ અંજુને બરાબર સમજાય ગયો હતો.પામી ગઈ હતી.આમ છતાં વાતને ટાળી,વાળી દેવાના ઈરાદે બોલી :‘સ્ત્રી રસોઈ બનાવે એટલે એનામાં બધું જીવે છે ને રસોઈ ન બનાવે એટલે...’

‘એવું નહી પણ...’પ્રકાશ પોતાનું કહેવું સમજાવવાના પ્રયાસને બદલે સીધું જ બોલી ગયો :‘મને ગમે ગમ્યું...’

ત્યાં અંજુ સામે એટલા જ ઉમળકાથી બોલી : ‘તને ગમે એ મને ગમે. બસ...’

પ્રકાશ વળી વિચારના વમળમાં ફસાયો...અંજુ સમજી ગઈ હોય એમ વાતને વાળી લેતાં બોલી:‘જો સેરોગેટ મધરનો કન્સેપ્ટ તે સૂચવ્યો ને મેં સ્વીકારી લીધો ને !’

પ્રકાશને એક જાતનો ડર સતાવતો હતો, કોઈ અંદર આવે, જુએ..ને પૂછે પણ ખરા:‘કોઈ ગેસ્ટ છે ?’

શું જવાબ આપીશ...આવી મૂંઝવણ સાથે પણ રસોડામાં અંજુ સાથે હાથ લંબાવવાનો આનંદ આવતો હતો. અનુભવ નવો હતો પણ અજાણ્યો નહોતો.

અંજુએ એક ઘરરખ્ખુ ગૃહિણી જેમ રસોઈ બનાવી.હતું તો બટાટાનું શાક અને ખીચડી પણ પાર વગર ના પકવાન બનાવ્યા હોય એવો પરિતોષ પ્રગટતો હતો.

બંને સાથે ને સામસામે જમવા બેઠાં.

સ્થળ-કાળ,સંજોગો...સઘળું ઓગળી ને ક્યારે એકરૂપ થઇ ગયું હતું તેની ખબર રહી નહોતી.

‘ઘરના ભોજનની મીઠાશ જ જુદી હોય છે.’

‘તેમાં ભાવ ભળતો હોય છે.’ અંજુએ કહ્યું:‘ફ્રીઝમાં સાચવી રાખેલ ફાસ્ટફૂડમાં આવો ભાવ હોતો નથી.’

ઘડીભર ભાવની અનુભૂતિને અંકે કરવા લાગ્યાં.

‘ત્યાં શું છે કે...’અંજુએ કહ્યું:‘ભૂખ લાગે ત્યારે ખાવું હોય છે ને અહીં સમય થાય એટલે ખાવા બેસ વાનું હોય છે...’

‘પણ ખાવાની ખરી મઝા તો ભૂખ લાગે ત્યારે જ આવતી હોય છે.’ પ્રકાશે જાત અનુભવ પ્રગટ કરતા કહ્યું. કારણ કે પોતે રાતના ભોજનમાં લગભગ ભૂખ લાગે ત્યારે જ જમતો હતો.

ત્યાં સામે અંજુ નેણ નચાવીને કહ્યું : ‘અત્યારે...!’

પ્રકાશને થયું કે જવાબ આપી જ દે પણ....અબોલ રહ્યો. બંનેની અબોલતામાં ઘણું આવતું હતું, સમાઈ જતું હતું.

આ વેળા બંનેના મનમાં એક માહોલ રચાવા લાગ્યો હતો.એક દુનિયા ઊભી થવા લાગી હતી.

‘આવી એક આપણી દુનિયા હોય તો...’

બંનેએ એકબીજા સામે જોયું. કોણ બોલ્યું તે નક્કી ન થયું પણ સમભાવતો સમજાય એવો હતો.

પ્રકાશને અકળામણ થઇ. અંજુ હાજરી ગમતી હતી પણ બીજી રીતે સહન થતી ન હતી. તેણે મૂળ વાતને આગળ ધરતા કહ્યું:‘પેલા ભાઈને આપને સ્પષ્ટ જવાબ આપવો પડશે...’ થોડું અટક્યો. પછી બોલ્યો : ‘તેણે તે પ્રમાણે ભાવ નક્કી કરી રાખ્યો છે.’

અંજુ મનોભૂમિમાં રચાયેલી એક દુનિયાના દ્વારે ઊભી હતી.રમણીય કલ્પનાઓથી મન તરબતર હતું. તેમાં પ્રકાશનું આ કહેવું લગભગ ઉપરથી ચાલ્યું ગયું હતું.

‘કૂખ ભાડે આપનાર સ્ત્રી, પોતાના જ સ્ત્રીબીજનો ઉપયોગ કરે તો તેનો ચાર્જ અલગ થશે. અને બીજી સ્ત્રીના, સ્ત્રીબીજનો ઉપયોગ કરે તો તેનો ચાર્જ – ભાવ અલગ કરવામાં આવશે...’

અંજુ હજુપણ પેલી દુનિયામાં રાચતી હતી તેથી કશું બોલ્યા વગર સાક્ષીભાવે પ્રકાશ સામે જોઈ રહી.

‘ખરેખર બધું કલ્પના બહારનું બની રહ્યું છે.’ પ્રકાશે ખેદ કે દુઃખ વ્યક્ત કરતા હોય એમ કહ્યું : ‘સમય એવો આવશે કે શરીરના અંગો – બોડી સ્પેરપાર્ટસ માર્કેટમાં મળતા હશે. કિંમતના બોર્ડ માર્યા હશે !’

‘અને અંગ સાથે પ્રેમ, લાગણી, સંવેદના...બોનસમાં આપવામાં આવશે.’

‘સ્કીમ હશે !’ પ્રકાશે કહ્યું :‘કીડની સાથે એક હાથ કે પગ ફ્રી...!’

‘દિવસો દૂર નથી.’

એકબીજા સામે જોઈ રહ્યાં. નજર એમ કહેતી હતી કે, વિષય કોઇપણ હોય...આમ સાથે બેસી વાતો કરવાનો આનંદ આવે છે. બાકી વિષયના લીધે તો નરી પીડા જ થતી હતી.

-જેના અન્ન એક એના મન એક !

‘અંજુ ! માણસ અને યંત્રમાં શું ફેર હશે !?’

‘કશો જ નહી.’ અંજુએ કહ્યું : ‘માણસ દિવસે દિવસે યંત્ર જેવો થતો જાય છે ને યંત્ર માણસ જેવો...’

ઉત્તર આપવામાં પ્રકાશ અટક્યો. થયું કે મૂળ વાત હાંસિયામાં હડસેલાઈ ગઈ ને આડા પાટે ચઢી જવાયું છે...તેથી મુદ્દાની વાત કરતા કહ્યું : ‘સ્ત્રીબીજનો તો તારો ઉપયોગ...’

પ્રકાશનું કહેવું સાંભળી અંજુની ડોક ટટ્ટાર થઇ ગઈ. આંખો અને નેણ વંકાઈ ગયા. પોતે આ શું સાંભળી રહી છે અને એ પણ પ્રકાશના મોંએ !

-જાણે આ પ્રક્રિયાનો પારંગત હોય !

અંજુની પ્રતિક્રિયાને અવગણીને આગળ કહ્યું:‘તારું બીજ હશે તેઓ તને પોતીકાપણાનો અહેસાસ થશે, પોતીકો ભાવ જાગશે...નહિતર પેલી કહેવત જેવું થશે : આંગળીથી નખ વેગળા ઈ વેગળા...!’

પ્રકાશનું કહેવું અંજુને ગમ્યું, સારું લાગ્યું. હજુ ઘડી પહેલા જ દિલને ચચરવા લાગ્યું હતું. દાઝવા લાગ્યું હતું. અરે..આવું તે હોય..એવો નકાર ભાવ આગની જેમ ભડકી ઉઠ્યો હતો. પણ આ પોતીકાપણાની વાતે, દઝામણ પર શીળો લેપ થયો હોય એવું લાગ્યું, ટાઢક વળી.

‘અને પુરુષબીજમાં તો તારી પસંદગી...’પ્રકાશ ગોખેલી માહિતીને ઠાલવતા બોલ્યો:‘ડોક્ટર, એન્જિનીયર, એડવોકેટ, વૈજ્ઞાનિક...જે માંગે તે...’

પછી હળવાશથી કહે : ‘ઓપન માર્કેટમાં માગો તે મળે...!’

આ વેળા અંજુ મનોયુદ્ધમાંથી પસાર થઇ રહી હતી. તેના મનમાં એક જુદો જ વિચાર આકાર લેવા લાગ્યો હતો. જે વખતે પેલા દંપતી પાસેથી છુટ્ટા પડ્યા ત્યારે સાવ નવું જ મનમાં ઘૂમરાવા લાગ્યું હતું. અને એ બેઠકમાં વાત છેડાઈ હોતતો બેધડક કહી દેત, આમ નહી પણ આમ કરવું છે.

પણ ત્યારે તો શું સૂઝ્યું હતું તે પગવાળીને સ્થિર થઇ નહોતું ને..

પછી જાતે જ જવાબ વળ્યો : ‘એ કારણોસર ઊભી થઇ ગઈ હતી.’

‘સ્પર્મબેંકમાંથી જે સ્પર્મ ખરીદે છે તે ડોક્ટર, એન્જિનીયર, એડવોકેટ, વૈજ્ઞાનિક...કે કોઈ સેલીબ્રીટીનું ખરીદે છે. પણ..’

‘પણ...!’ અંજુએ નવાઇ પામતા પૂછ્યું.

‘માણસનું સ્પર્મ કોઈ ખરીદતા નથી.’ પ્રકાશે ખિન્નતાથી આગળ કહ્યું : ‘દરેકને હાઈપ્રોફાઈલ વ્યક્તિનું બ્રેઈન જોઈએ છે પણ...’

‘પણ માણસનું કોઈને જોઈતું નથી.’ અંજુએ પ્રકાશની વાતમાં પૂર્તતા કરતા કહ્યું :‘વાત તો સાચી છે. પણ આ બધા માણસ નથી એવું તો નહી જ કહેવાય ને !’

ઘડીભર પ્રકાશ સામે જોતી રહી. પછી બોલી :‘દેશના વિકાસમાં આ સેલીબ્રીટી કે હાઈપ્રોફાઈલ વ્યક્તિનું પ્રદાન ઓછું નથી !’

પ્રકાશનું મોં બગડી ગયું.તેના મોંએ આવી ગયું કે, પણ વિકાસ વિનાશ નોતરનારો ન હોવો જોઈએ !

અંજુને પહેલેથી જ પ્રકાશના સ્વભાવની ખબર હતી ને આજે પણ એવો ને એવો જ છે – લજામણીના છોડ જેવો. સ્પર્શમાત્રથી લજવાઈ કે શરમાઈ જાય. સાવ નાની અમથી વાતમાં ખોટું લાગી જાય...અને સઘળું મોં પર દેખાઈ આવે. તેથી આખી વાતને હળવાશથી લઈને કહ્યું : ‘મારે તો માણસનું જ જોઈએ છે...’

પ્રકાશે એકદમ સામે જોયું. તેના મોં પર ચમક આવી ગઈ હતી.

ત્યાં અંજુ ઉમળકાથી કહે : ‘અને એ પણ તારા જેવા..’

પ્રકાશને કલ્પનામાં પણ નહોતું આવ્યું કે મારું કહેવું મારા માથે જ કે સામે આવશે...અને એ પણ આવું સાવ ઉઘાડું !

‘હજુ એવીને એવી જ રહી હથોડા છાપ !’

‘તું ભલે ને રદ્દી નોટ રહ્યો !’

‘રદ્દી નોટ !?’ પ્રકાશનો સ્વર કોઈ કાપડના માફક ચિરાઈ ગયો.

‘હું રદ્દી નોટ છું...’

અંજુ થોડા ઊંચા આવજે, ખૂલ્લા મનથી હસવા લાગી. પ્રકાશને સારું ન લાગ્યું. તેનું મોં બગડી ગયું.

મોટામસ ક્વાર્ટરના અબોલ ઓરડાઓ સ્તબ્ધ થઇ ગયા.તેના માટેનો આ સંવાદ જ નવતર ને જૂગુ પ્સાપ્રેરક હતો.

પોતે ‘રદ્દી નોટ’ બોલી જ ગઈ છે અને પ્રકાશને સારું લાગ્યું નથી...તેનું અંજુને ભાન થતાં પ્રથમતો પરદેશના શિષ્ટાચાર મુજબ સોરી કહી વાતને વાળતાં કહ્યું :‘હા,લોકો કહે...મને ફાવે એવું કહે. મારા માટે

મારા જ કુંટુંબીઓ ‘વંઠેલ’થી ઓછું વિશેષણ નથી વાપરતા...’

‘પણ રદ્દી નોટ...’ પ્રકાશને બરાબરનું લાગી આવ્યું હતું.

‘હું એનઆરઆઇ છું, સોનાનાં ઇંડા મૂકતી મરઘી છું. મરઘી બીજે કયાંક ઇંડા મૂકે તે કોઈને ગમે નહી એટલે મારા ભત્રીજાએ તને ઇમેઇલ કર્યો હતો.’

અંજુના સઘન અને હ્રદયપૂર્વકના પ્રયત્ને પ્રકાશના મનમાં વાત બેઠી, ગળે ઉતર્યું. પણ સંપૂર્ણપણે મુક્ત થયો હોય એવું લાગ્યું નહી. તેના ચહેરાની ભાવ – ભંગિમાઓ વિખેરાઇને અલગ અલગ થઇ ગઈ હતી.

‘સોરી...વેરી સોરી...’ અંજુ ગળગળા સ્વરે બોલી : ‘તને દુઃખ થયું તે બદલ ક્ષમા માગું છું.’

પ્રકાશના મોં પરની તંગ રેખાઓ થોડી ઢીલી પડી.

અંજુ નાભિથી ઉદભવેલા ઉદગારથી બોલી : ‘પણ જે કાને પડ્યું હતું તે, છુપાવ્યા કે દંભ કર્યા વગર મારા સ્વભાવ મુજબ તને મિત્રભાવે સંભળાવી દીધું. બાકી તારા દિલને ઠેસ પહોંચાડવાનો મારો આશય હોય જ નહી.’

પ્રકાશ સ્વભાવે બાળક જેવો...રિસાઈ જતા વાર ન લાગે. તેને તરત જ મનાવવો પડે.

થોડી ક્ષણો એમ જ પસાર થઇ ગઈ.સામેના રોડ પરથી પસાર થતાં વાહનોના કર્કશ અવાજ સિવાય શાંતિ પ્રસરેલી હતી. શ્વાસ લે તો પણ ખલેલ પહોંચે તેવી શાંતિ હતી.

‘પ્રકાશ..’ પલોંઠીવાળીને અંજુ બેઠી હતી તે સહેજ ઘસડાઈને પ્રકાશ નજીક ગઈ. પછી નજરની પણછ ખેંચીને બોલી :‘તું ગામડું છોડી ગાંધીનગર આવ્યો, પ્રગતિ કરી શક્યો.ઘણી સમજ વિકસી, મેચ્યોરીટી આવી પણ...’ આટલું બોલીને ઇરાદાપૂર્વક અટકી ગઈ.

‘પણ..?’

મોં વકાસી એકમેક સામે તાકી રહ્યા. અંજુને એવું કશુંક બોલવું હતું અને પ્રકાશને સાંભળવું હતું... કહેવા – બોલવાની તત્પરતા વિશેષ હતી કે સાંભળવાની...એ નક્કી કરવું મુશ્કેલ થઇ પડ્યું.

ક્ષણો પસાર થતી રહી. પ્રકાશની ધીરજ ખૂટી. તે કૃત્રિમ ક્રોધ સાથે બોલ્યો :‘બોલ્યને હવે, બોલતી હો તો...’

સામે અંજુ રમતિયાળ સ્વરે નકારમાં બોલી : ‘મારી મરજી, બોલવું ન બોલવું ને...શું બોલવું !’

‘જા...ન કહેવું હોય તો...’પ્રકાશ ઊભો થઇ ગયો. પછી ભીંત ને કહેતો હોય એમ બોલ્યો : ‘પરદેશ જઈને લોકો સુધરી જાય છે એવું કોણે કહ્યું !?’

અંજુ સામે ત્રાંસી નજરે જોયું પછી કહ્યું : ‘એવાને એવા જ હોય છે લોકો, ધોયેલ મૂળા જેવા...’

‘તે એવા જ છીએ...’ અંજુ ઊભી થઇ પ્રકાશ સામે ઊભી રહી પછી આંખમાં આંખ પરોવતા કહે : ‘થાય તે કરી લે...’

કોઈ યુદ્ધ લડવું હોય એમ પ્રકાશ ટટ્ટાર થઇ ગયો.તેના શ્વાસની ગતિ વધી ગઈ.નસકોરા ફૂલી ગયા.. દ્રષ્ટિ બદલાવા લાગી...પોતે પોતાના હાથમાં રહ્યો નહી. શું કરવું...તે સમજાયું નહી. છતાંય અંજુ બાજુ શરીર ઢાળ્યું...પણ ત્યાં અંજુ બોલી : ‘પણ...તારી લાગણી, સંવેદનશીલતા, પ્રકૃતિ..ન બદલાઈ.’

પ્રકાશે ઢીલો પડી ગયો. આવેગ ઓછરી ગયો. જાતને સંભાળીનો પ્રયાસ કરવા લાગ્યો.

‘એ તારી મોંઘેરી મૂડી ને જીવતી જણસ છે.’

-શબ્દો નહી, બંનેનાં શ્વાસ અથડાતા હતા.

‘મારે પણ તારા જેવું જ છે.’ અંજુએ સાવ ધીમે અને ઋજુતાથી કહ્યું :‘એટલે તો આ મારગે ચઢી છું !’

પ્રકાશ અંજુ કહેવું સમજી નહી પણ પામી ગયો. પ્રશ્નો બધા લાગણી અને સંવેદનશીલતા છે. બરછટ ચામડી હોય કે અંદરથી સઘળું મરી પરવાર્યું હોય તેને કશું અડતું કે નડતું હોતું નથી. કાળજું ચીરી નાખે એવી ઘટનાને પણ કપડાં પરથી ધૂળ ખંખેરે એમ ખંખેરી નાખતા હોય છે.

પ્રકાશથી અનાયસે દીવાલ ઘડિયાળ સામે જોવાઈ ગયું. ઘડિયાળના નાના-મોટા બંને કાંટા ભેગા થવામાં હતા. પ્રકાશથી બોલાઇ ગયું : ‘અંજુ જો તો...બાર વાગી ગયા !’

‘વાગે..’અંજુ કશા આવેગ વગર,નરમાશ સાથે નફ્ફટાઈથી બોલી:‘ઘડિયાળને બીજું કામ પણ શું છે, વગાડવા સિવાયનું !’

પછી સ્વરને ભાવુકતાના દ્રાવણમાં ઝબોળી,સાવ ધીમેથી બોલી:‘સૌને સમય પ્રમાણે સૌનું કામ કર વાનું હોય છે...’

પોતે પોતાના કહ્યામાં નથી કે, અંજુ....પ્રકાશ માટે કહેવું ને કળવું મુશ્કેલ હતું.

‘તો આરામ કરીશું...’

વળી બંને એકમેકમાં અટવાયા. નજર ગૂંચવાઈ...

આ ક્ષણ, સ્થિતિનો પ્રકાશને ભારે ડર હતો. તેથી જ અંજુ માટે ગેસ્ટહાઉસમાં વ્યવસ્થા કરી હતી.

‘આવેલી સ્થિતિનો સામનો કરવાનો હોય, લડવાનું હોય....રડવાનું કે ભાગવાનું ન હોય.’

પ્રકાશ કોઈ મહાત્માની દિવ્ય વાણીનો લાભ લેતો હોય એમ અબોલ ઊભો રહ્યો.

‘મને આ સંજોગોએ શીખવાડ્યું છે.’

રૂમનું ભરચક એકાંત ઘટ્ટ થવા લાગ્યું હતું. ઘડિયાળના સેકન્ડ કાંટાનો ટક...ટક..અવાજ શાંતિની છાતીમાં ખીલા ઠોકવા હથોડા મારતો હોય એવું લાગતું હતું.

અંજુએ લાંબો શ્વાસ ઘૂંટ્યો પછી ધગધગતો નિસાસો નાખી,કોઈ હારેલું થાકેલું માણસ, ઢીલાશ – નર માશથી કહે તેમ કહ્યું :‘ખાલી ઓશીકું લાવ, હું અહીં જ ઊંઘી જઈશ...’

કશું જ સાંભળ્યું ન હોય એમ પ્રકાશ, પ્રતિક્રિયા વગર સ્થિર ઊભો રહ્યો.

અંજુએ આગળ કહ્યું :‘તું જ્યાં સૂતો હોય ત્યાં...’

કોઈ કહ્યાગરું બાળક કામ કરે તેમ પ્રકાશ બીજા રૂમમાંથી ઓશીકું લઇ આવ્યો.

અંજુએ સામેથી કહ્યું તે સારું થયું કે નહી...પ્રકાશ કંઈ નક્કી કરી શક્યો નહી. તેણે યંત્રના માફક અંજુને ઓશીકું લંબાવ્યું. ત્યાં અંજુ બોલી : ‘આવા સમયે ડર, સંકોચ સ્ત્રીને હોય...પુરુષ ન હોય.’

‘કેમ ?’

‘ગુમાવવાનું સ્ત્રીને હોય છે...’પછી વાત ફેરવવા ઉમેરીને કહ્યું : ‘આવું અહીં ભારતમાં છે...’

પ્રકાશ વિસ્મયતાથી સામે જ જોતો રહ્યો.

તેને કહેવું હતું : ‘સ્ત્રી – પુરુષના સંબંધો દરેક દેશમાં અલગ અલગ હોય છે !’

પણ અંજુએ કાંઈક જુદું કહેવું હતું:‘એક સ્ત્રી ને પુરુષ સંજોગોવત એકાંતમાં સાથે હોય એમાં વળી ભરોસાની વાત ક્યાંથી આવી...?’

વાત ફેરવીને કહ્યું :‘પણ મને મારા અને તારા પર ભરોસો છે...’

શ્વાસ ઘૂંટીને કહ્યું : ‘પણ તને ખુદ તારા પર ભરોસો નથી એટલે આવું વર્તન કરી રહ્યો છો...!’

‘એટલે !?’

અંજુ કૃત્રિમ રોષ ઠાલવતા તાડૂકીને બોલી : ‘જા...છોકરીની જેમ અંદર સૂઈ જા...’ પછી લુચ્ચું હસીને કહે : ‘જે થવાનું હશે તે થશે....’

‘એટલે !?’

પ્રકાશ તૂટેલા રમકડા માફક ખોડંગાઇને ઊભો રહ્યો.તેના શરીરમાં કંપ પ્રસરવા લાગ્યો.ચામડી પરની રુવાંટી ઊભી થવા લાગી. નસકોરા ફૂલવા લાગ્યા ને નસોમાં લોહીની ગતિ તેજ થવા લાગી.

‘થવા દે...જે થાય તે...’ પ્રકાશને અંદરથી ગમ્યું હોય એમ તે મનોમન બોલ્યો.

જ્યારથી અંજુ સાથે આવવા તૈયાર થઇ હતી ત્યારથી જ પ્રકાશના મનપ્રદેશમાં શોભના આવીને વિહ રવા લાગી હતી. અને સતત તેની હાજરી નોંધાવવા લાગી હતી.એક શોભનાએ જ આવી નાજુક પળોમાં કહ્યું હતું:‘સુંવાળો સાથ અને ભરપૂર એકાંત હોય ત્યારે...પૌરુષત્વ પ્રગટે નહી તો...પુરુષે ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું પડે...!’ત્યારે તો વાતને હસી-મઝાકમાં કાઢી નાખી હતી.પણ અહીં તો જાણે પોતાના પુરુષાતન સામે પડકાર ફેંક્યો હોય એવું લાગ્યું.

પ્રકાશનો મુખવટો બદલાઈ ગયો. શરીરે ગરમાવો પ્રસરી ગયો.

‘આ સ્ત્રી પણ સૂફિયાણી વાતો કરીને, પોતાને તૈયાર જ કરી રહી છે...’

પ્રકાશ કોઈ નિર્ધાર સાથે મક્કમતાથી રૂમમાં ગયો.

અંજુએ શરીર લંબાવ્યું. પછી લાંબો શ્વાસ લઈને આંખો બંધ કરી. મનમાં ઘણું પસાર થઇ રહ્યું હતું. કહો તો હળવો વંટોળ ઉપડ્યો હતો. પણ કોઈ ભય નહોતો. જે થાય તે થવા દેવું હતું.જે થશે તે સારું અને સારા માટે થશે.

અને આમાં ખોટું થશે શું ? આ સવાલ સાથે ઊંઘવાનો પ્રયાસ કર્યો. લાંબા શ્વાસ ઘૂંટ્યા. પણ ખબર હતી કે આ સ્થિતિમાં ઊંઘ આવે નહી.

અને ઊંઘ આવવી પણ ન જોઈએ...અંજુએ હા પાડી :‘આવી પળોમાં સ્ત્રીને તો ઊંઘ આવે તો...’

અંજુ પડખું ફરી.તેનો હાથ અનાયસે લંબાયો.થોડો પ્રસર્યો પણ ખરો. પછી કશુંક સાચવતો, સંભાળતો હોય એમ હાથ સ્થિર થઇ ગયો.

-પોતાના પડખામાં બાળક સૂતું છે. હજુ ક્ષણો પહેલાં જ છાતીએ વળગેલું હતું. ચસ..ચસ...કરતું સ્તન પાન કરી રહ્યું હતું.તેના કૂણા અને કોમળ હાથ સ્તન પર ફરી રહ્યા હતા.વચ્ચે વચ્ચે ઘૂઘવાટા પણ કરતું હતું.અને પોતેતો લીન થઇ ગઈ હતી.આખી ઓગળી જઈને બાળકમય બની ગઈ હતી.જાણે પોતાનું અસ્તિત્વ જ ન હોય !

પોતાનો હાથ, ક્યાંય અટકાયા વગર છાતીએ આવીને અથડાયો. છાતી નગારાના જેમ વાગી ઊઠી.

આજ સુધી ન અનુભવી હોય એવી ઝણઝણટી શરીરે પ્રસરી ગઈ. બંધ આંખો ફડાક કરતી ઊઘડી ગઈ. સાથે સાથે અંજુ બેઠી પણ થઇ ગઈ.

-આ શું થયું, શું કરવા થયું...

પોતાના સમજક્ષેત્ર બહારનું હોય એવું લાગ્યું.

તે ઉભડક પગે બેઠી.ગોઠણ છાતી સાથે અફળાયા.સારું લાગ્યું તે બરાબરના દબાવ્યા...છાતી ભીંસી... ક્યાંય સુધી ભીંસતી રહી. આમ શું કરવા...? ખુદનો સવાલ અનઉત્તર રહ્યો.

તે આંખો ફાડી દીવાલ સામે તાકી રહી.

-દીવાલ પર માતા-પુત્રનું પોસ્ટર ચોંટાડેલું હતું.નજર ખેંચાઇને ખીલા જમ ધરબાઇ ગઈ. અચાનક વીજળી જેવો ઝબકારો થયો.તન-મનમાં અજવાળું પથરાઇ ગયું. નજરનો તાર પોસ્ટર પર બરાબર લાગી ગયો હતો.

- પોસ્ટરમાં પોતે જ છે...મારા માટે જ મૂક્યું છે !

અને બાળક પણ...

અંજુ ભાવવિભોર થઇ ગઈ.

‘સંતાનતો પ્રાપ્ત કરવું જ છે...’

તે સ્વગત બોલી : ‘તે માટે ગમે તે કરવું પડે તે..’

‘ગમે તે નહી, ગમે એવું કર...’

સામેથી અવાજ આવ્યો : ‘બોલો...! શું ગમે એવું કરું ?’

‘આ સમયે તો ગાંડાને પણ ખબર પડે, શું કરવું તેની...’ અંજુ અણઘડ જેમ સ્થિર રહી.

‘તું ખુદ છો, તારા પાસે અદ્વિતીય સ્ત્રીત્વ છે...વળી અનુકૂળ સમય છે અને પ્રકાશ જેવો મનગમતો પુરુષ છે...બીજું જોઈએ શું, માતૃત્વ ધારણ કરવા માટે !?’

અંજુ ઝડપથી ઊભી થઇ ગઈ. માતૃત્વનું ખેંચાણ અદમ્ય હતું. તે બધું જ કરી છૂટવા તૈયાર હતી.

ધીમે ધીમે પગલાં ભરતી પ્રકાશના રૂમમાં આવી.દરવાજો ખુલ્લો જ હતો. બારસાખને હાથ દઇ ઊભી રહી.સામે પ્રકાશ પથારીમાં સફાળો ઊભો થઇ ગયો.તેને ઊંઘ નહોતી આવતી તેથી પથારીમાં પડખા ઘસતો પડ્યો હતો. અંજુનો પદરવ થતા જ તે હાંફળો ફાંફળો થઇ ગયો હતો. શરીરે પરસેવો વળવા લાગ્યો હતો.

‘ઊંઘ નથી આવતી એટલે...’

પણ અંજુ બોલે, સ્પષ્ટતા કરે ત્યાં જ મોબાઈલ આવ્યો...

‘અત્યારે અડધી રાતે કોણ !?’

સામે પ્રકાશને પણ થયું કે, ‘કોઈ સ્ત્રીને અડધી રાતે ફોન આવે તેનાં સાથે તો...’ એમ વિસામણ અનુભવતો પથારીમાં બેઠો રહ્યો.

અંજુ મોબાઈલ રિસીવ કરી, પછી બેઠકરૂમમાં આવી.

‘ક્યાં છો ને કેમ છો..!?’

ત્યાંથી ફ્રેન્ડનો ફોન હતો. અહીં રાત છે પણ ત્યાતો...ગુસ્સો ઉતરી ગયો.

‘જે કરવું પડે તે કરજે પણ સ્માર્ટ ચાઈલ્ડ પસંદ કરવાનું છે...’ અંજુ એકકાનેને ધ્યાને થઇ ગઈ.

‘જો પસંદગી આપણા હાથમાં હોય, ઈચ્છીએ એમ થઇ શકતું હોય તો શા માટે એમ ન કરવું ?’

અંજુ ક્યાંય સુધી એમ જ બેઠી રહી. પછી કયારે ઢળી પડી, ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ રહ્યો નહી.

***