Muktidata books and stories free download online pdf in Gujarati

મુક્તિદાતા

મુક્તિદાતા

મુંબઈની એક કોર્ટરૂમ 

આજે એક બહુચર્ચિત કેસની ઓપનિંગ હતી. કોર્ટરૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો. જજસાહેબે આવ્યા પછી સરકારી વકીલને ઓપનિંગ સ્ટેટમેન્ટ આપવા કહ્યું. સરકારી વકીલે શરુ કર્યું, “નામદાર , આ કઠેડામાં ઉભો રહેલ આરોપીએ ૧૮ માસુમ બાળકોની ઠંડે કલેજે હત્યા કરી છે અને તે પણ જુદા જુદા શહેરોમાં, આ ભયંકર ખૂનીને-“ 

હજી વકીલ પોતાની વાત પુરી કરે તે પહેલા આરોપીના કઠેડામાં ઉભેલી વ્યક્તિ દહાડી ઉઠી, “મને ખૂની કહીને ન બોલાવો હું ખૂની નથી, હું મુક્તિદાતા છું અને મેં તે બાળકોને નરક જેવા જીવનથી મુક્તિ આપી છે.”

સરકારી વકીલ કઈ કહેવા જતા હતા, ત્યાં જજસાહેબે તેમનો હાથ ઊંચો કર્યો અને તેને શાંત રહેવા જણાવ્યું. તે વ્યક્તિએ આગળ કહ્યું, “તેમની જિંદગી તો બદથી બદતર હતી અને તેમના મૃત્યુ પછી તેમની આત્માઓએ આવીને મને ધન્યવાદ આપ્યા છે, મને મુક્તિ આપવા માટે.” જજ કાશીરામ દેશપાંડે જિજ્ઞાસાથી તેને જોઈ રહ્યા. તેમની સામે રોજ અસંખ્ય કેસ આવતા જેમાં આરોપીઓ પોતાનો ગુના નહોતા કબુલતા પણ એવો અનોખો કેસ પહેલી વાર આવ્યો હતો જેમાં આરોપીએ પોતાનો ગુનો તો કબુલ્યો હતો પણ તે પોતાને ગુનેગાર નહોતો માની રહ્યો. કથિત મુક્તિદાતાની વાત સાંભળ્યા પછી દેશપાંડેસાહેબે તે વ્યકતિની માનસિક સ્થિતિની તપાસ કોઈ સારા માનસિક ચિકિત્સક દ્વારા કરવા જણાવ્યું. 

ઇન્સ્પેક્ટર શિંદેના ચેહરા પર નિરાશાના ભાવ આવી ગયા. ઇન્સ્પેક્ટર શિંદેને તેની પોલીસ કસ્ટડી જોઈતી હતી પણ જજે તેની માનસિક સ્થિતિની ચકાસણી કરાવવી જરૂરી સમજી. નવી તારીખ ૨૦ દિવસ પછીની હતી, તેથી શિંદેએ નિરાશા ઝટકીને પોતાની રીતે તપાસ આગળ વધારવાનું નક્કી કર્યું. તેણે વિચાર્યું આની હિસ્ટરી તપાસવી પડશે. જો કે તેને ખબર હતી કે આવા કામ માટે ૨૦ દિવસ ઓછા છે , બધો આધાર તેનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ હોય તેના પર છે. શિંદેએ તેના ફોટોગ્રાફ્સ અને ફિંગરપ્રિન્ટ લઇ લીધા હતા ઉપરાંત તેના ફોટોગ્રાફ્સ મોબાઈલમાં લઇ લીધા, જે તેણે વોટ્સએપના પોલીસ ગ્રૂપમાં સર્ક્યુલેટ કરી દીધા.

બહુ મહેનત પછી તે હાથમાં આવ્યો હતો. લગભગ ૧૮ માનસિક રીતે વિકલાંગ બાળકોની હત્યા કરી હતી આ નરાધમે અને હવે મુક્તિદાતા હોવાનું નાટક કરી રહ્યો હતો. પકડમાં આવ્યા ત્યારથી પોતાનું નામ પણ મુક્તિદાતા હોવાનું કહી રહ્યો હતો. શિંદેએ તેને ટ્રેપ કરીને પકડ્યો હતો. આ હત્યાઓનો સિલસિલો પાછલા પાંચ વર્ષથી ચાલુ હતો. નાસિકમાં બે બાળકોની હત્યા, ધુળેમાં ત્રણ, ઔરંગાબાદમાં એક , નાગપુરમાં ચાર , પાલઘરમાં બે , વાપીમાં એક બાળકની , વલસાડમાં ત્રણ , એક હત્યા વિરારમાં અને એક હત્યા નાલાસોપારામાં થઇ હતી.

આમ કુલ ૧૮ માનસિક રીતે અસ્થિર બાળકોની હત્યા અત્યાર સુધી થઇ હતી. અને આ કૃત્ય કોઈ સિરિયલ કીલરે કર્યાનો શક થયો, તેથી શિંદેની આગેવાનીમાં એક સ્પેશિયલ ટીમ બનાવી હતી. પાછલા છ  મહિનામાં શિંદેએ આ બધા સ્થળોએ જઈને બધા કેસેસની બારીક છણાવટ કરી અને એક ચાર્ટ તૈયાર કર્યો . આ બધી ઘટનામાં એક વાત કોમન હતી, જયારે આ હત્યાઓ થઇ તે અગાઉ ૫૦ - ૫૫ વર્ષના વૃદ્ધની તે સ્થળે હાજરી. તેમાં વિરાર સ્ટેશન પર મોડી રાત્રે  સીસીટીવી ફુટેજમાં એક અસ્પષ્ટ ચેહરો જોવા મળ્યો, જેના આધારે શિંદેએ એક સ્કેચ તૈયાર કરાવ્યો અને પોલીસ ખબરીઓમાં સર્ક્યુલેટ કર્યો.

એક ખબરીએ સમાચાર આપ્યા કે સ્કેચના વૃદ્ધ જેવી દેખાતી એકવ્યક્તિ બોરીવલીમાં ફરી રહી છે. ત્યારબાદ શિંદેની ટીમ હરકતમાં આવી ગઈ અને પછી શરુ થયું ઓપરેશન ‘સિરિયલ કિલર’. એક બાળકની વ્યવસ્થા કરીને તેને બોરીવલીના અંડરગ્રાઉન્ડ બ્રિજમાં સુવડાવ્યું. મોડી રાત્રે એક વૃદ્ધ તે બાળકની નજીક આવ્યો અને પોતાના હાથમાંની બોટલમાંથી કોઈ દ્રાવણ તે બાળકનું ગળું પકડીને પીવડાવવા જતો હતો ત્યાંજ શિંદેની ટીમે તેને ઝબ્બે કર્યો.

પ્રાથમિક તપાસમાં તેણે ૧૮ હત્યાઓ કબૂલી પણ તેણે કહ્યું કે તે  બાળકોને તેણે મુક્તિ આપી છે અને પોતે ભગવાને નિયુક્ત કરેલો મુક્તિદાતા છે. તેણે પોતાનું સાચું નામ શું છે તે પણ કહ્યું ન હતું. તેની વધુ તપાસ માટે શિંદેએ તેને કોર્ટમાં હાજર કર્યો પણ જજે તેને માનસિક ચિકિત્સકને હવાલે કર્યો.

             ડૉક્ટર રિષભ શુક્લા મનોચિકિત્સકોમાં જાણીતું નામ હતું. મુક્તિદાતાનો કેસ તેમને સોંપવામાં આવ્યો હતો . તેમણે પહેલા પોલીસ રિપોર્ટ વાંચ્યો અને પછી મુક્તિદાતા સાથે મિટિંગનો ટાઈમ નક્કી કર્યો. મુક્તિદાતા સામે આવ્યા પછી શુકલાએ પહેલો સવાલ કર્યો, “તમારું નામ?”

 મુક્તિદાતાએ જવાબ આપ્યો, “મારુ નામ છે મુક્તિદાતા.”

શુક્લા : “આવું નામ કઈ રીતે હોઈ શકે? ચાલો મારા જ નામનું ઉદાહરણ આપું છું, મારુ આખુ નામ રિષભ શુક્લા. હવે તમારું નામ કહો.

મુક્તિદાતા:” મારુ પૂર્ણ નામ પણ મુક્તિદાતા જ છે.”

શુક્લા : “તમે ક્યાં રહો છો?”

મુક્તિદાતા : “હાલ તો પૃથ્વી પર રહું છું.”

શુક્લા : “તમારા પરિવારમાં કોણ કોણ છે?” 

મુક્તિદાતા : “આખું જગત મારો પરિવાર છે.”

શુક્લા તેના વિચિત્ર જવાબોથી અસમંજસ માં પડી ગયો હતો.

શુક્લા : “તમે બાળકોનું ખૂન શા માટે કર્યું?”

મુક્તિદાતા :”મેં બાળકોનું ખૂન નથી કર્યું, મેં તેમને દુઃખ અને દર્દભર્યા જીવનથી મુક્તિ આપી છે. તેઓ મારી પાસે મુક્તિ માગી રહ્યા હતા, તેથી મેં તેમને મુક્તિ આપી.”

શુક્લા : “તમારો જન્મ ક્યાં થયો હતો?”

અણધાર્યા સવાલથી મુક્તિદાતા થોડો ગૂંચવાઈ ગયો. તેની આંખો સ્વપ્નિલ થઇ ગઈ.

મુક્તિદાતા : “પાંચ વર્ષ પહેલાં જ થયો. હું જયારે જાગ્યો ત્યારે મને દૂરથી અવાજ આવ્યો મને મુક્તિ આપો મારા મુક્તિદાતા.”

શુક્લા : “હમમમ આગળ શું થયું?”

મુક્તિદાતા :”મને યાદ નથી કે તે પહેલા હું શું કરતો હતો? મારુ નામ શું હતું? મેં સાંભળ્યું ફક્ત એક નામ મુક્તિદાતા.હું તે બાળકની પાસે જઈને ઉભો રહ્યો, તે બાળકની આત્માનો અવાજ મને સંભળાઈ રહ્યો હતો મુક્તિદાતા, આ નર્ક જેવા જીવનથી હું કંટાળી ગયો છું મને મુક્તિ આપો. મેં તે બાળકને પૂછ્યું હું તને કેવી રીતે મુક્તિ આપી શકું? તે બાળકની આત્માએ જવાબ આપ્યો કે મારા આ શરીરનો નાશ કરો, મારું ખૂન કરી નાખો. હું વિચારમાં પડી ગયો મેં કહ્યું હત્યા કરવી એ તો ગુનો છે અને એનું મને પાપ લાગશે. તે બાળકની આત્માએ જવાબ આપ્યો મારી હત્યાનું પાપ તમને નહિ લાગે, કેટલા વર્ષથી હું રિબાઈ રહ્યો છું અને મરતી વખતે મારા આ શરીરના ચેહરા પર ડરના ભાવ આવે તો ચિંતા ન કરશો હું ઈચ્છી રહ્યો છું કે મારા આ શરીર નો નાશ થાય.” 

શુક્લા : “પછી તમે શું કર્યું?”

મુક્તિદાતા : “મેં નજીકમાં  એક મોટો પથ્થર હતો તે ઉંચકયો અને તેના ચેહરા પર પછાડ્યો, તે વખતે તેની આંખોમાં ડરના ભાવ હતા, પણ તેની આત્મામાંથી અવાજ આવી રહ્યો હતો, હજી જોરથી હવે ફક્ત એક જ વાર અને મને મુક્તિ મળી જશે. અને દસ વારના અંતે તેની આત્માનો અવાજ આવ્યો ધન્યવાદ! મારા મુક્તિદાતા.”

મુક્તિદાતાનું ચરિત્ર તેની સમજની બહાર હતું . શું તે ખરેખર હત્યારો છે કે પછી માનસિક રીતે બીમાર?

શુક્લા :”પછી તમે  શું કર્યું?”

મુક્તિદાતા : “પછી તેની આત્માએ કહ્યું અહીંથી નીકળી જાઓ તમારે હજી ઘણા બધાને મુક્તિ આપવાની છે. પછી હું ત્યાંથી નીકળીને બીજા સ્થળે ગયો અને જુદી જુદી જગ્યાએ જઈને જ્યાં મને મુક્તિની ગુહાર થતી ત્યાં મુક્તિ આપવા લાગ્યો.” 

શુક્લા મનોમન કાંપી ગયો હતો કારણ તે હત્યાની વાતને એટલી સહજતાથી કરી રહ્યો હતો જાણે કોઈ સામાન્ય વાત કરી રહ્યો હોય. શુકલાએ બહાર બેસેલા હવાલદારને બોલાવ્યો અને તેને બીજા દિવસે લઇ આવજે એમ કહીને મોકલી દીધો. શુક્લા પોતાની પાસે રહેલ રિફરન્સ બુકો તપાસવા લાગ્યો, જેથી એવો કોઈ જૂનો  કેસ મળે.

   શિંદેને એક લિંક મળી હતી, તેથી તે નાસિક નીકળી ગયો. નાસિકમાં કથિત મુક્તિદાતાને ઓળખનાર એક વ્યકતિ મળી આવી હતી. તેનું નામ હતું રાધા. શિંદે રાધાને ઘરે ગયો અને મુક્તિદાતાનો ફોટો દેખાડ્યો. રાધા ઓળખી ગઈ તેણે કહ્યું, “આ તો સદાકાકા છે, તે પાંચ છ વર્ષ પહેલા અમારા પાડોશમાં રહેતા હતા. જોકે તેમના અડોશપાડોશમાં કોઈની સાથે વધારે સંબંધ નહોતા. તેમની પત્ની બીમાર રહેતી હતી અને એક છોકરો હતો જે મંદબુદ્ધિ હતો. પછી એક દિવસ તેમના છોકરાનું મૃત્યુ થઇ ગયું અને તે અને તેમના પત્ની ક્યાં ગયા તેની મને ખબર નથી.”

 શિંદેને ખ્યાલ આવી ગયો કે કથિત મુક્તિદાતા ઉર્ફ સદાભાઉ  ઢોલેની  માનસિક સ્થિતિ કયા કારણસર ખરાબ થઇ ગઈ હશે. શિંદેને હવે તેની સાથે થોડી હમદર્દી થઇ આવી હતી. શિંદેએ રાધા પાસેથી સદાભાઉ, તેની પત્ની અને તેના બાળકનો ફોટો મેળવી લીધો અને તેને કહ્યું કે જરૂર હશે ત્યારે તેને કોર્ટમાં જુબાની આપવા બોલાવશે. પછી ઇન્સ્પેક્ટર શિંદેએ એક રિપોર્ટ બનાવ્યો અને પોતાના ઉપરીને સુપરત કર્યો, તે ઉપરાંત મળેલ માહિતી ડૉક્ટર શુક્લા સાથે પણ શેર કરી. હવે શુક્લા માટે કેસ સમજવો આસાન હતો.

વીસ દિવસ પછીની તારીખે શુક્લાએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં પ્રસ્તુત કર્યો અને તે રિપોર્ટને આધારે જજે મુક્તિદાતા ઉર્ફ સદાભાઉને માનસિક રીતે બીમાર ગણીને સેનેટેરિયમમાં મોકલી દીધો . ઇન્સ્પેક્ટર શિંદે હવે રિલેક્સ થઇ ગયો હતો, પાછલા ૬ - ૮ મહિનામાં તેણે બહુ દોડધામ કરી હતી અને અંતે તેને તેનું ફળ મળ્યું. આ કેસે તેને પ્રસિદ્ધિ ઉપરાંત પ્રમોશન પણ મેળવી આપ્યું.

**********************************

આ ઘટનાને બે વરસ થઇ ગયા હતા અને એક દિવસ શિંદેને એક કેસ માટે ઔરંગાબાદ જવાનું થયું અને ત્યાં એક ભિખારણ પર તેની નજર પડી અને તેણે પોતાની ગાડી ઉભી રાખી અને તે યાદ કરવા લાગ્યો કે આ સ્ત્રીને ક્યાં જોઈ છે?  મગજ પર બહુ જોર લગાવ્યા પછી તેને યાદ આવ્યું કે આ તો કથિત મુક્તિદાતાની પત્ની.

શિંદેને લાગ્યું કે દયા ખાતર તેને જણાવી દેવું જોઈએ કે તેનો પતિ જીવે છે અને સેનેટેરિયમમાં સારવાર લઇ રહ્યો છે. શિંદેએ તે ભિખારણને પાસે બોલાવી અને કહ્યું, “તમે તો સદાભાઉના પત્ની છો ને?”

 તે બોલી, “કોણ સદાભાઉ?”

 શિંદેએ કહ્યું, “તમે નાસિકમાં રહેતા હતા અને તમારો એક દીકરો પણ હતો ને? 

તેના હાથમાંનો કટોરો પડી ગયો તેણે કહ્યું, “તમે તે નરાધમની વાત કરો છો? તેણે મારું જીવતર ધૂળધાણી કરી નાખ્યું.” શિંદે અવાચક થઇ ગયો, તે સ્ત્રીએ આગળ કહ્યું, “હું અહીં ઔરંગાબાદમાં મારા મંદબુદ્ધિ બાળક સાથે ભીખ માંગીને જીવન ગુજારી રહી હતી, ત્યાં એક દિવસ અચાનક તે આવ્યો અને મીઠી મીઠી વાત કરીને મને મારા દીકરાને નાસિક લઇ ગયો. થોડા દિવસ તો અમારી સાથે સારું વર્તન કર્યું અને પછી તેણે પોત પ્રકાશ્યું. તે રોજ મારા પર મારા દીકરા સામે બળાત્કાર  કરતો અને મારા દીકરાની અને મારી મારઝૂડ કરતો અને હસતો રહેતો. તેની બીક એટલી બધી હતી કે હું કોઈને કંઈ કહી શકતી નહિ. પછી એક દિવસ તેણે મારા દીકરાને એટલો બધો માર્યો કે તે મરી ગયો, પછી તે મને અહીં ઔરંગાબાદ મૂકી ગયો. મને ખબર નહોતી પડતી કે નરકમાંથી છૂટી તેનો આનંદ મનાવવો જોઈએ કે મારો દીકરો મરી ગયો તેનું દુઃખ મનાવવું જોઈએ.”

શિંદેએ પોતાનું માથું પકડી લીધું. તેનાથી એક અક્ષમ્ય ચૂક થઇ ગઈ હતી. શિંદે ત્યાંનું કામ પતાવીને પુણે સ્થિત સેનેટેરિયમમાં ગયો અને જે જાણકારી મળી તેનાથી તે વ્યથિત થઇ ગયો. સદાભાઉને બે મહિના પહેલાં જ ત્યાંથી બીજે શિફ્ટ કર્યો અને ત્યાંથી તે ભાગી ગયો હતો અને તેનો રિપોર્ટ તેના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવ્યો હતો.

પ્રમોશનને લીધે તેની બીજે ટ્રાન્સફર થઇ હતી તેથી તેની પાસે આ જાણકારી ન હતી. શિંદેને વધુ જાણકારી ત્યાંના સ્ટાફ પાસેથી મળી કે શરૂઆતમાં તે પોતાને મુક્તિદાતા કહેતો હતો, પણ થોડા શોક આપ્યા પછી તેની સ્મૃતિ પછી આવી હતી અને પોતાનું નામ સદાભાઉ ઢોલે છે એમ કહ્યું અને તે નાસિક નજીક રાજોળે ગામનો નિવાસી હતો એમ જણાવ્યું અને તે પછી તે એકદમ ડાહ્યાની જેમ વર્તન કરતો હતો તેથી તેને બીજે શિફ્ટ કરવાનું નક્કી કર્યું. પછી અમને ખબર પડી કે તે ત્યાં પહોંચ્યો જ નથી .

શિંદે સમય ન ગુમાવતાં રાજોળે પહોંચ્યો, જ્યાં એક બીજો ઝટકો તેની રાહ જોઈ રહ્યો હતો. સદાભાઉ ઢોલે નામની વ્યકતિ ત્યાં કદી રહી જ ન હતી. શિંદે અસમંજસમાં પડી ગયો કે હવે શું કરવું? જો તે સાચી વાત કરશે તો તેને મળેલી ખ્યાતિ અને પ્રમોશન બધુજ ખતરામાં પડી જશે તેથી તે શાંતિથી કોઈ રિપોર્ટ બનાવ્યા વગર પોતાની અક્ષમ્ય ચૂક ઉપર ઠંડે કલેજે બેસી ગયો.

તે જ સમયે  આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરના દેસી દારૂના અડ્ડા પર સદાભાઉ ઉર્ફ મુક્તિદાતા દેસી દારૂનો આનંદ માણી રહ્યો હતો અને પોતાનો ભૂતકાળને વાગોળી રહ્યો હતો.

              એક નાનું ગામ, મિત્ર સાથે તળાવમાં તરવું - પછી દોસ્તને ડુબાડ્યો  - બહુ મજા આવી, એક છોકરીને ઝાડી પાછળ ચૂંથી પછી મારી નાખી - મજાના દિવસો - સ્કૂલમાં ઘણી બધી છોકરીઓ સાથે આનંદ માણ્યો - ટીચર સાથે પણ - લગ્ન થયા - રોજ પત્નીનો ચારપાંચ વાર બળાત્કાર કરવાને લીધે તેના ભાઈઓએ બહુ માર્યો - તેમાં પણ  મજા આવી- એક રાત્રે પત્નીને ચાકુથી મારી નાખી- પછી તેના શરીર સાથે મજા કરી - આનંદ - પછી જુદા જુદા શહેરોમાં ભિખારણોને સારી જગ્યાએ લઇ જઈને તેમનું શરીર ચૂંથ્યું - અવર્ણનીય આનંદ - પછી તેમને છડીથી મારવાનો આનંદ લીધો - પણ પછી મજા આવતી બંદ થઇ ગઈ - પણ તે બાળકને મારી નાખ્યો - બહુ મજા આવી - તેથી જુદા જુદા શહેરમાં જઈને બાળકોને મારી નાખ્યા - આનંદ - પછી પકડાઈ ગયો એટલે મુક્તિદાતા બન્યો અને છૂટી ગયો.

એટલામાં તેની નજર ભીખ માગતી સ્ત્રી તરફ ગઈ અને તેની આંગળી પકડીને ઉભા રહેલા બાળકને જોયો. તેણે પોતાના હોઠ પર જીભ ફેરવી અને પોતાનો ગ્લાસ મૂકીને ઉભો થયો.

જ્યોતિન્દ્ર મહેતા