Arisani duniya books and stories free download online pdf in Gujarati

અરીસાની દુનિયા

એક ગામ હતું જેનુ નામ સુંદરપર. આ ગામમાં ખુબ સુંદર વન હતું આથી જ આ ગામનુ નામ સુંદરપર રાખવામાં આવ્યું હતું.

આ ગામમાં એક વ્યક્તિ રહે જેનુ નામ રાજવીર હતું. રાજવીર ખુબ પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ હતો. રાજવીર હમેશા ગામનુ ભલુ ઇચ્છતો. ગામના બધા કામ અને સેવા તે કરતો. પરંતુ ગામના લોકો તેની કદર કરતા નહિ અને તેનુ અપમાન કરતાં રહેતા. ગામમાં એક યુવતી રહે જેનુ નામ નિલાવતી હતું. નિલાવતી અને રાજવીર એક બીજાને ખુબ પ્રેમ કરતાં હતા.

એક દિવસ રાજવીર નિલાવતીને ઘરે જાય છે. તે જેવો ઘરની નજીક જાય છે ત્યાં નિલાવતી દરવાજો બંધ કરી દે છે અને કહે છે કે,"ચાલ્યો જા અહીંથી હુ તને પ્રેમ કરતી નથી." આ સાંભળી તે દુઃખી થઈ ચાલ્યો ગયો અને તે પોતાના પ્રેમ અને ગામ લોકોથી હારી તે પૂર્વ બાજુ વનમાં ચાલ્યો જાય છે.

રાજવીર વનમાં આગળ ને આગળ ચાલ્યો જાય છે અને ચાલતા ચાલતા તે ઊંડા વનમાં આવી ગયો છે. તેને એક ગુફા દેખાય છે. તેને વિચાર્યુ કે પોતે આખુ જીવન આ ગુફામાં રહેશે. આમ તે ગુફાની અંદર જાય છે અને ગુફામાં જોયું તો એક વિશાળ અરીસો પડ્યો છે. તે અરીસાની નજીક જઈને જુએ છે તો તેને પોતાનો પ્રતિબિંબ દેખાતો નથી. તેને નવાઈ લાગે છે અને તે અરીસાને હાથ સ્પર્શ કરે છે અને અચાનક તે અરીસો રાજવીરને પોતાની અંદર સમાવી લે છે.

રાજવીર એક નવી દુનિયામાં આવી જાય છે. તે પોતાની આસપાસ જુવે છે તો પોતે એ જ ગુફામાં છે પણ બધું ઉલટું છે. તે ગુફાનુ મુખ પૂર્વ બાજુ હતુ પણ આ બીજી દુનિયામાં પશ્ચિમ બાજુ છે. તેને લાગે છે કે તે અરીસાની દુનિયામાં છે. તે ગુફાની બહાર જાય છે અને તેને થાય છે કે મારે પાછુ ગામમાં જવુ જોઈએ અને એમ વિચારી તે ગામમાં જાય છે.

તે ગામના પાદરમાં આવે છે કે લોકો તેને ફુલથી સ્વાગત કરે છે. આ જોઈને રાજવીર વિચારે છે કે ગામના લોકો કોઈ દિવસ મારી સામે સ્મિત પણ નથી કરતાને આ શું? ત્યાં એક ગાડી આવે છે અને લોકો તેને ગાડીમાં બેસાડે છે અને ગાડી રાજવીરના ઘર સામે ઉભી રહે છે. તેને ગાડીમાં ઉતરી જોયું તો તેનુ ઘર મોટું રાજમહેલ બની ગયું હતું. તે નવાઈ પામી રાજમહેલના દરવાજા બાજુ ગયો ત્યાં એક મહારાણી ઉભા છે. તે નજીક જઈને જુએ છે તો આ મહારાણી તો નિલાવતી છે. નિલાવતી "મહારાજ પધારો" એમ કહી સ્વાગત કરે છે. રાજવીરને થયુ કે હું આ અરીસાની દુનિયામાં રાજા છુ.

રાજવીર મહેલમાં અંદર જાય છે. નિલાવતી કહે છે કે," મહારાજ આપ પહેલા સ્નાન કરી લ્યો." આ સાંભળી રાજવીર સ્નાન કરવા માટે જાય છે અને ત્યાં જઈને જુએ છે કે ત્યાં જુદાજુદા દ્રવ્યો અને પાણી છે. ત્યાં ગુલાબ જળ,ગરમ જળ,ઠંડુ જળ,સુગંધી જળ વગેરે સ્નાન કરવા માટે જળ છે. પછી તે સ્નાન કરી ખુબ સુંદર રાજકીય પોષાક પહેરી તે ભોજન માટે જાય છે. ત્યાં જઈને જુએ છે કે છપ્પનભોગ તૈયાર છે. તે આનંદથી ભોજન માણે છે.

રાજવીર આ અરીસાની દુનિયામાં રાજા છે. તેનો આ સુંદરપર ઉપર રાજ ચાલે છે. તે તમામ સુખ આ મહેલમાં ભોગવે છે. તે જેમ કહે તેમ બધા કરે છે. તેને જે જોઈએ તે તેને મળી રહેતુ. આમ રાજવીર આનંદ,સુખ અને સમૃદ્ધિથી રાજ કરતા કરતા કેટલાય વર્ષો વીતી જાય છે.

એક દિવસ રાજવીર શિકાર કરવા જાય છે. શિકાર પાછળ પાછળ તે પેલી ગુફા નજીક આવી જાય છે. ત્યા અચાનક એક પ્રાણી ગુફામાં જાય છે અને રાજવીર પણ શિકારના લાલચે તેની પાછળ જાય છે અને તે પ્રાણી એકાએક પેલા અરીસામાં ચાલ્યું જાય છે. રાજવીર પણ વિચાર કર્યા વગર અરીસામાં ચાલ્યો જાય છે. રાજવીર પોતાની દુનિયામાં પાછો આવી ગયો. રાજવીરને ભાન થયુ કે તે પોતાની દુનિયામાં પાછો આવી ગયો છે કે તરત પાછો અરીસા તરફ દોડીયો પણ અરીસો તરત ફુટી ગયો. આ જોઈને રાજવીર જોરજોરથી રોવા લાગ્યો અને કહેવા લાગ્યો કે," મારો રાજમહેલ, મારા સુખ સાધન બધુ છીનવાઈ ગયુ." પછી આસું લૂછીને તે ઉભો થયો અને પોતાના ગામ તરફ ચાલવા લાગ્યો. તેને થાય છે કે પાછી પહેલાં જેવી દુઃખદાયી જીદંગી જીવવી પડશે.

રાજવીર ગામના પાદરમાં દાખલ થાય છે કે લોકો ફુલથી તેનુ સ્વાગત કરે છે. રાજવીરને થયુ કે હું પાછો અરીસાની દુનિયામાં આવી ગયો કે શુ? ત્યાં લોકો રાજવીરથી માફી માગવા લાગ્યા અને કહ્યું કે," તારા ગયા પછી અમને તારી કિંમત થઈ, તુ ગામમાં કેટલી મદદ કર છો, ગામના વિકાસમાં તારી અગ્ર ભુમિકા રહી છે,અમને માફ કરી દે કે અમે તારી કદર ન કરી." રાજવીરે ગામના લોકોનો માફ કરી દીધા.

પછી ગામના લોકોએ રાજવીરનું ધૂમધામ થી સ્વાગત કર્યું અને સન્માન સાથે રાજવીર ને સુંદરપર નો સરપંચ બનાવ્યો.

પછી રાજવીર સીધો નિલાવતીને મળવા ગયો. નિલવતીએ રાજવીરને પોતાના ઘરની સામે જોઈ નિલાવતી એ રાજવીરને મળવા દોટ મૂકી અને રાજવીરના સામે જોઈ રડવા લાગી અને કહ્યું, મને માફ કરજે રાજવીર મેં તને વર્ષો પહેલા 'અહીંથી ચાલ્યો જા' એમ કહી તારું અપમાન કર્યું કેમકે ગામના લોકો તારું હમેંશા અપમાન કરતા અને ગામમા તું ગમે તેટલી મદદ કરતો પણ તારી કોઈ કદર ન કરતું આથી મેં વિચાર્યું કે હું તારું અપમાન કરું જેથી તું આ ગામ છોડી ચાલ્યો જઈશ અને બીજા ગામે સારી એવી જિંદગી જીવીસ. મને માફ કરી દે રાજવીર મારો ભાવ ખોટો ન હતો. ત્યારે રાજવીર સહજ સ્મિત સાથે કહે છે કે, નિલાવતી, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી કારણ કે તારા કારણે જ હું જંગલમાં ગયો અને આ બધું થયું અને ગામના લોકોને મારી કદર થઈ.
એટલે હું તારો ખૂબ ખૂબ આભાર માનું છું.

પછી રાજવીરના નિલાવતી સાથે લગ્ન થયા. રાજવીરને સરપંચનું પદ મળ્યું અને નિલાવતી પણ મળી આથી તે ખૂબ જ ખુશ હતો.
આમ રાજવીર સરપંચ બની સુંદરપર ગામનો વિકાસ કર્યો અને તે ગામના લોકોની હમેશા મદદ કરતો અને ગામના લોકો રાજવીરને સુંદરપરનો રાજા માનતા અને ખૂબ જ આદર કરતા. રાજવીર અને નિલાવતી બને આનંદ અને સુખ થી જીવન જીવતા.


(સમાપ્ત)