Propositum to make 5 Trillion Indian Economy - 2 books and stories free download online pdf in Gujarati

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય - 2

વાચક મિત્રો,

અગાઉના ‘ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય… (ભાગ – 1)’ વિષય પરના લેખમાં આપણે પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર એટલે શું? કુલ ઘરેલું ઉત્પાદન – જીડીપી (Gross Domestic Product – GDP) એટલે શું? ભારતીય અર્થતંત્રની આ બાબતે વર્તમાન પરિસ્થિતિ, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું શા માટે બનાવવું છે? વગેરે બાબતે જોયું. આજના લેખમાં આપણે આ ધ્યેય સિદ્ધ કરવા શું કરવું પડે? અને અપેક્ષિત વૃદ્ધિ દર કઇ રીતે મેળવી શકાય? તે બાબતે ચર્ચા કરીશું.

ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાના ધ્યેય સુધી પહોંચવા શું કરવું પડે?

ભારતના અર્થતંત્રનું કદ વર્ષ – 2014ના આંકડાઓ મુજબ $1.8 ટ્રિલિયન હતું અને આપણે અગાઉના લેખમાં જોઇ ગયા તે મુજબ વર્ષ – 2018માં $2.72 ટ્રિલિયન ડોલર અને એક અંદાજ મુજબ વર્ષ – 2019ની સ્થિતિએ $2.972 ટ્રિલિયન ડોલર છે. આ મુકામથી $5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવું હોય, તો ઘરેલું ઉત્પાદન આશરે 84% વધારવું પડે, જે વાર્ષિક 8 થી 9%નો વાસ્તવિક વિકાસ દર હાંસલ કરવામાં આવે તો શક્ય બને. જો ફુગાવાની, એક અંદાજ મુજબ આશરે 4%ની, અસર સાથે ચાલુ ભાવોએ (નોમિનલ) ગણીએ તો 13% (9% વાસ્તવિક વિકાસ દર 4% ફુગાવો)નો વાર્ષિક વિકાસ દર હાંસલ કરવો પડે. હાલ 2019ના ત્રીજા ત્રિમાસિક ગાળાના વૃદ્ધિ દરની સરખામણી કરીએ, તો આ 4.5%ના વૃદ્ધિ દરે તો આશરે 2024-2025 સુધીમાં $3.49 ટ્રિલિયનએ પહોંચી શકાય અને $5 ટ્રિલિયન ડોલરનો મુકામ આશરે વર્ષ – 2033-34માં હાંસલ કરી શકાય.

અપેક્ષિત 8-9%નો વાર્ષિક વિકાસ વૃદ્ધિ દર કઇ રીતે હાંસલ કરી શકાય?

સામાન્ય રીતે બચત વધે તો રોકાણ વધે, રોકાણ વધે તો બજારમાં નાણાનો પુરવઠો વધે. નાણાનો વધેલો પુરવઠો ઉત્પાદન ઉદ્યોગોને પ્રોત્સાહન આપે, જેનાથી દેશમાં ઉત્પાદન વધે. આવા વધેલાં ઉત્પાદનની નિકાસ કરવાથી રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવક વધે એટલે માથાદીઠ આવક વધે. નાગરિકોની માથાદીઠ આવક વધે એટલે ફરી બચત વધવાના સ્ટેજથી આ સાયકલ ફરી શરુ થાય. આમ, આ પ્રકારની આખી ઇકો સિસ્ટમ કે વર્ચ્યુઅલ સાયકલ ઉભી થવી જોઇએ. આવી ઇકો સિસ્ટમ ઉભી થવા તેના દરેક ઘટકો જેવા કે, બચત, રોકાણો (ઘરેલું તથા વિદેશી), ઉત્પાદન, વૃદ્ધિગત ઉત્પાદન મૂડી ગુણોત્તર (Incremental Output Capital Ratio – IOCR), વિદેશી રોકાણ, નિકાસ, અનુકૂળ વસ્તી વિષયક તબક્કાનો લાભ (Favorable Demographic Phase) બાબતે વૃદ્ધિ દરના લક્ષ્યાંકો નિશ્ચિત હોવા જોઇએ. હવે આપણે આ તમામ ઘટકો વિશે વિગતે જોઈશું.

બચત (Savings) – વિશ્વ બેંકના ડેટા અનુસાર 1975 થી 2018 સુધીની ભારતમાં બચતના દરની સરેરાશ 25.36% છે. ઓછામાં ઓછો દર 1975માં 13.23% હતો, જ્યારે વધુમાં વધુ દર 2007માં 37.01 હતો. હાલ તથા છેલ્લા પાંચ વર્ષ (2014 થી 2018)નો બચત દર આશરે 30-31% જેટલો છે. ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત સમયમર્યાદામાં હાંસલ કરવું હોય, તો આ બચત દર આશરે 39% જેટલો લઇ જવો પડે.

રોકાણ (Investment) – 2004 થી 2019 સુધીની ભારતમાં રોકાણોના દરની સરેરાશ 32.39% છે. ઓછામાં ઓછો દર 2019ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 27.34% હતો, જ્યારે વધુમાં વધુ દર 2008ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 38.14% હતો. હાલ આ દર આશરે સરેરાશ 31-32% જેટલો છે, જો ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત સમયમર્યાદામાં હાંસલ કરવું હોય, તો આ રોકાણોનો દર આશરે 41% જેટલો લઇ જવો પડે.

વૃદ્ધિગત મૂડી ઉત્પાદન ગુણોત્તર (Incremental Capital Output Ratio – ICOR) – વૃદ્ધિગત મૂડી ઉત્પાદન ગુણોત્તર અર્થતંત્રમાં કરવામાં આવતા રોકાણની સામે જીડીપીમાં થતાં પરિણામી વૃદ્ધિ વચ્ચેના સંબંધને દર્શાવે છે. વધારાના એકમના ઉત્પાદન માટે જરૂરી મૂડી અથવા રોકાણના વધારાના એકમને સૂચવે છે. આ ગુણોત્તર કૂલ વાર્ષિક રોકાણને જીડીપીમાં વાર્ષિક વૃદ્ધિથી ભાગીને મેળવી શકાય છે. આ ગુણોત્તરથી રોકાણના એક એકમની સામે કેટલો જીડીપી વધે છે તે માપવામાં આવે છે. અહિં જીડીપી છેદમાં હોવાથી આ ગુણોત્તર જેટલો વધુ તેટલું અર્થતંત્ર નબળું અને જેટલો ઓછો તેટલું અર્થતંત્ર વધુ કાર્યક્ષમ ગણાય. ભારતમાં 1990-91 થી 2005-06ના સમયગાળામાં આ ગુણોત્તરની સરેરાશ 4.24 રહી છે, 2005-06 થી 2009-10ના સમયગાળામાં 4.31 રહી છે તથા 2009-10 થી 2013-14ના સમયગાળામાં 4.54 રહી છે. 2013માં આ ગુણોત્તર 6.6% હતો, જે ઘટીને 2015માં 4.3% થઇ ગયો એટલે કે તીવ્ર ઘટાડો દર્શાવે છે, પરંતુ 2005-06ના 3.8%ની સરખામણીએ હજુ વધુ છે અને જુદા-જુદા સમયગાળાની સરખામણી વધતું વલણ દર્શાવે છે. આ વિગતો જોતા વૃદ્ધિગત મૂડી ઉત્પાદન ગુણોત્તર ઓછામાં ઓછો રહે તેવો પ્રયત્ન કરવો પડશે.

વિદેશી મૂડી રોકાણ (Foreign Capital Investment) – વિદેશી મૂડી રોકાણમાં સીધા વિદેશી રોકાણ – એફડીઆઇ (Foreign Direct Investment – FDI), વિદેશી પોર્ટફોલિયો રોકાણ – એફપીઆઇ (Foreign Portfolio Investment – FPI), બાહ્ય વ્યાપારી ઋણ – ઇસીબી (External Commercial Borrowings – ECB) તથા બિન નિવાસી ભારતીયોની થાપણો (NRI Deposits)નો સમાવેશ થાય છે. 2019-20ના બજેટમાં થયેલ ઉલ્લેખ મુજબ બિન નિવાસી ભારતીયોની થાપણોને વિદેશી પોર્ટફોલિયો રોકાણ – એફપીઆઇમાં સમાવી લેવામાં આવશે. દેશની રાષ્ટ્રીય આવક વધારવા વિદેશી મૂડી રોકાણ વધારવું પડે. વિશ્વ બેંકના ડેટા અનુસાર 1975 થી 2018 સુધીની ભારતમાં સીધા વિદેશી રોકાણ – એફડીઆઇના દરની સરેરાશ 0.8% છે. ઓછામાં ઓછો દર 1977માં -0.03% હતો, જ્યારે વધુમાં વધુ દર 2008માં 3.62% હતો. જુન – 2019 અંતિત ત્રિમાસિક ગાળામાં 2.4%નો વધારો થયો છે. 6ઠ્ઠી ડિસેમ્બર, 2019ની પરિસ્થિતિએ આર.બી.આઇ.ના ડેટા મુજબ ભારતનું ફોરેક્સ રીઝર્વ $453.422 બિલિયન હતું, જે અત્યાર સુધીનું વધુમાં વધુ છે. જો કે વિદેશી મૂડી રોકાણ ક્યારેય 3.5-4%થી વધેલું ન હોય, ઘરેલું રોકાણ વધારવા ઉપર વધુને વધુ ભાર મૂકવો જોઇએ.

નિકાસ (Export) – દેશની રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ માટે વિદેશ વેપાર અંતર્ગત નિકાસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. 1957થી 2019 સુધીની વિગતો તપાસીએ તો, $5741.63 બિલિયનની સરેરાશ નિકાસ કરવામાં આવે છે. માર્ચ – 2019માં સૌથી વધુ $32550 મિલિયનની નિકાસ થયેલ હતી. પરંતુ, નવેમ્બર – 2019માં 0.34%નો ઘટાડો નોંધાયેલ હતો, જે આ વર્ષના સતત ચોથા મહિને અને આ વર્ષમાં પાંચમી વખત ઘટાડો નોંધાયેલ છે. જો કે તેની સામે આયાતમાં 12.71%નો ઘટાડો નોંધાયેલ છે, જેથી કુલ વેપાર ખાધમાં ઘટાડો થયેલ છે. દેશના સર્વગ્રાહી અને ટકાઉ વિકાસના ધ્યેયને હાંસલ કરવામાં અન્ય પરિબળોની સાથે નિકાસ ખૂબ જ મહત્વની છે. જો નિકાસ ન વધે અને બચત વધારવાના પગલાં રૂપે ઘરેલું માંગ પણ ઘટે તો દેશ ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મુકાય જાય. આમ, જો ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવાનો ધ્યેય હાંસલ કરવો હોય તો આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા વાળું તથા ભાવ સ્પર્ધાત્મક ઉત્પાદન કરવું પડશે અને નિકાસ માટે વિદેશમાં બજાર ઊભું કરવું પડશે.

મિત્રો, હવે પછીના લેખોમાં આ દેશની ક્ષેત્ર વાર પરિસ્થિતિની તાગ મેળવવાનો, લક્ષ્યને અનુરૂપ લેવામાં આવેલા પગલાઓ અને લક્ષ્ય સામેના પડકારો વગેરે બાબતે ચર્ચા કરીશું.