itching.... books and stories free download online pdf in Gujarati

વલુર....

વલુર……………. ...... દિનેશ પરમાર 'નજર '
--------------------------------------------------------
ટોળાની શૂન્યતા છું જવાદો કશું નથી
મારા જીવનનો મર્મ હું છું ને હું નથી
હું તો નગરનો ઢોલ છું દાંડી પીટો મને
ખાલિપણુ તો આખરે કશા કામનું નથી
-જવાહર બક્ષી
____________________________________
આસ્ટોડિયા દરવાજાથી દાણાપીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન ( કોઠા) તરફ જતા ઢાળ ની પોળની સામેની તરફ આવેલી સળંગ દુકાનોમાં, ઘણી બધી રંગ ને રસાયણ બનાવતી ને વેચતી દુકાનો આવેલી છે. તેમાં " મેઘધનુષ રંગ ભંડાર" મોટી હોવાથી અને તેના રંગીન મોટા બોર્ડને કારણે ધ્યાન ખેંચતી.
આ દુકાનમાં વર્ષો સુધી, વફાદારીથી નોકરી કરનાર ઓચ્છવલાલ આજે છેલ્લી વખત બહાર નીકળ્યા, બલ્કે એમ કહેવું વધારે ઉચિત રહેશે કે બહાર ફેંકાયાં.
સતત ૪૫ વર્ષ એકધારી અને નાનકડી દુકાનમાંથી સમય જતાં પેઢી બની ગયેલી આ રંગની દુકાનની નોકરી, આજે એક ઝાટકે છૂટી ગઈ, આ દુકાન શરૂ કરનાર શેઠ ને તેમના મૃત્યુ પછી સંભાળનાર તેમના પુત્ર ભોગીલાલ ગાંધી તો દયાળુ હતા.
આ દુકાનમાં શરૂથી ઓચ્છવલાલ સંકળાયેલા હતા. તેના નાનકડા છોડમાંથી વટવૃક્ષની જેમ થયેલો વિકાસ તેમની નજર સામે ઉછરીને મોટો થયેલો. આ દુકાન સાથે તેમનું જીવન એક કૌટુંબિક ભાવનાથી જોડાયેલું હતું. વાર તહેવારે મોટા શેઠ કામ કરતા બધાજ સ્ટાફને સાચવતા. એટલે જૂના ત્રણેક જણા પગાર મર્યાદિત હોવા છતાં ત્યાં જ લાગી રહ્યા હતા.
પરંતુ.....
જગતમાં એક સરખી સ્થિતિ કાયમ માટે ક્યારેય ક્યાં રહેતી હોય છે?
ત્રણ વર્ષ પહેલાં મોટા શેઠ એટલેકે ભોગીલાલ ગાંધીને હાર્ટઅટેકનો હુમલો આવતા પ્રથમ હુમલામા જ મૃત્યુ પામ્યા. આ સંજોગોમાં, એકનો એક પુત્ર અંકિત ગાંધી જે મુંબઈ મામાને ત્યાં ભણતો હતો તેને, આ આઘાતજનક પરિસ્થિતિમાં અમદાવાદ આવવું પડયું.
અંકિત ગાંધી....
નવું જનરેશન.... નવા વિચારો...
અને વળી જે રીતે મુંબઇમાં રહીને આવેલો તે જોતાં લાગણી નો સ્પષ્ટ અભાવ.... દુકાનપર આવતાની સાથે તેણે જૂના વૃધ્ધ માણસો સાથે નાની નાની વાતમાં ટકટક કરી માનસિક હેરાન કરવાના પ્રયત્ન ચાલુ કર્યા. તે યુવાન સ્ટાફ લાવવા માંગતો હતો.
આમ છતાં સહનશક્તિની ત્યારે હદ આવી ગઈ, ચોપડામાં એક નાનકડી ભૂલ ને મોટું સ્વરુપ આપી જેને ખોળામાં રમાડલો તેણે અલ્ટિમેટમ આપી દીધું કે તમારી હવે ઉંમર થઈ ગઈ છે, તમે કામ સરખું કરતા નથી, તમે નહીં આવો તો મોટો ઉપકાર થસે.
કોઈ પાળેલા અશ્વને ક્યાંય સુધી દોડાવ્યા પછી, હાંફીને માંડ ઉભો હોય ત્યાં, અચાનક કોઈ તેને ચાબુક વીંઝે , ને જે ચચરતિ આસહ્ય વેદના થાય, બિલકુલ તેવીજ વેદના ઓચ્છવલાલના રોમરોમમાં વ્યાપી ગઈ.
તેજ દિવસે અંકિત ઘરે જમવા ગયો ને બપોરે, ખન્ટીએ ટાંગૅંલી ટોપી અને જૂની થેલી ઉતારી ભારે હૈયે , જુના ગમગીન થયેલા સ્ટાફ ની નજર સામે ધીરે ધીરે દુકાનના પગથિયા ઉતારી ગયા એકએક પગથિયું તેમને અહીં પસાર કરેલા એકએક દસકા જેવું લાગ્યું.
ઓચ્છવલાલ રસ્તો ક્રોસ કરી સામે જઈ છેલ્લી વાર ઝળઝળિયાં ભરી આંખે દુકાન જોઈ ને મોઢું ફેરવી અસ્ટોડિયા દરવાજા તરફ ચાલવા લાગ્યા.
*****************
ખાડિયાની એક જૂની પોળના, દાદા દ્વારા બનાવેલાં લગભગ નેવું વરસ જુના જર્જરીત મકાનમાં ઓચ્છવલાલ પોતાના ત્રણ દીકરા તેમની પત્નીઓ ને બે પૌત્રો સાથે રહેતા હતા. પત્ની તો ત્રીજો દિકરો પાંચ વર્ષનો થયો ત્યાંજ ઉકલી ગયા હતા.
ઓચ્છવલાલે આ, આગળના ભાગમાં ખાટલો ઢાળી શકાય તેવડી ઓસરી પછી અંદરના ભાગે મોટો રુમ તેની પાછળ નાનું રસોડું, ઉપરના ભાગે બે રુત્રણ દિકરાને ભણાવી-ગણાવી મોટા કરવામાં પોતે રંગની દુકાને ઢસરડા કરી પોતાની રંગહીન જિંદગી ઘસી નાખી. સાવ સાદી ને જરૃરીયાત પુરતી જિંદગી જીવી ને ત્રણ દિકરાને ભણાવી-ગણાવી ને નોકરી લાયક બનાવી પરણાવ્યા પણ ખરા.
મોટો ચંદ્રકાંત ગ્રેજ્યુએટ થઈ બેંકમાં, વચેટ રમેશ કોલેજના બીજા વર્ષમાં હતો ને સિંચાઇ ખાતામાં મેળ પડી જતાં ગોઠવાય ગયો તો નાનો જતીન એસ એસ સી માં ફેલ થતાં આરોગ્યમાં તેના મિત્રના પપ્પા ત્યાં જ ઓફીસર હોઈ, પટાવાળામાં ગોઠવી દીધો. ત્રણેય ને સારી નોકરી હોઈ, લગ્ન પણ સમયસર ગોઠવાઈ ગયા.
પૈસાની હવે કોઈ તકલીફ નહોતી પણ આખી જિંદગી દોડાદોડી કરનારને બેસી રહેવું એટલે સજા!!!
આ સંજોગોમાં ઓચ્છવલાલે જુની નોકરી ચાલુ રાખેલી.
***************
થોડા દિવસ અગાઉ તેમની પોળની , કાબરી કૂતરીએ ત્રણ ગલૂડીયા ને જન્મ આપ્યો હતો. આજુબાજુના પાડોશીઓ ના બાળકો સાથે ઓચ્છવલાલ ના બે પૌત્રો પણ કાબરીના બચ્ચા રમાડવા વહેલાં ઉઠી જતાં, લોકો દૂધ અને શીરો કાબરીને આપતા. ઓચ્છવલાલ ને પણ મઝા પડતી હતી.
પણ આ ટૂંકા ગાળામાં, એક પોળની બહાર વાહન નીચે આવી જતાં ને બીજું ભૂલથી બીજી પોળમાં જતું રહેતા, તે પોળના કૂતરાઓએ મારી નાંખતા એકજ બચેલું. તેને પોળવાળા સાચવતા, ઓચ્છવલાલ ને પણ તેની માયા લાગી, કારણ તે નોકરી જાય ત્યારે પોળના નાકા સુધી ને સાંજે જાણે તેમનીજ રાહ જોતું હોય તેમ તે આવે ત્યારે પોળના નાકેથી ઘર સુધી પૂંછડી પટપટાવતું પાછળ પાછળ આવે.
ઓચ્છવલાલ સવાર સાંજ આવતા જતા તેને કંઈક ને કંઈક ખાવા આપે.
જેમ જેમ મોટું થતું ગયુંતું તેમ માયા વધતી ગઈ હતી. પણ એકવાર એવું થયું. કે ઓચ્છવલાલ ઘર આગળ ચોકડીમાં સવારે નહાવા બેઠા'તા. ને તેમને લાગ્યું કે તેમની પીઠ પાછળ કઇંક છે. ફરીને જોયું તો, પેલું કૂતરું, તેને ખસ થયેલી તે વાંકુ વળીને પગ વડે તેનું શરીર ખાજવાળવાંમાં મસ્ત "ખસર... ખસર... " આંખ બંધ કરીને ખાજવાળતા ખાજવાળતા અવાજ માં મસગુલ...
ઓચ્છવલાલ ને દાઝ અને ચિતરી ચઢી, તે ચોકડીમાં પડેલો કપડા ધોવાનો ધોકો છુટ્ટો માર્યો.
કોઈ દિવસ પોતાની પર હાથ ઉપાડે જ નહીં તેવી શ્રદ્ધા વાળા ઓચ્છવલાલ તરફથી થયેલા આ ઘાથી તે " કૂઉ... કૂઉ... કૂઉ..."
કરતું પોળ છોડી ગયું તે ગયું પછી ક્યારેય ના દેખાયું.
*****************
પોતાની નોકરી છુટી ગયાની જાણ ઓચ્છવલાલે પોતાના દીકરાઓને કરી... ત્યારે દીકરાઓ એ કહ્યુંતું" કૈજ વાંધો નહીં.. તમે આરામ કરો.." પણ ઓચ્છવલાલ જેનું નામ... સવારે નાહી ધોઈને પૂજા કરી ચા-નાસ્તો કરીને નીકળી પડે, સીધાજ ચકલેશ્વર મહાદેવ સામે જુના મિત્રો સાથે બેઠક જમાવે તે બપોર ક્યારે પડે તે ખબરજ ના પડે...
બે-ત્રણ દિવસ તો ઘરે બરાબર ચાલ્યું, પણ પછી સવારે ચા માં ખાંડ નહોતી, બપોરે જમવામાં મીઠું નૈ ને મરચું અ... ધ... ધ...
રાત્રે પણ જમવામાં ઠેકાણા નૈ.
આવું સળંગ બે દિવસ...ને રસોડામાં બપોરે પુત્રવધૂઓ ને અંદરો અંદર હસતા જોઈ ત્થા દીકરાઓ નું પણ તેમની પત્નીઓની તરફદારી નું પરિવર્તન... ઓચ્છવલાલ સમજી ગયા કે તેઓ હવે બોજા રૂપ છે.
રાત્રે સુતી વખતે તેમણે નિર્ણય લઈ લીધો.
****************
સવારે છોકરા ને વહુઓ એ જોયું તો બાપા ઘરમાં નહોતા
ને ઓચ્છવલાલ...
ચાલતા ચાલતા શહેરથી ખુબ દૂર નીકળી ગયા હતા. બપોર થવા આવી ત્યારે, હાઇવે ની સમાંતર સર્વિસ રોડ ને અડીને આવેલી સંસ્થાના બોર્ડ તરફ ધ્યાન ગયું." જીવનછાયા વૃધ્ધાશ્રમ"
ધીરે ધીરે તે અંદર ગયા. અંદરની તરફ ડાબી બાજુએ આગળના ભાગે આવેલી લોન સાથેના બગીચામાં ઝાડ નીચે ના બાંકડાઓ પર બેઠા હતા. ઓચ્છવલાલ જમણી તરફ આવેલી કાર્યાલયમાં ગયા.
ઘર માં ચાલુ થઈ ગયેલી ગરબડ ને ધ્યાનમાં રાખી બે દિવસ અગાઉ પોતાના અંગત ખાસ મિત્રની જ્યાં ઓળખાણ હતી તે
" જીવનછાયા વૃધ્ધાશ્રમ" માં ગમે ત્યારે આવવા જાણ કરેલી એટલે ઓચ્છવલાલે ઓળખાણ અપતાજ મેનેજર ઓળખી ગયો.
પોતાની અંગત બચાવેલી મૂડી એજ જૂની થેલીમાંથી કાઢી ટેબલ પર મૂકી દીધી. "લો આ સંસ્થામાં જમા રાખો"
મેનેજર ઉભા થયા ને ઓચ્છવલાલ ને તેમની રૂમ બતાડવા ગયા.
રૂમનો દરવાજો ખોલી આપ્યો. ઓચ્છવલાલ અંદર ગયા ને સાઈડ ની બારી ખોલી. ત્યાં કમ્પાઉંડ વાળુ મોટું મેદાન હતું. તેમાં કેટલાય કૂતરાઓ રખડતા હતા.
પ્રશ્નાર્થ નજરે ઓચ્છવલાલે મેનેજર સામે જોયું." આ
વૃધ્ધાશ્રમની જમીન જેણે સંસ્થા ને દાન કરી, તે શેઠની આ જમીન છે, તેઓ ખુબ જ દયાળુ ને જીવદયા ના હિમાયતી હોઈ, શહેરમાં રખડતા, કે માંદા કે કોર્પોરેશન a પકડીને છોડી મૂકેલા કૂતરા માટે તેઓએ આ મેદાન અલાયદું રાખ્યું છે."
ઓચ્છવલાલે વાત સાંભળતા સાંભળતા સહજ રીતે બારીમાંથી મેદાનમાં જોયું ને કુતારાઓના ટોળા વચ્ચે ઝાડ નીચે અચાનક પોતાની પોળની કાબરીનાં પેટે જન્મેલા કૂતરા ને જોયું ને" અરે! આ તો.......???" ના ઉદગાર સાથે કઇંક યાદ આવી જતા જ રોમરોમ મા એવી વલુર ઉપડી કે ત્યાં ને ત્યાં જ તે શરીર ખંજવાળવા મંડી પડ્યા.
**************************************************