Sukhi tha beta books and stories free download online pdf in Gujarati

સુખી થા બેટા

રાતના 8.00 વાગ્યા હતા. શિયાળાની કાતીલ ઠંડીએ અમદાવાદના રોડ પર પોતાનો કબ્જો કર્યો હતો. પણ મેં ટાઇટ લેધર જેકેટ, નીચે જીન્સ, પગમાં ગરમ મોજા અને શુઝ, હેન્ડ ગ્લોવ્ઝ અને માથા પર મસ્ત મજાનો હેલ્મેટ ધારણ કરીને ઘર તરફ જવા બાઇક પર રવાના થયો. ફૂંકાતો ટાઢોબોર પવન મને ધ્રૂજાવવા માટે જગ્યા ગોતી રહ્યો હતો. પણ એમ કાંઇ થોડા આપણે ઘૂસવા દઈએ!!

એ જ દિવસે સવારે અમદાવાદમાં નવું ઘર લેવા માટે પરિવારજનો સાથે વાતો ચાલી રહી હતી. ઘણાં દિવસોથી એક પ્રાઇમ લોકેશન પર ઘર જોઇ રાખેલું. પણ સાલું કંઇ મેળ જ ન્હોતો પળતો. આખો દિવસ ઘણાં પ્રયત્નો કર્યા. ઓફીસે દરરોજ કરતા થોડું કામ ઓછું કર્યું. બસ એ જ ચિન્તામાં કે અમદાવાદ જેવા મોટા શહેરમાં એક નાનકડું પણ મારા નામનું ઘર હશે??!! રૂપિયાનું ટેન્શન, પરિવારજનોનું ટેન્શન અને જો પરિવારજનો હા પાડત તો ઘર લેવા માટે બેન્કની લોનનું ટેન્શન. આ તો જો કે બધાં જ લોકોની સમસ્યા છે. અન્તે આ ટેન્શનને મુક્યું પડતું અને ગમે તેમ કરીને ઓફીસના સહકર્મચારીઓ સાથે વાતચીતો કરીને, યુટ્યુબ પર મારા સ્ક્રીપ્ટીંગને લગતા વિડીયોઝ અને ત્યાંસુધી કે હાસ્યની કડીકાઓ સાંભળીને એ ટેન્શનને ભગાડ્યું. થોડો હસ્યો, હાશકારો થયો, ચા પીધી અને પછી તો સમોસાની ખાટીમીઠી ચટણી સાથે આ ચિંતાને પણ ચાટી ગયો.

હજુ તો ઓફીસેથી નિકળતો હતો કે મોબાઇલ રણક્યો. મારો ખાસ મિત્ર મૌલિકનો ફોન આવ્યો. “ભાઇ તારે મારા જન્મદિવસની પાલ્ટીમાં આવવાનું છે. ગમે તે કાર્યક્રમ હોય તે કેન્સલ કરી નાખજે અને છાનોમાનો પહોંચી જજે.” આમ તો એનો જન્મદિવસ જતો રહ્યો હતો પણ બધાં જ મિત્રોની અનુકુળતા પ્રમાણે તેણે આજે 'પાલ્ટી' આપી. એના આજ્ઞારૂપી પ્રેમને સ્વિકારીને જેમ ભૂતને પીપળો મળે ને રાજી થાય એમ તેમ મારામાં રાજીપાના ફુવારા છુટવા લાગ્યા. ઝડપથી આપેલા સરનામે સૌથી વ્હેલો અને પહેલા પહોંચ્યો. બધાં જ મિત્રો ક્રમશઃ આવવા લાગ્યા. સમય થયો જન્મદિવસની ઉજવણીનો. અમારી જન્મદિવસની ઉજવણી કંઇક અલગ છે. અમે કેક તો ખાઈએ છીએ પણ મીણબત્તીને ફૂક મારીને ઓલલવાની બદલે અમે મિણબત્તીઓ પ્રગટાવીએ છીએ. આમ તો જો કે મેં જ આ પ્રથા ચાલું કરાવેલી જે બધાને ગમી. કારણ કે જન્મદિવસે તો જીવનમાં અજવાળા પથરાવા જોઇએ. ખૂબ મોજ મસ્તીની સાથે જન્મદિવસની ઉજવણી કરીને બધાને મળીને અમે લોકો છુટા પડ્યા. જેમ પાણીમાં આંગળી ડૂબોડીએ અને પાણીમાં તરંગો ઉપજે ને પાણી વિખરાય તેમ મેં અમારા મિત્રના વર્તુળમાં “આવજો” નામની આંગળી ડુબાવી અને મિત્રમંડળ વિખરાયું અને બધાં જ પોતપોતાને ઘરે જવા નિકળ્યા.

બપોર અને સાંજ તો સારી ગઇ પણ રાત કેવી જશે એ કંઇ ખબર ન્હોતી. જેમ યુદ્ધમાં શસ્ત્રસરંજામ સાથે યોદ્ધા નિકળે તેવી જ રીતે હું પણ ઠંડીની સામે યુદ્ધ કરવા શસ્ત્રસરંજામ સાથે બાઇક પર ઘર તરફ જવા નિકળ્યો. રાત્રીના 8.00 થયા. કાનમાં હસ્તમુક્તશ્રવણઘ્વનિયંત્ર (હેન્ડ્સ ફ્રી) ચડાવેલા અને હિન્દી ગીતો કાનમાં ગુંજી રહ્યા હતા. સામેથી એક આછી આકૃતિ ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહી હતી. આવી ઠંડીમાં એક ધ્રૂજતો હાથ લીફ્ટ માંગી રહ્યો હોય તેવો સંકેત કરી રહ્યો હતો. ચિત્ર સ્પષ્ટ થયું અને ઠંડીને લીધે નહીં પણ લાકડીને સહારે ઉભેલા એક વયોવૃદ્ધનો એ હાથ ધ્રુજી રહ્યો હતો. માત્ર એક સાદો ઝભ્ભો, નીચે લેંઘો અને પગમાં ચપ્પલ અને મદદ મળશે એવી આશાથી ભરેલી એમની આંખો. પહેલા તો વિચાર્યું કે કોઇને પણ શિયાળાની આવી રાતમાં લીફ્ટ અપાય. કંઇક અણબનાવ બનશે તો. પણ જ્યારે એમને મારી તરફ આવવા માટેના પ્રયત્નો કરતા જોયા ત્યારે મને થયું કે આમને ખરેખરમાં મદદ જોઇએ છે.

મેં મારી બાઇક પાછી વાળી અને તેમની પાસે ગયો. તેઓ.......................બોલ્યા. જેમ તમને આ ખાલી જગ્યામાં ના ખબર પડી કે તે શું બોલ્યા તેમ મને પણ ના ખબર પડી કે તેઓ શું બોલ્યા હતા. મારા કાન મેં તેમના મોં નજીક ધર્યા. એમણે કાનમાં પોતાના જોર પ્રમાણે વાત ફૂંકી અને મને ખ્યાલ આવ્યો કે દાદાને ક્યાંક જવું છે. મેં ફરીથી પુછ્યું “દાદા ક્યાં જવું છે ?” આ વખતે દાદા કશું બોલ્યા નહીં પણ ઇશારો કર્યો કે તેમને એ બાજુ જવું છે. ખ્યાલ આવ્યો કે દાદાએ પોતાની બત્રીસી કોઇકને ભાડે આપી છે અને તેમની ઉંમરના કારણે તેમના મુખમાંથી મુંગા શબ્દો નિકળી રહ્યા છે. દાદાને બેસાડવા માટે હું થોડો મારી સિટમાંથી આગળ ખસ્યો. દાદાએ મારા ખભાનો સહારો લીધો અને પાછળ બેઠા. દાદાએ ઇશારાથી માર્ગ ચિંધ્યો. રસ્તામાં દાદાએ ઇશારાઓથી અને તેમના પ્રયાસોથી થોડી ગણી વાતો પણ કરી. મેં એમના પ્રતિસાદમાં માત્ર માથાને ઉપર નીચે જ ધુણાવતો રહ્યો. એમના ઇશારે ઇશારે એમને હું તેમના નિર્ધારીત સ્થાન સુધી લઇ ગયો. દાદા બાઇક પરથી ઉતર્યા. આ વખતે એમની આંખો આશા સભર નહીં પણ અશ્રુસભર હતી. પ્રેમથી દાદાએ મારા માથા પર હાથ મુક્યો અને હું પણ એમના અશ્રુની લાગણીમાં થોડીવાર માટે વહેવા લાગ્યો. મેં હાથ જોડ્યા અને બાઇકની કીક મારીને નિકળવા જતો હતો ત્યાં જ દાદા ફરીથી મારી પાસે આવ્યા અને જેમ નાનકડો બાળક પોતાની માં ને પાંચ આંગળીઓથી તેને ભૂખ લાગી છે તેવો ઇશારો કરે તેવો જ ઇશારો દાદાએ મારી તરફ કર્યો. કંઇપણ વિચાર્યા વગર પાકીટમાંથી 100 રુપિયા દાદાના હાથમાં આપ્યા. દાદાએ એ રૂપિયા પોતાના ખાદીના ઝભ્ભાના ખાલી ખિસ્સામાં નાખ્યા અને મારો હાથ પકડીને પોતાનું બળ ભેગું કરીને દાદાએ કહ્યું “સુખી થા બેટા !” અડધી કલાકના સફરમાં મને આ એક જ વાક્ય સરખું, વ્યવસ્થિત અને છેક અંતરમાં ઉતરી જાય તેવું જોરથી સંભળાયું અને આ વખતે મારી આંખોમાં થોડીક ભિનાશે પોતાનું નાનકડું મોજું ફેરવ્યું. જ્યાં સુધી હું ના ગયો ત્યાં સુધી દાદા ત્યાં જ ઉભા રહ્યા. અને ધીરે ધીરે મારી બાઇકના સાઇડ મીરરમાં દાદાની ઉભેલી આકૃતિ નાની થવા લાગી અને સમય જતા તે જવા લાગી. હું ઘર તરફ જવા લાગ્યો.

ઘરે પહોંચીને હજુ તો કપડા બદલું એ પહેલા તો ફરીથી ફોન રણક્યો. આ વખતે ઘરના મોભી સભ્યનો ફોન હતો. સીધું પહેલું જ વાક્ય “દિકા, તે ઘર જોયું છે તેની આજુબાજુનો એરિયા તો સરસ છે ને! તે મોકલેલા ફોટા જોયા મને અને બીજા બધાને પણ ખૂબ ગમ્યો છે. હું કાલે આવું છું અને આપણે તે ફ્લેટ ફાઇનલ કરી દઈએ.” અને આ સાંભળીને ત્યારે તો મેં વિનયતાપૂર્વક હા પાડી અને વાતચિત પૂરી કરી. અને તે પછી ભાઇએ જે ઠેકડા માર્યા છે વાત જ ના પૂછો. બિજા સાથે રહેતા મિત્રોએ ભેગા થઇને મને રોક્યો અને મેં પછી આ આનંદના સમાચાર બધાને સંભળાવ્યા અને પછી તો ભાઇ મોજમાં આવીને મિત્રો સાથે વાતચીત કરીને કપડા બદલાવીને, ગાદલું પાથરીને, ધાબળો ઓઢીને નિંદ્રાદેવીને સમર્પિત થયા.

એ કાતીલ ઠંડીની સૂમસાન રાતમાં વયસ્ક એ દાદાના માત્ર ત્રણ શબ્દોએ મારી એ ચિંતાસભર રાતને સાકારીત થયેલા સપનાની રાત બનાવી દીધી. ખબર તો ન હતી કે એ દાદા કોણ હતા અને એમના આશિર્વાદ આટલા ઝડપથી સફળ થશે એ પણ ખ્યાલ ન હતો. પણ આ અનુભવથી ભગવાન પર મારો વિશ્વાસ બે ગણો વધી ગયો. દાદાના એ અંતરના રાજીપાએ મારા અંતરની ચિંતાની ચિતાને સળગાવીને ક્યાંય ખાક કરી દીધી.

કોઇકને કરેલી એક નાની મદદ પણ તમારા સપનાઓ સાકાર કરવામાં બહુ મોટી મદદ કરે છે એ વાત આજે સમજાયી.