Battle of struggle books and stories free download online pdf in Gujarati

સંઘર્ષનું મેદાન

બપોરનો સમય કંટાળાજનક હોય છે. તેમાં પણ જો કોઇની રાહ જોતાં હોય તો સમય એક એક સેકન્ડનો એક એક દિવસ જેવો લાગે છે. રેલ્વે સ્ટેશન પર બેઠેલ હિરલ વાંકાનેરની ટ્રેનની રાહ જોઈ રહી હતી અને આજે તે ટ્રેન તેના નિર્ધારિત સમયથી 30 મિનિટ લેઈટ હતી. થોડી થોડી વારે ઘડિયાળમાં અને પ્લેટફોર્મ પર નજર નાખતી હિરલ કંટાળીને ઘરે કહી ચૂકી હતી કે,

“મમ્મી, મારી ટ્રેન આજે લેઈટ છે તો આવવામાં મોડું થશે.”

મમ્મીએ કહ્યું, “સંભાળીને આવજે, ટ્રેનમાં સામાન સરખી જગ્યાએ મુકજે, વગેરે વગેરે.”

“હા, મમ્મા હા, તારી દીકરી હવે મોટી થઈ ગઈ છે.” હિરલે થોડો સ્વર ઊંચો કરીને કહ્યું. પપ્પા બાજુમાં જ બેઠા હતા એટ્લે તેણે ફોન હાથમાં લઈ લીધો અને તે પણ કહેવા લાગ્યા,

“બેટા, ટિકિટને બધુ લઈ લીધું છે ને ? સામાન વધુ હશે એટ્લે અમે તને લેવા માટે સ્ટેશને આવી જાશું.”

“હા, પપ્પા હું પહોંચવા આવીશ એટ્લે કોલ કરીશ” એમ કહી હિરલે ફોન રાખ્યો.

ઘણીબધી વાટ જોયા પછી છેવટે ટ્રેન આવી. હોસ્ટેલમાં ભણતી છોકરીઓને ખરેખર ઘરે પહોંચવાની ખાસ્સી ઉતાવળ અને તાલાવેલી હોય છે અને સાતમ-આઠમની રજામાં ઘરે જવાની મજા કઈંક અલગ જ હોય છે. એક ચેન્જ મળે છે. ઘરે પહોંચી ને ખરેખર એક સૂકુન નો અહેસાસ થાય છે. કહેવાય છે ને કે પૃથ્વીનો છેડો ઘર છે.

પણ ઘરે આવવાનું કારણ આ વખતે કઇંક અલગ જ હતું. તેની કોલેજમાં છોકરાઓનું એક ગ્રૂપ હિરલને ખૂબ જ પજવતું. કોલેજના ટ્રસ્ટીનો એક બગડેલ છોકરો હતો ‘પવન’ અને તેની સાથે બીજી નવરી બજારો ભેગી થઈને આ જ કામ કરતી. ભોળી છોકરીઓને પજવવાનું. હિરલની બહેનપણી શ્વેતા પણ તે જ કોલેજમાં આ પવનના ક્લાસમાં હતી અને બંને હોસ્ટેલમાં સાથે હોવાથી સાથે જ કોલેજે જતી. એક વાર શ્વેતાને બસમાથી ઉતરતા એ ગેંગ મનફાવે તેવા શબ્દો માંડી બોલવા એટ્લે હિરલે તરત કહ્યું કે આવા હરામીઓને ફરિયાદ કરીને પોલીસના હવાલે કરી દેવા જોઇયે. આ વાત પવન સાંભળી ગયો અને રોજ રોજ હિરલ ને પરેશાન કરવા લાગ્યો. જોરથી બાઇક ચલાવીને એને સહેજ અડાડીને ચાલે, હિરલના બસમાથી ઉતરતાવેંત જ જોર જોરથી ગાળો માંડે બોલવા, કોલેજ કેમ્પસમાં તો તેનું ચાલવું પણ મુશ્કેલ કરી દેતાં અને અઠવાડીયા પહેલા તો હદ થઈ હિરલ વોશરૂમમાં ગઈ અને તરત જ પવનના ગ્રૂપમાથી કોઇકે બહારથી તાળું લગાવી દીધું. આખી કોલેજ ભેગી થઈ ગઈ. હિરલે પ્રિન્સિપાલને ફરિયાદ કરી પણ ટ્રસ્ટીના કાને વાત ન પહોંચાડી કારણ કે તેના પિતાનો મગજ તો પવનને પણ સારા કહેવરાવે તેવો હતો અને ફરિયાદ કરે તો પોતાની પોસ્ટ ગુમાવવી પડે. પ્રિન્સિપાલની ઓફિસમાથી જેવી હિરલ બહાર આવી કે તરત જ પવન અને એના લોફરો બૂમો માંડ્યા પાડવા “ટાય’...ટાય...ફિશ”

આ બધુ ચાલતું જ તું કે રજાઓ આવી અને હિરલે ઘરે જવાનું નક્કી કર્યું. રોજ હસ્તી રમતી, બધાને હસાવતી, ખીલેલી કળી જ્યારે મુંજાય ત્યારે ખરેખર આખા ઘરની રોનક વિખેરાય જાય છે. પપ્પા ઓલરેડી ટેન્શનમાં હતા અને આ વાત કહેવાથી કદાચ તેનું ભણવાનું પણ બંધ થઈ શકે એમ હતું. પણ તેના દાદીને કહી ને મન હળવું કરવાનું હિરલે વિચાર્યું,

“દાદી, તમે જ્યારે જુવાન હતા ત્યારે કોઈ તમને હેરાન કરત તો તમે શું કરત ?”

“જો બેટા, ડર માણસને કાયર બનાવી દે છે. તને કોઈ પરેશાન કરી રહ્યું હોય તો મને કહી દેજે આપણે તારા પપ્પાને કહી ને એને માર ખવડાવશુ.” દાદીએ કહ્યું.

“ના, ના, દાદી હું તો ખાલી એમનેમ જ પૂછતી હતી.” હિરલે વાત વાળવાની કોશિશ કરી.

“અને હા મને કોઈ હેરાન કરેને તો તો હું છે ને ગાળો બાળો દેવામાં માનતી નથી. હું તો ઢીકે પાટે ધોકાવી નાખું એને. આપડે નીચું નાક કરીને જીવવા કરતાં મરવું પસંદ કરીયે... હા.” દાદીની આ વાત હિરલને દિગ્મૂઢ બનાવી ચૂકી હતી.

વેકેશન પૂરું થયું અને હિરલ ફરી પોતાની કોલેજે જવા લાગી ફરી પાછી એજ પજવણી અને એ જ જીવન. પણ આ તરફ દાદીને ચેન નહોતો. તેણે આ વાત ઘરમાં કરી પણ કોઈએ ગણકારી નહીં.

સમય વિત્યો 2 મહિના પસાર થયા પછી રાજકોટ પોલીસસ્ટેશનેથી હિરલના ઘરે ફોન આવ્યો.

“હેલ્લો, જગદીશભાઈ, ઈન્સ્પેકટર સોલંકી હિયર તમે બને એટલી ઝડપે રાજકોટ ભક્તિનગર પોલીસસ્ટેશને આવો.”

શું થયું એ પૂછવા જતાં જ કોલ કટ થઈ ગયો. જગદીશભાઈ ધબકતા હૈયે વાંકાનેરથી ઘરે બધાને કહીને નીકળી ગયા. પણ દાદીને ખરેખર ચિંતા થઈ રહી હતી. ક્યાક કશુંક અણધાર્યું તો નહીં બન્યું હોય ને વગેરે વગેરે વિચારોએ આખા ઘરને ઘેરી લીધું.

આ તરફ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જેવા જગદીશભાઇ ગયા કે એક બાજુ હિરલ એક બેન્ચ પર બેઠી હતી. પપ્પાને જોઈને તરત જ ભેટી પડી. પણ રડી નહીં.

“અરે ભાઈ કેવી છે તમારી છોકરી યાર” ઈન્સ્પેકટર સોલંકીએ કહ્યું.

“કેમ સાહેબ શું કર્યું મારી દીકરીએ ?” જગદીશભાઈએ પૂછ્યું.

“કોઈક છોકરા એને હેરાન કરતાં હશે બસ સ્ટેન્ડની બાજુમાં તો એ ચારેયને ન મારવાની જગ્યાએ મારીને હોસ્પિટલ ભેગા કરી દીધા અને એક છોકરાને તો પાનના ગલ્લેથી સોડાની બોટલ ઉપાડીને માથા પર મારી. ચારેચારને પછાડી દીધા એકલીએ” ઈન્સ્પેકટર સોલંકી બોલતા જ રહ્યા.

“કોઈ કેસ તો નથી થયોને સાહેબ ?” જગદીશભાઈએ પૂછ્યું.

“નહીં એ છોકરાઓની આ એક નહીં કેટલીયે ફરિયાદો આવેલ છે બસ તમારી છોકરીને હવેથી કહેજો કે કોઈને મારે તો થોડું ધીરે મારે ભાઈ.” ઇન્સપેક્ટરે કહ્યું.

હિરલ અને પપ્પા બહાર નીકળ્યા અને પપ્પાએ બધુ પૂછ્યું તો હિરલ બહેને કહ્યું, “એમાં એવું છે ને પપ્પા કે કેટલાય સમયથી આ લોકોને સહન કરતી માથું નમાવીને પણ તમારા સ્વાભિમાનને કોરાણે નહોતું મૂકવું મારે એટ્લે વાંકાનેરથી આવીને મે કરાટેના ક્લાસ જોઇન કર્યા હતા અને વાટ જ જોતી હતી કે તે મને ક્યારે હેરાન કરે અને કાલે એ મોકો મળી ગયો અને આખી કોલેજ વચાળે જ માર્યા બધાને.

પપ્પાએ પૂછ્યું, “પણ એ ચાર હતા અને તું એક જ તો પહોંચી કેમ ?”

હિરલે જવાબ આપ્યો, “પપ્પા, હું એકલી નહોતી મારી સાથે હતી દાદીમાંની હિંમત, મમ્મીની લાગણી અને તમારું સ્વાભિમાન તો એ બદમાશોને તો હારવાનું જ હતું મારી સામે....”


પપ્પાએ હાથ આગળ વધાર્યો અને હિરલ એ પકડીને પપ્પા સાથે ચાલવા લાગી...


© નરેશ પરમાર