Ant Pratiti - 1 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 1

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૧)

દીકરી વહાલનો દરિયો

“દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર...

એ સૂવે તો રાત પડે ને, જાગે તો સવાર...

હૈયાના ઝૂલે હેતની દોરી, બાંધી તને ઝુલાવું,

હાલરડાની રેશમી રજાઈ તને હું ઓઢાડું,

પાવન પગલે તારા, મારો ઉજળો છે સંસાર...

દીકરી મારી લાડકવાયી...”

નવનીતરાયનો રોજનો વણલખ્યો નિયમ... આ ગીત સાંભળીને જ એમની સવારનો નિત્યક્રમ ચાલુ થાય...વહાલી દીકરી ધ્વનિ પા પા પગલાં માંડતી માંડતી, ક્યારે કોલેજમાં આવી ગઈ તે ખબર પણ ના પડી. નવનીતરાય અને સવિતાબહેનની લાડકવાયી દીકરી ધ્વનિ ખરેખર લક્ષ્મી સ્વરૂપા, સર્વગુણસંપન્ન કહી શકાય... જાણે કે રૂપ, ગુણ અને ધર્મનો ત્રિવેણી સંગમ... એક સુંદર મજાનો હસતો ખેલતો સંસ્કારી પરિવાર. કુટુંબના પ્રેમ, સમાજના વ્યવહાર સુંદર રીતે નિભાવીને સરસ મજાનું જીવન જીવતો પરિવાર એટલે નવનીતરાયનો પરિવાર. દીકરીને ભણતર, ગણતર, અને સંસ્કારનું ઘડતર આપીને લાડકોડથી મોટી કરી હતી. દીકરીને યોગ્ય ઉંમરે સારા પરિવારમાં વળાવવાની દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે અને એની સાથે મનમાં હોંશ પણ ખૂબ હોય છે. નવનીતરાય અને સવિતાબહેન ખૂબ જ સમજદાર, ઠરેલ અને ખાનદાન... સાલસ સ્વભાવને લીધે બધા સાથે સારા સંબંધ...

ગર્ભશ્રીમંત અને સાથે સંસ્કારી ઘરના દીકરાની વાત પોતાની દીકરી માટે આવે એ વાત, દીકરીના માતાપિતાને ખુશીથી પાગલ જ કરી દે છે. હજી તો ફક્ત વાત આવી હોય, ત્યાં તો દીકરીના માતા-પિતા દીકરીના લગ્ન પણ મનમાં કરાવી દે અને પોતાની દીકરીને એ સુખી સંસ્કારી ઘરની વહુ તરીકે જોવા પણ લાગે... પહેલાં એવું કહેવાતું, “દીકરી જન્મે ત્યારે બધા દુઃખી થતા હોય છે.” એ વાત થોડા અંશે સાચી પણ હોઈ શકે... કારણકે દીકરી જન્મે ત્યારથી જ દીકરીના માતા-પિતાને ચિંતા થઈ જતી હોય છે કે મારી દીકરીને સાસરું તો સારું મળશે ને? એના સાસરાવાળા સારા તો હશે ને? અમે અમારી દીકરીને સાચવી છે એમ એ લોકો પણ સાચવશે ને? આ બધી વાતની શંકા હોય... છતાં પણ દીકરીને પારકા ઘરે, પારકા લોકો વચ્ચે અને પારકાને પોતાના કરવા, માતા-પિતા હરખભેર મોકલાવે છે. જેમ જેમ દીકરી મોટી થતી જાય એમ ચિંતાનું પ્રમાણ માતા-પિતા માટે વધતું જતું હોય છે. આવી જ ચિંતા ધ્વનિના માતા-પિતાને છેલ્લા કેટલાક દિવસથી થતી હતી... કે હવે શું?

એકની એક દીકરી ધ્વનિ, હવે કોલેજના છેલ્લા વર્ષમાં હતી. નવનીતરાય અને સવિતાબહેન કોઈ પણ પ્રસંગમાં જતા, ત્યારે ઘણા ખરા લોકો સવિતાબહેનને ધ્વનિ વિશે પૂછતાં હતાં, એટલે એક વાત તો નક્કી કે દીકરી પરણાવવા જેવડી થઈ ગઈ છે. એમાં નવનીતરાયનો પરિવાર જૈન ધર્મમાં ખૂબ માનવાવાળો... એમને સૌથી મોટી ચિંતા હતી કે, આજના વ્યસનયુક્ત આધુનિક વાતાવરણમાં, નિર્વ્યસની મુરતિયો દીકરી માટે ક્યાંથી મળશે? કે જે ધર્મમાં માનતો હોય. જ્યાં ધ્વનિને પરણાવીશું, એ લોકો જૈન ધર્મ બરોબર અનુસરતા નહીં હોય, તો ધ્વનિનું શું થશે?

બાળપણથી ધ્વનિને નવનીતરાય અને સવિતાબહેને જૈન ધર્મની સાચી સમજ અને સંસ્કાર આપ્યાં હતાં. જૈન ધર્મના રંગે રંગાયેલી ધ્વનિ, હવે એટલી ધાર્મિક બની ગઈ હતી કે, માતા-પિતા સાથે સમજણપૂર્વક ધર્મની વાતો કરતી થઈ ગઈ હતી. હવે દેરાસરમાં જઈને ધર્મ વિશે વધારે અને વધારે અભ્યાસ કરતી હતી અને જૈન ધર્મને સરસ રીતે અનુસરતી હતી. એણે ધર્મને કર્મમાં વણીને જીવન જીવવાનું અપનાવી લીધું હતું, ૨૧ વર્ષની ઉંમરમાં ધ્વનિએ 3 વાર અઠ્ઠાઈ કરી લીધી હતી. એક વાર વરસી તપ કર્યું હતું. તેની સખી સીમાએ પણ ધ્વનિને જોઈને અઠ્ઠાઈ કરવાની હિંમત કરી, પરંતુ તે હિંમત હારી ગઈ અને એને પણ થયું કે ધ્વનિ કેટલું આકરું તપ કરી શકે છે. આવી દીકરી માટે જો સામેથી સારા ઘરનું માંગુ આવે તો ધ્વનિના માતા-પિતા તો દાદાની કૃપા જ સમજે ને?

આજે સવારે નવનીતરાય જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે એમને પણ ક્યાં ખબર હતી કે એમની સાથે આજે શું થવાનું હતું? રાતના થાક્યોપાક્યો અને જીવનથી નિરાશ થઈને માણસ જ્યારે સૂએ... ત્યારે એને પણ ક્યાં ખબર હોય છે કે નવા દિવસનો સૂરજ આ દુનિયાની ધરતી પર રહેલા એક એક માણસની ચિંતા કરતો હોય છે, અને આશાના કિરણો લઈને ઉગે છે. બધાના જીવનમાં બને એટલું સુખ આપતો આપતો પાછો પોતે થાકીને સાંજે વિદાય લે છે. એવું જ કાંઈક નવનીતરાય સાથે થયું. હજુ તો રાતના જ સવિતાબહેને વાત કરી, “બધા ધ્વનિ માટે બહુ પૂછે છે, શું આપણે હવે એની માટે જોવાનું શરૂ કરીએ?” ત્યારે નવનીતરાય કંઈ જ જવાબ આપી ન શક્યા, એમને બહુ આશ્ચર્ય થયું કે શું મારી દીકરી એટલી બધી મોટી થઈ ગઈ કે હવે મારે એને બીજાના ઘરે વળાવી દેવાની? આજ ચિંતાનો વિષય સાથે લઈને તેઓ સૂતા. આખા દિવસનો થાક હતો એટલે શરૂઆતમાં તો નીંદર આવી ગઈ... પણ મધરાતના જ્યારે નીંદર ઉડી તો તેઓ પાછા એ વિચારમાં ખોવાઈ ગયા. એ વિચારતા હતા કે બધાને મારે દીકરી મોટી થઈ એ ખબર પડી, પણ ઘરમાં રહીને મને તો એવું ક્યારેય નથી લાગ્યું કે મારી લાડલી મોટી થઈ હોય. થાકેલી આંખો વિચાર કરતાં કરતાં ક્યારે બંધ થઈ ગઈ એ ખબર પણ ના પડી. પણ સવારે ઉઠીને પહેલો વિચાર પાછો એ જ આવ્યો.

નવનીતરાય લગભગ નવ વાગે ઓફિસે જવા તૈયાર થયા, ત્યારે તેમને ખબર હતી કે તેમના પત્ની તે સવાલ પાછો પૂછશે એટલે એમણે સામેથી જવાબ આપી દેવો ઉચિત સમજ્યો. એમણે પત્નીના ખભા પર હાથ રાખીને કહ્યું, “જો સવિતા, તેં મને જે કાલે ધ્વનિ માટે પૂછ્યું, એની માટે મને વિચારવા માટે થોડો સમય આપ. પછી આપણે નક્કી કરીએ કે શું કરવું જોઈએ?” સવિતાબહેને હસીને કહ્યું, “સારું, તમને ઠીક લાગે એમ બસ... પણ યાદ રાખજો આ વાત, વિચારજો જરૂર.” નવનીતરાય હા પાડીને ઓફિસે જતા રહ્યાં. સવિતાબહેને પતિનું મન તેમના ચહેરાની રેખાઓ પરથી વાંચી લીધું. એમને ખબર હતી કે ધ્વનિના લગ્નનું વિચારીને નવનીતરાય ઉદાસ થઈ ગયા હતા. સવારથી વધારે વાતો પણ નહોતી કરી અને નાસ્તો પણ બરાબર ન કર્યો... પણ સવિતાબહેને મન મનાવ્યું કે બે ચાર દિવસમાં તેઓ પણ માની જશે. આખરે યુવાન દીકરીના માતા-પિતા માટે બીજો વિકલ્પ હોય છે જ ક્યાં? નવનીતરાય ઓફિસ પહોંચ્યા, કામ શરૂ કર્યું પણ મગજમાં એક જ વિચાર ચાલતો હતો કે શું મારી દીકરીને મારે વળાવી દેવાની? આ વિચાર તેમનો પીછો નહોતો છોડતો. બપોરના લગભગ એકાદ વાગે નવનીતરાય જમવા બેસવાની તૈયારી કરતાં હતાં. ત્યાં તેમના વેપારી મિત્ર મનસુખરાયનો ફોન આવ્યો. મનસુખરાયના ફોનથી નવનીતરાય બહુ જ અચરજ થયું, કારણ રસ્તામાં પણ જો ક્યારેક તેઓ મળી જાય તો પણ ફક્ત હાથ ઉપર કરી, 'રામરામ' કરીને તેઓ ચાલવા લાગતા. ક્યારેય ઊભા રહીને વાત કરવાનો એ લોકો વચ્ચે વ્યવહાર ન હતો... પણ આજે ફોન આવ્યો એટલે એમને બહુ જ આશ્ચર્ય થયું હતું. ત્યાં સામેથી નવનીતરાય મનસુખરાય બોલતા હતા એ સાંભળ્યું, “કેમ છો નવનીત શેઠ?” નવનીતરાયે જવાબ આપ્યો, “અરે, શું વાત છે, આજે તમે મને યાદ કર્યો? બોલો, બોલો, શું સેવા કરી શકું આપની?” મનસુખરાયે જવાબ આપ્યો, “ધંધાની વાત નથી, શેઠ... આ તે અંગત વાત છે. જો વાંધો ન હોય તો સાંજે મારી ઓફિસે આવો તો શાંતિથી વાત થાય.” નવનીતરાયે પોતાના આશ્ચર્યને કાબૂમાં રાખીને કહ્યું “હા, ચોક્કસ... મળીએ સાંજે.” ત્યારે તો વાત પૂરી થઈ પણ નવનીતરાયનું મગજ ખૂબ જ ઝડપથી ચાલવા લાગ્યું હતું. તેઓ વિચારમાં ખોવાઈ ગયા કે મનસુખરાયને મારું શું કામ હશે? મુશ્કેલીથી દિવસ પસાર થયો અને સાંજે તેઓ મનસુખરાયની ઓફિસમાં ગયા.

મનસુખરાયે નવનીતરાયનું ખૂબ જ સરસ રીતે સ્વાગત કર્યું. પહેલાં બંનેએ સાથે ચા પીધી પછી નવનીતરાયથી રહેવાયું નહીં એટલે એમણે જ વાતની શરૂઆત કરીને કહ્યું, “બોલો શેઠ, હવે મને કહો, મને કેમ યાદ કર્યો?” મનસુખરાયે હસીને જવાબ આપ્યો, “નવનીતરાય, આજે જે કામ માટે મેં આપને અહીં આવવાની તકલીફ આપી એની માટે પહેલાં તો માફી માંગું છું. કારણકે ખરેખર મારે આવવું જોઈએ પણ અહીં શાંતિથી વાત કરી શકાય એટલે આપને બોલાવ્યા.” મનસુખરાય બે મિનિટ માટે મૌન રહ્યા પણ નવનીતરાયની ઉત્સુકતા અને અચરજ... વધતાં જતાં હતાં કે એવી તે શી વાત છે કે મનસુખરાય વાતમાં આટલું મોણ નાખે છે? આ વાતને ટૂંકી કરવાના ઈરાદે નવનીતરાય સીધા મુદ્દા પર જ આવ્યા, એમણે કહ્યું, “હું તમારે ત્યાં આવું કે તમે મારે ત્યાં, શું ફરક પડે છે? હવે કહો, શું કામ હતું?” મનસુખરાયે કહ્યું, “નવનીતરાય, મારો દીકરો મનોજ હવે ઉંમરલાયક થયો. ગયા વર્ષથી તેણે ઘરનો ધંધો પણ સંભાળી લીધો છે અને એમાં એ સફળ પુરવાર થયો છે, હવે મને એમ લાગે છે કે મારે એના લગ્ન કરાવવા જોઈએ.” નવનીતરાયે વિચાર્યું અને મનમાં બોલ્યા, “ઓહો, આમ વાત હતી... તેમના દીકરાની ભલામણ કરવા માટે બોલાવ્યો હતો કે કોઈ સારું માંગું હોય તો ધ્યાન રાખજો.” એ વિચારવા લાગ્યા કે કાલ રાતથી તેઓ આવી જ બધી વાતો સાંભળતા હતા. પાછું તેમના મગજે ધ્વનિ વિશે વિચારવાનું શરુ કરી દીધું. સાથે સાથે તેમણે વિચાર્યું કે જો આ જ વાત હોત તો મનસુખરાય એમને ફોનમાં પણ કહી શક્યા હોત. મનસુખરાયનું નામ તો જૈન સમાજમાં ખૂબ જ ઊંચું હતું. કોઈ પણ પોતાની દીકરી દેવા તૈયાર થઈ જાય. છતાં તેમણે મુખ પર સ્મિત સાથે કહ્યું, “હા, મનસુખરાય, સાચી વાત છે. બાળકોની યોગ્ય ઉંમર થાય એટલે એમને પરણાવવા જ જોઈએ. બોલો, હું આમાં આપની કેવી રીતે મદદ કરી શકું?”

ત્યાં જ મનસુખરાય બોલ્યા, “નવનીતરાય, થોડા દિવસ પહેલાં મારે કામ માટે કાંદીવલી આવવાનું થયું હતું. થોડો સમય હતો એટલે ત્યાં હું દેરાસરમાં દાદાના દર્શન કરવા ગયો. ત્યાં મેં એક દીકરીને દાદાની પૂજા કરતા જોઈ. એ દીકરી એટલા બધા ભાવથી પૂજા કરતી હતી કે એને એની આજુ બાજુ શું ચાલતું હતું, એ પણ તેને ખબર ન હતી. મને મારા મનોજ માટે ગમી ગઈ, કારણ આજના યુવાનો પાસે પ્રભુ પ્રત્યેનો આટલો બધો ભાવ મેં બહુ નથી જોયો. મેં દેરાસરમાં આ દીકરી માટે પૂછ્યું, તો મને ખબર પડી કે એ તમારી દીકરી ધ્વનિ છે. એટલે મેં નક્કી કર્યું કે હું બીજા કોઈને કહું, એ પછી એ તમને કહે, પછી વાત આગળ વધે... એના કરતાં મારો દીકરો અને તમારી દીકરી... તો આપણે વાત કરીએ લઈએ તો સારું રહેશે. જો તમને અને તમારા ઘરમાં સર્વેને મંજૂર હોય... અને ખાસ તો તમે તમારી દીકરીનું મન જાણી લેજો. તેને મંજૂર હોય, એના જીવનમાં જો કોઈ બીજું પાત્ર ન હોય તો જ આપણે વાત આગળ વધારીએ.” આટલી લાંબી વાત કહીને મનસુખરાય મૌન રહ્યા. હવે જવાબ આપવાનું કામ નવનીતરાયનું હતું. નવનીતરાયના માનવામાં નહોતું આવતું કે આજનો સૂરજ એમની માટે આટલી બધી ખુશી લાવશે. એમની નજર મનસુખરાય પર પડી. પોતાની ખુશીને થોડી કાબૂમાં રાખીને કહ્યું, “મનસુખરાય, આ તો અમારા અહોભાગ્ય છે કે આપને અમારી દીકરી ગમી. ધ્વનિ હજી કોલેજના છેલ્લા વર્ષમાં છે. એનું ભણવાનું હજી પૂરું નથી થયું. એટલે ઘરે પૂછીને હું આપને રાત્રે ફોન કરું.”

મનસુખરાયે હસીને જવાબ આપ્યો, “ભણતરની બાબતમાં આપ જરા પણ ચિંતા ન કરતા. મારે ઘરે પણ દીકરી છે, નવનીતરાય... અને આજના જમાનામાં ભણતરની શું કિંમત છે? એ મને પણ ખબર છે. ધ્વનિનું ભણવાનું પણ અમે નહીં અટકાવીએ, એને કોલેજમાં જવું હોય તો વાંધો નથી અને આગળ ભણવું હોય તો પણ ખુશીથી ભણે.” મનસુખરાયની વાતોથી નવનીતરાયને અંદાજો આવી ગયો કે ઘ્વનિ મનસુખરાયના મનમાં વસી ગઈ હતી... પણ તેઓ પણ હા પાડી શકે તેમ ન હતા કારણ કે ઘ્વનિની જિંદગીનો મહત્વનો નિર્ણય એને પૂછ્યા વગર કેવી રીતે લેવાય? એટલે તેમણે કહ્યું, “સારું, હું બધી વાતો ઘરમાં કરીને આપને રાત્રે જણાવું છું.”

મનસુખરાયની વિદાય લઈને તેઓ ઘર તરફ રવાના થયા. તેઓ વિચારતા હતા કે આજનો દિવસ ખૂબ જ સરસ હતો. એમને ખબર હતી કે મનસુખરાયનું નામ જૈન સમાજમાં બહુ જ સારું ગણાતું. એમનો સ્વભાવ પણ સૌ જાણતા હતા. ઉદારદિલ અને હસમુખા વ્યક્તિ તરીકે એ આખા સમાજમાં પ્રખ્યાત હતા. તેઓ વિચારવા લાગ્યા કે કે જો ધ્વનિના લગ્ન આ ઘરમાં થઈ જાય તો ધ્વનિનું જીવન સુખમય પસાર થશે. પોતાની કારમાં પાછલી સીટ પર બેસીને તેઓ મનસુખરાય સાથેની વાતો યાદ કરવા લાગ્યા. ત્યાં જ એમને મનસુખરાયની વાત યાદ આવી. “દીકરીનું મન જરૂર જાણજો કે એના જીવનમાં બીજું કોઈ પાત્ર તો નથી ને?” અને બસ.... સારા વિચારો પર ચિંતાએ કબજો જમાવી લીધો અને આનંદ તકલીફમાં પરિવર્તિત થઈ ગયો. “આટલા સારા ઘરનું ઠેકાણું શું દીકરીના નસીબમાં નહીં હોય?” તેઓ મનમાં ને મનમાં આજના ચાલતા વાતાવરણને દોષ દેવા લાગ્યા. તેઓ વિચારવા લાગ્યા ને મનમાં બોલ્યા, “મારી દીકરી તો સારી જ છે પણ બહારનું વાતાવરણ એવું છે કે કદાચ... એ વાતાવરણે મારી દીકરીને પણ બગાડી નાખી હોય. શું એના જીવનમાં બીજું પાત્ર આવી ગયું હશે? અને જો હશે, તો કોણ હશે? કેવો હશે? કઈ નાતનો હશે? શું ઘ્વનિ જેવી દીકરીને વાતાવરણની ખરાબ અસર થઈ શકે?” સવાલોની હારમાળાએ નવનીતરાયને ગૂંગળાવી નાખ્યાં. મનમાં સવાલોની ભરમાર થતી હતી. છેવટે એમણે વિચાર્યું કે દીકરી પોતાની માતાથી કદી કંઈ ના છુપાવે, એટલે એમણે તરત જ બધા સવાલોના જવાબ માટે પોતાના ઘરે પત્ની સવિતાબહેનને ફોન લગાડવાનું વિચાર્યું.

રોજ સવિતાબહેન એમને યાદ કરીને મોબાઈલ આપતાં અને રોજ નવનીતરાય કહેતા, “પહેલાં આખા ઘરમાં એક ફોન હતો. ઓફિસે જઈએ એટલે ત્યાં ફોન હતો. તો પણ કોઈ દિવસ કાંઈ તકલીફ પડી હતી? આ રમકડાની મારે કોઈ જરૂર નથી. મને ન ફાવે આ ફોન.” તો પણ સવિતાબહેન માનતા નહીં અને પરાણે મોબાઈલ આપતાં અને કહેતાં, “ભલે તમને કામ ન લાગે, તો પણ રાખો. અમને તમારી ક્યારેક અચાનક જરૂર પડે અને તમે ઓફિસમાં હાજર ન હોતો સંપર્ક કરી શકાય.” આજે એ જ રમકડું એમને મીઠું લાગતું હતું. એમણે ઘરે ફોન કર્યો. બેથી ત્રણ રિંગમાં સવિતાબહેને ફોન ઉપાડ્યો. સામે નવનીતરાયનો અવાજ સાંભળીને સવિતાબહેનને ખૂબ જ આશ્ચર્ય થયું... કારણ આ સમયે તો તેઓ ઓફિસમાંથી ઘરે આવવા રવાના થઈ ગયા હોય. કદાચ એટલે આ ફોન મોબાઈલથી કર્યો હશે. છેલ્લા એક વર્ષથી પતિને મોબાઈલ આપ્યો હતો, પણ એમણે મોબાઈલ વાપર્યો હોય એવું તેમને યાદ આવતું ન હતું. એટલે સવિતાબહેન ચિંતિત થઈ ગયા. તેમણે તરત જ પૂછ્યું, “હા, કહો શું હતું? તબિયત તો સારી છે ને? આજે મોબાઈલના સારા દિવસ આવ્યા કે તમે એને વાપર્યો.” આટલી ચિંતા અને સવાલોથી ઘેરાયેલા હોવા છતાં નવનીતરાય હસી પડ્યા. તેમણે પત્નીને પૂછ્યું, “સવિતા, આજે થોડા સવાલોએ મને ગૂંગળાવી નાખ્યો છે. મને એના જવાબ આપ, તો મને શાંતિ થાય... અને જો તને હકીકત ખબર હોય તો મને સાચો જવાબ આપજે. મારાથી કાંઈ પણ છુપાવતી નહીં.” હવે સવિતાબહેનને ખૂબ જ નવાઈ લાગી, કારણકે છેલ્લાં ૨૬ વર્ષના લગ્નજીવનમાં આટલા સવાલો એકી શ્વાસે નવનીતરાયે કદી પૂછ્યા નહોતા. તો પણ સ્વસ્થતા જાળવીને સવિતાબહેને પૂછ્યું, “હા... બોલો ને, શું પૂછવું હતું?” નવનીતરાયે કહ્યું, “સવિતા, એક મા અને દીકરી ખૂબ જ સારા નજીકના મિત્રો હોય છે. તેઓ પોતાની વાતો ક્યારેય પણ એકબીજાથી ગુપ્ત રાખતાં નથી. મને એ કહે કે શું તને એવી કોઈ જાણ છે કે, ઘ્વનિના જીવનમાં કોઈ પણ છોકરો હોય? એટલે કે એને કોઈ સાથે પ્રેમ હોય... શું એણે તને ક્યારે એવું કાંઈ જણાવ્યું છે?” નવનીતરાય જવાબની આતુરતામાં ચૂપ થઈ ગયા અને બીજી બાજુ સવિતાબહેનના અચરજમાં વધારો થયો. એમણે નવનીતરાયને પૂછ્યું, “કેમ આવું પૂછો છો? શું તમે ઘ્વનિને કોઈ છોકરા સાથે જોઈ છે?” નવનીતરાય ઉત્તરની અપેક્ષામાં હતા એટલે સવિતાબહેનના સવાલથી તેઓ જરાક ગુસ્સે થઈ ગયા અને કહ્યું, “સવિતા, સવાલ સામે સવાલ નહીં કર. હું મારા સવાલોથી મૂંઝાયેલો છું, એમાં તો વધારો ન કર. જે પૂછ્યું છે એનો જવાબ આપ. વધારે બધી વિગત ઘરે આવીને જણાવીશ.” સવિતાબહેનને થયું કે વાત કંઈક વધારે ગંભીર લાગે છે, એટલે એમણે વધારે ચર્ચા ન કરતાં તરત જ જવાબ આપ્યો... “ના, ધ્વનિએ એવી કોઈ વાત ક્યારે કરી નથી. હવે તો કહો, શું વાત છે? શું થયું?” નવનીતરાયને હાશકારો થયો એમણે રાહતનો શ્વાસ લીધો ને કહ્યું, “આવીને કહું છું બધું.” એટલું કહીને ફોન કટ કરી નાખ્યો. હવે સવિતાબહેનને બહુ જ ગુસ્સો આવ્યો કે પતિએ વાત અડધી કરી અને હવે પોતાને ચિંતામાં નાખી દીધી... પણ હવે શું થાય? રાહ જોવા સિવાય છુટકો જ ન હતો... બીજો કોઈ ઈલાજ પણ ન હતો. સવિતાબહેનના હાથમાંથી કામ છૂટતા ન હતા, જાણે કે, સમય પણ થંભી ગયો હતો. એમને ખબર હતી કે નવનીતરાય ધ્વનિને ખૂબ પ્રેમ કરતા હતા પણ આજે આટલા સવાલો શા માટે? તેઓ આતુરતાથી નવનીતરાયની રાહ જોવા લાગ્યા.

લગભગ કલાક પછી નવનીતરાય આવ્યાં. દરવાજો ખોલતાં વેંત નવનીતરાયને જોઈને સવિતાબહેનથી ન રહેવાયું... પાણીનો ગ્લાસ આપીને એમણે તરત જ પૂછ્યું, “પહેલાં મને કહો કે શું થયું? કેમ આટલા સવાલો પૂછવામાં આવેલા?” પત્નીની અધીરાઈ જોઈને નવનીતરાય પણ સમજી ગયા કે જો હવે પોતે તરત જ બધી વાતનો ખુલાસો નહીં કરે તો પત્નીનો ગુસ્સો સહન કરવો પડશે.

***