Ant Pratiti - 7 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 7

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૭)

ક્રૂર કાળચક્ર

કરેલા કર્મોનો હિસાબ તો મનુષ્ય અવતારમાં ભગવાને પણ ચૂકવ્યો છે,

આપણે તો પામર મનુષ્ય, નિયતીના નિયમમાંથી છૂટી શકવાના...?

દિવસ અને રાતનું ચક્કર એની ગતિમાં ફરતું જતું હતું. એક રાત્રે અચાનક મનોજને તાવ ચડ્યો. ઘરે જ ડોક્ટરને બતાવ્યું. તેમણે કહ્યું, “નોર્મલ તાવ છે.” દવા આપીને ડોક્ટર જતા રહ્યાં. બીજા ત્રણ દિવસ થયાં. હવે મનોજનું જમવાનું પણ ઓછું થતું જતું હતું. તાવ ઉતરતો નહોતો. અચાનક એક દિવસ મનોજને લોહીની ઊલટી થઈ. હવે બધાના જીવ અધ્ધર થઈ ગયાં. તરત જ મનોજને હોસ્પિટલમાં દાખલ કર્યો અને બધા ચેકઅપ શરૂ કર્યા. ઉષાબહેન, ધ્વનિ અને મનસુખરાય હોસ્પિટલમાં રહેતા. બાળકોને મીનાક્ષીભાભી ઘરે સંભાળતા. સમીર અને વર્ષા સહિત બધા મિત્રો ખડે પગે હાજર હતાં. રિપોર્ટ બધા ત્રણ દિવસ પછી આવવાના હતાં. સવિતાબહેન પણ ઘરે જ આવી ગયાં હતાં જેથી બાળકોને સંભાળવામાં મીનાક્ષીભાભીને મદદ મળી રહે. બાળકોની શાળાની જવાબદારી વર્ષાએ સંભાળી લીધી હતી.

આમ ને આમ ખૂબ જ ટેન્શનમાં ત્રણ દિવસ પૂરાં થયાં. આજે સાંજે રિપોર્ટ આવવાના હતાં, એટલે બધાના જીવ ખૂબ જ અઘ્ધર હતાં. સાંજ પડી અને ડોક્ટરે મનસુખરાયને પોતાની કેબિનમાં બોલવ્યાં, ડોક્ટરે મનોજના મિત્ર સમીરને પણ બોલાવ્યો. ધ્વનિએ અંદર જવાની જીદ કરી... પણ ડોક્ટરે ના પાડી. હવે ધ્વનિ સાથે બધાને ફાળ પડી કે એવું શું હશે રિપોર્ટમાં કે ધ્વનિને અંદર જવા માટે ડોક્ટરે ના પાડી?

મનસુખરાય અને સમીર કેબિનમાં ગયાં. ત્યાં ડોક્ટર થોડીવાર કંઈ જ બોલી ન શક્યા. એમની પાસે જ્યારે શબ્દો ઓછા પડતાં જોયા ત્યારે મનસુખરાયે મનમાં નક્કી કરી લીધું કે વાત થોડી વધારે ગંભીર છે... અને હવે એમને જે સાંભળવું પડશે... એની માટે પોતાની જાતને તૈયાર કરતાં હતાં. આખરે ડૉક્ટર બોલ્યાં, “ભાઈ, શાંતિથી સાંભળજો. મનોજને પેટનું કેન્સર છે, આજના રિપોર્ટ આવું કહે છે.” મનસુખરાયની આંખો સામે અંધારા આવી ગયાં. સમીરે કહ્યું, “ડોક્ટર, કેવી રીતે શક્ય બને? મનોજને એક પણ વસ્તુનું વ્યસન નથી. કેન્સર થાય કેવી રીતે?” મનસુખરાયને તો જાણે કંઈ સંભળાતુ જ ન હતું. ડોકટરે જવાબ આપ્યો, “એવું નથી કે જેને વ્યસન હોય એને જ કેન્સર થાય.” કોઈ આ વાત માનવા તૈયાર નહોતું. બધા શાંત... રૂમમાં જાણે સ્મશાન જેવો સન્નાટો છવાઈ ગયો હતો. ત્યાં મનસુખરાયે પોતાનું મન મજબૂત કરીને ડોક્ટરને પૂછ્યું, “કેટલો સમય?” ડોક્ટર સાથે સમીર પણ સ્તબ્ધ થઈ ગયો... હવે જવાબ આપવા માટે ડૉક્ટરે પોતાની જાતને મજબૂત કરવાની હતી. ડોક્ટરે મહા મુશ્કેલીથી કહ્યું, “વધારેમાં વધારે... એક વર્ષ.” મનસુખરાય ઊભા થઈ ગયા. સમીર પ્રશ્નાર્થ નજરે મનસુખરાય સામે જોવા લાગ્યો. એટલે તેઓ બોલ્યાં, “ચાલો, બહાર જઈએ. વાત થઈ ગઈ પૂરી.” એમને ખબર હતી કે બહાર ધ્વનિ અને મનોજ આતુરતાથી મનસુખરાયની રાહ જોતાં હતાં. મનસુખરાયના પગ પણ ઉપડતા ન હતાં. એ કેવી રીતે બધાનો સામનો કરશે? આખા કુટુંબને એમણે કહેવાનું હતું... પણ એમણે નક્કી કર્યું કે આજે તો આ સમાચાર ધ્વનિ અને મનોજને નથી આપવા.

ઘરમાં બધાને આ સમાચાર કહી દે પછી તેઓ ધ્વનિ અને મનોજને કહેશે અને તેઓ ડોક્ટરની કેબિનની બહાર નીકળ્યા. તેઓ મનોજની રૂમમાં ગયા. એમણે પોતાના પર અતિશય કાબુ રાખ્યો અને ધ્વનિને કહ્યું, “આ ડૉક્ટર પણ ગધેડો છે. હવે કહે છે કે બીજા રિપોર્ટ કઢાવવાના છે. એટલે કાલે નક્કી કરશે કે કઈ દવા શરૂ કરવાની.” ધ્વનિને થોડી શાંતિ થઈ કે ચાલો, હવે વાત કાલ પર ગઈ. મનોજ મનમાં સમજી ગયો, પણ મૌન રહ્યો. મનસુખરાય પછી ત્યાં ઊભા ન રહ્યાં. તરત જ સમીર સાથે ઘરે જવા રવાના થયાં.

ઘરે પહોંચ્યા એ ભેગાં દરવાજામાં જ મનોજના બાળકો સામા આવ્યાં અને પૂછવા લાગ્યા, “દાદાજી, પપ્પા ક્યારે ઘરે આવશે? પપ્પા વગર ગમતું નથી.” મનસુખરાયે હસીને જવાબ આપ્યો, “જલદી આવી જશે પપ્પા ઘરે. બસ, બે ચાર દિવસ રાહ જુઓ, બેટા.” હવે મનસુખરાયનો સૌથી મોટો પ્રશ્ન હતો કે ઉષાબહેનને, એક માતાને કેવી રીતે કહેવું કે તારા દીકરાને કેન્સર છે અને એ વધારે જીવવાનો નથી. ઘરમાં બધાને ખબર પડી કે મનસુખરાય આવી ગયાં છે... બધા રિપોર્ટની રાહ જોતા હતાં. બધા એમના રૂમમાં રિપોર્ટ જાણવા આવ્યાં. હજી ઘરમાં કોઈ જમ્યું ન હતું. મનસુખરાયે વિચાર્યું કે બધા જમી લે પછી જણાવું. એટલે તેમણે કહ્યું, “રિપોર્ટ કાલે આવવાનો છે.” આ સાંભળીને બધાં વિખેરાઈ ગયાં. જમવાની તૈયારી થઈ, મનસુખરાયે તબિયતનું બહાનું કાઢ્યું અને જમવા ન બેઠા. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતાં.

બધાનું જમવાનું પત્યું એટલે મનસુખરાયે પોતાના મોટાભાઈ અને ભાભીને પોતાની રૂમમાં બોલાવ્યાં અને તેમને બધી હકીકત જણાવી. મનસુખરાય અને તેમના ભાભી ખૂબ જ રડયાં. આખરે મોટાભાઈ અવિનાશભાઈ મનસુખરાય પાસે આવ્યાં અને સજળ નેત્રે કહ્યું, “જો ભાઈ, થવા કાળ થઈ ગયું છે. બનવા કાળ બનાવવાનું છે જ... જેને આપણે બદલી નથી શકવાના. હવે તારે કઠણ કાળજાના થવાનું છે. ધ્વનિ અને એના બાળકોની સંભાળવાની જવાબદારી હવે તારા પર છે. આંસુને સુકવી નાખ... દીકરાને કાંધ તારે આપવાની છે, ભાઈ.” મનસુખરાય ધ્રુસકે ધ્રુસકે રડતાં રડતાં બોલ્યાં, “ભાઈ, કોઈ દિવસ જિંદગીમાં કોઈને હેરાન કર્યા નથી. કોઈનું કાંઈ બગાડ્યું નથી. તોય આવું મારી સાથે કેમ? આપણી પુત્રવધૂ ધ્વનિ અને પુત્ર મનોજ આટલું ભગવાનને માનવાવાળા.. એણે પણ પ્રેમ સિવાય કોઈને કશું આપ્યું નથી. કોઈ સાથે એણે દ્વેષ કર્યો નથી. હવે તેનું ભવિષ્ય શું? મનોજનું આયુષ્ય વધારેમાં વધારે એક વર્ષ... મારી આટલી જુવાન પુત્રવધૂને હું કેવી રીતે જોઈશ? મારો દીકરો મનોજ... આટલા આધુનિક જમાનામાં એણે પોતાની જાતને સંયમથી રાખ્યો છે. તો એને કેન્સર કેવી રીતે થાય? એણે હજી દુનિયા ક્યાં માણી છે? એના બાળકોનો શું વાંક છે કે એમને પપ્પાનો પ્રેમ નહીં મળે? હું વિચારી નથી શકતો કે મારો મનોજ, મારી સામે, મને છોડીને જતો રહેશે અને હું કાંઈ નથી કરી શકું.”

હજી તો મનસુખરાય બોલતા હતા, ત્યાં દરવાજા પાસે કોઈકના પડવાનો અવાજ આવ્યો. બધા દરવાજા પાસે દોડ્યા, જોયું તો ઉષાબહેન બેહોશ થઈને ત્યાં નીચે પડ્યાં હતાં. બધાએ મળીને એમને પલંગ પર સુવડાવ્યા. મોઢા પર પાણીનો છંટકાવ કર્યો. ઉષાબહેન ભાનમાં આવ્યાં. એમણે મનસુખરાય સામે જોયું તો તેઓ પણ રડતાં હતાં. ઉષાબહેને પણ રડતાં રડતાં મનસુખરાયને પૂછ્યું, “સાચું કહો, તમે ખોટું બોલતા હતા ને કે મનોજને કેન્સર છે?” મનસુખરાય ફક્ત રડતાં જ રહ્યાં. હવે ઉષાબહેન રડતાં રડતાં એક જ વાત બોલતા હતાં, “હે પ્રભુ, મને આપવું હતું કેન્સર... મને લઈ લેવી હતી તારે... મારા મનોજને આવી કેમ બીમારી આપી?” મીનાક્ષીભાભી ઉષાબહેન પાસે આવીને બોલ્યાં, “ઉષા, આ આપણા જ કર્મોનું ફળ છે અને આપણને સ્વીકારવું જ રહ્યું કે મનોજ આપણી સાથે ફક્ત એક વર્ષ જ છે... તો આપણે એની સાથેની જીંદગી જીવવાની છે અને જીવડાવાની પણ છે... અને ધ્વનિ અને બાળકોને પણ સંભાળવાના છે. કાળજું કઠણ કરવું જ પડશે.” બધાં ખૂબ જ રડયાં... હજી તો આ સમાચાર ધ્વનિ અને મનોજને આપવાના હતાં, ત્યારે શું થશે એ વિચારીને બધાને ડર લાગતો હતો. મનસુખરાય અને ઉષાબહેન આખી રાત રાત રડતાં હતાં. સવારે ઉઠ્યા ત્યારે બન્નેની આંખો સૂઝી ગઈ હતી.

મનસુખરાય, ઉષાબહેન, અવિનાશભાઈ અને મીનાક્ષીભાભી હોસ્પિટલમાં ગયાં. એમના બધાના રડેલા ચહેરા જોઈને ધ્વનિ અને મનોજને બહુ જ નવાઈ લાગી. એ બંનેએ પૂછ્યું, “શું થયું છે? કે આવા ચહેરા છે તમારા બધાના?” કોઈએ જવાબ ના આપ્યો. ત્યાં તો મનોજના મિત્રો આવી ગયાં. મનોજના મિત્રોને પણ મનસુખરાયે બોલાવી લીધા હતાં. બધા ત્યાં હાજર હતાં. મનસુખરાયે જ વાતની શરૂઆત કરી. “મનોજ, તારો રિપોર્ટ આવી ગયો છે.” મનસુખરાયનું હૈયું વલોપાત કરતું હતું. કેવી રીતે પોતાના દીકરાને જણાવે? તેમનો ગંભીર ચહેરો જોઈને ઘ્વનિને પણ પેટમાં ફાળ પડી. બધા મિત્રો પણ સમજી ગયા કે ચોક્કસ વાત ગંભીર છે, નહીં તો અંકલ આટલા ગંભીર કદી ન બને. એટલાંમાં મનોજ ખુદ બોલ્યો, “પપ્પા, કેન્સરનો રિપોર્ટ આવ્યો છે?” “શું-શું કેન્સર? મનોજ, તમે શું બોલો છો, તેનું તેમને ભાન છે? પ્લીઝ, આવી અશુભ વાતો ના કરો.” ધ્વનિ રડતાં રડતાં બોલી.

મનસુખરાય તો મનોજના મુખથી કેન્સર સાંભળીને તૂટી પડ્યાં. તે ઊભા ન રહી શક્યા, તરત જ સમીરે તેમને પકડી લીધા અને ખુરશી પર બેસાડી દીધા. તેમની આ સ્થિતિથી બધાને મનમાં થયું કે આ વાત સાચી છે મનોજના રિપોર્ટમાં કેન્સર આવ્યું છે. ધ્વનિ એકદમ બેબાકળી ધ્વનિને ચીસ પાડીને બોલી, “ના....ના... આવું બને જ નહીં... પ્લીઝ પપ્પા, કહોને... આ વાત ખોટી છે. પ્લીઝ, કશું તો બોલો... પપ્પા.” પણ ધ્વનિની વાતોનો કોઈની પાસે પણ જવાબ નહોતો. બધાની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. રૂમનું વાતાવરણ ખૂબ જ ગમગીન ધ્વનિ ગયું હતું. પરંતુ મનોજ ખૂબ જ સ્વસ્થ હતો એ ખૂબ જ શાંતિથી બોલ્યો, “પપ્પા, ડોક્ટરે કેટલો સમય કહ્યો છે?” ત્યારે મનસુખરાય હિંમત ભેગી કરીને બોલ્યા, “બેટા, એક વર્ષનો સમય છે.” ધ્વનિ તો આ બધી વાતો સાંભળીને બેબાકળી બની ગઈ હતી. તે કોઈ વખત મનોજ સામે, તો કોઈ વખત પપ્પાની સામે જોયા કરતી હતી. તેની માટે આ વાત માનવી જ અશક્ય હતી કે મનોજ હવે તેની સાથે એક વર્ષ માટે જ છે. મનોજનો સાથ હવે એક વર્ષ માટે જ છે. પછી અચાનક તે મનસુખરાય તરફ ફરીને, તેમના પગ પાસે બેસીને બોલી, “પપ્પા, આપણે કાલે જ મનોજને બીજી હોસ્પિટલમાં એડમિટ કરીએ. પ્લીઝ, પપ્પા...” મનસુખરાય સ્વસ્થ થતાં બોલ્યા, “હા બેટા, અમે પણ એ જ વિચાર્યું છે કે તેને બીજી હોસ્પિટલમાં બતાવશું.” મનોજ બોલ્યો, “પપ્પા, હવે તેનો કોઈ અર્થ નથી. જિંદગી તો બગડવાની હતી તે બગડી ગઈ. હવે તેનાથી વધારે તો કશું થવાનું નથી. પછી શા માટે આ બધું?” ધ્વનિએ કહ્યું, “નહીં, મનોજ એમ હું તને જીંદગીની રમતમાં હારવા નહીં દઉં. જીંદગીની શતરંજમાં તમે આમ અચાનક હાર માની લો, તો કેમ ચાલે? તમારે જીતવાનું છે જ...અમારા બધા માટે માટે, આવી વાતો ના ઉચ્ચારો... પ્લીઝ.” પછી સમીરને લઈને મનસુખરાય ડોકટરની કેબિનમાં ગયા. જો તેઓ પરમીશન આપે તો મનોજને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી શકે.

ડોક્ટરને પણ વાત વ્યાજબી લાગી તેથી તેમણે મનોજના કેસ પેપર્સ તૈયાર કર્યા તેના પર પોતાની સહી કરીને કેસ બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યો. ત્યાં પણ બધી જાતના ટેસ્ટ... ડોક્ટર્સના ઓપિનિયન... બધું જ કરવામાં આવ્યું. ડોક્ટર સાથે વાતચીત દરમિયાન મનસુખરાયે પૂછ્યું, “અમેરિકા, લંડન જ્યાં પણ ટ્રીટમેન્ટ થતી હોય તો ત્યાં લઈ જવા પર તેઓ તૈયાર છે.” પરંતુ ત્યાંના ડોક્ટરનો પણ એ જ ઓપિનીયન મળ્યો કે આ સ્ટેજમાં કેન્સરમાં બચવું શક્ય નથી. મનોજને પણ ખ્યાલ આવી ગયો હતો તેથી તેણે પપ્પાને કહ્યું, “પપ્પા, જો મને ડોક્ટર રજા આપે તો ઘરે લઈ જાવ. જીવનના બાકીના દિવસો મારી સાથે જીવવા દો. આમ ચિંતીત થઈને, ડરી ડરીને મારે નથી જીવવું.” મનસુખરાયે કહ્યું, “સારું બેટા ડોક્ટર સાહેબ આવશે તો તેમને પૂછીશું. જો તેઓ રજા આપશે તો ઘરે લઈ જઈશ.” “હા, પપ્પા... એ કામ પહેલાં કરજો.” મનોજ બોલ્યો ને થાકી જવાથી આંખ મીંચીને સૂઈ ગયો.

સાંજે ડોક્ટર ચેકઅપ માટે આવ્યા ત્યારે મનસુખરાયે પૂછ્યું તો ડોક્ટર બોલ્યા, “ઓકે, કાંઈ વાંધો નથી. કાલે સવારે હું ડિસ્ચાર્જ કરી દઉં છું... બધી ટ્રીટમેન્ટ પ્રમાણે દવા આપજો. દર બે અઠવાડિયે ચેકઅપ માટે આવતા રહેજો. બાકી જે ખાવા-પીવાની પરેજી જણાવી છે, એ પ્રમાણે ખવડાવજો.” એમ કહીને બીજે દિવસે સવારે રજા આપવી, એમ કહીને પેપર્સ પર સહી કરીને ગયા. મનોજ પણ ખુશ હતો કે હવે તેને ઘરે જવા મળશે. બીજે દિવસે સવારે હોસ્પિટલની ફોર્માલિટી પતાવીને તેઓ જલ્દી ઘરે આવ્યા. લગભગ પંદર દિવસથી પોતાના ૧૫ દિવસ પછી તે પોતાના ઘરે પાછો ફર્યો હતો, એને લાગતું હતું કે જાણે ૧૫ વર્ષથી પોતાના ઘરથી દૂર રહ્યો છે. ઘરે આવતાં જ, તેના આરામ માટે નીચેની રૂમમાં વ્યવસ્થા કરવામાં આવી જેથી તેને એકલવાયું ન લાગે.. ધ્વનિસ પણ હવે વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી કે હવે મનોજની જિંદગી એક વર્ષની છે. એ પણ બને એટલો સમય મનોજની સાથે જીવી લેવા માંગતી હતી. ઉષાબહેને પણ એને ઘરના કોઈ પણ કામ કરવાની ના પાડી હતી. બસ, આખો દિવસ રાત મનોજ સાથે ને સાથે રહેવું તેવું નક્કી કરવામાં આવ્યું. બાળકોને પણ હવે પપ્પાની બીમારીની ખબર પડી ગઈ હતી. ઉષાબહેન આમ પણ ખૂબ જ ઓછું બોલવાવાળા વ્યક્તિ હતા. આ પરિસ્થિતિને કારણે તેમના શબ્દોએ એમનો સાથ છોડી દીધો હતો... તેમની જિંદગી નિઃશબ્દ ધ્વનિ ગઈ હતી. જાણે કે દિલ હતું, પણ ધડકન કોઈએ કાઢી લીધી હોય. દીવો તો હતો પણ એની જ્યોત ગાયબ થઈ ગઈ હતી... છતાં પણ નિ:શબ્દ થઈને, મૂક બનીને પણ ધ્વનિને ખૂબ જ સાથ આપતા હતા. પોતે દીકરો ખોઈ બેસશે... તો ધ્વનિ પણ તેનો જીવનસાથી ગુમાવશે. તે જાણતા હતા કે બંને એક જ નાવના સવારી હતા.

આમ દિવસો મહા મુશ્કેલીથી પસાર થઈ રહ્યાં હતાં... બધા પોતાના ચહેરા હસતાં રાખતાં, પરંતુ દિલમાં દર્દ ભરેલા હતાં. પોતાનાં દર્દ ભૂલથી પણ ચહેરા પર આવી ન જાય અને મનોજને દુઃખ થાય ન થાય તેની ખૂબ જ કાળજી રાખતાં હતાં. જલદર્શન બંગલા પર ગમની કાલિમા છવાઈ ગઈ. આ બધામાં એક મનોજ મક્કમતાથી સ્વસ્થ રહેતો અને બધા સાથે સામાન્ય વર્તન કરતો. બધા સાથે હસી ખુશીથી વાતો કરતો તે દિલથી ઈચ્છતો હતો કે જતાં જતાં બધાને ખુશીના સંભારણા દેતો જાઉં. આ ક્ષણ જીવનમાં સદા મહેકતી રહે. દિવસ અઠવાડિયામાં, અઠવાડિયા મહિનાઓમાં ફેરવાતાં ગયાં. છ મહિના વીતી ગયાં. મનોજને દર અઠવાડિયે ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતો. ધીમે ધીમે તેનું શરીર પણ ક્ષીણ થવા લાગ્યું હતું. ખોરાક પર ધીમે ધીમે ઓછા થવા લાગ્યો હતો. તેને બોલવામાં પણ ખૂબ થાક લાગતો હતો, પરંતુ તે તેની વેદના એના ચહેરા પર સહેજ પણ વર્તવા દેતો ન હતો... ચહેરા પર તો સદાય હાસ્ય રાખતો હતો. તે જાણતો હતો કે જો મારા ચહેરા પર થોડી પણ ઉદાસી આવશે તો ધ્વનિને ખૂબ દુઃખ થશે. તે પોતાની જાતને સંભાળી શકશે નહીં... માટે તે પોતાની પ્રિયતમા માટે પણ સદાય હસતો રહેતો.

એક દિવસ પપ્પા સાથે મનોજ ગાર્ડનમાં બેઠો હતો, ત્યારે તેણે મનસુખરાયને કહ્યું, “પપ્પા, એક વાત કહું?” મનસુખરાય તરત બોલ્યા, “બોલ ને બેટા, શું કહેવા માંગે છે?” મનોજે કહ્યું, “પપ્પા, આપણે બધા સાથે ઉટી ફરવા જઈએ?” મનોજની વાત સાંભળીને તેમને ખૂબ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, “કેમ બેટા, અચાનક ઉટી?” મનોજે કહ્યું, “બસ પપ્પા, મને થાય છે કે હું કુદરતના સાનિધ્યમાં થોડા દિવસ જીવું બધા સાથે...” મનસુખરાયે મનોજના માથે પ્રેમથી હાથ ફેરવીને કહ્યું, “ભલે દીકરા, ડોક્ટરને પૂછી લઉં. જો તેઓ પરમીશન આપશે તો આપણે બધા અઠવાડિયા પછી ચોક્કસ જઈશું.” મનોજે કહ્યું, “ના પપ્પા, અઠવાડિયા પછી નહીં... કાલે કે પરમ દિવસે જવું છે.” મનસુખરાય મનમાં ચોંકી ગયા પછી બોલ્યા, “બેટા, ઓકે... ઓકે... હું ડોક્ટર સાહેબને હમણાં જ ફોન લગાવીને પૂછી લઉં છું.” પછી ડોક્ટરને ફોન લગાડ્યો. ફોન આવતાં જ તેઓ પણ ચિંતિત થયા, ને પૂછ્યું, “મનોજને કંઈ મુશ્કેલી ઊભી નથી થઈ ને?” મનસુખરાયે કહ્યું, “ના, ના, ડોક્ટર સાહેબ... આમ તો તેની તબિયત સારી છે પરંતુ તેને ઉટી ફરવા જવાનું મન થયું છે... પણ જો તમે પરમિશન આપતા હોય તો જઈએ.” ડોક્ટરે કહ્યું, “હા, હા, કેમ નહીં? આ તો સરસ વિચાર છે. થોડું વાતાવરણ ચેન્જ થશે તો તેને પણ સારું લાગશે. બસ, એની બધી દવાઓ સાથે રાખજો. આમ તો બીજો કોઈ વાંધો નથી.” મનસુખરાયે ડોક્ટરનો આભાર માનતા કહ્યું, “ ઓકે, થેંક્યુ, ડોક્ટર સાહેબ.” ડોક્ટરની પરવાનગી મળી જતા બંનેના ચહેરા પર એક મંદ હાસ્ય છવાઈ ગયું. આજે સાત મહિના પછી પહેલીવાર મનસુખરાયના ચહેરા પર થોડું હાસ્ય ફેલાયું હતું તે મનોજથી અજાણ્યું ન હતું.

મનસુખરાયે ફટાફટ પ્લેનની ટિકિટ બુક કરાવી અને હોટલમાં રૂમ બુક કરાવી દીધી અને ઘરમાં બધાને કહ્યું, “ચાલો, બધા જલ્દી તૈયારી કરવા માંડો. કાલે બપોરે ફ્લાઈટમાં આપણે બધાએ મનોજને લઈને ઉટી જવાનું છે.” એકદમ આ પ્રોગ્રામ નક્કી થવાથી બધાને ખૂબ આશ્ચર્ય થયું... પણ મનોજનું નામ સાંભળતા જ બધા જ ઝડપથી તૈયારીમાં લાગી ગયા. મનસુખરાયે સમીર અને વર્ષાને પણ ફોન કરીને તૈયારી કરવા કહી દીધું. આમ પણ સમીર હમણાં મનસુખરાયની સાથે સદાય રહેતો હતો. રૂમમાં આવતાં જ ધ્વનિ બોલી, “મનોજ, અચાનક ઉટીનો પ્રોગ્રામ?” મનોજ બોલ્યો, “ધ્વનિ, આપણી જિંદગીની શરૂઆત ત્યાંથી જ કરી હતી.. યાદ છે ને એ આપણા દિવસો... એ દિવસો ફરીથી જીવવા માંગું છું.” આજે સાત મહિના પછી મનોજને અસલ રૂપમાં આવી જતાં જોઈને ધ્વનિ ખૂબ ખુશ થઈ ગઈ... એ એક ક્ષણ માટે તો જાણે બધું જ ભૂલી ગઈ હતી, પરંતુ તરત જ તે વાસ્તવિક દુનિયામાં આવી જતા તેમનું હાસ્ય વિલીન થઈ ગયું. મનોજથી તે છાનું ના રહ્યું તે પણ મનોમન ખૂબ દુઃખી થતો હતો પણ જિંદગી સામે લાચાર હતો. કાળચક્ર સામે કોઈનું ચાલતું નહોતું...

બીજા દિવસે બધા ઉટી પહોંચ્યા. પહેલી વખત જે હોટલમાં, જે રૂમમાં ઉતર્યા હતા, ત્યાં જ રૂમ બુક થઈ હતી. બીજા બધા બીજી રૂમમાં બધા ગોઠવાઈ ગયા. ધ્વનિ તે રૂમમાં મનોજ સાથે દાખલ થતાં જ, તેની નજર સમક્ષ જૂની યાદો તાજી થઈ ગઈ. મનોજ પણ તે યાદોમાં ખોવાઈ ગયો. બંને પોતાની મધુર પળોને યાદ કરીને માણતાં હતા. સાંજે તેઓ બહાર ગાર્ડનમાં બેઠા, જ્યાંથી ઉટીના સુંદર મનોહર દ્રશ્ય દેખાતાં હતાં. ચાર દિવસ પ્રેમથી એકબીજાના સાનિધ્યમાં માણ્યાં પછી, યાદોને મનમાં સમેટીને, બધા મુંબઈ પાછા ફર્યા.

મુંબઈ આવ્યા પછી લગભગ પંદર દિવસ પછી અચાનક મનોજની તબિયત ખૂબ જ બગડી. પાછી લોહીની ઊલટીઓ શરૂ થઈ... તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરના અથાક પ્રયત્નો છતાં પણ તબિયતમાં સુધારો થતો ન હતો. મનોજને ઘણું કહેવું હતું, પરંતુ તે કશું બોલી શકતો ન હતો. પોતાની ધ્વનિ, પોતાના બાળકો, પોતાના માતા-પિતા, પોતાના મિત્રો... બધા સામે તેણે લાચાર નજરે જોયું. તેની નજર વારંવાર ધ્વનિ અને બાળકો તરફ જતી હતી. તે મનસુખરાય સમજી ગયા હતા. તે મનોજ પાસે આવ્યા અને ધ્વનિ અને બાળકોના માથે પ્રેમથી હાથ ફેરવીને બોલ્યા, “બેટા, ધ્વનિ અને બાળકોની સહેજ પણ ચિંતા નહીં કરતો... હું છું ને? હું તેમનું ખૂબ જ ધ્યાન રાખીશ. જે તારી ઈચ્છા હતી કે એમને યોગ્ય વ્યક્તિ બનાવવા... જે હું બનાવીશ.” સમીરે કહ્યું, “મિત્ર, ફિકર નહીં કર. હું તારા બધા સપના પૂરાં કરવામાં પૂરો સાથ આપીશ. તારો આ મિત્ર તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે.”

પપ્પા અને સમીરના આ વચન સાંભળીને મનોજે આખરી શ્વાસ છોડ્યો. મીનાક્ષીભાભી, ઉષાબહેન, ધ્વનિ બાળકો, અવિનાશભાઈ, સમીર, વર્ષા, ઉદય, ખુદ મનસુખરાય બધા માની જ ના શક્યા... ધ્વનિને તો હજુ પણ વિશ્વાસ ન હતો કે તેનો પિયુ તેને છોડીને મોટી યાત્રાએ ઉપડી ગયો છે. તે સાવ સૂની બની ગઈ હતી. બિલકુલ પથ્થર જેવી થઈ ગઈ હતી. અને મનોજને ભેટીને રડીને બોલવા લાગી. “પપ્પા, જુઓને આ મનોજને ઉઠાડોને... એમની દવાનો સમય થઈ ગયો છે, પણ તે તો ઊઠતાં જ નથી. જુઓને પપ્પા...” મનસુખરાય શું જવાબ આપે? ત્યાં ઊભેલા બધાની આંખમાં આંસુ આવી ગયાં હતાં. કોણ કોને સાંત્વના આપે? બાળકો પણ પપ્પાને ભેટીને ખૂબ કલ્પાંત કરતાં હતાં. તેઓ માનવા તૈયાર જ ન હતા કે તેમના પપ્પા હવે તેમની સાથે નથી. ઉષાબહેનની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે પણ પથ્થર જેવા ધ્વનિ ગયા હતાં. પોતાના દીકરાને મોતની સફેદ ચાદરમાં સુતેલો જોઈને...જાણે જડવત બની ગયાં હતાં. મનસુખરાય પર તો દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. જવાના દિવસો પોતાનાં હતા અને પોતાનો એકનો એક જુવાનજોધ દીકરો છોડીને ચાલ્યો ગયો. સમીર અને વર્ષા પણ આ આઘાત સહન ન કરી શક્યા. બધાના દિલ આક્રંદ કરતાં હતાં. રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોણ કોને આશ્વાસન આપે? એ જ ખૂબ જ મુશ્કેલ સવાલ, જેનો કોઈ જવાબ ન હતો... ચાલતો સમય જાણે કે ત્યાં જ થંભી ગયો હતો. ક્રૂર કાળચક્ર એવું ફર્યું કે, ધ્વનિના સપનાનો માળો એક પળમાં હતો ન હતો, થઈ ગયો. તેનો માળો પીંખાઈ ગયો, પંખી ઊડી ગયું અને ખાલી માળો રહી ગયો.

સમીર અને વર્ષાએ બાળકોને સંભાળ્યા. ઉદય અને બીજા મિત્રોએ હોસ્પિટલની કાર્યવાહી પતાવી. મનોજના પાર્થિવ દેહને ઘરે લઈ જવાની તૈયારી કરી. ઓફિસમાં પણ મનોજ સરના મૃત્યુની વાત ફેલાઈ ગઈ. બધા જ સ્ટાફ મેમ્બર્સ ફટાફટ ઓફિસ બંધ કરીને જલદર્શન જવા રવાના થયા. એમ્બ્યુલન્સમાં મનોજના પાર્થિવ દેહને ઘરે લાવવામાં આવ્યો. તેના અંતિમ દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું. મનસુખરાયની હિંમત તૂટી ગઈ હતી. પોતાના જુવાનજોધ દીકરાના મોતને કયો બાપ સહન કરી શકે? અવિનાશભાઈ, સમીર અને ધવલે બધા સગા સંબંધીઓને ફોન કરીને આ દુઃખદ ઘટનાના સમાચાર આપ્યાં. બધાને આ વાત માનવી જ અશક્ય હતી કે મનોજ હવે તેમની સાથે નથી. માનસી અને સ્મિતાના ઘરના સભ્યો પણ ત્યાં આવી ગયા. બધાના ચહેરા પર એક જ સવાલ હતો આમ કેમ બની શકે? પણ કાળની આગળ કોઈનું ચાલ્યું નથી અને ચાલવાનું નથી.

ધ્વનિની હાલત ખૂબ જ ખરાબ હતી. તે તો મનોજના મૃતદેહને જાણે ઓળખતી જ ન હતી. તેની આવી હાલત જોઈને સવિતાબહેનની તબિયત બગડી ગઈ હતી તેથી તેમને ઇન્જેક્શન આપી અને એક રૂમમાં સુવડાવી દીધા હતા. જે કોઈ આવે અને ધ્વનિને સાંત્વના આપે તો તે સામેથી કહેતી, “તમે બધા ચિંતા ન કરો. મનોજ તો સૂઈ ગયા છે, થાકી ગયા છે એટલે... તમે ઉભા રહો, હું તેને જગાવું છું. મનોજ, મનોજ, હવે તો ઉઠો...બધા મળવા આવ્યા છે તેમને જવાબ આપો.” પણ બધું જ ક્યાંથી શક્ય બને? એ તો અનંત યાત્રા ભણી પ્રયાણ કરી ચૂક્યો હતો પાછળ પોતાના સ્વજનોને વિલાપ કરતા છોડીને.... મનસુખરાયથી ધ્વનિની હાલત જોવાતી નહોતી, એની આંખમાંથી આંસુ વહેતાં ન હતાં. જો ધ્વનિ નહીં રડે તો એ આઘાત કદાચ તેને ભયાનક એવા અંધારામાં ધકેલી દેશે અથવા કદાચ કાયમ માટે તે કોમામાં જશે... પોતાનો દીકરો તો ખોઈ નાખ્યો પણ પાછી ધ્વનિને ખોવા માંગતા નહોતા... તેથી તેમણે સમીરનો સહારો લઈને ધીરેથી ઉભા થયા અને ધ્વનિ પાસે આવ્યા, સ્નેહથી તેના માથે હાથ ફેરવતા કહ્યું, “ધ્વનિ બેટા, તારો મનોજ આપણને બધાને મૂકીને અનંત યાત્રાએ ગયો છે. બેટા, ખુદને સંભાળો. તારા બાળકોની સામે જો. તેઓ પપ્પા વિનાના થઈ ગયા છે. હવે તારે તેમના પપ્પા અને મમ્મી બંને ધ્વનિને રહેવાનું છે. બેટા હોંશમાં આવ.” ધ્વનિએ કહ્યું, “પપ્પા, તમે પણ આવું બોલો છો? મારા મનોજને કાંઈ નથી થયું. બસ, એ તો લાંબી નીંદરમાં પોઢી ગયા છે. જુઓ ને.. હમણાં જ ઉઠશે અને મહેક અને યશને બોલાવશે. બેટા, જો તો પપ્પા ઉઠતાં નથી. તું તો પપ્પાની લાડકી એંજલ છે ને? દીકરા... તારા પપ્પાને ઉઠાડ.”

ધ્વનિની આ હાલત જોઇને બધાનાં હૈયાં આક્રંદ કરતા હતા મનસુખરાય અને સમીરે ધ્વનિને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તે વાસ્તવિકતા સ્વીકારી શકતી ન હતી. આખરે તેને ભ્રમમાંથી બહાર કાઢવા મનસુખરાયે એક તમાચો માર્યો. અચાનક ગાલ પર તમાચો પડતાં જ તે તંદ્રામાંથી જાગી અને સત્યની ધરતી પર આવી પડી. રડતી આંખે જોયું તો પોતાનો મનોજ સફેદ ચાદરમાં લપેટાઈને અચેતન બનીને સૂતો હતો. બધાને છોડીને ચાલ્યો ગયો હતો. પોતે હવે નોધારી થઈ ગઈ હતી અને પોતાના બાળકો પણ... આ યાદ આવ્યું ને તે મનોજ...નું નામ લઈને જોરથી રડી પડી... ખૂબ જ જોરથી રડી અને મનોજના મૃતદેહની ઉપર માથું રાખીને રડવા લાગી.

ધ્વનિ હવે રડે છે તે બધા માટે એક હાશકારો હતો. નહીં તો તેઓ ધ્વનિને પણ ગુમાવી બેઠા હોત એવી દરેકને ચિંતા હતી. બંને બાળકો પણ મમ્મી મમ્મી કહીને તેને ભેટી પડ્યા અને રડવા લાગ્યા. બાળકોને પોતાની બાહોમાં ભરીને ખૂબ રડી. મનસુખરાય સ્નેહથી બાળકો પર હાથ ફેરવતાં મૂક સાંત્વના આપી. ધ્વનિ તેમની તરફ જોઇને બોલી, “પપ્પા, આપણે એકલા પડી ગયા... જુઓને મને છેતરીને જતા રહ્યાં. તેમણે તો મને સાત જન્મ સુધી સાથ નિભાવવાનું વચન આપ્યું હતું... આ જ જન્મમાં મને અને બાળકોને એકલા છોડીને જતા રહ્યાં.”

મનસુખરાયે તેને શાંત પાડતાં કહ્યું, “ધ્વનિ બેટા, બસ... ખુદને સંભાળ, દીકરા. યાદ કર, શું કહ્યું હતું મનોજે? કે મને કંઈ પણ થાય તો ધ્વનિ તારે રડવાનું નથી. તારે હવે મારી જગ્યા લેવાની છે... અને પપ્પાનો દીકરો બનવાનું છે. યાદ છે ને બેટા મનોજના શબ્દ? ધ્વનિ બેટા...”

ધ્વનિએ શાંત થઈને કહ્યું, “હા પપ્પા મને યાદ છે તેમની દરેક વાત. હવે એ તો મારા જીવનભરના મીઠા સંભારણા બનીને રહેવાના છે. હા પપ્પા, મેં મનોજને વચન આપ્યું હતું કે હું તારા જવાથી કલ્પાંત નહીં કરું. સારું થયું પપ્પા, તમે મને યાદ દેવડાવ્યું... નહીં તો મારા મનોજને એમ થાત કે તેની ધ્વનિએ આપેલું વચન છેલ્લે નિભાવ્યું નહીં.” એમ કહીને આંખોમાંથી વહેતા આંસુ લૂછી નાખ્યાં. પોતાના આંસુઓને દુનિયાથી દૂર પોતાના હૈયામાં છુપાવી લીધા. ધ્વનિની મક્કમતા જોઈને બધાના હૈયા રડી ઉઠયા કે વિધિની કેવી વક્રતા છે... ધ્વનિ ધીરેથી ઉઠીને ઉષાબહેન પાસે ગઈ અને તેમને દિલાસો આપતાં ભેટી પડી અને બોલી, “મમ્મી રડો નહીં... હું છું ને તમારો દીકરો. મનોજ ભલે દગો કરીને આપણી વચ્ચેથી જતા રહ્યા પણ હું તમને દગો નહીં આપું. મમ્મી છાના રહી જાવ.” એમ કહીને તે ઉષાબહેનને ભેટી પડી. ઉષાબહેન પણ તેને ભેટીને ખૂબ રડ્યાં. બંને એકબીજાને ભેટીને રડતાં હતાં. બંનેના મનની હાલત એકસરખી હતી. માએ પોતાનો દીકરો ગુમાવ્યો હતો અને એક પત્નીએ પોતાનો જીવનસાથી ગુમાવ્યો હતો.

થોડા જ કલાકોમાં આખા સમાજમાં ખબર ફેલાતાં બધા જલદર્શન બંગલે ભેગા થવા લાગ્યા. જલદર્શનમાં બધાની આંખો રડતી હતી. સમય પસાર થતો હતો. ફૂલોથી શણગારેલી ગાડીમાં લઈ જવા માટે જ્યારે અંતિમ તૈયારી કરવા લાગ્યા ત્યારે ઘરનાં બધાંની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. કોણ કોને દિલાસો આપે? છેવટે એ ઘડી પણ આવી પહોંચી જ્યારે મનોજના પાર્થિવ દેહને અંતિમ યાત્રા માટે લઈ જવા માટે તેના મિત્રો અંદર આવ્યાં. ધ્વનિ, બાળકો તથા ઘરના સભ્યોએ મનોજના અંતિમ દર્શન કર્યા. બધાએ આંખમાં આંસુ સાથે પોતાના વહાલા મનોજને આખરી વિદાય આપી ત્યારે ખૂબ રડ્યાં. ઉષાબહેનની હાલત પણ એવી જ હતી. આખું ઘર કલ્પાંત કરવા લાગ્યું. પણ છેવટે મિત્રોએ કાળજા કઠણ કર્યા અને મનોજના મૃતદેહને ઉઠાવ્યો અને આગળ યશના હાથમાં દોણી પકડાવીને મૃતદેહને બંગલાની બહાર લાવ્યા. આખું જલદર્શન હીબકે ચડ્યું હતું.

***