Ant Pratiti - 6 books and stories free download online pdf in Gujarati

અંત પ્રતીતિ - 6

અંત પ્રતીતિ

નીતા કોટેચા

(૬)

અટપટા વહેણ

જિંદગીમાં સુખ દુઃખના વહેણને પાર કરવાનું નામ છે જિંદગી,

ખુશી અને ગમને પચાવીને હસતાં રહેવાનું નામ છે જિંદગી.

જલદર્શનમાં તો જાણે ધમાલ મચી ગઈ હતી. “મમ્મી, મારાં આ કપડાં લેજો... આપણે અહીં ફરવા જઈશું, આમ કરીશું...” એવી રીતે બાળકોની ધમાલ ચાલુ થઈ ગઈ હતી. બધી તૈયારીઓ થઈ રહી હતી. માનસીના ફિયાન્સ રસેશને પણ આવવાનું કહ્યું હતું અને સ્મિતા અને તેનો પરિવાર પણ સાથે આવવાના હતાં. સમીર, વર્ષા અને તેના બાળકો તો પરિવારનું અવિભાજ્ય અંગ...તેઓ તો હાજરા હજૂર...

મનસુખરાયે એક લક્ઝરી બસ જ કરી હતી જેથી બધા એકસાથે યાત્રાનો આનંદ ઉઠાવે. રસ્તામાં ધમાલ મસ્તી, મોજ મજા કરતાં રાતના બસ શંખેશ્વર પહોંચી. રાતના બધાએ પોતપોતાના રૂમમાં આરામ કર્યો. બીજે દિવસે સવારે બધા દેરાસર દર્શન કરવા ગયા. ત્યાં સેવા-પૂજા કરી, આખો દિવસ સરસ રીતે વિતાવ્યા પછી મહુડી પહોંચવાનું નક્કી કર્યું. બે કલાકની મુસાફરી કરી બધા મહુડી પહોંચ્યા. ત્યાં સરસ રીતે દર્શન કર્યા પછી પાલીતાણાનો પ્રવાસ શરૂ થયો. તીર્થરાજ શત્રુંજયના દર્શન કરીને બધા ધન્યતા અનુભવી રહ્યા હતા. આમ આટલી સુંદર યાત્રા પૂરી કરી અને બધા આનંદથી મુંબઈ પાછા ફર્યા.

હવે માનસી અને રસેશના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઉષાબહેને આગ્રહ કરીને સવિતાબહેનને અહીં જ રોકવા બોલાવી લીધા હતા. જેથી એમને ઘરે એકલવાયું ન લાગે. જલદર્શનમાં ખૂબ જ ચહેલ પહેલ વધી ગઈ હતી. મહેંદી રસમ, સંગીત સંધ્યા બધા પ્રસંગો ખૂબ જ ધામધૂમથી ઉજવાયા. બધા પ્રસંગોમાં ધ્વનિને એના પપ્પાની ખૂબ જ યાદ આવી જતી હતી અને પોતાનો લગ્ન પ્રસંગ પણ યાદ આવી જતો હતો. પરંતુ બધું મનમાં રાખીને તેણે એક પુત્રવધુને છાજે, એવી શાલીનતાથી બધી જવાબદારીઓ સરસ રીતે નિભાવી.

આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો. માનસી દુલ્હનના રૂપમાં ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી. ધ્વનિ પણ આજે સરસ તૈયાર થઈ હતી. એને જોઈને એવું લાગતું જ ન હતું કે એ બે બાળકોની માતા છે.

થોડા જ સમયમાં મંત્રોચ્ચાર સાથે માનસી અને રસેશનો હસ્તમેળાપ થયો. મનોજ અને ધ્વનિએ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ દાન... કન્યાદાન આપ્યું. બંને જણા ધન્યતા અનુભવવા લાગ્યા. બધી વિધીઓ સરસ રીતે પાર પડી. હવે સમય આવ્યો કન્યા વિદાયનો... લાડકી માનસીને બધાએ ખૂબ જ પ્રેમથી સાસરે વળાવી. બીજે દિવસે પગ ફેરા માટે માનસી જલદર્શનમાં આવી ત્યારે ખૂબ જ ખુશ દેખાતી હતી. પરંતુ એક જ દિવસમાં કેટલો ફરક પડી જાય છે... નદી જેવી ઊછળતી કૂદતી હતી તે જાણે ધીર-ગંભીર સરિતા બની ગઈ હતી. સાંજે રશેસ અને તેમના બહેન માનસીને લેવા આવી પહોંચ્યા. બધા સાથે માનસી પોતાના સાસરે ચાલી ગઈ. સવિતાબહેન પણ બે દિવસ રહીને પોતાના ઘરે આવી ગયા. બધા સાથે આટલા દિવસ કેટલી ઝડપથી જતા રહ્યા તેનો ખ્યાલ જ ન આવ્યો. પણ કહેવાય છે ને જનારા તો જતા રહે છે પણ જીવનારે તો જિંદગી જીવવી જ પડે છે તેમની યાદોના સહારે... વેકેશન હોવાથી યશ અને મહેક થોડા દિવસ નાનીમા પાસે રહેવા આવ્યાં. સવિતાબહેન ધ્વનિના પરિવારને પણ જમવા અવારનવાર બોલાવતા.. ઉષાબહેન, મીનાક્ષીભાભી અને સવિતાબહેન વચ્ચે તો સખીપણાનો મીઠો સંબંધ બંધાઈ ગયો હતો. એમને હવે યાદ પણ ન આવતું કે એ લોકો વેવાણ છે. મનોજ તો એટલું ધ્યાન રાખતો કે સવિતાબહેનને એમ જ લાગતું કે આ જમાઈ નહીં પણ ખરેખર દીકરો છે. મનસુખરાય પણ વેવાઈ નહીં પણ જાણે સગાભાઈ હોય એટલું સવિતાબહેનનું ધ્યાન રાખતા. નવનીતરાયની કમી તો કોઈ જ પૂરી ન કરી શકે... પરંતુ મનસુખરાયનો પૂરો પરિવાર સવિતાબહેનનું એટલું ધ્યાન રાખતાં જાણે એમને માટે આ ઘર એક પિયર જ ધ્વનિ ગયું હતું. બધા વચ્ચે એક અનોખો સંબંધ બંધાઈ ગયો હતો. કોઈ પણ પ્રસંગ હોય, આ ત્રિપુટી ભેગી જ હોય... એટલે કે સવિતાબહેન, ઉષાબહેન અને મીનાક્ષીભાભી...

સવિતાબહેનને નવનીતરાયના શબ્દો યાદ આવી ગયા. જ્યારે ધ્વનિ માટે મનોજનું માંગું આવ્યું હતું. ત્યારે આ પરિવાર વિશે માહિતી આપતાં નવનીતરાયે કહ્યું હતું, “મનસુખરાય એટલે મૂઠી ઉંચેરા માનવી...કોઈને પણ કાંઈ તકલીફ પડે અને જો મનસુખરાયને જાણ થાય, તો તેઓ એ વ્યક્તિની સહારે પહોંચી જાય અને એટલી વ્યવસ્થિત રીતે મદદ કરે કે એ વ્યક્તિ તકલીફમાંથી બહાર જ નીકળી જાય અને આ વાતની ખબર કોઈને પણ ન પડે. એમનો નિયમ હતો કે જમણા હાથે કાર્ય કર્યું હોય તો ડાબા હાથને પણ ખબર ન પડે. અને મોટાભાઈ અવિનાશભાઈ એટલે એક એવા ખભાનું સરનામું જ્યાં દુઃખની ટપાલ ગમે ત્યારે પોસ્ટ કરી શકાય. બંને ભાઈઓનો સંપ ખરેખર જ વખાણવાલાયક... પરંતુ બંને ભાઈઓની પત્નીઓ આપસમાં એટલા સંપ અને સહકારથી રહે કે એમને જોઈને એમ જ લાગે કે આ બંને દેરાણી જેઠાણી નહીં પરંતુ બહેનો જ હશે. અને એમના સંતાનો પણ આટલા ધનાઢય પરિવારના હોવા છતાં એક પણ વ્યસનના બંધાણી નથી. પરિવારની ખાનદાની કોને કહેવાય તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે મનસુખરાયનો પરિવાર.” ત્યારની વાતો અત્યારે સવિતાબહેન પોતે અનુભવી રહ્યાં હતાં. ધ્વનિને તો બધા ખૂબ જ લાડકોડથી રાખતા હતા, પરંતુ સવિતાબહેન જ્યારે વિપદા આવી ત્યારે આ પરિવાર સવિતાબહેનની પડખે અડીખમ ઊભો રહ્યો અને એમને પોતાના પરિવારના સદસ્ય બનાવી દીધા. ખરેખર ધ્વનિએ ખૂબ જ પુણ્ય કર્યા છે કે આવા સંસ્કારી ઘરની પુત્રવધૂ છે.

સમય અવિરત વહેતો હોય છે. બાળકો મોટા થઈ ગયા હોવાથી હવે ધ્વનિ પણ થોડી ફ્રી રહેવા લાગી. એને થયું કે હવે પાછી એ ઓફિસ જોઈન કરે તો? થોડો મનોજને પણ સપોર્ટ મળી જાય. રાતના બેડરૂમમાં મનોજને પૂછ્યું, “મનોજ, ફરીથી ઓફિસ જોઈન કરું?” ધ્વનિનો અચાનક આ સવાલ સાંભળીને મનોજ બે ઘડી તેની સામે તાકવા લાગ્યો... પછી પોતાના રમૂજી સ્વભાવ મુજબ બોલ્યો, “કેમ મેડમ, તમારે ઓફિસ શા માટે જોઈન કરવી છે? અચ્છા.... એ જાણવા માટે કે તમારા પતિદેવ કોઈ સેક્રેટરી સાથે લફરા કરે છે કે શું? ખરું ને?” હસતાં હસતાં તે બોલ્યો...ધ્વનિ પણ તેની મજાક સમજી ગઈ હતી એટલે તે બોલી, “હા, હા, કેમ નહીં? દરેક પત્નીને એ જાણવાનો હક તો છે ને કે પોતાના પતિદેવ ઓફિસમાં જઈને શું કરે છે?” મનોજે કહ્યું, “અચ્છા, તો એ પ્લાન બનાવ્યો છે મેડમે... કે પતિદેવ ઓફિસમાં શું કરે છે... એ જાણવા માટે તમારે ઓફિસ જોઈન કરવી છે કે એ કોણ છે? તો એમાં ત્યાં સુધી આવવાની જરૂર શું છે? હું જાતે જ એનું નામ, સરનામું, આપી દઉં છું. એણે તો મારા પર કેટલાય વર્ષોથી કામણ કર્યું છે. તેની સુંદરતા, શાલીનતા, વિનમ્રતાથી હું એટલો પ્રભાવિત થઈ ગયો છું કે આ દિલ સોંપી દીધું છે.” મનોજ ખૂબ જ ગંભીરતાથી આ બધી વાત કહેવા લાગ્યો.

ધ્વનિને મનોજ પર ખૂબ જ વિશ્વાસ હતો, પરંતુ સ્ત્રી સહજ ઈર્ષા સળવળી ઉઠી. ધ્વનિના ચહેરા પરના હાવભાવ જોઈને મનોજને મનમાં ખૂબ જ હસવું આવતું હતું. પરંતુ તેનો મજાક કરવાનો મૂડ હતો એટલે એણે ગંભીર થઈને પૂછ્યું, “ધ્વનિ, તેં તો એનું નામ જ પૂછ્યું નહીં, ડિયર? ચાલ, હું તને તેની ઓળખાણ આપી દઉં. તે મને થોડાક સમય પહેલાં મળી હતી અને પછી સપનામાં પણ એ જ આવતી હતી... અને જિંદગીમાં આવી. તેની મુલાકાતો અને તેના વિચારો જાણ્યા પછી મને થયું તેના વગર જીવી નહીં શકું અને મેં એને પ્રપોઝ કર્યું.”

હવે ધ્વનિના મોઢામાંથી માંડ માંડ શબ્દો નીકળ્યા, “શું? સાચે જ... તમે... સામેથી તેને?” મનોજ મનમાં મલકાતો બોલ્યો, “સાચે જ, મેં તેને સામેથી પ્રપોઝ કર્યું હતું અને તેણે તે ખુશીથી મંજૂર પણ કરી દીધું. બસ તે દિવસથી તે મારા દિલના સામ્રાજ્ય પર એકચક્રી શાસન કરે છે.” ધ્વનિએ ગભરાઈને પૂછ્યું, “સાચે જ? મનોજ, તમે સાચું કહો છો? તેનું નામ પણ કહો ને? ક્યાં રહે છે?” તેના આટલા બધા સવાલ સાંભળીને મનોજે કહી દીધું, “જો ધ્વનિ, સાચું કહું છું તે મારા દિલમાં રહે છે. ઉભી રે... તને એની સુંદર તસ્વીર બતાવું... પણ એની માટે પહેલાં તારે આંખો બંધ કરવી પડશે. મારી પ્રિયતમાને જોવા માટે...” ધ્વનિનું દિલ અસમંજસમાં પડી ગયું હતું. તે જાણવા માગતી હતી કે ખરેખર વાત શું છે? મનોજે કહ્યું, તે પ્રમાણે ધ્વનિએ પોતાની આંખો બંધ કરી દીધી અને કહ્યું, “પ્લીઝ, જલ્દીથી તેની તસ્વીર બતાવો...” “એક મિનિટ, ઉભી થા. ચાલ તો...” એમ કહીને મનોજે એક હાથે ધ્વનિની આંખો દબાવી અને બીજા હાથે ધ્વનિને પકડીને સામે મોટા કદના અરીસા પાસે લાવ્યો અને ધીરેથી માદક સ્વરે ધ્વનિના કાનમાં બોલ્યો, “ડિયર, આંખો ખોલ અને જો મારી પ્રિયતમાને...” ધ્વનિએ આ સાંભળતાં જ પોતાની આંખો ખોલી. ક્યાં છે તેની તસ્વીર? તે જોવા માટે તેની નજર આમ તેમ ફરતી રહી... પાછળથી મનોજે તેને પકડીને અરીસામાં તેનું પ્રતિબિંબ બતાવતા કહ્યું, “જોયું, ડિયર... આ રહી મારી પ્રિયતમા... જેની મેં વાત કરી હતી.” સામે પોતાનું જ પૂરું પ્રતિબિંબ જોઈને ધ્વનિના ચહેરા પર ઉદાસી છવાઈ હતી એ દૂર થઈ ગઈ અને એક સરસ હાસ્ય છવાઈ ગયું. અચ્છા, તો હું છું મનોજની પ્રિયતમા... અને તેનું હૈયું આનંદિત થઈ ઉઠ્યું. હ્રદયની ખુશી તેના ચહેરા પર ઝળકી ઉઠી. તેનું મુખારવિંદ પણ ખુશીની ચમકથી ચમકી રહ્યું. એને એવું લાગ્યું કે તેના રૂમમાં હજારો દીવડાં એકસાથે પ્રગટી ઉઠયા છે અને તેમની ચારેબાજુ ઓજસ જ ઓજસ પથરાઈ ગયા છે. ધ્વનિ પાછળ ફરીને મનોજને ભેટી પડતાં બોલી... “મનોજ, હવેથી આવી મજાક સ્વપ્નમાં પણ નહીં કરતાં. હું સહન જ નહીં કરી શકું કે આપણા બંનેની વચ્ચે કોઈપણ આવે. અરે આપણા બંને વચ્ચે તો મોતની પણ તાકાત નથી કે આવી શકે, અને આપણને જુદા કરી શકે.” આટલું બોલતાં બોલતાં ધ્વનિની આંખમાં આંસુ આવી ગયાં.

“હે... ધ્વનિ, આ શું? હું તો તારી મજાક કરતો હતો. જો, મારી જિંદગીમાં તારા સિવાય કોઈ હતું નહીં... આવશે પણ નહીં... આ મારું પ્રોમિસ છે, માય સ્વીટ હાર્ટ. થોડું હસ તો ખરી.” એમ કહીને મનોજે એના આંખના આંસુ પોતાના આંગળી પર ઝીલી લીધાં. બહાર પૂનમની ચાંદની ચારે બાજુ પોતાની ચાંદની રહી હતી અને ચંદ્ર સામે જોઈને મંદ મંદ મુસ્કુરાઈ રહી હતી... તો અહીં પણ, રૂમમાં મનોજ અને ધ્વનિ એકબીજામાં ખોવાઈ ગયા.

બીજે દિવસે સવારે મનોજે આ વાત નાસ્તા વખતે મનસુખરાય અને ઉષાબહેનને જણાવી. આ વાત સાંભળીને ઉષાબહેન બોલ્યાં, “ધ્વનિ બેટા, આ તો ખૂબ જ સારો વિચાર છે. ઘરમાં બેસી રહીએ, એના કરતાં કામમાં મન પરોવી રાખવું ખૂબ જરૂરી છે. મનસુખરાયે પણ પોતાની સંમત્તિ આપી અને અવિનાશભાઈ તો આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. મીનાક્ષીભાભીએ આશીર્વાદ આપ્યાં. બંને બાળકો પણ પોતાની મમ્મી ઓફિસ જશે એ જાણીને ખુશ થતાં બોલ્યાં, “મમ્મી, યુ આર ગ્રેટ.” બીજા દિવસથી ધ્વનિએ ઓફિસ જોઈન કરવી, એવું નક્કી થયું. વર્ષાને આ સમાચાર મળતાં એ પણ થોડીવાર ધ્વનિને મળવા માટે આવી. સમીર અને મનોજે ડિનરનો પ્લાન કર્યો. આમ બધાની શુભેચ્છાઓ લઈને ધ્વનિએ ઓફિસ જોઈન કરી.

સવારે બધા કામ પતાવીને ધ્વનિ મનોજ સાથે જ ઓફિસ જવા રવાના થઈ. આજે તે ઘણા વખત પછી ઓફિસ આવતી હતી. એને જૂના દિવસો યાદ આવી ગયાં. ઓફિસમાં તેનું સરસ રીતે સ્વાગત કરવામાં આવ્યું. પોતાની કેબિનમાં જઈને ધ્વનિએ બધું કામ ધીમે ધીમે સમજવા માંડ્યું. સમય સાથે ધ્વનિ હવે ઘર અને બિઝનેસ બરાબર સંભાળતી થઈ ગઈ હતી. મનોજ સાથે તે બિઝનેસ મિટિંગમાં પણ જતી. બીઝનેસ પાર્ટીઓમાં પણ હવે તે મનોજનો સાથ આપતી હતી. તે ખરા સ્વરૂપમાં મનોજની અર્ધાંગિની બની રહી હતી. બિઝનેસ વર્લ્ડમાં ધીરે ધીરે તેની લોકપ્રિયતા વધવા લાગી હતી. થોડા જ સમયમાં તેણે પોતાની એક આગવી ઓળખ અને લોકચાહના પ્રાપ્ત કરી રહી હતી. આમ જિંદગી ખૂબ સરળતાથી ચાલી રહી હતી.

***