ALGARI RAKHADPATTI books and stories free download online pdf in Gujarati

અલગારી રખડપટ્ટી

વાર્તા-અલગારી રખડપટ્ટી લેખક-જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.9725201775

ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે.સંધ્યા સમયનું વાદળછાયું આકાશ,ઠંડો પવન,વિજળી ના ચમકારા,ભીની માટીની સુગંધ ખરેખર દિલ ડોલી જાય એવું આહલાદક વાતાવરણ છે.મેં સ્કુટર ની સ્પીડ ઓછી કરી.ઘરે જવાની કશી ઉતાવળ નથી.આખો દિવસ ઓફિસમાં ગધ્ધાવૈતરું કર્યા પછી સ્વાભાવિક છેકે ઘરે જઇને ફ્રેશ થવાની ઈચ્છા હોય.પણ આજનું ખુશનુમા વાતાવરણ દિલોદિમાગ ને પ્રફુલ્લિત કરી રહ્યું છે.

બસ આમતેમ રખડવુંજ છે.બચપણમાં વરસાદમાં જે તોફાન મસ્તી કરેલી છે,કાગળની હોડીઓ બનાવીને પાણીમાં જે વહેતી કરેલી છે,અગાશીમાં જઇને વરસાદમાં જે નાહ્યા હતા તેની યાદ આવી ગઇ.કોઇ વ્યક્તિ એવી નહીં હોય જેને વરસાદ ના ગમતો હોય.બાળક હોય કે વૃદ્ધ હોય વરસાદ ગમે ગમે ને ગમે જ .

સામે એક નાની ચા-નાસ્તાની કેબિન દેખાઇ રહી છે.વરસાદની ભીની મોસમમાં મેથીના ગરમા ગરમ ગોટા ઉતરી રહ્યા છે.મેં સ્કુટર ઊભું રાખ્યું.ગરમા ગરમ મેથીના ગોટાનો ઓર્ડર આપ્યો.બાજુના બાંકડા ઉપર એક મજૂર જેવો ભાઇ બેઠો હતો એ મારી સામે જોઇને હસ્યો.મને પણ આત્મિયતા જેવું લાગ્યું.મેં તેના માટે પણ ગોટા મંગાવ્યા.એ ભાઇ ખુશ થઇ ગયો.પછી અમે બંનેએ સાથે ચા પીધી.મજા આવી ગઇ.બસ આજેતો રખડપટ્ટી જ કરવી છે.

ફરી સ્કુટરને કીક મારી.સાયકલની સ્પીડે સ્કુટર જઇ રહ્યું છે.ઝરમર વરસાદ ચાલુ જ છે.લાખો રૂપિયા ખર્ચીને પણ ના મળે એવો આનંદ આ અલગારી રખડપટ્ટી માં મળી રહ્યો છે.

સતત વરસાદના કારણે કાદવ કીચડ વધી ગયો છે.રસ્તે જતા વાહનો પાણી ઉડાડી રહ્યા છે.થોડે દૂર નજર પડીતો એક વૃદ્ધ દાદાને રસ્તો ઓળંગવો છે પણ લપસી પડવાના ડરથી ઊભા રહ્યા છે.મેં સ્કુટર સાઇડમાં ઊભું રાખ્યું અને દાદાને હાથ પકડીને રોડ ક્રોસ કરાવ્યો.દાદાએ મારી સામે જોઇને મનોમન આભાર માન્યો.મને પણ ખૂબ સંતોષ સાથે આનંદ થયો.

ધીરે ધીરે ઝરમર વરસાદમાં મારું સ્કુટર ચાલી રહ્યું છે.ઝુંપડપટ્ટી વિસ્તાર આવી રહ્યો છે.ખાટલા ઢાળીને બેસેલા સ્ત્રી પુરૂષો વાતોના તડાકા મારી રહ્યા છે અને બીડીઓ ફૂંકી રહ્યા છે.રેડિયો ઉપર જૂનાં ફિલ્મી ગીતો વાગી રહ્યાં છે.દસ બાર નાનાં બાળકો વરસાદમાં મસ્તી કરી રહ્યાં છે.મેં સ્કુટર ઊભું રાખ્યું.સામે એક ગલ્લો હતો ત્યાંથી ચોકલેટો લીધી અને આ બાળકોને વહેંચી.બાળકો રાજીના રેડ થઇ ગયા.મને પણ આનંદ થયો.આજે હું નિર્દોષ અને અવર્ણનીય આનંદ લૂંટી રહ્યો છું.

હવે અંધારું થવા આવ્યું છે.ભૂખ પણ લાગીછે.છતાં ઘરે જવાનું મન થતું નથી.આખું શરીર વરસાદમાં ભીંજાઇ ગયું છે.સ્કુટર ચાલુ કરી રહ્યોછું.એટલામાં બે કૂતરાં પૂંછડી પટપટાવતાં પાસે આવ્યાં.ભૂખ્યાં હતાં.પારલે બિસ્કીટના બે પેકેટ સ્કૂટરની ડેકીમાં પડ્યા હતા એ ખવરાવ્યા.કૂતરાંને મજા પડી ગઇ.પણ વધારે આનંદ અને સંતોષ તો મને થયો.

તળાવ કિનારે આવેલા મંદિરમાં સંધ્યા આરતીનો ઘંટારવ વાગી રહ્યો છે.ઈશ્વરનો આભાર માનવા પણ મંદિરમાં જવું પડશે એવું લાગ્યું.દર્શન કર્યા.આરતી લીધી.પ્રસાદ ખાધો.ડગલેને પગલે નિર્દોષ આનંદ વેરાયેલો છે બસ સમય કાઢીને તેને માણવાની જરૂર છે.તણાવગ્રસ્ત જીવન થી છૂટકારો મેળવવા માટે આનંદ અને સુખ વહેંચવું એજ એકમાત્ર ઉપાય છે.આજનો માનવ ભૌતિક સુખ મેળવવા માટે સુખ,શાંતિ અને આનંદ નો બલિ ચડાવી રહ્યો છે.સ્વાર્થી બની ગયોછે માણસ અને આત્મિયતા ગુમાવી રહ્યો છે.

આજે બહુ મસ્તીભરી સાંજ પસાર થઇ.મારું મન કહી રહ્યું છેકે સંતોષમાં સુખ છે અને સુખ વહેંચવામાં આનંદ છે.નિરાશા અને હતાશા ખંખેરીને આવો નિર્દોષ આનંદ માણવો જોઇએ.સુખ મેળવવાની આંધળી દોટમાં આપણે બધા ભણેલા ગણેલા અને સમજદાર હોવા છતાં પણ દેખાદેખીમાં સુખ અને શાંતિ બંને ગુમાવી રહ્યા છીએ.પ્રકૃતિ તરફ પાછા વળવાની જરૂર છે.પ્રકૃતિ આપણને પોકારી રહી છે.સંસારની જંજાળ ભલે જરૂરી છે પણ મનનું સુખ નહીં હોયતો બધું નકામું છે.સાચું સુખ શેમાં છે એ ઓળખો અને આનંદ કરો.

ભણતા ત્યારે એક કવિતા આવતી ‘ નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ ‘