Sukh no Password - 36 books and stories free download online pdf in Gujarati

સુખનો પાસવર્ડ - 36

ટ્રિપ પર નીકળેલા આર્ટિસ્ટ્સે અને સ્થાનિક વિધ્યાર્થીઓએ એક ગરીબ-દુ:ખી વિધવા યુવતીના જીવનમાં ખુશી ભરી દીધી!

દુ:ખી વ્યક્તિના જીવનમાં કોઈની નાનકડી મદદથી મોટો વળાંક આવી શકે

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

નૈનિતાલ નજીકનાં કપકોટ ભરારી ગામની વતની દીપ્તિ જોશીનાં લગ્ન નૈનિતાલના એક યુવાન સાથે વર્ષો અગાઉ થયાં હતાં. દિપ્તિના પતિની આવકથી તેના ઘરનું ગુજરાન ચાલતું હતું. પરંતુ થોડા સમય અગાઉ દીપ્તિ જોશીના પતિનું અકાળે મૃત્યુ થયું એના કારણે દિપ્તિની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. દિપ્તિ પર તેના કુટુંબની જવાબદારી આવી પડી.

પતિના અકાળ મ્રુત્યુથી દીપ્તિ ભાંગી પડી હતી. થોડા સમય માટે તો તેને કોઈ દિશા જ ન સૂઝી, તેના પર તેના બે સંતાનોની જવાબદારી પણ હતી. તેને જીવન અંધકારમય લાગવા માંડ્યું હતું. જો કે પતિના મ્રુત્યુના થોડા સમય પછી તેણે વાસ્તવિક્તા સ્વીકારી લીધી અને પતિના મ્રુત્યુનો આઘાત પચાવીને પોતાના પગ પર ઊભા થવાનો નિર્ધાર કર્યો.

દિપ્તિએ ઉત્તરાખંડના પહાડી વિસ્તાર કુમાઉમાં પતરાની દીવાલો ઊભી કરી અને એના ઉપર પતરાનું છાપરું નાખીને એક કાચી દુકાન બનાવી અને એમાં તે ચા અને બીજી ખાદ્ય વસ્તુઓ બનાવીને વેચવા લાગી. એ દેશી દુકાન પર તેણે લખ્યું: ‘જોશી ટી સ્ટોલ’. તે ઘરનું કામ પતાવીને એ દુકાન પર પહોંચી જતી.

દિપ્તિની દુકાન પહાડી વિસ્તારમાં હોવાથી બહુ ઓછા લોકો આવતા હતા. તેની દુકાનની બાજુમાં એક હૉટલ છે, જ્યાં ટ્રક ડ્રાઇવર્સ રાતવાસો કરતાં હોય છે. એવા રડ્યા-ખડ્યા ડ્રાઈવર્સ તેની દુકાનમાં ચા પીવા અને ખાવા માટે આવતા. તો ક્યારેક વળી કોઈ ત્યાંથી પસાર થતું હોય અને ચા-પાણી પીવા માટે રોકાતું. એ રીતે ગણ્યા-ગાંઠ્યા ગ્રાહકો થકી થતી આવકમાંથી દિપ્તિના કુટુંબનું ગુજરાન માંડ ચાલતું હતું. તેની કમાણી એટલી ટૂંકી હતી કે એમાંથી તે તેના કુટુંબનું ગુજરાન સારી રીતે ચલાવી શકતી નહોતી.

દિપ્તીની એ દુકાનમાંથી બહુ ઓછી આવક થતી હતી. બીજી બાજુ દિપ્તિને એ દુકાનમાં જતા વેંત ત્યાંથી ભાગી છૂટવાનું મન થતું હતું. એનું કારણ એ હતું કે દિપ્તિની એ દુકાન બંધિયાર હતી. તે માત્ર એક બાજુથી ખુલ્લી હતી અને દિપ્તિ એ દુકાનમાં હોય ત્યારે તેને ગૂંગળામણ થતી હતી. તે દુકાનનું વાતાવરણ તેને હંમેશાં બોઝિલ લાગતું હતું. પરંતુ તેની પાસે એ દુકાન ચલાવ્યા સિવાય કબીજો કોઈ વિકલ્પ નહોતો. એટલે તે નાછૂટકે એ દુકાન ચલાવતી હતી.

એ દુકાનમાં માત્ર એક બાજુ પતરું અડધું ખૂલતું. એ દીવાલમાં બે પતરાં હતાં. એમાંનું એક પતરું અડધે સુધી ફિક્સ હતું અને બીજું અડધું પતરું લટકતું હતું. દિપ્તિ દુકાને જાય ત્યારે બે બાજુ સપોર્ટ આપીને એ લટકતું પતરું ઊંચું કરીને એ ખુલ્લી જગ્યામાંથી ચા, પાણી કે બીજી કોઈ વસ્તુ ગ્રાહકોને આપતી હતી. દિપ્તિ એ બધાં કામ યંત્રવત કરતી હતી.

આમ દિપ્તિ જોશીનું જીવન કોઈ ઉમંગ વિના અને બોજ સાથે વીતી રહ્યું હતું. તે આર્થિક મુશ્કેલીઓ વચ્ચે અને અણગમતા વાતાવરણમાં કામ કરતાં-કરતાં એક-એક દિવસ મહામુશ્કેલીથી પસાર કરી રહી હતી. તેના ચહેરા પરથી રોનક જતી રહી હતી.

દિપ્તિની આવી સ્થિતિમાં એક દિવસ તેની દુકાન જ્યાં હતી એ રસ્તેથી એક ગ્રુપ પસાર થયું. તે ગ્રુપ તેની દુકાન પાસે રોકાયું. એ ગ્રુપમાં દિલ્હીનાં કિરણ નાડર મ્યુઝિયમ ઓફ આર્ટ સાથે સંકળાયેલા આર્ટિસ્ટ્સ હતા. તેમનું ધ્યાન દિપ્તિ જોશીની દુકાન પર પડ્યું. એ દુકાન દીપ્તિ જોશીની દરિદ્રતાની ચાડી ખાતી હતી. કિરણ નાડર મ્યુઝિયમ ઓફ આર્ટની ટીમના સભ્યોએ આપસમાં એ વિશે વાત કરી અને પછી તેમણે દીપ્તિને મદદ કરવાનો નિર્ણય લીધો. એ બધા આર્ટિસ્ટ્સ કંઈ આર્થિક રીતે સમ્રુદ્ધ નહોતા, પણ તેમણે વિચાર્યું કે આપણે ભલે બીજું કશું ન કરી શકીએ, પરંતુ દીપ્તિની દેશી દુકાનને રંગોથી સજાવી તો શકીએ જ!

તેમણે દીપ્તિની દુકાનને કુમાઉના ટ્રેડિશનલ પેઈન્ટિંગ વડે સજાવવાનું શરૂ કર્યું. એ ટીમને પેઈન્ટિંગ કરતી જોઈને એક સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ પણ એમાં જોડાયા. તેમની મદદરૂપ બનવાની ભાવનાને કારણે દીપ્તિ જોશીની દુકાનની શકલ જ બદલાઈ ગઈ. દુકાનને પેઈન્ટિંગથી સજાવી દીધા પછી તેમણે એ દુકાનનું નામ ‘જોશી સ્ટોર’ને બદલે ‘જોશ કૅફે’ કરી નાખ્યું. એ દુકાન આકર્ષક બની ગઈ એ પછી કોલેજના છોકરાઓ પણ ત્યાં જવા લાગ્યા. અને દિપ્તીને ખાસ્સી કમાણી થવા લાગી. તેની દુકાનની જેમ જ તેના ચહેરા પર પણ રોનક આવી ગઈ. તેના દુ:ખી જીવનમાં ખુશીનું આગમન થઈ ગયું અને તેનો ચહેરો સતત ઉદાસ રહેતો હતો એને બદલે તેના ચહેરા પર સ્મિત રમવા લાગ્યું. આર્ટિસ્ટ્સની ટીમ અને વિધ્યાર્થીઓએ તેના જીવનમાં જાણે ચમત્કાર કરી દીધો.

કિરણ નાડર મ્યુઝિયમ ઓફ આર્ટની ફરવા નીકળેલી ટીમે અને કુમાઉના સ્ટુડન્ટ્સે એક ગરીબ-દુ:ખી વિધવા યુવતીના જીવનમાં સુખદ વળાંક આણી દીધો.

થોડા દિવસ અગાઉ કલા પ્રતિષ્ઠાનના વડા રમણિક ઝાપડિયાએ કિરણ નાડર મ્યુઝિયમ ઓફ આર્ટની એક સરસ વિડિયો ક્લિપ મોકલાવી એને કારણે દીપ્તિ જોશી વિશે અને તેની દુકાન વિશે વ્ધુ જાણવાનું કુતૂહલ થયું. અને વધુ માહિતી મેળવીને વાચકો સાથે શૅર કરી.

કોઈની સામાન્ય મદદ પણ કોઈ વ્યક્તિની જિંદગી બદલી શકે છે એ વાતનો પુરાવો આ કિસ્સો છે.

***