sangeet swar books and stories free download online pdf in Gujarati

સંગીત..સ્વર

સંગીત..સ્વર..


નીલનો ફોનમાં મેસેજ વાંચી આભા જલ્દી જલ્દી તૈયાર થવા લાગી.આજે તો તેનો કાર્યક્રમ મારે ગુમાવવો નથી જ. નક્કી કરી તે રસોડામાં ગઈને કોફી બનાવી લઈને ઉપર ચઢી.બધા જ મિત્રો તેના આ સંગીત- સ્વરના કાર્યક્રમનાં મન મૂકી વખાણ કરતા હતા.આજે તો તેનું સામેથી આમંત્રણ પણ હતું.બસ મનમાં ને મનમાં તે હરખાતી હતી કે ચાલો ઘણાં વરસો પછી તે એને મળશે પણ ખરી.

બન્ને શાળામાં થી સારા મિત્રો હતા.નોટબૂક કે પુસ્તકની આપલે કરવી ,રીશેષમાં નાસ્તો ખાવો ને થોડું રમવું.રમતા રમતા પોતે થાકી જતી ને તેથી ઘડી બે ઘડી રમી તે પણ તેની સાથે બેસી જતો.પડતી આખડતી તો તે સંભાળી ઊભી કરી દેતો.આમ નીલના સાથની શાળામાં તે જાણે ટેવાય ગઈ હતી.શાળા પતીને પોતે ભણવા માટે સારી તક મળતા જ મુંબઈ જતી રહી.ખૂબ મહેનત કરતી જેથી કોઈની પર આધાર રાખી ન જીવવું પડે.નીલ નાનપણથી જ સંગીત પ્રેમી હતો તે કોઈ પણ વાંજીત્ર સરસ રીતે વગાડી જાણતો..તેનો અવાજ પણ લોકો વખાણતા.

અચાનક હાથમાંથી પ્યાલો નીચે પડ્યોને કોફી ઢોળાય ગઈ. તેણી ચમકી ઘડિયાળમાં સમય તો દોડતો હતો.તેણીને વહેલા પહોંચવું હતું,પાંચ વરસે તે નીલને મળવાની હતી.મુંબઈ તે તેનો પ્રોગ્રામ આપવા આવ્યો હતો.પાંચ વરસમાં તો તેણીની દુનિયા જ બદલાઈ ગઈ હતી.પિતાનું અકસ્માતમાં મૃત્યું થયું,મા જાણે દસ વરસ વધું ઘરડી લાગતી હતી.પોતે પિતાનો ધંધો ને અભ્યાસ જોડે સંભાળતી હતી.ઉમ્મર કરતા વધુ મોટી લાગતી હતી.ધંધામાં તેના પિતાનો સ્ટાફ કહેતો તે ખૂબ જ હોનહાર ધંધાદારી છે.પિતા કરતા તે વધુ સારો ધંધો જમાવી બેઠી હતી.

ગાડીમાં બેસી તેણીએ ડ્રાઇવરને જયાં જવાનું હતું તેનું કાર્ડ આપી દીધું..ને પાછી વિચારો માં પડી.મુંબઈ જવા જ્યારે તે નીકળી ત્યારે તેણે નીલની એરપોર્ટ પર ખૂબ જ રાહ જોઈ હતી.પણ આગલી સાંજે જ્યારે એ મળ્યો ત્યારેજ એણે ના કહી હતી કે તે નહિ આવી સકે.એટલા તો નાના નહોતા કે હૃદયની વાત ન સમજી સકે.તે જ્યારે વિમાન રનવે પર ચાલ્યું ત્યારેજ આંખ મીંચી અશ્રુંને રોકી બેઠી હતી. તેને ભણવું હતું ..બસ ભલે પિતા કરોડો પતિ હતા પણ તેની દુનિયા જ અલગ હતી.તે વિચારતી જો તે આગળ નહિ ભણે કે નહિ ઝઝૂમે તો એ દુનિયાથી પાછળ રહી જશે.તેણે નક્કી કર્યા પ્રમાણે જ તેની દુનિયા વસાવી.ફોન પર મેસેજની આપ લે એ તો એની ને નીલની જોડતી કડી હતી.તે નીલની પ્રગતિથી ખુશ હતી.હમેશાં તેને મેસેજ કરીને પ્રોત્સાહિત કરતી.નીલ પણ ક્યાં નો ક્યાં પહોંચી ગયો છે.

નીલ સંગીત સ્વરનો રચયિતા..ઠેર ઠેર તેના પોગ્રામ થાય ને યુવાન વર્ગ તેનો દીવાનો,દેખાવે સુંદર ફાંકડો ને સ્ટાઈલીસ્ટ ,કોઈ પણ યુવાન છોકરી તેની દીવાની થઈ જાય. પણ નીલને મન તો તેની હૃદયની રાણી એટલે જ આભા. હજુ સુધી બન્ને ઔપચારીકતા થી આગળ નહોતા વધ્યા..બન્ને બાળપણના સાથીદાર બન્ને પોતાના હૃદયથી વિંટળાયેલા..એકબીજાના પૂરક.

આજ તો જો એ કહે તો એને હા જ પાડી દેવી છે.પણ અ કેવી રીતે બધું મેનેજ કરતો હશે..ઊપરથી આટલા બધા વગાડનારા પણ..!જેમ જેમ મુંબઈનો ટ્રાફિક વટાવતી એમ એમ ધીરજ પણ ખૂટવા લાગી હતી.સામે આવી જશે તો..તે કેવી રીતે તેનો સામનો કરશે..આંખ મીંચી। રોમાંચ અનુભવી રહી.રવિન્દ્ર નાટ્ય મંદિરના મુખ્ય દરવાજે પહોંચી તો બહુ જ ગિરદી હતી.તે કેવી રીતે સંદેશો પહોંચાડશે..તેની પાસે આમત્રંણ ફોનમાં હતું.તેણે દરવાજા પરના માણસને તેણે બતાવ્યું,તો એણે કાર્ડ માંગ્યું .ત્યાંતો એક સુંદર છોકરી આવી તેને અંદર લઈ ગઈ.તેને આગળ ખુરશી પર પહેલી જ હરોળમાં મુખ્ય મહેમાનની ખુરશી પર બેસાડી ને ચાલી ગઈ.એણે બે હાથ જોડી નમસ્તે કર્યા,તેણી પણ નમસ્તે કરી ચાલી ગઈ.

સમય થઈ જશે કાર્યક્રમ શરૂ થઈ જશે.મારે પહેલાજ એને મળવું છે.એ ઉભી થવા ગઈ અને કાર્યક્રમ શરૂ થવાની રીંગર વાગી ગઈ.તે બેસી રહી.પડદો ખૂલ્યો ને નીલ સામે આવી ને ઉભો રહી ગયો ને તેનું સામે આવી જવું.તેના માટે એક ધડકનનું ચૂકી જવું.તેણે માથું નીચું કરી દીધું...બે અશ્રુ બૂંદ ટપકી પડ્યા.

ધીરે ધીરે ગીતોની રમઝટ શરૂ થઈ ને એક પછી એક જૂના નવા ને તેના રચેલા ગીતો,સુંદર વાંસળી વાદન,ગીટાર ને અંતે તબલા...ને અંતિમ ગીત પૂર્ણ થતા તે નીચે આવ્યો *સંગીત ને સ્વર* ની રમઝટ વચ્ચે આભાનો હાથ પકડી તે તેને સ્ટેજ પર લઈ ગયો..ને છેલ્લા સૂર સાથે..તાળિયો ના ગડગડાટ વચ્ચે તેણે આભાને ઉંચકી ગોળ ગોળ ત્રણ ચાર વાર ફરી લીધું ને આભા ની આંખમાંથી અશ્રું ની ધારા વહેવા લાગી...પેલી સુંદર છોકરી દૂરથી આ મિલનને જોતી રહી.નીલસર કેમ આજે ખુશ છે તે બીજા સ્ટાફના મેમ્બર ન સમજી શક્યા પણ તે છોકરી સમજી ગઈ.

ઓડીયન્સમાં કેટકેટલી છોકરીઓના દીલ તૂટી ગયા,કેટકેટલીય છેકરીઓના સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા. રૂપાળી છોકરીને બૂમ પાડી તેણે ,”અંજલી! કમ હીયર.” જાણે છે આ મારી ,”આભા..!” ને અંજલીએ ફરી હાથ જોડ્યા.આભાએ આત્મીય સ્મિત સાથે ફરી હાથ જોડ્યા.નીલ બોલ્યો ,”* હું સંગીત છું તો આભા સ્વર છે.”*ને આભા ઈશારાથી “ના ના કરતી રહી.”

અંજલીના આશ્ચર્ય વચ્ચે નીલે જ્યારે કહ્યું કે,”હું કાને બહેરો છું તો આભા પાસે વાચા નથી.”

અંજલીની આંખોમાં થી એવા અશ્રું વહ્યા કે તે ન તો દુખાશ્રુ હતા ન હર્ષાશ્રું તે તો પ્રેમના અખૂટ અશ્રું હતા.હવે તેને ખરેખર * સંગીત ...સ્વર...* ની આ અજોડ જોડીને વળગીને વહાલ પ્રતીત કરવાનું મન થયું..ન નીલે બોલવું પડ્યું ન આભાએ સ્વીકારવું પડ્યું.બાળપણ ને પાછું વળવું પડ્યું.


જયશ્રી પટેલ

૧૭//૨૦૨૦