a memories of mother books and stories free download online pdf in Gujarati

મા ની યાદો

સાંજ ના પાંચ વાગ્યા હતાં, હું જોબ થી તરત જ આવી હતી, સ્કૂટી પાર્ક કરી, તાળું ખોલી ઘરમાં ગઈ. આજે માંથું સખ્ખત દુઃખી રહ્યું હતું
સોફામાં બધુું અસ્તવ્યસ્ત રીતે ફેંકી એમનેમ બેસી ગઈ, માથું બહું દુખવાથી ઊંઘ પણ આવી રહી હતી, પરંતુ કામ ના બોજ યાદ આવતા બધું ભુુુુલાઈ જતુું ,પછી મસાલેદાર ચા બનાવી, ચા નો કપ લઈ હું બહાર વરંડામાં આવી, હિંચકા પર બેઠા બેઠા બે-ત્રણ ચા ની ચુસકી લગાવી
આજે કોણ જાણે કેમ મા ની યાદ આવી રહી હતી, મા ના ગયે માંડ એક વર્ષ પુરું થયું હશે,
એ ખુબ સરળ સ્વભાવ ની, ભોળી ને દયાળુ, સામે હું ક્રોધી, સખત અને કહી શકાય તો થોડી નિર્દય, તે ખુબ દાન-પુણ્ય કરતી, મને તે વધારે પસંદ ન હતું
મા એકલી એ મને એકલા હાથે ઉછેરી હતી, પિતાજી અમને છોડીને બીજે ક્યાંક રહેતા હતાં છેલ્લા સત્તાવીસ વર્ષોથી મા મારો બોજ ઉપાડી રહી રહી,પરંતુ ઈશ્વર ને પણ તેનું આ દુઃખ ના જોવાયું હોય તેમ તેમની પાસે બોલાવી લીધી, અને એક દિવસ અચાનક હ્રદય ના હુમલા ના કારણે તેનો અવસાન થયું, પિતાજી અગ્નિ સંસ્કાર વખતે પણ ન આવ્યા, જો કે મે એમની રાહ પણ ન જોઈ.
એણે મને એટલી તો મજબૂત બનાવી હતી જેથી તેના ગયા પછી કોઈની જરૂર નથી પડી , અચાનક ચા ની ચૂૂસકી લેવા ગઈ ત્યાં ખબર પડી કે કપમાં ચા ખતમ થઈ છે, હું કપ લઈ અંદર ગઈ. કિચનમાં જઈ કપ મૂક્યો.
મા ની યાદો ફરી વગોવાઈ રહી હતી, ફરી એને તાજી કરવી હતી, હું એના રૂમમા ગઈ, રૂમ એવો ને એવો જ હતો, એ જ સાફ-સૂથરો, સ્વચ્છ, નિરવ શાંત.
મારી અને મા ની યાદોનો ખજાનો એટલે મા ની નાનકડી પેટી કે જે અમારા આખા ઘરમાં સૌથી જુનો સભ્ય, મારાથી પણ જૂનો.
મે પેટી ખોલી, ઉપર સૌ પ્રથમ મા ના ચૂડલા હતા, જે લગ્ન વખત ના હતા શાયદ.
પછી મારું સૌથી પહેલાંનું ફ્રોક, જે ખુબ જુની ફેશન નું હતું, પછી ખુણામાં રાખેલા થોડાક ફોટોગ્રાફ હાથમાં આવ્યા.
જેમાં મારા બાળપણ માં મા મને ખવડાવતા, રમાડતા, વગેરે પોઝ મા ફોટો હતા, એક-બે ફોટોગ્રાફસ એવા પણ હતા જે મારા પિતાજી સાથે હતા .
જ્યારે મેં આ તસવીર જોઈ ,મને થયું કે આવી જ રીતે રહી હોત અમારી જિંદગી તો, કેટલી મજા આવત , હું, પિતાજી, મા, ખુબ મસ્તી કરતાં, પિતાજી સાથે ગેમ્સ રમતાં, ફરવા પણ જતા.
ખૈર, નસીબ મા નહિ હોય કહી ને હું બીજા ફોટોગ્રાફ જોવા લાગી.
એક ફોટોગ્રાફ હતો, જેમાં મા સાથે મેં પણ સાડી પહેરી હતી,
એ દિવસે મા એ મને સાડી પહેરતા શિખવ્યું હતું, જ્યારે હું બાર વર્ષની હોઈશ.
પછી મેં જાતે પ્રયત્ન કરેલો જો કે હજુ સુધી યોગ્ય રીતે આવડ્યું નથી.
એવા અનેક ફોટોગ્રાફ હતાં, જે મા અને મારી યાદોને છુપાવતા હતા.
મારા સૌ પ્રથમ ના ડગલા થી માંડીને, સ્કુલ ના રીઝલ્ટ થી માંડીને, નોકરીના પહેલા પગારની મિજબાની સુધી ની તસવીરો હતી.
આ એક તસવીરો જ હતી જે યાદો કેદ કરતી હતી , બાકી સ્માર્ટ ફોન ના જમાનામાં બનાવટી સેલ્ફી સિવાય બીજું કાંઈ હોતું નથી.
જ્યારે હું શાળાએ જવા જેટલી થઈ ત્યારથી મા હમેશા કહેતી,'તારે જે બનવું હોય તે બનજે, પણ હમેશા શ્રેષ્ઠ રહેજે'
મને તો અભ્યાસ મા પહેલે થી રસ હતો, અને અન્ય પ્રવુતિઓ મા એ શીખવી હતી.
જ્યારે મા રસોઈ બનાવતી ત્યારે તે મને જબરજસ્તી શીખવતી અને કહેતી કે 'જ્યારે હું નહિ હોઉં ત્યારે તું જાતે કઈ રીતે બનાવીશ, ભુખી જ મરી જઈશ' અને
મારે તે શીખવું પડતું.
મા એ મને સાડી પહેરતા, રસોઈ બનાવતા, ચોટલો બનાવતા, ચિત્રકામ, માટીકામ, સંગીત, સિવતા ,ઉપરાંત લખતા-વાંચતા પણ શિખવ્યું હતું
મા સાથે ની યાદો બધી જ રળિયામણી હતી, પરંતુ હું ક્યાંક રમતાં પડી જતી ત્યારે બાળક સ્વભાવજ તેની સામે જોઈ રડતી ત્યાં તે ગુસ્સાથી કહેતી 'ઊભી થઈ જા, કાંઈ નથી થયું', હું બીકના માર્યે રડવાનું જ ભુલી જતી ને ઊભી થઈ જતી ., એને કારણે રડવાનું જ ભુલી જવાયું, છોકરીઓનો સ્વભાવ હોય છે કે તે નાની વાતે રડે, પણ મા ના કારણે હું રડવાનું જ ભુલી ગઇ હતી, અને મોટી વાત પણ મને નાની લાગતી.
મા એ હમેશા મને વડીલોનો આદર , બીજા ને મદદ જેવા ગૂણો શિખવ્યા , જેમા હજીયે હું કાચી છું.
ફોટોગ્રાફ જોતા જોતા અચાનક મારી નજર પેટી મા એક કાગળ હતો, તેના પર ગઈ. , મને થયું કે કાંઇ હિસાબ-કિતાબ નો હશે, મેં તે ખોલ્યો, જોયું તો મને ખુબ આશ્ચર્ય થયું કારણ કે તે પત્ર મને ઉદ્દેશીને લખાયો હતો , અને એ પણ મા દ્વારા.
મેં વાચવાનું ચાલું કર્યું, લખ્યું હતું, ' વહાલી લાડો, કોણ જાણે આ પત્ર ક્યારે લખાઈ રહેશે, અને ક્યારે તને મળશે, કમજોર ધડકનો વાળા મારા હ્રદય પર ભરોસો નથી રહ્યો હવે મને, તો ખબર નહીં આવનાર દિવસોમાં હું તારી સાથે હોઈશ કે નહીં, ક્યારે આ સાથ છુટી જાય, ખબર નહી, અને હું તને મોઢામોઢ કહીશ તો તું ચિંતા કરીશ, અથવા તો ભૂલી જઈશ, એથી આ પત્રમાં તારા માટે ની સહજતા ને ઉતારું છું ,મને ખબર છે, તું ખુબ હિંમતવાન છે, હમેશા મુશ્કેલીઓ સામે લડનાર છે, અને તેવી જ રહેજે હમેશાં, તુ છે જ સર્વશ્રેષ્ઠ, એ કાયમ જાળવી રાખજે, ક્યારેય ઉતાવળ મા નિર્ણય ન લેતી, જે હમેશાં આદત રહી છે તારી, કુદરત પરના વિશ્વાસ ને કાયમ રાખજે, એ જે કરે હમેશાં સારું જ કરે છે,
જ્યારે કાંઇ ન સૂઝે, તારા સવાલો ના યોગ્ય જવાબો શોધવામાં બહારી દુનિયા નાકામ રહે ત્યારે બસ આંખ બંધ કરી એકવાર ચિત્ત સાથે વાત કરી લેજે, સાચો જવાબ મળી જ જશે. , જેટલી સક્ષમ હોઈ તુ એટલું બીજાને મદદ કરજે, અને હજુ મહત્વની વાત એ છે જે તું જાણતી નથી, કે તારા પિતાજી મને છોડીને ગયા નથી ,મેં જ તેમને સંપતિની લાલચ થી, અડધો હિસ્સો મને મળશે તેમ વિચારી તેમને છોડી દીધા હતા એથી તું તેમને માફ કરી દેજે, અને તારા મનમાં ની ગેરસમજ દૂર કરી દેજે.
વધારે શું લખું, તુ એટલી સક્ષમ છે કે મારી શિખામણ ની તારે જરૂર નથી,
બસ તુ હમેશાં ખુશ રહે. ' -મા તરફથી વહાલ
મેં આખો પત્ર વાંચ્યો, પત્ર મા એ જ લખ્યું હતું જેમાં હું નબળી છું અથવા તો જેની મારે જરૂર છે, મે તે પત્ર વાળીને મારા પર્સનલ બોક્સમાં મૂકયો, અને જૂની પેટી જેમ હતા તેમ તેની જગ્યાએ મૂકી દીધી,
શૂન્ય મસ્તક લઈને હું ફરી બહાર આવી, હિંચકા પર બેઠી,અને મા ના પત્ર વિશે વિચારવા લાગી, આખો પત્ર ફરી મગજ મા ફરી વળ્યો, બધી વાતો મા ની સાચી હતી, પણ ત્યાં જ મગજે અટકાવ્યું, ના..., મા એ એક વાત ખોટી કરી છે, કે તેણે પિતાજી ને છોડી દીધાં, પરંતુ પિતાજી એ તેને છોડી દીધી હતી, એ પણ એક સ્ત્રી માટે.
એ દિવસ મને બરાબર યાદ છે, હું અંદરના રુમમાં ઊંઘી રહી હતી, મા બહાર કંઈક કામ કરી રહી હશે, પિતાજી બહાર ગયેલા હતાં.
થોડી વાર થઈ હશે, ત્યાં મારા કાને થોડા શબ્દો જોરજોરથી અથડાયા, મારી ઊંઘ ઉડી ગઈ, બહાર શું ચાલી રહ્યું છે તે જોવા હું બહાર જઈ, દરવાજા મા ઊભી રહી, અને પૂરી વાત સમજવાની કોશિશ કરી રહી હતી, નાની હતી પરંતુ હું સમજી શકતી હતી,
મા હાથ જોડીને પિતાજી ને કહી રહી હતી, 'શા માટે તમે આમ કરો છો અમારી સાથે. '
પિતાજી સાથે એક બીજી સ્ત્રી પણ ઊભી હતી, જેના હાથમાં એક નાનકડું બાળક હતું.
'મને ચીડ ચડે છે, તારા આવા સ્વભાવ થી' પિતાજી બોલી રહ્યા હતા.
પેલી સ્ત્રીના મુખ પર ના ભાવો કળી શકતા ન હતા.
મા ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી, અને કહી રહી હતી કે'મારા નહિ તો સિયા વિશે પણ ન વિચાર્યુ તમે, '
પિતાજી મૌન રહ્યા, પેલી સ્ત્રી ક્યારેક પિતાજી સામે તો ક્યારેક મા સામે કંઈક ઉદ્દેશ થી જોતી હતી.
મને કોઈએ જોઈ ન હતી, કારણ કે હું છુપાઈને આ બધું સાંભળતી હતી,
અંતે પિતાજી એ મૌન તોડ્યુ, 'ઠીક છે, આ ઘર અને અડધી મિલકત હું તારા નામે કરું છું, પછી,... પછી તો કોઈ વાંધો નહીં ને,
મા તેમની સામે આસું ભરેલી નજર થી જોઈ રહી, પરંતુ પિતાજી ને તેનાથી કંઈ ફરક ન પડતો હોય તેમ તે નજર ચૂકાવી, પેલી સ્ત્રી સાથે ચાલ્યા ગયા, જે આ જ સુધી નથી પાછા ફર્યા. મા એ જ સ્થિતિમાં સોફા પર માથું પકડી ને બેસી ગઈ, હું તેને સાંત્વના આપવા ખૂબ નાની હતી, હું ફરી રૂમમાં જઈને ઊંઘવાનું નાટક કર્યું, થોડીવાર પછી મા મારી પાસે આવી, અને માથે હાથ ફેરવવા લાગી, હું જાગીને મા ના ગળે વળગી ગઈ, જ્યારે હું પૂછતી કે 'પિતાજી ક્યાં છે, ત્યારે મા કહેતી કે તેઓ એમના ઘરે છે, જેમ આપણે આપણા ઘરે છીએ તેમ'. બાળપણમાં આ જવાબ થી સંતોષ થઈ જતો , અને સમજણ આવી ત્યારે આ સવાલ મા ને પૂછવો મેં બંધ કરી દીધો.
મા ને ખબર ન હતી કે સાચી હકીકત ની મને જાણ છે, તેથી તે હમેશાં પિતાજી ના વખાણ કર્યા કરતી, પણ મને તેની કોઈ અસર ના થતી, કારણ કે સાંભળેલી વસ્તુ કરતાં જોયેલી વધુ અસર કરે છે,
પણ મને સમજાતું ન હતું કે મા પિતાજી ને નિર્દોષ અને પોતાને દોષી કેમ કહે છે, આ વાત હવે હું મા ને પૂછી શકું તેમ પણ ના હતું,
પરંતુ પિતાજી ના આવા વલણ થી સમગ્ર પુરુષો પ્રત્યે એક નફરત ની ભાવના થઈ ગઈ છે,અવિશ્વાસ બંધાઈ ગયો છે, અને એટલે મેં એકલા રહેવાનું પસંદ કર્યું છે, ખબર નહીં, આ વિશ્વાસ ફરી આવશે કે નહીં, પણ મુખ્ય વાત, કે મા ની યાદો ફરી તાજી થઈ ગઈ
-અંજલિ ગોહિલ