vasmi garibi books and stories free download online pdf in Gujarati

વસમી ગરીબી




1.


" લ્યો બાપુ, તમે ખાઈ લ્યો. મારું પેટ ભરાઈ ગ્યું સે." નાનકડી ટીનું બોલી.

"ના ટીનું, તું ખાઈ લે. મેં હમણાં જ ખાધું'તું." ટીનુંના બાપુ કરસનભાઈ બોલ્યા.

એક રોટલી માટે ટીનુંની ને કરસનભાઇની આ લાચારી રોજે ઘરમાં સંભળાતી હોય. ટીનું તેના બાપુને ભૂખ્યા ના જોઈ શકે ને કરસનભાઈ ટીનુ ને.

માતાને તો જન્મતાની સાથે જ ગુમાવી બેસેલી આ ટીનું અને ગરીબીથી પીડાતું તેમનું આ ઘર. કરસનભાઈ સખત મહેનત કરતા પણ બે પાંદડે થવાની વાત તો દૂર, બે ટંક સરખું જમવાનું પણ ના મળતું.

શહેરની વચ્ચે, રોડની સાઈડ પર નાનકડું ઝૂંપડું બનાવીને રહેતો આ બે જણનો પરિવાર. ટીનું બે ત્રણ રોટલી બનાવતી અને કરસનભાઈ આવે એટલે રાત્રે બંને પાણી સાથે જમી લે. હા, પાણી સાથે.. કેમ કે એમની પાસે એટલી આવક જ નહોતી કે તેઓ કોઈ શાક, દૂધ કે છાસ પણ ખરીદી શકે. ભલે એ ખાલી રોટલીથી જ ચલાવતા પણ જમવા તો બંને સાથે જ બેસતા. એમનો પ્રેમ જ એટલો હતો કે એક રોટલી મળી રહે તો પણ બત્રીસ ભાતનું ભોજન થઈ પડતું.


આ પાંચ વર્ષની નાનકડી ને ઉંમર કરતા ક્યાંય વધારે સમજદાર ટીનું. ટીનુને કે કરસનભાઈને બે માંથી કોઈને જ ખબર નહોતી કે આટલી નાની ટીનું રોટલી ક્યારથી બનાવવા લાગી ને શીખી ક્યાંથી ? કદાચ પરિસ્થિતિ જ માણસને બધું શીખવી દેતી હશે.

બસ આ બે જણનો જ નાનકડો પરિવાર એમનામાં જ ખુશ હતો. ના ક્યારેય સમાજની ચિંતા કે ના ક્યારેય કાલની ચિંતા. ઈશ્વરથી ક્યારેય કોઈ ફરિયાદ નહિ, ને ટીનુંની ક્યારેય કોઈ માંગ નહિ.

ઘરમાં ઝઘડો થવાનો તો સવાલ જ નહોતો. પણ હા, ટીનું ને કરસનભાઈ ભૂખ્યા પેટે ઘણી વાર સુતેલા છે છતાંયે કોઈ જાતની ફરિયાદ તો નહિ જ ને ઉલટાનો હંમેશા જોવા મળે બંનેનો હસતો ચહેરો. કેટલી સહનશક્તિ ! કેટલો પ્રેમ !

આખો દિવસ ટીનુંના ઘર પાસેથી લોકોની અવર જવર ચાલુ રહેતી ને વાહનોનો અવાજ સંભળાયા કરતો. ટીનુંને આ બધું જોવાની ખૂબ મજા પડતી. એમા પણ શાળાએ જતા નાના નાના ભૂલકાઓ ને જો ટીનું જોઈ લે એટલે તો હરખઘેલી થતી.

મોંઘા રમકડાં પણ ક્યારેક બાળકોને ખુશ નથી કરી શકતા પણ ટીનુંને ખુશ કરવા તો શાળાએ જતા આ બાળકો જ પૂરતા હતા.

પોતાના કરતા પણ વધુ વજન વાળું ખભે ઉપાડેલું એમનું બેગ, ગળામાં પહેરેલી પાણીની બોટલ, એક હાથમાં નાનકડું ટિફિન ને બીજા હાથમાં માતૃત્વથી નીતરતો એક 'મા' નો હાથ..

ટીનું બસ બધાને જોયા જ કરતી. ક્યારેક બાળકો મસ્તી કરતા, ઉછળકૂદ કરતા, તો ક્યારેક એકડા બોલતા બોલતા જતા. એ બધાને જોઈ જોઈને જ ટીનુંને પણ થોડા ઘણા એકડા ને કક્કો આવડી ગયો.

આમ તો આખો દિવસ ટીનું ઘરે એકલી જ રહેતી અને તેના બાપુ રોજે કામ શોધવા જતા. નાનું મોટું જે કંઈ કામ મળતું તે કરતા અને એ રૂપિયાથી જ એમનો બીજો દિવસ ઉગતો પણ ક્યારેક આખો દિવસ કામની શોધમાં હોવા છતાં કામ મળતું નહિ અને કરસનભાઈ ખાલી હાથે જ પાછા ફરતા.

આમ ને આમ ટીનું પાંચ છ વર્ષની થઈ ગઈ. એકવાર કરસનભાઈને થોડી તબિયત ઠીક ના લાગતા ઘરે જ રહેવાનું વિચાર્યું.

બાળકોનો શાળાએ જવાનો સમય થતા જ ટીનું દોડીને બહાર ગઈ અને એમને જોવા લાગી. તે દિવસે કરસનભાઈએ ટીનુંની ભણવા પ્રત્યેની ઘેલછા જોઈ. એમને લાગ્યું કે મારે પણ ટીનુને ખૂબ ભણાવવી છે.

થોડી વાર પછી ટીનું ઘરમાં આવી. કરસનભાઈ ઘરના એક ખુણામાં ખાડો કરવા લાગ્યા. ટીનુ એ આ બધું જોયું પણ કંઈ સમજાયું નહિ. બાપુ શું કરે છે તે જોવા માટે ટીનું કરસનભાઈની બાજુમાં બેસી ગઈ.

થોડું ખોદયા પછી એક ચીંથરેહાલ અવસ્થામાં એક નાનકડી પોટલી મળી. કરસનભાઈએ તે ખોલી. તેમાં થોડા પૈસા હતા.

" ટીનું, તારે ભણવું સે ને ? હાલ આયા બાજુની સરકારી નિશાળમાં પુસી જોય અને પસી તારા હાટુ થેલો લય આવી. " કરસનભાઈ બોલ્યા.

ટીનુંને પહેલા તો એ પૈસા જોઈને ખૂબ જ નવાઈ લાગી. બે ટંક સરખું જમવા નથી મળતું તો પણ આટલા પૈસા આવ્યા ક્યાંથી ? ટીનું આવા વિચારોમાં જ હતી.

" કેમ ટીનુંડી, કેમ કાઈ બોલતી નથી ? તારે ભણવું સે ને ?" કરસનભાઈ બોલ્યા.

" બાપુ, આ પૈસા.. આટલા બધા કેમ ? કેવી રીતે ?" ટીનું હજુ પણ એ જ વિચારોમાં છે.

" એ હું તને પસી ક્યારેક વાત કરીસ. તું હાલ મારી હારે. "

ટીનુંને ભણવું ગમતું હતું એટલે વધુ કંઈ સવાલ કર્યા વગર એના સવાલો સાથે જ બાપુ સાથે શાળાએ પહોંચી.

ત્યાં ટીનુંને થોડા ઘણા સામાન્ય સવાલો પૂછ્યા. એકડા, કક્કો પૂછ્યા. ટીનુંને મોટાભાગનું બધું આવડી ગયું અને તેને શાળામાં એડમિશન મળી ગયું. જોકે તે શાળામાં પ્રવેશ પરીક્ષા જેવું કંઈ હતું નહિ પરંતુ બાળકની આવડત જાણવા થોડા સવાલો ક્યારેક પુછતા.

પછી તો કરસનભાઈ ને ટીનું બંને ખુશ થતા થતા થેલો અને થોડી બીજી વસ્તુ લઈ આવ્યા.

ઘરે આવીને કરસનભાઈ એ ટીનુંને પૂછ્યું, " ટીનું, તને કક્કો ને એકડા કોણે શીખડાયવા ?"

" બાપુ, હું રોજ આખો દિવસ બાર જ બેઠી હોવ. આ સોકરવા બધાય આયાથી નીકળે એની પાહેથી જ સીખી ગઈ."

પછી તો નાનકડી ટીનું શાળાએ જવા લાગી. ઘરે આવીને રોજે બાપુને એકડા, કક્કોને ABCD શીખવતી પણ કરસનભાઈને કંઈ જ ગળે ઉતરે નહિ. તે બસ હા બોલતા જાય.





2.

ટીનું હવે તો દસમા ધોરણમાં આવી ગઈ હતી ને કરસનભાઈને પણ એક મોટા બંગલામાં માળી તરીકેનું કામ મળી ગયું હતું. એટલે હવે એમને રોજે કામ શોધવાની ચિંતા રહી નહોતી ને આવક પણ થોડી વધુ આવવા લાગી જેથી સરખું જમવાનું અને ટીનું માટે ભણવાનું થઈ રહેતું.

કરસનભાઈ આખો દિવસ ત્યાં બંગલે જ રહેતા અને રાત્રે ઘરે આવતા. ટીનું પણ હવે તો આખો દિવસ ઘરમાં જ રહેતી અને વાંચ્યા લખ્યા કરતી.

એકદિવસ રાત્રે જ્યારે કરસનભાઈ ઘરે આવે છે ત્યારે એમના હાથમાં શેઠે આપેલા થોડા રૂપિયા હોય છે જે કરસનભાઈએ એક નાનકડી કોથળીમાં રાખેલા હોય છે.

એ જોઈને અચાનક જ ટીનુંને પેલી વાત યાદ આવી જાય છે. એટલે તે કરસનભાઈને પૂછે છે,

" બાપુ, હું પાંચેક વરસની હતી ત્યારે તમે ખૂણામાંથી પૈસાની પોટલી કાઢી'તી એ ક્યાંથી આવી તી ?"

" અત્યારે તું વાચ. આપણે પસી ક્યારેક વાત કરસુ. "

" બાપુ કયો ને. " માસુમતાથી ટીનું બોલી.

કરસનભાઈને પણ લાગ્યું કે ટીનુંને ક્યારેક તો એ વાતની ખબર પડશે જ ને. એટલે તેમને થયું કે હું ટીનું ને કહી જ દવ.

" ટીનું, તને એ વાત કરું પસી કદાચ તું મને બાપુ કહેતી પણ બંધ થઈ જઈસ પણ એકદિવસ તો મારે તને આ વાત કરવાની જ હતી. આટલા વારસોથી હું ઈ વાતનો બોજ મારા માથે લઈને ફરું સુ."

" બાપુ, આવું કેમ બોલો સો ? તમને હું બાપુ નો કવ તો બીજા કોને કવ ? અને કઈ વાતનો બોજો ?"

" ટીનું, મને અત્યાર સુધી ઈ જ નથી ખબર કે હું કોણ સુ. મારા માં - બાપુને તો મેં ક્યારેય જોયા જ નથી. જ્યારથી થોડી ઘણી ભાન આવી ત્યારથી જ હું આ ઘરમાં સુ. નાનો હતો ત્યારે તો લોકો બિચારો કે ભુયખો હમજીને ખાવાનું દેતા. પણ મોટો થયા પસી કોઈ ખાવાનું આપતું નય. થોડા દિવસ તો જેમ તેમ કાયઢા, એક મંદિર બાર ભીખ પણ માંગી. પણ થોડા દિવસ પસી ખબર પડી એટલે કામ કરવા લાગ્યો ને થોડું ઘણું જે મળે તેમાંથી જ ખાઇ લેતો.

થોડા દિવસો પસી મને કામ નો મળ્યું. ઘણું રખડયો પણ કામ તો નો જ મળ્યું. પાંચ દિવસ સુધી પેટે પાણી સિવાય કઈ જોયું નય. કોઈએ હાચુ જ કીધું સે ટીનું, ' ભૂખ ભૂંડી ને ગરીબી વસમી.'

મારી ભૂખના લીધે મને ચોરી કરવાનો વિચાર આયવો. એટલે મેં એક ઘરેથી થોડાક રૂપિયા ચોર્યા એનાથી લગભગ એકાદ મહિનો તો આરામથી હું ખાત.


મેં જ્યા ચોરી કરી'તી એ ઘર પાહેથી હું બે - ત્રણ દિ' પછી નીકળ્યો. મને ત્યાં ઘરની બાર એક સોકરીનો રોવાનો અવાજ હંભળાયો. એટલે હું ગ્યો. મેં ઈ સોકરીને તેડી ને એને ઘરમાં અંદર દેવા ગ્યો. પણ ત્યાં તો મારી આંખ ફાટી ગય.

એ જ ઘર હતું જ્યાં મેં બે દિ' પેલા ચોરી કરી'તી. અને અત્યારે એક ભાઈએ એમનો જીવ ગુમાવ્યો'તો. એમની બાજુમાં એક દવાની બોટલ ય હતી. મારા લીધે ઈ ભાઈએ એનો જીવ ..."

આટલું બોલતા જ કરસનભાઈની આંખમાં આછા આંસુ આવી ગયા.


" બાપુ, પસી એ નાની સોકરીનું ? " ટીનું બોલી.

" મેં બાજુના ઘરમાં પૂછ્યું તો એને કીધું કે આ ટીનુંડીની મા તો ટીનું જન્મી ત્યાં જ મરી ગય સે. એનો બાપ અંદર હશે. જાવ... "

ટીનું આ વાત સાંભળીને તો વિચારશુન્ય જ થઈ ગઈ. તેને કશો જ વિચાર આવતો નથી, પણ આંખ ભીની થાય છે.

કરસનભાઈએ એમની વાત આગળ વધારી.

" પસી તો મને મારા પર જ નફરત થવા લાગી. એક ગરીબના ઘરમાંથી ચોરી કરી મેં ! ત્યાં બેઠો ને હું રોયા જ કર્યો. પસી તો મેં પણ મરવાનું વિચારી લીધું ને ત્યાંથી ઉભો થઈને જેવો જવા ગ્યો ત્યાં તારો રડવાનો અવાજ આયવો.
એટલે પસી મને લાગ્યું કે આ સોકરીનો વાંક શુ ? એને એની મા તો નો મળી, પણ બાપ પણ મારા લીધે નો મળ્યો.

ત્યારથી જ હું તને ઘરે લઇ આયવો. અને હાચવવા લાયગો. અને જે રૂપિયા એ ઘરેથી હું ચોરી આયવો તો એ મેં તારા હાટુ જ આ ખૂણામાં મુયકા તા. પસીતો એમાંથી એક પણ રૂપિયો મેં લીધો નથી. ને રોજે જે કમાતો એમાંથી પણ થોડા પૈસા બચાવીને રાખતો.

ટીનું, તારા બાપુએ એ પૈસા તારી હાટુ જ રાયખા હસે પણ કયા કામથી રાયખા હોય ઇ તો મને નથી ખબર, પણ તને ભણવામાં રસ સે એ ખબર પડી એટલે મેં ઇ પૈસા તારા ભણતરમાં જ વાપર્યા.

તારા બાપુને માફ કરી દેજે ટીનું..."

ટીનુંની આંખમાં પણ આંસુ છે. પણ ટીનું માટે તો આ જ એના બાપુ હતા. આટલો કઠોર ભૂતકાળ પણ ટીનુનો ને કરસનભાઈનો પ્રેમ ઓછો ના કરી શક્યો.


ટીનું તો એના આ બાપુને જ પ્રેમ કરતી હતી, એમના ભૂતકાળને નહિ અને આમ પણ એના બાપુ એ ટીનુંને બધી સાચી વાત કરી દીધી હતી એ જ બસ હતું. સાચા હૃદયથી કહેલી બાપુની આ વાતને ટીનુ માફ ના કરે એવું તો શક્ય જ નહોતું !

આ વાતની અસર તો જાણે ઊંઘી જ થઈ. ટીનુનો ને કરસનભાઈનો પ્રેમ ઘટવાને બદલે વધતો ગયો.

ટીનુંને લાગતું હતું કે મારા બાપુનો ભૂતકાળ જે હોય તે, મારા માટે તો મારા બાપુ સંપૂર્ણ નિષ્ઠાવાન છે. તે તેમની એક ભૂલનો બોજો અત્યાર સુધી માથે લઈને ફરે છે, મને હંમેશા સગી દીકરીનો જ પ્રેમ આપ્યો. આટલો પ્રેમ તો કદાચ મને કોઈ જ ના આપી શકત.

બીજી બાજુ કરસનભાઈના માથેથી પણ વરસો પેલાનો બોજો આજે થોડો ઉતર્યો હોય તેવું લાગ્યું અને આમ પણ ગુનાની કબૂલાત કરી લેવાથી જ મન ઘણું હળવું થઈ જાય છે.







3.


ટીનુંને પોલીસ બનવાની ખૂબ જ ઈચ્છા હતી. એટલે તે હવે સખત મહેનત કરવા લાગી હતી. કરસનભાઈ પણ હવે તો ટીનુંની સેવામાં જ રહેતા. જમવાનું પણ તૈયાર જ આપતા. ક્યારેક કોઈ બુકની જરૂર પડે તો ટીનું એક ચિઠ્ઠીમાં લખી આપતી ને કરસનભાઈ ગમે ત્યાંથી લઈ આવતા.


સખત મહેનત અને બાપુના આશીર્વાદથી ટીનું પોલીસ બની ગઈ. થોડા દિવસોમાં તો તેની ટ્રેનિંગ પુરી થઈ ને ડ્યૂટી પણ ચાલુ થઈ ગઈ. જ્યા ટીનુંને નોકરી લાગી હતી ત્યાં નજીકમાં તેમને રહેવા ઘર પણ આપવામાં આવ્યું. હવે તો ટીનું એ એના બાપુને કામ ન કરવા કહ્યું અને એ પણ સારું એવું કમાવા લાગી.

બંને જણનો આ નાનકડો પરિવાર ખુશીથી એમના નવા ઘરમાં રહેવા લાગ્યો.

ટીનું તેની આદત મુજબ બધી જ વાત બાપુને કરે. જેમ સ્કૂલનો કક્કો બાપુને શીખવવા બેસી જતી એમ જ અત્યારે તે દરેક કેસ વિશે બધું જ બાપુને કહેતી.

એક વખત એક ખૂબ જ જૂનો કેસ આવ્યો. એ વ્યક્તિ ઘણી વાર ઘણા ગુનામાં પકડાયેલો છે પણ દર વખતે જામીન પર કે રીશ્વતથી છૂટી જતો. વર્ષોથી ચાલતી તેની આ ગેમમાં તે માસ્ટર થઈ ચુક્યો હતો.

પરંતુ આ વખતે તેનો કેસ મેડમ ટીનુંના હાથમાં હતો. એટલે ટીનું તો કોઈ પણ આરોપીને છોડવા માંગતી જ નહોતી કેમ કે તે શહેરને ગુનામુક્ત કરવા માંગતી હતી.

એટલે તેણે તે આરોપીની બધી જ ડિટેઇલ મેળવી અને બધી જ જગ્યા એ તપાસ શરૂ કરી.

થોડા જ દિવસોમાં ટીનુંએ એ આરોપીને પકડી પાડ્યો અને જેલ ભેગો કરી દીધો.

થોડા દિવસો પછી રાત્રે ટીનું ને કરસનભાઈ જમીને શહેરમાં ટહેલવા નીકળ્યા. ત્યાં અચાનક જ ટીનું ઉભી રહી ગઈ અને એક ઝૂંપડા જેવા ઘર તરફ હાથ ચીંધીને કહેવા લાગી,

" બાપુ, તમને ખબર છે થોડા દિવસો પહેલા એક કેસ આવેલો, એક ખૂનીનો ? "

" ટીનું, એવા તો કેસ તું રોજે જ કેતી હોય મને... "

" અરે ના બાપુ, પેલો ખૂની જે એવી રીતે મારતો કે લોકોને લાગે આ આત્મહત્યા છે. યાદ આવ્યું ?"

" હા .. હા.. એનું શુ ?"

" એ આરોપીએ પહેલું ખૂન આ ઘરમાં કરેલું. એમને એક નાનકડી છોકરી હતી અને એની મા તો એ છોકરી જન્મતા જ મૃત્યુ પામેલી..."

કરસનભાઈએ એ ઘર તરફ જોયું, કઈક જાણીતું ઘર લાગ્યું ને ટીનુંને પણ કઈક યાદ આવ્યું એટલે બંને અચાનક જ એકબીજાની સામે જોઇ રહ્યા ને એકબીજા સામું સ્મિત કર્યું ને ફરી નીકળી પડયા એમના એ પ્રેમથી છલકાતા જીવનરાહ પર...