THE FEELING OF JOY books and stories free download online pdf in Gujarati

આનંદની અનુભૂતિ (ગિરનાર યાત્રા વર્ણન)

તા: 31/12/2019 ની રાતે ખૂબ જ ધમાલ કરી નવા વર્ષે ક્યાં મળવું એટલું નક્કી કરીને અમે બે મિત્રો છૂટા પડ્યા. જાન્યુઆરી ના ફર્સ્ટ વિકની અમારી મુલાકાત, એ મુલાકાત અમને બંનેને એક એવા સ્થાન તરફ દોરી ગઈ જ્યાં અમે અનહદ આનંદ ની અનુભૂતિ કરી. ચાલો એ આનંદ તમારી વચ્ચે પણ વહેંચી લઉ.

દિવસો હતા તા:20,21,22 જાન્યુઆરી 2020 ના, પ્રવાસ હતો ગિરનારનો પણ એ પ્રવાસ પ્રવાસ ન રહેતા યાત્રા બની અમારી અનુભૂતિ ને કારણે. હું અને મારો જીગરી યાર હું ગણિતજ્ઞ અને એ રહ્યો વિજ્ઞાનનો ભક્ત, આ પૂર્વે પણ અમે ઘણાં જોવાલાયક અને જાણવાલાયક સ્થળો ની મુલાકાત લઈ આવ્યાા હતા, ફરતાં ને ફરતાં ફરતાં અમે વાતોએ વળગતા પણ વાતો અધુરી રહે ત્યાં મુલાકાત પૂરી થઇ જાય. પણ ગિરનાર પ્રવાસ ની વાત જ કંઇક અલગ હતી. ત્યાંની વાતો વારસો અને વાતાવરણ અમને અમારી નજીક લાવવામાં નિમિત્ત બન્યા અને સૌથી અસરકારક કારણ તો એ ગિરનારની ટોચે એક શ્યામલ દહેરામાં શોભતા દાદા "નેમિનાથ".

તા: 19/01 ની રાતે જ ગિરનાર પહોચ્યા આદત પ્રમાણે જાણકાર પાસેથી ત્યાં ની ભૂગોળ ને જાણી લીધી. ને સવાર થતાં જ નીકળી પડ્યાં તલેટી રોડ તરફ સાંકળી ગલીઓ અને તોતિંગ ધર્મશાળાઓ અને ક્યાંક ક્યાંક ગિરનારી બાવા ના આશ્રમો વળી રોડની બંને બાજુ ખાણીપીણીના ખુમચાંઓ આમથી તેમ દોડતા કેટલાક પ્રવાસી કેટલાક યાત્રીઓ અને કેટલાક અમારી જેવા સહેલાણીઓ જોતાં જ રહ્યા. ચાલતા રહ્યા ને એકાએક પેલા ડુંગર ની નજીક પહોંચ્યા જેને અમારે સર કરવાનો હતો ચાલવાનું કેટલું ચઢવાનું કેટલું એની જાણકારી મેળવી કેટલો સમય લાગશે તેનું અનુમાન લગાવી પાછાં ફર્યાં

ગિરનાર પ્રવાસની બીજી રાત્રી હતી આજે તો રૂમમાં પુરાયા વગર ધાબાં પર પસંદગી ઉતારી.. અને પહોંચી ગયા, ટમટમતાં તારલાઓને ગણતા ગણતા આંખ ક્યાંરે મીંચાઈ એ ખબર જ ના પડી સવાર સવારનાં શીતળ પવનની લહેરોએ અમને જગાડ્યા અને માથાં પરનાં વાદળા તો જાણે અમને સાથે લઈ જવા મથતા હોય તેમ લાગ્યું અમે દોડી ગયા વાદળા જઈ રહ્યા હતા એ દિશામાં ને પહોંચી ગયા ફરીથી એ ડુંગરની નજીક, અહીં સુધી પહોંચવામાં જ હાંફી ગયા હતા ચઢાણ તો હજી બાકી જ હતું ધીમે ધીમે શરૂઆત કરી પણ આગળ જતાં કેમ જાણે અમને એવું લાગ્યું કે કોઈ અમને દોરી રહ્યું છે અને અમે દોરાઈ રહ્યાં છીએ કોઈ ચાલી રહ્યાં છે અને અમે આગળ વધી રહ્યા છીએ એક પગથિયા ને કિનારે બેસીને જુનાગઢ શહેરને રોશનીથી ઝળહળતું જોયું ચારે તરફ ફરકતી લાલ લીલી ધજાઓને જોતાં જુનાગઢ દેવનગરી જેવું લાગતું હતું કોઈ દોડી ને તો કોઈ આસ્તે આસ્તે ચઢતાં પ્રવાસીઓ યાત્રીઓ આ બધા વચ્ચે બસ એક જ તડપ કે ક્યારે પહોંચી શું અને ક્યારે મળશું એને, હવે તો બહોત ગઈ થોડી રહી જેવું હતું બસ અમે પહોંચવાની તૈયારીમાં હતા અને ત્યાં જ એ દેરીઓની શ્રેણીમાંથી જય ગિરનાર જય નેમિનાથ ના જયકારા સાંભળ્યા ને પગ અધીરા બન્યા બે મિત્રો વચ્ચે હરીફાઈ લાગી કે પહેલા કોણ પહોંચે પણ કહેવાય છે કે ધાર્યું તો ધણીનું જ થાય અમે બંને એક જ સમયે પહોંચ્યા કેમ જાણે પણ અમને એવું લાગ્યું કે એ દાદો પણ અમે બંને સાથે રહીએ તેમ ઇચ્છે છે આદત પ્રમાણે અહીંયા પણ પહેલાં ભૂગોળને જાણી નક્કી કર્યું કે મુખ્ય દહેરામાં નિરાંતે જઈશું હાલ તો આસપાસ ની મુલાકાત લઈએ.
પાટણ નરેશ કુમારપાળ મહારાજાનું બંધાયેલું દહેરું ને વળી ગુર્જરના ધોળકાના મંત્રી સેનાપતિ વસ્તુપાલ તેજપાલે બંધાવેલ દહેરું અદ્ભુત શિલ્પકલા, નમૂનેદાર બાંધણી ને ઝીણી ઝીણી કોરણી અને એ બધાં વચ્ચે શોભતા જિનેશ્વર દેવો બસ જુહારતા રહો જુહારતા રહો જુહારતા રહો. અહીં આવતા પહેલા જાણ્યું હતું નેમિનાથ ની નવ નવ ભવ ની પ્રીત જેની સાથે રહેલી એ રાજુલ ની ગુફા ક્યાંક આસપાસમાં જ છે ને શોધતાં મળી પણ ખરી સંભાળીને નીચા નમી ને ગુફામાં પ્રવેશ્યા ને અનુભવ્યું કે નમે તે સૌને ગમે પણ નમવું કોને ગમે..? આ ગુફા જાણે નમ્રતાનો સંદેશ ન આપતી હોય એવું લાગ્યું ગુફામાં નોટિસબોર્ડ પાસે પહોંચ્યા નોટીસ બોર્ડ પર ફ્લેશ લાઇટનો પ્રકાશ કરી ત્યાં લખેલ રહનેમી અને રાજુલ ની કથા વાંચી ત્યારે સમજાયું કે "કામ" (વાસના) ને જીતવો કેટલો અઘરો છે ત્યાં ઉપસ્થિત તે સમયની રાજુલની ચરણાકૃતિને દૂર થી જ હાથ જોડ્યા ક્યારે આંખ મીચાઈ ગઈ અને અમે પણ નિષ્કામ થઇએ એવી પ્રાર્થના હૃદયથી નીકળી મુખેથી સરી પડી ને અનુભવ્યું કે ભક્તિ કરાતી નથી થઈ જતી હોય છે, હવે તો સૂર્ય પણ ખીલી રહ્યો હતો અને એની સાથે સાથે સૃષ્ટિ પણ ખીલી રહી હતી પવનમાં પણ સ્હેજ ઉષ્મા વર્તાતી હતી ચાલવાના રસ્તાને બંને સાઇડ પ્રસાદી વેચવાવાળા, પૂજાપો વેચવાવાળા, અને ખાણીપીણી વાળા તો ખરા જ આ બધાને અલબ ઝલબ જોતાં જોતાં સહસાવનનાં માર્ગે આવી પહોંચ્યા હવે તો ઉતરવાનું જ હતું ને ફરીથી લાગી હરીફાઈ ઉત્સાહમાં ઉતાવળ ઉમેરી મક્કમતાપૂર્વક અંતે અમે પહોંચી ગયા રસ્તાની જમણી બાજુએ બંધાયેલાં ઉત્તુંગ સમોવસરણ જિનાલય પાસે.

માનવ સર્જિત સમોવસરણનાં પગથિયા ચઢતાં ચઢતાં દેવો એ બનાવેલ સમોવસરણ ન ચઢતાં હોઈએ તેવો રોમાંચ અનુભવ્યો, ("સમોવસરણ" એટલે તીર્થંકર દેવો જેમા ઉપદેશ આપે તે રચના) હમણાં જ કંઈક કહેશે આંખ પટપટાવશે હોઠ ફફડાવશે એવી પ્રભુની મુખાકૃતિ ને જોતા જ રહ્યા, આગળ અને પાછળ બેસેલા યાત્રિક સમૂહમાંથી એક પછી એક ભક્તિ ગીતોની જમાવટ ચાલી રહી હતી, ડંકા પડતા ખ્યાલ આવ્યો કે મધ્યાહ્ન થઈ ચૂક્યો છે પરાણે પણ ઉભા થયા ફરીથી થોડાં પગથિયાં ઉતર્યા અને એક નાનકડી શ્વેત સંગેમરમરની દેરી પાસે આવી ઊભા રહ્યા, કહેવાય છે કે આ એજ સ્થાન છે જ્યાં જાન છોડીને દોડી આવેલા નેમકુમારે સંયમ ગ્રહણ કર્યું હતું ઉભા રહીને જ વનવગડા વચ્ચે કરેલી પ્રભુની એ સાધનાની આછી ઝલક માણી, જગતના એક પણ જીવ ને ખલેલ પહોંચાડયા વગર પ્રભુએ એમની મંઝિલને પ્રાપ્ત કરી હતી અજ્ઞાત હ્ય્દયમાં એક સવાલ ઘુમરાવા લાગ્યો કે આ કઈ રીતે શક્ય બન્યું હશે.? વગડા વચ્ચે કેવી રીતે જીવન જીવાતું હશે.? આસપાસના વૃક્ષો એ એકસાથે નમી જઈને અમને જવાબ આપ્યો, શક્ય છે ધારીએ તો. યાત્રા કરતા-કરતા સાથે જોડાયેલા એક યાત્રિક પાસેથી જાણ્યું કે અહીંથી થોડે દૂર પ્રભુ નેમનાથ ની કેવળજ્ઞાન ભૂમિ છે ત્યાં પહોંચી પ્રભુની પ્રથમ દેશના ને સાંભળવાની ઇચ્છા થઈ ઊભડક પગે બેસી આંખ મીચીને પ્રભુ ના મૌનને સાંભળ્યું, નિશબ્દ પ્રભુએ અમને શબ્દાતીત શિક્ષા આપી દાદાની વાતો સાંભળતા સાંભળતા દાદા યાદ આવ્યા, કે હજી દાદા ને ભેટવાનું તો બાકી જ છે યાદ આવતા ફરીથી ચડવાની શરૂઆત કરી અને આ વખતે તો રીતસરની શરત લાગી, એમ તો અમે બંને મૈત્રીમાં હારજીત જેવું માનીએ નહીં પણ આજે અમારી વચ્ચે દાદા હતા આ વખતે પણ તેનું ધાર્યુ જ થશે ને દોડી પડ્યા એના ઉત્તુંગ શ્યામલ દેરાની નજીકના ખુલ્લા આકાશ નીચે આવી ઊભા આજે અમે જ અમારી સામે ખુલી રહ્યા હોય એવું લાગ્યું.

જમણા હાથે રહેલા માં અંબિકા ને નમી વંદી પહોંચ્યા દાદા ના રંગમંડપ કમ અને રાજમહેલ જેવા વિશાળ દરબારમાં ને સામે જ બે દીવડાઓ વચ્ચે મલકાતા સજી-ધજીને બેસેલા રાજાધિરાજા દેવાધિદેવ નેમિનાથ ને નીરખ્યા, જેને નીરખતાનિર્વિકારી બની જવાય વંદતા વંદનીય બની જવાય ને ભેટતા ભવસાગર તરી જવાય એવી શ્યામ વિશાળ પ્રભુ પ્રતિમાને સ્પર્શવા માટે એક જ બહાનું હતું એની પૂજા કરવા મળે, ભમરાની જેમ પ્રભુ અને પ્રભુના દેરાની પ્રદક્ષિણા દેતા કેટલાક ભક્તો સાથે અમે જોડાયા, સ્વયંસેવકો પાસેથી જાણવા મળ્યું કે પૂજા માટે થોડો સમય છે અને પછી પુષ્પવૃષ્ટિ નું એક અદ્ભુત અનુષ્ઠાન થશે જે અહીં રોજ થાય છે, સ્નાનાદી કાર્ય કરી પૂજાના વસ્ત્રોમાં સજ્જ થઈ ફરી પહોંચ્યા દાદાના દરબારમાં મુખકોશ ને બાંધી ગભારામાં જ્યારે પગ મૂક્યો ત્યારે મન પરના બધા જ આવરણો દૂર થતા લાગ્યા તન સ્વચ્છ હતું હવે તો મન પણ સ્પષ્ટ હતું આજે તો દાદા ને જ માણવાના છે એની પૂજા જ નહી પણ એને પ્રેમ કરવો છે એની વંદના જ નહીં પણ એને વ્હાલ કરવું છે ગાલે હાથ ફેરવી લાડ લડાવા છે એના ખોળામાં માથું રાખીને એના બની જવું છે પૂજા તો એમના એક એક અંગને સ્પર્શ કરવાનું બહાનું છે ખરી મજા તો એમણે અનિમેષ નયને નિહાળવાની છે ને એમને જોતાં જોતાં જાતને જાણવામાં છે, મન થયું આજે એ પણ કરી લઈએ અને બેસી ગયા બરાબર એમની સામે કોઈક ઢોલક લઈને તો કોઈક વાંસળી ને મંજીરા લઈને જોડાયું ને કોઈકે કંઠ ખુલ્લો મૂક્યો અમે તો તાળી ના તાલ દઈને દાદા ને નીરખતા જ રહ્યા ને કંઈક આવા શબ્દો કાને પડ્યા "બંધન બંધન ઝંખે મારુ મન પણ આતમ ઝંખે છુટકારો" જાણે અમારા મનની વાત એ એના કંઠે કહી રહ્યા હતા મનોમન પ્રભુને પ્રાર્થના કરી પ્રભો..! આ અસાર સંસારમાં થી અમારા આતમનો છુટકારો ન થાય ત્યાં સુધી તારું બંધન જ અમને મળો, તું મળે, તારું શાસન મળે, તારી ભક્તિ મળે, તારું સંયમ મળે, ને તે મેળવું એ પરમ પદ મળે. સમય ક્યાં વીતી ગયો તેની ખબર જ ન પડી એના ગાન ગાતા ગાતા ખાવાનું પીવાનું ને દુનિયાદારી ભુલાઈ જ ગઈ હવે ફુલો ના ઢગલે રમતા પ્રભુ હતા અને અમે હતા હવે અમે ગાનમાંથી ધ્યાનમાં આવી બેઠા, અમે, અમારા પ્રભુ, અને અમારી વાતો, ક્યારેક ચર્ચા ક્યારેક સંવાદ ક્યારેક પ્રશ્નો તો ક્યારેક યાચનાઓ અને પછી અંતે નિશબ્દ, એ બોલતા રહ્યા અમે સાંભળતા રહ્યા અને અંતે પ્રભુ એટલું જ કહ્યું માત્ર સાંભળતા જ નહીં પણ સંભાળજો પણ ખરા, પ્રભુએ અમારા જીવનને લઈ આ વાત કહી કે મને વિસરી ન જતા એ વાત કહી એ સમજાયું જ નહીં જોકે એમ પણ અવસર સમજવાનો નહીં માણવાનો હતો અને અમે માણી રહ્યા હતા, પ્રભુને માણતા માણતા પ્રભુની નજીકની દુનિયા ને પણ માણી પ્રભુની ગોદ ને પામી ખીલી ઊઠેલા ગુલાબ વધુ ને વધુ ગુલાબી થઈ રહ્યા હતા, ઢગલાબંધ ગુલાબ અને ગુલાબના ગુલદસ્તા થી મહેકી ઊઠેલો ગભારો અહાહાહા.., બુઝુબુઝુ થતાં દિવડા એમની જ્વલંત શ્રધ્ધા નો પુરાવો આપતા જગ્યાએ જગ્યાએ ગોઠવાયેલા હતા, એક એક કરીને આવતા એકસાથે ઉડી જતાં પંખીઓ કલરવ કરી પ્રભુના ગુણગાન કરતા હતાં, બહારના વિશાળ ચોગાનમાં કુદાકુદ કરી પ્રભુની સ્થિરતા ને પોતાના માટે માંગતા એ વાનરવૃંદો, અને થનગનાટ કરી પ્રભુને રીઝવતા મોરલા, ને પશ્ચિમ દિશાએ અસ્ત થતાં પહેલાં પ્રભુને આખરી સલામી ભરતા એ સૂર્યનારાયણ, શિખરને સ્પર્શતું સોનેરી આકાશ, દાદાના ચોતરફ પથરાયેલા પ્રભાવને જણાવતી ફરકતી ધજા ને ધજા ની મજા ધજા ના કિનારે બંધાયેલી એ મધ્યમ કદની ઘૂઘરીઓ અને એનો રણકાર જાણે ભક્તોને ભક્તિમાં જોડાવા આવકારતી હોય એવું લાગ્યું.
હવે તો સાંજ પડવા આવી હતી ગભારો જ નહીં મુખ્ય રંગમંડપ અને રંગમંડપ થી આગળ નો ખુલ્લો રંગમંડપ દિવાના ઝગમગાટથી ઝળકી ઉઠ્યા હતા, જાણવા મળ્યું કે આરતી ને બસ થોડી જ વાર છે એ સમયે જ ભક્તો સ્વયંસેવકો અને સર્વ કર્મચારીઓ દ્વારા થતી ગીત પૂજા, નુત્ય પૂજા, એ તો અમારી અનુભૂતિને ચરમસીમાએ પહોંચાડી દીધી, બંને હાથમાં ચામરો લઈને અમે પણ જોડાયા જાત જગત સઘળું ભૂલીને જગતપતિના બની ગયા હોઈએ તે રીતે નાચતાં રહ્યા અને ભાવના ભાવતા રહ્યા, રાત ખૂટી રહી હતી અને દિવાઓમાં ઘી ઓછું થઈ રહ્યું હતું પણ અમે ભક્તો અટકવાનું નામ લેતા નહોતા અને એ જ ક્ષણે મોટા અવાજે "સોને કી છડી" ના શબ્દો કાને પડ્યા ગિરનાર મંડન નેમિનાથ દાદા ને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા કરી.. આરતી મંગલ દિવો થયો વળી પાછા ભગવાનની સમક્ષ બેઠા અમારી પાછળથી એક પછી એક દીવા બુઝવવામાં આવી રહ્યા હતા અમારી આસપાસ ના દીવા બુઝવવામાં આવ્યા તે સમયે તો બસ માત્રને માત્ર નેમિનાથ દાદા જ દેખાઈ રહ્યા હતા જાણે આ ભવવનમાં ભટકતા આપણાં સૌ માટે ભોમિયા બનીને દીવો લઈને માર્ગ ચિંધવા ઊભા હોય તેમ લાગે, એક પુજારી ગભારામાં પ્રવેશે છે દાદા ના મુખ ઉપર દીપકનો પ્રકાશ પડે એ રીતે દીપક ને ગોઠવ્યો ત્યારે તો પ્રભુના લલાટે રવિ કરતાં પણ અધિક તેજ ઝળહળતું દેખાયું હવે પ્રભુનો ગભારો માંગલિક કરવામાં આવ્યો અમે સૌ ધીરે ધીરે રંગમંડપની બહાર નીકળ્યા "ૐ હ્રીઁ શ્રી નેમિનાથ નાથાય​ નમ​:" ના મંત્રગાન સાથે રંગમંડપ નો દરવાજો પણ માંગલિક (બંધ) થયો આવી તીર્થભૂમિ ને છોડી જવાનું મન નહોતું થતું પણ જવું જ પડે એમ હતું કારણ પ્રભુએ જ આંખો ઝુકાવીને રજા આપી હતી સમૂહમાંથી હવે અમે બંને મિત્રો એકલા જ નીચે ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા પણ કોણ જાણે પગથિયે બેસી ગયા અને ફરીથી જાણે ગિરનારની ભાવયાત્રા ના કરતા હોય તેમ વિચારે ચઢ્યા છેલ્લા બે દિવસથી જે દુનિયાને અમે માણી હતી જે રીતે દેવાધિદેવ નેમિનાથ ને માન્યા હતા એનાથી અમે સંતુષ્ટ હતા રોમેરોમે રાજીપો વર્તાઈ રહ્યો હતો, શ્વાસે શ્વાસે ગિરનાર, ગિરનાર ના દાદા અને ગિરનારની યાત્રા વસી ગઈ હતી એક જ અફસોસ હતો પ્રભુનો અભિષેક કરવા ન મળ્યો.


સુરત થી નીકળતા પૂર્વેજ અભિષેક ની વાતો સ્વજનો અને મિત્રો પાસેથી સાંભળી હતી રોજ-બ-રોજ નિશ્ચિત સમયે ચઢાવાનો આદેશ અપાય અને પછી ઘંટનાદ શંખનાદ ઝાલર ને નગારા ની થાપ સાથે ભક્તોના "જય જય હોજો મંગળ હોજો" ના નાદ સાથે લાભાર્થી એક પછી એક મહાકાય સોના રૂપા ના કળશો થી પ્રભુના મસ્તકે શ્વેત ધવલ શુભ્ર શુભ પ્રક્ષાલ જલને વહાવે અને એ ધારા જ્યારે પ્રભુના મસ્તક થી ચરણે પહોંચતી હોય ત્યારે જાણે પ્રભુ જળ બની ખળખળ વહી રહ્યા હોય અને આપણે પાવન થતા હોય તેવું વાતાવરણ સર્જાય છે ગિરનાર પહોંચ્યા પછી તો જાણવા મળ્યું કે દાદાના અભિષેકના સમયે ગિરનાર ગિરનાર ન રહેતા દેવલોક બને છે ને ભક્તો જ જાણે સ્વયં દેવ-દેવીઓ ના હોય તેવો અનુભવ કરે છે પગથિયેથી ઉઠતા પહેલા અમે બંને મિત્રોએ નક્કી કર્યું કે હવે સ્પેશ્યલ દાદાના અભિષેક માટે જ ફરીથી આવવું છે. પગમાં થાક નહોતો ઉતાવળ તો જરાય ન હતી અને ઉત્સાહ તો હોય જ ક્યાંથી..? બસ ગિરનાર ના દાદા અને ગિરનારની યાત્રા ને વાગોળતા વાગોળતા અને જીવનની ધન્યતા ને અનુભવતા અનુભવતા અમે તળેટીએ પહોંચ્યા અને અનુભવ્યું કે જાણે અમે ભવતીરે આવી ઊભા હોઈએ ને હમણાં જ પ્રભુ આવશે અને અમને લઈ જશે.

વાચકમિત્રો ગિરનાર યાત્રા એ આગ્રહ હોવા છતાં પણ હું મારા કલ્યાણ મિત્રો આનંદ અને સ્મિત સાથે જોડાય શક્યો નહીં પરંતુ વર્ષો પૂર્વે મેં કરેલી ગિરનાર યાત્રા અને મારા મિત્રો એ કરેલી આનંદની અનુભૂતિ ના આધારે આ પ્રવાસ વર્ણન તમારી સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે ક્ષતી બદલ ક્ષમાયાચના

વાચક મિત્રોને નમ્ર વિનંતી ગિરનાર તીર્થ સંબંધિત વિડિયો,ફોટા,અને ભક્તિગીતો, માટે youtube પર ગીરનાર તીર્થ અને ગિરનાર ભક્તિ સોંગ search કરો અને તમે પણ અનુભવો આનંદ ની અનુભૂતિ. જય ગિરનાર જય નેમિનાથ