vicharoma dagh books and stories free download online pdf in Gujarati

વિચારોમાં ડાઘ

"ઓહહ, શિલું આવ આવ. ઘણા દિવસે આવી હોં. " છાયાબેન બોલ્યા.

" તને તો ક્યાં હું યાદ આવું જ છું. મેં વિચાર્યું ચાલ હું જ મળી આવુ." શિલું બોલી.

" અરે શિલું, આ વીર જોને.. આખો દિવસ તોફાન જ કર્યા કરે. મારો આખો દિવસ વીરને સાંભળવામાં જ નીકળી જાય છે. તને મળવા કેવી રીતે આવું ?" છાયાબેન બોલ્યા.

" એ તો જોતા જ લાગે છે. કેટલા વર્ષનો થયો વીર? " શિલું બોલી.

" આવતા મહિને પાંચ વર્ષ પુરા." છાયાબેન બોલ્યા.

" છાયા, વીર પાસે બંદૂક સિવાય બીજા રમકડાં કેમ નથી દેખાતા ?" શિલું થોડા આશ્ચર્ય સાથે બોલી.

" શિલું, વીરને બીજા રમકડાં ગમતા જ નથી. જ્યારે ક્યાંય બહાર કે મેળામાં જઇયે ત્યારે એ બંદૂક જ લેવડાવે બસ.. બીજું કંઈ એને જોઈએ જ નહિ. " વીર તરફ જોતા જોતા છાયાબેન બોલ્યા.

" છાયા, દોસ્ત હોવાના નાતે જો તને ખોટું ના લાગે તો એક વાત કહું ?"

" બોલ ને શિલું. અને આમ પણ તારી વાતનું મને ક્યારેય ખોટું ના લાગે. તું તારે બિન્દાસ કે."

" આ અત્યારથી વીરનો બંદૂક પ્રત્યેનો વધુ પડતો જ લગાવ મને ઠીક નથી લાગતો છાયા. " શિલું ગંભીરતાથી બોલી.

" અરે શિલું.. તું પણ.. બાળક છે એ.. આમ પણ હવે તો ભણવાની જવાબદારી માથે આવશે એટલે બધાં જ રમકડાં ભૂલી જશે. " છાયાબેને વાતને કંઈ વધુ મહત્વ ના આપ્યું.


" તો પણ છાયા, ધ્યાન રાખજે. ક્યાંક તમને જ ભારે ના પડે. તું સમજે છે ને હું શું કહેવા માંગુ છું ?" શિલું થોડી ખચકાતા બોલી.

" હા શિલું હા.. સમજુ છું પણ એ બધું તું છોડ. શું લઈશ ? ચા કે કોફી ? " છાયાબેને વાતને બીજા રસ્તે દોરી.

છાયાબેનને શિલુની વાત તો સાચી લાગી પણ તેમણે શિલુ સામે તો સામાન્ય પ્રતિક્રિયા જ આપી. વીરના બંદૂક પ્રત્યેના લગાવને છાયાબેન પહેલા તો કંઈ ખાસ મહત્વ આપતા નહિ પરંતુ જેમ જેમ બધા કહેવા લાગ્યા તેમ તેમ તેના મન પર પણ અસર થવા લાગી. એમને હંમેશા ડર રહેતો કે વીરનો બંદૂકપ્રેમ કોઈને ભારે તો નહીં પડે ને !


હવે તો વીર ભણવા લાગ્યો હતો. ઘરથી થોડે દૂર આવેલી શાળામાં ભણતો. બંદૂક તો વીરે હજુ પણ છોડી નહોતી. શાળાએથી ઘરે આવે એટલે પહેલા બંદૂક પછી જમવાનું.

થોડા દિવસોમાં તો શાળાએથી પણ વીરની ફરિયાદ આવવા લાગી. વીર હંમેશા બધા બાળકોને પરેશાન કરતો. હંમેશા પોતાની મનમાની કરતો. છાયાબેન વીરને સમજાવતા પણ વીરને તો બધું મસ્તીમાં જ જતું.


આમ ને આમ વીર મોટો થતો ગયો. સાથે એના નાના નાના તોફાન પણ મોટા થવા લાગ્યા. છાયાબેન અને વીરના પપ્પા કેતનભાઈ વીરને ખૂબ જ સમજાવતા પણ માને એ તો કોઈ બીજું.. વીર નહિ.


છેવટે છાયાબેને અને કેતનભાઈએ વીરને ડરાવવા ધમકાવવાનું ચાલુ કર્યું. તેઓને લાગ્યું કે જો અત્યારે જ વીરને સાચા રસ્તે નહીં વાળીયે તો આગળ જતા ક્યાંક તે લોકોને ને અમને જ ભારે પડશે. આ વિચારથી બંનેએ વીર પર કડકાઈ રાખી.

છાયાબેન અને કેતનભાઈના બધા જ પ્રયત્નો વ્યર્થ.

એમણે પહેલા તો વીરને ખૂબ સમજાવ્યો પણ તે વ્યર્થ. પછી વીરને થોડા ગુસ્સાથી સમજાવ્યો તે પણ વ્યર્થ. છેવટે તો નાનકડા વીરને માર્યો પણ. એ પણ વ્યર્થ. છેવટે કંટાળીને તેને હોસ્ટેલ મોકલી દીધો. ત્યાં વીરને તો ખૂબ મજા આવી પણ હોસ્ટેલવાળા બાળકોની ને શિક્ષકોની મજા બગડી. એટલે વીર ત્યાંથી પણ પાછો ઘરે. આ છેલ્લો પ્રયત્ન પણ વ્યર્થ...


હવે છાયાબેને તો બધું ઈશ્વર પર જ છોડી દીધું હતું. જ્યારે કેતનભાઈ વીર સાથે માથાકૂટ કરતા. સમજાવતા, ધમકાવતા..


વીરને પહેલેથી જ આવી રીતે ઉછેરવામાં આવ્યો હતો. એટલે હવે વીરને કોઈના ગુસ્સાથી કે પ્રેમથી કોઈ જ ફરક પડતો નહિ. એ બસ પોતાની રીતે જ જીવતો.


નાનકડો વીર હવે મોટો થઈ ગયો છે. શાળાએ જતો વીર હવે ટ્રેનિંગ સેન્ટરે જવા લાગ્યો છે. બાવીસ વર્ષનો વીર ખૂબ મોટા વાળ અને દાઢી રાખવા લાગ્યો છે.

વીર ઘરે ખૂબ ઓછો રહેતો. વધુ તો એ ટ્રેનિંગ સેન્ટરે જ રહેતો. વીર ઘરે એકાદ કલાક રહે તો પણ કેતનભાઈ સાથે બનતું નહિ. એટલે તે મોટાભાગે બહાર જ રહેતો પણ ક્યાં રહેતો, શું કરતો, ક્યાં સુઈ જતો.. આ બધી બાબતો તો ફક્ત વીર જ જાણતો. કેતનભાઈ તેને પૂછતા પણ તેમને તોછડાઈથી જવાબ મળતો. એટલે ફરી બંને વચ્ચે ઝઘડો થતો.

આ જ કારણથી વીર ઘરની બહાર જ રહેતો.

" આવી ગયો ? આજે શું નવા કાંડ કરીને આવ્યો ?" વીરને આવતો જોઈને જ કેતનભાઈ બોલી ઉઠયા.

" ઘરમાં રહું તો વાંધો, બહાર હોઉં તો વાંધો. તમારો પ્રોબ્લેમ શું છે ?" વીર થોડા ગુસ્સાથી બોલ્યો.

" તારા આ જે ખરાબ કામો છે ને એ જ મારો પ્રોબ્લેમ છે. સમજ્યો ?" કેતનભાઈ પણ ગુસ્સાથી બોલ્યા.

" ખરાબ કામની વાતો પણ કોણ કરે છે.. !" વીર કેતનભાઈને સંભળાવતો હોય એમ બોલ્યો.

" તારા વિશે ક્યારેય વિચાર્યું છે તે ? ખૂની છે તું. કેટલા નિર્દોષ લોકોને આજ સુધીમાં તે મારી નાખ્યા છે. આતંકવાદી છે તું." કેતનભાઈ ઊંચા અવાજે બોલ્યા.

" બસ.. બોવ થયું તમારું. એક બાળકને ઢંગથી ઉછેરાયું નહી ને પાછા તો આટલા ઉગ્ર થાઓ છો. ઓળખું છું તમને અને તમારા દેખાડાને..."

" વીર... તને ઢંગથી જ ઉછેર્યો હતો પણ તને તારા સ્વભાવની ખબર છે ? હંમેશા માર-પીટ, ઝઘડો.. આના સિવાય બીજું ક્યારેય કંઈ કર્યું છે ખરું તે ? " કેતનભાઈનો ગુસ્સો હવે આસમાને હતો.

" હા.. ખરાબ છું હું. તમને તો કયારેય હું માણસ લાગ્યો જ નથી પણ તમે તો સારા છો ને ? માણસ છો ને ? તો પણ મારામાં ખરાબી જ દેખાઈ તમને. "

" તું માણસ કહેવાને લાયક જ નથી. હત્યારો છે. લોકોને મારવા સિવાય કર્યું છે કંઈ તે ?"

થોડી વાર શાંત રહીને વીર બોલ્યો, " દુનિયાની સૌથી સુંદર રચના હોય ને તો એ છે ચાંદ. બે ઘડી પણ એને જોઈ લો તો મન શાંત થઈ જાય. આંખોને ઠંડક મળી જાય પણ એ અતિ સુંદર ચાંદમાં પણ તમને ' માણસ 'ને તો ડાઘ જ દેખાય ને ?"

" એટલે તારો મતલબ એવો છે કે તું ચાંદ છે !" કેતનભાઈ નકારાત્મક રીતે હસે છે અને ફરી બોલે છે, " ઓ ભાઈ... તું તારી સરખામણી ચાંદ સાથે તો બિલકુલ ના કર અને બીજી વાત કે તારામાં એક પણ સારો ગુણ નથી એ તું ભૂલે છે. "

" અભિમાન છે ને તમને તમારા પર ? તમારા આ કહેવાતા ઉચ્ચ વિચારો પર ? તો ભૂલ કરી રહ્યા છો તમે. "

છાયાબેન રસોડામાંથી બંનેને સાંભળતા હતા. બંનેને શાંત પાડવાનો પ્રયત્ન પણ કરતા હતા પણ કેતનભાઈ અને વીર તો આજે સંપૂર્ણ રીતે ઝઘડાના મૂડમાં જ હતા. છાયાબેનની વાત સાંભળવા કોઈ જ તૈયાર નહોતું. છેવટે તે ચૂપ રહેવુ જ યોગ્ય સમજે છે.

" તને હવે ભૂલ પણ દેખાવા લાગી ? તો જરાક તારી અંદર પણ નજર કરી જોજે. " કેતનભાઈનો ગુસ્સો તો હજુ એવો જ છે.

" મને મારી અને તમારી બંનેની બધી જ ખબર છે. બંદૂકથી પ્રેમ છે ને મને ! તો સારો પોલીસ બનાવવો હતો ! આર્મી માટે પ્રેરિત કરવો હતો મને ! પણ નહીં... તમને તો તમારા વિચારો અને સમાજ જે કહે તે જ સાચું લાગે. મારા બંદૂકના લગાવને જો બીજી રીતે જોયો હોત તો આજે દેશની સેવા કરતો હોત. પણ તમે તો ચાંદનો એ ડાઘ જોવામાં જ વ્યસ્ત હતા. અરે ડાઘ એ ચાંદમાં નહીં, મને તો તમારા વિચારોમાં દેખાય છે ! " વીર થોડા ગુસ્સાથી મનમાં જે હતું એ બધું જ બોલી દે છે.

અત્યાર સુધી વીર પર ખૂબ જ ગુસ્સો કરતા કેતનભાઈ પણ વિચારમાં પડી જાય છે. એ અચાનક ચૂપ થઈ જાય છે અને સોફા પર બેસી જાય છે.એમને પણ વીરની વાત સાચી લાગતી હતી. રસોડામાંથી આ બધું સાંભળતા છાયાબેન પણ રૂમ તરફ આવે છે અને કેતનભાઈની બાજુમાં બેસે છે.

સાચે જ પોતાના વિચારોમાં એમને બંનેને આજે ડાઘ લાગતો હતો. બંનેના મનમાં પોતાના માટે જ અસંખ્ય સવાલો અને પારાવાર પસ્તાવો હતો જે આંખમાં આવેલા આંસુ કહી રહ્યા હતા.

વીરની આંખો પણ થોડી ભીની થઈ હતી. એ ગુસ્સામાં જ ત્યાંથી જતો રહ્યો. કદાચ હંમેશના માટે...


કેતનભાઈને અને છાયાબેનને આટલા વર્ષો પછી એવું લાગ્યું કે કદાચ અમે વીરને સમજવાની ક્યારેય કોશિશ જ ના કરી. લોકોની વાતો માનવાની જ કદાચ આ સજા છે ! પોતાના માટે તો એમને દુઃખ થયું પરંતુ સાથે સાથે દેશને એક વીર ના મળ્યો એનું પણ દુઃખ હતું.

હજુ તો બંનેના મનમાં આવી ગડમથલો ચાલતી હતી ત્યાં અચાનક જ એક અજાણી છોકરી એમના ઘરે આવે છે. ઘરના બારણે ઉભી રહીને તે બોલે છે,

" હેલો મિસ્ટર એન્ડ મિસેસ નાઈક ! માયસેલ્ફ રુહાની. આઈ એમ ન્યુઝ રિપોર્ટર. "

" સોરી મેડમ ! મને ખબર છે તમે વીર વિશે માહિતી મેળવવા આવ્યા છો પણ આ સમયે અમારે કોઈ જ વાત નથી કરવી." કેતનભાઈ બોલ્યા.

" હા, હું વીર વિશે વાત કરવા માટે જ આવી છું પણ કંઈ જાણવા નહિ, કંઈક કહેવા."

કેતનભાઈએ રુહાનીને અંદર બોલાવી.

" હું ન્યુઝ રિપોર્ટર છું અને સાથે સાથે રિસર્ચર પણ છું. હું અને અમારી ટિમ આતંકવાદીઓ ઉપર રિસર્ચ કરીએ છીએ. મારુ રિસર્ચ વીર પર હતું. એની એક એક મિનિટની ખબર રાખીને અહેવાલ તૈયાર કરવામાં આવે છે અને તે આપણા દેશની ગુપ્ત રિસર્ચ સંસ્થાને મોકલવામાં આવે છે. આમ તો હું તમને વીર વિશે કંઈ જ જણાવી ના શકું પણ મેં થોડી વાર પહેલાની બધી જ વાતો સાંભળી. એટલે મને થયું કે તમારી સાથે વીર વિશે વાત કરું."


કેતનભાઈને અને છાયાબેનને વીર વિશે વધુ જાણવાનું મન થાય છે એટલે તે રુહાનીની વાત ધ્યાનથી સાંભળે છે.

"થોડા દિવસો પહેલાના એક અહેવાલ મુજબ વીર એક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો. શરૂઆતમાં તો તે એક ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લેવા જતો. પછીથી તે સંગઠનના કહ્યા મુજબ હુમલા અને ખૂન કરતો. આટલી માહિતી અમારી ટિમને અને લોકોને ખબર છે પરંતુ હું વીર વિશે એવું કંઈક જાણું છું જે કદાચ હું જ જાણું છું." રુહાની બોલી.

" જો તમને કંઈ પ્રોબ્લેમ ના હોય તો મારે વીર વિશે બધું જ જાણવું છે. " કેતનભાઈ બોલ્યા.

" આમ તો અમે અમારી માહિતી કોઈને જણાવી ના શકીએ પરંતુ તમે વીરના માતા - પિતા છો. એટલે તમને વિરની દરેક માહિતી પર હક છે. "

" વીરને અમે તો આટલા વર્ષ સુધી સમજી ના શક્યા પણ તમે અમારા માટે આજે એક નવી આશ લઈને આવ્યા છો. અમે હૃદયથી તમારા આભારી છીએ. " છાયાબેન બોલ્યા.

રુહાની વીરનો ભૂતકાળ રજૂ કરે છે,

" વીરને પહેલેથી જ બંદૂક ખૂબ ગમતી જે તમે તો જાણો જ છો પરંતુ તમે લોકોની વાત સાંભળી અને વીરના બંદૂકપ્રેમને બીજી દ્રષ્ટિથી જોયો જ નહિ. વીર શાળામાં હતો ત્યારે પણ તે માત્ર એ જ બાળકોને પરેશાન કરતો જે વીરને પરેશાન કરતા. ત્યારે કદાચ તમારી પાસે એટલો સમય નહીં હોય કે તમે વીર સાથે બેસીને શાળાએ શું થયું એ બાબતે વાત કરી શકો...

વીર આતંકવાદી હતો એ વાત બિલકુલ સાચી છે પરંતુ તે ભગવાન ખ્રિસ્તમાં ખૂબ માને છે. તે રોજે ચર્ચ જાય. મેં ત્યાંના ફાધર સાથે વાત કરી ત્યારે મને જાણવા મળ્યું કે વીર જ્યારે પણ કંઈ ખોટું કામ કરતો ત્યારે તે ફાધરને બધું કહી દેતો. ફાધર તેને સમજાવતા. તેને સમજતા... ફાધર પાસેથી મને એ પણ જાણવા મળ્યું હતું કે થોડા દિવસોથી વીરે એ બધા જ ખોટા કામો છોડી દીધા હતા. હવે આપણે આને ભગવાનનો ચમત્કાર સમજીએ કે ફાધરનો પણ અત્યારે વીર કોઈ જ ખોટા કામ સાથે જોડાયેલો નથી અને મોટા ભાગનો સમય તે ફાધર સાથે જ વીતાવે છે.

અને હા.. બીજી વાત, વીરને આર્મીમાં જોડાવાની ખૂબ ઈચ્છા છે પરંતુ તેની ખરાબ છાપના લીધે તે જોડાઈ શકતો નથી. " રુહાની આટલું બોલીને ચૂપ થઈ જાય છે.

કેતનભાઈ અને છાયાબેનની આંખમાં પસ્તાવના આંસુ હતા.

" અમે વીરને અમારો પ્રેમ ના આપી શક્યા. બસ બીજાની વાતોને જ સાચી માની. એના લીધે જ આજે વીર અમને નફરત કરે છે. " કેતનભાઈ બોલ્યા.

" ના સર ! એ તમને નફરત નથી કરતો. અત્યારે થોડીવાર પહેલા જ્યારે એ તમારી સાથે ઝઘડતો હતો ત્યારે વીરે તમને એક પણ વાર ' તું ' નથી કહ્યું. એ હંમેશા તમારો આદર કરે છે. ફાધરના કહેવા પ્રમાણે તેની દરેક પ્રાર્થનામાં તમે જ હોવ છો. તે તો બસ તમારા વિચારો બદલવા માંગતો હતો. " રુહાની બોલી.

કેતનભાઈને અને છાયાબેનને બધું જ સમજાય જાય છે. પોતે ખૂબ મોટી ભૂલ કરી હોય તેવું પણ લાગે છે. તેના પ્રાયશ્ચિત રૂપે તેઓ લોકોની ખરાબ વાત સાંભળ્યા વિના અમુક અનાથ બાળકોને સાચવવાનો નિર્ણય લે છે.

બીજી બાજુ વીરને પ્રેમ કરી બેસેલી રુહાની પણ ત્યાંથી આંખમાં થોડા આંસુ સાથે જતી રહે છે કેમકે રુહાની જાણતી હતી કે વીર થોડી જ વારમાં તે દેશ છોડીને પોતાની જિંદગી નવેસરથી શરૂ કરવા માટે નીકળવાનો હતો...